અભ્યાસ લેખ ૩૩
ગીત ૨૨ “યહોવા મારો પાળક”
ખાતરી રાખજો કે યહોવા તમને પ્રેમ કરે છે
“મારા અતૂટ પ્રેમથી હું તને મારી પાસે ખેંચી લાવ્યો.”—યર્મિ. ૩૧:૩.
આપણે શું શીખીશું?
યહોવા આપણને પ્રેમ કરે છે એ વાત સ્વીકારવી કેમ જરૂરી છે? આપણે કઈ રીતે એ વાત પર ભરોસો વધારી શકીએ?
૧. તમે કેમ યહોવાને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું? (ચિત્ર પણ જુઓ.)
શું તમને એ દિવસ યાદ છે, જ્યારે તમે યહોવાને જીવન સમર્પિત કર્યું હતું? તમે યહોવાને ઓળખવા લાગ્યા અને તેમને પ્રેમ કરવા લાગ્યા, એટલે તમે એ નિર્ણય લીધો. તમે યહોવાને વચન આપ્યું કે હવેથી તેમની ઇચ્છા પૂરી કરવી તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું હશે. તેમ જ, તમે યહોવાને પૂરા દિલથી, જીવથી, મનથી અને બળથી પ્રેમ કરતા રહેશો. (માર્ક ૧૨:૩૦) એ સમયથી લઈને આજ સુધી યહોવા માટેનો તમારો પ્રેમ વધતો ને વધતો ગયો છે. તો પછી તમે આ સવાલનો કેવો જવાબ આપશો: “શું તમે સાચે જ યહોવાને પ્રેમ કરો છો?” તમે ઘડીનોય વિચાર કર્યા વગર કહેશો, “હું કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કરતાં યહોવાને વધારે પ્રેમ કરું છું!”
શું તમને યાદ છે કે તમે યહોવાને જીવન સમર્પિત કર્યું અને બાપ્તિસ્મા લીધું ત્યારે તમારા દિલમાં યહોવા માટે કેટલો પ્રેમ હતો? (ફકરો ૧ જુઓ)
૨-૩. (ક) આપણે કઈ વાત પર ભરોસો મૂકવો જોઈએ? (યર્મિયા ૩૧:૩) (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૨ પણ આ સવાલનો તમે કેવો જવાબ આપશો: “શું તમને ખાતરી છે કે યહોવા તમને પ્રેમ કરે છે?” શું તમે એ સવાલનો જવાબ આપતા અચકાઓ છો? શું તમને એવું લાગે છે કે તમે યહોવાના પ્રેમને લાયક નથી? એક બહેનને બાળપણમાં પ્રેમ અને હુંફ મળ્યાં ન હતાં. તેમણે કહ્યું: “મને ખબર છે કે હું યહોવાને પ્રેમ કરું છું. એમાં મને જરાય શંકા નથી. પણ ઘણી વાર મને શંકા થાય છે કે યહોવા મને પ્રેમ કરે છે કે નહિ.” શું તમને પણ એવું લાગે છે? જો એમ હોય, તો યહોવાને તમારા વિશે કેવું લાગે છે, એ જાણવા તમે શું કરી શકો?
૩ યહોવા તમને પ્રેમ કરે છે અને ચાહે છે કે તમે એ વાત પર ભરોસો મૂકો. (યર્મિયા ૩૧:૩ વાંચો.) હકીકત એ છે કે યહોવા પોતે તમને તેમની પાસે ખેંચી લાવ્યા છે. જ્યારે તમે જીવન સમર્પિત કર્યું અને બાપ્તિસ્મા લીધું ત્યારે યહોવાએ તમને એક અમૂલ્ય ભેટ આપી. એ છે તેમનો અતૂટ પ્રેમ. એનો અર્થ થાય કે તે તમને ખૂબ પ્રેમ કરે છે અને કદી તમારો સાથ નહિ છોડે. એ અતૂટ પ્રેમના લીધે તે પોતાના વફાદાર ભક્તોને “ખાસ સંપત્તિ” ગણે છે. (માલા. ૩:૧૭) એટલે તે તમને પણ ખૂબ કીમતી ગણે છે. તે ચાહે છે કે તમે પ્રેરિત પાઉલ જેવું અનુભવો. પાઉલને પૂરી ખાતરી હતી કે યહોવા તેમને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે તે લખી શક્યા: “મને પૂરી ખાતરી છે કે મરણ કે જીવન કે દૂતો કે સરકારો કે હાલની વસ્તુઓ કે આવનાર વસ્તુઓ કે તાકાત કે ઊંચાઈ કે ઊંડાઈ કે સૃષ્ટિની કોઈ પણ વસ્તુ આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ.” (રોમ. ૮:૩૮, ૩૯) આ લેખમાં બે સવાલો પર ચર્ચા કરીશું: યહોવા આપણને પ્રેમ કરે છે એ વાત પર ભરોસો વધારવો કેમ જરૂરી છે અને એવો ભરોસો વધારવા શું કરી શકીએ?
યહોવા પ્રેમ કરે છે એ વાત સ્વીકારવી કેમ જરૂરી છે?
૪. શેતાનનાં કાવતરાં સામે લડવા શું કરી શકીએ?
૪ યહોવા આપણને પ્રેમ કરે છે એ વાત સ્વીકારવાથી શેતાનનાં “કાવતરાં” સામે લડી શકીએ છીએ. (એફે. ૬:૧૧) આપણે યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈએ એ માટે શેતાન કંઈ પણ કરશે. તે ઘણાં કાવતરાં ઘડે છે. એમાંનું એક કાવતરું આ છે: તે જૂઠાણું ફેલાવે છે કે યહોવા આપણને પ્રેમ કરતા નથી. પણ યાદ રાખવું જોઈએ કે એ વાતમાં જરાય દમ નથી. બાઇબલમાં શેતાનની સરખામણી સિંહ સાથે કરી છે. (૧ પિત. ૫:૮, ૯) સિંહ એવાં પ્રાણીઓ પર હુમલો કરે છે, જેઓ નબળાં છે અને પોતાનો બચાવ કરી શકતાં નથી. એવી જ રીતે, જ્યારે આપણે કમજોર કે હેરાન-પરેશાન હોઈએ છીએ, ત્યારે શેતાન હુમલો કરે છે. (નીતિ. ૨૪:૧૦) કદાચ આપણે અગાઉ બનેલી ઘટનાઓને લીધે દુઃખી હોઈએ, હમણાંની મુશ્કેલીઓને લીધે તણાવમાં હોઈએ કે પછી આપણને ભાવિની ચિંતા સતાવતી હોય. શેતાન બસ લાગ તાકીને બેઠો હોય છે કે ક્યારે આપણે નબળા પડીએ અને તે આપણો શિકાર કરે. પણ જો પોતાને યહોવાના પ્રેમની ખાતરી અપાવતા રહીશું, તો “શેતાનની સામા” થઈ શકીશું અને તેનાં કાવતરાં સામે લડી શકીશું.—યાકૂ. ૪:૭.
૫. આપણે યહોવાના પ્રેમ અને વહાલનો અનુભવ કરીએ એ કેમ જરૂરી છે?
૫ યહોવા આપણને પ્રેમ કરે છે એ વાત સ્વીકારવાથી તેમની વધારે નજીક જઈ શકીશું. એવું શાના આધારે કરી શકીએ? યહોવાએ આપણામાં પ્રેમની લાગણી મૂકી છે. એટલે આપણે બીજાઓને પ્રેમ બતાવીએ છીએ અને બીજાઓના પ્રેમ માટે તરસીએ છીએ. પ્રેમના બદલામાં પ્રેમ આપવો, એ આપણો સ્વભાવ છે. એટલે યહોવાના પ્રેમ અને વહાલનો જેટલો વધારે અનુભવ કરીશું, એટલો વધારે તેમને પ્રેમ કરવા લાગીશું. (૧ યોહા. ૪:૧૯) તેમના માટેનો આપણો પ્રેમ વધતો જશે તેમ, યહોવા પણ આપણને વધારે પ્રેમ કરવા લાગશે. બાઇબલમાં સાફ જણાવ્યું છે: “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.” (યાકૂ. ૪:૮) તો પછી યહોવાના પ્રેમ પર ભરોસો વધારવા આપણે શું કરી શકીએ?
યહોવા પ્રેમ કરે છે એ વાત સ્વીકારવા આપણે શું કરી શકીએ?
૬. યહોવા પ્રેમ કરે છે એ હકીકત સ્વીકારવા તમે શું કરી શકો?
૬ યહોવા તમને શા માટે પ્રેમ કરે છે એ સમજવા પ્રાર્થનામાં મદદ માંગતા રહો. (લૂક ૧૮:૧; રોમ. ૧૨:૧૨) યહોવાને તમારા વિશે કેવું લાગે છે એ જાણવા તેમને પ્રાર્થના કરો. જો જરૂર લાગે તો દિવસમાં ઘણી વાર પ્રાર્થના કરો. અમુક વાર આપણું હૃદય આપણને એટલું દોષિત ઠરાવે કે યહોવા આપણને પ્રેમ કરે છે એ વાત પર ભરોસો જ ન બેસે. પણ યાદ રાખવું જોઈએ કે યહોવા આપણાં હૃદય કરતાં મહાન છે. (૧ યોહા. ૩:૧૯, ૨૦) તમે પોતાને ઓળખો છો એના કરતાં યહોવા તમને વધારે સારી રીતે ઓળખે છે. તે તમારામાં એવા ગુણો પણ જુએ છે, જે કદાચ તમે જોઈ શકતા નથી. (૧ શમુ. ૧૬:૭; ૨ કાળ. ૬:૩૦) એટલે તમારી લાગણીઓ ‘ઠાલવતા’ અચકાશો નહિ. (ગીત. ૬૨:૮) યહોવાનો પ્રેમ સ્વીકારી શકો માટે મદદ માંગતા શરમાશો નહિ. પછી તમારી પ્રાર્થના પ્રમાણે કામ કરો. એ માટે હવે પછીના ફકરાઓમાં જણાવેલાં સૂચનો પ્રમાણે કરો.
૭-૮. ગીતશાસ્ત્રના પુસ્તકથી કઈ રીતે ખાતરી થાય છે કે યહોવા આપણને પ્રેમ કરે છે?
૭ યહોવાના શબ્દો પર ભરોસો રાખો. યહોવાએ પોતાની પવિત્ર શક્તિ દ્વારા બાઇબલ લખાવ્યું છે. એટલે બાઇબલ લેખકોએ યહોવા વિશે જે લખ્યું, એના પર તમે ભરોસો મૂકી શકો છો. ધ્યાન આપો કે ગીતશાસ્ત્રના એક અધ્યાયમાં દાઉદે યહોવાનું કેટલું સરસ વર્ણન કર્યું. તેમણે લખ્યું: “દુઃખી લોકોના પડખે યહોવા છે. નિરાશ મનના લોકોને તે બચાવે છે.” (ગીત. ૩૪:૧૮, ફૂટનોટ) તમે દુઃખી હો ત્યારે કદાચ વિચારવા લાગો કે કોઈ તમારી લાગણીઓ નહિ સમજે, કોઈ તમને મદદ નહિ કરે. પણ યહોવા વચન આપે છે કે એવા સમયે તે તમારી નજીક રહેશે. કેમ કે તેમને ખબર છે કે એ ઘડીએ તમને તેમના સાથની વધારે જરૂર હોય છે. બીજા એક અધ્યાયમાં દાઉદે લખ્યું: “મારાં આંસુ તારી મશકમાં ભરી લે.” (ગીત. ૫૬:૮) યહોવા તમારો સંઘર્ષ, તમારી પીડા જાણે છે. તેમને તમારી ખૂબ ચિંતા છે. તમારાં આંસુ તેમની નજર બહાર નથી. જરા વિચારો, વેરાન પ્રદેશમાં મુસાફરી કરતી વ્યક્તિ માટે મશકમાં રહેલું એક ટીપું પાણી પણ કેટલું અનમોલ હોય છે. એવી જ રીતે, તમારાં આંસુ યહોવા માટે અનમોલ છે, જાણે તે તમારાં આંસુ ભેગાં કરીને મશકમાં સાચવી રાખે છે. ગીતશાસ્ત્ર ૧૩૯:૩માં લખ્યું છે: “[હે યહોવા,] મારા બધા માર્ગોથી તમે જાણકાર છો.” યહોવા તમારા બધા માર્ગો જાણે છે, પણ તે તમારાં સારાં કામો પર વધારે ધ્યાન આપે છે. (હિબ્રૂ. ૬:૧૦) શા માટે? કેમ કે તેમને ખુશ કરવા તમે જે મહેનત કરો છો, એની તે ખૂબ જ કદર કરે છે.a
૮ દિલાસો આપતી કલમો દ્વારા યહોવા જાણે તમને કહે છે: “હું તને જણાવવા માંગું છું કે હું તને ખૂબ પ્રેમ કરું છું. મને તારી બહુ ચિંતા છે.” પણ અગાઉ જોઈ ગયા તેમ શેતાન જૂઠાણું ફેલાવે છે કે યહોવા તમને પ્રેમ કરતા નથી. જો કોઈ વાર તમને યહોવાના પ્રેમ પર શંકા થાય, તો પોતાને આ સવાલ પૂછજો: ‘હું કોની વાત માનીશ? શેતાનની, જે “જૂઠાનો બાપ” છે, કે પછી યહોવાની, જે “સત્યના ઈશ્વર” છે?’—યોહા. ૮:૪૪; ગીત. ૩૧:૫.
૯. જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓને તે કયું વચન આપે છે? (નિર્ગમન ૨૦:૫, ૬)
૯ વિચારો કે જેઓ યહોવાને પ્રેમ કરે છે તેઓ વિશે તેમને કેવું લાગે છે. ધ્યાન આપો કે યહોવાએ મૂસાને અને ઇઝરાયેલીઓને શું કહ્યું હતું. (નિર્ગમન ૨૦:૫, ૬ વાંચો.) યહોવા વચન આપે છે કે તેમને પ્રેમ કરનારાઓને તે હંમેશાં અતૂટ પ્રેમ બતાવતા રહેશે. એ શબ્દો પર આપણે ભરોસો રાખી શકીએ છીએ. કેમ કે આપણા વફાદાર ઈશ્વર કદી પણ એવા લોકોને પ્રેમ કરવાનું નહિ છોડે, જેઓ તેમને પ્રેમ કરે છે. (નહે. ૧:૫) એટલે જો કોઈ વાર તમારા મનમાં એવો વિચાર પણ આવે કે યહોવા તમને પ્રેમ નથી કરતા, તો થોડી મિનિટો આના પર વિચાર કરજો: ‘શું હું યહોવાને પ્રેમ કરું છું?’ પછી આનો વિચાર કરજો: જો તમે યહોવાને પ્રેમ કરો છો અને તેમને ખુશ કરવા બનતું બધું કરો છો, તો તમે ખાતરી રાખી શકો કે યહોવા પણ તમને પુષ્કળ પ્રેમ કરે છે. (દાનિ. ૯:૪; ૧ કોરીં. ૮:૩) બીજા શબ્દોમાં, તમે યહોવાને પ્રેમ કરો છે એ વાત પર તમને શંકા ન હોય, તો યહોવા તમને પ્રેમ કરે છે એ વાત પર શંકા કેમ કરવી! સો ટચના સોના જેવી આ વાત હંમેશાં યાદ રાખજો: યહોવા તમને પ્રેમ કરે છે અને તમારો હાથ કદી નહિ છોડે.
૧૦-૧૧. ઈસુના બલિદાન વિશે આપણે શું યાદ રાખવું જોઈએ? (ગલાતીઓ ૨:૨૦)
૧૦ ઈસુના બલિદાન પર મનન કરો. ઈસુ ખ્રિસ્તનું બલિદાન, એ યહોવાએ માણસજાતને આપેલી સૌથી મોટી ભેટ છે. (યોહા. ૩:૧૬) પણ શું યહોવાએ એ ભેટ તમારા માટે પણ આપી છે? હા! પ્રેરિત પાઉલનો દાખલો લો. યાદ કરો, તે ખ્રિસ્તી બન્યા એ પહેલાં તેમણે કેટલાં ખરાબ કામો કર્યાં હતાં. એટલું જ નહિ, ખ્રિસ્તી બન્યા પછી પણ તેમણે પોતાની કમજોરીઓ સામે સતત લડતા રહેવું પડ્યું હતું. (રોમ. ૭:૨૪, ૨૫; ૧ તિમો. ૧:૧૨-૧૪) તેમ છતાં તેમને પૂરી ખાતરી હતી કે યહોવાએ ઈસુનું બલિદાન તેમના માટે આપ્યું હતું. (ગલાતીઓ ૨:૨૦ વાંચો.) યાદ રાખો કે પાઉલને એ શબ્દો લખવાની પ્રેરણા યહોવાએ આપી હતી અને બાઇબલમાં જે કંઈ લખાયું છે, એ આપણા ભલા માટે જ તો છે. (રોમ. ૧૫:૪) એટલે યહોવા ચાહે છે કે તમે પણ પાઉલની જેમ સ્વીકારો કે ઈસુનું બલિદાન તમારા માટે અપાયું છે. જ્યારે તમે વિચાર કરો છો કે એ ભેટ કેટલી જોરદાર છે અને યહોવાએ એ તમારા માટે આપી છે, ત્યારે તમારો ભરોસો વધશે કે યહોવા તમને પ્રેમ કરે છે.
૧૧ યહોવાનો આભાર કે તેમણે ઈસુને આપણા માટે પોતાનો જીવ આપવા આ ધરતી પર મોકલ્યા. જોકે ઈસુ માટે આ ધરતી પર આવવાનું બીજું પણ એક કારણ હતું. તેમણે લોકોને ઈશ્વર વિશેનું સત્ય શીખવ્યું. (યોહા. ૧૮:૩૭) તેમણે એ પણ શીખવ્યું કે યહોવા પિતા પોતાનાં બાળકોને કેટલો બધો પ્રેમ કરે છે.
યહોવા પ્રેમ કરે છે એ હકીકત સ્વીકારવા ઈસુ કઈ રીતે મદદ કરે છે?
૧૨. ઈસુએ યહોવા વિશે જે કહ્યું, એના પર આપણે કેમ વિશ્વાસ કરી શકીએ છીએ?
૧૨ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે રાજીખુશીથી લોકોને જણાવ્યું કે યહોવા કેવા ઈશ્વર છે. (લૂક ૧૦:૨૨) તેમણે યહોવા વિશે જે કંઈ કહ્યું એના પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકીએ છીએ. શા માટે? કેમ કે ઈસુએ પૃથ્વી પર આવતા પહેલાં સ્વર્ગમાં યહોવા સાથે કરોડો વર્ષો વિતાવ્યાં હતાં. (કોલો. ૧:૧૫) ઈસુને ખબર હતી કે યહોવા તેમને ખૂબ પ્રેમ કરે છે. તેમણે નજરોનજર જોયું હતું કે યહોવાએ કઈ રીતે પોતાના વફાદાર દૂતોને અને પૃથ્વી પરના સેવકોને પ્રેમ બતાવ્યો છે. તો પછી, યહોવા પ્રેમ કરે છે એ હકીકત સ્વીકારવા ઈસુ કઈ રીતે આપણને મદદ કરે છે?
૧૩. ઈસુ શું ચાહે છે?
૧૩ ઈસુ ચાહે છે કે યહોવાને આપણા વિશે કેવું લાગે છે એ આપણે જાણીએ. ખુશખબરનાં પુસ્તકોમાં તેમણે ૧૫૦ કરતાં વધારે વાર યહોવાને “પિતા” કહીને બોલાવ્યા. તેમણે પોતાના પગલે ચાલનાર લોકો સાથે વાત કરતી વખતે આવા શબ્દો વાપર્યા: ‘સ્વર્ગમાંના તમારા પિતા’ અથવા “તમારા પિતા.” (માથ. ૫:૧૬; ૬:૮) અંગ્રેજી અભ્યાસ બાઇબલમાં માથ્થી ૫:૧૬ની અભ્યાસ માહિતીમાં આવું લખ્યું છે: “અગાઉના સેવકોએ યહોવા માટે મોટા મોટા ખિતાબો વાપર્યા. જેમ કે, ‘સર્વશક્તિમાન,’ ‘સર્વોપરી’ અને ‘મહાન સર્જનહાર.’ પણ ઈસુએ મોટા ભાગે એક સાદો ખિતાબ વાપર્યો, ‘પિતા.’ એનાથી જોવા મળે છે કે ઈશ્વર પોતાના સેવકોની કેટલી નજીક છે.” સાચે, ઈસુ ચાહે છે કે તેમની જેમ આપણે પણ યહોવાને પ્રેમાળ પિતા ગણીએ, જે પોતાનાં બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. હવે ચાલો ઈસુએ આપેલા બે દાખલાનો વિચાર કરીએ, જેમાં તેમણે યહોવાને “પિતા” કહ્યા હતા.
૧૪. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે આપણે દરેક જણ સ્વર્ગમાંના પિતાની આંખના તારા છીએ? (માથ્થી ૧૦:૨૯-૩૧) (ચિત્ર પણ જુઓ.)
૧૪ ચાલો સૌથી પહેલા જોઈએ કે ઈસુએ માથ્થી ૧૦:૨૯-૩૧માં શું કહ્યું હતું. (વાંચો.) ચકલી નાનું પક્ષી છે. તે ન તો યહોવાની ભક્તિ કરી શકે છે, ન તો તેમને પ્રેમ કરી શકે છે. તોપણ આપણા પિતા બહુ સારી રીતે જાણે છે કે તે કયા સમયે ક્યાં હોય છે. જો યહોવા એટલા નાના પક્ષીને કીમતી ગણતા હોય, તો શું તે પોતાના દરેક વફાદાર ભક્તને કીમતી નહિ ગણતા હોય! એનાથી ખાતરી મળે છે કે તે પોતાના બધા ભક્તોની સંભાળ રાખે છે, જેઓ પ્રેમને લીધે તેમની ભક્તિ કરે છે. ઈસુએ એમ પણ કહ્યું હતું, “તમારાં માથાંના બધા વાળ પણ ગણેલા છે.” અંગ્રેજી અભ્યાસ બાઇબલમાં કલમ ૩૦ની અભ્યાસ માહિતીમાં આમ લખ્યું છે: “યહોવાને આપણા વિશે ઝીણામાં ઝીણી માહિતી ખબર છે. એ ગેરંટી આપે છે કે તે ખ્રિસ્તના દરેક શિષ્યની ખૂબ જ કાળજી રાખે છે.” સાચે, ઈસુ ચાહે છે કે આપણે દરેક જણ એ હકીકત સ્વીકારીએ કે આપણે સ્વર્ગમાંના પિતાની આંખના તારા છીએ.
યહોવા સારી રીતે જાણે છે કે એક ચકલી કયા સમયે ક્યાં હોય છે. જો તે એ ચકલીને કીમતી ગણતા હોય, તો જરા વિચારો કે તે તમને કેટલા કીમતી ગણે છે. આખરે, તમે તેમને પ્રેમ કરો છો અને વફાદારીથી તેમની ભક્તિ કરો છો! (ફકરો ૧૪ જુઓ)
૧૫. યોહાન ૬:૪૪માંથી તમને સ્વર્ગમાંના પિતા વિશે શું શીખવા મળ્યું?
૧૫ હવે ચાલો ઈસુએ આપેલા બીજા દાખલા પર ધ્યાન આપીએ, જેમાં તેમણે યહોવાને “પિતા” કહ્યા હતા. (યોહાન ૬:૪૪ વાંચો.) સ્વર્ગમાંના તમારા પિતા તમને પ્રેમથી પોતાની પાસે દોરી લાવ્યા, એટલે કે યહોવાની મદદથી જ તમે તેમના વિશે શીખી શક્યા અને તેમને પ્રેમ કરી શક્યા. યહોવા કેમ તમને પોતાની પાસે દોરી લાવ્યા? કેમ કે તેમણે જોયું કે તમારું દિલ સારું છે. (પ્રે.કા. ૧૩:૪૮) અંગ્રેજી અભ્યાસ બાઇબલમાં યોહાન ૬:૪૪ની અભ્યાસ માહિતીમાં જણાવ્યું છે તેમ, ઈસુએ એ શબ્દો કહ્યા ત્યારે કદાચ તેમના મનમાં યર્મિયાના શબ્દો હતા, જે આ લેખની મુખ્ય કલમ છે. ત્યાં લખ્યું છે: “મારા અતૂટ પ્રેમથી હું તને મારી પાસે ખેંચી લાવ્યો [અથવા, હું તને અતૂટ પ્રેમ બતાવતો રહ્યો છું].” (યર્મિ. ૩૧:૩, ફૂટનોટ; હોશિયા ૧૧:૪ સરખાવો.) એ શબ્દોનો શું અર્થ થાય? સ્વર્ગમાંના પ્રેમાળ પિતા યહોવા હંમેશાં તમારા સારા ગુણો જોતા રહે છે. બની શકે કે એ ગુણો તમે પોતે જોઈ શકતા ન હો.
૧૬. (ક) ઈસુ જાણે આપણને શું કહી રહ્યા છે અને આપણે કેમ તેમના શબ્દો પર ભરોસો મૂકવો જોઈએ? (ખ) યહોવા જ સૌથી સારા પિતા છે એ વાત પર ભરોસો વધારવા તમે શું કરી શકો? (“યહોવા એવા પિતા છે, જેમની જરૂર આપણને બધાને છે” બૉક્સ જુઓ.)
૧૬ યહોવાને આપણા પિતા કહીને ઈસુ જાણે આપણને કહે છે: “યહોવા ફક્ત મારા એકલાના જ નહિ, તમારા પણ પિતા છે. હું તમને ખાતરી આપું છું કે તે તમને પ્રેમ કરે છે અને દિલથી તમારી સંભાળ રાખે છે.” એટલે હવે જો તમને યહોવાના પ્રેમ પર શંકા જાગે તો પોતાને પૂછજો, ‘શું મારે એ દીકરાના શબ્દો પર ભરોસો ન મૂકવો જોઈએ, જે આપણા પિતાને સૌથી સારી રીતે ઓળખે છે અને હંમેશાં સાચું બોલે છે?’—૧ પિત. ૨:૨૨.
તમારો ભરોસો મક્કમ કરતા રહો
૧૭. યહોવા આપણને પ્રેમ કરે છે એ વાત પર કેમ ભરોસો મક્કમ કરતા રહેવું જોઈએ?
૧૭ યહોવા આપણને પ્રેમ કરે છે એ વાત પર આપણે ભરોસો મક્કમ કરતા રહેવું જોઈએ. અગાઉ જોઈ ગયા તેમ, આપણો દુશ્મન શેતાન કાવતરાખોર છે. આપણે યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈએ એ માટે તે બધી ચાલ ચાલશે. તે આપણને કમજોર બનાવી દેવા માંગે છે. એટલે તે આપણાં મનમાં એ ભૂસું ભરવાની કોશિશ કરશે કે યહોવા આપણને પ્રેમ નથી કરતા. પણ આપણે શેતાનની એ ચાલને સફળ નહિ થવા દઈએ.—અયૂ. ૨૭:૫.
૧૮. યહોવાના પ્રેમ પર ભરોસો વધારતા રહેવા તમે શું કરી શકો?
૧૮ યહોવાના પ્રેમ પર ભરોસો વધારવા તેમને પ્રાર્થના કરતા રહો. એ સમજવા મદદ માંગતા રહો કે તે શા માટે તમને પ્રેમ કરે છે. ઊંડો વિચાર કરો કે બાઇબલ લેખકોએ કઈ રીતે યહોવાના પ્રેમ અને કાળજીનું સુંદર વર્ણન કર્યું છે. વિચાર કરો કે યહોવા પ્રેમનો બદલો કઈ રીતે વાળી આપે છે. એવું કદી નહિ બને કે તમે યહોવાને પ્રેમ કરો અને બદલામાં તે તમને પ્રેમ ન કરે. મનન કરો કે યહોવાએ પોતાના વહાલા દીકરાનું બલિદાન તમારા માટે આપ્યું છે. ઈસુના શબ્દો પર ભરોસો મૂકો કે યહોવા તમારા પિતા છે. પછી જો કોઈ તમને પૂછશે, “શું તમને ખાતરી છે કે યહોવા તમને પ્રેમ કરે છે?” તો તમે બુલંદ અવાજમાં કહેશો, “હા, મને ખાતરી છે! હું દરરોજ મારાથી બનતું બધું કરું છું, જેથી બતાવી શકું કે હું મારા પિતાને અનહદ પ્રેમ કરું છું!”
ગીત ૩ “ઈશ્વર પ્રેમ છે”