અભ્યાસ લેખ ૪૧
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ
યહોવાનો પ્રેમ કાયમ ટકે છે
“યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે. તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”—ગીત. ૧૩૬:૧.
આપણે શું શીખીશું?
યહોવાનો પ્રેમ એ બાઇબલનું એક મૂળ શિક્ષણ છે. આપણે જોઈશું કે એ વાત યાદ રાખવાથી કઈ રીતે મુશ્કેલ સંજોગોમાં ઉત્તેજન મળે છે.
૧-૨. ઘણાં ભાઈ-બહેનો કયા પડકારનો સામનો કરે છે?
વિચારો કે દરિયામાં ભારે તોફાન આવ્યું છે. મોટાં મોટાં મોજાંને લીધે હોડી આમતેમ ડોલા ખાય છે. જો કોઈ લંગર ન નાખે, તો હોડી દૂર ફંગોળાઈ જશે. પણ લંગર નાખવાથી હોડી સ્થિર રહેશે અને તોફાનમાં તણાઈ નહિ જાય.
૨ જ્યારે તમારા પર મુશ્કેલીઓનું તોફાન આવી પડે, ત્યારે તમને કદાચ લાગે કે તમારી હાલત એ હોડી જેવી જ છે. તમારી લાગણીઓમાં વારે વારે ભરતી-ઓટ આવ્યા કરે. એક દિવસે તમને પાકો ભરોસો હોય કે યહોવા તમને પ્રેમ કરે છે અને સાથ આપે છે. પણ બીજા જ દિવસે તમને શંકા થવા લાગે કે યહોવાને તમારા સંજોગો વિશે કંઈ ખબર છે કે નહિ. (ગીત. ૧૦:૧; ૧૩:૧) કદાચ એક દોસ્ત દિલાસો આપે એ પછી થોડા સમય માટે તમને સારું લાગે. (નીતિ. ૧૭:૧૭; ૨૫:૧૧) પણ ફરી પાછાં શંકાનાં કાળાં વાદળો ઘેરાવા લાગે. તમે કદાચ વિચારવા લાગો કે યહોવાએ તમને તમારા હાલ પર છોડી દીધા છે. તો પછી મુશ્કેલીઓના તોફાનમાં તમે કઈ રીતે લંગર નાખીને પોતાને સ્થિર કરી શકો? બીજા શબ્દોમાં કહીએ તો, તમે કઈ રીતે પોતાને ભરોસો અપાવી શકો કે યહોવા તમને પ્રેમ કરે છે અને સાથ આપે છે? એટલું જ નહિ, તમે કઈ રીતે એ ભરોસો મજબૂત રાખી શકો?
૩. (ક) “અતૂટ પ્રેમ” કરવો એટલે શું? (ગીતશાસ્ત્ર ૩૧:૭; ૧૩૬:૧) (ખ) કેમ કહી શકીએ કે અતૂટ પ્રેમ કરવામાં યહોવાએ સૌથી જોરદાર દાખલો બેસાડ્યો છે? (ચિત્ર પણ જુઓ.)
૩ જો મુશ્કેલીઓના તોફાનમાં યહોવાનો અતૂટ પ્રેમ યાદ રાખશો, તો પોતાને સ્થિર રાખી શકશો. (ગીતશાસ્ત્ર ૩૧:૭; ૧૩૬:૧ વાંચો.) “અતૂટ પ્રેમ”નો અર્થ થાય છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને વફાદારીથી, ઊંડી લાગણીથી અને હંમેશાં સાથ આપવાની ભાવના સાથે પ્રેમ કરે છે. યહોવાએ એવો પ્રેમ અને વફાદારી બતાવવામાં સૌથી જોરદાર દાખલો બેસાડ્યો છે. અરે, બાઇબલમાં તેમના વિશે જણાવ્યું છે કે તે ‘અતૂટ પ્રેમના સાગર છે.’ (નિર્ગ. ૩૪:૬, ૭) તેમ જ, ‘તેમને પોકારનાર બધા પર તે અતૂટ પ્રેમ વરસાવે છે.’ (ગીત. ૮૬:૫) એ કલમોથી શું જોવા મળે છે? યહોવા કદી પોતાના ભક્તોને તેઓના હાલ પર છોડી દેતા નથી. જો યાદ રાખશો કે યહોવા વફાદાર છે, તો મુશ્કેલીઓમાં ડગી નહિ જાઓ.—ગીત. ૨૩:૪.
લંગરને લીધે હોડી સ્થિર રહે છે અને તોફાનમાં તણાઈ જતી નથી. એવી જ રીતે, મુશ્કેલીઓના તોફાનમાં યહોવાના પ્રેમ પર ભરોસો રાખવાથી આપણે સ્થિર રહી શકીશું (ફકરો ૩ જુઓ)
યાદ રાખો કે યહોવાનો પ્રેમ, એ બાઇબલનું મૂળ શિક્ષણ છે
૪. (ક) બાઇબલનું અમુક મૂળ શિક્ષણ કયું છે? (ખ) તમને કેમ એમાં પાકો ભરોસો છે?
૪ યહોવાના પ્રેમને બાઇબલનું મૂળ શિક્ષણ ગણવાથી મુશ્કેલીઓમાં સ્થિર રહેવા મદદ મળશે. તમે શું કહેશો, “બાઇબલનું મૂળ શિક્ષણ” એટલે શું? તમારા મનમાં કદાચ એવું સત્ય આવશે, જે તમે બાઇબલમાંથી શીખ્યા છો. દાખલા તરીકે તમે શીખ્યા છો કે ઈશ્વરનું નામ યહોવા છે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના એકના એક દીકરા છે, ગુજરી ગયેલાઓ કંઈ જાણતા નથી અને પૃથ્વી બાગ જેવી સુંદર બની જશે, જેમાં માણસો કાયમ જીવશે. (ગીત. ૮૩:૧૮; સભા. ૯:૫; યોહા. ૩:૧૬; પ્રકટી. ૨૧:૩, ૪) એ શિક્ષણ સ્વીકાર્યા પછી તમે કોઈની વાતોમાં આવીને સહેલાઈથી ફંટાઈ ન ગયા. શા માટે? કેમ કે તમે સમજી ગયા હતા કે બાઇબલનું એ શિક્ષણ એક હકીકત છે. હવે ચાલો જોઈએ કે યહોવાના પ્રેમને બાઇબલનું મૂળ શિક્ષણ ગણવાથી તમે કઈ રીતે આવા ખોટા વિચારોને મનમાંથી દૂર કરી શકો, જેમ કે યહોવા તમારા પર ધ્યાન આપતા નથી અને તેમને તમારી કંઈ પડી નથી.
૫. સમજાવો કે એક વ્યક્તિ કઈ રીતે જૂઠા શિક્ષણને ઉખેડી નાખે છે.
૫ જ્યારે તમે બાઇબલમાંથી શીખવા લાગ્યા, ત્યારે જૂઠા શિક્ષણને નકારી કાઢવા શાનાથી મદદ મળી? તમે કદાચ તમારી ધાર્મિક માન્યતાઓને બાઇબલના શિક્ષણ સાથે સરખાવી હશે. ચાલો એક દાખલો લઈએ. ધારો કે અગાઉ તમે ઈસુને સર્વશક્તિમાન ઈશ્વર માનતા હતા. પણ બાઇબલમાંથી શીખતા ગયા તેમ, તમે વિચારવા લાગ્યા કે ‘શું એ સાચું છે?’ બાઇબલમાંથી પુરાવાઓ તપાસ્યા પછી તમને જાણવા મળ્યું કે ઈસુ કંઈ ઈશ્વર નથી. પછી એ જૂઠા શિક્ષણ પર ભરોસો કરવાને બદલે તમે બાઇબલના આ સત્ય પર ભરોસો કરવા લાગ્યા: ઈસુ “આખી સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા છે” અને તે ‘ઈશ્વરના એકના એક દીકરા છે.’ (કોલો. ૧:૧૫; યોહા. ૩:૧૮) એ સાચું છે કે જૂઠું શિક્ષણ મનમાં “ઊંડે સુધી ઘર કરી” શકે છે અને એ જડમૂળથી ઉખેડી નાખવું ખૂબ અઘરું બની શકે છે. (૨ કોરીં. ૧૦:૪, ૫) પણ એક વખત એમ કર્યા પછી તમે ફરી કદી એ જૂઠા શિક્ષણ પર ભરોસો ન કર્યો.—ફિલિ. ૩:૧૩.
૬. તમે કેમ ભરોસો રાખી શકો કે યહોવાનો “અતૂટ પ્રેમ કાયમ ટકે છે”?
૬ તમે જે રીતે જૂઠા શિક્ષણને જડમૂળથી ઉખેડી નાખ્યું છે, એ જ રીતે તમે યહોવાના પ્રેમ પર થતી શંકાને જડમૂળથી ઉખેડી શકો છો. મુશ્કેલીઓના તોફાનમાં જો શંકા થવા લાગે કે યહોવા તમને પ્રેમ કરે છે કે નહિ, તો પોતાને પૂછો: ‘શું હું બરાબર વિચારું છું?’ તમે તમારી લાગણીઓને ગીતશાસ્ત્ર ૧૩૬:૧ના શબ્દો સાથે સરખાવી શકો, જે આ લેખની મુખ્ય કલમ છે. અતૂટ પ્રેમ માટેના મૂળ હિબ્રૂ શબ્દમાં વફાદારીનો પણ સમાવેશ થાય છે. યહોવાએ કેમ પોતાના પ્રેમને વફાદાર કહ્યો? કેમ ૨૬ વખત આ અધ્યાયમાં “તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે” એ શબ્દો આવે છે? એનાથી યહોવાના અતૂટ પ્રેમ પર આપણો ભરોસો મક્કમ થાય છે. એ વાત પર પણ ભરોસો મક્કમ થાય છે કે યહોવા પોતાના ભક્તોને અતૂટ પ્રેમ કરે છે એ બાઇબલનું મૂળ શિક્ષણ છે. તમે એના જેવા બીજા મૂળ શિક્ષણને સહેલાઈથી સ્વીકારી લીધા હતા. એટલે જ્યારે પણ તમારા મનમાં આવા ખોટા વિચારો આવે કે યહોવા તમને નકામા ગણે છે અથવા તમે તેમના પ્રેમને લાયક નથી, ત્યારે તરત એને મનમાંથી કાઢી નાખો. જેમ કોઈ પણ જૂઠા શિક્ષણને તમે તરત નકારી કાઢશો, તેમ યહોવાના પ્રેમ પર શંકા ઊભી કરતા વિચારોને પણ તરત નકારી કાઢો.
૭. યહોવા તમને પ્રેમ કરે છે, એ વાતનો પુરાવો આપતી અમુક કલમો જણાવો.
૭ યહોવા આપણને પ્રેમ કરે છે એ વાતના ઘણા પુરાવાઓ બાઇબલમાં છે. દાખલા તરીકે, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.” (માથ. ૧૦:૩૧) યહોવાએ પોતે આ શબ્દો કહ્યા હતા: “હું તને હિંમત આપીશ, હા, તને મદદ કરીશ. હું સચ્ચાઈના મારા જમણા હાથથી તને પકડી રાખીશ.” (યશા. ૪૧:૧૦) ધ્યાન આપો કે એ શબ્દો અફર છે. ઈસુ અહીં એવું નથી કહેતા કે ‘તમે કદાચ મૂલ્યવાન છો’ અને યહોવા એવું નથી કહેતા કે ‘હું તને કદાચ મદદ કરીશ.’ એના બદલે તેઓ કહે છે: ‘તમે વધારે મૂલ્યવાન છો’ અને ‘હું તને મદદ કરીશ.’ જો મુશ્કેલીઓમાં યહોવાના પ્રેમ પર શંકા થાય, તો એવી કલમો પર વિચાર કરવાથી તમને ચોક્કસ સારું લાગશે. જોકે એનાથી પણ વધારે તમને ખાતરી થશે કે યહોવા તમને પ્રેમ કરે છે. આખરે, એ કલમોમાં હકીકત જણાવી છે! જો તમે પોતાની શંકા વિશે યહોવાને પ્રાર્થના કરશો અને એ કલમો પર મનન કરશો, તો કહી શકશો: “આપણે હવે જાણીએ છીએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને એ વાતની આપણને ખાતરી છે.”—૧ યોહા. ૪:૧૬.a
૮. જો હજીયે ક્યારેક યહોવાના પ્રેમ પર શંકા થાય તો શું કરી શકો?
૮ પણ જો હજીયે ક્યારેક યહોવાના પ્રેમ પર શંકા થાય તો શું? તમે તમારા દિલની લાગણીઓને, યહોવા વિશે જે જાણો છો એની સાથે સરખાવો. લાગણીઓ બદલાયા કરે છે, હકીકત નહિ. બાઇબલમાંથી શીખવા મળ્યું છે કે યહોવા આપણને પ્રેમ કરે છે અને એ એક હકીકત છે. જો એ વાત પર ભરોસો નહિ કરીએ, તો જાણે આપણે કહી રહ્યા છીએ કે “ઈશ્વર પ્રેમ છે” એ વાત ખોટી છે!—૧ યોહા. ૪:૮.
યહોવા “તમારા પર પ્રેમ રાખે છે,” એ વાત પર મનન કરો
૯-૧૦. યોહાન ૧૬:૨૬, ૨૭માં ઈસુએ કહ્યું કે “પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે.” ઈસુ અહીં શાના વિશે વાત કરી રહ્યા હતા? (ચિત્ર પણ જુઓ.)
૯ ઈસુએ પોતાના શિષ્યોને જે કહ્યું, એનાથી આપણને યહોવાના પ્રેમ વિશે વધારે શીખવા મળે છે. ઈસુએ કહ્યું હતું: “પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે.” (યોહાન ૧૬:૨૬, ૨૭ વાંચો.) ઈસુ અહીંયા એ શબ્દો પોતાના શિષ્યોને સારું લગાડવા કહી રહ્યા ન હતા. પણ અગાઉની કલમો વાંચવાથી ખબર પડે છે કે તે એક મહત્ત્વના વિષય પર વાત કરી રહ્યા હતા. તે જણાવી રહ્યા હતા કે શિષ્યોએ પ્રાર્થના કરતી વખતે શું યાદ રાખવું જોઈએ.
૧૦ ઈસુએ થોડા સમય પહેલાં જ પોતાના શિષ્યોને કહ્યું હતું કે તેઓએ તેમને પ્રાર્થના ન કરવી જોઈએ, એના બદલે તેમના નામમાં પ્રાર્થના કરવી જોઈએ. (યોહા. ૧૬:૨૩, ૨૪) એ જાણવું શિષ્યો માટે ખૂબ મહત્ત્વનું હતું. ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા એ પછી શિષ્યોને કદાચ થયું હશે કે તેઓ ઈસુને પ્રાર્થના કરે. કેમ કે તેઓ ઈસુના દોસ્ત હતા અને તેમને સારી રીતે ઓળખતા હતા. તેઓએ કદાચ વિચાર્યું હશે કે ઈસુ તેઓને બહુ પ્રેમ કરે છે, એટલે તે તેઓની અરજો સાંભળશે અને પિતા યહોવા આગળ એને રજૂ કરશે. પણ ઈસુએ કહ્યું હતું કે તેઓએ એવું ન વિચારવું જોઈએ. શા માટે? કેમ કે તેમણે જણાવ્યું હતું કે “પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે.” એ શબ્દો કહીને ઈસુ પોતાના શિષ્યોને એક મહત્ત્વની વાત શીખવી રહ્યા હતા કે તેઓએ યહોવાને પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે તે પોતાના લોકો પર પ્રેમ રાખે છે. એ હકીકત બાઇબલનું મૂળ શિક્ષણ છે, ખરું ને! હવે વિચારો કે એનો તમારા માટે શો અર્થ થાય. બાઇબલનો અભ્યાસ કર્યા પછી તમે ઈસુને સારી રીતે ઓળખો છો અને તેમને પ્રેમ કરો છો. (યોહા. ૧૪:૨૧) પણ પહેલી સદીના શિષ્યોની જેમ, તમે પણ પૂરી ખાતરીથી ઈશ્વર યહોવાને પ્રાર્થના કરો છો, કેમ કે તમે જાણો છો કે “પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે.” જ્યારે પણ તમે યહોવાને પ્રાર્થના કરો છો, ત્યારે બતાવી આપો છો કે તમને ઈસુના એ શબ્દોમાં ભરોસો છે.—૧ યોહા. ૫:૧૪.
તમે પૂરા ભરોસાથી યહોવાને પ્રાર્થના કરી શકો છો, કેમ કે તમે જાણો છો કે “પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે” (ફકરા ૯-૧૦ જુઓ)b
સમજો કે શાના લીધે શંકા ઊભી થાય છે
૧૧. જો આપણે યહોવાના પ્રેમ પર શંકા કરીશું તો શેતાન કેમ ખુશ થશે?
૧૧ યહોવાના પ્રેમ પર શાના લીધે શંકાઓ ઊભી થાય છે? તમે કદાચ કહેશો કે શેતાનને લીધે. અમુક હદે એ વાત સાચી છે. શેતાન આપણને “ગળી જવા શોધતો ફરે છે” અને તે ચાહે છે કે આપણે યહોવાના પ્રેમ પર શંકા કરીએ. (૧ પિત. ૫:૮) યહોવાએ તો પ્રેમને લીધે પોતાના દીકરાનું બલિદાન આપ્યું હતું, પણ શેતાન ચાહે છે કે આપણે એ ભેટ માટે પોતાને લાયક ન ગણીએ. (હિબ્રૂ. ૨:૯) જો આપણે યહોવાના પ્રેમ પર શંકા કરીશું, તો કોણ ખુશ થશે? શેતાન! જો આપણે મુશ્કેલીઓમાં નિરાશ થઈ જઈશું અને યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈશું, તો કોણ ખુશ થશે? શેતાન! જુઓ તો ખરા કે યહોવાના પ્રેમ માટે કોણ આપણાં મનમાં શંકાઓ ઊભી કરવા માંગે છે! આ એ જ શેતાન છે, જેણે યહોવાનો પ્રેમ ગુમાવી દીધો છે. તોપણ તે આપણાં મનમાં એવું ઠસાવવા માંગે છે કે આપણે યહોવાના પ્રેમને લાયક નથી અને યહોવાએ આપણને તરછોડી દીધા છે. એ તેનું એક મોટું ‘કાવતરું’ છે. (એફે. ૬:૧૧) જ્યારે ખ્યાલ આવે છે કે આપણો દુશ્મન શેતાન શું કરવાની કોશિશ કરે છે, ત્યારે તેની ‘સામા થવાનો’ ઇરાદો વધારે મક્કમ થાય છે.—યાકૂ. ૪:૭.
૧૨-૧૩. પાપી હોવાને લીધે કેમ યહોવાના પ્રેમ પર શંકા થઈ શકે?
૧૨ યહોવા આપણને પ્રેમ કરે છે, એ વાત પર બીજા એક કારણને લીધે પણ શંકા થઈ શકે છે. એ કારણ કયું છે? વારસામાં મળેલું પાપ. (ગીત. ૫૧:૫; રોમ. ૫:૧૨) પાપને લીધે માણસો પોતાના સર્જનહારથી દૂર થઈ ગયા છે. એટલું જ નહિ, એની તેઓનાં વિચારો, લાગણીઓ અને શરીર પર ખરાબ અસર પડી છે.
૧૩ આપણી લાગણીઓ પર પાપની આડઅસર થાય છે. આપણું અંતઃકરણ ડંખે છે, આપણને ડર લાગે છે અને શરમ અનુભવીએ છીએ. ભૂલ કરીએ છીએ ત્યારે આપણને એ બધી લાગણીઓ થાય છે. જોકે બીજા એક કારણને લીધે પણ એવી લાગણી થઈ શકે છે. આપણને હંમેશાં એ અહેસાસ થાય છે કે આપણે પાપી છીએ, પણ ઈશ્વરે આપણને એવા બનાવ્યા ન હતા. (રોમ. ૮:૨૦, ૨૧) આનો વિચાર કરો: ગાડીના ટાયરમાં પંચર પડ્યા પછી ગાડી જેમ ચાલવી જોઈએ તેમ ચાલતી નથી. આપણી હાલત પણ એ ગાડી જેવી જ છે. આપણને વારસામાં પાપ મળ્યું છે, એટલે આપણને જે ક્ષમતાથી બનાવવામાં આવ્યા હતા, એ પ્રમાણે જીવવામાં ઊણા ઊતરીએ છીએ. એટલે અમુક વાર આપણને યહોવાના પ્રેમ પર શંકા થાય ત્યારે નવાઈ નથી લાગતી. એવું થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે યહોવા ‘મહાન અને અદ્ભુત ઈશ્વર છે. જેઓ તેમને પ્રેમ કરે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે, તેઓને તે અતૂટ પ્રેમ બતાવે છે.’—નહે. ૧:૫.
૧૪. ઈસુના બલિદાન પર મનન કરવાથી કઈ રીતે યહોવાના પ્રેમ પર ભરોસો વધે છે? (રોમનો ૫:૮) (“‘પાપની ભમાવનારી તાકાતથી’ ચેતીને રહો” બૉક્સ પણ જુઓ.)
૧૪ અમુક વાર આપણને લાગી શકે કે આપણે યહોવાના પ્રેમને લાયક નથી. પણ એ હકીકત છે. આપણે સાચે જ યહોવાના પ્રેમને લાયક નથી. એટલે જ તો યહોવાનો પ્રેમ એકદમ ખાસ છે. આપણે કોઈ પણ રીતે એને ખરીદી શકતા નથી. પણ એ તો યહોવા આપણને એટલો બધો પ્રેમ કરે છે કે તેમણે પોતાના દીકરાનું બલિદાન આપી દીધું, જેથી તે આપણાં પાપ માફ કરી શકે. (૧ યોહા. ૪:૧૦) વધુમાં, યાદ રાખો કે ઈસુ પાપ વગરના લોકોને નહિ, પણ પાપી લોકોને બચાવવા આવ્યા હતા. (રોમનો ૫:૮ વાંચો.) શું આપણામાંથી એવું કોઈ છે, જેનાથી કદી ભૂલો થતી નથી? ના! યહોવા આપણી પાસેથી એવી આશા પણ રાખતા નથી. જ્યારે સમજીએ છીએ કે વારસામાં મળેલું પાપ આપણાં મનમાં શંકાઓ ઊભી કરે છે, ત્યારે ખોટા વિચારો સામે લડવા આપણે કમર કસી લઈએ છીએ.—રોમ. ૭:૨૪, ૨૫.
હંમેશાં વફાદાર રહેવાનો નિર્ણય લો
૧૫-૧૬. જો યહોવાને વફાદાર રહીશું, તો શાની ખાતરી રાખી શકીશું અને શા માટે? (૨ શમુએલ ૨૨:૨૬)
૧૫ યહોવા ચાહે છે કે આપણે તેમને ‘વળગી રહેવાનો’ નિર્ણય લઈએ. (પુન. ૩૦:૧૯, ૨૦) એમ કરીશું તો ખાતરી રાખી શકીશું કે તે આપણને વફાદાર રહેશે. (૨ શમુએલ ૨૨:૨૬ વાંચો.) જ્યાં સુધી આપણે તેમને વફાદાર રહીશું, ત્યાં સુધી તે આપણને દરેક સંજોગમાં મદદ કરશે. તે આપણને કદી નિરાશ નહિ કરે.
૧૬ આપણે જોઈ ગયા તેમ, મુશ્કેલીઓના તોફાનમાં પણ આપણે સ્થિર ઊભા રહી શકીએ છીએ. કંઈ પણ આપણને ડગાવી શકતું નથી. આપણે જાણીએ છીએ કે યહોવા આપણને પ્રેમ કરે છે અને તે હંમેશાં સાથ આપશે. બાઇબલમાંથી આપણને એ જ શીખવા મળે છે. જો ક્યારેય યહોવાના પ્રેમ પર શંકા થાય, તો પોતાની લાગણીઓ પર ધ્યાન આપવાને બદલે, યહોવાના પ્રેમ વિશે જે જાણીએ છીએ એના પર ધ્યાન આપીએ. તો ચાલો, હંમેશાં બાઇબલની આ હકીકત પર ભરોસો રાખીએ કે યહોવાનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
ગીત ૩ “ઈશ્વર પ્રેમ છે”
a બીજા દાખલાઓ: પુનર્નિયમ ૩૧:૮, ગીતશાસ્ત્ર ૯૪:૧૪ અને યશાયા ૪૯:૧૫.
b ચિત્રની સમજ: એક ભાઈ પ્રાર્થના કરે છે, જેથી તે પોતાની બીમાર પત્નીની સંભાળ રાખી શકે, પૈસા વિશે સારા નિર્ણયો લઈ શકે અને પોતાની દીકરીને યહોવાને પ્રેમ કરતા શીખવી શકે.