વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 ડિસેમ્બર પાન ૨૦-૨૫
  • યહોવાને મહિમા મળે એ રીતે લગ્‍નની તૈયારી કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાને મહિમા મળે એ રીતે લગ્‍નની તૈયારી કરો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • તમારા લગ્‍નના દિવસે કેમ યહોવાને મહિમા મળવો જોઈએ?
  • તમે કઈ રીતે યહોવાને મહિમા આપી શકો?
  • કઈ રીતે મુશ્કેલીઓનો હલ લાવી શકો?
  • શોભતી રીતે લગ્‍ન કરવા શું કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • યહોવાહને માન આપતા - આનંદી લગ્‍નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • પરમેશ્વર અને માણસોની નજરે માનયોગ્ય લગ્‍ન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • તમારા જીવનથી બતાવો કે તમને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 ડિસેમ્બર પાન ૨૦-૨૫

અભ્યાસ લેખ ૫૧

ગીત ૩૬ “ઈશ્વરે જેને જોડ્યું છે”

યહોવાને મહિમા મળે એ રીતે લગ્‍નની તૈયારી કરો

“બધું જ શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ.”—૧ કોરીં. ૧૪:૪૦.

આપણે શું શીખીશું?

જેઓ લગ્‍ન કરવાના છે, તેઓ કઈ રીતે લગ્‍નના દિવસે યહોવાને મહિમા આપી શકે?

૧-૨. તમારા લગ્‍નના દિવસ માટે યહોવાની શું ઇચ્છા છે?

શું જલદી જ તમારા લગ્‍ન થવાના છે? જો એમ હોય, તો ખૂબ ખૂબ અભિનંદન! હમણાં કદાચ તમે લગ્‍નની તૈયારીઓમાં પડ્યા હશો. યહોવા ચાહે છે કે તમારો લગ્‍નનોa દિવસ ખુશીઓથી ભરેલો હોય અને તમે બંને સુખેથી જીવો.—નીતિ. ૫:૧૮; ગી.ગી. ૩:૧૧.

૨ એ ખૂબ મહત્ત્વનું છે કે તમારા લગ્‍નના દિવસે યહોવાને મહિમા મળે. પણ શા માટે અને તમે એવું કઈ રીતે કરી શકો? ખરું કે, જેઓના લગ્‍ન થવાના છે, તેઓ માટે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. પણ એમાં આપેલા સિદ્ધાંતોથી આપણને બધાને યહોવાને મહિમા આપવા મદદ મળશે, ખાસ કરીને જો આપણે કોઈ લગ્‍નમાં જવાના હોઈએ અથવા લગ્‍નની તૈયારીઓ માટે કોઈ આપણી પાસેથી સલાહ માંગે.

તમારા લગ્‍નના દિવસે કેમ યહોવાને મહિમા મળવો જોઈએ?

૩. જેઓ લગ્‍નની તૈયારીઓ કરી રહ્યા છે, તેઓએ શાના પર ધ્યાન આપવું જોઈએ અને કેમ?

૩ જેઓ લગ્‍નની તૈયારીઓ કરી રહ્યા છે, તેઓએ બાઇબલમાં આપેલા યહોવાના સિદ્ધાંતો પર ધ્યાન આપવું જોઈએ. શા માટે? કેમ કે યહોવાએ લગ્‍નની ગોઠવણ કરી છે. તેમણે જ તો પ્રથમ સ્ત્રી-પુરુષ આદમ અને હવાના લગ્‍ન કરાવ્યા હતા. (ઉત. ૧:૨૮; ૨:૨૪) એટલે જેઓ લગ્‍નની તૈયારીઓ કરી રહ્યા છે, તેઓ માટે યહોવાના વિચારો સૌથી મહત્ત્વના હોવા જોઈએ.

૪. લગ્‍નના દિવસે તમારે કેમ યહોવાને મહિમા આપવો જોઈએ?

૪ તમારા લગ્‍નના દિવસે યહોવાના વિચારોને મનમાં રાખવાનું બીજું એક મહત્ત્વનું કારણ છે, તે તમારા પિતા અને પાકા દોસ્ત છે. (હિબ્રૂ. ૧૨:૯) તમે ચોક્કસ ચાહતા હશો કે તમારી દોસ્તી હંમેશાં ગાઢ રહે. એટલે તમે ક્યારેય એવું કંઈ નહિ થવા દો, જેનાથી તમારા લગ્‍નના દિવસે અથવા બીજા કોઈ દિવસે તમારા દોસ્તને દુઃખ પહોંચે. (ગીત. ૨૫:૧૪) જ્યારે તમે વિચારશો કે યહોવાએ અત્યાર સુધી તમારા માટે શું કર્યું છે અને શું કરવાના છે, ત્યારે આપોઆપ તમને તમારા લગ્‍નના દિવસે તેમને મહિમા આપવાનું મન થશે.—ગીત. ૧૧૬:૧૨.

તમે કઈ રીતે યહોવાને મહિમા આપી શકો?

૫. લગ્‍નની તૈયારીઓ કરતી વખતે સારા નિર્ણયો લેવા બાઇબલથી કઈ રીતે મદદ મળી શકે?

૫ બાઇબલમાં કઈ રીતે લગ્‍ન કરવું કે રિસેપ્શન રાખવું એ વિશે નિયમો આપ્યા નથી. એટલે યુગલો પોતાની ઇચ્છા પ્રમાણે, પોતાના સંજોગો પ્રમાણે અથવા પોતાના વિસ્તારની રીતભાત પ્રમાણે લગ્‍ન કરી શકે છે. પણ તેઓ સરકારના કાયદા ચોક્કસ પાળશે. (માથ. ૨૨:૨૧) ભલે યુગલ ગમે એ નિર્ણય લે, જો તેઓ લગ્‍નની બધી ગોઠવણો બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે કરશે, તો એનાથી યહોવાને મહિમા મળશે અને તે ખુશ થશે. ચાલો એવા અમુક બાઇબલ સિદ્ધાંતો પર ધ્યાન આપીએ.

૬. રોમનો ૧૩:૧, ૨ પ્રમાણે લગ્‍ન માટે સરકારના કાયદા પાળવા કેમ જરૂરી છે?

૬ સરકારના કાયદા પાળો. (રોમ. ૧૩:૧, ૨) મોટા ભાગના દેશોમાં લગ્‍ન માટે કાયદાઓ હોય છે. અમુક કાયદા લગ્‍ન પહેલાં પાળવાના હોય છે. યુગલે જાણવું જોઈએ કે તેઓના વિસ્તારમાં કયા કાયદા છે. જો તમને એવી માહિતી મેળવવા મદદની જરૂર હોય, તો વડીલોને પૂછતા અચકાશો નહિ.b

૭. લગ્‍નમાં કેવો માહોલ હોવો જોઈએ?

૭ પ્રસંગનું માન જળવાય એવો માહોલ રાખો. (૧ કોરીં. ૧૦:૩૧, ૩૨) ધ્યાન રાખજો કે લગ્‍નના દિવસે દુનિયાનું વલણ નહિ, પણ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો દેખાઈ આવે. (ગલા. ૫:૧૯-૨૬) બાઇબલમાં જણાવ્યું છે કે પુરુષ કુટુંબનું શિર છે. એટલે વર ધ્યાન રાખશે કે આ ખુશીના પ્રસંગે યહોવાને મહિમા મળે. એ માટે શું મદદ કરી શકે? માનથી અને પ્રેમથી અપાયેલું લગ્‍નનું પ્રવચન. એ બાઇબલ આધારિત પ્રવચનથી સાંભળનારાઓને સમજવા મદદ મળે છે કે લગ્‍ન યહોવા તરફથી એક ભેટ છે. મહેમાનો એ પણ જોઈ શકશે કે લગ્‍નપ્રસંગ કેટલો મહત્ત્વનો અને ગંભીર છે. એટલે મોટા ભાગના યુગલો શક્ય હોય તો પ્રાર્થનાઘરમાં લગ્‍નનું પ્રવચન રાખવાનું પસંદ કરે છે. જો પ્રાર્થનાઘરનો ઉપયોગ કરવા માંગતા હો, તો બને એટલું જલદી વડીલોને લેખિતમાં અરજી મોકલી આપો.

૮. લગ્‍નના રિસેપ્શનમાં યહોવાને મહિમા મળે એ માટે શું કરી શકો? (રોમનો ૧૩:૧૩)

૮ રોમનો ૧૩:૧૩ વાંચો. જો તમે લગ્‍નનું રિસેપ્શન રાખવાનું નક્કી કરો, તો એમાં દુનિયાનું વલણ ન આવી જાય એ માટે શું કરી શકો? “બેફામ મિજબાનીઓ” માટે વપરાયેલો ગ્રીક શબ્દ એવી મિજબાનીને રજૂ કરે છે, જેમાં મોડી રાત સુધી સંગીત વગાડવામાં આવે છે અને લોકો વધારે પડતો દારૂ પીએ છે. જો તમે મિજબાનીમાં દારૂ પીરસવાનું નક્કી કરો, તો પહેલેથી અમુક પગલાં ભરો, જેથી કોઈ પણ વધારે પડતો દારૂ ન પીએ.c જો તમે સંગીત રાખવાનું નક્કી કરો, તો એનો અવાજ એટલો બધો ન રાખો કે મહેમાનો એકબીજા સાથે સારી રીતે વાતચીત ન કરી શકે. એટલું જ નહિ, સમજી-વિચારીને સંગીત પસંદ કરો અને એના બોલ પર ધ્યાન આપો, જેથી કોઈને ઠોકર ન લાગે.

૯. જો રિસેપ્શનમાં મનોરંજન રાખવાના હોય અથવા વર-કન્યા વિશે કોઈ કંઈક કહેવાનું હોય, તો શાનું ધ્યાન રાખવું જોઈએ?

૯ અમુક જગ્યાએ રિસેપ્શનમાં દોસ્તો અને કુટુંબીજનો વર-કન્યા વિશે થોડા શબ્દો કહે છે. અમુક લગ્‍નપ્રસંગે વર-કન્યાના ફોટા અથવા વીડિયો બતાવવામાં આવે છે કે પછી બીજી કોઈ રીતે મનોરંજનની ગોઠવણ કરવામાં આવે છે. એનાથી કદાચ લગ્‍નનો દિવસ વધારે યાદગાર બની શકે છે. જોકે ધ્યાન રાખજો કે એનાથી કોઈને પણ મનદુઃખ ન થાય. (ફિલિ. ૪:૮) પોતાને પૂછો: ‘શું એનાથી બીજાઓનું માન જળવાશે? શું એનાથી લગ્‍નની ગોઠવણનું માન જળવાશે?’ પણ સૌથી મહત્ત્વનો સવાલ છે: ‘શું એનાથી યહોવાને મહિમા મળશે?’ ખરું કે, આવા પ્રસંગોએ થોડીક મજાક-મસ્તી થવી સામાન્ય છે, પણ કોઈએ એવું કંઈ બોલવું કે કરવું ન જોઈએ જેનાથી લોકોનાં મનમાં ગંદા વિચારો આવે. (એફે. ૫:૩) જો તમારાં દોસ્તો અને કુટુંબીજનો રિસેપ્શનમાં કંઈક કહેવાનાં હોય, તો ખાતરી કરજો કે તેઓ તમારી ઇચ્છા વિરુદ્ધ કંઈ ન કહે.

૧૦. લગ્‍નની તૈયારીઓ કરતી વખતે યુગલે કેમ પોતાના પર વધારે પડતું ધ્યાન ન ખેંચવું જોઈએ? (૧ યોહાન ૨:૧૫-૧૭)

૧૦ પોતાના પર વધારે પડતું ધ્યાન ન ખેંચો. (૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.) જ્યારે યહોવાના ભક્તો પોતાના પર ધ્યાન ખેંચવાને બદલે યહોવાને માન-મહિમા આપે છે, ત્યારે તે ઘણા ખુશ થાય છે. એટલે ભાઈ-બહેનોએ વધારે પડતો ખર્ચો કરવાનું અને “પોતાની વસ્તુઓનો દેખાડો” કરવાનું ટાળવું જોઈએ. લગ્‍ન સાદું રાખવાથી કેવા ફાયદા થાય છે? નૉર્વેમાં રહેતા માઇકભાઈનો દાખલો લો. તે કહે છે: “અમે દેવામાં પડવાથી બચી ગયાં અને અમે પાયોનિયરીંગ ચાલુ રાખી શક્યાં. અમારું લગ્‍ન સાદું, પણ બહુ જ સુંદર અને યાદગાર હતું.” ભારતમાં રહેતાં ટબીથાબહેન કહે છે: “અમે વધારે પડતી ચિંતાથી બચી શક્યાં. અમે સાદાઈથી લગ્‍ન કર્યા. એટલે બધી ગોઠવણો કરવી સહેલું હતું અને અમારી વચ્ચે એટલા મતભેદો પણ ન થયા.”

ચિત્રો: દુનિયાના અલગ અલગ ભાગોમાં ભાઈ-બહેનો લગ્‍નની મજા માણી રહ્યાં છે. ૧. એક યુગલનું લગ્‍ન પ્રાર્થનાઘરમાં થઈ રહ્યું છે. યુગલ સ્ટેજ પર લગ્‍નનું પ્રવચન આપનાર ભાઈ સામે બેઠું છે. ૨. એક યુગલના લગ્‍નનું રિસેપ્શન બહાર ખુલ્લામાં છે. એક પતિ-પત્ની યુગલને અભિનંદન આપે છે. ૩. વર અને કન્યા લગ્‍ન પછી મહેમાનો સાથે જમવાનું લઈ રહ્યાં છે. ૪. એક યુગલનું લગ્‍ન બહાર ખુલ્લામાં છે. તેઓ લગ્‍નનું પ્રવચન આપનાર ભાઈ સામે ઊભા છે.

ભલે આપણે કોઈ પણ જગ્યાએ રહેતા હોઈએ, લગ્‍ન ખૂબ જ સુંદર અને યાદગાર બની શકે છે અને એ પણ એવું જેમાં આપણા પર વધારે પડતું ધ્યાન ન ખેંચાય (ફકરા ૧૦-૧૧ જુઓ)


૧૧. યુગલે કપડાં અને શણગારની બાબતમાં શાનું ધ્યાન રાખવું જોઈએ? (ચિત્રો પણ જુઓ.)

૧૧ શું તમે વિચાર્યું છે કે લગ્‍નના દિવસે તમે શું પહેરશો? તમે ચોક્કસ એ દિવસે એકદમ સુંદર દેખાવા માંગતા હશો. બાઇબલ સમયમાં પણ વર અને કન્યા પોતાના દેખાવ પર ખૂબ ધ્યાન આપતા હતા. (યશા. ૬૧:૧૦) બીજા પ્રસંગો કરતાં તમે આ દિવસે થોડાં અલગ કપડાં પહેરશો. પણ જરૂરી છે કે એ વ્યવસ્થિત હોય અને એનાથી બીજા કોઈને ઠોકર ન લાગે. (૧ તિમો. ૨:૯) તમારાં કપડાં કે શણગાર લગ્‍નના દિવસે સૌથી મહત્ત્વના ન બની જાય એનું ધ્યાન રાખજો.—૧ પિત. ૩:૩, ૪.

૧૨. એક યુગલે બાઇબલની વિરુદ્ધ હોય એવા રીતરિવાજોથી કેમ દૂર રહેવું જોઈએ?

૧૨ બાઇબલની વિરુદ્ધ હોય એવા રીતરિવાજોથી દૂર રહો. (પ્રકટી. ૧૮:૪) આજની દુનિયામાં લગ્‍નના દિવસે એવા ઘણા રીતરિવાજો પાળવામાં આવે છે, જે જૂઠા ધર્મો, મેલીવિદ્યા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલા હોય છે. યહોવાએ સાફ કહ્યું છે કે એવી અશુદ્ધ વસ્તુઓથી દૂર રહો. (૨ કોરીં. ૬:૧૪-૧૭) જો તમારા વિસ્તારમાં એવા કોઈ રીતરિવાજ હોય, પણ તમને ખબર ન હોય કે એનાથી યહોવા ખુશ થશે કે નારાજ, તો શું કરી શકો? તમે સંશોધન કરી શકો અને તપાસી શકો કે એ રીતરિવાજોની શરૂઆત ક્યાંથી થઈ છે. પછી બાઇબલ સિદ્ધાંતોને આધારે નક્કી કરી શકો કે તમે લગ્‍નમાં શું કરશો.

૧૩. ભેટ વિશે એક યુગલ કઈ રીતે યહોવાને અનુસરી શકે?

૧૩ શું તમારા વિસ્તારમાં મહેમાનો માટે યુગલને ભેટ આપવું સામાન્ય છે? એક વ્યક્તિ પાસે કેટલા પૈસા છે, એના આધારે તે નક્કી કરશે કે ભેટમાં શું આપવું. ખરું કે બીજાઓને આપવાથી ખ્રિસ્તીઓને ખુશી મળે છે અને એમ કરવાનું તેઓને ઉત્તેજન પણ આપવામાં આવે છે. (નીતિ. ૧૧:૨૫; પ્રે.કા. ૨૦:૩૫) જોકે આપણે મહેમાનોને એવું ન લાગવા દેવું જોઈએ કે તેઓએ ભેટ આપવી જ પડશે. એવું પણ ન લાગવા દેવું જોઈએ કે તેઓ મોંઘી ભેટ નહિ આપે તો એની કદર કરવામાં નહિ આવે. આપણે ભેટ વિશે યહોવા જેવા વિચારો રાખવા જોઈએ. આપણે દિલથી આભાર માનીએ છીએ કે મહેમાનો ફરજને લીધે નહિ, પણ રાજીખુશીથી ભેટ આપે છે.—૨ કોરીં. ૯:૭.

કઈ રીતે મુશ્કેલીઓનો હલ લાવી શકો?

૧૪. અમુક યુગલો કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે?

૧૪ યહોવાને મહિમા મળે એવા લગ્‍નની તૈયારીઓ કરવામાં બની શકે કે તમારી સામે અમુક મુશ્કેલીઓ આવે. દાખલા તરીકે, સાદા લગ્‍નની ગોઠવણ કરવી કદાચ અઘરું લાગે. સોલોમન ટાપુઓ પર રહેતા ચાર્લીભાઈ કહે છે: “રિસેપ્શનમાં કોને બોલાવવા એ નક્કી કરવું અમારા માટે બહુ અઘરું હતું. કેમ કે અમારા ઘણા દોસ્તો છે. અમારા સમાજમાં બધા લોકો એવી આશા રાખે છે કે તેઓને બોલાવવામાં આવે.” ટબીથાબહેન વિશે આપણે અગાઉ જોઈ ગયા. તે કહે છે: “હું જ્યાં રહું છું, ત્યાં મોટાં રિસેપ્શન રાખવામાં આવે છે. અમે અમારા રિસેપ્શનમાં બસ સોએક લોકોને જ બોલાવવા માંગતાં હતાં. એ નિર્ણય સ્વીકારતા અમારાં મમ્મી-પપ્પાને સમય લાગ્યો.” ભારતમાં રહેતાં સારાહબહેન કહે છે: “અમુક લોકો સમાજમાં પોતાના માન-મોભા પર વધારે પડતું ધ્યાન આપે છે. મારાં કાકા-ફોઈનાં બાળકોનાં લગ્‍ન એકદમ ધૂમધામથી થયાં હતાં. એટલે તેઓ કરતાં પણ વધારે ધૂમધામથી લગ્‍ન કરવાનું મારા પર દબાણ હતું.” આવા અને બીજા પડકારોનો સામનો કરવા તમને શાનાથી મદદ મળી શકે?

૧૫. લગ્‍નની તૈયારીઓ કરતી વખતે પ્રાર્થના કરવી કેમ મહત્ત્વનું છે?

૧૫ લગ્‍નની તૈયારીઓ કરતી વખતે વારંવાર પ્રાર્થના કરો. તમે પોતાની કોઈ પણ મુશ્કેલી વિશે અથવા લાગણીઓ વિશે યહોવાને પ્રાર્થના કરી શકો છો. (ફિલિ. ૪:૬, ૭) તમે યહોવા પાસે સારા નિર્ણયો લેવા, ચિંતા થાય ત્યારે મન શાંત રાખવા અને જરૂર પડ્યે હિંમત બતાવવા મદદ માંગી શકો. (૧ પિત. ૫:૭) જ્યારે તમે જોશો કે યહોવા તમને કઈ રીતે મદદ કરે છે, ત્યારે તેમના પરનો તમારો ભરોસો વધશે. ટબીથાબહેન કહે છે: “મને અને મારા મંગેતરને ચિંતા હતી કે અમારા અને અમારાં કુટુંબ વચ્ચે મતભેદ થશે. એટલે લગ્‍નની તૈયારીઓ વિશે ચર્ચા કરતી વખતે અમે હંમેશાં પ્રાર્થનાથી શરૂઆત કરતા. એમ કરવાથી અમે યહોવાની મદદ જોઈ શક્યાં તેમજ એકબીજા સાથે અને કુટુંબ સાથે શાંતિથી વાત કરી શક્યાં.”

૧૬-૧૭. લગ્‍નની તૈયારીઓ કરવામાં સારી વાતચીતથી કઈ રીતે મદદ મળી શકે?

૧૬ સાફ સાફ પણ પ્રેમથી વાત કરો. (નીતિ. ૧૫:૨૨) એક યુગલ તરીકે તમારે લગ્‍ન વિશે ઘણા નિર્ણયો લેવા પડશે. જેમ કે, લગ્‍નની તારીખ નક્કી કરવી, બજેટ નક્કી કરવું, મહેમાનોનું લિસ્ટ બનાવવું અને બીજી ઘણી વાતો. નિર્ણય લેતા પહેલાં વિચારો કે તમારી પાસે કઈ પસંદગી છે અને તમે શું કરવા માંગો છો. તેમ જ, બાઇબલના સિદ્ધાંતો પર અને અનુભવી ભાઈ-બહેનોની સલાહ પર ચર્ચા કરો. જ્યારે એકબીજાને અને કુટુંબીજનોને પોતાનો મત જણાવો, ત્યારે પ્રેમથી વાત કરો અને ફેરફાર કરવા તૈયાર રહો. જો મમ્મી-પપ્પા અને નજીકના સંબંધીઓની ઇચ્છા વાજબી હોય, તો એ પ્રમાણે કરવાની કોશિશ કરો. આખરે, આ પ્રસંગ તેઓ માટે પણ એટલો જ ખાસ છે. પણ જો તેઓની ઇચ્છા પ્રમાણે કરવું શક્ય ન હોય, તો પ્રેમથી અને સમજી-વિચારીને એનું કારણ જણાવો. (કોલો. ૪:૬) કુટુંબીજનોને સાફ સાફ જણાવો કે આ ખુશીના પ્રસંગે યહોવાને મહિમા આપવો તમારા માટે સૌથી મહત્ત્વનું છે.

૧૭ જો મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી ન હોય, તો તેઓને તમારી ઇચ્છા સમજાવવી અઘરું બની શકે છે. પણ એમ કરવું શક્ય છે! ભારતમાં રહેતા સંતોષભાઈ કહે છે: “અમારું કુટુંબ ચાહતું હતું કે લગ્‍નમાં અલગ અલગ હિંદુ રીતરિવાજો પાળવામાં આવે. તેઓને અમારા નિર્ણયો સમજાવતા ખાસ્સી વાર લાગી. જોકે, જ્યારે અમને લાગ્યું કે યહોવાના સિદ્ધાંતો નથી તૂટી રહ્યા, ત્યારે અમે તેઓની ઇચ્છાને માન આપ્યું. દાખલા તરીકે, અમે રિસેપ્શનના મેનુમાં ફેરફાર કર્યો અને તેઓને ગમે એવી વાનગીઓ રાખી. એટલું જ નહિ, અમે નાચ-ગાન ન રાખવાનું નક્કી કર્યું, કેમ કે તેઓ એનાથી ટેવાયેલા ન હતા.”

૧૮. લગ્‍નના દિવસે બધું વ્યવસ્થિત રીતે થાય એ માટે શું કરી શકો? (૧ કોરીંથીઓ ૧૪:૪૦) (ચિત્ર પણ જુઓ.)

૧૮ સમજી-વિચારીને યોજના બનાવો. બધું વ્યવસ્થિત રીત કરવાથી અને સારી ગોઠવણો કરવાથી લગ્‍નના દિવસે તમને એટલી ચિંતા નહિ થાય. (૧ કોરીંથીઓ ૧૪:૪૦ વાંચો.) તાઇવાનમાં રહેતા વેઇનભાઈ કહે છે: “લગ્‍નના થોડા જ દિવસ બાકી હતા. એ પહેલાં અમે અમુક લોકોને મળ્યાં, જેઓ લગ્‍નના દિવસે મદદ કરવા માંગતા હતા. અમે ચાહતાં હતાં કે બધું વ્યવસ્થિત રીતે થાય. એટલે અમે તેઓ સાથે અમુક ગોઠવણોની ચર્ચા કરી અને લગ્‍નના અમુક ભાગોની પ્રેક્ટિસ કરી.” પૂરી કોશિશ કરો કે બધું સમયસર થાય. આ રીતે તમે મહેમાનોને આદર બતાવશો.

એક યુગલની સગાઈ થઈ ગઈ છે. તેઓ અમુક દોસ્તો સાથે બેસીને લગ્‍નની ગોઠવણો વિશે ચર્ચા કરે છે. એ દોસ્તો તેઓને લગ્‍નની તૈયારીમાં મદદ કરવાના છે. જેમના લગ્‍ન થવાના છે એ ભાઈ ટેબ્લેટમાં રિસેપ્શનમાં આવનાર મહેમાનો ક્યાં બેસશે એનો પ્લાન પોતાના દોસ્તોને બતાવે છે.

સારી યોજના બનાવવાથી લગ્‍નના દિવસે બધું વ્યવસ્થિત રીતે થઈ શકે છે (ફકરો ૧૮ જુઓ)


૧૯. તમે ચાહો છો એ રીતે રિસેપ્શન થાય માટે તમે શું કરી શકો?

૧૯ જો તમે પહેલેથી વિચારશો કે લગ્‍નના દિવસે કેવી મુશ્કેલીઓ આવી શકે, તો એવું થાય ત્યારે એને સારી રીતે હાથ ધરી શકશો. (નીતિ. ૨૨:૩) દાખલા તરીકે, અમુક વિસ્તારમાં લોકો આમંત્રણ વગર રિસેપ્શનમાં આવી જતા હોય છે. એવું ન થાય એ માટે પહેલેથી વિચારો કે શું કરશો. જો તમારા લગ્‍નમાં સાક્ષી ન હોય એવાં સગાઓ આવવાના હોય, તો તેઓને પહેલેથી જણાવો કે લગ્‍નમાં શું થશે અને તમે લગ્‍નના રીતરિવાજો વિશે શું વિચારો છો. તમે તેઓને jw.org પર આપેલો આ લેખ બતાવી શકો: “યહોવાના સાક્ષીઓના લગ્‍નમાં શું થાય છે?” તમે રિસેપ્શન માટે એક અનુભવી ભાઈને “મિજબાનીના કારભારી” તરીકેની જવાબદારી સોંપી શકો, જેથી તે ધ્યાન રાખી શકે કે રિસેપ્શનમાં શું થઈ રહ્યું છે. (યોહા. ૨:૮) તેમને તમારા લગ્‍નની યોજનાઓ વિશે સાફ સાફ જણાવો. એમ કરશો તો તે ધ્યાન રાખી શકશે કે લગ્‍ન અને રિસેપ્શનથી યહોવાને મહિમા મળે અને તમે ચાહો છો એ રીતે બધું થાય.

૨૦. એક યુગલે પોતાના લગ્‍નના દિવસ વિશે શું યાદ રાખવું જોઈએ?

૨૦ લગ્‍નની તૈયારીઓમાં ઘણું બધું સમાયેલું હોય છે. એટલે એ વિશે વિચારો ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે. પણ યાદ રાખજો કે લગ્‍નની તૈયારીઓ બસ એક દિવસ માટે જ છે. એ દિવસથી તમે લગ્‍નજીવનની એક સુંદર શરૂઆત કરશો અને સાથે મળીને યહોવાની ભક્તિ કરશો. પૂરી કોશિશ કરજો કે તમારું લગ્‍ન સાદું હોય અને એનાથી યહોવાને મહિમા મળે. યહોવા પર પૂરો ભરોસો રાખજો. તેમનું માર્ગદર્શન પાળીને તમે લગ્‍નની સારી ગોઠવણ કરી શકશો. વર્ષો પછી લગ્‍નના દિવસને યાદ કરશો ત્યારે, તમારો ચહેરો ખુશીથી ખીલી ઊઠશે અને તમને કોઈ જાતનો અફસોસ નહિ થાય.—ગીત. ૩૭:૩, ૪.

તમે શું કહેશો?

  • લગ્‍નના દિવસે યુગલે કેમ યહોવાને માન-મહિમા આપવો જોઈએ?

  • લગ્‍નના દિવસે પ્રસંગનું માન જળવાય અને યહોવાને મહિમા મળે એ માટે યુગલ શું કરી શકે?

  • લગ્‍ન સાદું રાખવાથી યુગલને કયા ફાયદા થઈ શકે?

ગીત ૫૦ ઈશ્વરનો મધુર પ્રેમ

a શબ્દોની સમજ: ઘણી જગ્યાએ લગ્‍ન આ રીતે થાય છે: લગ્‍નનું પ્રવચન હોય છે, યુગલ એકબીજાને વીંટી પહેરાવે છે, તેઓ ઈશ્વર આગળ એકબીજાને વચન આપે છે અને છેલ્લે એક મિજબાની હોય છે. પણ અમુક જગ્યાએ યુગલ એમાંનું કશું જ કરતા નથી અથવા અમુક બાબતો કરવાનું પસંદ કરે છે. તોપણ એ સારું રહેશે કે યુગલ લગ્‍નના દિવસે બધું બાઇબલના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કરે.

b લગ્‍ન માટેના સરકારના કાયદાઓ વિશે ખ્રિસ્તીઓ શું માને છે, એ વિશે વધારે જાણવા નવેમ્બર ૧, ૨૦૦૬ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “પરમેશ્વર અને માણસોની નજરે માનયોગ્ય લગ્‍ન.”

c ધ્યાન આપો, અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. એવા કિસ્સામાં ઈશ્વરભક્તો એ નિયમને માન આપશે અને પાળશે. વધુમાં, jw.org/gu પર આ વીડિયો જુઓ: શું મારે દારૂ પીરસવો જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો