સવાલ-જવાબ
◼ બાપ્તિસ્મા પામવાની મંજૂરી મળે એ પહેલાં, પ્રકાશકે કેટલો સમય મિટિંગમાં આવવું જોઈએ અને પ્રચાર કરવો જોઈએ?
બાપ્તિસ્મા પામવું એ વ્યક્તિએ લીધેલો સૌથી મહત્ત્વનો નિર્ણય છે. તેથી, બાપ્તિસ્મા પામવાની મંજૂરી મળે એ પહેલાં, તેમને એટલી તો સમજણ હોવી જોઈએ કે ઈશ્વર શું ચાહે છે. વધુમાં, તે બતાવતા હોવા જોઈએ કે પોતે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવાનું નક્કી કર્યું છે.
ભેગા મળવાનું પડતું ન મૂકવાની આજ્ઞા યહોવાના ભક્તોને આપવામાં આવી છે. એટલે, બાપ્તિસ્મા પામ્યા પહેલાં પ્રકાશક સભાઓમાં નિયમિત આવવા પૂરેપૂરી મહેનત કરતા હોવા જોઈએ. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) મોટા ભાગે તે સભાઓમાં જવાબ પણ આપતા હોવા જોઈએ. તેમ જ, તેમણે દેવશાહી સેવા શાળામાં નામ નોંધાવ્યું હોવું જોઈએ. જોકે, એ ફરજિયાત નથી.
વધુમાં, યહોવાના ભક્તોને રાજ્યની ખુશખબર જણાવવાની અને શિષ્યો બનાવવાની આજ્ઞા આપવામાં આવી છે. તેથી, બાપ્તિસ્મા પામ્યા પહેલાં પ્રકાશક પ્રચારમાં નિયમિત આવતા હોવા જોઈએ. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) બાપ્તિસ્મા પામી શકે એ પહેલાં તેમણે કેટલા મહિના પ્રચાર કરવો જોઈએ? દેખીતી રીતે, તેમને પૂરતો સમય આપવો જોઈએ, જેથી તે બતાવી શકે કે પોતે દર મહિને નિયમિત અને હોંશથી પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. (ગીત. ૭૮:૩૭) જોકે, તે પ્રચાર શરૂ કરે અને બાપ્તિસ્મા પામવા તૈયાર હોય એ વચ્ચે બહુ લાંબો સમય હોવો જરૂરી નથી, ફક્ત થોડા મહિનાઓ હોય શકે. તેમણે કેટલા કલાક પ્રચારનો અહેવાલ આપવો જોઈએ? એ માટે કોઈ કડક નિયમો નથી. વડીલોએ દરેક પ્રકાશકના સંજોગોનો વિચાર કરી અને વાજબી બનવું જોઈએ.—લુક ૨૧:૧-૪.
વડીલો (અથવા વડીલો ઓછા હોય એવા મંડળોમાં સેવકાઈ ચાકરો) બાપ્તિસ્મા લેવા ચાહતી વ્યક્તિને મળે ત્યારે યાદ રાખવું જોઈએ કે દરેક વ્યક્તિ અલગ છે. એટલે, વડીલોએ સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ કે વ્યક્તિ બાપ્તિસ્મા લેવા તૈયાર છે કે નહિ. તેઓ જોવા માંગશે કે તે યહોવાના ભક્તોમાંના એક બનવા દિલથી ચાહે છે. તેમ જ, યહોવાના સંગઠનનો ભાગ બનવા અને પ્રચાર કરવાને તે એક લહાવો ગણે છે. વડીલો સમજશે કે તેમને હજુ સત્યનો એટલો અનુભવ નથી અથવા તેમણે અનુભવી પ્રકાશકોની જેમ આવડત કેળવી નથી. વડીલોને લાગે કે વ્યક્તિ બાપ્તિસ્મા માટે તૈયાર નથી તો, તેઓએ એ નિર્ણય માટે પ્રેમથી બાઇબલના આધારે કારણો જણાવવા જોઈએ અને જોઈતી મદદ પૂરી પાડવી જોઈએ.