વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr22 નવેમ્બર પાન ૧-૧૦
  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૨
  • મથાળાં
  • નવેમ્બર ૭-૧૩
  • નવેમ્બર ૧૪-૨૦
  • નવેમ્બર ૨૧-૨૭
  • નવેમ્બર ૨૮–ડિસેમ્બર ૪
  • ડિસેમ્બર ૫-૧૧
  • ડિસેમ્બર ૧૨-૧૮
  • ડિસેમ્બર ૧૯-૨૫
  • ડિસેમ્બર ૨૬–જાન્યુઆરી ૧
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૨
mwbr22 નવેમ્બર પાન ૧-૧૦

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

નવેમ્બર ૭-૧૩

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૫-૬

“તેઓ સાથે જેટલા છે એ કરતાં આપણી સાથે વધારે છે”

lfb-E ૫૨ ¶૧, ૨

આગની જ્વાળાઓ જેવું યહોવાનું સૈન્ય

સિરિયાનો રાજા બેન-હદાદ વારંવાર ઇઝરાયેલ પર હુમલો કરતો રહ્યો. પણ દરેક વખતે પ્રબોધક એલિશા ઇઝરાયેલના રાજાને ચેતવી દેતા કે હુમલો થવાનો છે. એ કારણને લીધે રાજા બચી જતા. એટલે બેન-હદાદે એલિશાને ઉઠાવી લેવાનો નિર્ણય કર્યો. તેને ખબર પડી કે એલિશા દોથાન શહેરમાં છે. તેણે પોતાના લશ્કરને ત્યાં મોકલ્યું જેથી તેઓ તેને પકડીને લઈ આવે.

સિરિયાના સૈનિકો રાતે દોથાન પહોંચ્યા. બીજા દિવસે વહેલી સવારે જ્યારે એલિશાનો સેવક બહાર નીકળ્યો તો તેણે જોયું કે લશ્કરે આખા શહેરને ઘેરી લીધું છે. તે બહુ ગભરાઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો, ‘એલિશા, હવે આપણે શું કરીએ?’ એલિશાએ તેને કહ્યું, “તેઓ સાથે જેટલા છે એના કરતાં આપણી સાથે વધારે છે.” એ જ સમયે યહોવાએ એવું કંઈક કર્યું, એનાથી એલિશાના સેવકને શહેરની આસપાસ પહાડી વિસ્તારમાં ઘણા બધા અગ્‍નિઘોડાઓ અને અગ્‍નિરથો દેખાવા લાગ્યા.

w૧૩ ૮/૧૫ ૩૦ ¶૨

એલીશાએ અગ્‍નિ-રથો જોયા—શું તમે જુઓ છો?

દોથાનમાં દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં, એલીશા જરાય ગભરાયા નહિ. શા માટે? કારણ કે યહોવામાં તેમની શ્રદ્ધા અડગ હતી. આપણને પણ એવી જ શ્રદ્ધાની જરૂર છે. એટલે, ચાલો આપણે ઈશ્વરની શક્તિને માટે પ્રાર્થના કરીએ, જેથી એની મદદથી શ્રદ્ધા અને એના જેવા ગુણો કેળવી શકીએ.—લુક ૧૧:૧૩; ગલા. ૫:૨૨, ૨૩

it-૧-E ૩૪૩ ¶૧

અંધાપો

બધા સૈનિકોને સાચે જ આંધળા કરવામાં આવ્યા ન હતા. જો સૈનિકો સાચે જ આંધળા થઈ ગયા હોત તો તેઓને હાથ પકડીને લઈ જવા પડ્યા હોત. એટલે આપણે કહી શકીએ કે સૈનિકોને માનસિક રીતે આંધળા કરવામાં આવ્યા હતા. એ વિશે મનોવિજ્ઞાનના એક પુસ્તકમાં લખવામાં આવ્યું છે, ‘આવા અંધાપામાં વ્યક્તિની આંખો પર નહિ પણ તેની વિચારવાની શક્તિ પર અસર પડે છે. તે જોઈ તો શકે છે પણ બરાબર સમજી શકતી નથી કે તે શું જોઈ રહી છે. એ જાણે એવું છે કે એના મગજ અને આંખો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હોય.’

કીમતી રત્નો

w૦૫ ૮/૧ ૯ ¶૨

બીજા રાજાઓના મુખ્ય વિચારો

૫:૧૫, ૧૬—એલીશાએ કેમ નાઅમાનની ભેટ સ્વીકારી નહિ? કેમ કે તે જાણતા હતા કે તેમણે યહોવાહની શક્તિથી નાઅમાનને સાજો કર્યો હતો, પોતાની શક્તિથી નહિ. આથી, તેમણે કદી એમ ન વિચાર્યું કે યહોવાહે આપેલી સોંપણીમાંથી ફાયદો ઉઠાવું. આજે આપણે યહોવાહની ભક્તિ કરતા હોઈએ ત્યારે કદી પણ એકબીજામાંથી લાભ ઉઠાવવો ન જોઈએ. ઈસુએ આપેલી આ સલાહ પાળો: “તમે મફત પામ્યા, મફત આપો.”—માત્થી ૧૦:૮.

નવેમ્બર ૧૪-૨૦

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૭-૮

“યહોવાએ અશક્યને શક્ય બનાવ્યું”

it-૧-E ૭૧૬-૭૧૭

એલિશા

સિરિયાનો રાજા પોતાનું લશ્કર લઈને આવે છે અને સમરૂનને ઘેરી લે છે. એના લીધે સમરૂનમાં સખત દુકાળ પડે છે. ત્યાંની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે એક સ્ત્રી પોતાના દીકરાને જ ખાઈ જાય છે. આ બધું જોઈને આહાબના દીકરાને એટલે કે રાજા યહોરામને એલિશા પર ખૂબ જ ગુસ્સો આવે છે. તે એલિશાને મારી નાખવાની મનમાં ગાંઠ વાળે છે. રાજા યહોરામ પોતાના મદદનીશ સાથે એલિશા પાસે જાય છે. એલિશા તેઓને જણાવે છે કે આવતી કાલે પુષ્કળ ખાવાનું મળશે. પણ રાજાનો એ મદદનીશ એલિશા પર ભરોસો મૂકતો નથી. ત્યારે એલિશા તેને કહે છે, “તું તારી સગી આંખે એ જોઈશ, પણ એમાંથી કંઈ ખાઈ શકીશ નહિ.” ખરેખર એવું જ બને છે. યહોવા એવું કંઈક કરે છે જેથી સિરિયાના સૈનિકો ગભરાઈ જાય છે. તેઓ બધા છાવણીમાંથી ભાગી જાય છે. તેઓનો બધો સામાન અને ખાવા-પીવાની વસ્તુઓ આમતેમ પડેલી હોય છે. રાજા યહોરામને એ વિશે ખબર પડે છે, ત્યારે પોતાના એ મદદનીશને સમરૂનના દરવાજા પર ચોકી કરવા ઊભો રાખે છે. ભૂખના માર્યા ઇઝરાયેલી લોકો દોડીને સિરિયાની છાવણીમાં જાય છે. તેઓ દોડીને જતા હતા ત્યારે એ મદદનીશ તેઓના પગ નીચે કચડાઈ જાય છે. આ રીતે એલિશાએ જે કહ્યું હતું એ સાચું પડે છે. તે મદદનીશ ખાવા-પીવાની વસ્તુઓ તો જોઈ શક્યો પણ એમાંથી ખાઈ શક્યો નહિ.

કીમતી રત્નો

it-૨-E ૧૯૫ ¶૭

દીવો

દાઉદના વંશના રાજાઓ: દાઉદ એક સારા અને બુદ્ધિશાળી રાજા હતા. એટલે યહોવાએ તેમને “ઇઝરાયેલનો દીવો” કહ્યા. (૨શ ૨૧:૧૭) યહોવાએ દાઉદ સાથે રાજ્યનો કરાર કર્યો અને કહ્યું, “તારી રાજગાદી કાયમ માટે ટકી રહેશે.” બીજા શબ્દોમાં કહીએ તો યહોવાએ વચન આપ્યું કે તેમનો “દીવો” ક્યારેય હોલવાશે નહીં અને હંમેશા સળગતો રહેશે. (૨શ ૭:૧૧-૧૬) આ રીતે દાઉદનો રાજવંશ જે તેમના દીકરા સુલેમાનથી આવ્યો એ ઇઝરાયેલ માટે “દીવો” બન્યો.—૧રા ૧૧:૩૬; ૧૫:૪; ૨રા ૮:૧૯; ૨કા ૨૧:૭.

નવેમ્બર ૨૧-૨૭

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૯-૧૦

“તેનામાં હિંમત, પાકો ઇરાદો અને ઉત્સાહ હતા”

w૧૧-E ૧૧/૧૫ ૩ ¶૨

યેહૂએ સાચી ભક્તિને ટેકો આપ્યો

યહોવાએ યેહૂને જવાબદારી સોંપી ત્યારે ઇઝરાયેલી પ્રજાની હાલત બહુ ખરાબ હતી. આખા દેશમાં ઇઝેબેલના ખરાબ કામોની અસર દેખાતી હતી. તે રાજા આહાબની વિધવા પત્ની અને એ સમયના રાજા યહોરામની માતા હતી. તે લોકોને યહોવા ઈશ્વરની ભક્તિ કરવાને બદલે બઆલની ભક્તિ કરવાનું ઉત્તેજન આપતી. તેણે ઈશ્વરના ઘણા પ્રબોધકોની કતલ કરી હતી. અરે, “વેશ્યાગીરી” અને ‘જાદુવિદ્યાથી’ પ્રજાને પણ ભ્રષ્ટ કરી હતી. (૨રા ૯:૨૨; ૧રા ૧૮:૪, ૧૩) યહોવાએ જાહેર કર્યું કે તે આહાબના બધા વંશજોનો નાશ કરી દેશે. એમાં યહોરામ અને ઇઝેબેલ પણ હતા. આ જવાબદારી તેમણે યેહૂને સોંપી.

w૧૧-E ૧૧/૧૫ ૪ ¶૨-૩

યેહૂએ સાચી ભક્તિને ટેકો આપ્યો

યેહૂ રસ્તામાં હતો ત્યારે રાજાએ તેની પાસે બે સંદેશ આપનાર મોકલ્યા, પણ યેહૂએ તેઓને કોઈ જવાબ આપ્યો નહિ. એટલે રાજા યહોરામ અને યહૂદાનો રાજા અહાઝ્યા, પોતપોતાના રથ લઈને યેહૂને મળવા આવ્યા. અહાઝ્યાએ તે વખતે યહોરામ સાથે સુલેહ કરી હતી. રાજા યહોરામે યેહૂને પૂછ્યું: “યેહૂ, શું તું શાંતિના ઇરાદાથી આવ્યો છે?” યેહૂએ ગુસ્સામાં કહ્યું, “તારી મા ઇઝેબેલની વેશ્યાગીરી ચાલતી હોય અને તે જાદુવિદ્યામાં ડૂબેલી હોય ત્યાં સુધી શાંતિ ક્યાંથી હોય?” આવો જવાબ સાંભળીને યહોરામ ગભરાઈ ગયો અને તેણે પોતાનો રથ પાછો વાળ્યો. પણ યેહૂએ જરા પણ મોડું કર્યા વગર યહોરામને તીર માર્યું અને તે તેના હૃદયની આરપાર નીકળી ગયું. યહોરામ રથમાં જ ઢળી પડ્યો. એ સમયે અહાઝ્યા નાસી છૂટવામાં સફળ રહ્યો, પણ યેહૂએ તેનો પીછો કરીને તેને પણ મારી નાખ્યો.—૨ રાજા. ૯:૨૨-૨૪, ૨૭.

હવે દુષ્ટ રાણી ઇઝેબેલનો વારો હતો. યેહૂએ તેને ‘શ્રાપિત સ્ત્રી’ કહી, જે એકદમ સાચું હતું. યેહૂ યિઝ્રએલ આવી પહોંચ્યો. તેણે ઇઝેબેલને મહેલની બારીમાંથી ડોકિયું કરતા જોઈ. યેહૂએ તરત સ્પષ્ટ શબ્દોમાં મહેલના અધિકારીઓને હુકમ કર્યો કે ઇઝેબેલને બારીમાંથી નીચે ફેંકી દે. પછી તેણે પોતાના ઘોડાઓના પગ નીચે ઇઝેબેલને કચડી નાખી, જેણે આખા ઇઝરાયેલને ભ્રષ્ટ કર્યું હતું. ત્યાર બાદ યેહૂએ દુષ્ટ આહાબના બાકી રહેલા બધા વંશજોને મારી નાખ્યા.—૨ રાજા. ૯:૩૦-૩૪; ૧૦:૧-૧૪.

w૧૧-E ૧૧/૧૫ ૫ ¶૩-૪

યેહૂએ સાચી ભક્તિને ટેકો આપ્યો

બાઇબલ તેને એક બહાદુર વ્યક્તિ કહે છે. તેણે ઇઝરાયેલના લોકોને ઇઝેબેલ અને તેના કુટુંબના જુલમી શાસનથી આઝાદ કરવા, લોહીની નદીઓ વહેવડાવી. ઇઝરાયેલના કોઈ આગેવાને સફળ થવું હોય તો તેનામાં હિંમત, પાકો ઇરાદો અને ઉત્સાહ હોય એ ખૂબ જરૂરી હતું. બાઇબલનો એક શબ્દકોશ જણાવે છે, “એ કામ બહુ અઘરું હતું અને એને પૂરું કરવામાં કોઈ કસર છોડવામાં આવી ન હતી. જો થોડી પણ ઢીલ કરવામાં આવી હોત તો ઇઝરાયેલમાંથી બઆલની ભક્તિનું નામનિશાન મિટાવી દેવું અશક્ય બન્યું હોત.”

આજે પણ ઈશ્વરભક્તોએ એવા જ સંજોગોનો સામનો કરવો પડે છે, જેમાં તેઓએ યેહૂ જેવા ગુણો બતાવવા પડે છે. જેમ કે, આપણને કોઈ એવું કરવાનું દબાણ કરે જેની યહોવાએ ના પાડી છે, ત્યારે આપણે કેવું વલણ રાખવું જોઈએ? એ દબાણનો સામનો કરવા તરત જ હિંમતથી પગલાં ભરવા જોઈએ. ભક્તિની વાત આવે ત્યારે આપણે યહોવા સિવાય બીજા કોઈની ભક્તિ કરતા નથી. તેમનું નામ બદનામ થાય એવું ચલાવી પણ લેતા નથી.

કીમતી રત્નો

w૧૧-E ૧૧/૧૫ ૫ ¶૬-૭

યેહૂએ સાચી ભક્તિને ટેકો આપ્યો

યેહૂને લાગ્યું હશે કે જો તેણે યહૂદા રાજ્યથી ઇઝરાયેલ રાજ્યને અલગ રાખવું હોય, તો ધર્મની બાબતમાં પણ એવું કરવું પડશે. એટલે તે પોતાનાથી પહેલાં થઈ ગયેલા ઇઝરાયેલી રાજાઓની જેમ ખોટે માર્ગે ચાલ્યો. તેણે વાછરડાંની ભક્તિને ઉત્તજન આપીને બંને રાજ્યોને અલગ અલગ રાખવાનો પ્રયત્ન કર્યો. પણ યેહૂના આ નિર્ણયથી જોવા મળે છે કે તેને રાજા બનાવનાર યહોવામાં તેને ભરોસો ન હતો.

યહોવાએ યેહૂના વખાણ કર્યા, કેમ કે ‘તેણે યહોવાની નજરમાં જે ખરું હતું એ કર્યું.’ તોપણ “યેહૂ ઇઝરાયેલના ઈશ્વર યહોવાના નિયમો પ્રમાણે પૂરા દિલથી ચાલ્યો નહિ.” (૨ રાજા. ૧૦:૩૦, ૩૧) યેહૂએ પહેલાં જે કામ કર્યું હતું એના પર વિચાર કરશો, તો તમને કદાચ નવાઈ લાગશે અને દુ:ખ પણ થશે. પણ એનાથી આપણને એક બોધપાઠ મળે છે. આપણે યહોવા સાથેના આપણા સંબંધને મામૂલી ના ગણવો જોઈએ. આપણે દરરોજ ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવો જોઈએ અને મનન કરવું જોઈએ. તેમને દિલ ખોલીને પ્રાર્થના કરવી જોઈએ. આ બધું કરીને આપણે તેમને વફાદાર રહેવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. ચાલો આપણે યહોવાના નિયમો પ્રમાણે પૂરા દિલથી ચાલવા ધ્યાન આપીએ.—૧ કોરીં. ૧૦:૧૨.

નવેમ્બર ૨૮–ડિસેમ્બર ૪

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૧૧-૧૨

“મોટા બનવાની લાલચમાં એક દુષ્ટ સ્ત્રીને સજા મળી”

lfb-E ૫૩ ¶૧, ૨

યહોયાદાની હિંમત

ઇઝેબેલની એક દીકરી હતી, જેનું નામ અથાલ્યા હતું. તે પોતાની માની જેમ એકદમ દુષ્ટ હતી. અથાલ્યાનું લગ્‍ન યહૂદાના રાજા સાથે થયું હતું. અથાલ્યાના પતિના મરણ પછી તેનો દીકરો રાજ કરવા લાગ્યો. પણ જ્યારે અથાલ્યાનો દીકરો ગુજરી ગયો ત્યારે તે પોતે યહૂદાની રાણી બની બેઠી. તેણે એવા બધા પુરુષો અને છોકરાઓને મારી નંખાવ્યા જેઓ તેની જગ્યાએ રાજા બની શકતા હતા. એટલું જ નહિ, તેણે પોતાના પૌત્રોને પણ મારી નંખાવ્યા. આ રીતે તેણે આખા રાજવંશને મિટાવી દેવાની કોશિશ કરી. બધા લોકો એનાથી ડરતા હતા.

પ્રમુખ યાજક યહોયાદા અને તેમની પત્ની યહોશેબા જાણતા હતા કે અથાલ્યા જે કરી રહી છે એ ખૂબ જ ખરાબ છે. તેઓએ પોતાનો જીવ દાવ પર લગાવીને અથાલ્યાના એક પૌત્રને બચાવી લીધો. તે હજુ એક નાનું બાળક જ હતો. તેનું નામ યહોઆશ હતું. તેઓએ તેને મંદિરમાં સંતાડી રાખ્યો અને ત્યાં જ તેનો ઉછેર કર્યો.

lfb-E ૫૩ ¶૩, ૪

યહોયાદાની હિંમત

યહોઆશ સાત વર્ષનો થયો ત્યારે યહોયાદાએ બધા મુખીઓને અને લેવીઓને ભેગા કર્યા. યહોયાદાએ તેઓને કહ્યું, ‘મંદિરના દરવાજા પાસે રહો અને કોઈને અંદર આવવા દેશો નહિ.’ પછી તેમણે યહોઆશને યહૂદાનો રાજા બનાવ્યો અને તેના માથે મુગટ પહેરાવ્યો. યહૂદાના લોકો મોટા અવાજે કહેવા લાગ્યા, “રાજા જુગ જુગ જીવો!”

આ અવાજ સાંભળીને રાણી અથાલ્યા મંદિરમાં ગઈ. તેણે નવા રાજાને જોયા ત્યારે તે બૂમો પાડવા લાગી, “આ તો દગો છે!” ત્યારે મુખીઓ રાણીને પકડીને મંદિરની બહાર લઈ ગયા અને તેને મારી નાખી. પણ તેણે આખા દેશની ખરાબ હાલત કરી હતી એનું શું થયું?

કીમતી રત્નો

it-૧-E ૧૨૬૫-૧૨૬૬

યહોઆશ

પ્રમુખ યાજક યહોયાદાના મરણ પછી રાજા યહોઆશ, યહોવાને વફાદાર ના રહ્યો. તોપણ યહોવાએ તેને જીવતો રહેવા દીધો, જેથી તેનાં બાળકો થાય. જો યહોવા તેને મારી નાખત તો દાઉદનો વંશ ત્યાં જ અટકી જાત, જેમાંથી મસીહ આવવાના હતા.—૨રા ૧૨:૧-૩; ૨કા ૨૪:૧-૩; ૨૫:૧.

ડિસેમ્બર ૫-૧૧

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૧૩-૧૫

“પૂરા દિલથી સેવા કરવાથી ભરપૂર આશીર્વાદો મળે છે”

w૧૦ ૪/૧ ૨૮ ¶૧૧

ઉત્સાહથી ઈસુને અનુસરીએ

૧૧ ઈશ્વરની ભક્તિમાં ઉત્સાહ બતાવતા રહેવું મહત્ત્વનું છે. એ વિષે ચાલો ઈસ્રાએલના રાજા યોઆશનો વિચાર કરીએ. સીરિયાનું (અરામ) લશ્કર ઈસ્રાએલીઓ સામે લડવા આવ્યું હતું. એટલે યોઆશ રાજા ભયભીત થઈને એલીશા પ્રબોધકને મળવા ગયા. પ્રબોધકે તેને બારીમાંથી સીરિયા તરફ એક તીર મારવાનું કહ્યું. એનો અર્થ હતો કે યહોવાહ તેઓને જીત અપાવશે. એનાથી તો રાજાની ચિંતા દૂર થવી જોઈતી હતી. પણ પછી શું થયું? પ્રબોધક જ્યારે રાજાને જમીનમાં તીર મારવા કહે છે ત્યારે રાજાએ એટલો ઉત્સાહ બતાવ્યો નહિ. તેણે ત્રણ જ તીર માર્યા. આ જોઈને એલીશા ઘણા ગુસ્સે થયા. જો રાજાએ પાંચ કે છ તીર માર્યા હોત તો, ‘અરામીઓને હરાવીને તેઓનો નાશ’ થાય ત્યાં સુધી જીત મળત. પણ યોઆશે પૂરો ઉત્સાહ બતાવ્યો નહિ એટલે તેને પૂરી સફળતા મળી નહિ. ફક્ત ત્રણ વાર અમુક હદે સીરીયા પર જીત મેળવી. (૨ રાજા. ૧૩:૧૪-૧૯) આ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે પૂરા દિલથી અને ઉત્સાહથી યહોવાહની ભક્તિ કરીશું ત્યારે જ આપણને આશીર્વાદ મળશે.

w૧૩-E ૧૧/૧ ૧૧ ¶૫-૬

‘દિલથી શોધનારાઓને ઈશ્વર ઇનામ આપે છે’

યહોવા કોને ઇનામ આપે છે? પાઉલે કહ્યું, “તેમને દિલથી શોધનારાઓને” યહોવા ઇનામ આપે છે. અહીંયા પાઉલે જે ગ્રીક શબ્દનો ઉપયોગ કર્યો એનો અર્થ થાય પૂરા જીવથી અને પૂરા મનથી ઈશ્વરની ભક્તિ કરવી. ચોક્કસ, યહોવા એવા લોકોને ઇનામ આપે છે જેઓને તેમનામાં શ્રદ્ધા છે. આ જ શ્રદ્ધાને લીધે તેઓ પૂરા દિલથી તેમને પ્રેમ કરે છે અને પૂરા જોશથી તેમની ભક્તિ કરે છે.—માથ્થી ૨૨:૩૭.

યહોવા પોતાના વફાદાર ભક્તોને કેવી રીતે ઇનામ આપે છે? તેમણે વચન આપ્યું છે કે આ પૃથ્વી બાગ જેવી સુંદર બની જશે. યહોવા તેમના ભક્તોને એમાં હંમેશ માટેનું જીવન આપશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) તેમના આ વચનથી આપણને ખબર પડે છે કે તે દયાના સાગર છે અને આપણને ખૂબ જ પ્રેમ કરે છે. તે આજે પણ એવા લોકોને અઢળક આશીર્વાદો આપે છે, જેઓ પૂરા દિલથી તેમને શોધે છે. જ્યારે તેઓ બાઇબલની વાત માને છે અને પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે, ત્યારે તેઓનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.—ગીતશાસ્ત્ર ૧૪૪:૧૫; માથ્થી ૫:૩.

કીમતી રત્નો

w૦૫ ૮/૧ ૧૧ ¶૩

બીજા રાજાઓના મુખ્ય વિચારો

૧૩:૨૦, ૨૧—શું આ ચમત્કાર એમ બતાવે છે કે આપણે પુરાણી ધાર્મિક ચીજવસ્તુઓની પૂજા કરવી જોઈએ? ના, કલમ એમ કરવા કહેતું નથી. બાઇબલમાં એવું ક્યાંય જોવા મળતું નથી કે લોકો એલીશાના હાડકાંની પૂજા કરતા હતા. એલીશા જીવતા હતા ત્યારે તેમણે ઈશ્વરની શક્તિથી ચમત્કારો કર્યા. તેમ જ આ કલમમાં જણાવેલો ચમત્કાર ઈશ્વરની શક્તિથી જ થયો.

ડિસેમ્બર ૧૨-૧૮

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૧૬-૧૭

“યહોવાની ધીરજની એક હદ છે”

w૦૫ ૧૧/૧૫ ૨૯ ¶૧૬

શાલ્માનેસેર

૧૬ સમરૂન તો ઈસ્રાએલના દસ કુળના રાજ્યનું મુખ્ય શહેર હતું. અહીં સમરૂન નામથી એ આખા રાજ્યની વાત થતી હોય શકે. (૧ રાજાઓ ૨૧:૧) ઈ.સ. પૂર્વે ૭૪૨માં આશ્શૂરી રાજા શાલ્માનેસેર પાંચમાએ સમરૂન શહેરને ઘેરો ઘાલ્યો. આખરે ઈ.સ. પૂર્વે ૭૪૦માં સમરૂન હારી ગયું. એના મોટા મોટા લોકોને મેસોપોટેમિયા અને માદીઓના શહેરોમાં કેદ કરવામાં આવ્યા. શાલ્માનેસેર પાંચમાએ કે એના પછી આવનાર સાર્ગોન બીજાએ સમરૂન જીતી લીધું, એ ચોક્કસ નથી. (૨ રાજાઓ ૧૭:૧-૬, ૨૨, ૨૩; ૧૮:૯-૧૨) તોપણ, સાર્ગોનની માહિતી પ્રમાણે ૨૭,૨૯૦ ઈસ્રાએલી લોકોને યુફ્રેટિસ પાસેના અને માદીના શહેરોમાં કેદ કરવામાં આવ્યા હતા.

w૧૨ ૫/૧ ૩૧ ¶૨; w૦૧ ૧૧/૧ ૧૦ ¶૧૦

ગુલામી

યિર્મેયાના સમયના અમુક દાયકાઓ પહેલાં, એટલે કે ઈ.સ. પૂર્વે ૭૪૦માં યહોવાએ ૧૦ કુળના ઈસ્રાએલના રાજ્યને આશ્શૂરીઓના હાથમાં સોંપી દીધા. તેઓ ઈસ્રાએલીઓને ગુલામ બનાવીને લઈ ગયા. યહોવાએ પોતાની એ પ્રજાને શિષ્ત આપવા માટે તેઓ પર એ આફત આવવા દીધી. કારણ કે એ લોકો ઘણાં ઘોર પાપોમાં ડૂબી ગયા હતા. તેમ જ, પ્રબોધકો દ્વારા મળતી ચેતવણી, તેઓ વારંવાર અવગણતા. (૨ રાજાઓ ૧૭:૫-૧૮) ઈસ્રાએલીઓ પોતાના ઈશ્વર અને દેશથી દૂર થઈ ગયા. તેઓએ ગુલામીમાં જઈને ઘણી તકલીફો વેઠી. શું એનાથી તેઓનું વલણ બદલાયું? શું યહોવા તેઓને ભૂલી ગયા? શું તેમણે ઈસ્રાએલીઓને કદી પાછા સ્વીકાર્યા?

૧૦ તેમ છતાં, ઇતિહાસ બતાવે છે કે પરમેશ્વરની સહનશીલતાને પણ હદ હોય છે. તેમણે ૭૪૦ બી.સી.ઈ.માં આશ્શૂરને ઈસ્રાએલના દસ કૂળ પર ચઢાઈ કરવા દીધી અને એના રહેવાસીઓને બંદીવાસમાં લઈ જવા દીધા. (૨ રાજા ૧૭:૫, ૬) તેમણે બાબેલોનને યહુદાહના બે કૂળો પર ચઢાઈ કરવા દીધી અને ૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમ અને એના મંદિરનો પણ નાશ કરવા દીધો.—૨ કાળવૃત્તાંત ૩૬:૧૬-૧૯.

કીમતી રત્નો

jy પ્રક. ૧૯, બૉક્સ

સમરૂનીઓ

સમરૂન પ્રદેશ દક્ષિણે આવેલા યહુદિયા અને ઉત્તરે આવેલા ગાલીલની વચ્ચે હતો.

રાજા સુલેમાનના મરણ પછી, ઇઝરાયેલનાં દસ કુળો યહુદા અને બિન્યામીનના કુળથી છૂટાં પડી ગયાં હતાં. દસ કુળના લોકો વાછરડાની મૂર્તિની ભક્તિ કરવા લાગ્યા હતા. તેથી, ઈ.સ. પૂર્વે ૭૪૦માં યહોવાએ આશ્શૂરી લોકોને સમરૂન પર જીત મેળવવા દીધી. આશ્શૂરીઓ મોટા ભાગના લોકોને પકડી ગયા અને એ વિસ્તારમાં પોતાના સામ્રાજ્યના ઘણા લોકોને વસાવી દીધા. બીજા દેવદેવીઓને ભજતા એ પરદેશીઓએ ત્યાં બાકી રહેલા ઇઝરાયેલીઓ સાથે લગ્‍ન કર્યા. સમય જતાં, આ વિસ્તારના લોકો એવી ભક્તિ કરવા લાગ્યા, જેમાં તેઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રની અમુક માન્યતાઓ અને નિયમોનો સમાવેશ કર્યો, જેમ કે, સુન્‍નત. તેમ છતાં, તેઓ જે કરતા હતા એ કંઈ સાચી ભક્તિ ન હતી.—૨ રાજાઓ ૧૭:૯-૩૩; યશાયા ૯:૯.

ઈસુના દિવસોમાં, સમરૂનીઓ મુસાનાં લખાણો સ્વીકારતાં, પણ યરૂશાલેમના મંદિરે ભક્તિ કરવા જતા ન હતા. ઘણાં વર્ષો સુધી તેઓ સૂખાર નજીક ગરીઝીમ પર્વત પર બંધાયેલા મંદિરે જતા હતા; એ મંદિરનો નાશ થયા પછી પણ તેઓ એ જ પર્વત પર ભક્તિ કરતા રહ્યા. ઈસુના સેવાકાર્ય દરમિયાન, સમરૂનીઓ અને યહુદીઓ વચ્ચે દુશ્મની દેખાઈ આવતી હતી.—યોહાન ૮:૪૮.

ડિસેમ્બર ૧૯-૨૫

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૧૮-૧૯

“આપણી હિંમત તોડવા વિરોધીઓની ચાલાકીઓ”

w૦૫ ૮/૧ ૧૧ ¶૫

બીજા રાજાઓના મુખ્ય વિચારો

૧૮:૧૯-૨૧, ૨૫—શું હિઝ્કીયાહે મિસર સાથે દોસ્તીનો કરાર કર્યો હતો? ના, રાબશાકેહનો આરોપ ખોટો હતો. તેણે દાવો કર્યો હતો કે તે ‘યહોવાહની આજ્ઞાથી’ આ કરતો હતો. પણ એ દાવો ખોટો હતો. રાજા હિઝકીયાહ યહોવાહને વળગી રહ્યા ને તેમના પર જ વિશ્વાસ રાખ્યો.

w૧૦-E ૭/૧૫ ૧૩ ¶૩

“ગભરાઈશ નહિ, હું તને મદદ કરીશ”

રાબશાકેહે યહૂદાના લોકોના મનમાં શંકા પેદા કરી અને દલીલ કરી કે “શું હિઝકિયાએ જ [યહોવાનાં] ભક્તિ-સ્થળો અને તેમની વેદીઓ કાઢી નાખ્યાં નથી? . . . યહોવાએ પોતે મને કહ્યું છે કે, ‘જા, આ દેશ પર ચઢાઈ કર અને એનો નાશ કર.’” (૨ રાજા. ૧૮:૨૨, ૨૫) રાબશાકેહની આ વાતો એકદમ ખોટી હતી કે યહોવા પોતાના લોકો માટે લડશે નહિ, કેમ કે યહોવા તેઓથી નારાજ છે. યહોવા હિઝકિયા અને યહૂદાના લોકોથી ખુશ હતા, કેમ કે તેઓએ સાચી ભક્તિ ફરીથી શરૂ કરી હતી.—૨ રાજા. ૧૮:૩-૭.

w૧૩ ૧૧/૧૫ ૧૯ ¶૧૪

સાત પાળકો તથા આઠ સરદારોનો આજે આપણા માટે શું અર્થ થાય?

૧૪ આશ્શૂરના રાજાએ દક્ષિણ-પશ્ચિમ યરૂશાલેમના લાખીશ વિસ્તારમાં છાવણી નાખી. ત્યાંથી તેણે ત્રણ સંદેશવાહકો યરૂશાલેમ મોકલ્યા, જેથી ત્યાંના લોકો આશ્શૂરીઓના તાબે થાય. તેઓમાંનો મુખ્ય સંદેશવાહક રાબશાકેહે યરૂશાલેમના લોકોને ફોસલાવવા જુદી જુદી ચાલાકીઓ વાપરી. તેણે તેઓ સાથે હિબ્રૂ ભાષામાં વાત કરી. તેણે લોકોને હિઝકિયાનો પક્ષ છોડીને આશ્શૂરીઓને શરણે આવવા લલચાવ્યા. તેણે મોટા મોટા વાયદા કર્યા કે, તેઓને એવા દેશમાં લઈ જવાશે જ્યાં જીવન આરામદાયક હશે. (૨ રાજાઓ ૧૮:૩૧, ૩૨ વાંચો.) રાબશાકેહે એમ પણ કહ્યું કે, બીજાં રાજ્યોનાં દેવી-દેવતાઓ પોતાના લોકોને આશ્શૂરીઓના હાથમાંથી બચાવવા કંઈ કરી શક્યાં નહિ. એવી જ રીતે, યહોવા પણ કંઈ કરી શકશે નહિ. જોકે, યહુદાના લોકોએ તેની વાતોમાં ન આવીને સમજદારી બતાવી. આજે પણ યહોવાના સેવકો એવી જ સમજદારી બતાવે છે.—૨ રાજાઓ ૧૮:૩૫, ૩૬ વાંચો.

yb૭૪-E ૧૭૭ ¶૧

ભાગ ૨—જર્મની

નાઝી જર્મનીના અધિકારીઓ (એસ.એસ. ગાર્ડ) સાક્ષીઓને એક કાગળ પર સહી કરવા બળજબરી કરતા. એ કાગળમાં લખ્યું હતું કે હવેથી તેઓ યહોવાના સાક્ષી નથી. એના માટે તેઓ અલગ અલગ પેંતરા અજમાવતા. જેમ કે, તે અધિકારીઓ કહેતા કે જો સાક્ષીઓ એ કાગળ પર સહી કરશે તો તેઓને છોડી મૂકવામાં આવશે. પણ નવાઈની વાત તો એ છે કે જો કોઈ એ કાગળ પર સહી કરી દે, તો અધિકારીઓ તેની સાથે પહેલાથી પણ વધારે ખરાબ વર્તન કરતા. ભાઈ કાર્લ કિર્શટે પણ જણાવ્યું, “યહોવાના સાક્ષીઓ પર સતાવણી થઈ છે એટલી કોઈના પર નથી થઈ. અધિકારીઓને લાગતું કે આવું કરવાથી સાક્ષીઓ સહી કરી દેશે. એટલે તેઓ સહી કરવા વારંવાર અમને દબાણ કરતા. જોકે અમુક લોકોએ કાગળ પર સહી કરી. પણ ઘણી વાર જોવા મળ્યું કે ત્યાંથી છૂટવા માટે તેઓએ એક વર્ષ કે એનાથી પણ વધારે રાહ જોવી પડી. એ સમય દરમ્યાન અધિકારીઓ તેઓને કપટી અને ડરપોક કહીને બીજાઓ આગળ તેઓનું અપમાન કરતા. તેઓને છોડતા પહેલાં બીજા ભાઈઓ આગળથી પસાર થવાનું કહેતા. એવું કરીને અધિકારીઓ તેઓનું વધારે અપમાન કરતા.”

કીમતી રત્નો

it-૧-E ૧૫૫ ¶૪

પુરાતત્ત્વશાસ્ત્ર

બાઇબલમાં લખ્યું છે કે આશ્શૂરના રાજા સાન્હેરીબને તેના બે દીકરાઓ આદ્રામ્મેલેખ અને શારએસેરે મારી નાખ્યો. એ પછી તેનો બીજો એક દીકરો એસાર-હાદ્દોન તેની જગ્યાએ રાજા બન્યો. (૨રા ૧૯:૩૬, ૩૭) પણ બાબેલોનમાં ખોદકામ કરતી વખતે એક પથ્થર મળી આવ્યો. એના પર લખ્યું હતું કે સાન્હેરીબને ફક્ત તેના એક જ દીકરાએ મારી નાખ્યો હતો. આ જ વાત ઈસવીસન પૂર્વે ત્રીજી સદીના બાબેલોનના એક પૂજારી બેરોસસે અને ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીના બાબેલોનના રાજા નાબોનિદસે પણ કહી હતી. પણ હાલમાં જ થયેલા ખોદકામમાં બીજો એક પથ્થર મળી આવ્યો. એમાં સાન્હેરીબના દીકરા એસાર-હાદ્દોને પોતાના ભાઈઓ વિશે સ્પષ્ટ માહિતી જણાવી છે. તેણે કહ્યું કે તેના ભાઈઓએ પિતા સાન્હેરીબ સામે બળવો કર્યો હતો. પછી તેને મારી નાખ્યો અને ત્યાંથી નાસી ગયા. આના જ વિશે એક ઇતિહાસકારે જણાવ્યું, “બાબેલોનના ખોદકામમાં મળેલા પહેલા પથ્થરમાં જે લખ્યું હતું તેમજ નાબોનિદસ અને બેરોસસે જે કહ્યું હતું એ બંને ખોટું છે. પણ બાઇબલમાં જે લખ્યું છે એ એકદમ સાચું છે. સારું થયું કે ખોદકામમાં એસાર-હાદ્દોનનો પથ્થર મળી આવ્યો. એનાથી સાબિત થઈ ગયું કે બાઇબલમાં જે નાની નાની વિગતો આપી છે, એ એકદમ સાચી છે. એ પણ સાબિત થઈ ગયું કે બાબેલોનના ખોદકામમાં જે માહિતી મળી આવી, એના કરતાં બાઇબલની વિગતો વધારે ભરોસાપાત્ર છે. આપણે યાદ રાખવું જોઈએ કે બાઇબલ સમયની કોઈ ઘટનાને લઈને બીજી કોઈ નવી માહિતી મળી આવે, તો એને આંખ બંધ કરીને માની લેવી ન જોઈએ.”

ડિસેમ્બર ૨૬–જાન્યુઆરી ૧

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૨૦-૨૧

“પ્રાર્થનાને લીધે યહોવાએ પગલું ભર્યું”

ip-૧ ૩૯૪ ¶૨૩

એક રાજાના વિશ્વાસની જીત

૨૩ સાન્હેરીબ પહેલી વાર યહુદાહની વિરુદ્ધ આવે છે ત્યારે, હિઝકીયાહ ખૂબ જ માંદો પડે છે. યશાયાહ તેને કહે છે કે તે મરણ પામશે. (યશાયાહ ૩૮:૧) ફક્ત ૩૯ વર્ષના રાજાને માથે આભ તૂટી પડ્યું. તે કંઈ પોતાના જ વિષે ચિંતા કરતો ન હતો, પણ લોકોના ભાવિની એને મોટી ચિંતા હતી. યરૂશાલેમ અને યહુદાહ પર આશ્શૂરીઓના હુમલાનો ખતરો હતો. હિઝકીયાહ મરણ પામે તો, લડાઈમાં આગેવાની કોણ લેશે? એ સમયે, હિઝકીયાહને કોઈ પુત્ર ન હતો, જે તેના પછી રાજપદ લે. તેથી, હિઝકીયાહે યહોવાહને પ્રાર્થના કરીને દયાની ભીખ માંગી.—યશાયાહ ૩૮:૨, ૩.

w૧૭.૦૩ ૨૧ ¶૧૬

પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ!

૧૬ પછીથી, હિઝકિયા મરણતોલ માંદા પડ્યા. એ મુશ્કેલ સંજોગમાં તેમણે યહોવાને કાલાવાલા કર્યા અને તેમણે કરેલા સારાં કામોને યાદ કરવા વિનંતી કરી. (૨ રાજાઓ ૨૦:૧-૩ વાંચો.) યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી અને તેમને સાજા કર્યા. બાઇબલમાંથી આપણે શીખીએ છીએ કે, યહોવા બીમારીમાંથી સાજા કરવા કે લાંબા આયુષ્ય માટે હવે એવા ચમત્કારો કરતા નથી. છતાં, હિઝકિયાની જેમ આપણે ભરોસો તો રાખી શકીએ કે યહોવા ચોક્કસ મદદ કરશે. આપણે તેમને કહી શકીએ: “હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે, હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સંમુખ ચાલ્યો છું, . . . તેનું હમણાં તું સ્મરણ કર.” શું તમને પૂરી ખાતરી છે કે, યહોવા હંમેશાં તમારી સંભાળ રાખશે, ખાસ કરીને માંદગીના બિછાના પર હો ત્યારે?—ગીત. ૪૧:૩.

w૦૩ ૧૦/૧ ૪ ¶૧

શું ઈશ્વર તેમના ભક્તોને બચાવે છે?

લગભગ ૨,૭૦૦ વર્ષ પહેલાં રાજા હિઝકીયાહ થઈ ગયા. તે ૩૯ વર્ષના હતા ત્યારે ખૂબ બીમાર પડ્યા. થોડા સમયમાં તે અડધા થઈ ગયા. તેમણે પ્રાર્થનામાં ઈશ્વરને ખૂબ કાલાવાલા કર્યા. જવાબમાં ઈશ્વરે કહ્યું: “તારી પ્રાર્થના મેં સાંભળી છે, તારાં આંસુ મેં જોયાં છે; હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ.”—યશાયાહ ૩૮:૧-૫.

કીમતી રત્નો

it-૨-E ૨૪૦ ¶૧

માપવાનું સાધન

માપવાના સાધનનો ઉપયોગ ઇમારત બનાવવા માટે થાય છે. એનો ઉપયોગ એ જોવા માટે પણ થાય છે કે એ ઇમારત ટકી શકશે કે નહિ. યહોવાએ ભવિષ્યવાણી કરી હતી કે ‘તે યરૂશાલેમને એ માપદોરીથી માપશે, જેનાથી સમરૂનને માપ્યું હતું. તે યરૂશાલેમને એ માપવાના સાધનથી માપશે, જેનાથી તેમણે આહાબના કુટુંબને માપ્યું હતું.’ યહોવાએ સમરૂનને પહેલેથી જ માપી લીધું હતું. એનાથી તેમને ખબર પડી કે આહાબનું કુટુંબ ગંદા કામોમાં ડૂબેલું છે. એટલે તેમણે સમરૂન અને રાજા આહાબના કુટુંબનો નાશ કરી દીધો. આ જ રીતે યહોવા યરૂશાલેમનો પણ નાશ કરવાના હતા. તે યરૂશાલેમ અને તેના રાજાઓનો ન્યાય કરવાના હતા અને તેઓના દુષ્ટ કામોને ખુલ્લાં પાડવાના હતા. (૨રા ૨૧:૧૦-૧૩; ૧૦:૧૧) આ પગલું ભરતા પહેલાં યહોવાએ યશાયા પાસે લખાવ્યું હતું, “હું તમને માપવા માપદોરી તરીકે ન્યાયનો અને માપવાના સાધન તરીકે સચ્ચાઈનો ઉપયોગ કરીશ.” યહોવાના ન્યાયી ધોરણોથી સાબિત થવાનું હતું કે કોણ તેમના સાચા સેવક છે અને કોણ નહિ. એનું પરિણામ એ આવત કે યરૂશાલેમના લોકો જીવતા બચી જાત અથવા તેઓનો નાશ થઈ જાત.—યશા ૨૮:૧૪-૧૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો