યહોવાહ સામે લડનારા ટકશે નહિ!
“તેઓ તારી સાથે યુદ્ધ કરશે; પણ તને હરાવશે નહિ.”—યિર્મેયાહ ૧:૧૯.
યહોવાહ દેવે યુવાન યિર્મેયાહને પ્રબોધક તરીકે લોકો પાસે મોકલ્યા. (યિર્મેયાહ ૧:૫) એ યહુદાહના સારા રાજા યોશીયાહના સમયમાં બન્યું. પ્રબોધક યિર્મેયાહનું સેવાકાર્ય લાંબો સમય ચાલ્યું. બાબેલોનીઓએ યરૂશાલેમ પર વિજય મેળવ્યો એ પહેલાંથી શરૂ કરીને, દેવના લોકો બંદીવાસમાં લઈ જવાયા, એ સર્વ મુશ્કેલ સમયે તેમણે સેવા આપી.—યિર્મેયાહ ૧:૧-૩.
૨ એવા સમયે યિર્મેયાહે ન્યાયદંડ વિષે જણાવવું, એ સામે ચાલીને આફતને આમંત્રણ આપવા બરાબર હતું. તેથી, દેવે તેમને આવનાર વિરોધ માટે તૈયાર કર્યા. (યિર્મેયાહ ૧:૮-૧૦) દાખલા તરીકે, પ્રબોધકને આ શબ્દોથી હિંમત મળી હશે: “તેઓ તારી સાથે યુદ્ધ કરશે; પણ તને હરાવશે નહિ; કેમકે તારો છૂટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવાહ કહે છે.” (યિર્મેયાહ ૧:૧૯) યિર્મેયાહ સામે લડવાનો અર્થ, યહોવાહ સામે લડવા બરાબર હતો. આજે, યહોવાહના સેવકોનું કાર્ય પણ પ્રબોધક યિર્મેયાહ જેવું જ છે. યિર્મેયાહની જેમ, તેઓ પણ હિંમતથી યહોવાહની ભવિષ્યવાણીઓ જાહેર કરે છે. આ સંદેશો સર્વને અસર કરે છે. એ તેઓ માટે સારો છે કે ખરાબ, એનો નિર્ણય તેઓ એ વિષે શું કરે છે એના પરથી થાય છે. યિર્મેયાહના સમયની જેમ જ, આજે પણ એવા લોકો છે જેઓ દેવના ઉત્સાહી સેવકો અને તેઓનાં કાર્યનો વિરોધ કરીને દેવની વિરુદ્ધ થાય છે.
યહોવાહના સેવકો વિરુદ્ધ લડાઈ
૩ વીસમી સદીની શરૂઆતથી યહોવાહના લોકો વિરુદ્ધ લડાઈ થતી આવી છે. ઘણા દેશોમાં, દુષ્ટ લોકોએ દેવના રાજ્યનો આ શુભ સંદેશ અટકાવવાનો, અરે બંધ કરી દેવાના પ્રયત્ન પણ કર્યા છે. તેઓ આપણા મુખ્ય શત્રુ, શેતાનથી પ્રેરાયેલા છે, જે “ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” (૧ પીતર ૫:૮) “વિદેશીઓના સમયો” ૧૯૧૪માં પૂરા થયા પછી, યહોવાહે પોતાના દીકરાને પૃથ્વીના નવા રાજા બનાવ્યા, અને આજ્ઞા આપી: “તારા શત્રુઓ ઉપર રાજ કર.” (લુક ૨૧:૨૪; ગીતશાસ્ત્ર ૧૧૦:૨) એ સત્તા મળ્યા પછી, ખ્રિસ્ત ઈસુએ શેતાનને આકાશમાંથી નીચે ફેંક્યો, અને પૃથ્વીની હદમાં જ રહેવાની છૂટ આપી. પોતાની ઘડીઓ ગણાઈ રહી છે એ જાણીને, શેતાન હવે અભિષિક્ત ખ્રિસ્તીઓ અને તેઓના મિત્રો પર ક્રોધે ભરાયો છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૭) યહોવાહ દેવ વિરુદ્ધ જનારાઓની લડાઈના કેવાં પરિણામ આવ્યાં છે?
૪ પ્રથમ વિશ્વયુદ્ધમાં, યહોવાહના અભિષિક્ત સેવકોએ વિશ્વાસની ઘણી કસોટીઓનો સામનો કર્યો. તેઓની ઠઠ્ઠામશ્કરી અને નિંદા થઈ, ઉશ્કેરાયેલા ટોળાઓએ હેરાન કર્યા, અને મારવામાં પણ આવ્યા. ઈસુએ ભાખ્યું હતું તેમ, ‘સર્વ પ્રજાઓએ તેઓનો દ્વેષ’ કર્યો. (માત્થી ૨૪:૯) યુદ્ધ સમયે, દેવના રાજ્યના દુશ્મનોએ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ વાપરેલી કપટી રીતોનો પણ ઉપયોગ કર્યો. તેઓએ યહોવાહના લોકો પર જૂઠાં તહોમતો મૂક્યાં, અને દેવના દૃશ્ય સંગઠનના મુખ્ય કેન્દ્ર પર હુમલો કર્યો. મે ૧૯૧૮માં સોસાયટીના પ્રમુખ જે. એફ. રધરફર્ડ અને તેમના સંગાથીઓને પકડીને જેલમાં પૂરવાનો હુકમ આપવામાં આવ્યો. આ આઠ ભાઈઓને સખત કેદની સજા આપવામાં આવી, અને તેઓને એટ્લાંટા, જ્યોર્જિયા, યુ.એસ.એ.માં જેલમાં મોકલી દેવાયા. નવ મહિના પછી તેઓને છોડી મૂકવામાં આવ્યા. મે ૧૯૧૯માં, ઉપરી અદાલતે જાહેર કર્યું કે આરોપીઓને પક્ષપાત કરવામાં આવ્યો હતો. તેથી, નિર્ણય અલગ જ આવ્યો. મુકદ્દમો ફરીથી ચાલ્યો, અને સરકારે સજા પાછી ખેંચી લીધી. ભાઈ રધરફર્ડ અને તેમના સંગાથીઓ ખોટા આરોપોથી પૂરેપૂરા નિર્દોષ જાહેર થયા. તેઓ પાછા કાર્યમાં વ્યસ્ત થયા, અને ૧૯૧૯ તથા ૧૯૨૨માં સીદાર પોઈન્ટ, ઓહાયોમાં થયેલાં મહાસંમેલનોએ પ્રચાર કાર્યને પૂરજોશમાં ચાલુ રાખવાની નવી પ્રેરણા આપી.
૫ આકરી સત્તાની શરૂઆત ૧૯૩૦ પછી શરૂ થઈ, અને જર્મની, ઇટાલી, તથા જાપાને ભેગા મળીને એક સત્તા બનાવી. એ સમયે, દેવના લોકોને ખાસ કરીને નાઝી જર્મનીમાં ક્રૂર સતાવણી થઈ. પ્રચાર કાર્યની સખત મનાઈ થઈ. ઘરોમાં શોધખોળ કરવામાં આવી, અને ઘરના લોકોને પકડી લઈ જવાયા. હજારો ભાઈઓને જુલમી છાવણીમાં કેદ કર્યા, કારણ કે તેઓ પોતાની ભક્તિમાં અડગ રહ્યા. યહોવાહ અને તેમના લોકો વિરુદ્ધ લડાઈનો ધ્યેય, ત્યાંથી તેઓનું નામનિશાન કાઢી નાખવાનો હતો.a યહોવાહના સાક્ષીઓ પોતાના હક્ક માટે જર્મનીની અદાલતમાં ગયા ત્યારે, તેઓએ યહોવાહના સાક્ષીઓને કોઈ દાદ ન આપે, એ માટે લાંબી લાંબી દલીલો તૈયાર કરી. તેઓએ કહ્યું: “અદાલતે ફક્ત કાયદાને કારણે હાર માની લેવી જોઈએ નહિ; પરંતુ, તેણે શિષ્ટાચાર બાજુએ મૂકીને પોતાની મુખ્ય ફરજ બજાવવા, કોઈક માર્ગ કાઢવો જોઈએ.” એનો અર્થ ખરો ન્યાય મળવાની કોઈ આશા ન હતી. નાઝીઓએ દાવો કરવાનું ચાલુ રાખ્યું કે યહોવાહના સાક્ષીઓ દુશ્મનો, અથવા વિરોધીઓ છે અને તેઓ ‘રાષ્ટ્રના સમાજમાં ખલેલ પહોંચાડે છે.’
૬ બીજા વિશ્વયુદ્ધમાં, લોકશાહી દેશોએ પણ યહોવાહના લોકોના કાર્યની મનાઈ ફરમાવી. જેમાં ઑસ્ટ્રેલિયા, કૅનેડા, અને બ્રિટીશ રાજ હેઠળના આફ્રિકા, એશિયા અને કેરેબિયન તથા પૅસિફિકના ટાપુઓમાં પણ મનાઈ ફરમાવવામાં આવી. યુનાઈટેડ સ્ટેટ્સમાં, લાગવગ ધરાવનાર દુશ્મનો, અને ખોટી માહિતી મેળવનાર લોકો “નિયમસર” સતાવણી લાવ્યા. (ગીતશાસ્ત્ર ૯૪:૨૦) પરંતુ, ધ્વજ-વંદન, અને ઘરઘરના પ્રચારકાર્યની મનાઈ વિષે અદાલતમાં કેસ ચાલ્યો, અને યુનાઈટેડ સ્ટેટ્સમાં અદાલતે આપેલા નિર્ણયોએ ઉપાસનાની સ્વતંત્રતાને ટેકો આપવામાં મોટો ભાગ ભજવ્યો છે. યહોવાહનો ઘણો ઘણો આભાર કે દુશ્મનો નિષ્ફળ ગયા. યુરોપમાં યુદ્ધ પૂરું થવા આવ્યું ત્યારે, પ્રચાર કાર્યનો મનાઈ હુકમ રદ થયો. જર્મનીની જુલમી છાવણીના હજારો યહોવાહના લોકો છૂટ્યા, પણ લડાઈ હજુ ચાલુ જ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ, શીતયુદ્ધ શરૂ થયું. હવે, પૂર્વીય યુરોપમાં યહોવાહના લોકો પર દબાણ મૂકાયું. આપણા પ્રચાર કાર્યમાં ખલેલ પાડવા કે એને અટકાવવા કાયદેસર પગલાં લેવામાં આવ્યાં, બાઇબલ સાહિત્ય અને સંમેલનોની મનાઈ થઈ. ઘણાને જેલમાં પૂરવામાં આવ્યા અથવા મજૂર તરીકે કેદ કરવામાં આવ્યા.
પ્રચારકાર્ય ચાલુ!
૭ વર્ષો પસાર થયાં તેમ, કાર્ય પરથી મનાઈ હુકમ ઉઠાવી લેવામાં આવ્યો. સામ્યવાદી શાસન હોવા છતાં, પોલૅન્ડે ૧૯૮૨માં એક દિવસના મહાસંમેલનની પરવાનગી આપી. પછી, ૧૯૮૫માં આંતરરાષ્ટ્રીય મહાસંમેલનો ભરવામાં આવ્યાં. વળી, ૧૯૮૯માં મોટાં મોટાં આંતરરાષ્ટ્રીય મહાસંમેલનો ભરવામાં આવ્યાં, જેમાં રશિયા અને યુક્રેનમાંથી હજારો ભાઈઓ ભેગા થયા. એ જ વર્ષે, હંગેરી અને પોલૅન્ડે યહોવાહના સાક્ષીઓને કાયદેસર મંજૂરી આપી. વર્ષ ૧૯૮૯ની પાનખર ઋતુમાં બર્લિનની દીવાલ તૂટી. થોડા મહિના પછી, આપણા કાર્યને પૂર્વ જર્મનીમાં કાયદેસર મંજૂરી મળી. એ પછી તરત જ બર્લિનમાં આંતરરાષ્ટ્રીય મહાસંમેલન રાખવામાં આવ્યું. વીસમી સદીના અંતે, રશિયાના ભાઈઓ સાથે વ્યક્તિગત સંપર્ક સાધવામાં આવ્યો. મોસ્કોના કેટલાક અધિકારીઓની મુલાકાત લઈને, ૧૯૯૧માં યહોવાહના સાક્ષીઓને કાયદેસર ઓળખ આપવામાં આવી. એ પછી, રશિયામાં અને અગાઉના સોવિયેત યુનિયનનો ભાગ હતા, એવા પ્રજાસત્તાક દેશોમાં પણ કાર્યમાં પુષ્કળ વધારો થયો છે.
૮ જોકે, અમુક દેશોમાં સતાવણી ઓછી થઈ, પણ અમુક દેશોમાં વધી. બીજા વિશ્વયુદ્ધ પછીનાં ૪૫ વર્ષમાં, ઘણા દેશોએ યહોવાહના સાક્ષીઓને કાયદેસર મંજૂરી આપવાનો નકાર કર્યો. વધુમાં, આફ્રિકામાં ૨૩, એશિયામાં ૯, યુરોપમાં ૮, લૅટિન અમેરિકામાં ૩, અને અમુક ટાપુઓમાં ૪ દેશોમાં આપણા પર કે આપણાં કાર્ય પર મનાઈ હુકમ આપવામાં આવ્યો.
૯ મલાવીમાં યહોવાહના લોકોએ ૧૯૬૭થી સખત સતાવણી સહન કરી. એ દેશના આપણા ભાઈઓ રાજકારણમાં ભાગ ન લેતા હોવાને કારણે રાજકીય પાર્ટીનું કાર્ડ ખરીદવાની ના પાડી. (યોહાન ૧૭:૧૬) મલાવીની કોન્ગ્રેસ પાર્ટીની સભા પછી, ૧૯૭૨માં ક્રૂરતામાં વધારો થયો. ભાઈઓને ખુદ પોતાનાં ઘરોમાંથી કાઢી મૂકાયા, અને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા. હજારો સાક્ષીઓ કતલથી બચવા દેશમાંથી નાસી છૂટ્યા. શું દેવ અને તેમના લોકોની વિરુદ્ધ લડનારાઓ જીતી શક્યા? ના! સંજોગો બદલાયા પછી, ૧૯૯૯માં મલાવીમાં ૪૩,૭૬૭ પ્રકાશકોએ અહેવાલ આપ્યો, અને ૧,૨૦,૦૦૦ કરતાં વધારે લોકોએ ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં હાજરી આપી. પાટનગરમાં નવી શાખા કચેરી બાંધવામાં આવી.
બહાના શોધવાં
૧૦ ધર્મત્યાગીઓ, પાદરીઓ અને બીજાઓને દેવના શબ્દમાંનો આપણો સંદેશ સાંભળવો જ નથી. ખ્રિસ્તીરાષ્ટ્રના નેતાઓના દબાણથી, વિરોધીઓ ખોટા નિયમસરના માર્ગો શોધે છે, જેથી આપણી વિરુદ્ધની લડાઈને યોગ્ય ઠેરવી શકે. તેઓ કેવી કેવી કપટી રીતોનો ઉપયોગ કરે છે? પ્રબોધક દાનીયેલ વિરુદ્ધ કપટી લોકોએ કઈ રીત અજમાવી? દાનીયેલ ૬:૪, ૫માં આપણે વાંચીએ છીએ: “પેલા સરસૂબાઓ તથા સૂબાઓ રાજ્યની બાબતમાં દાનીયેલની વિરુદ્ધ બાનું ખોળી કાઢવાનો યત્ન કરવા લાગ્યા; પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહિ; કેમકે તે વિશ્વાસુ હતો, ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલૂમ પડ્યો નહિ. ત્યારે એ માણસોએ કહ્યું, કે જો તેના દેવના નિયમની બાબતમાં તેની વિરૂદ્ધ આપણને કંઈ નિમિત્ત ન મળે, તો આપણને આ દાનીયેલની વિરૂદ્ધ બીજું કંઈ નિમિત્ત મળી શકવાનું નથી.” એવી જ રીતે, આજે વિરોધીઓ બહાના શોધે છે. તેઓ “જોખમી પંથો” વિષે અફવા ફેલાવે છે, અને યહોવાહના લોકોને પણ એવા પંથોમાં ગણે છે. ખોટી અફવાઓ, ખોટા વાંધાઓ, અને જૂઠાણાંથી તેઓ આપણી ઉપાસના પર, અને દેવનાં ધોરણોને વળગી રહેવા પર હુમલો કરે છે.
૧૧ કેટલાક દેશોમાં, ધાર્મિક અને રાજકીય લોકોને સ્વીકારવું નથી કે, આપણે આપણા “દેવની . . . આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા” પાળીએ. (યાકૂબ ૧:૨૭) આપણું કાર્ય ૨૩૪ દેશોમાં ચાલી રહ્યું છે છતાં, વિરોધીઓ દાવો કરે છે કે આપણો “ધર્મ જાણીતો” નથી. વર્ષ ૧૯૯૮માં આંતરરાષ્ટ્રીય મહાસંમેલનના થોડા દિવસો અગાઉ, એથેન્સના છાપામાં ગ્રીક ઑર્થોડૉક્ષ પાદરીના એવા દાવાનો ઉલ્લેખ કર્યો કે “[યહોવાહના સાક્ષીઓ]નો ‘ધર્મ જાણીતો’ નથી.” જોકે, યુરોપની માનવ હક્કોની અદાલતે એનાથી જુદો જ નિર્ણય લીધો. થોડા દિવસો પછી, એ જ શહેરના બીજા છાપામાં એક ચર્ચના પ્રતિનિધિએ આમ કહ્યું: “[યહોવાહના સાક્ષીઓ] ‘ખ્રિસ્તી મંડળ’ હોય જ ન શકે, કેમ કે તેઓ ઈસુ ખ્રિસ્તનાં શિક્ષણમાં વિશ્વાસ રાખતા નથી.” આ ખરેખર નવાઈ પમાડે છે, કેમ કે યહોવાહના સાક્ષીઓ ઈસુને પગલે ચાલવા પર જેટલો ભાર મૂકે છે, એટલો બીજું કોઈ પણ ધાર્મિક વૃંદ મૂકતું નથી.
૧૨ આપણે હંમેશા સુસમાચારની કાયદેસર મંજૂરી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. (ફિલિપી ૧:૭) છતાં, દેવનાં ન્યાયી ધોરણોને વળગી રહેવામાં નમતું જોખીશું નહિ. (તીતસ ૨:૧૦, ૧૨) યિર્મેયાહની જેમ, આપણે દેવ વિરુદ્ધ લડનારાઓથી બીવાની કોઈ જરૂર નથી, પણ ‘કમર બાંધીને યહોવાહે આપેલી આજ્ઞાઓ વિષે કહેવાની’ જરૂર છે. (યિર્મેયાહ ૧:૧૭, ૧૮) યહોવાહના પવિત્ર શબ્દ, બાઇબલમાં આપણે જેના પર ચાલવું જોઈએ એ સાચો માર્ગ સ્પષ્ટ બતાવ્યો છે. આપણે કદી પણ આ જગત એટલે કે, “માત્ર માણસો” કે “મિસરની છાયાનું શરણ” શોધી, એના પર ભરોસો રાખીશું નહિ. (૨ કાળવૃત્તાંત ૩૨:૮; યશાયાહ ૩૦:૩; ૩૧:૧-૩) આ લડાઈમાં, આપણે પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખીએ, પોતાની જ અક્કલ પર આધાર ન રાખીએ, પરંતુ દરેક બાબતમાં તેમણે બતાવેલા માર્ગ પર ચાલીએ. (નીતિવચન ૩:૫-૭) આપણને યહોવાહનો ટેકો અને રક્ષણ ન મળે તો, આપણું સર્વ કાર્ય “કેવળ વ્યર્થ” જશે.—ગીતશાસ્ત્ર ૧૨૭:૧.
સતાવણી છતાં અડગ રહેવું
૧૩ યહોવાહ દેવને સતત ભક્તિ આપવા વિષે આપણી પાસે ઈસુ ખ્રિસ્તનું સૌથી સુંદર ઉદાહરણ છે. તેમના પર લોકોને અવળે માર્ગે લઈ જનાર અને સમાજમાં અશાંતિ ઊભી કરવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો. બધી વિગતો ઝીણવટથી તપાસ્યા પછી, પીલાત ઈસુને છોડી મૂકવા ચાહતો હતો, કેમ કે ઈસુ નિર્દોષ હતા. છતાં, ધાર્મિક આગેવાનોથી ઉશ્કેરાયેલા ટોળાએ, ઈસુને મારી નાખવાની બૂમો પાડી. ઈસુને બદલે તેઓ બારાબાસને છોડી મૂકવાનું કહે છે, જે બંડ અને ખૂનને કારણે જેલમાં હતો! પીલાતે ફરીથી ગેરવાજબી વિરોધીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો. છેવટે, તે લોકોના ઘોંઘાટ અને માંગણી સામે નમતું જોખે છે. (લુક ૨૩:૨, ૫, ૧૪, ૧૮-૨૫) ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા. છતાં, દેવના નિર્દોષ દીકરા પરનો એ ઘાતક હુમલો તદ્દન નિષ્ફળ ગયો. શા માટે? એનું કારણ એ કે, યહોવાહ દેવે ઈસુને સજીવન કર્યા, અને પોતાના જમણા હાથે બેસાડી વધારે ગૌરવ આપ્યું. મહિમાવંત ઈસુ દ્વારા, પેન્તેકોસ્તના દિવસે પવિત્ર આત્મા રેડવામાં આવ્યો અને “નવી ઉત્પત્તિ” થઈ, એટલે કે, ખ્રિસ્તી મંડળ સ્થાપવામાં આવ્યું.—૨ કોરીંથી ૫:૧૭; પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪.
૧૪ એ પછી થોડા જ સમયમાં, ધાર્મિક આગેવાનોએ પ્રેષિતોને ધમકી આપી. પરંતુ, ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ જે જોયું અને સાંભળ્યું હતું, એના વિષે બોલવાનું બંધ કર્યું નહિ. પરંતુ, તેઓએ યહોવાહને પ્રાર્થના કરી: “હવે, હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે, અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ.” (પ્રેરિતોના કૃત્યો ૪:૨૯) યહોવાહે તેઓની પ્રાર્થના સાંભળી. તેઓને પવિત્ર આત્માથી ભરપૂર કર્યા, અને તેઓને હિંમતથી પ્રચાર કરવાનું ચાલુ રાખવા દૃઢ કર્યા. ફરીથી, પ્રેષિતોને ફરીથી પ્રચાર બંધ કરવાનો હુકમ આપવામાં આવ્યો. પરંતુ, પીતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો: “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.” (પ્રેરિતોના કૃત્યો ૫:૨૯) ધાક-ધમકી, કેદ, અને મારથી રાજ્યનો પ્રચાર કરવાનું તેઓનું કાર્ય બંધ પડ્યું નહિ.
૧૫ હવે, ધાર્મિક આગેવાનોએ શું કર્યું? “તે સાંભળીને તેઓના મન વીંધાઈ ગયાં, અને તેઓએ તેમને [પ્રેષિતોને] મારી નાખવાનો મનસૂબો કર્યો.” છતાં, ગમાલીએલ નામના એક ફરોશી ત્યાં હતા, અને સર્વ લોકો તેમને માન આપતા. પ્રેષિતોને જરા વાર સાન્હેડ્રીનની બહાર મોકલીને, તેમણે ધાર્મિક વિરોધીઓને સલાહ આપી: “ઓ ઈસ્રાએલી માણસો, આ માણસોને તમે જે કરવા ધારો છો તે વિષે સાવચેત રહો. . . . હવે હું તમને કહું છું, કે આ માણસોથી તમે આઘા રહો, અને તેમને રહેવા દો; કેમકે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઊથલી પડશે; પણ જો દેવનું હશે તો તમારાથી તે ઉથલાવી નંખાશે નહિ; નહિ તો કદાપિ તમે દેવની સામા પણ લડનારા જણાશો.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૩-૩૯.
દેવના લોકો વિરુદ્ધ કોઈ સફળ થશે નહિ
૧૬ ગમાલીએલની સલાહ શાણી હતી, અને આપણા પક્ષે કોઈ આ રીતે બોલે ત્યારે, આપણે એની કદર કરીએ છીએ. તેમ જ, આપણે ઉપાસનાની સ્વતંત્રતા આપતા નિષ્પક્ષપાતી ન્યાયાધીશોની પણ કદર કરીએ છીએ. છતાં, આપણે બાઇબલનાં સિદ્ધાંતો અને શિક્ષણને વળગી રહીએ છીએ, એ ખ્રિસ્તીરાષ્ટ્રના પાદરીઓ અને મહાન બાબેલોનના આગેવાનોને ગમતું નથી. (પ્રકટીકરણ ૧૮:૧-૩) તેઓ અને તેમના ઈશારે નાચનારા આપણી સામે લડે છે છતાં, આપણને આ ખાતરી છે: “તારી વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરૂદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાહના સેવકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, એમ યહોવાહ કહે છે.”—યશાયાહ ૫૪:૧૭.
૧૭ વિરોધીઓ નકામા આપણી વિરુદ્ધ લડે છે, પણ આપણે કદી પડતું મૂકીશું નહિ. (ગીતશાસ્ત્ર ૧૦૯:૧-૩) તેમ જ, સત્ય અને બાઇબલ સંદેશો પસંદ ન કરનારાઓથી ગભરાઈને આપણો વિશ્વાસ તોડીશું નહિ. ભલે આ લડાઈ વધારે મુશ્કેલ બને, છતાં આપણે એનું પરિણામ જાણીએ છીએ. યિર્મેયાહની જેમ, આપણે પણ આ ભવિષ્યવાણી પૂરી થતી જોઈશું: “તેઓ તારી સાથે યુદ્ધ કરશે; પણ તને હરાવશે નહિ; કેમકે તારો છૂટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવાહ કહે છે.” (યિર્મેયાહ ૧:૧૯) ખરેખર, યહોવાહ દેવ સામે લડનારાઓ કદી જીતશે નહિ!
[ફુટનોટ]
a પાન ૨૪-૮ પર “નાઝી અત્યાચાર છતાં, વફાદાર અને નીડર” લેખ જુઓ.
તમારો જવાબ શું છે?
• શા માટે યહોવાહના સેવકોની સતાવણી થાય છે?
• યહોવાહના લોકો વિરુદ્ધ કઈ રીતે વિરોધીઓ લડી રહ્યા છે?
• શા માટે આપણે ખાતરી રાખીએ છીએ કે દેવ સામે લડનારાઓ ટકશે નહિ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. યિર્મેયાહને કયું કાર્ય સોંપવામાં આવ્યું, અને એ ક્યાં સુધી ચાલ્યું?
૨. યહોવાહે યિર્મેયાહને કઈ રીતે હિંમત આપી, અને પ્રબોધક વિરુદ્ધ લડનારા કોની વિરુદ્ધ લડતા હતા?
૩. શા માટે યહોવાહના લોકોનો વિરોધ થાય છે?
૪. પ્રથમ વિશ્વયુદ્ધમાં યહોવાહના લોકોને કઈ સતાવણી થઈ, પરંતુ ૧૯૧૯ અને ૧૯૨૨માં શું થયું?
૫. નાઝી જર્મનીના સમયમાં યહોવાહના સાક્ષીઓનું શું થયું?
૬. બીજા વિશ્વયુદ્ધમાં અને એ પછી આપણું કાર્ય બંધ કરવાના કયા પ્રયત્નો થયા?
૭. હાલમાં પોલૅન્ડ, રશિયા અને બીજા દેશોમાં યહોવાહના લોકોને કેવા અનુભવો થયા છે?
૮. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછીનાં ૪૫ વર્ષમાં યહોવાહના લોકોનું શું થયું?
૯. મલાવીમાં યહોવાહના સેવકોએ કેવી હાલતનો સામનો કરવો પડ્યો?
૧૦. દાનીયેલની જેમ, આજે પણ વિરોધીઓ દેવના સેવકો સામે કઈ રીતે લડે છે?
૧૧. યહોવાહના સાક્ષીઓના કેટલાક વિરોધીઓ કયા ખોટા દાવા કરે છે?
૧૨. આપણી આ લડાઈ ચાલુ રાખવા શું કરવું જોઈએ?
૧૩. ઈસુ પર કરેલા હુમલામાં શેતાન કઈ રીતે તદ્દન નિષ્ફળ ગયો?
૧૪. યહુદી ધાર્મિક લોકો ઈસુના શિષ્યોની વિરુદ્ધ થયા ત્યારે શું બન્યું?
૧૫. ગમાલીએલ કોણ હતો અને તેણે ધાર્મિક વિરોધીઓને કઈ સલાહ આપી?
૧૬. યહોવાહ પોતાના લોકોને જે ખાતરી આપે છે એનું વર્ણન કરો.
૧૭. વિરોધીઓ આપણી સામે લડે છતાં, આપણે શા માટે હિંમતવાન છીએ?
[પાન ૧૭ પર ચિત્ર]
યિર્મેયાહને ખાતરી અપાઈ કે, યહોવાહ તેમની સાથે હશે
[પાન ૧૮ પર ચિત્ર]
જુલમી છાવણીમાંથી બચેલા
[પાન ૧૮ પર ચિત્ર]
યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ હિંસક ટોળું
[પાન ૧૮ પર ચિત્ર]
જે. એફ. રધરફર્ડ અને સંગાથીઓ
[પાન ૨૧ પર ચિત્ર]
ઈસુના કિસ્સામાં, દેવ સામે લડનારાઓ જીત્યા નહિ