માર્ચ ૨૩-૨૯, ૨૦૨૬
ગીત ૧૪૯ અમને બચાવવા તારો આભાર
‘ઈસુના બલિદાન માટે કદર બતાવવા હું શું કરી શકું?’
“ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે.”—૨ કોરીં. ૫:૧૪.
આપણે શું શીખીશું?
આપણે કઈ રીતે ઈસુના બલિદાન માટે કદર બતાવી શકીએ?
૧-૨. ઈસુએ આપેલું બલિદાન આપણને શું કરવાની ફરજ પાડે છે અને કેમ? (૨ કોરીંથીઓ ૫:૧૪, ૧૫) (ચિત્ર પણ જુઓ.)
ધારો કે, એક બિલ્ડિંગ ધસી પડે છે અને તમે એના કાટમાળ નીચે દબાઈ જાઓ છો. એક માણસ આવીને તમને બચાવી લે છે. તે તમારી સાથે બીજા ઘણા લોકોને બચાવે છે. પણ તમે પોતે તેનો આભાર માનવા માંગો છો. એટલે તમે જઈને કહો છો, “મને બચાવવા તમારો આભાર. હું આ અહેસાન જીવનભર નહિ ભૂલું.”
૨ ગયા લેખમાં જોઈ ગયા હતા કે આપણે પોતાની જાતે વારસામાં મળેલા પાપથી છુટકારો મેળવી શકતા નથી. પણ ઈસુના બલિદાનને લીધે એ શક્ય બન્યું. એનાથી (૧) આપણાં પાપોની માફી મળે છે, (૨) પાપની અસરમાંથી આઝાદ થઈએ છીએ અને (૩) ઈશ્વર સાથે સુલેહ થાય છે. આમ, બાગ જેવી સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા મળે છે. સાચે જ, ઈસુએ પોતાનો જીવ આપીને સાબિત કર્યું છે કે તે માણસોને અનહદ પ્રેમ કરે છે. અરે, તે પૃથ્વી પર આવ્યા એ પહેલાંથી માણસોને ખૂબ પ્રેમ કરતા હતા. (નીતિ. ૮:૩૦, ૩૧) પ્રેરિત પાઉલે લખ્યું કે “ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે.” (૨ કોરીંથીઓ ૫:૧૪, ૧૫ વાંચો.) એનો અર્થ થાય કે આપણે પોતાનાં કામોથી બતાવી આપવું જોઈએ કે ઈસુના પ્રેમની કેટલી કદર કરીએ છીએ. એટલું જ નહિ, તેમણે આપેલા બલિદાનને આપણે જીવનભર યાદ રાખવું જોઈએ.
બિલ્ડિંગના કાટમાળમાંથી બહાર કાઢ્યા હોય કે પછી પાપ અને મરણની ગુલામીમાંથી, આપણે પોતાના છોડાવનારનો અહેસાન કદી ભૂલી શકતા નથી (ફકરા ૧-૨ જુઓ)
૩. ઈસુના બલિદાન માટે તમે જે રીતે કદર બતાવશો, એ કેમ બીજાઓથી અલગ હોય શકે છે?
૩ તમે આ સવાલનો કેવો જવાબ આપશો: ‘ઈસુના બલિદાન માટે કદર બતાવવા હું શું કરી શકું?’ દરેક વ્યક્તિ કદાચ એનો અલગ અલગ જવાબ આપશે. એને સમજવા ચાલો એક દાખલો લઈએ. ત્રણ માણસોને એક જ જગ્યાએ જવું છે, તેઓની મંજિલ એક જ છે. પણ તેઓ પોતાની મુસાફરી અલગ અલગ શહેરોથી શરૂ કરે છે, એટલે તેઓ રસ્તા પણ અલગ અલગ લે છે. એવી જ રીતે, વહાલાં ભાઈ-બહેનો તમારો ધ્યેય અથવા મંજિલ કઈ છે? ઈસુના બલિદાન માટે કદર બતાવવી. પણ એ માટે દરેકના રસ્તા અલગ અલગ હોય શકે છે. એટલે કે, ઈસુના બલિદાન માટે તમે જે રીતે કદર બતાવશો એ બીજાઓથી અલગ હોય તો એમાં કંઈ ખોટું નથી. એને ધ્યાનમાં રાખીને આ લેખમાં ત્રણ પ્રકારના લોકો વિશે વાત થઈ છે: (૧) બાઇબલમાંથી શીખતા દોસ્તો, (૨) બાપ્તિસ્મા પામેલાં ભાઈ-બહેનો અને (૩) યહોવાના ટોળાથી દૂર થઈ ગયેલાં ઘેટાં. આપણે જોઈશું કે તેઓ કઈ રીતે ઈસુના બલિદાન માટે કદર બતાવી શકે.
બાઇબલમાંથી શીખતા દોસ્તો
૪. જેઓ બાઇબલમાંથી શીખે છે તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?
૪ શું તમે બાઇબલમાંથી શીખી રહ્યા છો? જો એમ હોય તો આનો વિચાર કરો: તમે યહોવા વિશે શીખી રહ્યા છો એ જ બતાવે છે કે યહોવા તમને પોતાની પાસે દોરી રહ્યા છે અને તે તમારા દોસ્ત બનવા માંગે છે. (યોહા. ૬:૪૪; પ્રે.કા. ૧૩:૪૮) યહોવા “હૃદયને પારખનાર” છે, એટલે તે તમારા પર ધ્યાન આપે છે. તે જુએ છે કે તેમના વિશે શીખવા તમે કેટલી મહેનત કરો છો. જ્યારે તે જુએ છે કે તેમનાં ધોરણો પ્રમાણે તમે જીવનમાં ફેરફાર કરો છો, ત્યારે તેમનું દિલ ખુશ થાય છે. (નીતિ. ૧૭:૩; ૨૭:૧૧) કદી ભૂલશો નહિ કે ફક્ત ઈસુના બલિદાનને લીધે જ તમે યહોવાના દોસ્ત બની શકો છો. (રોમ. ૫:૧૦, ૧૧) એટલે ક્યારેય એ અનમોલ ભેટને મામૂલી ગણી લેશો નહિ.
૫. જેઓ બાઇબલમાંથી શીખે છે તેઓ ફિલિપીઓ ૩:૧૬ની સલાહ કઈ રીતે પાળી શકે?
૫ બાઇબલમાંથી શીખતા વહાલા દોસ્તો, તમે કઈ રીતે ઈસુના બલિદાન માટે કદર બતાવી શકો? એમ કરવાની એક રીત છે કે તમે ફિલિપી મંડળનાં ભાઈ-બહેનોને મળેલી સલાહ પાળો: “આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.” (ફિલિ. ૩:૧૬) તમે હવે જીવનના માર્ગ પર ચાલવાનું શરૂ કરી દીધું છે. ધ્યાન રાખજો કે કોઈ પણ બાબત તમને એ માર્ગ પર આગળ વધતા કે પ્રગતિ કરતા રોકે નહિ.—માથ. ૭:૧૪; લૂક ૯:૬૨.
૬. જો તમને ફેરફાર કરવો અઘરું લાગતું હોય તો શું કરી શકો? (પુનર્નિયમ ૩૦:૧૧-૧૪) (ચિત્ર પણ જુઓ.)
૬ શું તમને બાઇબલનું કોઈ શિક્ષણ માનવું અઘરું લાગે છે? જો એમ હોય તો એ વિશે વધારે શોધખોળ કરો. એને સમજવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. (ગીત. ૮૬:૧૧) જો તમને હજી પણ સમજવું અઘરું લાગતું હોય, તો હાલ પૂરતું એને બાજુ પર મૂકી દો. પણ બાઇબલ અભ્યાસ કરવાનું બંધ ન કરશો. શું તમારામાં એવી કોઈ આદત છે જે યહોવાને પસંદ નથી? શું તમને એ આદત છોડવી અઘરું લાગે છે? યાદ રાખો, યહોવા ક્યારેય એવું કંઈ કરવાનું નહિ કહે, જે આપણે ન કરી શકીએ. એનો અર્થ થાય કે આપણા માટે તેમનાં ધોરણો પ્રમાણે જીવવું શક્ય છે. (પુનર્નિયમ ૩૦:૧૧-૧૪ વાંચો.) યહોવા વચન આપે છે કે એમ કરવા તે આપણને મદદ કરશે. (યશા. ૪૧:૧૦, ૧૩; ૧ કોરીં. ૧૦:૧૩) એટલે હિંમત હારશો નહિ. તમને જે કરવું અઘરું લાગી રહ્યું છે એના પર ધ્યાન આપવાને બદલે, વિચારો કે યહોવાએ અત્યાર સુધી તમારા માટે શું કર્યું છે. તેમણે પોતાનો વહાલો દીકરો તમારા માટે આપી દીધો છે. આ રીતે વિચારવાથી તમારા દિલમાં યહોવા માટે કદર ઊભરાઈ આવશે અને તેમના માટેનો પ્રેમ વધશે. આમ તમે જોઈ શકશો કે તેમની આજ્ઞાઓ ભારે નથી.—૧ યોહા. ૫:૩.a
યહોવા આપણને ક્યારેય એવું કંઈ કરવાનું નહિ કહે, જે આપણે ન કરી શકીએ. તે પોતાનાં ધોરણો પ્રમાણે જીવવા આપણને ચોક્કસ મદદ કરશે (ફકરો ૬ જુઓ)
૭. સાક્ષી કુટુંબમાં મોટાં થઈ રહ્યાં હોય એવાં બાળકો શાનો વિચાર કરી શકે?
૭ વહાલાં બાળકો, શું હમણાં મમ્મી-પપ્પા તમને બાઇબલમાંથી શીખવી રહ્યાં છે? જો એમ હોય તો તમે તમારાં મમ્મી-પપ્પાના બાઇબલ વિદ્યાર્થીઓ જ છો અને એ પણ સૌથી ખાસ. બાઇબલમાં લખ્યું છે: “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.” (યાકૂ. ૪:૮; ૧ કાળ. ૨૮:૯) જ્યારે તમે યહોવાની નજીક આવવા પગલાં ભરો છો ત્યારે યહોવા પણ તમારી નજીક આવવા પગલાં ભરે છે. એવું નથી કે તમે સાક્ષી કુટુંબમાં મોટા થઈ રહ્યા છો એટલે યહોવા તમારા પર ધ્યાન આપે છે? તે તમારા પર ધ્યાન આપે છે, કેમ કે તે તમારા દોસ્ત બનવા માંગે છે. એ માટે યહોવાએ શું કર્યું છે? તેમણે તમારા માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે. એ કીમતી ભેટને ક્યારેય મામૂલી ગણી લેશો નહિ. (રોમ. ૫:૧, ૨) સ્મરણપ્રસંગ પહેલાં મનન કરો કે યહોવા અને ઈસુએ તમારા માટે શું કર્યું છે. એમ કરવાથી તમારા દિલમાં તેઓ માટેનો પ્રેમ વધશે અને યહોવાની સેવામાં રાખેલા ધ્યેય પૂરા કરવા મદદ મળશે. આમ, તમને ઈસુના બલિદાન માટે યહોવાનો ઉપકાર માનવાની તક મળશે.b
બાપ્તિસ્મા પામેલાં ભાઈ-બહેનો
૮. બાપ્તિસ્મા પામેલાં ભાઈ-બહેનોએ કઈ રીતે બતાવ્યું છે કે તેઓને ઈસુના બલિદાનની કદર છે?
૮ શું તમે બાપ્તિસ્મા લીધું છે? જો એમ હોય તો તમે ઘણી રીતોએ બતાવી આપ્યું છે કે તમે ઈસુના બલિદાનની કદર કરો છો. જેમ કે, તમે યહોવાની નજીક જવા અને તેમનાં ધોરણો પ્રમાણે જીવવા પગલાં ભર્યાં છે. ઈસુની આજ્ઞા પાળીને તમે લોકોને ખુશખબર જણાવો છો તેમજ યહોવા અને ઈસુ વિશે શીખવો છો. તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને બાપ્તિસ્મા લીધું છે. કદાચ યહોવાની ભક્તિ કરવાને લીધે તમે સતાવણી પણ સહી હશે. (૨ તિમો. ૩:૧૨) તોપણ આજ સુધી તમે યહોવાને વફાદાર રહ્યા છો. એ બતાવે છે કે તમે યહોવાને ખૂબ પ્રેમ કરો છો અને ઈસુના બલિદાનને ખૂબ જ અનમોલ ગણો છો.—હિબ્રૂ. ૧૨:૨, ૩.
૯. બાપ્તિસ્મા પામેલાં ભાઈ-બહેનોએ કયા જોખમથી સાવધ રહેવું જોઈએ?
૯ જો બાપ્તિસ્મા લઈને વર્ષો થઈ ગયાં હોય, તો તમારે એક જોખમથી સાવધ રહેવું જોઈએ. સમય જતાં કદાચ તમારા દિલમાં ઈસુના બલિદાન માટે કદર ઓછી થઈ શકે છે. કઈ રીતે? પહેલી સદીના એફેસસમાં રહેતાં ભાઈ-બહેનોનો વિચાર કરો. તેઓએ ઈસુના નામ લીધે ઘણું સહન કર્યું અને એ માટે ઈસુએ તેઓના વખાણ કર્યાં. જોકે તેમણે આમ પણ કહ્યું: “તારી વિરુદ્ધ મારે આટલું કહેવું છે કે તારામાં પહેલાં જેવો પ્રેમ નથી.” (પ્રકટી. ૨:૩, ૪) ઈસુના શબ્દોથી જોવા મળે છે કે સમય જતાં કોઈ ભાઈ કે બહેનને ખબર પણ ન પડે અને તેમનાં માટે યહોવાની ભક્તિ બસ રોજબરોજનાં કામ જેવી બની જાય. તે બસ કરવા ખાતર પ્રાર્થના કરે, સભાઓમાં અને પ્રચારમાં જાય. તેમના દિલમાં યહોવા માટેનો પ્રેમ ઓછો થઈ જાય અને યહોવાની ભક્તિ બસ આદત બનીને રહી જાય. જો તમને પણ એવું લાગતું હોય કે તમારામાં યહોવા માટેનો પ્રેમ હવે પહેલાં જેવો રહ્યો નથી, તો શું કરી શકો?
૧૦. પાઉલે તિમોથીને આપેલી સલાહ કઈ રીતે લાગુ પાડી શકો? (૧ તિમોથી ૪:૧૩, ૧૫)
૧૦ પ્રેરિત પાઉલે તિમોથીને કહ્યું કે તે ભક્તિનાં કામોનો ‘વિચાર કરે’ અને એમાં ‘મન પરોવેલું રાખે.’ (૧ તિમોથી ૪:૧૩, ૧૫ વાંચો.) તમે પણ વિચારી શકો કે યહોવાની ભક્તિમાં “પવિત્ર શક્તિથી જોશીલા” બનવા, એટલે કે પૂરા જોશથી યહોવાની ભક્તિ કરતા રહેવા શું કરી શકો. (રોમ. ૧૨:૧૧) દાખલા તરીકે, સભાની તૈયારીમાં વધારે સમય વિતાવી શકો. એનાથી તમે સભામાં વધારે ધ્યાન આપી શકશો. બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા કોઈ શાંત જગ્યા પસંદ કરી શકો, જેથી એકલા બેસીને સારી રીતે મનન કરી શકાય. ઈસુના બલિદાન માટે અને યહોવાએ બતાવેલા પ્રેમ માટે દિલમાં કદર વધારવા, આ અને એનાં જેવાં સૂચનો પ્રમાણે કરતા રહેજો. જો આગમાં લાકડાં નાખતા રહીશું, તો જ એ સળગતી રહેશે! વધુમાં, સ્મરણપ્રસંગના સમયગાળામાં આ સવાલ પર વિચાર કરો: ‘યહોવાના સાક્ષી હોવાને લીધે મને કયા આશીર્વાદો મળ્યા છે?’ એનાથી ઈસુના બલિદાન માટે તમારા દિલમાં કદર વધશે. આખરે, એ બલિદાનને લીધે જ તો આપણે યહોવાની નજીક જઈ શકીએ છીએ.
૧૧-૧૨. જો યહોવાની ભક્તિમાં ઉત્સાહ ઠંડો પડી ગયો હોય, તો શું એનો એવો અર્થ થાય કે યહોવાએ પવિત્ર શક્તિ આપવાનું બંધ કરી દીધું છે? સમજાવો. (ચિત્ર પણ જુઓ.)
૧૧ જો તમને ક્યારેય એવું લાગે કે યહોવાની ભક્તિમાં તમારો ઉત્સાહ ઠંડો પડી ગયો છે, તો હિંમત ન હારશો. એવું પણ ન વિચારી લેશો કે યહોવાએ તમને પવિત્ર શક્તિ આપવાનું બંધ કરી દીધું છે. યાદ કરો, પ્રેરિત પાઉલે પોતાના સેવાકાર્ય વિશે કોરીંથ મંડળને શું લખ્યું હતું. તેમણે લખ્યું હતું, “જો હું આ રાજીખુશીથી ન કરું, તોપણ મને સોંપેલી કારભારીની જવાબદારી મારી પાસે રહેશે.” (૧ કોરીં. ૯:૧૭) તે શું કહેવા માંગતા હતા?
૧૨ પાઉલને પણ ક્યારેક ક્યારેક પ્રચાર કરવાનું મન થતું ન હતું. તોપણ તેમણે દૃઢ નિર્ણય લીધો હતો કે તે પ્રચાર કરતા રહેશે, પછી ભલે તેમને એમ કરવાનું મન ન હોય. તમે પણ એવો જ દૃઢ નિર્ણય લઈ શકો છો. ભલે મન હોય કે ન હોય, યહોવાની ભક્તિમાં લાગુ રહેજો. એ માટે પ્રાર્થનામાં “ઇચ્છા અને બળ” માંગતા રહેજો. (ફિલિ. ૨:૧૩) યહોવાની નજીક રહેવા મદદ મળે એવાં કામો કરતા રહેજો. પછી, ધીરે ધીરે તમારા મનમાં યહોવા માટેનો પ્રેમ વધવા લાગશે અને તમે પહેલાંની જેમ ઉત્સાહથી યહોવાની ભક્તિ કરી શકશો.
ભલે મન હોય કે ન હોય, ભક્તિનાં કામોમાં લાગુ રહેજો (ફકરા ૧૧-૧૨ જુઓ)
૧૩. તમે “શ્રદ્ધાથી જીવો છો કે નહિ” એની પરખ કઈ રીતે કરી શકો?
૧૩ સમયે સમયે બીજો કોરીંથીઓ ૧૩:૫ની સલાહ પર વિચાર કરો: “તમે શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહો. તમે સાચા માર્ગે ચાલો છો, એની ખાતરી કરતા રહો.” દાખલા તરીકે, તમે પોતાને આવા સવાલો પૂછી શકો: ‘શું યહોવાની ભક્તિ મારા જીવનમાં સૌથી મહત્ત્વની છે?’ (માથ. ૬:૩૩) ‘શું મારા મનોરંજનથી દેખાઈ આવે છે કે જે ખરાબ છે એને હું ધિક્કારું છું?’ (ગીત. ૯૭:૧૦) ‘શું મારાં વાણી-વર્તનથી મંડળમાં શાંતિ અને એકતા જળવાઈ રહે છે?’ (એફે. ૪:૨, ૩) ખાસ કરીને સ્મરણપ્રસંગના સમયગાળામાં એવા સવાલો પૂછીને તમે પોતાની પરખ કરી શકો. જ્યારે તમે એ વિશે વિચારશો કે યહોવા અને ઈસુએ તમારા માટે શું કર્યું છે, ત્યારે તમારા દિલમાં તેઓ માટે કદર વધશે. તમને ઇચ્છા થશે કે તમે પોતાના માટે નહિ પણ ખ્રિસ્ત માટે જીવો.c
યહોવાના ટોળાથી દૂર થઈ ગયેલાં ઘેટાં
૧૪. અમુક ભાઈ-બહેનો ઈશ્વરના ટોળાથી કેમ દૂર થઈ ગયાં છે?
૧૪ અમુક ભાઈ-બહેનો વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હતાં. પણ અમુક કારણોને લીધે તેઓએ સભામાં જવાનું છોડી દીધું છે. જેમ કે, અમુક ભાઈ-બહેનો “જીવનની ચિંતાઓના” બોજ નીચે દબાઈ ગયાં છે. (લૂક ૨૧:૩૪) તો અમુકને બીજાં ભાઈ-બહેનોનાં વાણી-વર્તનથી ઠોકર લાગી છે. (યાકૂ. ૩:૨) કેટલાંકે ગંભીર પાપ કર્યું છે, પણ મદદ માંગતા અચકાય છે. શું તમારી સાથે પણ એવું કંઈ થયું છે, જેના લીધે તમે યહોવાના ટોળાથી દૂર ગયા છો? જો એમ હોય તો તમે શું કરી શકો? ઈસુના બલિદાનની પ્રેમાળ ગોઠવણ તમને શું કરવા મદદ કરી શકે?
૧૫. ટોળાથી દૂર થઈ ગયેલાં ભાઈ-બહેનો વિશે યહોવાને કેવું લાગે છે? (હઝકિયેલ ૩૪:૧૧, ૧૨, ૧૬)
૧૫ વિચારો કે ટોળાથી દૂર થઈ ગયેલાં ભાઈ-બહેનો વિશે યહોવાને કેવું લાગે છે. યહોવા તેઓથી નારાજ નથી અને તેઓને ભૂલી ગયા નથી. અરે, તે તો એક ઘેટાંપાળકની જેમ પોતાના ખોવાયેલાં ઘેટાંને શોધી રહ્યા છે. તેઓ મળે ત્યારે તેઓનું પાલન-પોષણ કરે છે અને તેઓની સંભાળ રાખે છે. (હઝકિયેલ ૩૪:૧૧, ૧૨, ૧૬ વાંચો.) શું યહોવા તમારા માટે પણ એવું જ કરી રહ્યા છે? ચોક્કસ! તમે આ લેખ વાંચી રહ્યા છો, એ જ બતાવે છે કે તમે યહોવાને પ્રેમ કરો છો અને તેમને ખુશ કરવા માંગો છો. યહોવાએ તમારું દિલ જોઈને તમને પોતાની પાસે દોર્યા હતા. આજે પણ તે જોઈ શકે છે કે તમારા દિલમાં શું છે અને તે ચાહે છે કે તમે તેમની પાસે પાછા આવો.
૧૬. ટોળાથી દૂર થઈ ગયેલાં ભાઈ-બહેનોને યહોવા પાસે પાછા આવવા શાનાથી મદદ મળશે? તમે શું કરશો? (ચિત્ર પણ જુઓ.)
૧૬ યહોવા પાસે પાછા આવો મોટી પુસ્તિકાના આ શબ્દો પર ધ્યાન આપો: “ખાતરી રાખજો કે, તમે પાછા ફરશો ત્યારે યહોવા તમારી સાથે હશે. યહોવા તમને ચિંતા સહન કરવા, દિલ પર લાગેલા ઘા રુઝાવવા અને શુદ્ધ અંતઃકરણ રાખવા મદદ કરશે. એનાથી, તમે મન અને હૃદયની શાંતિ મેળવી શકશો. પછી તમે પણ સાથી ઈશ્વરભક્તો સાથે મળીને યહોવાની ભક્તિ ફરી કરી શકશો.” એ પણ યાદ રાખજો કે વડીલો તમને મદદ કરવા આતુર છે. તેઓ ‘પવનથી સંતાવાની જગ્યા જેવા અને વાવાઝોડામાં આશરા જેવા’ બની શકે છે. (યશા. ૩૨:૨) અમે જાણીએ છીએ કે તમને ઈસુના બલિદાન માટે ખૂબ કદર છે, એટલે પોતાને આ સવાલ પૂછો: ‘યહોવા પાસે પાછા આવવા હું શું કરી શકું?’ (યશા. ૧:૧૮; ૧ પિત. ૨:૨૫) દાખલા તરીકે, શું તમે સભા માટે પ્રાર્થનાઘરમાં જઈ શકો? યહોવા સાથેનો સંબંધ ફરીથી મજબૂત કરવા શું કોઈ વડીલ પાસે મદદ માંગી શકો? બની શકે કે વડીલો કોઈ ભાઈ કે બહેનને તમારી સાથે થોડા સમય માટે બાઇબલમાંથી અભ્યાસ કરવાની ગોઠવણ કરે. ખાતરી રાખજો કે યહોવા પાસે પાછા ફરવા અને ઈસુના બલિદાન માટે કદર બતાવવા તમે જે મહેનત કરો છો, એના પર યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે.
પોતાને પૂછજો, ‘યહોવા પાસે પાછા આવવા હું શું કરી શકું?’ (ફકરો ૧૬ જુઓ)
તમે શું કરશો?
૧૭-૧૮. સ્મરણપ્રસંગ પહેલાં આપણે શાના પર વિચાર કરવો જોઈએ?
૧૭ ઈસુએ કહ્યું કે છુટકારાની કિંમત ચૂકવવામાં આવી, ‘જેથી જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.’ (યોહા. ૩:૧૬) ઈસુના બલિદાન દ્વારા યહોવા આપણને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરે છે. આપણે ક્યારેય એ વાતને નાનીસૂની ન ગણવી જોઈએ. (રોમ. ૩:૨૩, ૨૪; ૨ કોરીં. ૬:૧) તો ચાલો સ્મરણપ્રસંગ પહેલાંના દિવસોમાં વિચારીએ કે યહોવા અને ઈસુએ આપણા માટે શું કર્યું છે. તેઓના પ્રેમ પર મનન કરીશું તો આપણાં કામોથી તેઓ માટે કદર બતાવવાનું મન થશે.
૧૮ ઈસુના બલિદાન માટે કદર બતાવવા તમે શું કરશો? કદાચ દરેક વ્યક્તિ એનો અલગ અલગ જવાબ આપશે. પણ તમે ખાતરી રાખી શકો કે કદર બતાવવા તમે જે મહેનત કરો છો, એના પર યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે. યહોવા એ જોઈને ખુશ થાય છે કે તમે અને દુનિયા ફરતેના લાખો ભક્તો ‘હવેથી પોતાના માટે નથી જીવતા, પણ જે તેઓ માટે મરી ગયા છે તેમના માટે જીવે છે.’—૨ કોરીં. ૫:૧૫.
ગીત ૩૦ યહોવાનું સોનેરી રાજ
a તમે બાઇબલમાંથી જે શીખો છો એને જીવનમાં લાગુ પાડી શકો, એ માટે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના દરેક પાઠના અંતે “આટલું કરો” નામનું બૉક્સ જુઓ.
b તમે કેવા ધ્યેય રાખી શકો એ વિશે વધારે જાણવા ડિસેમ્બર ૨૦૧૭ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “યુવાનો—‘તમારા ઉદ્ધાર માટે મહેનત કરતા રહો.’”
c યહોવાએ તમારા માટે જે કર્યું છે એ માટે દિલમાં કદર વધારવા જૂન ૧૫, ૧૯૯૫ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “તમને દેવની સેવા કરવા શામાંથી પ્રેરણા મળે છે?”