વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 ડિસેમ્બર પાન ૮-૧૩
  • અયૂબના પુસ્તકથી સલાહ આપવા વિશે શું શીખવા મળે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અયૂબના પુસ્તકથી સલાહ આપવા વિશે શું શીખવા મળે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • અયૂબના ત્રણ દોસ્તોએ કઈ રીતે સલાહ આપી?
  • અલીહૂએ કઈ રીતે સલાહ આપી?
  • અયૂબના પુસ્તકમાંથી શીખતા રહો
  • અયૂબના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • અયૂબના પુસ્તકથી કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • “તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 ડિસેમ્બર પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૪૯

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

અયૂબના પુસ્તકથી સલાહ આપવા વિશે શું શીખવા મળે છે?

“હે અયૂબ, હવે મારો એકેએક શબ્દ સાંભળો.”—અયૂ. ૩૩:૧.

આપણે શું શીખીશું?

કોઈને સલાહ આપવાની થાય ત્યારે શું કહેવું અને કઈ રીતે કહેવું, એ વિશે અયૂબના પુસ્તકમાંથી શીખીશું.

૧-૨. અયૂબના ત્રણ દોસ્તો અને અલીહૂને અયૂબની મદદ કરવી કેમ અઘરું લાગ્યું હશે?

પૂર્વના વિસ્તારમાં એક સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. એક સમયે અયૂબનાં માન-મોભા અને ધનદોલત વિશે દૂર દૂર સુધી ચર્ચા થતી હતી. પણ હવે લોકોને સાંભળવા મળે છે કે તેમનું બધું જ લૂંટાઈ ગયું છે. તે સાવ કંગાળ બની ગયા છે. એ સાંભળીને અયૂબના ત્રણ દોસ્તો અલીફાઝ, બિલ્દાદ અને સોફાર ઉસ દેશ જવા નીકળી પડે છે. તેઓ તેમને દિલાસો આપવા માંગે છે. પણ અયૂબની હાલત જોઈને તેઓ હચમચી જાય છે.

૨ જરા આની કલ્પના કરો: અયૂબ પાસે જે કંઈ હતું એ બધું છીનવાઈ ગયું છે. તેમનાં બળદો, ગધેડીઓ અને ઊંટો ચોરાઈ ગયાં છે. તેમનાં ઘેટાં ભસ્મ થઈ ગયાં છે. તેમનાં બધાં બાળકોનું મરણ થયું છે અને મોટા ભાગના સેવકોને મારી નાખવામાં આવ્યા છે. તેમનાં દીકરા-દીકરીઓ જે ઘરમાં હતાં, એ હવે ખંડેર બની ગયું છે. આટલું ઓછું હોય તેમ, અયૂબને એક પીડાદાયક બીમારી થાય છે. તેમના આખા શરીર પર ગૂમડાં ફૂટી નીકળે છે. અયૂબના ત્રણ દોસ્તો દૂરથી જુએ છે કે અયૂબ રાખમાં બેઠા છે અને નિરાશ થઈ ગયા છે. તેઓ શું કરે છે? તેઓ જુએ છે કે અયૂબ કેટલી પીડામાં છે, તોપણ લગભગ સાત દિવસ સુધી તેઓના મોંમાંથી એક શબ્દ પણ નીકળતો નથી. (અયૂ. ૨:૧૨, ૧૩) કોઈક સમયે અલીહૂ નામનો એક યુવાન માણસ તેઓની નજીક આવીને બેસી જાય છે. આખરે અયૂબ બોલવાનું શરૂ કરે છે. તે પોતાના જન્મદિવસને શ્રાપ આપવા લાગે છે અને મોત માંગે છે. (અયૂ. ૩:૧-૩, ૧૧) અયૂબને સાચે જ મદદની જરૂર છે! પણ અયૂબના દોસ્તો માટે તેમનાં આંસુ લૂછવા ખૂબ અઘરું હતું. હવે એ માણસોના શબ્દોથી અને કહેવાની રીતથી ખબર પડશે કે તેઓ અયૂબના સાચા દોસ્તો છે કે નહિ. એ પણ ખબર પડશે કે તેઓને તેમની ચિંતા છે કે નહિ.

૩. આપણે શાની ચર્ચા કરીશું?

૩ અયૂબના ત્રણ દોસ્તોએ અને અલીહૂએ જે કહ્યું અને કર્યું એ યહોવાએ મૂસા પાસે લખાવી લીધું. તમને કદાચ યાદ હશે કે અલીફાઝ દુષ્ટ દૂત તરફથી બોલતો હતો, જ્યારે કે અલીહૂએ જે કહ્યું એ યહોવા તરફથી હતું. (અયૂ. ૪:૧૨-૧૬; ૩૩:૨૪, ૨૫) એટલે એ વાતથી આપણને નવાઈ નથી લાગતી કે અયૂબના પુસ્તકમાં સૌથી સારી સલાહ છે અને સૌથી ખરાબ સલાહ પણ છે. આપણે ચર્ચા કરીશું કે કોઈ દોસ્તને સલાહ આપવાની થાય ત્યારે અયૂબના પુસ્તકમાંથી એ વિશે શું શીખી શકીએ. પણ ચાલો પહેલા અલીફાઝ, બિલ્દાદ અને સોફારના ખરાબ દાખલામાંથી બોધપાઠ લઈએ. પછી અલીહૂના સારા દાખલા પર ધ્યાન આપીશું. દરેક વખતે જોઈશું કે એમાંથી ઇઝરાયેલીઓ શું શીખી શકતા હતા અને આજે આપણે શું શીખી શકીએ છીએ.

અયૂબના ત્રણ દોસ્તોએ કઈ રીતે સલાહ આપી?

૪. આપણે કેમ કહી શકીએ કે અયૂબના ત્રણ દોસ્તો તેમને દિલાસો આપવાનું ચૂકી ગયા? (ચિત્ર પણ જુઓ.)

૪ બાઇબલમાં જણાવ્યું છે કે અયૂબ પર આવેલી મુસીબતો વિશે સાંભળીને અયૂબના ત્રણ દોસ્તો તેમને ‘સહાનુભૂતિ બતાવવા અને દિલાસો આપવા’ આવ્યા. (અયૂ. ૨:૧૧) પણ તેઓ એમ કરવાનું ચૂકી ગયા. આપણે કેમ એવું કહી શકીએ? એનાં ઓછામાં ઓછાં ત્રણ કારણો છે. એક, તેઓએ અયૂબનું સાંભળ્યું નહિ અને તેમના સંજોગો સમજવાની કોશિશ કરી નહિ. એના લીધે તેઓએ ખોટી ધારણાઓ બાંધી લીધી. દાખલા તરીકે, તેઓએ ધારી લીધું કે અયૂબને તેમનાં પાપોની સજા મળી રહી છે.a (અયૂ. ૪:૭; ૧૧:૧૪) બે, મોટા ભાગે તેઓએ જે સલાહ આપી એ કોઈ કામની ન હતી. તેઓના બાણ જેવા શબ્દોથી અયૂબ આરપાર વીંધાઈ ગયા. દાખલા તરીકે એ ત્રણેય દોસ્તોએ એવું કંઈક કહ્યું, જે કદાચ સાંભળવામાં તો સારું લાગે, પણ એ હકીકતથી કોસો દૂર હતું. (અયૂ. ૧૩:૧૨) બિલ્દાદે બે વખત અયૂબને કહ્યું કે તે વધારે પડતું બોલી રહ્યા છે. કેટલા કઠોર શબ્દો! (અયૂ. ૮:૨; ૧૮:૨) અરે, અમુક વાર તો તેઓએ હદ વટાવી દીધી. જેમ કે, સોફારે અયૂબને ‘અક્કલ વગરના માણસ’ સાથે સરખાવ્યા. (અયૂ. ૧૧:૧૨) ત્રણ, ખરું કે તેઓએ અયૂબ સાથે ગુસ્સામાં જોર જોરથી વાત કરી નહિ હોય, પણ તેઓએ જે રીતે વાત કરી એનાથી દેખાઈ આવ્યું કે તેઓ અયૂબને નીચા દેખાડી રહ્યા હતા. તેઓએ અયૂબ પર કટાક્ષ કર્યો અને ઘણા આરોપ મૂક્યા. (અયૂ. ૧૫:૭-૧૧) સાફ જોવા મળે છે કે અયૂબને ઉત્તેજન અને દિલાસો આપવાને બદલે, તેઓ તેમને ખોટા સાબિત કરવા મથી રહ્યા હતા.

અયૂબના એક મિત્ર તેમની સાથે કઠોર રીતે વાત કરે છે અને બીજા બે મિત્રો એ જોઈ રહ્યા છે. અયૂબ જમીન પર બેઠા છે. તેમના આખા શરીરે ગુમડાં થયાં છે અને તેમને ખૂબ પીડા થઈ રહી છે. તેમના મિત્ર જે સલાહ આપી રહ્યા છે એને દુઃખી મને તે સાંભળી રહ્યા છે.

સલાહ આપતી વખતે સામેવાળી વ્યક્તિને નીચી ન પાડો. એના બદલે તેને મદદ કરવાની પૂરી કોશિશ કરો (ફકરો ૪ જુઓ)


૫. અલીફાઝ, બિલ્દાદ અને સોફારની સલાહનું કેવું પરિણામ આવ્યું?

૫ જ્યારે અલીફાઝ, બિલ્દાદ અને સોફારે બોલવાનું પૂરું કર્યું, ત્યારે અયૂબ પહેલાં કરતા પણ વધારે નિરાશ થઈ ગયા. (અયૂ. ૧૯:૨) તેઓએ જેટલા વધારે આરોપ મૂક્યા, એટલું વધારે અયૂબ પોતાને નિર્દોષ સાબિત કરવા માંગતા હતા. હવે આપણે સમજી શકીએ છીએ કે અયૂબ માટે કેમ પોતાને નેક સાબિત કરવા વધારે મહત્ત્વનું બની ગયું હતું અને કેમ તે ઘણી વાર વિચાર્યા વગર બોલ્યા હતા. (અયૂ. ૬:૩, ૨૬) અયૂબના ત્રણ દોસ્તોએ ન તો યહોવાના વિચારો પ્રમાણે સલાહ આપી, ન તો હમદર્દી બતાવી. આમ, તેઓ દ્વારા શેતાન અયૂબને નિરાશ કરવામાં સફળ રહ્યો. (અયૂ. ૨:૪, ૬) આ અહેવાલથી અગાઉના ઈશ્વરભક્તોને કઈ રીતે મદદ મળી શકતી હતી અને આજે આપણને કઈ રીતે મદદ મળી શકે છે?

૬. અલીફાઝ, બિલ્દાદ અને સોફારના ખરાબ દાખલામાંથી ઇઝરાયેલના વડીલો શું શીખી શકતા હતા?

૬ ઇઝરાયેલીઓને કઈ રીતે મદદ મળી શકતી હતી? યહોવાએ ઇઝરાયેલીઓને પોતાની પ્રજા તરીકે પસંદ કર્યા, એ પછી અમુક વડીલો નીમ્યા. તેઓએ યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે લોકોનો ન્યાય કરવાનો હતો. (પુન. ૧:૧૫-૧૮; ૨૭:૧) એ વડીલોએ સલાહ આપતા પહેલાં અથવા ન્યાય કરતા પહેલાં લોકોનું ધ્યાનથી સાંભળવાનું હતું. (૨ કાળ. ૧૯:૬) પોતાને બધું જ ખબર છે એવું ધારી લેવાને બદલે, તેઓએ સવાલો પૂછવાના હતા. (પુન. ૧૯:૧૮) જેઓ મદદ માંગવા આવતા હતા, તેઓ સાથે પ્રેમથી વાત કરવાની હતી. એમ કરવું શા માટે મહત્ત્વનું હતું? જો તેઓ અધીરા બની જતા અથવા અકળાઈ જતા, તો કદાચ સામેવાળી વ્યક્તિ માટે દિલ ખોલીને વાત કરવી અઘરું બની જતું. (નિર્ગ. ૨૨:૨૨-૨૪) સાચે જ, ઇઝરાયેલના જે વડીલોએ અયૂબના અહેવાલ પર ધ્યાન આપ્યું હશે, તેઓને એનાથી ઘણું શીખવા મળ્યું હશે.

૭. ઇઝરાયેલમાં વડીલો સિવાય બીજું કોણ કોણ સલાહ આપી શકતું હતું અને તેઓને અયૂબના અહેવાલથી કઈ રીતે મદદ મળી શકતી હતી? (નીતિવચનો ૨૭:૯)

૭ એવું ન હતું કે ઇઝરાયેલમાં ફક્ત વડીલો જ સલાહ આપી શકતા હતા. કોઈ પણ ઇઝરાયેલી વ્યક્તિ સલાહ આપી શકતી હતી, પછી ભલે તે યુવાન હોય કે વૃદ્ધ, પુરુષ હોય કે સ્ત્રી. જો કોઈ ઇઝરાયેલીને યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા અથવા પોતાનાં વાણી-વર્તનમાં સુધારો કરવા મદદની જરૂર હોય, તો તેનો દોસ્ત તેને અચકાયા વગર સલાહ આપી શકતો હતો. (ગીત. ૧૪૧:૫) સાચા દોસ્તો જ તો એકબીજાને આ રીતે મદદ કરે છે! (નીતિવચનો ૨૭:૯ વાંચો.) અલીફાઝ, બિલ્દાદ અને સોફારના ખરાબ દાખલા પર ધ્યાન આપવાથી ઇઝરાયેલીઓ શીખી શકતા હતા કે સલાહ આપતી વખતે શું ન કહેવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

૮. બીજાઓને સલાહ આપતી વખતે શું ન કરવું જોઈએ? (ચિત્રો પણ જુઓ.)

૮ આપણને કઈ રીતે મદદ મળી શકે છે? જ્યારે આપણાં ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય, ત્યારે આપણે તેઓને મદદ કરવા માંગીએ છીએ. પણ એમ કરતી વખતે અયૂબના ત્રણ દોસ્તો જેવું ન કરી બેસીએ એનું ધ્યાન રાખવું જોઈએ. કંઈક ધારી લેવાને બદલે, સૌથી પહેલા ખાતરી કરવી જોઈએ કે જે કહેવાના છીએ એ સાચું છે કે નહિ. બીજું, અલીફાઝે ઘણી વાર કર્યું તેમ, પોતાના અનુભવને આધારે સલાહ ન આપીએ. એના બદલે બાઇબલને આધારે સલાહ આપીએ. (અયૂ. ૪:૮; ૫:૩, ૨૭) ત્રીજું, કઠોર રીતે અથવા વ્યક્તિનો વાંક કાઢતા હોઈએ એ રીતે વાત ન કરવી જોઈએ. યાદ કરો કે અલીફાઝ અને તેમના દોસ્તોની અમુક વાતો સાચી હતી. અરે, બાઇબલના એક લેખકે પછીથી અલીફાઝના શબ્દો પણ ટાંક્યા હતા. (અયૂબ ૫:૧૩ને ૧ કોરીંથીઓ ૩:૧૯ સાથે સરખાવો.) પણ તેઓની મોટા ભાગની વાતોથી અયૂબને ઘણું દુઃખ પહોંચ્યું હતું અને એવું દેખાઈ આવતું હતું કે ઈશ્વર સાચા નથી. એટલે યહોવાએ કહ્યું કે તેઓ સાચું બોલ્યા નથી. (અયૂ. ૪૨:૭, ૮) જ્યારે આપણે બીજાઓને સલાહ આપીએ, ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખીએ: આપણે એવું કંઈ ન કહેવું જોઈએ જેનાથી લાગે કે યહોવા વાજબી નથી અથવા તેમના ભક્તોને લાગે કે તેઓ યહોવાના પ્રેમને લાયક નથી. હવે ચાલો જોઈએ કે અલીહૂના દાખલામાંથી શું શીખવા મળે છે.

ચિત્રો: એક ભાઈ ચિંતામાં છે. બીજા ભાઈ તેમને પ્રેમથી સલાહ આપી રહ્યા છે. ૧. ચિંતામાં છે એ ભાઈ પોતાની લાગણીઓ જણાવી રહ્યા છે અને બીજા ભાઈ ધીરજથી તેમની વાત સાંભળી રહ્યા છે. તેઓ બહાર એક ટેબલ પાસે બેઠા છે અને ટેબલ પર શરબતના બે ગ્લાસ છે. ૨. જે ભાઈ સાંભળી રહ્યા છે તે બાઇબલ ખોલે છે. ૩. એ ભાઈ પ્રેમથી બાઇબલમાંથી સલાહ આપે છે અને ચિંતામાં હતા એ ભાઈ શાંતિથી તેમની વાત સાંભળે છે.

સલાહ આપતી વખતે: (૧) વ્યક્તિના સંજોગો સમજવાની કોશિશ કરો, (૨) બાઇબલનો ઉપયોગ કરો અને (૩) પ્રેમથી વાત કરો (ફકરો ૮ જુઓ)


અલીહૂએ કઈ રીતે સલાહ આપી?

૯. અયૂબના ત્રણ દોસ્તોએ બોલવાનું પૂરું કર્યું, એ પછી પણ અયૂબને કેમ મદદની જરૂર હતી અને યહોવાએ કઈ રીતે એ મદદ પૂરી પાડી?

૯ અયૂબ અને તેમના ત્રણ દોસ્તોએ દલીલો કરવાનું બંધ કર્યું, એ પછી માહોલ બરાબરનો ગરમાયો હશે. એ માણસો એટલું બધું બોલ્યા હતા કે બાઇબલના ૨૮ અધ્યાયો ભરાઈ ગયા. અધૂરામાં પૂરું, તેઓએ ઘણી વાતો ગુસ્સામાં કહી હતી. આપણે સમજી શકીએ છીએ કે અયૂબ કેમ હજી પણ નિરાશ હતા. તેમને પોતાના વિચારોમાં સુધારો કરવાની અને દિલાસાની ખૂબ જરૂર હતી. યહોવાએ કઈ રીતે અયૂબને મદદ કરી? તેમણે અલીહૂ દ્વારા અયૂબને સલાહ આપી. પણ સવાલ થાય કે અલીહૂએ કેમ બોલવા માટે રાહ જોઈ. તેમણે કહ્યું: “ઉંમરમાં તમે મારાથી મોટા છો, હું તો ઘણો નાનો છું. એટલે હું ચૂપ રહ્યો.” (અયૂ. ૩૨:૬, ૭) અલીહૂ જાણતા હતા કે વૃદ્ધ લોકો પાસે ઘણું ડહાપણ હોય છે, કેમ કે યુવાનો કરતાં તેઓ પાસે ઘણાં વર્ષોનો અનુભવ છે. પણ અયૂબ અને તેમના ત્રણ દોસ્તોનું સાંભળ્યા પછી, અલીહૂ હવે ચૂપ ન રહી શક્યા. તેમણે કહ્યું: “ઉંમર વધવાથી જ બુદ્ધિ આવતી નથી અને વૃદ્ધ માણસો જ ખરું-ખોટું સમજે એવું નથી.” (અયૂ. ૩૨:૯) ધ્યાન આપો કે અલીહૂએ પછી શું કહ્યું અને કઈ રીતે કહ્યું.

૧૦. અયૂબને સલાહ આપતા પહેલાં અલીહૂએ શું કર્યું? (અયૂબ ૩૩:૬, ૭)

૧૦ સલાહ આપતા પહેલાં અલીહૂ ચાહતા હતા કે અયૂબ શાંત મને તેમની વાતો સાંભળવા તૈયાર હોય. એ માટે અલીહૂએ શું કર્યું? તેમણે સૌથી પહેલા પોતાની લાગણીઓ કાબૂમાં કરી. બાઇબલમાં જણાવ્યું છે કે શરૂઆતમાં અલીહૂ ખૂબ ગુસ્સે ભરાયા હતા. (અયૂ. ૩૨:૨-૫) પણ ક્યાંય એવું જોવા મળતું નથી કે તે ગુસ્સામાં આવીને એલફેલ બોલ્યા હોય. એના બદલે તેમણે નમ્ર બનીને અયૂબ સાથે એક સાચા દોસ્તની જેમ વાત કરી. દાખલા તરીકે, તેમણે અયૂબને કહ્યું: “જુઓ! સાચા ઈશ્વરની આગળ હું પણ તમારા જેવો જ છું.” (અયૂબ ૩૩:૬, ૭ વાંચો.) સલાહ આપતા પહેલાં અલીહૂએ બીજું પણ કંઈક કર્યું. તેમણે શરૂઆતમાં જ અયૂબે કહેલી વાતોનો સાર જણાવી દીધો અને આમ બતાવી આપ્યું કે તે અયૂબની વાતો ધ્યાનથી સાંભળતા હતા. (અયૂ. ૩૨:૧૧; ૩૩:૮-૧૧) અલીહૂએ અયૂબને બીજી વાર સલાહ આપી ત્યારે પણ એવું જ કંઈક કર્યું.—અયૂ. ૩૪:૫, ૬, ૯; ૩૫:૧-૪.

૧૧. અલીહૂએ અયૂબને કઈ રીતે સલાહ આપી? (અયૂબ ૩૩:૧)

૧૧ સલાહ આપતી વખતે અલીહૂએ એવું લાગવા ન દીધું કે અયૂબ કંઈ કામના નથી. તેમણે એ વફાદાર ઈશ્વરભક્ત સાથે માનથી વાત કરી. દાખલા તરીકે, અલીહૂએ અયૂબને નામથી બોલાવ્યા. પણ પેલા ત્રણ માણસોએ કદાચ અયૂબનું નામેય વાપર્યું નહિ. (અયૂબ ૩૩:૧ વાંચો.) અલીહૂને કદાચ યાદ આવ્યું હશે કે જ્યારે અયૂબ અને તેમના ત્રણ દોસ્તો દલીલો કરતા હતા, ત્યારે તેમને બોલવાનું કેટલું મન થતું હતું. એટલે સલાહ આપતી વખતે અલીહૂએ પોતે જ બોલ બોલ ન કર્યું, પણ તેમણે અયૂબને વચ્ચે વચ્ચે બોલવાની તક આપી. (અયૂ. ૩૨:૪; ૩૩:૩૨) અલીહૂએ એ પણ બતાવ્યું કે અયૂબની અમુક દલીલો યોગ્ય ન હતી. તેમણે યહોવાનાં ડહાપણ, શક્તિ, ન્યાય અને અતૂટ પ્રેમ પર ધ્યાન દોર્યું. (અયૂ. ૩૬:૧૮, ૨૧-૨૬; ૩૭:૨૩, ૨૪) અલીહૂની સારી સલાહથી અયૂબને પોતાનું મન તૈયાર કરવા મદદ મળી હશે, જેથી તે પોતાના સર્જનહાર પાસેથી વધારે સલાહ સ્વીકારી શકે. (અયૂ. ૩૮:૧-૩) અલીહૂના દાખલાથી જૂના જમાનાના ઈશ્વરભક્તોને કઈ રીતે મદદ મળી શકતી હતી અને આજે આપણને કઈ રીતે મદદ મળી શકે છે?

૧૨. પોતાના લોકોને મદદ કરવા યહોવાએ કઈ રીતે પ્રબોધકોનો ઉપયોગ કર્યો અને અલીહૂના સારા દાખલાથી ઇઝરાયેલીઓને કઈ રીતે મદદ મળી શકતી હતી?

૧૨ ઇઝરાયેલીઓને કઈ રીતે મદદ મળી શકતી હતી? યહોવાએ વારંવાર ઇઝરાયેલીઓને શીખવવા અને સુધારવા પ્રબોધકો મોકલ્યા. દાખલા તરીકે, ન્યાયાધીશોના સમયમાં દબોરાહે એક માની જેમ ઇઝરાયેલીઓને માર્ગદર્શન આપ્યું. શમુએલે નાની ઉંમરથી યહોવાના પ્રબોધક તરીકે થાક્યા વગર સેવા આપી. (ન્યા. ૪:૪-૭; ૫:૭; ૧ શમુ. ૩:૧૯, ૨૦) પછી રાજાઓના સમયમાં યહોવાએ એક પછી એક પ્રબોધકો મોકલ્યા, જેથી ઇઝરાયેલીઓ યોગ્ય રીતે તેમની ભક્તિ કરી શકે. જ્યારે લોકો યહોવાના માર્ગથી ભટકી જતા, ત્યારે પણ તેઓને સુધારવા તે પ્રબોધકોને મોકલતા. (૨ શમુ. ૧૨:૧-૪; પ્રે.કા. ૩:૨૪) અલીહૂના દાખલાથી વફાદાર સ્ત્રી-પુરુષો શીખી શકતાં હતાં કે સલાહ આપતી વખતે શું કહેવું જોઈએ અને કઈ રીતે કહેવું જોઈએ.

૧૩. આજે આપણે કઈ રીતે ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકીએ?

૧૩ આપણને કઈ રીતે મદદ મળી શકે છે? એ પ્રબોધકોની જેમ આજે આપણે પણ લોકોને બાઇબલમાંથી ઈશ્વર વિશે જણાવીએ છીએ. એટલું જ નહિ, એ પ્રબોધકોની જેમ આપણે ભાઈ-બહેનોને પોતાના શબ્દોથી ઉત્તેજન અને દિલાસો આપીએ છીએ. (૧ કોરીં. ૧૪:૩) એ વિશે વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ હંમેશાં ભાઈ-બહેનોને “દિલાસો” મળે એ રીતે વાત કરવી જોઈએ. અરે, એવાં ભાઈ-બહેનો સાથે પણ પ્રેમથી વાત કરવી જોઈએ, જેઓ કદાચ ગુસ્સામાં આવી જાય અથવા “ધડ-માથા વગરની વાતો” કરવા લાગે.—૧ થેસ્સા. ૫:૧૪; અયૂ. ૬:૩.

૧૪-૧૫. સલાહ આપતી વખતે એક વડીલ કઈ રીતે અલીહૂ જેવું કરી શકે? દાખલો આપીને સમજાવો.

૧૪ આ દૃશ્યની કલ્પના કરો: એક વડીલને જાણવા મળે છે કે તેમના મંડળનાં એક બહેન ખૂબ નિરાશ થઈ ગયાં છે. તે અને બીજા એક ભાઈ એ બહેનને મળવા જાય છે, જેથી તેમને ઉત્તેજન આપી શકે. વાતચીત દરમિયાન બહેન જણાવે છે કે તે પ્રચારમાં જાય છે અને સભામાં જાય છે, તોપણ ખુશ નથી. હવે એ વડીલ શું કરશે?

૧૫ સૌથી પહેલા તો વડીલ એ બહેનના સંજોગોને સારી રીતે સમજવાની કોશિશ કરશે. એ માટે તે અમુક સવાલો પૂછશે અને તેમનું ધ્યાનથી સાંભળશે. કદાચ બહેનને લાગતું હોય કે તે ઈશ્વરના પ્રેમને લાયક નથી. અથવા બની શકે કે તે “જીવનની ચિંતાઓના બોજથી” દબાઈ ગયાં હોય. (લૂક ૨૧:૩૪) પછી વડીલ એ બહેનના વખાણ કરવાની તક શોધશે. જેમ કે, નિરાશ હોવા છતાં તે સભાઓમાં આવે છે અને પ્રચારમાં જાય છે, એ માટે તેમના વખાણ કરી શકે. એક વખત બહેનના સંજોગો સમજી લીધા પછી અને તે કેમ નિરાશ થઈ ગયાં છે એનું કારણ જાણી લીધા પછી, વડીલ બાઇબલમાંથી તેમને મદદ કરશે. તે બહેનને ખાતરી અપાવશે કે યહોવા તેમને ખૂબ પ્રેમ કરે છે.—ગલા. ૨:૨૦.

અયૂબના પુસ્તકમાંથી શીખતા રહો

૧૬. અયૂબના પુસ્તકમાંથી શીખતા રહેવા શું કરી શકીએ?

૧૬ સાચે જ, અયૂબના પુસ્તકમાંથી જોરદાર બોધપાઠ મળે છે. યાદ છે, ગયા લેખમાં આપણે શું શીખ્યા હતા? અયૂબના પુસ્તકથી જાણવા મળે છે કે ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે અને આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે કઈ રીતે એને સહન કરી શકીએ. આ લેખમાં આપણે શું શીખ્યા? અલીફાઝ, બિલ્દાદ, સોફાર અને અલીહૂના દાખલામાંથી શીખ્યા કે સલાહ આપતી વખતે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. હવે જો કોઈને સલાહ આપવાની થાય તો તમે શું કરી શકો? તમે કદાચ અયૂબના પુસ્તકમાંથી શીખેલી વાતો પર વિચાર કરી શકો. જો તમને અયૂબનું પુસ્તક વાંચીને સમય થઈ ગયો હોય, તો એને ફરીથી વાંચવાનો ધ્યેય રાખી શકો. એમાંથી તમને બીજા ઘણા સુંદર બોધપાઠ મળશે.

તમે શું કહેશો?

  • સલાહ આપતી વખતે આપણે શું ન કહેવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

  • અલીહૂએ જે રીતે સલાહ આપી એમાંથી શું શીખવા મળે છે?

  • અયૂબના પુસ્તકમાંથી શીખતા રહેવા શું કરી શકીએ?

ગીત ૨૧ દયાળુ બનીએ

a એવું લાગે છે કે એક દુષ્ટ દૂતે અલીફાઝના મનમાં ઠસાવવાની કોશિશ કરી હતી કે યહોવા માણસોને નેક ગણતા નથી, એટલે કોઈ તેમને ખુશ કરી શકતું નથી. અલીફાઝે એ વિચાર સાચો માની લીધો હતો. એટલે વારેઘડીએ તેમણે અયૂબ સાથે એ વિશે વાત કરી.—અયૂ. ૪:૧૭; ૧૫:૧૫, ૧૬; ૨૨:૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો