વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 ડિસેમ્બર પાન ૨-૭
  • અયૂબના પુસ્તકથી કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ મળે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અયૂબના પુસ્તકથી કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ મળે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વર અયૂબને મુશ્કેલીઓ સહેવા દે છે
  • અયૂબના અહેવાલથી કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ મળે છે?
  • અયૂબના પુસ્તકથી બીજાઓને મદદ કરીએ
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • અયૂબના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • અયૂબના પુસ્તકથી સલાહ આપવા વિશે શું શીખવા મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 ડિસેમ્બર પાન ૨-૭

અભ્યાસ લેખ ૪૮

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

અયૂબના પુસ્તકથી કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ મળે છે?

“એક વાત ચોક્કસ છે, ઈશ્વર દુષ્ટતા કરતા નથી.”—અયૂ. ૩૪:૧૨.

આપણે શું શીખીશું?

અયૂબના પુસ્તકમાંથી આ સવાલોના જવાબ મેળવીશું: ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે અને આપણે કઈ રીતે મુશ્કેલીઓ ધીરજથી સહન કરી શકીએ?

૧-૨. આપણે કેમ અયૂબનું પુસ્તક વાંચવું જોઈએ?

હાલમાં શું તમે અયૂબનું પુસ્તક વાંચ્યું છે? એ પુસ્તક લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં લખાયું હતું. તોપણ લોકો એને સૌથી શ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક ગણે છે. તેઓ એના લેખકના વખાણ કરે છે, કેમ કે એના શબ્દો સમજવામાં સહેલા છે, એની લખવાની રીત જોરદાર છે અને એની વાતો દિલને અસર કરી જાય છે. આમ તો એ પુસ્તક મૂસાએ લખ્યું હતું, પણ અસલમાં એના લેખક ઈશ્વર યહોવા છે.—૨ તિમો. ૩:૧૬.

૨ અયૂબનું પુસ્તક બાઇબલનું એક મહત્ત્વનું પુસ્તક છે. શા માટે? કેમ કે એમાંથી જોવા મળે છે કે દૂતો અને માણસો સામે અમુક મોટા મોટા સવાલો ઊભા થયા છે. એ છે: શું તેઓ યહોવા માટેના પ્રેમના લીધે તેમની ભક્તિ કરશે? શું તેઓ યહોવાના નામ પર લાગેલું કલંક દૂર કરવા મદદ કરશે? અયૂબના પુસ્તકમાંથી યહોવાના શાનદાર ગુણો વિશે પણ શીખી શકીએ છીએ, જેમ કે, પ્રેમ, ડહાપણ, ન્યાય અને શક્તિ. દાખલા તરીકે, અયૂબના પુસ્તકમાં ૩૧ વખત યહોવાને “સર્વશક્તિમાન” કહેવામાં આવ્યા છે. બાઇબલનાં બીજાં બધાં પુસ્તકો કરતાં આ પુસ્તકમાં એ શબ્દ સૌથી વધારે વખત આવે છે. વધુમાં, અયૂબના પુસ્તકથી એ પણ જાણવા મળે છે કે ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે. આવા તો અનેક સવાલો લોકોને સદીઓથી સતાવે છે, જેના જવાબ અયૂબના પુસ્તકમાં છે.

૩. અયૂબના પુસ્તકથી શું શીખવા મળે છે?

૩ અયૂબના પુસ્તકથી આપણે પોતાની મુશ્કેલીઓને યહોવાની નજરે જોઈ શકીએ છીએ. એ સમજવા ચાલો એક દાખલો લઈએ. પહાડની ટોચથી આપણે આસપાસનો નજારો સારી રીતે જોઈ શકીએ છીએ. એવી જ રીતે, અયૂબનું પુસ્તક વાંચવાથી આપણે જોઈ શકીએ છીએ કે આપણી મુશ્કેલીઓ વિશે યહોવા શું વિચારે છે. આ લેખમાં શીખીશું કે અયૂબના અહેવાલથી ઇઝરાયેલીઓને કઈ રીતે મદદ મળી શકતી હતી અને આજે આપણને કઈ રીતે મદદ મળી શકે છે. એ પણ શીખીશું કે અયૂબના અહેવાલથી કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ.

ઈશ્વર અયૂબને મુશ્કેલીઓ સહેવા દે છે

૪. અયૂબ અને ઇજિપ્તમાં રહેતા ઇઝરાયેલીઓ વચ્ચે કયો ફરક હતો?

૪ ઇજિપ્તમાં ઇઝરાયેલીઓ ગુલામીમાં હતા ત્યારે, અયૂબ નામના એક માણસ ઉસ દેશમાં રહેતા હતા. એ દેશ કદાચ વચનના દેશની પૂર્વમાં અને અરબસ્તાનની ઉત્તરમાં આવેલો હતો. અયૂબ વફાદારીથી યહોવાની ભક્તિ કરતા હતા, જ્યારે કે ઇજિપ્તમાં ઇઝરાયેલીઓએ જૂઠાં દેવી-દેવતાઓની ભક્તિ કરવાનું શરૂ કરી દીધું હતું. (યહો. ૨૪:૧૪; હઝકિ. ૨૦:૮) યહોવાએ અયૂબ વિશે કહ્યું હતું: “આખી પૃથ્વી પર તેના જેવો બીજો કોઈ નથી.”a (અયૂ. ૧:૮) અયૂબ ખૂબ ધનવાન હતા અને સમાજમાં તેમનું મોટું નામ હતું. પૂર્વના વિસ્તારમાં તેમના જેટલું પૈસાદાર અને મોભાદાર બીજું કોઈ ન હતું. (અયૂ. ૧:૩) એવી વ્યક્તિ પ્રમાણિકતાથી ઈશ્વરની ભક્તિ કરી રહી છે, એ જોઈને શેતાનનું લોહી ઊકળી ઊઠ્યું હશે!

૫. યહોવાએ અયૂબ પર કેમ તકલીફો આવવા દીધી? (અયૂબ ૧:૨૦-૨૨; ૨:૯, ૧૦)

૫ શેતાને દાવો કર્યો કે જો અયૂબ પર તકલીફો આવશે, તો તે યહોવાની ભક્તિ કરવાનું છોડી દેશે. (અયૂ. ૧:૭-૧૧; ૨:૨-૫) યહોવા અયૂબને ખૂબ પ્રેમ કરતા હતા, પણ શેતાનના દાવાથી મોટા મોટા સવાલો ઊભા થયા. એટલે યહોવાએ શેતાનને પોતાની વાત સાબિત કરવાની તક આપી. (અયૂ. ૧:૧૨-૧૯; ૨:૬-૮) શેતાને અયૂબનાં પ્રાણીઓને ખતમ કરી નાખ્યાં. પછી તેણે અયૂબના દસ બાળકોને મારી નાખ્યાં. એટલું ઓછું હોય તેમ, તેણે અયૂબનું આખું શરીર પીડાદાયક ગૂમડાંથી ભરી દીધું. શેતાન આટલી બધી તકલીફો લાવ્યો તોપણ, અયૂબ યહોવાને વફાદાર રહ્યા. (અયૂબ ૧:૨૦-૨૨; ૨:૯, ૧૦ વાંચો.) સમય જતાં યહોવાએ અયૂબને ઘણા આશીર્વાદો આપ્યા. તેમને તંદુરસ્તી, ધનદોલત અને માન-મોભો પાછાં આપ્યાં. યહોવાએ તેમને બીજાં દસ બાળકો પણ આપ્યાં. તેમણે અયૂબને લાંબા જીવનનો આશીર્વાદ આપ્યો. એના લીધે અયૂબ બીજાં ૧૪૦ વર્ષ જીવી શક્યા. આમ તે પોતાની ચાર પેઢી જોઈ શક્યા. (અયૂ. ૪૨:૧૦-૧૩, ૧૬) અયૂબના અહેવાલથી જૂના જમાનાના ઈશ્વરભક્તોને કઈ રીતે મદદ મળી શકતી હતી અને આજે આપણને કઈ રીતે મદદ મળી શકે છે?

૬. અયૂબના અહેવાલથી ઇઝરાયેલીઓને કઈ રીતે મદદ મળી શકતી હતી? (ચિત્ર પણ જુઓ.)

૬ ઇઝરાયેલીઓને કઈ રીતે મદદ મળી શકતી હતી? ઇજિપ્તમાં ઇઝરાયેલીઓએ ઘણું દુઃખ વેઠવું પડ્યું હતું. દાખલા તરીકે, યહોશુઆ અને કાલેબે પોતાની આખી યુવાની ગુલામીમાં કાઢી હતી. તેઓની કોઈ ભૂલ ન હતી તોપણ તેઓએ ૪૦ વર્ષ વેરાન પ્રદેશમાં ભટકવું પડ્યું. જો ઇઝરાયેલીઓને અયૂબના અહેવાલ વિશે ખબર હોત, તો એનાથી ઘણો ફાયદો થઈ શકતો હતો. તેઓને અને તેઓની આવનાર પેઢીઓને ઘણું ઉત્તેજન મળી શકતું હતું. તેઓ સમજી શકતા હતા કે બધી મુશ્કેલીઓની જડ શેતાન છે, ઈશ્વર નહિ અને ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે. તેઓને એ જાણવા પણ મદદ મળી શકતી હતી કે ઈશ્વર એવા લોકોને પ્રેમ કરે છે અને ઇનામ આપે છે, જેઓ મુશ્કેલીઓમાં પણ તેમને વફાદાર રહે છે.

ઇજિપ્તમાં એક ઇઝરાયેલી માણસ ઈંટોની થપ્પી કરી રહ્યો છે અને વિચારી રહ્યો છે. નજીકમાં ઇજિપ્તવાસીઓ મહેનતુ ઇઝરાયેલીઓને ડંડાથી મારી રહ્યા છે.

ઇઝરાયેલીઓએ ઇજિપ્તની ગુલામીમાં ઘણાં દુઃખો વેઠ્યાં હતાં. સમય જતાં તેઓએ અયૂબ વિશે સાંભળ્યું હશે. તેઓ તેમના દાખલામાંથી ઘણું શીખી શકતા હતા (ફકરો ૬ જુઓ)


૭-૮. મુશ્કેલીઓ સહેતા લોકોને અયૂબના પુસ્તકથી કઈ રીતે મદદ મળી શકે? એક અનુભવ જણાવો.

૭ આપણને કઈ રીતે મદદ મળી શકે છે? દુઃખની વાત છે કે આજે ઘણા લોકોનો ઈશ્વર પરથી ભરોસો ઊઠી ગયો છે. તેઓ સમજી શકતા નથી કે સારા લોકો સાથે કેમ ખરાબ થાય છે. રુવાન્ડામાં રહેતાં હેઝલબહેનનાb દાખલા પર ધ્યાન આપો. તે યુવાન હતાં ત્યારે ભગવાનમાં માનતાં હતાં. પણ પછી તેમનાં પર એક પછી એક ઘણી મુશ્કેલીઓ આવી. તેમનાં મમ્મી-પપ્પાના છૂટાછેડા થઈ ગયા. પછી તેમનાં મમ્મીએ એક બીજા માણસ સાથે લગ્‍ન કર્યા અને તે હેઝલબહેન સાથે બહુ ખરાબ રીતે વર્તતા હતા. યુવાનીમાં હેઝલબહેન પર બળાત્કાર થયો. દિલાસો મેળવવા તે એક ધાર્મિક જગ્યાએ ગયાં તો ખરાં, પણ નિરાશા જ હાથ લાગી. પછીથી હેઝલબહેને ભગવાનને પત્ર લખ્યો. તેમણે લખ્યું: “હે ભગવાન, મેં તને ઘણી પ્રાર્થના કરી અને સારાં કામો કરવાની કોશિશ કરી. પણ તેં મારી ભલાઈનો બદલો બૂરાઈથી જ વાળ્યો છે. હવે હું તને છોડી રહી છું અને એ જ કરવાની છું, જેનાથી મને ખુશી મળે.” હેઝલબહેન જેવા લોકોને જોઈને આપણું દિલ ચિરાઈ જાય છે. તેઓ એવું માની બેઠા છે કે બધી મુશ્કેલીઓ માટે ઈશ્વર જવાબદાર છે!

૮ જોકે, અયૂબના પુસ્તકથી આપણે શીખ્યા છીએ કે મુશ્કેલીઓ પાછળ શેતાનનો હાથ છે, ઈશ્વરનો નહિ. એ પણ શીખ્યા છીએ કે જ્યારે લોકો પર તકલીફો આવે, ત્યારે એવું ન વિચારવું જોઈએ કે તેઓ પોતાનાં ખરાબ કામોનું પરિણામ ભોગવી રહ્યા છે. બાઇબલમાં જણાવ્યું છે કે “સમય અને અણધાર્યા સંજોગોની અસર” બધાને થાય છે. (સભા. ૯:૧૧; અયૂ. ૪:૧, ૮) વધુમાં આપણે શીખ્યા છીએ કે મુશ્કેલીઓમાં વફાદાર રહીશું તો, યહોવા શેતાનને જડબાતોડ જવાબ આપી શકશે. (અયૂ. ૨:૩; નીતિ. ૨૭:૧૧) આપણે બાઇબલમાંથી જે મહત્ત્વની વાતો શીખ્યા છીએ, એને જરાય મામૂલી ગણતા નથી. કેમ કે એનાથી જ આપણને જાણવા મળ્યું છે કે આપણા પર અને આપણાં સ્નેહીજનો પર આવતી મુશ્કેલીઓનું મૂળ કારણ શું છે. હેઝલબહેનનો ફરીથી વિચાર કરો. તેમણે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તેમને સમજાયું કે તેમની મુશ્કેલીઓ માટે ઈશ્વર જવાબદાર નથી. તેમણે કહ્યું: “મેં ફરીથી ઈશ્વરને દિલ ખોલીને પ્રાર્થના કરી. મેં યહોવાને કહ્યું કે અગાઉ મેં તેમને છોડી દેવાની વાત કરી હતી, પણ હું ખરેખર તેમને છોડવા માંગતી ન હતી. કેમ કે એ સમયે હું યહોવાને ઓળખતી જ ન હતી. પણ હવે હું સમજું છું કે યહોવા મને પ્રેમ કરે છે. હું સાચે જ ખુશ છું.” ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે, એનું કારણ જાણીને આપણું દિલ કદરથી ઊભરાઈ આવે છે. હવે ચાલો જોઈએ કે અયૂબના અહેવાલથી આપણને કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ મળી શકે.

અયૂબના અહેવાલથી કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ મળે છે?

૯. અયૂબની હાલતનું વર્ણન કરો. (યાકૂબ ૫:૧૧)

૯ કલ્પના કરો કે અયૂબ રાખમાં એકલા બેઠા છે. તેમનું આખું શરીર ગૂમડાંથી ભરાઈ ગયું છે. તેમને અસહ્ય પીડા થઈ રહી છે. બીમારીને લીધે તેમની ચામડી કાળી પડી ગઈ છે અને ધીરે ધીરે ઊખડી રહી છે. શરીરમાં જરાય તાકાત બચી નથી. તે સૂકાઈને એકદમ લાકડી જેવા થઈ ગયા છે. તે બેઠા બેઠા ઠીકરાથી પોતાનું શરીર ખંજવાળી રહ્યા છે. તે પોતાની લાગણીનો ઊભરો ઠાલવી રહ્યા છે. પણ અયૂબ બસ જીવવા ખાતર જીવી રહ્યા ન હતા, તે તો બધું ધીરજથી સહન કરી રહ્યા હતા. (યાકૂબ ૫:૧૧ વાંચો.) એમ કરવા તેમને શાનાથી મદદ મળી?

૧૦. શાનાથી દેખાઈ આવે છે કે અયૂબનો યહોવા સાથેનો સંબંધ ગાઢ હતો? સમજાવો.

૧૦ અયૂબનો યહોવા સાથેનો સંબંધ ખૂબ ગાઢ હતો. એટલે તેમણે યહોવા આગળ પોતાની બધી લાગણીઓ ઠાલવી દીધી. (અયૂ. ૧૦:૧, ૨; ૧૬:૨૦) દાખલા તરીકે, અયૂબના ત્રીજા અધ્યાયમાં જોવા મળે છે કે પોતાના દુઃખ માટે તેમણે યહોવાને નિસાસા નાખતાં નાખતાં ફરિયાદ કરી. અયૂબને લાગતું હતું કે આ બધી તકલીફો યહોવા તેમના પર લાવ્યા છે. અયૂબના ત્રણ મિત્રોએ વારંવાર તેમને કહ્યું કે તેમનાં પાપોને લીધે ઈશ્વર સજા કરી રહ્યા છે. પણ અયૂબ કહેતા રહ્યા કે તે યહોવાને પ્રમાણિક છે. અયૂબના શબ્દોથી લાગે છે કે થોડા સમય માટે તે પોતાને ઈશ્વર કરતાં વધારે નેક ગણવા લાગ્યા હતા. (અયૂ. ૧૦:૧-૩; ૩૨:૧, ૨; ૩૫:૧, ૨) જોકે, અયૂબે એ વાત સ્વીકારી કે પોતે પ્રમાણિક છે એ સાબિત કરવાની કોશિશમાં તે “ધડ-માથા વગરની વાતો” કરવા લાગ્યા હતા. (અયૂ. ૬:૩, ૨૬) ૩૧મા અધ્યાયમાં જોવા મળે છે કે અયૂબ યહોવા પાસેથી જવાબ માંગી રહ્યા હતા અને તે ચાહતા હતા કે યહોવા તેમને નિર્દોષ જાહેર કરે. (અયૂ. ૩૧:૩૫) તે વારંવાર એવી માંગ કરતા હતા કે ઈશ્વર તેમના પર આવેલી તકલીફોનું કારણ જણાવે. પણ તેમણે એમ કરવું જોઈતું ન હતું.

૧૧. અયૂબે પોતાને સાચા સાબિત કરવાની કોશિશ કરી ત્યારે, યહોવા તેમની સાથે કઈ રીતે વર્ત્યા?

૧૧ આપણે સમજીએ છીએ કે અયૂબ યહોવાના પાકા દોસ્ત હતા, એટલે તેમણે યહોવા સાથે એ રીતે વાત કરી. તેમને પૂરો ભરોસો હતો કે યહોવા કદી તેમની સાથે અન્યાય નહિ કરે. પછીથી જ્યારે યહોવાએ વંટોળિયામાંથી અયૂબ સાથે વાત કરી, ત્યારે તેમણે અયૂબને તેમની મુશ્કેલીઓનું કારણ ન જણાવ્યું. તેમણે અયૂબની ફરિયાદો માટે અને પોતાને સાચા સાબિત કરવાની કોશિશ માટે સજા પણ ન કરી. યહોવાએ અયૂબ સાથે પ્રેમથી વાત કરી, એક પિતા પોતાના દીકરા સાથે વાત કરતા હોય એ રીતે વાત કરી. અયૂબને મદદ કરવાની એ સૌથી સારી રીત હતી. પરિણામે, અયૂબે સ્વીકાર્યું કે તે ઘણી બાબતો વિશે કંઈ જાણતા નથી અને તેમણે વિચાર્યા વગર જે કહ્યું હતું એ માટે પસ્તાવો કર્યો. (અયૂ. ૩૧:૬; ૪૦:૪, ૫; ૪૨:૧-૬) આ અહેવાલથી જૂના જમાનાના લોકોને કઈ રીતે મદદ મળી શકતી હતી અને આજે આપણને કઈ રીતે મદદ મળી શકે છે?

૧૨. ઇઝરાયેલીઓને અયૂબના અહેવાલથી કઈ રીતે મદદ મળી શકતી હતી?

૧૨ ઇઝરાયેલીઓને કઈ રીતે મદદ મળી શકતી હતી? અયૂબ સાથે જે બન્યું એમાંથી ઇઝરાયેલીઓ ઘણું શીખી શકતા હતા. દાખલા તરીકે મૂસા. તેમની સામે ઘણા પડકારો આવ્યા અને અમુક વાર તેમણે નિરાશાનો સામનો કરવો પડ્યો. તેમણે ઇઝરાયેલીઓની આગેવાની લેવાની હતી. એ કામ જરાય સહેલું ન હતું. જ્યારે પણ ઇઝરાયેલીઓ સામે મુશ્કેલીઓ આવતી, ત્યારે તેઓ યહોવા વિરુદ્ધ ફરિયાદ કરતા. પણ મૂસા યહોવા પાસે મદદ માંગતા. (નિર્ગ. ૧૬:૬-૮; ગણ. ૧૧:૧૦-૧૪; ૧૪:૧-૪, ૧૧; ૧૬:૪૧, ૪૯; ૧૭:૫) મૂસાને શિસ્ત મળી ત્યારે પણ તેમને અયૂબના દાખલામાંથી ઘણી મદદ મળી શકતી હતી. યાદ કરો કે ઇઝરાયેલીઓએ કાદેશમાં છાવણી નાખી હતી ત્યારે શું બન્યું હતું. ઇઝરાયેલીઓને વેરાન પ્રદેશમાં આશરે ૪૦ વર્ષ થઈ ગયાં હતાં. એ સમયે મૂસા “વગર વિચાર્યું” બોલ્યા અને યહોવાને મહિમા આપવાનું ચૂકી ગયા. (ગીત. ૧૦૬:૩૨, ૩૩) એટલે યહોવાએ તેમને વચનના દેશમાં જવા ન દીધા. (પુન. ૩૨:૫૦-૫૨) એ શિસ્તથી મૂસાને ઘણું દુઃખ થયું હશે. તોપણ તેમણે નમ્રતાથી એ શિસ્ત સ્વીકારી. અયૂબના અહેવાલ પર મનન કરવાથી ઇઝરાયેલીઓની આવનાર પેઢીઓને મુશ્કેલીઓ સહન કરવા ઘણી મદદ મળી શકતી હતી. એના પર મનન કરવાથી તેઓ શીખી શકતા હતા કે યહોવા આગળ કઈ રીતે પોતાની લાગણીઓ ઠાલવવી. તેઓને એ યાદ રાખવા મદદ મળી શકતી હતી કે તેઓએ યહોવા સામે પોતાને સાચા સાબિત કરવાની કોશિશ ન કરવી જોઈએ. તેઓ એ પણ શીખી શકતા હતા કે યહોવા પાસેથી શિસ્ત મળે ત્યારે, કઈ રીતે એને નમ્રતાથી સ્વીકારવી.

૧૩. ધીરજથી સહન કરવા અયૂબના અહેવાલથી કઈ રીતે મદદ મળી શકે? (હિબ્રૂઓ ૧૦:૩૬)

૧૩ આપણને કઈ રીતે મદદ મળી શકે છે? અયૂબની જેમ બધા ખ્રિસ્તીઓએ પણ ધીરજથી સહન કરવાની જરૂર પડે છે. (હિબ્રૂઓ ૧૦:૩૬ વાંચો.) દાખલા તરીકે, આપણે કદાચ બીમારીનો સામનો કરતા હોઈએ અથવા અતિશય ચિંતા કે ડિપ્રેશનનો ભોગ બન્યા હોઈએ. કદાચ કુટુંબમાં અમુક મુશ્કેલીઓ હોય, કોઈ સગા-વહાલાને મરણમાં ગુમાવ્યા હોય અથવા બીજી કોઈ મોટી મુશ્કેલી હોય. અમુક વાર એવું બને કે બીજાઓનાં વાણી-વર્તનના લીધે ધીરજથી સહન કરવું અઘરું બની જાય. (નીતિ. ૧૨:૧૮) પણ અયૂબના પુસ્તકથી શીખવા મળે છે કે આપણે યહોવા આગળ પોતાનું દિલ ઠાલવી શકીએ છીએ અને ભરોસો રાખી શકીએ છીએ કે તે આપણી વાત જરૂર સાંભળશે. (૧ યોહા. ૫:૧૪) અયૂબની જેમ પોતાની લાગણીઓ જણાવતાં જણાવતાં “ધડ-માથા વગરની વાતો” કરવા લાગીએ, તોપણ યહોવા કદી ગુસ્સે નહિ થાય. એના બદલે તે ધીરજથી સહન કરવા ડહાપણ અને શક્તિ આપશે. (૨ કાળ. ૧૬:૯; યાકૂ. ૧:૫) યહોવા કદાચ આપણને પણ જરૂર પડ્યે સુધારે. તે કદાચ બાઇબલ, સંગઠન અથવા ભક્તિમાં મજબૂત હોય એવા દોસ્તો દ્વારા સલાહ આપે. અયૂબના પુસ્તકથી શીખવા મળે છે કે સલાહ અથવા શિસ્ત મળે ત્યારે કઈ રીતે ધીરજ રાખી શકીએ. (હિબ્રૂ. ૧૨:૫-૭) અયૂબે નમ્રતાથી સલાહ સ્વીકારી એટલે તેમને ફાયદો થયો. એવી જ રીતે, જો આપણે સલાહ સ્વીકારીશું અને ફેરફાર કરીશું, તો ચોક્કસ ફાયદો થશે. (૨ કોરીં. ૧૩:૧૧) સાચે જ, અયૂબ પાસેથી કેટલું બધું શીખવા મળે છે! હવે ચાલો જોઈએ કે અયૂબના અહેવાલથી કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ.

અયૂબના પુસ્તકથી બીજાઓને મદદ કરીએ

૧૪. દુઃખ-તકલીફો કેમ આવે છે, એ સવાલનો જવાબ આપવાની એક રીત કઈ છે?

૧૪ શું પ્રચારમાં કોઈએ તમને પૂછ્યું છે: ‘આપણા પર દુઃખો કેમ આવે છે?’ તમે એ સવાલનો જવાબ કઈ રીતે આપ્યો? તમે કદાચ બાઇબલમાંથી જણાવ્યું હશે કે એદન બાગમાં શું બન્યું હતું. તમે કદાચ આ રીતે શરૂઆત કરી હશે: દુષ્ટ દૂત શેતાને જૂઠું બોલીને પ્રથમ સ્ત્રી-પુરુષ એટલે કે આદમ-હવાને છેતર્યાં. એટલે તેઓ ભગવાનની વિરુદ્ધ ગયાં. (ઉત. ૩:૧-૬) આદમ અને હવાએ ભગવાનની આજ્ઞા તોડી એ પછી લોકો પર દુઃખ અને મરણ આવ્યું. (રોમ. ૫:૧૨) છેલ્લે, તમે સમજાવ્યું હશે કે ભગવાને હમણાં પૂરતો સમય આપ્યો છે. એનાથી શેતાન જૂઠો છે એવું સાબિત થશે તેમજ લોકોને ખુશખબર સાંભળવાની તક મળશે કે દુઃખ-તકલીફો દૂર થઈ જશે અને તેઓ કાયમ માટે જીવી શકશે. (પ્રકટી. ૨૧:૩, ૪) દુઃખ-તકલીફો કેમ આવે છે, એ સવાલનો જવાબ આપવાની આ એક સારી રીત છે અને એમ કરવાથી સારાં પરિણામ પણ મળી શકે છે.

૧૫. દુઃખ-તકલીફો કેમ આવે છે, એ સવાલનો જવાબ આપવા કઈ રીતે અયૂબના પુસ્તકનો ઉપયોગ કરી શકીએ? (ચિત્રો પણ જુઓ.)

૧૫ દુઃખ-તકલીફો કેમ આવે છે, એ સવાલનો જવાબ આપવાની બીજી એક રીત પણ છે. તમે વ્યક્તિને અયૂબ વિશે જણાવી શકો. તમે શરૂઆતમાં આ સરસ સવાલ પૂછવા માટે વ્યક્તિના વખાણ કરી શકો. પછી જણાવી શકો કે અયૂબ નામના એક વફાદાર ઈશ્વરભક્ત પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો ત્યારે, તેમણે આવો જ સવાલ પૂછ્યો હતો. તેમને લાગ્યું કે તેમની તકલીફો માટે ભગવાન જવાબદાર હતા. (અયૂ. ૭:૧૭-૨૧) એ સાંભળીને કદાચ વ્યક્તિને નવાઈ લાગે કે સદીઓ પહેલાં પણ લોકોનાં મનમાં આ સવાલ હતો. પછી તમે સમજી-વિચારીને જણાવી શકો કે અયૂબની તકલીફો માટે ભગવાન નહિ, પણ શેતાન જવાબદાર હતો. કેમ કે તે સાબિત કરવા માંગતો હતો કે માણસો સ્વાર્થને લીધે ભગવાનની ભક્તિ કરે છે. પછી તમે આવું કંઈક કહી શકો: ખરું કે અયૂબ પર ભગવાન મુશ્કેલીઓ લાવ્યા ન હતા, પણ તેમણે એને ચાલવા દીધી. એનાથી જોવા મળે છે કે ભગવાનને પૂરો ભરોસો છે કે માણસો તેમને વફાદાર રહેશે અને શેતાનને જૂઠો સાબિત કરશે. છેલ્લે તમે જણાવી શકો કે ભગવાને અયૂબની વફાદારી માટે તેમને આશીર્વાદો આપ્યા. આમ, આપણે લોકોને દિલાસો આપી શકીએ છીએ કે તેઓની તકલીફો માટે યહોવા ભગવાન જવાબદાર નથી.

ચિત્રો: ૧. આગના લીધે બધું બળીને ખાખ થઈ ગયું છે. એ કાટમાળમાંથી શોધેલો એક ફોટો સ્ત્રીના હાથમાં છે અને તે ખૂબ દુઃખી છે. ૨. થોડા સમય પછી, એ સ્ત્રી રાહત કેન્દ્રની નજીક ઊભેલાં ભાઈ-બહેનો પાસે જાય છે, જેઓ ટ્રોલી દ્વાર પ્રચાર કરી રહ્યાં છે. બહેન એ સ્ત્રીને એક કલમ વાંચી સંભળાવે છે.

તમે કઈ રીતે અયૂબના પુસ્તકથી બીજાઓને ખાતરી અપાવી શકો કે “ઈશ્વર દુષ્ટતા કરતા નથી”? (ફકરો ૧૫ જુઓ)


૧૬. મુશ્કેલીઓ સહેતા લોકોને અયૂબના પુસ્તકથી કઈ રીતે મદદ મળી શકે? એક દાખલો આપો.

૧૬ ધ્યાન આપો કે અયૂબના પુસ્તકથી મારિયોભાઈને કઈ રીતે મદદ મળી. ૨૦૨૧માં એક દિવસે એક બહેન ફોન દ્વારા પ્રચાર કરી રહ્યાં હતાં. પહેલા જ કૉલમાં તેમણે મારિયોભાઈ સાથે વાત કરી અને બાઇબલની એક કલમ વાંચી આપી. તેમણે સમજાવ્યું કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. એટલું જ નહિ, તે ભાવિની સુંદર આશા પણ આપે છે. પછી બહેને મારિયોભાઈને પૂછ્યું કે તે આ કલમ વિશે શું વિચારે છે. મારિયોભાઈએ જણાવ્યું કે તે આપઘાત કરવાના હતા. તે પોતાનાં કુટુંબીજનો અને મિત્રોને છેલ્લા શબ્દો લખી રહ્યા હતા એટલામાં જ તેમનો ફોન આવ્યો. મારિયોભાઈએ કહ્યું: “હું ઈશ્વરમાં માનું છું. પણ આજે સવારે હું વિચારતો હતો કે ઈશ્વરને મારી કંઈ પડી છે કે નહિ.” બહેને બીજી વાર ફોન કર્યો ત્યારે તેમણે અયૂબની મુશ્કેલીઓ વિશે જણાવ્યું. મારિયોભાઈને અયૂબનું આખું પુસ્તક વાંચવાની ઇચ્છા થઈ. એટલે આપણી બહેને નવી દુનિયા ભાષાંતર બાઇબલની લિંક મોકલી આપી. એનું શું પરિણામ આવ્યું? મારિયોભાઈએ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તેમને એ જાણીને ઘણી ખુશી થઈ કે ઈશ્વર તેમને પ્રેમ કરે છે અને તેમની ચિંતા કરે છે. આવા પ્રેમાળ ઈશ્વર વિશે તે વધારે ને વધારે શીખવા માંગતા હતા.

૧૭. યહોવાએ બાઇબલમાં અયૂબનું પુસ્તક લખાવ્યું એ માટે તમે કેમ આભારી છો? (અયૂબ ૩૪:૧૨)

૧૭ ખરેખર, ઈશ્વરનો શબ્દ બાઇબલ ખૂબ જ શક્તિશાળી છે. (હિબ્રૂ. ૪:૧૨) એનાથી લોકોનું આખેઆખું જીવન બદલાઈ જાય છે અને મુશ્કેલીઓ સહેતા લોકોને દિલાસો મળે છે. આપણે યહોવાનો કેટલો આભાર માનીએ છીએ કે તેમણે બાઇબલમાં અયૂબનો આખો અહેવાલ લખાવ્યો! (અયૂ. ૧૯:૨૩, ૨૪) અયૂબના પુસ્તકથી ખાતરી મળે છે કે “ઈશ્વર દુષ્ટતા કરતા નથી.” (અયૂબ ૩૪:૧૨ વાંચો.) એમાંથી એ પણ શીખવા મળે છે કે ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે અને આપણે કઈ રીતે એને ધીરજથી સહન કરી શકીએ. એટલું જ નહિ, આપણે એ અહેવાલનો ઉપયોગ કરીને મુશ્કેલીઓ સહેતા લોકોને દિલાસો આપી શકીએ છીએ. હવે પછીના લેખમાં આપણે અયૂબના પુસ્તકમાંથી શીખીશું કે કઈ રીતે સારી સલાહ આપી શકીએ.

તમે શું કહેશો?

  • ઈશ્વરે અયૂબ પર મુશ્કેલીઓ આવવા દીધી એનું કારણ જાણવાથી કઈ રીતે મદદ મળે છે?

  • અયૂબના અહેવાલથી કઈ રીતે મુશ્કેલીઓ ધીરજથી સહન કરવા મદદ મળે છે?

  • અયૂબના પુસ્તકથી કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ?

ગીત ૧૯ નવી દુનિયાનું વચન

a યૂસફનું મરણ થયું અને મૂસાને ઇઝરાયેલના આગેવાન નીમવામાં આવ્યા, એ વચ્ચેના સમયગાળામાં અયૂબ જીવ્યા હતા. એટલે એવું લાગે છે કે ઈસવીસન પૂર્વે ૧,૬૫૭ અને ઈ.સ. પૂર્વે ૧,૫૧૪ની વચ્ચેના સમયગાળામાં યહોવા અને શેતાનની વાતચીત થઈ હતી અને અયૂબ પર તકલીફો આવી હતી.

b અમુક નામ બદલ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો