અભ્યાસ લેખ ૨૬
ગીત ૪૩ જાગતા રહીએ
નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
“સર્વશક્તિમાનને સમજવા આપણા ગજા બહારની વાત છે.”—અયૂ. ૩૭:૨૩.
આપણે શું શીખીશું?
મુશ્કેલીઓનો સામનો કરવા આ ત્રણ બાબતો આપણને મદદ કરશે: નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી, જે જાણીએ છીએ એના પર ધ્યાન આપીએ અને યહોવા પર ભરોસો રાખીએ.
૧. યહોવાએ આપણને કઈ રીતે બનાવ્યા છે અને શા માટે?
યહોવાએ આપણને અદ્ભુત રીતે બનાવ્યા છે. આપણે વિચારી શકીએ છીએ, નવી નવી વાતો શીખી શકીએ છીએ અને એ જીવનમાં કઈ રીતે લાગુ પાડવી એ સમજી શકીએ છીએ. યહોવાએ કેમ આપણને એ રીતે બનાવ્યા છે? કેમ કે તે ચાહે છે કે ‘ઈશ્વરનું જ્ઞાન આપણા હાથ લાગે’ અને આપણે સમજશક્તિનો ઉપયોગ કરીને તેમની ભક્તિ કરીએ.—નીતિ. ૨:૧-૫; રોમ. ૧૨:૧.
૨. (ક) આપણે પોતાના વિશે શું સ્વીકારવાની જરૂર છે? (અયૂબ ૩૭:૨૩, ૨૪) (ચિત્ર પણ જુઓ.) (ખ) આપણે બધું જાણતા નથી, એ વાત કેમ આપણા ભલા માટે છે?
૨ આમ તો આપણે ઘણું શીખી શકીએ છીએ, પણ એવું ઘણું છે જે આપણે જાણતા નથી. (અયૂબ ૩૭:૨૩, ૨૪ વાંચો.) અયૂબનો દાખલો લો. યહોવાએ તેમને ઘણા સવાલો પૂછ્યા. એનાથી અયૂબ સમજી શક્યા કે તે ઘણી વાતો જાણતા ન હતા. યહોવા સાથેની એ વાતચીતથી તેમને ખ્યાલ આવ્યો કે તેમણે નમ્ર બનવાની અને પોતાના વિચારોમાં ફેરફાર કરવાની જરૂર હતી. (અયૂ. ૪૨:૩-૬) આપણા વિશે શું? આપણે સ્વીકારવું જોઈએ કે આપણે બધું જાણતા નથી અને એ આપણા ભલા માટે છે. આમ, આપણે નમ્ર બની શકીશું તેમજ ભરોસો રાખી શકીશું કે સારા નિર્ણયો લેવા આપણે જે જાણવાની જરૂર છે એ યહોવા આપણને જરૂર જણાવશે.—નીતિ. ૨:૬.
આપણે અમુક વાતો જાણતા નથી. એ હકીકત સ્વીકારીશું તો અયૂબની જેમ આપણને પણ ફાયદો થશે (ફકરો ૨ જુઓ)
૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૩ આ લેખમાં આપણે એવી અમુક બાબતો પર ચર્ચા કરીશું જે વિશે આપણે જાણતા નથી. એ પણ જોઈશું કે એ ન જાણવાને લીધે કયા પડકારો આવી શકે તેમજ એ વિશે ન જાણવું કેમ આપણા ભલા માટે છે. આપણે જાણીએ છીએ કે યહોવા “પાસે સંપૂર્ણ જ્ઞાન છે.” (અયૂ. ૩૭:૧૬) એટલે એ મુદ્દાઓ પર ચર્ચા કરવાથી ભરોસો વધશે કે આપણે જે જાણવાની જરૂર છે, એ યહોવા ચોક્કસ જણાવે છે.
આપણે જાણતા નથી કે અંત ક્યારે આવશે
૪. માથ્થી ૨૪:૩૬ પ્રમાણે આપણે શું જાણતા નથી?
૪ માથ્થી ૨૪:૩૬ વાંચો. આપણે જાણતા નથી કે આ દુનિયાનો અંત ક્યારે આવશે. ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે “એ દિવસ અને ઘડી” વિશે તેમને પણ ખબર ન હતી.a પછીથી તેમણે પ્રેરિતોને જણાવ્યું કે અમુક બનાવો ક્યારે બનશે એ નક્કી કરવાનો “અધિકાર” યહોવાએ “પોતાની પાસે રાખ્યો છે.” (પ્રે.કા. ૧:૬, ૭) યહોવા સમયના પાબંદ છે. તેમણે આ દુનિયાના અંતનો સમય નક્કી કરી દીધો છે. પણ એવું ક્યારે બનશે એ જાણવું આપણી પહોંચની બહાર છે.
૫. અંત ક્યારે આવશે એ જાણતા ન હોવાને લીધે આપણને કેવું લાગી શકે?
૫ આપણે જાણતા નથી કે અંત આવવાની કેટલી રાહ જોવી પડશે. પરિણામે કદાચ આપણી ધીરજ ખૂટી જાય અથવા આપણે નિરાશ થઈ જઈએ. જો લાંબા સમયથી યહોવાના દિવસની રાહ જોતા હોઈએ, તો તો ખાસ એવું બની શકે. જો કુટુંબીજનો કે બીજાઓ આપણી મજાક-મશ્કરી કરતા હોય, તો કદાચ હિંમત હારી જઈએ. (૨ પિત. ૩:૩, ૪) આપણને થાય, ‘અંત ક્યારે આવશે એ દિવસની જો મને ખબર હોત, તો મારા માટે ધીરજ રાખવી અને લોકોનાં મહેણાં-ટોણાં સહન કરવાં થોડું સહેલું થઈ જાત.’
૬. અંત ક્યારે આવશે એ આપણે જાણતા નથી. એ કેમ આપણા ભલા માટે છે?
૬ જોવા જઈએ તો અંત ક્યારે આવશે એ ન જણાવીને યહોવાએ સારું કર્યું છે. તે આપણને સાબિત કરવાની તક આપે છે કે આપણે તેમના પરના પ્રેમ અને ભરોસાને લીધે તેમની ભક્તિ કરીએ છીએ. આપણે કોઈ ચોક્કસ તારીખને ધ્યાનમાં રાખીને યહોવાની ભક્તિ કરતા નથી. આપણે તો યુગોના યુગો સુધી તેમની ભક્તિ કરવા માંગીએ છીએ. એટલે “યહોવાનો દિવસ” ક્યારે આવશે એના પર વધારે પડતું ધ્યાન આપતા નથી. એના બદલે વિચારીએ છીએ કે એ દિવસ આવશે ત્યારે કઈ સારી બાબતો બનશે. આમ આપણે યહોવાની વધારે નજીક જઈએ છીએ, તેમના પરનો ભરોસો વધારીએ છીએ અને તેમને ખુશ કરવા બનતું બધું કરીએ છીએ.—૨ પિત. ૩:૧૧, ૧૨.
૭. આપણે શું જાણીએ છીએ?
૭ આપણે જે જાણીએ છીએ એના પર વિચાર કરવો પણ મહત્ત્વનું છે. આપણે જાણીએ છીએ કે ૧૯૧૪માં છેલ્લા દિવસોની શરૂઆત થઈ. યહોવાએ બાઇબલમાં એવી ઘણી ભવિષ્યવાણીઓ લખાવી છે, જેનાથી એ વાત સાબિત થાય છે. એમાં એ પણ જણાવ્યું છે કે એ વર્ષ પછી આ દુનિયાની હાલત કેવી થશે. પરિણામે આપણને ખાતરી છે કે “યહોવાનો મહાન દિવસ નજીક છે.” (સફા. ૧:૧૪) વધુમાં, આપણે યહોવાની ઇચ્છા જાણીએ છીએ. તે ચાહે છે કે આપણે બને એટલા લોકોને ‘રાજ્યની ખુશખબર’ જણાવીએ. (માથ. ૨૪:૧૪) એ ખુશખબર આજે લગભગ ૨૪૦ દેશોમાં અને ૧,૦૦૦ કરતાં વધારે ભાષાઓમાં જણાવવામાં આવી રહી છે. પૂરા ઉત્સાહથી પ્રચાર કરવા આપણે એ દિવસ કે ઘડી વિશે જાણવાની કોઈ જરૂર નથી.
આપણે જાણતા નથી કે યહોવા કઈ રીતે મદદ કરશે
૮. આપણે “સાચા ઈશ્વરનાં કામો” વિશે બધું જ જાણતા નથી એનો અર્થ શું થાય? (સભાશિક્ષક ૧૧:૫)
૮ આપણે “સાચા ઈશ્વરનાં કામો” વિશે બધું જ જાણતા નથી. (સભાશિક્ષક ૧૧:૫ વાંચો.) એ કામો શાને રજૂ કરે છે? યહોવા પોતાની ઇચ્છા પૂરી કરવા શું કરે છે અથવા શું થવા દે છે એને રજૂ કરે છે. આપણે સચોટ રીતે જાણી શકતા નથી કે યહોવા કેમ અમુક બાબતોને થવા દેશે અથવા આપણને મદદ કરવા શું કરશે. એ સમજવું આપણા ગજા બહારની વાત છે. (ગીત. ૩૭:૫) ચાલો એક દાખલો લઈએ: ગર્ભવતી સ્ત્રીના પેટમાં બાળકનો વિકાસ કઈ રીતે થાય છે, એ કોઈ સમજી શકતું નથી. વૈજ્ઞાનિકો પણ એ વિશે માથું ખંજવાળે છે. એવી જ રીતે, આપણે પૂરી રીતે જાણતા નથી કે યહોવા કઈ રીતે પગલાં ભરશે.
૯. આપણને મદદ કરવા યહોવા શું કરશે, એ જાણતા ન હોવાને લીધે શું થઈ શકે?
૯ યહોવા આપણને કઈ રીતે મદદ કરશે, એ જાણતા ન હોવાને લીધે શું થઈ શકે? આપણે અમુક નિર્ણયો લેતા અચકાઈએ. જેમ કે પ્રચારકામમાં વધારે કરી શકીએ એ માટે કદાચ જીવન સાદું બનાવતા અથવા વધારે જરૂર છે ત્યાં જઈને સેવા કરતા અચકાઈએ. અમુક વખતે શંકા કરવા લાગીએ કે યહોવાની કૃપા આપણા પર છે કે નહિ. એવું ક્યારે બની શકે? આપણે ધ્યેય પૂરો ન કરી શકીએ, પ્રચારકામમાં આપણી સખત મહેનતનું કોઈ ફળ ન મળે અથવા સંગઠનના કોઈ કામમાં ઘણી અડચણો આવે ત્યારે.
૧૦. આપણને મદદ કરવા યહોવા શું કરશે એ જાણતા ન હોવાને લીધે કયા ગુણો કેળવી શકીએ છીએ?
૧૦ આપણને મદદ કરવા યહોવા શું કરશે એ જાણતા નથી, એ આપણા માટે સારું છે. કેમ કે એનાથી આપણને નમ્રતા અને મર્યાદા જેવા મહત્ત્વના ગુણો કેળવવા મદદ મળે છે. આપણે સ્વીકારીએ છીએ કે યહોવાના વિચારો અને માર્ગો આપણા કરતાં ઘણા ઊંચા છે. (યશા. ૫૫:૮, ૯) આપણે યહોવા પર વધારે ભરોસો રાખવાનું શીખીએ છીએ કે તે સંજોગોને સૌથી સારી રીતે હાથ ધરશે. જ્યારે પ્રચારમાં કે સંગઠનની કોઈ સોંપણીમાં સારાં પરિણામો મળે છે, ત્યારે બધો મહિમા યહોવાને આપીએ છીએ. (ગીત. ૧૨૭:૧; ૧ કોરીં. ૩:૭) જો આપણા ધાર્યા પ્રમાણે ન થાય, તો યાદ રાખીએ છીએ કે હજી પણ બધું યહોવાના કાબૂમાં છે અને તે આપણને શાંતિ આપશે. (યશા. ૨૬:૧૨) આપણે પોતાનાથી થાય એટલું કરીએ છીએ અને યહોવા પર ભરોસો રાખીને બાકીનું બધું તેમના પર છોડી દઈએ છીએ. આપણે જાણીએ છીએ કે પહેલાંના જમાનાની જેમ યહોવા ચમત્કાર કરીને માર્ગદર્શન નહિ આપે. પણ તે કોઈક રીતે માર્ગદર્શન આપશે એવો ભરોસો જરૂર રાખીએ છીએ.—પ્રે.કા. ૧૬:૬-૧૦.
૧૧. આપણે કઈ મહત્ત્વની હકીકતો જાણીએ છીએ?
૧૧ આપણે જાણીએ છીએ કે યહોવા પ્રેમાળ, ન્યાયી અને બુદ્ધિશાળી ઈશ્વર છે. તે કદી બદલાતા નથી. તેમના માટે અને ભાઈ-બહેનો માટે જે કરીએ છીએ, એની તે ખૂબ કદર કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે જેઓ યહોવાને વફાદાર રહે છે, તેઓને તે હંમેશાં ઇનામ આપે છે.—હિબ્રૂ. ૧૧:૬.
આપણે જાણતા નથી કે કાલે શું થશે
૧૨. યાકૂબ ૪:૧૩, ૧૪ પ્રમાણે આપણે શું જાણતા નથી?
૧૨ યાકૂબ ૪:૧૩, ૧૪ વાંચો. આપણે જાણતા નથી કે કાલે આપણાં જીવનમાં શું થશે. એ સનાતન સત્ય છે. આ દુનિયામાં “સમય અને અણધાર્યા સંજોગોની” અસર બધાને થાય છે. (સભા. ૯:૧૧) એટલે આપણે જાણી શકતા નથી કે આપણી યોજનાઓ પાર પડશે કે નહિ, અથવા જો એ પાર પડશે તો એને જોવા આપણે જીવતા રહીશું કે નહિ.
૧૩. કાલે શું થશે એ જાણતા ન હોવાને લીધે આપણને કેવું લાગી શકે?
૧૩ ભાવિમાં શું થશે એની ખબર ન હોવી, એક પડકાર બની શકે છે. કઈ રીતે? કાલે શું થશે એની ચિંતા આપણી ખુશી છીનવી શકે. કદાચ અણધારી આફતો આવી પડે અને આપણું જીવન રાતોરાત બદલાઈ જાય. એવા વખતે દુઃખમાં ડૂબી જઈએ અને જીવનથી ત્રાસી જઈએ. જ્યારે આપણી અપેક્ષા પ્રમાણે ન થાય, ત્યારે નિરાશ થઈ જઈ શકીએ અને હિંમત હારી જઈ શકીએ.—નીતિ. ૧૩:૧૨.
૧૪. આપણને સાચી ખુશી શાનાથી મળશે? (ચિત્રો પણ જુઓ.)
૧૪ ભલે આપણાં જીવનમાં ગમે એવી મુશ્કેલીઓ આવે, પણ એમાં ટકી રહીને શું સાબિત કરી શકીએ છીએ? એ જ કે આપણે સ્વાર્થના લીધે નહિ, પણ પ્રેમના લીધે સ્વર્ગમાંના આપણા પિતાની ભક્તિ કરીએ છીએ. બાઇબલ અહેવાલોથી જોવા મળે છે કે આપણે એવી અપેક્ષા રાખવી ન જોઈએ કે યહોવા બધી તકલીફોથી આપણું રક્ષણ કરશે. એ પણ જોવા મળે છે કે યહોવા પહેલેથી નક્કી કરી દેતા નથી કે આપણાં જીવનમાં કયા બનાવો બનશે. તે જાણે છે કે ભાવિમાં શું બનશે એની ખબર હોવાથી સાચી ખુશી નહિ મળે. એને બદલે જો તેમનું માર્ગદર્શન લઈશું અને તેમની આજ્ઞાઓ પાળીશું, તો સાચી ખુશી મળશે. (યર્મિ. ૧૦:૨૩) નિર્ણયો લેતી વખતે યહોવા તરફ મીટ માંડીને જાણે કહીએ છીએ: “જો યહોવાની ઇચ્છા હશે, તો આપણે જીવીશું અને આ કામ કે પેલું કામ કરીશું.”—યાકૂ. ૪:૧૫.
જો યહોવાનું માર્ગદર્શન મેળવીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું, તો ખાતરી રાખી શકીશું કે તે આપણને મદદ કરશે (ફકરા ૧૪-૧૫ જુઓ)b
૧૫. આપણે ભાવિ વિશે શું જાણીએ છીએ?
૧૫ દરેક નવી સવાર આપણાં જીવનમાં શું લઈને આવશે એ આપણે નથી જાણતા. પણ એટલું જરૂર જાણીએ છીએ કે યહોવાએ આપણને હંમેશ માટેનું જીવન આપવાનું વચન આપ્યું છે, પછી ભલે એ સ્વર્ગમાં હોય કે આ પૃથ્વી પર. આપણે જાણીએ છીએ કે યહોવા જૂઠું બોલી શકતા નથી અને તેમને પોતાનાં વચનો પૂરાં કરવાથી કોઈ રોકી શકતું નથી. (તિત. ૧:૨) ફક્ત તે જ ‘શરૂઆતથી પરિણામ જાહેર કરી શકે છે, જે બનાવો હજી બન્યા નથી એ વિશે લાંબા સમય અગાઉથી જણાવી શકે છે.’ જૂના જમાનામાં બનેલા બનાવો માટે એ વાત સાચી હતી અને ભાવિના બનાવો માટે પણ એ વાત એટલી જ સાચી છે. (યશા. ૪૬:૧૦) આપણે છાતી ઠોકીને કહી શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આપણને યહોવાના પ્રેમથી જુદા પાડી શકશે નહિ. (રોમ. ૮:૩૫-૩૯) યહોવા આપણને બુદ્ધિ, દિલાસો અને તાકાત આપશે, જેથી જીવનમાં આવતી એકેએક મુશ્કેલીનો સામનો કરી શકીએ. આપણે ખાતરી રાખી શકીએ છીએ કે યહોવા આપણને મદદ કરશે અને આશીર્વાદ આપશે.—યર્મિ. ૧૭:૭, ૮.
આપણે પૂરી રીતે સમજી શકતા નથી કે યહોવા આપણને કેટલી સારી રીતે ઓળખે છે
૧૬. યહોવા આપણા વિશે શું જાણે છે? એ જાણીને તમને કેવું લાગે છે? (ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૬)
૧૬ ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૬ વાંચો. આપણા સર્જનહાર આપણા વિશે બધું જ જાણે છે. તે આપણી લાગણીઓ, વિચારો અને એના પાછળનું કારણ જાણે છે. તે આપણા શબ્દો અને શબ્દો પાછળની ભાવના જાણે છે. તેમને ખબર છે કે આપણે શું કરીએ છીએ અને કેમ કરીએ છીએ. રાજા દાઉદે કહ્યું તેમ યહોવાની રહેમનજર હંમેશાં આપણા પર હોય છે અને આપણને મદદ કરવા તે તત્પર હોય છે. જરા વિચારો, આખા વિશ્વના માલિક, સ્વર્ગ અને ધરતીને બનાવનાર મહાન સર્જનહાર આપણા જેવા મામૂલી માણસો પર ધ્યાન આપે છે. શું એ જાણીને આપણાં રુવાંટાં ઊભાં થઈ જતાં નથી? આપણને પણ દાઉદ જેવું લાગે છે, જેમણે કહ્યું હતું: “એ બધું જાણવું મારી સમજની બહાર છે, એ એટલું અદ્ભુત છે કે હું એને સમજી શકતો નથી.”—ગીત. ૧૩૯:૬.
૧૭. યહોવા આપણને સારી રીતે ઓળખે છે એ માનવું કેમ અઘરું લાગી શકે?
૧૭ કદાચ આપણા ઉછેર, સમાજ કે અગાઉની માન્યતાઓને લીધે એ માનવું અઘરું લાગી શકે કે યહોવા એક પ્રેમાળ પિતા છે અને તેમને આપણી ચિંતા છે. કદાચ અગાઉ કરેલી મોટી ભૂલોને લીધે લાગી શકે કે યહોવા આપણાથી દૂર ચાલ્યા ગયા છે અને તે ફરી કદી આપણી સામે જોશે નહિ. દાઉદને પણ અમુક વાર એવું જ લાગ્યું હતું. (ગીત. ૩૮:૧૮, ૨૧) હવે આ સંજોગનો વિચાર કરો: એક માણસ પોતાના જીવનમાં મોટા મોટા ફેરફારો કરવા અને યહોવાને ગમે છે એ રીતે જીવવા સખત મહેનત કરે છે. તેને થાય, ‘જો ઈશ્વર મને સાચે જ ઓળખતા હોય, તો તે મને કેમ સુધારો કરવાનું કહે છે? હું જેવો છું એવો જ કેમ સ્વીકારતા નથી?’
૧૮. યહોવા આપણને આપણા કરતાં પણ વધારે સારી રીતે ઓળખે છે, એ વાત સ્વીકારવી કેમ જરૂરી છે? (ચિત્રો પણ જુઓ.)
૧૮ યહોવા આપણને આપણા કરતાં પણ વધારે સારી રીતે ઓળખે છે. આપણે પોતાનામાં જે સારી વાતો જોઈ શકતા નથી, એને યહોવા જોઈ શકે છે. એ હકીકત આપણે સ્વીકારવાની જરૂર છે. શા માટે? ખરું કે યહોવા આપણી ભૂલો જુએ છે તેમજ સમજે છે કે આપણને કેવું લાગે છે અને આપણે કેમ એ રીતે વર્તીએ છીએ. તોપણ તે જાણે છે કે આપણે ફેરફાર કરી શકીએ છીએ અને એ માટે તે આપણને પ્રેમથી મદદ કરે છે. (રોમ. ૭:૧૫) તે હંમેશાં એ વાત પર ધ્યાન આપે છે કે આપણે કેવી વ્યક્તિ બની શકીએ છીએ. જો એ વાત યાદ રાખીશું તો વફાદારીથી અને ખુશીથી તેમની ભક્તિ કરવા આપણી હિંમત વધશે.
યહોવા ભાવિ વિશે આપેલાં તેમનાં વચનોમાં આપણી શ્રદ્ધા વધારે છે. આમ, તે જીવનમાં આવતી અણધારી તકલીફોનો સામનો કરવા આપણને મદદ કરે છે (ફકરા ૧૮-૧૯ જુઓ)c
૧૯. યહોવા વિશે આપણે શું જાણીએ છીએ?
૧૯ આપણે જાણીએ છીએ કે યહોવા પ્રેમ છે. એ વાત પર શંકા કરવાનો સવાલ જ ઊભો નથી થતો. (૧ યોહા. ૪:૮) આપણને ખબર છે કે યહોવા આપણને પ્રેમ કરે છે અને આપણું ભલું ચાહે છે. એટલે તે આપણને અમુક કામ કરવાનું અને અમુક કામ ન કરવાનું કહે છે. એ પણ જાણીએ છીએ કે આપણે હંમેશ માટે જીવીએ એવી તેમની ઇચ્છા છે. એ માટે તેમણે ઈસુના બલિદાનની ગોઠવણ કરી છે. એ ભેટથી ખાતરી મળે છે કે ભલે આપણો પગ લપસી જાય, પણ આપણે પાછા ઊભા થઈને યહોવા ચાહે છે એ રીતે તેમની ભક્તિ કરી શકીએ છીએ. (રોમ. ૭:૨૪, ૨૫) આપણને ખબર છે કે “ઈશ્વર આપણાં હૃદય કરતાં મહાન છે અને તે બધું જાણે છે.” (૧ યોહા. ૩:૧૯, ૨૦) યહોવા આગળ આપણે ખુલ્લા પુસ્તક જેવા છીએ અને તેમને પૂરો ભરોસો છે કે આપણે તેમની ઇચ્છા પૂરી કરી શકીએ છીએ.
૨૦. વધારે પડતી ચિંતા ન કરવા શાનાથી મદદ મળશે?
૨૦ યહોવાએ આપણાથી એવી કોઈ માહિતી છુપાવી નથી, જે આપણે ખરેખર જાણવાની જરૂર છે. જ્યારે નમ્રતાથી એ હકીકત સ્વીકારીએ છીએ, ત્યારે જે વાતો પર આપણો કાબૂ નથી એના વિશે વધારે પડતી ચિંતા કરતા નથી. તેમ જ, વધારે મહત્ત્વની વાતો પર પૂરું ધ્યાન આપીએ છીએ. આમ આપણે સાબિત કરીએ છીએ કે આપણને યહોવા પર પૂરો ભરોસો છે, “જે બધું જાણે છે.” (અયૂ. ૩૬:૪) ખરું કે હમણાં આપણે અમુક બાબતો સમજી નથી શકતા. પણ આપણને ખબર છે કે યહોવા હંમેશાં આપણને નવું નવું શીખવતા રહેશે. નવી દુનિયામાં આપણે મહાન ઈશ્વર યહોવા વિશે સતત શીખતા રહીશું, એનો કદી અંત નહિ આવે. એ કેટલું મજેદાર હશે!—સભા. ૩:૧૧.
ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ
a શેતાનની દુષ્ટ દુનિયા સામેના યુદ્ધમાં ઈસુ આગેવાની લેશે. એટલે આપણે કહી શકીએ કે હવે તે આર્માગેદનના યુદ્ધની અને તે ક્યારે “પૂરેપૂરી જીત” મેળવશે એની તારીખ જાણે છે.—પ્રકટી. ૬:૨; ૧૯:૧૧-૧૬.
b ચિત્રની સમજ: એક પિતા અને તેમનો દીકરો “ગો બેગ”માં સામાન મૂકે છે, જેથી આફત માટે કુટુંબ તૈયાર હોય.
c ચિત્રની સમજ: એક ભાઈ મુશ્કેલીમાં છે. તે વિચારે છે કે નવી દુનિયામાં તેમનું જીવન કેટલું ખુશહાલ હશે.