માર્ચ ૧૬-૨૨, ૨૦૨૬
ગીત ૧૪૮ તમારો વહાલો દીકરો આપ્યો
આપણને કેમ છુટકારાની જરૂર છે?
“મરણ તરફ લઈ જતા આ શરીરથી મને કોણ બચાવશે?”—રોમ. ૭:૨૪.
આપણે શું શીખીશું?
ઈસુના બલિદાનથી કઈ રીતે પાપોની માફી મળે છે, પાપની અસરમાંથી આઝાદી મળે છે અને ઈશ્વર સાથે સુલેહ થાય છે?
૧-૨. આપણને શામાંથી છુટકારાની જરૂર છે અને કેમ? (રોમનો ૭:૨૨-૨૪) (ચિત્ર પણ જુઓ.)
કલ્પના કરો, એક બિલ્ડિંગ ધસી પડે છે. એક માણસ કાટમાળમાં દબાઈ જાય છે. તે જીવે તો છે, પણ પોતાની જાતે બહાર નીકળી શકતો નથી. તે મદદ માટે જોરજોરથી બૂમો પાડે છે. તેને આશા છે કે કોઈ તેને એમાંથી બહાર કાઢશે.
૨ જોવા જઈએ તો આપણા સંજોગો પણ એ માણસ જેવા જ છે. આદમે પોતાના સર્જનહાર વિરુદ્ધ બળવો કર્યો, એટલે તે પાપી બન્યો. પછીથી તેનાં બધાં બાળકોમાં પણ એ પાપની અસર આવી. બિલ્ડિંગના કાટમાળ નીચે દબાઈ ગયા હોઈએ તેમ, આખી માણસજાત પાપના બોજ નીચે દબાઈ ગઈ. ભલે આપણે લાખ કોશિશ કરીએ, એ પાપની અસરમાંથી પોતાની રીતે બહાર આવી શકતા નથી. પ્રેરિત પાઉલે રોમનોને લખેલા પત્રમાં પાપની એ અસર વિશે જણાવ્યું હતું. (રોમનો ૭:૨૨-૨૪ વાંચો.) પાઉલ જાણતા હતા કે વારસામાં મળેલા પાપનું પરિણામ મરણ છે. (રોમ. ૬:૨૩) એટલે તેમણે અરજ કરી કે ‘મરણ તરફ લઈ જતા આ શરીરથી તેમને કોઈ બચાવે.’ પાપ અને મરણથી છુટકારો મેળવવા આપણને સાચે જ કોઈકની મદદની જરૂર છે.
જેમ કાટમાળ નીચે દબાયેલા માણસને બહાર નીકળવા મદદની જરૂર હોય છે, તેમ આપણે પણ પાપના બોજ નીચે દબાયેલા છીએ અને એમાંથી છુટકારા માટે મદદની જરૂર છે (ફકરા ૧-૨ જુઓ)
૩. ઈસુના બલિદાનથી શું શક્ય બન્યું?
૩ “મરણ તરફ લઈ જતા આ શરીરથી મને કોણ બચાવશે?” એ સવાલ પૂછ્યા પછી પાઉલે પોતાની વાત ત્યાં જ પૂરી ન કરી. તેમણે પોતે જ એનો જવાબ આપ્યો અને એક આશા આપી. તેમણે કહ્યું: “આપણા માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા હું ઈશ્વરનો આભાર માનું છું!” (રોમ. ૭:૨૫) પાઉલ અહીંયા ઈસુના બલિદાન વિશે વાત કરી રહ્યા હતા, જેમના દ્વારા છુટકારાની કિંમતa ચૂકવવામાં આવી. એ બલિદાન દ્વારા (૧) આપણાં પાપોની માફી મળે છે, (૨) આપણે પાપની અસરમાંથી આઝાદ થઈએ છીએ અને (૩) આપણા સર્જનહાર સાથે સુલેહ થાય છે. આ લેખમાં આપણે એ ત્રણ મુદ્દાઓની ચર્ચા કરીશું. એનાથી “આશા આપનાર ઈશ્વર” યહોવા માટે આપણો પ્રેમ વધશે. (રોમ. ૧૫:૧૩) એટલું જ નહિ, ઈસુ માટે પણ કદર વધશે, ‘જેમના દ્વારા છુટકારાની કિંમત ચૂકવીને આપણને મુક્ત કરવામાં આવ્યા છે.’—કોલો. ૧:૧૪.
પાપોની માફી
૪-૫. આપણામાંથી દરેકને ઈસુના બલિદાનની કેમ જરૂર છે? (સભાશિક્ષક ૭:૨૦)
૪ આપણે ક્યારેક ને ક્યારેક તો પોતાનાં વાણી-વર્તનમાં પાપ કરી બેસીએ છીએ. (સભાશિક્ષક ૭:૨૦ વાંચો.) અમુક પાપ ખૂબ ગંભીર હોય છે. જેમ કે, મૂસાના નિયમશાસ્ત્રમાં વ્યભિચાર અને ખૂનની સજા મરણ હતી. (લેવી. ૨૦:૧૦; ગણ. ૩૫:૩૦, ૩૧) ભલે અમુક પાપ એટલાં ગંભીર ન હોય, પણ એ પાપ તો છે જ. દાખલા તરીકે, દાઉદે કહ્યું હતું: “મારી જીભ પાપ ન કરે એ માટે, હું ડગલે ને પગલે સાવચેત રહીશ.” (ગીત. ૩૯:૧) ખરેખર, આપણે શબ્દોથી પણ ક્યારેક પાપ કરી બેસીએ છીએ. (યાકૂ. ૩:૨) એ નાના-મોટા દરેક પાપની માફી મળે એ માટે ઈસુનું બલિદાન ખૂબ જ જરૂરી છે.
૫ શું તમને ક્યારેય આવું લાગ્યું છે: ‘કાશ મેં આ ના કહ્યું હોત તો કેવું સારું? કાશ મેં એવું ના કર્યું હોત તો કેવું સારું?’ તમને ક્યારેક ને ક્યારેક તો એવું ચોક્કસ થયું હશે. બાઇબલમાં લખ્યું છે: “જો આપણે કહીએ કે, ‘આપણામાં પાપ નથી,’ તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી.”—૧ યોહા. ૧:૮.
૬-૭. યહોવા શાના આધારે આપણાં પાપ માફ કરે છે? (ચિત્ર પણ જુઓ.)
૬ યહોવા ન્યાયી ઈશ્વર છે, એટલે માફી આપવા તેમને એક આધારની જરૂર છે. એ આધાર છે, ઈસુનું બલિદાન. એના દ્વારા યહોવા આપણાં પાપ માફ કરી શકે છે. (એફે. ૧:૭) પણ એનો એવો અર્થ નથી કે યહોવા આપણાં પાપને આંખ આડા કાન કરે છે અથવા એને એમ જ માફ કરી દે છે. યહોવા તો પાપને ધિક્કારે છે.—યશા. ૫૯:૨.
૭ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું હતું કે ઇઝરાયેલીઓએ પોતાનાં પાપોની માફી માટે પ્રાણીઓનાં બલિદાન ચઢાવવાનાં હતાં. (લેવી. ૪:૨૭-૩૧; ૧૭:૧૧) એ બલિદાનો બતાવતાં હતાં કે માણસોને એક ચઢિયાતા બલિદાનની જરૂર હતી. એ ઈસુનું બલિદાન હતું, જેના દ્વારા બધાને અઢળક આશીર્વાદો મળવાના હતા. યહોવા એ બલિદાનને આધારે જ આપણાં પાપ માફ કરે છે. પાઉલ સમજતા હતા કે ઈસુના બલિદાનથી માણસોને કઈ રીતે ફાયદો થાય છે. એ વિશે તેમણે કોરીંથીઓને પત્રમાં લખ્યું. તેમણે જણાવ્યું કે અગાઉ કોરીંથીઓ કેવાં ખરાબ કામોમાં ડૂબેલા હતા. પણ પછી ‘તેઓને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યા, પવિત્ર કરવામાં આવ્યા. માલિક ઈસુ ખ્રિસ્તના નામમાં અને આપણા ઈશ્વરની શક્તિથી તેઓને નેક ઠરાવવામાં આવ્યા.’—૧ કોરીં. ૬:૯-૧૧.
ઇઝરાયેલીઓ પાપોની માફી માટે પ્રાણીઓનું બલિદાન ચઢાવતા હતા. એ બતાવતું હતું કે એક ચઢિયાતા બલિદાનની એટલે કે ઈસુ ખ્રિસ્તના બલિદાનની જરૂર હતી, જેના દ્વારા ભાવિમાં ઘણા આશીર્વાદો મળવાના હતા (ફકરા ૬-૭ જુઓ)
૮. સ્મરણપ્રસંગના સમયગાળામાં તમે શાનો વિચાર કરી શકો?
૮ આ વર્ષે સ્મરણપ્રસંગમાં જાઓ એ પહેલાં આ સવાલ પર વિચાર કરવા સમય કાઢજો: ‘યહોવાની માફીથી મને કેવો ફાયદો થયો છે?’ જો તમે કોઈ ભૂલ માટે પસ્તાવો કર્યો હોય, તો તમારે દોષનો ટોપલો માથે લઈને ફરવાની જરૂર નથી. ઈસુના બલિદાનને લીધે તમને માફી મળી ગઈ છે. પણ એ વાત સ્વીકારવી તમને અઘરું લાગતું હોય તો શું? તમને કદાચ થાય, ‘મને ખબર છે કે યહોવા મને માફ કરી શકે છે પણ હું પોતાની જાતને માફ નથી કરી શકતો.’ જો તમને એવું લાગતું હોય, તો યાદ રાખજો માફી આપનાર યહોવા છે અને તેમણે ન્યાય કરવાનો અધિકાર પોતાના દીકરાને આપ્યો છે. તેમણે ન તો તમને, કે ન તો બીજા કોઈ માણસને એ નક્કી કરવાનો અધિકાર આપ્યો છે કે કોને માફી મળશે અને કોને નહિ મળે. બાઇબલમાં લખ્યું છે: “[યહોવા] પ્રકાશમાં રહે છે, એટલે જો આપણે પ્રકાશમાં ચાલીએ તો . . . ઈશ્વરના દીકરા ઈસુનું લોહી આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.” (૧ યોહા. ૧:૬, ૭) એ વાત પર બાઇબલના બીજા શિક્ષણની જેમ આપણે પૂરો ભરોસો કરવો જોઈએ. ઈસુના બલિદાનને લીધે યહોવા પાસે આપણને માફ કરવાનો હક છે. એટલું જ નહિ, બાઇબલમાં લખ્યું છે કે યહોવા આપણને “માફ કરવા તૈયાર” છે.—ગીત. ૮૬:૫.
પાપની અસરમાંથી આઝાદી
૯. બાઇબલ પ્રમાણે પાપ શાને રજૂ કરે છે? (ગીતશાસ્ત્ર ૫૧:૫)
૯ બાઇબલમાં “પાપ” શબ્દ હંમેશાં ખોટાં કામોને રજૂ કરતો નથી. એ પાપની અસરને પણ રજૂ કરે છે જે આપણામાં જન્મથી હોય છે. (ગીતશાસ્ત્ર ૫૧:૫ વાંચો.) પાપની અસરને લીધે આપણામાં ખોટું કરવાનું વલણ આવી જાય છે. એટલું જ નહિ, આપણે બીમાર પડીએ છીએ, ઘરડા થઈએ છીએ અને આખરે મરી જઈએ છીએ. નવાં જન્મેલાં બાળકોનો વિચાર કરો. તેઓએ તો કંઈ જ ખોટું કર્યું નથી. તોપણ પાપની અસરને લીધે તેઓ બીમાર પડે છે અને ક્યારેક પોતાનો જીવ ગુમાવી બેસે છે. જોવા જઈએ તો પાપની અસરને લીધે દરેક સારી અને ખરાબ વ્યક્તિ પર દુઃખ-તકલીફો આવે છે અને આખરે મોતને ભેટે છે.
૧૦. પાપ કર્યા પછી આદમ અને હવાને કેવું લાગ્યું?
૧૦ વિચાર કરો કે આદમ અને હવાએ પાપ કર્યું એ પછી શું થયું. એ પાપની અસર ફક્ત તેઓનાં શરીર પર નહિ, મન પર પણ થઈ. અરે, તેઓની ઊંડી લાગણીઓ પર અસર થઈ. આદમ અને હવાએ યહોવા વિરુદ્ધ બંડ કર્યું એ પછી તરત તેઓનું અંતઃકરણ ડંખવા લાગ્યું. કેમ કે, ઈશ્વરનો નિયમ ‘તેઓનાં દિલમાં લખેલો’ હતો. (રોમ. ૨:૧૫) તેઓને ખ્યાલ આવી ગયો કે હવે બધું બદલાઈ ગયું છે. તેઓ પહેલાં જેવાં રહ્યાં નથી. તેઓ પોતાનાં શરીરને ઢાંકવા લાગ્યાં અને ગુનેગારની જેમ ઈશ્વરથી સંતાવા લાગ્યાં. પહેલી વાર આદમ અને હવાનું અંતઃકરણ ડંખ્યું. (ઉત. ૩:૭, ૮) જીવનમાં પહેલી વાર તેઓને ચિંતા થઈ અને શરમ આવી. છેક છેલ્લા શ્વાસ સુધી તેઓને એ લાગણીઓ સતાવતી રહી.—ઉત. ૩:૧૬-૧૯.
૧૧. માણસો પર પાપની કેવી અસર થઈ છે?
૧૧ આદમ અને હવાની જેમ જ આપણા પર પાપની અસર થઈ છે. આપણે ભૂલો કરીએ છીએ ત્યારે આપણું અંતઃકરણ ડંખે છે, આપણને ચિંતા થાય છે અને શરમ અનુભવીએ છીએ. ખરેખર, આપણી મુશ્કેલીઓનું એક કારણ પાપની અસર છે. ભલે આપણે લાખ કોશિશ કરીએ, પણ પોતાની જાતે એમાંથી છુટકારો મેળવી શકતા નથી. કેમ? કેમ કે, બાઇબલમાં લખ્યું છે કે બધા માણસો “આશા વગરના ભાવિને આધીન” થયા છે. (રોમ. ૮:૨૦) જરા આનો વિચાર કરો: માણસોએ પર્યાવરણ સુધારવા, ગુનાઓને રોકવા, ગરીબી હટાવવા અને દેશો વચ્ચે શાંતિ લાવવા કેટકેટલા ધમપછાડા કર્યા છે. પણ તેઓની બધી મહેનત પાણીમાં ગઈ છે. જોકે ઈસુના બલિદાનથી આપણને આ અંધકારમાં ખરી આશા મળે છે. કઈ રીતે?
૧૨. ઈસુના બલિદાનથી કઈ આશા મળે છે?
૧૨ ઈસુના બલિદાનથી આશા મળે છે કે ‘સૃષ્ટિ પોતે વિનાશની ગુલામીમાંથી આઝાદ થશે.’ (રોમ. ૮:૨૧) નવી દુનિયામાં આપણે ઈસુના બલિદાનથી મળતા આશીર્વાદો જોઈ શકીશું. આપણે તન-મનથી એકદમ તંદુરસ્ત હોઈશું. આપણને ક્યારેય ચિંતા કે દોષની લાગણી નહિ થાય. કદી આપણું માથું શરમથી નમી નહિ જાય. આખી પૃથ્વી સોળે કળાએ ખીલી ઊઠશે અને ચારે બાજુ શાંતિ હશે. બધા માણસો પર ‘શાંતિના રાજકુમાર’ ઈસુ ખ્રિસ્ત રાજ કરતા હશે, જેમણે પોતાનું બલિદાન આપીને છુટકારાનો માર્ગ ખોલ્યો.—યશા. ૯:૬, ૭.
૧૩. સ્મરણપ્રસંગના સમયગાળામાં બીજા શાના પર વિચાર કરી શકો?
૧૩ જરા વિચારો, નવી દુનિયામાં પાપની અસર દૂર થઈ જશે ત્યારે જીવન કેવું હશે. સવારે ઊઠીશું ત્યારે અનેરી તાજગી અનુભવીશું. આપણને ન તો ગરીબી, બીમારી કે મરણનો ડર સતાવશે. ભાવિની ‘આશાને વળગી રહેવાથી’ આજે પણ આપણને શાંતિ મળે છે. “એ આશા આપણા જીવન માટે લંગર જેવી છે, અડગ અને મજબૂત છે.” (હિબ્રૂ. ૬:૧૮, ૧૯) જેમ એક લંગર તોફાનમાં હોડીને સ્થિર રાખે છે, તેમ ભાવિની આશા મુશ્કેલીઓમાં આપણી શ્રદ્ધા અડગ રાખે છે. એટલું જ નહિ, મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરવા મદદ પણ કરે છે. પૂરો ભરોસો રાખીએ કે યહોવા ‘તેમને દિલથી શોધનારાઓને ઇનામ આપે છે.’ (હિબ્રૂ. ૧૧:૬) આજે આપણી પાસે ભાવિની જોરદાર આશા છે અને એના પર વિચાર કરવાથી ઘણો દિલાસો મળે છે. એ બધું ઈસુના બલિદાનથી જ શક્ય બન્યું છે.
ઈશ્વર સાથે સુલેહ
૧૪. આપણા અને યહોવા વચ્ચેના સંબંધ પર પાપની કેવી અસર પડી અને કેમ?
૧૪ આદમ અને હવાએ પાપ કર્યું ત્યારથી માણસો ઈશ્વરથી દૂર થઈ ગયા છે. બાઇબલમાં તો એવું પણ જણાવ્યું છે કે માણસો ઈશ્વરના દુશ્મન છે. (રોમ. ૮:૭, ૮; કોલો. ૧:૨૧) શા માટે એવું? કેમ કે, યહોવાનાં ધોરણો ખૂબ જ ઊંચા છે અને તે પાપને નજરઅંદાજ કરતા નથી. બાઇબલમાં યહોવા વિશે જણાવ્યું છે, “તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે દુષ્ટતા જોઈ શકતા નથી, અને અન્યાય ચલાવી લેતા નથી.” (હબા. ૧:૧૩) પાપને લીધે માણસો અને ઈશ્વર વચ્ચેના સંબંધમાં મોટી તિરાડ પડી ગઈ છે. આપણામાંથી કોઈ પણ એ તિરાડ જાતે પૂરી શકતું નથી. એ માટે જરૂરી છે કે ઈશ્વર સાથે માણસોની સુલેહ થાય. ઈસુના બલિદાન દ્વારા એ સુલેહ શક્ય બની.
૧૫. ઈસુના બલિદાનથી યહોવા કઈ રીતે ખુશ થયા અને એનાથી શું શક્ય બન્યું?
૧૫ બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુએ ‘આપણાં પાપ માટે પ્રાયશ્ચિત્તનું બલિદાન’ આપ્યું. એ એવું બલિદાન છે, “જે ઈશ્વર સાથે આપણી સુલેહ કરાવે છે.” (૧ યોહા. ૨:૨, ફૂટનોટ) ‘પ્રાયશ્ચિતના બલિદાન’ માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે એનો આવો પણ અર્થ થાય છે: ‘એક એવું બલિદાન, જે ઈશ્વરને ખુશ કરે છે.’ ઈસુના બલિદાનથી યહોવા કઈ રીતે ખુશ થયા? એવું ન હતું કે યહોવાને પોતાના દીકરાના મરણથી ખુશી થઈ હતી. ઈસુના બલિદાનથી તો યહોવાનાં ન્યાયી ધોરણો જળવાયાં. તેમ જ, યહોવા માટે માણસો સાથે સુલેહ કરવી શક્ય બન્યું અને આમ યહોવાને ઈસુના બલિદાનથી ખુશી મળી. (રોમ. ૩:૨૩-૨૬) ઈસુના બલિદાનથી બીજું શું શક્ય બન્યું? યહોવા એવા ઈશ્વરભક્તોને પણ નેક ગણી શક્યા, જેઓ ઈસુ પહેલાં જીવ્યા હતા. (ઉત. ૧૫:૧, ૬) કેમ કે યહોવાને પૂરો ભરોસો હતો કે તેમનો દીકરો માણસો માટે ચોક્કસ પોતાનો જીવ આપી દેશે.—યશા. ૪૬:૧૦.
૧૬. સ્મરણપ્રસંગના સમયગાળામાં તમે બીજા શાના પર વિચાર કરી શકો? (ચિત્ર પણ જુઓ.)
૧૬ જરા વિચારો, તમે ઈસુના બલિદાનને લીધે યહોવા સાથે સુલેહ કરી શકો છો. એ કેટલો મોટો લહાવો છે! ઈસુએ શીખવ્યું હતું તેમ, તમે યહોવાને “પિતા” કહી શકો છો. (માથ. ૬:૯) અમુક વાર તમે યહોવાને તમારા “દોસ્ત” કહીને પણ બોલાવતા હશો. જ્યારે પણ આપણે યહોવા માટે “પિતા” કે “દોસ્ત” જેવા શબ્દો વાપરીએ, ત્યારે પૂરા આદર અને નમ્રતાથી એ શબ્દો વાપરીએ. શા માટે? કેમ કે આપણે પાપી છીએ અને આપણે પોતાની રીતે યહોવાની નજીક જઈ શકતા નથી. ફક્ત ઈસુના બલિદાનને આધારે યહોવાની નજીક જઈ શકીએ છીએ. બાઇબલમાં લખ્યું છે: ‘ખ્રિસ્તના વધસ્તંભ પર વહેવડાવેલા લોહીથી ઈશ્વરે આપણી સાથે શાંતિ સ્થાપી અને સુલેહ કરી.’ (કોલો. ૧:૧૯, ૨૦) એ કારણે આપણે પાપી હોવા છતાં યહોવા સાથે દોસ્તી કરી શકીએ છીએ.
ફક્ત ઈસુના બલિદાનને આધારે માણસો અને યહોવા વચ્ચે સુલેહ થઈ શકે છે (ફકરો ૧૬ જુઓ)
યહોવાની દયાનો ઉત્તમ દાખલો
૧૭. ઈસુના બલિદાનથી કઈ રીતે સાબિત થાય છે કે યહોવા દયાથી ભરપૂર છે? (એફેસીઓ ૨:૪, ૫)
૧૭ ઈસુના બલિદાનથી સાબિત થાય છે કે યહોવા “દયાથી ભરપૂર છે.” “આપણે અપરાધોને લીધે મરેલા હતા,” પણ ઈસુના બલિદાનને આધારે “ઈશ્વરે આપણને જીવતા કર્યા.” (એફેસીઓ ૨:૪, ૫ વાંચો.) આજે એવા ઘણા લોકો છે “જેઓનું દિલ સારું” છે. (પ્રે.કા. ૧૩:૪૮) તેઓને એ વાતનો અહેસાસ છે કે તેઓ પોતાની મુશ્કેલીઓ જાતે દૂર કરી શકતા નથી, તેઓને કોઈકની મદદની જરૂર છે. એટલે તેઓ મદદનો પોકાર કરે છે અને યહોવા તેઓનો પોકાર સાંભળે છે. તે તેઓ સુધી કોઈક રીતે રાજ્યની ખુશખબર પહોંચાડે છે, જેથી તેઓ તેમને અને તેમના દીકરા ઈસુને ઓળખી શકે. (યોહા. ૧૭:૩) શેતાનને લાગ્યું કે આદમ અને હવાના પાપને લીધે માણસો માટે ઈશ્વરની ઇચ્છા પૂરી નહિ થાય. પણ તેના ઇરાદા પર પાણી ફરી વળ્યું.
૧૮. ઈસુના બલિદાન પર મનન કરતી વખતે શું યાદ રાખવું જોઈએ?
૧૮ એ સાચું છે કે ઈસુના બલિદાનને લીધે આપણને અઢળક આશીર્વાદો મળે છે અને એ વિશે મનન કરવું સારું છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે યહોવાએ ફક્ત આપણને બચાવવા જ નહિ, એદન બાગમાં શેતાને મૂકેલા આરોપનો જવાબ આપવા પણ ઈસુના બલિદાનની ગોઠવણ કરી છે. (ઉત. ૩:૧-૫, ૧૫) ઈસુના બલિદાન દ્વારા યહોવા શું કરે છે? તે પોતાનું નામ પવિત્ર મનાવે છે અને શેતાન જૂઠો છે એવું સાબિત કરે છે. આપણને પાપ અને મરણમાંથી છુટકારો અપાવીને પોતાના પ્રેમની સાબિતી આપે છે. યહોવાએ આપણને અપાર કૃપા બતાવી છે. એટલે આપણે પાપી હોવા છતાં તે આપણને તક આપે છે કે શેતાનને જૂઠો સાબિત કરીએ. (નીતિ. ૨૭:૧૧) આપણે કઈ રીતે ઈસુના બલિદાન માટે કદર બતાવી શકીએ? એ વિશે આવતા લેખમાં જોઈશું.
ગીત ૮ ઈસુનું સાંજનું ભોજન
a શબ્દોની સમજ: “છુટકારાની કિંમત” એટલે કે ગુલામીમાંથી છોડાવવા આપવામાં આવતી કિંમત. વફાદાર માણસોને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરવા ઈસુએ પોતાનો જીવ આપીને એ કિંમત ચૂકવી.