વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૮/૮ પાન ૧૨
  • ટ્યૂલિપ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ટ્યૂલિપ
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • પૂર્વના મૂળવાળાં ડચ ટ્યૂલિપ
  • ટ્યૂલિપની ઘેલછા—એક તોફાની સમયગાળો
  • પ્રેમ ચાલુ જ રહે છે
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૭
  • તમે તમારી
    સજાગ બનો!—૧૯૯૬
  • ફૂલ દર્શાવે છે કે કોઈક કાળજી લે છે
    સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૧૯૯૬
g96 ૮/૮ પાન ૧૨

ટ્યૂલિપ

તોફાની ભૂતકાળવાળું ફૂલ

સ જા ગ બ નો ! ના ને ધ ર લે ન્ડ્‌ સ ના ખ બ ર પ ત્રી ત ર ફ થી

“હોલેન્ડમાં વસંતઋતુ આવે છે ત્યારે, જાણે કે હજારો એકર જમીનમાં . . . જીવ આવી જાય છે,” નેધરલેન્ડ્‌સ બ્યૂરો ફોર ટુરિઝમ કહે છે. અચાનક જ, રંગ ફૂટી નીકળે છે, અને ખેતરો ફરતે ખીલતા ટ્યૂલિપની તેજસ્વી પટ્ટીઓ લહેરાય છે, જે ફૂલોની એવી શોભા પેદા કરે છે જે આખા જગતમાંથી પર્યટકોને આકર્ષે છે. મોટા ભાગના મુલાકાતીઓ બગીચાના એ સૌંદર્યવાન અને લોકપ્રિય ફૂલોને પવનચક્કી, ચીઝ, તથા લાકડાના જોડા જેટલાં જ ડચ ગણે છે. પરંતુ શું તમને ખબર હતી કે ખરેખર ટ્યૂલિપનું ઉદ્‍ભવસ્થાન તુર્કસ્તાનમાં રહેલું છે?

પૂર્વના મૂળવાળાં ડચ ટ્યૂલિપ

એડેલેઈડ એલ. સ્ટોર્ક નોંધે છે કે, ૧૨મી સદીના તુર્કસ્તાની ઘરેણાં ટ્યૂલિપ ચિત્રિત કરે છે, પરંતુ યુરોપીયન સાહિત્ય ૧૫૫૦ના દાયકામાં પ્રથમવાર ટ્યૂલિપનો ઉલ્લેખ કરે છે. ફ્રાંસમાંના એક મુસાફરે ૧૫૫૩માં લખ્યું કે “આશ્ચર્યચકિત પરદેશીઓ” કોન્સ્ટન્ટીનોપલ (ઇસ્તંબુલ)ના બજારમાં અપરિચિત “મોટી ડુંગળીવાળું લાલ ફૂલ” ખરીદી રહ્યા હતા. ડો. સ્ટોર્ક સમજાવે છે કે, સ્થાનિક લોકો એ ફૂલને ડલબેન્ડ કહે છે, તુર્કસ્તાની ભાષામાં એનો અર્થ “પાઘડી” થાય છે, અને એ શબ્દ “‘ટ્યૂલિપ’ શબ્દની વ્યુત્પત્તિનો ઉદ્‍ભવ” બન્યો છે.

એ પાઘડી જેવા ફૂલથી આકર્ષણ પામનાર પરદેશીઓમાંના એક ઓસ્ટ્રીયાના તુર્કસ્તાનમાંના રાજદૂત (૧૫૫૫-૬૨), ઓગીર ગીલાં ડ બુશબેક હતા. તે કેટલાક રોપા કોન્સ્ટન્ટીનોપલથી વિયેના લઈ ગયા, જ્યાં એને હેપ્સબર્ગના સમ્રાટ ફર્ડીનાન્ડ ૧ના બગીચામાં રોપવામાં આવ્યા. ત્યાં ટ્યૂલિપના એ રોપા શાર્લ ડ લેક્લઝ—એક ફ્રેંચ વનસ્પતિશાસ્ત્રી જે તેના લેટિન નામ, કેરોલસ ક્લુઝીયસથી વધારે જાણીતો છે—ની કુશળ સંભાળ હેઠળ પાંગર્યા.

થોડા જ વખતમાં, ક્લુઝીયસની ખ્યાતિએ નેધરલેન્ડ્‌સમાંની લેઇડન યુનિવર્સિટીનું ધ્યાન ખેંચ્યું, જેણે તેને યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્રીય બગીચાના ક્યુરેટર બનવા સમજાવ્યો. ઓક્ટોબર ૧૫૯૩માં, ક્લુઝીયસ—અને “ટ્યૂલિપના રોપાનો સંગ્રહ”—લેઇડન આવી પહોંચ્યા. કેટલાક મહિનાઓ પછી, ૧૫૯૪ની વસંતઋતુમાં, ક્લુઝીયસના નવા બગીચામાં નેધરલેન્ડ્‌સમાં પ્રથમવાર ટ્યૂલિપનાં ફૂલ ખીલ્યાં.

ટ્યૂલિપની ઘેલછા—એક તોફાની સમયગાળો

ટ્યૂલિપના વિવિધ રંગો અને વિચિત્ર આકારે ડચ લોકોને મુગ્ધ કર્યા. તુર્કસ્તાની સુલ્તાનો એના રોપા માટે કેટલી ભારે રકમ આપતા એની રોમાંચક વાતોએ ટ્યૂલિપના રોપાને મોભાભિમુખ નાગરિકોની અદેખાઈનું કારણ બનાવ્યા. થોડા જ વખતમાં, ટ્યૂલિપના રોપા ઉછેરવા એક લોભામણો વેપાર બન્યો, અને ઉત્પાદન કરતા માંગ વધી ત્યારે, રોપાની કિંમત ઘણી જ વધી ગઈ અને એણે એ તોફાની સમયગાળાનો પ્રારંભ કર્યો જેને ડચ ઇતિહાસકારો ટુલ્પનવડ, કે ટ્યૂલિપની ઘેલછા, કહે છે.

ટ્યૂલિપની ઘેલછા ૧૬૩૦ના દાયકામાં એની પરાકાષ્ઠાએ પહોંચી જ્યારે ટ્યૂલિપના રોપા સૌથી વધુ લોકપ્રિય માલ બન્યા. કલાના ઇતિહાસકાર ઓલિવર ઇમ્પી કહે છે કે, એ દિવસોમાં, ટ્યૂલિપનો અસાધારણ રોપો ખરીદવા કરતા યાન ડી. ડ હેમ (પદાર્થચિત્રનો ૧૭મી સદીનો મહાન ડચ ચિત્રકાર)એ રંગેલું ટ્યૂલિપનું ચિત્ર ખરીદવું વધુ પોષાય તેમ હતું. કન્યાની કિંમત તરીકે એક રોપો સ્વીકાર્ય હતો, નહેરને કિનારે આવેલા ઘરની કિંમત ત્રણ રોપા હતી, અને ટલીપ બ્રાસ્રી નામના એક રોપાના સોદામાં દારૂ બનાવવાનો પાંગરેલો વેપાર આપવામાં આવ્યો હતો. રોપાના વેપારીઓ મહિને $૪૪,૦૦૦ (યુ.એસ., આજના ચલણમાં) કમાઈ શકતા. “હોલેન્ડમાં ધર્મશાળાઓ અને દારૂના પીઠામાં,” એક ઉદ્‍ભવ કહે છે, “વાતચીત અને લેવડદેવડ એક જ વસ્તુ પર કેન્દ્રિત હતી—રોપા.”

“સતત વધતી કિંમતે મધ્યમ વર્ગના અને ગરીબ સાધારણ કુટુંબોને ટ્યૂલિપના બજારમાં વેપારનું જોખમ ઉઠાવવા લલચાવ્યા,” ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા ઉમેરે છે. “ઘરો, મિલકત, અને વેપાર ગીરો મૂકવામાં આવ્યા જેથી રોપા ઊંચી કિંમતે ફરીથી વેચવા માટે ખરીદી શકાય. રોપાઓ જમીનમાંથી ઉખેડ્યા વિના એને ઘણીવાર વેચવામાં અને ફરીથી વેચવામાં આવતા.” આંખના પલકારામાં સંપત્તિ બમણી થઈ ગઈ. ગરીબ માણસો ધનવાન બન્યા; ધનવાન માણસો અતિધનવાન બન્યા. રોપાનો વેપાર અડસટ્ટાનું બજાર બન્યો હતો, ત્યાં સુધી કે છેવટે અચાનક ૧૬૩૭માં, ખરીદનારાઓ કરતા વેચનારાઓ વધી ગયા—અને બજાર ભાંગ્યું. લગભગ રાતોરાત હજારો ડચ લોકો બરબાદ થઈ ગયા.

પ્રેમ ચાલુ જ રહે છે

તથાપિ, ટ્યૂલિપ માટેનો પ્રેમ ટ્યૂલિપની ઘેલછા પછી પણ ચાલુ રહ્યો, અને ટ્યૂલિપના રોપાનો ઉદ્યોગ ફરીથી પાંગરવો શરૂ થયો. હકીકતમાં, ૧૮મી સદી સુધીમાં, ડચ ટ્યૂલિપ એટલા પ્રખ્યાત થયા હતા કે એક તુર્કસ્તાની સુલ્તાન, એહમદ ૩એ હજારો ટ્યૂલિપની હોલેન્ડમાંથી આયાત કરી. આમ લાંબી મુસાફરી પછી, તુર્કસ્તાની ટ્યૂલિપના ડચ બચ્ચાં પાછા પોતાના મૂળ પાસે ગયાં. આજે, ટ્યૂલિપ ઉછેરવા એ નેધરલેન્ડ્‌સમાં એક મુખ્ય ઉદ્યોગ—અથવા કેટલાક લોકો કહે છે તેમ, સુંદર ઉદ્યોગ—બન્યો છે. દેશના ૩૪,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી કંઈક ૧૯,૦૦૦ એકરનો ઉપયોગ ટ્યૂલિપના રોપા ઉછેરવા માટે થાય છે. દર વર્ષે, દેશના ૩,૩૦૦ માળીઓ ટ્યૂલિપના લગભગ બે અબજ રોપાની ૮૦થી વધુ દેશોમાં નિકાસ કરે છે.

ટ્યૂલિપનો ભૂતકાળ તોફાની હતો છતાં, બગીચાના આ માનીતા ફૂલ માટેનો માણસનો પ્રેમ સ્થિર રહ્યો છે. સદીઓ દરમ્યાન એ સુંદર ફૂલે કલાકારો, કવિઓ, અને વૈજ્ઞાનિકોને એના મનોહર આકાર અને આકર્ષક રંગો ચિતરવા કે એ વિષે લખવા પ્રેર્યા છે. તેઓમાંના એક જણે, અર્થાત ૧૮મી સદીના એક વૈજ્ઞાનિક યોહાન ક્રિસ્ટીયન બેનીમને ટ્યૂલિપ વિષે જર્મનમાં નિબંધ લખ્યા પછી, તેણે એ નિબંધનું નામ ડી ટુલ્પી ત્સુમ રુમ ઈર્સ શોએપ્ફર્સ, ઉન્ત ફર્ગન્ગુગ એડ્‌લર ગેમ્ટર (એના ઉત્પન્‍નકર્તાના મહિમા માટે અને ઉમદા મનવાળાના આનંદ માટેનાં ટ્યૂલિપ) આપ્યું. એડેલેઈડ સ્ટોર્ક નોંધે છે કે, તે અને બીજા ઘણાં લેખકો માટે, ટ્યૂલિપ “માળીના હાથમાંની વસ્તુ માત્ર નથી, પરંતુ એ ઉત્પન્‍નકર્તાની મહાનતા અને મહિમાને પ્રતિબિંબિત કરે છે.” એ નાજુક ફૂલ સામે જોતાં, તમને એની સાથે અસહમત થવું અઘરું લાગશે. (g96 7/8)

પાન ૧૬ નીચે: Nederlands Bureau voor Toerisme; ઉપર ડાબે, મધ્યમાં, અને ઉપર જમણે: Internationaal Bloembollen Centrum, Holland; પાન ૧૭ નીચે: Nederlands Bureau voor Toerisme/Capital Press

તમારા ટ્યૂલિપ કઈ રીતે ઉછેરવા

પૂરતું પાણી હોય તો, લગભગ કોઈ પણ પ્રકારની જમીન અનુકૂળ હોય છે. તેમ છતાં, ઉપલી જમીન સાથે રેતી, સડેલી વનસ્પતિ કે મિશ્ર ખાતર ભેગું કરવાથી રોપવું સહેલું બની શકે.

ટ્યૂલિપના રોપા પાનખરઋતુમાં વાવો. એમ કરવાની બે રીતો છે: તમે દરેક રોપા માટે એક ખાડો ખોદી શકો, અથવા મોટો ખાડો ખોદી બધા રોપા એક જ વખતે રોપી શકો.

ટ્યૂલિપના રોપા વાવવાનો સામાન્ય નિયમ: ખાડાની ઊંડાઈ રોપા કરતા બમણી હોવી જોઈએ. એનો અર્થ થાય કે રોપાનો નીચેનો ભાગ (સપાટ બાજુ) જમીનમાં લગભગ ૨૦ સેન્ટિમીટર ઊંડે હોવો જોઈએ. રોપા એકબીજાથી લગભગ ૧૨ સેન્ટિમીટર દૂર વાવો.

ખોદી કાઢેલી માટીથી રોપાને ઢાંકી દો, અને તરત જ પાણી રેડો જેથી વૃદ્ધિ શરૂ થઈ શકે. ભારે હિમમાં સડેલી વનસ્પતિ કે પાંદડાંનું આવરણ રોપાનું રક્ષણ કરશે અને જમીનને સુકાઈ જતાં અટકાવશે. વસંતઋતુમાં અંકુર ફૂટવા માંડે ત્યારે એ આવરણ દૂર કરો.

ફૂલની પાંખડીઓ ખરવા લાગે ત્યારે ફૂલ કાપી લો; નહિ તો, છોડ બીજ પેદા કરવા લાગશે અને એ રોપામાંથી આવતા વર્ષની વૃદ્ધિ માટે જરૂરી ખોરાક ખૂંચવી લેશે. પાંદડાંવાળી ડાળીને કુદરતી રીતે મરવા દો, અને પાંદડાં પીળા પડે પછી ડાળી દૂર કરો.

પ્રસંગોપાત અહીંતહીં રોપા રોપવાને બદલે, સરખા પ્રકાર અને રંગના રોપા વૃંદમાં સાથે વાવો. એ રીતે તમે રંગોના જૂથ પેદા કરશો અને તમારા બગીચામાં ફૂલોના ઉત્તમ નમૂનાનો પૂરો આનંદ માણશો.—ઇન્ટરનેશનલ ફ્લાવર બલ્બ સેન્ટર, હોલેન્ડ/નેશનલ જ્યોગ્રાફિક.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો