અભ્યાસ લેખ ૩૦
ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ
બાઇબલના મૂળ શિક્ષણમાંથી આજે પણ શીખતા રહીએ
“આ વાતો તમને યાદ કરાવવા હું હંમેશાં તૈયાર રહીશ. ભલે તમે એ વાતો જાણો છો અને જે સત્ય તમે શીખ્યા એમાં સ્થિર છો, છતાં હું તમને યાદ કરાવતો રહીશ.”—૨ પિત. ૧:૧૨.
આપણે શું શીખીશું?
શરૂઆતમાં બાઇબલમાંથી જે શીખ્યા હતા, એને કઈ રીતે આજે પણ લાગુ પાડી શકીએ?
૧. જ્યારે તમે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું હતું, ત્યારે તમને કેવું લાગ્યું હતું?
આપણે શરૂઆતમાં બાઇબલમાંથી જે શીખ્યા હતા, એનાથી આપણું આખું જીવન બદલાઈ ગયું. દાખલા તરીકે, જ્યારે આપણે શીખ્યા કે ઈશ્વરનું નામ યહોવા છે, ત્યારે તેમની નજીક જવા આપણે પહેલું પગલું ભર્યું. (યશા. ૪૨:૮) આપણે એ પણ શીખ્યા કે ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે. એટલે હવે આપણને એવો સવાલ થતો નથી કે આપણાં ગુજરી ગયેલાં સગાં-વહાલાં કોઈ પીડા ભોગવતાં હશે કે કેમ. (સભા. ૯:૧૦) નવી દુનિયા વિશે ઈશ્વરે આપેલા વચન વિશે શીખ્યા પછી આપણને ભાવિની ચિંતા સતાવતી નથી. આપણને ખાતરી થઈ ગઈ કે આપણે બસ ૭૦ કે ૮૦ વર્ષ માટે નહિ, પણ હંમેશ માટે જીવી શકીશું.—ગીત. ૩૭:૨૯; ૯૦:૧૦.
૨. બીજો પિતર ૧:૧૨, ૧૩થી કઈ રીતે ખ્યાલ આવે છે કે જેઓ વર્ષોથી યહોવાની ભક્તિ કરે છે, તેઓને પણ બાઇબલના મૂળ શિક્ષણથી ફાયદો થઈ શકે છે?
૨ આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ કે બાઇબલનું મૂળ શિક્ષણ, એટલે કે શરૂઆતમાં જે શીખ્યા હતા એ કેટલું મહત્ત્વનું છે. પ્રેરિત પિતરે પોતાનો બીજો પત્ર એવા ખ્રિસ્તીઓને લખ્યો હતો, જેઓ ‘સત્યમાં સ્થિર’ હતા. (૨ પિતર ૧:૧૨, ૧૩ વાંચો.) જોકે હવે તેઓનાં માથે એક જોખમ તોળાતું હતું. મંડળમાં જૂઠા શિક્ષકો અને દુષ્ટ માણસો આવી ગયા હતા. તેઓ મંડળનાં ભાઈ-બહેનોને સત્યથી દૂર કરવા માંગતા હતા. (૨ પિત. ૨:૧-૩) પણ પિતર ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરવા માંગતા હતા, જેથી તેઓ એ જોખમથી પોતાનું રક્ષણ કરી શકે. એ માટે પિતરે તેઓને અમુક વાતો યાદ અપાવી, જે તેઓ શરૂઆતમાં શીખ્યાં હતાં. એનાથી તેઓને અંત સુધી યહોવાને વફાદાર રહેવા મદદ મળવાની હતી.
૩. દરેક ઈશ્વરભક્તે કેમ બાઇબલના મૂળ શિક્ષણ પર વિચાર કરતા રહેવું જોઈએ? દાખલો આપીને સમજાવો.
૩ ભલે આપણે લાંબા સમયથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, પણ બાઇબલના મૂળ શિક્ષણમાંથી નવી નવી વાતો શીખી શકીએ છીએ. ચાલો એ સમજવા એક દાખલો લઈએ. ધારો કે તમે બે વ્યક્તિને કોઈ વાનગી બનાવવા એકસરખો જ સામાન આપો છો. એક વ્યક્તિ માટે જમવાનું બનાવવું ડાબા હાથનો ખેલ છે, જ્યારે કે બીજી વ્યક્તિ હજી ખાવાનું બનાવવાનું શીખી રહી છે. અનુભવી વ્યક્તિ એ જ સામાનનો અલગ અલગ રીતે ઉપયોગ કરીને નવી અને ચટાકેદાર વાનગીઓ બનાવવાનું શીખી છે. જેઓ લાંબા સમયથી યહોવાની ભક્તિ કરે છે અને જેઓએ હમણાં જ શીખવાનું શરૂ કર્યું છે, તેઓ વિશે એવું જ છે. બાઇબલની એકસરખી કલમોમાંથી તેઓ જે બોધપાઠ મેળવે છે એ અલગ અલગ હોય શકે છે. એવું શા માટે? કેમ કે બાપ્તિસ્મા લીધું એ સમય કરતાં હાલના સંજોગો અથવા યહોવાની સેવામાં મળેલી સોંપણીઓ બદલાઈ ગઈ હોય. એટલે શરૂઆતમાં શીખેલી વાતોને હમણાંના સંજોગોમાં લાગુ પાડવાથી કદાચ નવું નવું શીખવા મળે. ચાલો જોઈએ કે જેઓ લાંબા સમયથી યહોવાની ભક્તિ કરે છે, તેઓ બાઇબલના ત્રણ મૂળ શિક્ષણમાંથી શું શીખી શકે છે.
યહોવા સર્જનહાર છે
૪. યહોવા સર્જનહાર છે એ જાણવાથી આપણા જીવન પર કેવી અસર થઈ છે?
૪ આપણે જાણીએ છીએ કે એક બુદ્ધિશાળી અને શક્તિશાળી સર્જનહારે પૃથ્વી અને એમાંનું બધું બનાવ્યું છે. બાઇબલમાં લખ્યું છે: “બધી વસ્તુઓ બનાવનાર તો ઈશ્વર છે.” (હિબ્રૂ. ૩:૪) પણ એ મૂળ શિક્ષણમાંથી આપણે બીજું ઘણું શીખી શકીએ છીએ. જેમ કે, યહોવાએ આપણને બનાવ્યા છે, એટલે તેમને આપણા વિશે ઝીણામાં ઝીણી માહિતી ખબર છે. તે આપણી સંભાળ રાખે છે અને એ પણ જાણે છે કે આપણું ભલું શામાં છે. યહોવા સર્જનહાર છે એ હકીકતની આપણા જીવન પર ઊંડી અસર થઈ છે. આપણને જીવવાનું એક કારણ મળ્યું છે!
૫. કઈ હકીકતથી નમ્ર બનવા મદદ મળે છે? (યશાયા ૪૫:૯-૧૨)
૫ યહોવા સર્જનહાર છે એ હકીકતથી એ પણ શીખવા મળે છે કે આપણે નમ્ર બનવું જોઈએ. અયૂબનો વિચાર કરો. તેમણે યહોવા વિશે અમુક ખોટી વાતો કહી. તે ભૂલી ગયા કે સૌથી મહત્ત્વનું શું છે. તે પોતાના પર વધારે પડતું ધ્યાન આપવા લાગ્યા અને પોતાને સાચા સાબિત કરવા લાગી ગયા. પણ પછી યહોવાએ તેમને યાદ અપાવ્યું કે તે સર્જનહાર છે અને તેમની શક્તિનો કોઈ પાર નથી. (અયૂ. ૩૮:૧-૪) એનાથી અયૂબ સમજી શક્યા કે યહોવાના માર્ગો માણસોના માર્ગો કરતાં ઘણા ચઢિયાતા છે. પછીથી યશાયા પ્રબોધકે લખ્યું: “શું માટી પોતાના કુંભારને પૂછશે કે ‘તું શું બનાવે છે?’”—યશાયા ૪૫:૯-૧૨ વાંચો.
૬. આપણે ખાસ કરીને ક્યારે આપણા સર્જનહારની અપાર બુદ્ધિ અને શક્તિનો વિચાર કરવો જોઈએ? (ચિત્રો પણ જુઓ.)
૬ ધારો કે એક ઈશ્વરભક્ત લાંબા સમયથી યહોવાની ભક્તિ કરી રહ્યા છે. વર્ષોના અનુભવને લીધે હવે તે કદાચ માર્ગદર્શન માટે યહોવા અને બાઇબલ પર આધાર રાખવાને બદલે પોતાની બુદ્ધિ પર આધાર રાખવા લાગે. (અયૂ. ૩૭:૨૩, ૨૪) પણ જો તે આપણા સર્જનહાર યહોવાની અપાર બુદ્ધિ અને શક્તિ પર મનન કરશે તો શું થશે? (યશા. ૪૦:૨૨; ૫૫:૮, ૯) તે સમજી શકશે કે યહોવાના વિચારો સૌથી ચઢિયાતા છે. આમ, તેમને નમ્ર બનવા મદદ મળશે.
આપણા વિચારો યહોવાના વિચારો કરતાં ચઢિયાતા નથી, એ યાદ રાખવા શાનાથી મદદ મળી શકે? (ફકરો ૬ જુઓ)d
૭. નવું માર્ગદર્શન સ્વીકારવા રાહેલાબહેને શું કર્યું?
૭ સ્લોવેનિયામાં રહેતાં રાહેલાબહેનનો દાખલો લો. યહોવા સર્જનહાર છે એ હકીકત પર વિચાર કરવાથી તેમને સંગઠનનું નવું માર્ગદર્શન સ્વીકારવા મદદ મળી છે. તે કહે છે: “આગેવાની લેતા ભાઈઓએ લીધેલા નિર્ણયો સ્વીકારવા મને અમુક વાર અઘરું લાગે છે. દાખલા તરીકે, ૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૮માં જણાવ્યું હતું કે ભાઈઓ હવે દાઢી રાખી શકે છે. મેં એ વીડિયો જોયો હતો. તોપણ એક દાઢીવાળા ભાઈને સ્ટેજ પરથી પ્રવચન આપતા જોયા ત્યારે મને લાગ્યું કે એ બરાબર નથી. એટલે મેં યહોવાને પ્રાર્થના કરી, જેથી આ નવું માર્ગદર્શન સ્વીકારી શકું.” રાહેલાબહેનને ખ્યાલ આવ્યો કે સ્વર્ગ અને પૃથ્વીના સર્જનહાર હોવાથી યહોવા સૌથી સારી રીતે જાણે છે કે સંગઠનને કયું માર્ગદર્શન આપવું. જો તમને પણ સંગઠનની કોઈ નવી સમજણ સ્વીકારવી કે કોઈ નવું માર્ગદર્શન પાળવું અઘરું લાગતું હોય, તો શું કરી શકો? નમ્ર બનીને એ વાત પર મનન કરો કે આપણા સર્જનહાર યહોવા કેટલા બુદ્ધિશાળી અને શક્તિશાળી છે.—રોમ. ૧૧:૩૩-૩૬.
ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?
૮. ઈશ્વર દુઃખ-તકલીફો ચાલવા દે છે એનું કારણ જાણવાથી આપણને કઈ રીતે ફાયદો થયો છે?
૮ ‘ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?’ એ સવાલનો જવાબ ઘણા લોકોને ખબર નથી. એટલે તેઓ ઈશ્વરથી ગુસ્સે થઈ ગયા છે અથવા માનવા લાગ્યા છે કે ઈશ્વર છે જ નહિ. (નીતિ. ૧૯:૩) પણ તમે શીખ્યા કે વારસામાં મળેલા પાપના લીધે આપણા પર દુઃખ-તકલીફો આવે છે અને એના માટે યહોવા જવાબદાર નથી. તમને એ પણ શીખવા મળ્યું છે કે યહોવા ધીરજ રાખી રહ્યા છે, જેથી લાખો લોકો તેમને ઓળખી શકે અને જાણી શકે કે યહોવા કઈ રીતે આ દુઃખ-તકલીફોનો કાયમ માટે અંત લાવશે. (૨ પિત. ૩:૯, ૧૫) આ મૂળ શિક્ષણ જાણવાથી તમને દિલાસો મળ્યો છે અને તમે યહોવાની નજીક આવ્યા છો.
૯. આપણે કયા સંજોગોમાં વિચારવું જોઈએ કે યહોવા કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?
૯ યહોવા દુઃખ-તકલીફોનો અંત લાવે એ સમયની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. પણ આપણે જાણીએ છીએ કે એ સમય આવે ત્યાં સુધી ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. તોપણ જ્યારે કોઈ સગું-વહાલું ગુજરી જાય, આપણા પર કે કુટુંબીજનો પર દુઃખોનો પહાડ તૂટી પડે અથવા અન્યાય થાય, ત્યારે કદાચ આપણી ધીરજ ખૂટી જાય. આપણે વિચારવા લાગીએ કે યહોવા કેમ જલદી પગલાં ભરતા નથી. (હબા. ૧:૨, ૩) એવા સમયે આપણે વિચારવું જોઈએ કે યહોવા કેમ નેક માણસને દુઃખો સહેવા દે છે.a (ગીત. ૩૪:૧૯) એનો પણ વિચાર કરવો જોઈએ કે યહોવા થોડા સમય માટે નહિ, પણ કાયમ માટે બધાં દુઃખોનો અંત લાવવા માંગે છે.
૧૦. મમ્મીના મરણનું દુઃખ સહેવા એનને શાનાથી મદદ મળી?
૧૦ યહોવા કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે એ જાણવાથી આપણે મુશ્કેલીઓ સહન કરી શકીએ છીએ. હિંદ મહાસાગરના માયોટ્ટે ટાપુ પર રહેતી એનનો વિચાર કરો. તે કહે છે: “અમુક વર્ષો પહેલાં મેં મારાં મમ્મીને મરણમાં ગુમાવ્યાં. એનાથી હું દુઃખી દુઃખી થઈ ગઈ. પણ હું અવાર-નવાર પોતાને યાદ અપાવું છે કે યહોવા દુઃખ-તકલીફો માટે જવાબદાર નથી. તે તો એકેએક દુઃખ-તકલીફ દૂર કરવા અને આપણાં સગાં-વહાલાંને મરણમાંથી જીવતાં કરવા તલપાપડ છે. એ વાત પર મનન કરવાથી મને મનની શાંતિ મળે છે. અમુક વાર તો મનેય સમજાતું નથી કે આટલા દુઃખમાં પણ હું કઈ રીતે શાંત રહી શકું છું.”
૧૧. યહોવા દુઃખ-તકલીફો ચાલવા દે છે એનાં અમુક કારણો કયાં છે? એનાથી કઈ રીતે પ્રચાર કરતા રહેવા મદદ મળે છે?
૧૧ ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે એ હકીકત જાણવાથી પ્રચાર કરતા રહેવાનું ઉત્તેજન મળે છે. પિતરે પોતાના પત્રમાં પહેલા સમજાવ્યું કે યહોવા કેમ ધીરજ બતાવી રહ્યા છે. યહોવા ચાહે છે કે લોકો પસ્તાવો કરે અને તેઓનો જીવ બચી જાય. એ પછી પિતરે સમજાવ્યું કે આપણે શું કરવાની જરૂર છે: “વિચારો કે તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ. તમારાં વાણી-વર્તન પવિત્ર રાખો અને ઈશ્વરની ભક્તિનાં કામ કરો.” (૨ પિત. ૩:૧૧) ‘ઈશ્વરની ભક્તિનું’ એક કામ છે, પ્રચારકામ. યહોવા પિતાની જેમ આપણે લોકોને પ્રેમ કરીએ છીએ. આપણે ચાહીએ છીએ કે તેઓને સુંદર નવી દુનિયામાં જીવન મળે. યહોવા આજે પણ ધીરજ બતાવી રહ્યા છે અને આપણા પ્રચાર વિસ્તારના લોકોને તેમની ભક્તિ કરવાની તક આપી રહ્યા છે. જરા વિચારો, આપણને ઈશ્વર સાથે કામ કરવાનો અને અંત આવે એ પહેલાં બને એટલા લોકોને તેમના વિશે શીખવવાનો કેટલો અદ્ભુત લહાવો મળ્યો છે!—૧ કોરીં. ૩:૯.
આપણે “છેલ્લા દિવસોમાં” જીવીએ છીએ
૧૨. આપણે “છેલ્લા દિવસોમાં” જીવીએ છીએ એ વાત જાણવાથી કઈ રીતે ફાયદો થયો છે?
૧૨ બાઇબલમાં સાફ સાફ જણાવ્યું છે કે “છેલ્લા દિવસોમાં” લોકો કેવા હશે. (૨ તિમો. ૩:૧-૫) આપણે આસપાસ નજર ફેરવીએ ત્યારે ખ્યાલ આવે છે કે એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ રહી છે. લોકોનો સ્વભાવ દિવસે ને દિવસે દુષ્ટ થતો જાય છે. એ જોઈને હજી વધારે ખાતરી થાય છે કે બાઇબલમાં આપેલાં વચનો ભરોસાપાત્ર છે.—૨ તિમો. ૩:૧૩-૧૫.
૧૩. ઈસુએ લૂક ૧૨:૧૫-૨૧માં જે ઉદાહરણ આપ્યું એનાથી આપણને કઈ રીતે મદદ મળે છે?
૧૩ આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ એ હકીકત જાણવાથી સમયનો સૌથી સારો ઉપયોગ કરવા મદદ મળે છે. ઈસુએ લૂક ૧૨:૧૫-૨૧માં જે ઉદાહરણ આપ્યું હતું, એનાથી શીખવા મળે છે કે એમ કરવું કેમ જરૂરી છે. (વાંચો.) એ ધનવાન માણસને કેમ “મૂર્ખ” કહેવામાં આવ્યો? તેની પાસે પુષ્કળ ધનદોલત હતી એટલે નહિ, પણ તેનું ધ્યાન મહત્ત્વની બાબતો પર ન હતું એટલે. તેણે ‘પોતાના માટે ધનદોલત ભેગી કરી હતી, પણ તે ઈશ્વરની નજરમાં ધનવાન ન હતો.’ તેણે સમયનો સારો ઉપયોગ ન કરીને મોટી ભૂલ કરી હતી. કેમ કે તેની પાસે વધારે સમય બચ્યો ન હતો. ઈશ્વરે તેને કહ્યું: “આજે રાતે તારું મરણ થશે.” એ ઉદાહરણથી આપણને કઈ રીતે મદદ મળે છે? આ દુનિયાના અંતને હવે વધારે સમય બચ્યો નથી. એટલે સારું રહેશે કે આપણે આ સવાલો પર વિચાર કરીએ: ‘શું મારા ધ્યેયોથી દેખાઈ આવે છે કે મારું ધ્યાન વધારે મહત્ત્વની બાબતો પર છે? હું મારાં બાળકોને કયા ધ્યેયો રાખવા મદદ કરું છું? હું મારાં સમય-શક્તિ, પૈસા અને ધનસંપત્તિને કેવી રીતે વાપરું છું? શું હું એને એવાં કામોમાં વાપરું છું જેનાથી સ્વર્ગમાં ખજાનો ભેગો કરી શકું, કે પછી એવાં કામોમાં વાપરું છું જેનાથી મારા માટે વધારે પૈસા ભેગા કરી શકું?’
૧૪. આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ એ કેમ યાદ રાખવું જોઈએ? એ વિશે મીકીબહેનના દાખલામાંથી શું શીખવા મળે છે?
૧૪ આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ, એ હકીકત પર વિચાર કરીશું તો શું થશે? આપણને સારા નિર્ણયો લેવા મદદ મળશે. ચાલો જોઈએ કે મીકીબહેન સાથે શું થયું હતું. તે જણાવે છે: “સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી મારે વધારે ભણવું હતું, જેથી પ્રાણીઓનો અભ્યાસ કરી શકું. મારે એમાં જ કારકિર્દી બનાવવી હતી. મેં નિયમિત પાયોનિયરીંગ કરવાનો અને વધારે જરૂર છે ત્યાં જઈને સેવા આપવાનો પણ ધ્યેય રાખ્યો હતો. મારા મંડળનાં અમુક ભાઈ-બહેનોએ મને સરસ સલાહ આપી. તેઓએ મને આ સવાલ પર વિચાર કરવા કહ્યું, ‘હું જે નોકરી કરવા માંગું છું એની સાથે સાથે શું હું પાયોનિયરીંગ કરી શકીશ અને વધારે જરૂર છે ત્યાં જઈને સેવા આપી શકીશ?’ તેઓએ મને યાદ અપાવ્યું કે આ દુનિયાનો અંત બહુ જ નજીક છે. તેમ જ, નવી દુનિયામાં હું થોડાંક નહિ, બધાં જ પ્રાણીઓનો અભ્યાસ કરી શકીશ અને એ માટે મારી પાસે સમય જ સમય હશે. એટલે મેં એક નાનો કોર્સ કરવાનું પસંદ કર્યું, જેનાથી હું અમુક આવડતો કેળવી શકું. પછી મને એક નોકરી મળી. એની મદદથી હું પાયોનિયરીંગ કરી શકી અને પછીથી ઇક્વેડોર જઈને સેવા આપી શકી, જ્યાં પ્રચારકોની વધારે જરૂર છે.” મીકીબહેન અને તેમના પતિ આજે એ જ દેશમાં સરકીટ કામ કરી રહ્યાં છે.
૧૫. જેઓએ હજી સુધી સંદેશામાં રસ બતાવ્યો નથી, તેઓને કેમ પ્રચાર કરતા રહેવું જોઈએ? એક દાખલો આપો. (ચિત્રો પણ જુઓ.)
૧૫ જો લોકો ખુશખબર ન સાંભળે, તો આપણે નિરાશ ન થવું જોઈએ. કેમ કે લોકો બદલાઈ શકે છે. ઈસુના સાવકા ભાઈ યાકૂબનો વિચાર કરો. તેમણે ઈસુને મોટા થતા અને મસીહ બનતા જોયા હતા. તેમણે એ પણ જોયું હતું કે ઈસુ જે રીતે શીખવતા હતા, એવું તો બીજા કોઈએ શીખવ્યું ન હતું. તેમ છતાં, તે વર્ષો સુધી ઈસુના શિષ્ય ન બન્યા. ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા એ પછી તે ઈસુના શિષ્ય બન્યા અને એ પણ ઉત્સાહી શિષ્ય.b (યોહા. ૭:૫; ગલા. ૨:૯) જે સગાં-વહાલાઓએ હજી સુધી રસ બતાવ્યો નથી અથવા પ્રચારમાં જેઓએ રાજ્યનો સંદેશો સાંભળ્યો ન હતો, તેઓ વિશે શું? તેઓને ફરી મળવા જાઓ. એવું ન વિચારશો કે તેઓ બદલાઈ નહિ શકે. યાદ રાખો કે આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ, એટલે પ્રચારકામ ખૂબ જ મહત્ત્વનું છે. તમે આજે તેઓને જે કહો છો, એ કદાચ પછીથી તેઓને અસર કરે. કદાચ મોટી વિપત્તિ શરૂ થાય એ પછી અસર કરે.c
યહોવાની ભક્તિ કરતા નથી એવાં સગાં-વહાલાંને ખુશખબર જણાવતા રહેવા શાનાથી મદદ મળી શકે? (ફકરો ૧૫ જુઓ)e
બાઇબલના મૂળ શિક્ષણ માટે યહોવાનો આભાર માનતા રહીએ
૧૬. યહોવાનાં સૂચનોથી તમને કઈ રીતે ફાયદો થયો છે? (“તમારા માટે જાણીતી, બીજાઓ માટે નવી” બૉક્સ પણ જુઓ.)
૧૬ આપણું સંગઠન નિયમિત રીતે બાઇબલને આધારે સાહિત્ય બહાર પાડે છે. પણ એમાંનું અમુક સાહિત્ય એવા લોકો માટે હોય છે, જેઓ બાઇબલ વિશે બહુ થોડું જાણે છે. જેમ કે, દર અઠવાડિયે અપાતું જાહેર પ્રવચન, jw.org વેબસાઇટ પર આપેલાં અમુક લેખો અને વીડિયો તેમજ જનતા માટેનાં મૅગેઝિન. એ બધું યહોવાના સાક્ષી ન હોય એવા લોકો માટે હોય છે. જોકે, એમાં આપવામાં આવતાં સૂચનોથી આપણને પણ ફાયદો થઈ શકે છે. એનાથી યહોવા માટેનો આપણો પ્રેમ ગાઢ થાય છે, બાઇબલમાં આપણી શ્રદ્ધા વધે છે અને બીજાઓને બાઇબલમાંથી વધારે સારી રીતે શીખવવા મદદ મળે છે.—ગીત. ૧૯:૭.
૧૭. કયા સંજોગોમાં તમે બાઇબલના મૂળ શિક્ષણ પર વિચાર કરી શકો?
૧૭ બાઇબલના કોઈ શિક્ષણ વિશે નવી સમજણ મળે છે ત્યારે, આપણી ખુશીનો પાર રહેતો નથી. પણ આપણે બાઇબલના એ મૂળ શિક્ષણ માટે પણ યહોવાનો આભાર માનીએ છીએ, જે આપણે શરૂઆતમાં શીખ્યા હતા અને જેનાથી યહોવાની નજીક જવાનું શરૂ કર્યું હતું. જ્યારે સંગઠન પાસેથી કોઈ માર્ગદર્શન મળે અને લાગતું હોય કે આપણાં વિચારો અને કામ કરવાની રીત વધારે સારાં છે, ત્યારે શું? નમ્ર બનીને યાદ રાખીએ કે આપણા શક્તિશાળી અને બુદ્ધિશાળી સર્જનહાર યહોવા આ સંગઠનને ચલાવી રહ્યા છે. જ્યારે આપણે કે આપણું સ્નેહીજન કોઈ કસોટીનો સામનો કરતું હોય, ત્યારે ધીરજ રાખીએ અને વિચારીએ કે યહોવા કેમ દુઃખ-તકલીફોને ચાલવા દે છે. જ્યારે નિર્ણય લેવાનો થાય કે આપણાં સમય, શક્તિ અને ધનસંપત્તિ કઈ રીતે વાપરીશું, ત્યારે યાદ રાખીએ કે આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ અને અંત આવવામાં બહુ ઓછો સમય બચ્યો છે. તો ચાલો, યહોવાનાં સૂચનો પર ધ્યાન આપતા રહીએ, બુદ્ધિશાળી બનતા રહીએ અને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહીએ.
ગીત ૪૩ જાગતા રહીએ
a જૂન ૧, ૨૦૦૭, ચોકીબુરજ, પાન ૧૨-૧૬ પર આપેલો આ લેખ જુઓ: “આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે.”
c મે ૨૦૨૪ ચોકીબુરજ, પાન ૮-૧૩ પર આપેલો આ લેખ જુઓ: “યહોવા ભવિષ્યમાં લોકોનો ન્યાય કેવી રીતે કરશે?”
d ચિત્રની સમજ: એક વડીલે આપેલા સૂચન સાથે બીજા વડીલો સહમત નથી. પછી એ વડીલ આકાશમાં તારાઓ જુએ છે અને ઊંડો વિચાર કરે છે કે આપણા સર્જનહાર કેટલા બુદ્ધિશાળી અને શક્તિશાળી છે. તેમને ખ્યાલ આવે છે કે તેમના વિચારો કરતાં યહોવાના વિચારો વધારે મહત્ત્વના છે.
e ચિત્રની સમજ: એક બહેન બાઇબલનો ઊંડો અભ્યાસ કરતી વખતે પુરાવા તપાસે છે કે આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. એનાથી તેમને પોતાની બહેનને ફોન કરવાનું અને તેને સાક્ષી આપવાનું મન થાય છે.