પ્રસ્તાવના
“શ્રદ્ધા અને ધીરજને લીધે જેઓ વચનોના વારસ છે, તેઓને પગલે ચાલો.”—હિબ્રૂઓ ૬:૧૨.
૧, ૨. એક પ્રવાસી નિરીક્ષક માટે બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તો કેવા છે? શા માટે આપણને એવા ઈશ્વરભક્તો સાથે દોસ્તી કરવાનું ગમશે?
એક વૃદ્ધ પ્રવાસી નિરીક્ષકનું પ્રવચન સાંભળીને આપણી બહેને કહ્યું: “બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તો વિશે તે એવી રીતે વાત કરે છે જાણે તેઓ તેમના જૂના મિત્રો હોય.” એ સાચું છે. એ ભાઈએ ઘણાં વર્ષોથી બાઇબલનો અભ્યાસ કર્યો છે અને એમાંથી શીખવ્યું છે. એટલે, બાઇબલમાં જણાવેલા કોઈ શ્રદ્ધાળુ સ્ત્રી-પુરુષ વિશે વાત કરે ત્યારે, એવું જ લાગે કે તે આ ભાઈના જૂના મિત્ર છે જેમને તે વર્ષોથી ઓળખે છે.
૨ એ ઈશ્વરભક્તો સાથે દોસ્તી કરવાનું શું આપણને પણ નહિ ગમે? શું તમે તેઓને મનની આંખોથી જોઈ શકો છો? જરા વિચારો કે તેઓ સાથે હરવા-ફરવાની અને વાતો કરવાની કેવી મજા આવે! નુહ, ઈબ્રાહીમ, રૂથ, એલિયા અને એસ્તેર જેવા ઈશ્વરભક્તો સાથે સમય કાઢીને તેઓને ઓળખવાનું કોને ન ગમે! તેઓની અનમોલ સલાહ અને ઉત્તેજનના બે શબ્દોથી કેટલું સારું લાગશે! ચોક્કસ, તમારા જીવન પર તેઓની ઊંડી છાપ પડશે.—નીતિવચનો ૧૩:૨૦ વાંચો.
૩. (ક) બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તો વિશે શીખીને આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ? (ખ) આપણે કયા સવાલો પર વિચાર કરીશું?
૩ ‘સારા લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે’ ત્યારે, આપણે ચોક્કસ તેઓને દોસ્ત બનાવી શકીશું. એનાથી ઘણા આશીર્વાદો મળશે. (પ્રે.કા. ૨૪:૧૫) જોકે, હમણાં પણ બાઇબલમાંથી એવા ઈશ્વરભક્તો વિશે શીખીને આપણને ઘણો લાભ થઈ શકે છે. કઈ રીતે? પ્રેરિત પાઊલ આ સરસ જવાબ આપે છે: “શ્રદ્ધા અને ધીરજને લીધે જેઓ વચનોના વારસ છે, તેઓને પગલે ચાલો.” (હિબ્રૂ. ૬:૧૨) આવો આપણે એ ઈશ્વરભક્તો વિશે શીખવાનું શરૂ કરીએ. પણ, એ પહેલાં પાઊલના શબ્દોથી આપણા મનમાં ઊભા થતા અમુક સવાલોનો વિચાર કરીએ: શ્રદ્ધા એટલે શું? આપણા માટે એ કેમ જરૂરી છે? આપણે કઈ રીતે એ ઈશ્વરભક્તોના પગલે ચાલી શકીએ?
શ્રદ્ધા એટલે શું અને એ કેમ જરૂરી છે?
૪. શ્રદ્ધા વિશે લોકો શું માને છે અને એ કેમ તેઓની ભૂલ છે?
૪ શ્રદ્ધા એક સરસ ગુણ છે. આ પુસ્તકમાં જે સ્ત્રી-પુરુષો વિશે શીખીશું, તેઓને મન એ ગુણ અનમોલ હતો. આજે ઘણા લોકોને મન શ્રદ્ધાની બહુ કિંમત નથી. તેઓને લાગે છે કે શ્રદ્ધા એટલે કોઈ પુરાવા કે સાબિતી વગર કશાકમાં માની લેવું. પણ, એ તેઓની ભૂલ છે. શ્રદ્ધાનો અર્થ એ નથી કે આંખો મીંચીને કશાકમાં માની લેવું; એ ફક્ત કોઈ લાગણી કે ભાવના નથી; એ અંધશ્રદ્ધા પણ નથી. આંખો મીંચીને માની લેવું જોખમી છે. શ્રદ્ધાની એવી લાગણી તો આવે ને જાય. ઈશ્વરની વાત આવે ત્યારે ફક્ત તેમનામાં માનવું જ પૂરતું નથી, કેમ કે “દુષ્ટ દૂતો પણ એવું માને છે અને ડરથી કાંપે છે.”—યાકૂ. ૨:૧૯.
૫, ૬. (ક) શ્રદ્ધાનાં કયાં બે પાસાં આપણે જોઈ શકતા નથી? (ખ) આપણી શ્રદ્ધા કેવા નક્કર પાયા પર બંધાયેલી હોવી જોઈએ? દાખલો આપો.
૫ આમ, માન્યતા કે લાગણીઓ કરતાં સાચી શ્રદ્ધા ચડિયાતી છે. બાઇબલ એની કેવી વ્યાખ્યા આપે છે એ યાદ કરો. (હિબ્રૂઓ ૧૧:૧ વાંચો.) પાઊલ અહીં શ્રદ્ધાનાં બે પાસાં વિશે જણાવે છે, જે આપણે નજરે જોઈ શકતા નથી. એક, એવી હકીકતો ‘જે નજરે જોઈ નથી.’ સ્વર્ગમાંની હકીકતો આપણે નરી આંખે જોઈ શકતા નથી. જેમ કે, યહોવા ઈશ્વર, તેમનો દીકરો અથવા સ્વર્ગમાંથી રાજ કરી રહેલું રાજ્ય. બીજું, હજુ બન્યા નથી એવા બનાવો, જેની આપણે “આશા રાખીએ છીએ.” ઈશ્વરનું રાજ્ય જે નવી દુનિયા લઈ આવશે એ આપણે હમણાં જોઈ શકતા નથી. શું એનો અર્થ એ થાય કે એવી હકીકતોનો અને જે બનાવોની આશા રાખીએ છીએ એનો કોઈ પુરાવો નથી?
૬ ના, જરાય નહિ! પાઊલ સમજાવે છે કે સાચી શ્રદ્ધા નક્કર પાયા પર બંધાયેલી છે. તેમણે શ્રદ્ધાને ‘ચોક્કસ પૂરી થશે એવી ખાતરી’ કહી ત્યારે, એવા શબ્દો વાપર્યા જેનું ભાષાંતર “દસ્તાવેજ” પણ થઈ શકે. કલ્પના કરો કે કોઈક તમને ઘર આપવાનું નક્કી કરે છે. તે કદાચ તમારા હાથમાં દસ્તાવેજ આપીને કહે, “આ લો, તમારું નવું ઘર.” ખરું કે તેમના કહેવાનો અર્થ એવો તો નથી જ કે તમે એ દસ્તાવેજ પર રહેશો; પણ, તે કહેવા માંગે છે કે એ એવો ઠોસ પુરાવો છે કે દસ્તાવેજ હાથમાં આવ્યો, એટલે ઘર માનો તમારું થઈ ગયું! એ જ રીતે, આપણી શ્રદ્ધાનો પુરાવો એટલો જોરદાર, ખાતરી આપનારો છે કે આપણે જે માનીએ છીએ એ જોયા બરાબર છે.
૭. સાચી શ્રદ્ધામાં શું સમાયેલું છે?
૭ આમ, સાચી શ્રદ્ધા એટલે યહોવા ઈશ્વર વિશે આપણે જે કંઈ જાણીએ છીએ, એમાં પાક્કી ખાતરી રાખવી અને અડગ ભરોસો રાખવો. શ્રદ્ધાને લીધે યહોવાને આપણા પ્રેમાળ પિતા માનીએ છીએ અને પૂરો ભરોસો રાખીએ છીએ કે તેમનાં બધાં જ વચનો ચોક્કસ પૂરાં થશે. પરંતુ, સાચી શ્રદ્ધામાં હજુ વધારે સમાયેલું છે. કોઈ સજીવ વસ્તુની જેમ આપણી શ્રદ્ધાને પણ જીવંત રાખવા એનું પોષણ કરવું જોઈએ. એ આપણાં કાર્યોમાં દેખાઈ આવવી જોઈએ, નહિ તો એ મરી પરવારશે.—યાકૂ. ૨:૨૬.
૮. શ્રદ્ધા કેમ આટલી મહત્ત્વની છે?
૮ શ્રદ્ધા કેમ આટલી મહત્ત્વની છે? પાઊલ પાક્કી ખાતરી કરાવતો જવાબ આપે છે. (હિબ્રૂઓ ૧૧:૬ વાંચો.) શ્રદ્ધા વગર ન તો પ્રાર્થનામાં યહોવા પાસે જઈ શકીશું કે ન તો તેમના દિલને ખુશ કરી શકીશું. એટલે, જો આપણે સૌથી શ્રેષ્ઠ, સૌથી સારો હેતુ પાર પાડવો હોય તો શ્રદ્ધા બહુ મહત્ત્વની છે. એ હેતુ છે, આપણા ઈશ્વર યહોવાની પાસે જવું અને તેમને મહિમા આપવો.
૯. યહોવા જાણે છે કે આપણને શ્રદ્ધાની જરૂર છે, એવું તેમણે કઈ રીતે બતાવ્યું?
૯ યહોવા જાણે છે કે આપણે શ્રદ્ધા રાખીએ, એ ખૂબ મહત્ત્વનું છે. એટલે જ તેમણે એવા દાખલા પૂરા પાડ્યા છે, જેની મદદથી આપણે શ્રદ્ધા કેળવી શકીએ અને એ પ્રમાણે જીવી શકીએ. તેમણે શ્રદ્ધા રાખનારા આગેવાનોનાં ઉદાહરણો પૂરા પાડીને આપણાં મંડળોને આશીર્વાદ આપ્યો છે. બાઇબલ કહે છે: “તેઓએ બતાવેલી શ્રદ્ધાને પગલે ચાલો.” (હિબ્રૂ. ૧૩:૭) તેમણે હજુ વધારે મદદ આપી છે. પાઊલે ‘મોટા વાદળની જેમ સાક્ષીઓના ટોળા’ વિશે લખ્યું. અગાઉના સમયનાં એ સ્ત્રી-પુરુષોએ આપણા માટે શ્રદ્ધાનો અજોડ નમૂનો પૂરો પાડ્યો છે. (હિબ્રૂ. ૧૨:૧) હિબ્રૂઓના ૧૧મા અધ્યાયમાં પાઊલે શ્રદ્ધા રાખનારાઓની જે યાદી આપી, એ સિવાય પણ બીજા ઘણા ઈશ્વરભક્તો છે. જુદા જુદા માહોલમાંથી આવતા, નાના-મોટા અનેક ઈશ્વરભક્તોની જીવન-સફર વિશે બાઇબલ ભરપૂર માહિતી આપે છે. તેઓએ જીવનમાં અડગ શ્રદ્ધા બતાવી હતી. શ્રદ્ધા વિનાની આ દુનિયામાં તેઓ આપણને ઘણું શીખવી જાય છે.
બીજાઓની શ્રદ્ધાને પગલે કઈ રીતે ચાલી શકીએ?
૧૦. બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તોને પગલે ચાલવા આપણો અભ્યાસ કઈ રીતે મદદ કરી શકે?
૧૦ કોઈને પગલે ચાલતા પહેલાં તમારે ધ્યાનથી જોવું પડે કે તે કેવા છે. આ પુસ્તક વાંચો તેમ, તમે જોઈ શકશો કે આ શ્રદ્ધાળુ સ્ત્રી-પુરુષો વિશે જાણવા મદદ મળે, એ માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું છે. કેમ નહિ કે તમે પણ એવી જ રીતે વધારે સંશોધન કરો! અભ્યાસ કરો તેમ, બાઇબલનો ખજાનો શોધવા તમારી પાસે હોય એ સાધનો વાપરો. અભ્યાસ કરતી વખતે, બાઇબલના અહેવાલોની જગ્યા અને આસપાસના વાતાવરણની કલ્પના કરો. જાણે તમે ત્યાં જ હો એમ એ દૃશ્ય જુઓ, અવાજ સાંભળો, વાતાવરણની ખુશબો લો. ખાસ તો એ દૃશ્યમાંના લોકોની લાગણીઓ મહેસૂસ કરો. એ ઈશ્વરભક્તોના હમદર્દ બનશો તો તેઓ જાણે તમારી સામે હોય, તેઓને વર્ષોથી ઓળખતા હો એવું લાગશે. અરે, અમુક તો જાણે વર્ષો પુરાણા મિત્રો બની ગયા હોય એવું લાગશે.
૧૧, ૧૨. (ક) તમે કઈ રીતે ઈબ્રામ અને સારાહના મિત્રો બની શકો? (ખ) હાન્ના, એલિયા અથવા શમૂએલના દાખલામાંથી લાભ મેળવવા તમે શું કરી શકો?
૧૧ તેઓને સારી રીતે ઓળખશો તેમ, તમે તેઓને પગલે ચાલવા માંગશો. દાખલા તરીકે, તમે કોઈ નવી સોંપણીમાં જવાનો વિચાર કરો છો. યહોવાના સંગઠન દ્વારા તમને કોઈક રીતે તમારું પ્રચાર કામ વધારવાનું કહેવામાં આવે છે. કદાચ તમને એવી જગ્યાએ જવાનું કહેવામાં આવે, જ્યાં પ્રચાર કરવા વધારે ભાઈ-બહેનોની જરૂર છે. અથવા તમે અજાણ હો કે બહુ ગમતી ન હોય એવી અમુક રીતે પ્રચાર કરવાનું કહેવામાં આવે. એ સોંપણીની તૈયારી કરો અને એના વિશે પ્રાર્થના કરો ત્યારે, શું ઈબ્રામના દાખલા પર મનન કરવાથી મદદ મળી શકે? તે અને સારાય ઉર દેશના એશોઆરામ છોડવા તૈયાર હતા. એમ કરવાથી, તેઓને પુષ્કળ આશીર્વાદ મળ્યા. તેઓના પગલે ચાલવાથી તમને ચોક્કસ લાગશે કે તમે હવે તેઓને અગાઉ કરતાં ઘણી સારી રીતે જાણો છો.
૧૨ માનો કે તમારા કોઈ મિત્ર કે સગા-વહાલા તમારી સાથે કપટથી વર્તે અને તમે નિરાશ થઈ જાઓ. અરે, સભાઓમાં જવાને બદલે ઘરે જ રહેવાનું મન થાય. એવા સમયે તમે શું કરશો? હાન્નાનો વિચાર કરો. તે પનિન્નાના કપટી વર્તનથી પડી ભાંગી નહિ, પણ યહોવાની ભક્તિ કરતી રહી. એનાથી તમને ખરો નિર્ણય લેવા મદદ મળી શકે. અરે, એવું લાગશે કે હાન્ના તમારી ખાસ મિત્ર છે. જો તમને નકામા હોવાની લાગણી સતાવતી હોય અને હિંમત હારી ગયા હો, તો તમને એલિયાનો દાખલો હિંમત આપશે. જુઓ કે તેમને કેવી કેવી તકલીફો પડી અને કઈ રીતે યહોવાએ તેમને હિંમત આપી. યુવાનો વિશે શું? ખરાબ ચારિત્રવાળા સ્કૂલના દોસ્તારો તરફથી તેઓ પર ખોટાં કામો કરવા એક પછી એક દબાણ આવે છે. તેઓ શમૂએલ વિશે શીખે કે યહોવાના મંડપમાં એલીના દીકરાઓની ભ્રષ્ટ અસરથી તે કઈ રીતે બેદાગ રહ્યા. એમ કરીને યુવાનો શમૂએલના જિગરી દોસ્ત બની શકે છે.
૧૩. બીજા ઈશ્વરભક્તોને પગલે ચાલવાથી, શું યહોવાની નજરમાં તમારી શ્રદ્ધા ઓછી થઈ જાય છે? સમજાવો.
૧૩ બીજા ઈશ્વરભક્તોને પગલે ચાલવાથી, શું યહોવાની નજરમાં તમારી શ્રદ્ધા ઓછી થઈ જાય છે? જરાય નહિ! બાઇબલ તો ઉત્તેજન આપે છે કે આપણે શ્રદ્ધા રાખનારા લોકોને પગલે ચાલીએ. (૧ કોરીં. ૪:૧૬; ૧૧:૧; ૨ થેસ્સા. ૩:૭, ૯) આ પુસ્તકમાં જેઓનો અભ્યાસ કરીશું, તેઓમાંના અમુક પોતે અગાઉના ઈશ્વરભક્તોને પગલે ચાલ્યા હતા. જેમ કે, આ પુસ્તકના ૧૭મા પ્રકરણમાં જોઈએ છીએ કે મરિયમે વાપરેલા શબ્દો હાન્નાના હતા. એ બતાવે છે કે મરિયમ પોતે હાન્નાના પગલે ચાલી. શું એના લીધે મરિયમની શ્રદ્ધા ઘટી ગઈ? ના, બિલકુલ નહિ! એના બદલે, હાન્નાના દાખલામાંથી મરિયમને પોતાની શ્રદ્ધા દૃઢ કરવા મદદ મળી, જેનાથી તે યહોવા સાથે અતૂટ સંબંધ બાંધી શકી.
૧૪, ૧૫. આ પુસ્તકની અમુક ખાસિયતો જણાવો. એમાંથી આપણે કઈ રીતે લાભ લઈ શકીએ?
૧૪ આ પુસ્તક એ રીતે રચવામાં આવ્યું છે કે તમારી શ્રદ્ધા દૃઢ કરવા મદદ મળે. હવે શરૂ થતાં પ્રકરણો “તેમની શ્રદ્ધાને અનુસરો” લેખોમાંથી ભેગાં કરવામાં આવ્યાં છે. એ લેખો ૨૦૦૮થી ૨૦૧૩ના વૉચટાવરમાં બહાર પડ્યા હતા.a જોકે, આ પુસ્તકમાં અમુક નવી માહિતી ઉમેરવામાં આવી છે. ચર્ચા કરવા અને લાગુ પાડવા માટે સવાલો છે. એમાં રંગીન અને નાની નાની વિગતો આપતાં ઘણાં ચિત્રો પણ છે; તેમ જ, ચિત્રો મોટાં કરાયાં છે અને વધારે સરસ બનાવાયાં છે. વધારે મદદ મળે એ માટે સમય-રેખા અને નકશાઓ પણ છે. તેઓની શ્રદ્ધાને પગલે ચાલો પુસ્તક પોતાના, કુટુંબના અને મંડળના અભ્યાસ માટે તૈયાર કરાયું છે. કુટુંબો સાથે મળીને આ વાર્તાઓ મોટેથી વાંચવાનો આનંદ માણી શકે છે.
૧૫ અમારી પ્રાર્થના છે કે અગાઉના વફાદાર ઈશ્વરભક્તોની શ્રદ્ધાને અનુસરવા આ પુસ્તક તમને મદદ કરે. યહોવા પિતાની હજુ વધારે નિકટ જાઓ તેમ, એ તમારી શ્રદ્ધા અડગ બનાવવા મદદ કરે!
a ગુજરાતીમાં ફક્ત અમુક લેખો જ બહાર પડ્યા છે.