વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 માર્ચ પાન ૧૪-૧૯
  • ઈસુની જેમ ઉત્સાહથી પ્રચાર કરવાનું શીખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુની જેમ ઉત્સાહથી પ્રચાર કરવાનું શીખીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈસુએ યહોવાની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન આપ્યું
  • ઈસુએ બાઇબલ ભવિષ્યવાણી પર ધ્યાન આપ્યું
  • ઈસુએ મદદ માટે યહોવા પર આધાર રાખ્યો
  • ઈસુએ ભરોસો રાખ્યો કે અમુક લોકો સંદેશો સાંભળશે
  • પ્રચારકામમાં કઈ રીતે વધારે ખુશી મેળવી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • પ્રેમથી પ્રેરાઈને પ્રચાર કરતા રહો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—શાખા પ્રતિનિધિ સાથે
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 માર્ચ પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૧૧

ગીત ૧૪૨ દરેકને જણાવ્યે

ઈસુની જેમ ઉત્સાહથી પ્રચાર કરવાનું શીખીએ

“[ઈસુ] . . . જે જે શહેર અને જગ્યાએ જવાના હતા, ત્યાં પોતાની આગળ બબ્બેને મોકલ્યા.”—લૂક ૧૦:૧.

આપણે શું શીખીશું?

ઈસુની જેમ ઉત્સાહથી પ્રચાર કરી શકીએ એ માટે ચાર રીતો જોઈશું.

૧. યહોવાના ભક્તોમાં અને ખ્રિસ્તી હોવાનો દાવો કરનાર લોકોમાં કયો ફરક છે?

યહોવાના ભક્તોમાં પ્રચાર કરવાનો જબરજસ્ત ઉત્સાહa હોય છે. (તિત. ૨:૧૪) એ વાતે તેઓ ખ્રિસ્તી હોવાનો દાવો કરનાર લોકો કરતાં સાવ જુદા છે. પણ અમુક વાર કદાચ પ્રચાર માટેનો તમારો ઉત્સાહ ઠંડો પડી જાય. તમને કદાચ એક મહેનતુ વડીલ જેવું લાગે, જેમણે કહ્યું: “ક્યારેક તો મને પ્રચાર કરવાની ઇચ્છા જ થતી નથી.”

૨. શાના લીધે પ્રચારકામમાં ઉત્સાહ જાળવી રાખવો અઘરું લાગી શકે?

૨ કદાચ આપણને પ્રચારકામ કરતાં યહોવાની બીજી રીતોએ સેવા કરવાનું વધારે ગમતું હોય. શા માટે? આનો વિચાર કરો: જ્યારે યહોવાની ભક્તિમાં વપરાતી ઇમારતોના બાંધકામમાં કે સમારકામમાં ભાગ લઈએ છીએ, રાહતકામમાં મદદ કરીએ છીએ અથવા ભાઈ-બહેનોને ઉત્તેજન આપીએ છીએ, ત્યારે એનાં સારાં પરિણામો તરત જોઈ શકીએ છીએ. એ પરિણામો જોઈને આપણને ખુશી અને સંતોષ મળે છે. ભાઈ-બહેનો સાથે કામ કરીએ છીએ ત્યારે, એકબીજાને પ્રેમ બતાવીએ છીએ અને શાંતિ જાળવીએ છીએ. આપણને ખબર છે કે ભાઈ-બહેનો માટે જે કંઈ કરીએ છીએ, એની તેઓ કદર કરે છે. બીજી બાજુ, કદાચ આપણે વર્ષોથી એક જ પ્રચાર વિસ્તારમાં ખુશખબર જણાવતા હોઈએ અને બહુ ઓછા લોકો આપણો સંદેશો સાંભળવા માંગતા હોય. કદાચ પ્રચારમાં એવા લોકોને મળીએ જેઓ સંદેશો સાંભળવાની ચોખ્ખી ના પાડે અને આપણને ઉતારી પાડે. આપણે એ પણ જાણીએ છીએ કે જેમ જેમ અંત નજીક આવતો જાય છે, તેમ તેમ કદાચ લોકોને આપણો સંદેશો વધારે કડવો લાગે. (માથ. ૧૦:૨૨) તો પછી, પ્રચારકામમાં આપણો ઉત્સાહ જાળવી રાખવા અને એને વધારવા શાનાથી મદદ મળી શકે?

૩. લૂક ૧૩:૬-૯માં આપેલા ઉદાહરણમાંથી ઈસુના ઉત્સાહ વિશે શું શીખવા મળે છે?

૩ પ્રચારકામમાં ઉત્સાહ બતાવવા વિશે આપણે ઈસુ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. તે પૃથ્વી પર હતા ત્યારે તેમણે કદી પણ પ્રચારકામમાં પોતાનો ઉત્સાહ ઠંડો પડવા ન દીધો. હકીકતમાં સમય વીતતો ગયો તેમ તેમણે બમણા જોશથી પ્રચાર કર્યો. (લૂક ૧૩:૬-૯ વાંચો.) એક ઉદાહરણમાં તેમણે પોતાના પ્રચારકામની સરખામણી એક દ્રાક્ષાવાડીના માળી સાથે કરી. એ માળીએ ત્રણ વર્ષ સુધી અંજીરના ઝાડની સારસંભાળ રાખવા સખત મહેનત કરી હતી. પણ હજી સુધી એને ફળ લાગ્યાં ન હતાં. એવી જ રીતે, ઈસુએ ત્રણ વર્ષ સુધી યહૂદીઓને પ્રચાર કર્યો હતો, પણ મોટા ભાગના યહૂદીઓ તેમના શિષ્યો બન્યા ન હતા. જોકે, જેમ દ્રાક્ષાવાડીના માળીએ અંજીરીને ફળ લાગવાની આશા છોડી ન દીધી, તેમ ઈસુએ પણ એવું વિચારી ન લીધું કે લોકો તેમનો સંદેશો નહિ સાંભળે. એને બદલે તેમણે લોકોનાં દિલ સુધી પહોંચવા વધારે મહેનત કરી.

૪. ઈસુ પાસેથી આપણે કઈ ચાર વાતો શીખી શકીએ?

૪ ઉત્સાહથી પ્રચાર કરી શકીએ એ માટે જરૂરી છે કે ઈસુએ જે શીખવ્યું અને કર્યું, એના પર ધ્યાન આપીએ. આ લેખમાં જોઈશું કે ઈસુએ ખાસ કરીને પોતાના સેવાકાર્યના છેલ્લા છ મહિના દરમિયાન કઈ રીતે ઉત્સાહ બતાવ્યો. (લૂક ૧૦:૧) હવે ચાલો જોઈએ કે ઈસુ પાસેથી કઈ ચાર વાતો શીખી શકીએ: (૧) તેમણે યહોવાની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન આપ્યું, (૨) તેમણે બાઇબલ ભવિષ્યવાણી પર ધ્યાન આપ્યું, (૩) મદદ માટે તેમણે યહોવા પર આધાર રાખ્યો અને (૪) તેમણે ભરોસો રાખ્યો કે અમુક લોકો તેમનું સાંભળશે.

ઈસુએ યહોવાની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન આપ્યું

૫. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તેમના માટે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી સૌથી મહત્ત્વનું હતું?

૫ ઈસુ જાણતા હતા કે ઈશ્વરની ઇચ્છા કઈ છે. એટલે તેમણે પૂરા ઉત્સાહથી લોકોને “ઈશ્વરના રાજ્યની ખુશખબર” જણાવી. (લૂક ૪:૪૩) તેમના માટે પ્રચારકામ વધારે મહત્ત્વનું હતું. પોતાના સેવાકાર્યના છેલ્લા અમુક મહિનાઓ દરમિયાન પણ લોકોને શીખવવા તે “શહેરો અને ગામોમાં ગયા.” (લૂક ૧૩:૨૨) વધુમાં તેમણે બીજા ઘણા શિષ્યોને પ્રચાર કરવાની તાલીમ આપી.—લૂક ૧૦:૧.

૬. પ્રચારકામ કઈ રીતે યહોવાની સેવાનાં બીજાં કામો સાથે જોડાયેલું છે? (ચિત્ર પણ જુઓ.)

૬ આજે પણ યહોવા અને ઈસુ ચાહે છે કે આપણે પ્રચારકામને ખૂબ મહત્ત્વનું ગણીએ. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) યહોવાની સેવામાં આપણે જે કંઈ કરીએ છીએ, એ સીધેસીધું પ્રચારકામ સાથે જોડાયેલું છે. દાખલા તરીકે, આપણે પ્રાર્થનાઘરો બાંધીએ છીએ, જેથી જે લોકોને પ્રચાર કરીએ છીએ તેઓ યહોવાની ભક્તિ કરવા ત્યાં આવી શકે. આપણે બેથેલમાં જે કંઈ કામ કરીએ છીએ, એ પ્રચારકામને ટેકો આપે છે. આફત આવે ત્યારે આપણે ભાઈ-બહેનોને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડીએ છીએ. જોકે રાહતકામનો ફક્ત એ જ હેતુ નથી. આપણે ચાહીએ છીએ કે ભાઈ-બહેનો આફતમાંથી બહાર આવે અને ફરીથી સભાઓમાં અને પ્રચારમાં ભાગ લે. એટલે ખૂબ જરૂરી છે કે પ્રચારકામનું મહત્ત્વ સમજીએ અને યાદ રાખીએ કે આપણે પ્રચારકામ કરીએ એવી યહોવાની ઇચ્છા છે. જો એમ કરીશું તો પ્રચારમાં લાગુ રહેવાની ઇચ્છા જાગશે. હંગેરીમાં રહેતા યોનોશ નામના વડીલ કહે છે: “હું પોતાને યાદ અપાવું છું કે યહોવાની સેવાનું કોઈ પણ કામ પ્રચારકામની જગ્યા નથી લઈ શકતું. એ આપણી મુખ્ય સોંપણી છે.”

ચિત્રો: ૧. એક ભાઈ ભક્તિમાં વપરાતી કોઈ ઇમારતનું બાંધકામ કરે છે. ૨. બીજા એક ભાઈ પોતાના ઘરેથી બેથેલ માટે સ્વયંસેવક તરીકે કામ કરે છે. ૩. પછીથી બંને ભાઈઓ સાથે મળીને પ્રચાર કરે છે.

આજે પણ યહોવા અને ઈસુ ચાહે છે કે આપણે પ્રચારકામને ખૂબ મહત્ત્વનું ગણીએ (ફકરો ૬ જુઓ)


૭. યહોવા કેમ ચાહે છે કે આપણે પ્રચાર કરતા રહીએ? (૧ તિમોથી ૨:૩, ૪)

૭ પ્રચારકામ માટે પોતાનો ઉત્સાહ વધારવાની બીજી એક રીત છે, લોકો વિશે યહોવા જેવા વિચારો રાખીએ. યહોવા ચાહે છે કે બને એટલા લોકો ખુશખબર સાંભળે અને પોતાના જીવનમાં ફેરફાર કરે. (૧ તિમોથી ૨:૩, ૪ વાંચો.) ખુશખબરથી લોકોનું જીવન બચી શકે છે. એટલે યહોવા હમણાં આપણને તાલીમ આપે છે, જેથી પ્રચારમાં વધારે સારી રીતે વાત કરી શકીએ. દાખલા તરીકે, પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકામાં અમુક સૂચનો આપ્યાં છે. એ સૂચનોની મદદથી આપણે સારી રીતે વાતચીત શરૂ કરવાનું અને બાઇબલ અભ્યાસ શરૂ કરવાનું શીખી શકીએ છીએ. એટલું જ નહિ, સમય જતાં વ્યક્તિને ઈસુના શિષ્ય બનવા મદદ કરી શકીએ છીએ. બની શકે કે એ વ્યક્તિ હમણાં યહોવાની ભક્તિ ન કરે. પણ મોટી વિપત્તિના અંત પહેલાં તેને એમ કરવાની તક મળી શકે છે. કદાચ એ સમયે તેને યાદ આવે કે આપણે શું કહ્યું હતું અને તે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લે. પણ એ ક્યારે શક્ય બનશે? પ્રચાર કરતા રહીશું તો જ!

ઈસુએ બાઇબલ ભવિષ્યવાણી પર ધ્યાન આપ્યું

૮. બાઇબલ ભવિષ્યવાણીઓ જાણવાને લીધે ઈસુએ કઈ રીતે પોતાના સમયનો સૌથી સારો ઉપયોગ કર્યો?

૮ ઈસુ સમજતા હતા કે બાઇબલ ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થશે. તે જાણતા હતા કે તેમણે સાડા ત્રણ વર્ષ સુધી પ્રચાર કરવાનો હતો. (દાનિ. ૯:૨૬, ૨૭) ભવિષ્યવાણીઓના અભ્યાસથી તે એ પણ જાણતા હતા કે ક્યારે અને કઈ રીતે તેમનું મરણ થશે. (લૂક ૧૮:૩૧-૩૪) એ બધું જાણવાને લીધે ઈસુએ પોતાના સમયનો સૌથી સારો ઉપયોગ કર્યો. પરિણામે તેમણે પૂરા ઉત્સાહથી લોકોને પ્રચાર કર્યો, જેથી પોતાને સોંપેલું કામ પૂરું કરી શકે.

૯. બાઇબલ ભવિષ્યવાણીઓ સમજવાથી કઈ રીતે ઉત્સાહથી પ્રચાર કરવા મદદ મળે છે?

૯ જે બાઇબલ ભવિષ્યવાણીઓ આપણા સમયમાં પૂરી થઈ રહી છે અને જે બહુ જલદી પૂરી થવાની છે, એના પર મનન કરીએ. એનાથી પ્રચાર કરવાની આપણી ઇચ્છા હજી વધશે. આપણે જાણીએ છીએ કે આ દુનિયાના દહાડા ભરાઈ ગયા છે. બાઇબલમાં પહેલેથી ભાખ્યું હતું કે છેલ્લા દિવસોમાં કયા બનાવો બનશે અને લોકો કેવા હશે. આજે એવું જ જોવા મળે છે. એ સાબિત કરે છે કે બાઇબલની એ ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે “અંતના સમયે” દક્ષિણનો રાજા ઉત્તરના રાજાની સામે થશે. (દાનિ. ૧૧:૪૦) આપણે સમજીએ છીએ કે એ ભવિષ્યવાણી દક્ષિણના રાજા એટલે કે બ્રિટન-અમેરિકા મહાસત્તા તેમજ ઉત્તરના રાજા એટલે કે રશિયા અને તેના મિત્ર દેશો વચ્ચેની દુશ્મનાવટને રજૂ કરે છે. આપણે એ પણ સમજીએ છીએ કે દાનિયેલ ૨:૪૩-૪૫માં જણાવેલી મૂર્તિનો પંજો બ્રિટન-અમેરિકા મહાસત્તાને રજૂ કરે છે. આપણને પૂરી ખાતરી છે કે એ ભવિષ્યવાણીમાં જણાવ્યું છે તેમ ઈશ્વરનું રાજ્ય બહુ જલદી માણસોની સત્તાનો અંત લાવી દેશે. એ બધી ભવિષ્યવાણીઓ બતાવે છે કે અંત હવે આંગણે આવીને ઊભો છે. એટલે આપણા સમયનો સૌથી સારો ઉપયોગ કરીએ અને પ્રચારકામમાં બનતું બધું કરીએ.

૧૦. બાઇબલ ભવિષ્યવાણીઓની મદદથી કઈ રીતે પ્રચાર કરતા રહેવાનો ઉત્સાહ વધે છે?

૧૦ બાઇબલ ભવિષ્યવાણીઓમાં એક સંદેશો પણ જોવા મળે છે, જે આપણે આતુરતાથી બીજાઓને જણાવવા માંગીએ છીએ. કૅરીબહેન ડોમિનિકન પ્રજાસત્તાકમાં સેવા આપે છે. તે કહે છે: “યહોવાએ આપેલાં ભાવિનાં જોરદાર વચનો પર વિચાર કરવાથી મને બીજાઓને એ વિશે જણાવવાનું મન થાય છે. જ્યારે લોકોને તકલીફોમાં જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે યહોવાએ એ વચનો ફક્ત મારા માટે જ નહિ, તેઓ માટે પણ આપ્યાં છે.” બાઇબલ ભવિષ્યવાણીઓ બતાવે છે કે યહોવા આપણને પ્રચારકામમાં મદદ કરે છે, એટલે આપણે પાછી પાની કરતા નથી. હંગેરીમાં રહેતાં લૈલાબહેન કહે છે: “યશાયા ૧૧:૬-૯માં આપેલાં વચનોથી મને એ લોકોને પણ પ્રચાર કરવાનું મન થાય છે, જેઓ વિશે લાગી શકે કે તેઓ ખુશખબર નહિ સાંભળે. હું જાણું છું કે યહોવાની મદદથી કોઈ પણ વ્યક્તિ બદલાઈ શકે છે.” ઝામ્બિયામાં રહેતા ક્રિસ્ટોફર કહે છે: “માર્ક ૧૩:૧૦માં ભાખ્યું છે તેમ, આજે આખી દુનિયામાં ખુશખબરનો પ્રચાર થઈ રહ્યો છે. એ ભવિષ્યવાણી પૂરી કરવામાં મારો ભાગ છે, એ મારા માટે બહુ મોટા સન્માનની વાત છે.” બાઇબલની કઈ ભવિષ્યવાણીઓથી પ્રચાર કરતા રહેવાનો તમારો ઉત્સાહ વધે છે?

ઈસુએ મદદ માટે યહોવા પર આધાર રાખ્યો

૧૧. પૂરા ઉત્સાહથી પ્રચાર કરતા રહેવા ઈસુએ કેમ યહોવા પર ભરોસો રાખવાની જરૂર હતી? (લૂક ૧૨:૪૯, ૫૩)

૧૧ ઈસુને ભરોસો હતો કે પૂરા ઉત્સાહથી પ્રચાર કરવા યહોવા તેમને મદદ કરશે. ખરું કે ઈસુએ બીજાઓ સાથે સમજી-વિચારીને અને માનથી વાત કરી. પણ તે જાણતા હતા કે રાજ્યના સંદેશાને લીધે અમુક લોકો ગુસ્સે ભરાશે અને સખત વિરોધ કરશે. (લૂક ૧૨:૪૯, ૫૩ વાંચો.) ઈસુના પ્રચારકામને લીધે ધાર્મિક આગેવાનોએ વારંવાર તેમને મારી નાખવાની કોશિશ કરી. (યોહા. ૮:૫૯; ૧૦:૩૧, ૩૯) પણ ઈસુ પ્રચાર કરતા રહ્યા, કેમ કે તે જાણતા હતા કે યહોવા તેમની સાથે હતા. તેમણે કહ્યું: “હું એકલો નથી. મને મોકલનાર પિતા મારી સાથે છે. . . . તેમણે મને એકલો મૂકી દીધો નથી, કારણ કે હું હંમેશાં એવાં જ કામો કરું છું જે તેમને પસંદ છે.”—યોહા. ૮:૧૬, ૨૯.

૧૨. સતાવણીના સમયમાં પણ શિષ્યો પ્રચાર કરતા રહે એ માટે ઈસુએ તેઓને કઈ રીતે તૈયાર કર્યા?

૧૨ ઈસુએ શિષ્યોને યાદ અપાવ્યું કે તેઓ પણ મદદ માટે યહોવા પર આધાર રાખી શકે છે. તેમણે વારંવાર ખાતરી અપાવી કે સતાવણીના સમયોમાં પણ યહોવા તેઓને મદદ કરશે. (માથ. ૧૦:૧૮-૨૦; લૂક ૧૨:૧૧, ૧૨) એ કારણે તેમણે શિષ્યોને સાવધ રહેવા અરજ કરી. (માથ. ૧૦:૧૬; લૂક ૧૦:૩) તેમણે સલાહ આપી કે જો કોઈ સંદેશો સાંભળવા માંગતું ન હોય, તો તેને દબાણ ન કરવું. (લૂક ૧૦:૧૦, ૧૧) તેમણે એમ પણ કહ્યું કે સતાવણી થાય તો ત્યાંથી નાસી જવું. (માથ. ૧૦:૨૩) ખરું કે ઈસુ ખૂબ ઉત્સાહી હતા અને તેમને યહોવા પર પૂરો ભરોસો હતો, તોપણ તેમણે વગર કામનું જોખમ ખેડી ન લીધું.—યોહા. ૧૧:૫૩, ૫૪.

૧૩. તમે કેમ ખાતરી રાખી શકો કે યહોવા તમને મદદ કરશે?

૧૩ આજે ઘણા લોકો આપણા પ્રચારકામનો વિરોધ કરે છે. એટલે પૂરા ઉત્સાહથી પ્રચાર કરતા રહેવા આપણને યહોવાની મદદની જરૂર છે. (પ્રકટી. ૧૨:૧૭) તમે કેમ ખાતરી રાખી શકો કે યહોવા તમને મદદ કરશે? ઈસુની પ્રાર્થના પર ધ્યાન આપો, જે યોહાન અધ્યાય ૧૭માં જોવા મળે છે. ઈસુએ યહોવાને વિનંતી કરી હતી કે તે પ્રેરિતોનું ધ્યાન રાખે. યહોવાએ ઈસુની એ પ્રાર્થના સાંભળી. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં જોવા મળે છે કે યહોવાની મદદથી પ્રેરિતો કઈ રીતે સતાવણી છતાં પૂરા ઉત્સાહથી પ્રચાર કરી શક્યા. એ પ્રાર્થનામાં ઈસુએ યહોવાને એ પણ વિનંતી કરી હતી કે જે લોકો પ્રેરિતોના સંદેશામાં શ્રદ્ધા મૂકે તેઓનું પણ તે ધ્યાન રાખે. એ લોકોમાં તમારો પણ સમાવેશ થાય છે! યહોવા આજે પણ ઈસુની એ પ્રાર્થનાનો જવાબ આપી રહ્યા છે. જેમ તેમણે પ્રેરિતોને મદદ કરી હતી, તેમ તે તમને પણ મદદ કરશે.—યોહા. ૧૭:૧૧, ૧૫, ૨૦.

૧૪. આપણે કેમ ખાતરી રાખી શકીએ કે અઘરા સંજોગોમાં પણ પ્રચાર કરતા રહી શકીશું? (ચિત્ર પણ જુઓ.)

૧૪ દુનિયાનો અંત નજીક આવતો જાય છે તેમ ખુશખબર ફેલાવવાનું કામ કદાચ વધારે અઘરું બને. પણ ઈસુએ ખાતરી આપી હતી કે પૂરા ઉત્સાહથી પ્રચાર કરતા રહેવા આપણને જેની જરૂર છે, એ બધું જ પૂરું પાડવામાં આવશે. (લૂક ૨૧:૧૨-૧૫) ઈસુ અને તેમના શિષ્યોની જેમ આપણે યાદ રાખીએ છીએ કે સંદેશો સાંભળવો કે નહિ, એ વ્યક્તિ પોતે નક્કી કરે છે. આપણે તેની સાથે દલીલો પણ કરતા નથી. જે જગ્યાઓએ આપણે છૂટથી પ્રચાર કરી શકતા નથી, ત્યાં પણ ભાઈ-બહેનો રાજ્યની ખુશખબર ફેલાવતાં રહ્યાં છે. કેમ કે તેઓ પોતાની તાકાત પર નહિ, પણ યહોવાની તાકાત પર આધાર રાખે છે. જેમ પહેલી સદીમાં યહોવાએ પોતાના ભક્તોને પવિત્ર શક્તિ આપી હતી, તેમ તે આજે આપણને પણ આપે છે. આમ, યહોવા પ્રચાર બંધ કરવાનું ન કહે ત્યાં સુધી આપણે “પૂરેપૂરી રીતે ખુશખબર” ફેલાવી શકીશું. (૨ તિમો. ૪:૧૭) તમે પાકો ભરોસો રાખી શકો કે જો યહોવા પર આધાર રાખશો, તો ઉત્સાહથી પ્રચાર કરતા રહી શકશો.

જે જગ્યાઓએ આપણે છૂટથી પ્રચાર નથી કરી શકતા, ત્યાં પણ આપણાં ભાઈ-બહેનો સાવધ રહીને પ્રચાર કરતા રહે છે (ફકરો ૧૪ જુઓ)b


ઈસુએ ભરોસો રાખ્યો કે અમુક લોકો સંદેશો સાંભળશે

૧૫. કેમ કહી શકીએ કે અમુક લોકો સંદેશો સાંભળશે એવો ઈસુને ભરોસો હતો?

૧૫ ઈસુને પૂરી ખાતરી હતી કે અમુક લોકો તેમનો સંદેશો સાંભળશે. એના લીધે તે પ્રચારકામમાં પોતાની ખુશી અને ઉત્સાહ જાળવી શક્યા. દાખલા તરીકે, સાલ ૩૦ના અંત ભાગમાં ઈસુએ જોયું કે ઘણા લોકો રાજ્યની ખુશખબર સાંભળવા તૈયાર હતા. તેમણે તેઓની સરખામણી એવાં ખેતરો સાથે કરી, જેઓ કાપણી માટે તૈયાર હતાં. (યોહા. ૪:૩૫) એકાદ વર્ષ પછી તેમણે શિષ્યોને કહ્યું: “ફસલ તો ઘણી છે.” (માથ. ૯:૩૭, ૩૮) પછીથી એ વાત પર ભાર મૂકતા તેમણે ફરીથી કહ્યું: “ફસલ તો ઘણી છે . . . ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે તે વધારે મજૂરો મોકલે.” (લૂક ૧૦:૨) ઈસુએ ભરોસો રાખ્યો કે તેમના પ્રચારકામનાં સારાં પરિણામો આવશે. જ્યારે લોકોએ તેમનો સંદેશો સાંભળ્યો, ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો.—લૂક ૧૦:૨૧.

૧૬. ઈસુના ઉદાહરણોથી કઈ રીતે જોવા મળે છે કે પ્રચારકામનાં સારાં પરિણામો આવશે? (લૂક ૧૩:૧૮-૨૧) (ચિત્ર પણ જુઓ.)

૧૬ શિષ્યોનો ઉત્સાહ જાળવી રાખવા ઈસુએ બીજું શું કર્યું? તેમણે શિષ્યોને યાદ અપાવ્યું કે તેઓ જે સંદેશાનો પ્રચાર કરે છે, એનાં ઘણાં સારાં પરિણામ આવે છે. એ સમજાવવા ઈસુએ બે ઉદાહરણો વાપર્યાં. (લૂક ૧૩:૧૮-૨૧ વાંચો.) પહેલા ઉદાહરણમાં તેમણે રાજ્યના સંદેશાની સરખામણી રાઈના બી સાથે કરી, જે વધીને મોટું ઝાડ બને છે. એનાથી તેમણે શીખવ્યું કે ઘણા લોકો રાજ્યનો સંદેશો સ્વીકારશે અને એવું થતા કોઈ રોકી નહિ શકે. બીજા ઉદાહરણમાં તેમણે રાજ્યના સંદેશાની સરખામણી ખમીર સાથે કરી. એનાથી તેમણે શીખવ્યું કે રાજ્યનો સંદેશો પૃથ્વીના ખૂણે ખૂણે ફેલાશે તેમજ લોકોને ફેરફારો કરવા મદદ મળશે, જે કદાચ તરત લોકોના ધ્યાનમાં નહિ આવે. આમ ઈસુએ શિષ્યોને એ જોવા મદદ કરી કે તેઓ જે સંદેશાનો પ્રચાર કરે છે એનાથી સાચે જ ઘણા લોકોને મદદ મળશે.

વધારે અવરજવર થતી હોય એવા રસ્તે બે બહેનો ટ્રૉલી પાસે ઊભી છે. ઘણા લોકો ઊભા રહ્યા વગર ત્યાંથી પસાર થાય છે.

ઈસુની જેમ આપણે ભરોસો રાખીએ છીએ કે અમુક લોકો આપણો સંદેશો સાંભળશે (ફકરો ૧૬ જુઓ)


૧૭. કયાં કારણોને લીધે આપણે પ્રચાર કરતા રહેવું જોઈએ?

૧૭ આપણા પ્રચારકામથી દુનિયા ફરતે ઘણા લોકોને મદદ મળી રહી છે. એનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રચાર કરતા રહેવાનું ઉત્તેજન મળે છે. દર વર્ષે રસ ધરાવનાર લાખો લોકો સ્મરણપ્રસંગે હાજર રહે છે અને આપણી પાસેથી બાઇબલમાંથી શીખે છે. હજારો લોકો બાપ્તિસ્મા લે છે અને આપણી સાથે મળીને પ્રચાર કરે છે. આપણે જાણતા નથી કે હજી કેટલા લોકો સંદેશો સાંભળીને યહોવાના ભક્ત બનશે. પણ એટલું જરૂર જાણીએ છીએ કે યહોવા મોટા ટોળાના લોકોને ભેગા કરી રહ્યા છે, જેઓ આવનાર મોટી વિપત્તિમાંથી બચી જશે. (પ્રકટી. ૭:૯, ૧૪) કાપણીના માલિક યહોવા ઈશ્વર છે. તેમને પૂરી ખાતરી છે કે ઘણા લોકો રાજ્યનો સંદેશો સાંભળશે અને તેમના ભક્ત બનશે. શું એ પ્રચાર કરતા રહેવાનું જોરદાર કારણ નથી?

૧૮. પ્રચારકામમાં આપણો ઉત્સાહ જોઈને લોકો શું જોઈ શકશે?

૧૮ ઈસુના ખરા શિષ્યોએ હંમેશાં ઉત્સાહથી પ્રચાર કર્યો છે અને એ તેઓની ઓળખ રહી છે. જ્યારે લોકોએ પ્રેરિતોને હિંમતથી અને ઉત્સાહથી પ્રચાર કરતા જોયા, ત્યારે “તેઓને ખ્યાલ આવ્યો કે એ માણસો ઈસુ સાથે હતા.” (પ્રે.કા. ૪:૧૩) પ્રચારકામમાં આપણો ઉત્સાહ જોઈને કદાચ લોકો જોઈ શકશે કે આપણે પણ ઈસુના પગલે ચાલીએ છીએ. તો ચાલો પૂરા ઉત્સાહથી પ્રચાર કરતા રહીએ.

તમે શું કહેશો?

  • પ્રચારકામમાં ઈસુ જેવો ઉત્સાહ બતાવવા આપણે શું કરી શકીએ?

  • ઈસુની જેમ યહોવા પર આધાર રાખવા આપણે શું કરી શકીએ?

  • પ્રચારકામનાં સારાં પરિણામો મળશે એવો ભરોસો રાખવા આપણે ઈસુ પાસેથી શું શીખી શકીએ?

ગીત ૧૪૧ તરસ્યા દિલોને શોધીએ

a શબ્દોની સમજ: આ લેખમાં “ઉત્સાહ” યહોવાની ભક્તિ માટેના જોશને અને આતુરતાને બતાવે છે.

b ચિત્રની સમજ: એક ભાઈ પેટ્રોલ પંપ આગળ એક માણસને સમજી-વિચારીને ખુશખબર જણાવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો