બુધવાર, ઑક્ટોબર ૨૯
“હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. મારું રોમેરોમ તેમના પવિત્ર નામનો જયજયકાર કરે.”—ગીત. ૧૦૩:૧.
યહોવાને પ્રેમ કરતા લોકો પૂરા દિલથી તેમના નામની સ્તુતિ કરવા માંગે છે. દાઉદ રાજા જાણતા હતા કે યહોવાના નામની સ્તુતિ કરવી એટલે યહોવાની સ્તુતિ કરવી. યહોવાના નામ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણાં મનમાં શું આવે છે? તેમનો સ્વભાવ, તેમના સરસ ગુણો અને તેમનાં મહાન કામો. દાઉદ ચાહતા હતા કે યહોવાનું નામ પવિત્ર મનાય અને એની સ્તુતિ થાય. તે ચાહતા હતા કે તેમનું “રોમેરોમ” યહોવાના નામની સ્તુતિ કરે, એટલે કે તે પૂરા દિલથી યહોવાના ગુણગાન ગાય. લેવીઓએ પણ યહોવાની સ્તુતિ કરવામાં સારો દાખલો બેસાડ્યો. તેઓએ નમ્રતાથી સ્વીકાર્યું કે તેઓ યહોવાના પવિત્ર નામની જેટલી સ્તુતિ કરે એટલી ઓછી છે. (નહે. ૯:૫) એમાં કોઈ શંકા નથી કે એવી સ્તુતિથી યહોવા બહુ ખુશ થયા હશે. w૨૪.૦૨ ૯ ¶૬
ગુરુવાર, ઑક્ટોબર ૩૦
“આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.”—ફિલિ. ૩:૧૬.
તમારા માટે કોઈ ધ્યેય પૂરો કરવો શક્ય જ ન હોય તો, યાદ રાખો કે યહોવા ક્યારેય એવું નહિ વિચારે કે તમે નિષ્ફળ ગયા છો. (૨ કોરીં. ૮:૧૨) મુશ્કેલીઓમાંથી શીખીએ. તમે અત્યાર સુધી જે કર્યું છે એને યાદ રાખો. બાઇબલમાં લખ્યું છે, ‘ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને ભૂલી જાય.’ (હિબ્રૂ. ૬:૧૦) એટલે તમે પણ તમારાં કામોને ભૂલશો નહિ. જરા વિચારો, અત્યાર સુધી તમે કયા ધ્યેયો પૂરા કર્યા છે. જેમ કે, તમે યહોવાના દોસ્ત બન્યા છો, તેમના વિશે બીજાઓને જણાવો છો અને બાપ્તિસ્મા લીધું છે. જેમ તમે અત્યાર સુધી પ્રગતિ કરી છે અને ધ્યેયો પૂરા કર્યા છે, તેમ આગળ પણ પ્રગતિ કરી શકશો અને ધ્યેયો પૂરા કરી શકશો. તમે યહોવાની મદદથી ધ્યેયો પૂરા કરી શકો છો. તમે તમારા ધ્યેયો પૂરા કરવા મહેનત કરો ત્યારે, જુઓ કે યહોવા તમને કઈ રીતે મદદ કરે છે અને આશીર્વાદ આપે છે. એનાથી તમે ખુશી મેળવી શકશો. (૨ કોરીં. ૪:૭) જો તમે હિંમત નહિ હારો, તો તમને અઢળક આશીર્વાદો મળશે.—ગલા. ૬:૯. w૨૩.૦૫ ૩૧ ¶૧૬-૧૮
શુક્રવાર, ઑક્ટોબર ૩૧
“પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને ભરોસો કર્યો છે કે ઈશ્વરે મને મોકલ્યો છે.”—યોહા. ૧૬:૨૭.
યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને બતાવે છે કે તે તેઓથી ખુશ છે. બાઇબલમાં એવા બે અહેવાલો જણાવ્યા છે, જેમાં યહોવાએ ઈસુને કહ્યું હતું કે તે તેમનો વહાલો દીકરો છે અને તેમનાથી ખુશ છે. (માથ. ૩:૧૭; ૧૭:૫) શું તમે પણ યહોવા પાસેથી એવું સાંભળવા માંગો છો કે તે તમારાથી ખુશ છે? યહોવા સ્વર્ગમાંથી આપણી સાથે વાત નથી કરતા, પણ બાઇબલ દ્વારા વાત કરે છે. ખુશખબરનાં પુસ્તકોમાં ઈસુના શબ્દો વાંચીએ છીએ ત્યારે, યહોવા જાણે આપણી સાથે વાત કરે છે અને કહે છે કે તે આપણાથી ખુશ છે. ઈસુ એકદમ તેમના પિતા જેવા હતા. તેમના શિષ્યોથી ઘણી વાર ભૂલો થઈ, તોપણ ઈસુએ બતાવ્યું કે તે તેઓથી ખુશ છે. એટલે તમે બાઇબલમાં જ્યારે પણ વાંચો કે ઈસુએ તેમના શિષ્યોને શું કહ્યું હતું, ત્યારે કલ્પના કરી શકો કે જાણે એ શબ્દો યહોવા તમને કહી રહ્યા છે. (યોહા. ૧૫:૯, ૧૫) જો કસોટીઓ આવે, તો એનો અર્થ એ નથી કે યહોવા આપણાથી ખુશ નથી. એ સમયે બતાવવાનો મોકો મળે છે કે યહોવાને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેમના પર કેટલો ભરોસો છે.—યાકૂ. ૧:૧૨. w૨૪.૦૩ ૨૮ ¶૧૦-૧૧