મોંઘવારીનો સામનો કઈ રીતે કરી શકો?
હકીકતનો સ્વીકાર કરો
જ્યારે ચીજવસ્તુઓના ભાવ ધીમે ધીમે વધે છે, ત્યારે આપણને બહુ ફરક પડતો નથી. એમાંય જો આપણો પગાર વધતો હોય, તો મોંઘવારી એટલી નડતી નથી. પણ જો ભાવ અચાનક આસમાને પહોંચી જાય અને પગાર એટલો ને એટલો જ રહે, તો આપણે ચિંતામાં ડૂબી જઈ શકીએ. ખાસ કરીને, કુટુંબનું ભરણપોષણ કઈ રીતે કરીશું, એવા વિચારો આપણને પરેશાન કરવા લાગે.
આપણે મોંઘવારીનું તો કંઈ કરી શકતા નથી. પણ હકીકત સ્વીકારીશું તો આપણને જ ફાયદો થશે.
એ કેમ જરૂરી છે?
જે લોકો મોંઘવારી વિશે યોગ્ય વલણ રાખે છે, તેઓ કદાચ આ બાબતો સહેલાઈથી કરી શકે છે:
તેઓ પોતાનું મન શાંત રાખી શકે છે. જ્યારે મન શાંત હોય છે, ત્યારે આપણે વધારે સારી રીતે વિચારી શકીએ છીએ અને સારા નિર્ણયો લઈ શકીએ છીએ.
તેઓ નુકસાન થાય એવી ટેવોથી દૂર રહી શકે છે. દાખલા તરીકે, બિલ ભરવામાં ઢીલ કરવી, ખર્ચાઓ પર ધ્યાન ન આપવું અથવા ખોટા ખર્ચાઓ કરવા જેવી ટેવો.
તેઓ કુટુંબના સભ્યો સાથે પૈસા વિશે કચકચ કરવાનું ટાળી શકે છે.
તેઓ પોતાની રહેણી-કરણીમાં ફેરફાર કરી શકે છે. તેઓ ખોટા ખર્ચા કરતા નથી અને જે જરૂરી છે એ જ ખરીદે છે.
તમે શું કરી શકો?
ફેરફાર કરવા તૈયાર રહો. મોંઘવારી વધી રહી હોય ત્યારે, બની શકે તો ખર્ચાઓ ઓછા કરો. એમ કરવામાં જ સમજદારી છે. પણ અમુક લોકો તો જેટલા પૈસા હોય એના કરતાં વધારે ખર્ચા કરે છે. એ તો જાણે વહેતી નદીના સામા પ્રવાહે તરવા જેવું અઘરું કામ કહેવાશે! એનાથી વ્યક્તિ થાકીને લોથપોથ થઈ જશે. એ વાત સાચી કે, તમે કુટુંબની સંભાળ રાખવા માંગો છો. તમને ચિંતા થતી હશે કે કઈ રીતે તેઓની જરૂરિયાતો પૂરી કરશો. પણ આવી ચિંતા થાય ત્યારે આ યાદ રાખજો: તમારા કુટુંબને બીજી વસ્તુઓ કરતાં તમારાં પ્રેમ, હૂંફ, સમય અને તમારી વધારે જરૂર છે.
જેટલા પૈસા હોય એના કરતાં વધારે ખર્ચો કરવો, એ તો જાણે વહેતી નદીના સામા પ્રવાહે તરવા જેવું છે