વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૧/૧૫ પાન ૮-૯
  • “એક અજોડ યોજના”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “એક અજોડ યોજના”
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • પ્રચાર કરવાની નવી રીત
  • પડદા પાછળ
  • સાક્ષી માટેનું એક સફળ સાધન
  • ઈશ્વરનું રાજ્ય—શરૂઆતનાં ૧૦૦ વર્ષો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૧/૧૫ પાન ૮-૯

પૂરા વિશ્વાસથી દૃઢ ઊભા રહો

“એક અજોડ યોજના”

યહોવાહના સાક્ષીઓ શરૂઆતથી જ ઈસુની એક ભવિષ્યવાણીમાં ખૂબ રસ ધરાવે છે. એ ભવિષ્યવાણી છે: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) વર્ષ ૧૯૧૪થી છેલ્લા દિવસોની શરૂઆત થઈ તેમ, બાઇબલ વિદ્યાર્થીઓ જોરશોરથી બાઇબલનો પ્રચાર કરવા લાગ્યા.—૨ તીમોથી ૩:૧.

યહોવાહ પરમેશ્વરના આ સેવકોએ તેમનો સંદેશો આખી પૃથ્વી પર ફેલાવવા માટે એક નવી, જુસ્સાભરી અને કંઈક અનોખી રીત શોધી કાઢી. એ રીત કઈ હતી એ જાણવા માટે, ચાલો આપણે તેઓનો ઇતિહાસ તપાસીએ.

પ્રચાર કરવાની નવી રીત

કલ્પના કરો કે જાન્યુઆરી ૧૯૧૪નું વર્ષ ચાલી રહ્યું છે. ન્યૂયૉર્ક શહેરના એક વિશાળ હૉલમાં લગભગ ૫૦૦૦ જેટલા લોકો વચ્ચે તમે પણ બેઠા છો. આગળ એક મોટો પડદો છે. અચાનક એક ધોળા વાળવાળો માણસ પડદા પર દેખાય છે જેણે લાંબો કોટ પહેર્યો છે. આશ્ચર્યની બાબત તો એ છે કે પડદા પરનો માણસ બોલતો દેખાય છે અને તમે એને સાંભળી પણ શકો છો. આ પહેલા કોઈ પણ ફિલ્મમાં અવાજ સાંભળવા મળતો ન હતો. ટૅક્નોલૉજીમાં આ એક નવી શોધ છે અને તે માણસ જે સંદેશો આપે છે એ પણ ગજબનો છે. એ સંદેશો આપનાર વ્યક્તિ બીજી કોઈ નહિ પણ વૉચટાવર સોસાયટીના પ્રથમ પ્રમુખ, ચાર્લ્સ ટેઝ રસેલ છે. અને એ બોલતી-ચાલતી ફિલ્મનું નામ, “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” છે.

સી. ટી. રસેલ જાણતા હતા કે બોલતી-ચાલતી ફિલ્મ દ્વારા સંદેશો ફેલાવવાથી લોકો પર શું અસર થશે. એટલા માટે જ ૧૯૧૨માં તેમણે “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” નામની ફિલ્મ તૈયાર કરવાનું શરૂ કર્યું. આખરે, આઠ કલાક ચાલે એટલી સ્લાઈડ્‌સ બનાવવામાં આવી. એમાં જીવંત રંગીન દૃશ્યો સાથે અવાજ પણ હતો.

એને ચાર ભાગમાં બતાવાય એ રીતે બનાવવામાં આવી હતી. એ “ફોટો ડ્રામા”માં ઉત્પત્તિની શરૂઆતથી માંડીને બધો ઇતિહાસ તથા પૃથ્વી પર ઈસુના હજાર વર્ષના રાજ્યમાં પરમેશ્વરનો હેતુ કઈ રીતે પૂરો થશે એ બતાવવામાં આવતું હતું. આ પ્રકારની ટૅક્નોલૉજી ધંધાદારી ક્ષેત્રમાં શરૂ થઈ એનાં ઘણાં વર્ષો પહેલાં આ ફિલ્મ બતાવવામાં આવી હતી. આમ, કરોડો લોકોએ “ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન” ફિલ્મ મફત જોઈ નાખી!

“ફોટો-ડ્રામા” ફિલ્મ માટે સારામાં સારું સંગીત પસંદ કરવામાં આવ્યું તથા પ્રવચનોની ૯૬ ફોનોગ્રાફ રેકોડ્‌ર્સ તૈયાર કરવામાં આવી. જગતનો ઇતિહાસ બતાવતા કલાત્મક ચિત્રોની સ્લાઈડ્‌સ બનાવવામાં આવી હતી. એ માટે કેટલાય નવાં ચિત્રોને રંગવાનાં હતાં અને રેખાચિત્રો દોરવાના હતા. કેટલીક રંગીન સ્લાઈડ્‌સ બહુ જ પરિશ્રમ કરીને હાથથી બનાવવામાં આવી હતી. અને એ બધુ એટલું ઝડપથી કરવામાં આવ્યું કે થોડા જ સમયમાં ચાર ભાગનો એક એવા ૨૦ સેટ તૈયાર થઈ ગયા. એના કારણે “ફોટો-ડ્રામા ઑફ ક્રિએશનનો અમુક ભાગ નક્કી કરેલા દિવસે અલગ અલગ ૮૦ શહેરોમાં બતાવી શકાયો.

પડદા પાછળ

“ફોટો-ડ્રામા” ફિલ્મ બતાવવામાં આવતી હતી ત્યારે પડદા પાછળ શું ચાલતું હતું? એલીશ હોફમેન નામના એક બાઇબલ વિદ્યાર્થીએ કહ્યું: “ફિલ્મ શરૂ થઈ એટલે પહેલા જ ભાઈ રસેલ નજરે પડ્યા. અને તે કંઈક બોલતા હોય એમ જણાયું . . . એની સાથે જ રેકર્ડ વગાડવામાં આવી . . . અને તેમનો અવાજ સાંભળીને અમે બધા આનંદમાં આવી ગયા.”

ઝડપથી સ્લાઈડ્‌સો બતાવવામાં આવતી હતી, એ જોઈને કેવું લાગતું હતું એના વિષે ઝોલા હોફમેન યાદ કરે છે: “અમે ઉત્પત્તિના દિવસોનાં ચિત્રો જોઈને મોંમાં આંગળા નાખી ગયા. એમાં ધીમે ધીમે ફૂલ કઈ રીતે ખીલે છે એ પણ અમે નિહાળી શક્યા.”

યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય કાર્લ એફ. ક્લેઈન સંગીતના શોખીન હતા. તે એ વિષે વધુ જણાવે છે: “દૃશ્યની સાથોસાથ નારસીશીઅસ અને હુમોરેસકી જેવું મધુર સંગીત પણ વગાડવામાં આવતું હતું.”

આ ઉપરાંત ઘણા યાદ રહી જાય એવા બનાવો પણ બન્યા હતા. ક્લેયટોન જે. વુડવર્થ, જુનિયર યાદ કરે છે, “ક્યારેક તો હસવા જેવી બાબત બની જતી હતી. એક વખતે ગીત વાગતું હતું કે ‘પક્ષીની પેઠે તું તારા પર્વત ઉપર ઊડી જા,’ અને એ જ સમયે પડદા પર કદાવર પ્રાણી બતાવવામાં આવ્યું. આવા વિશાળ પ્રાણીઓ તો જળપ્રલય પહેલાં અસ્તિત્વ ધરાવતા હતા!”

“ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન” નિયમિત બતાવવામાં આવતું હતું. થોડા સમય પછી “યુરેકા ડ્રામા”ના સેટ્‌સ પણ તૈયાર કરવામાં આવ્યા. (બૉક્સ જુઓ.) એકમાં પ્રવચનો અને સંગીત રેકોર્ડ કરેલું હતું જ્યારે બીજામાં રેકોર્ડ સાથે સ્લાઈડ્‌સ પણ હતી. “યુરેકા ડ્રામા” સ્લાઈડ્‌સરૂપે બતાવવામાં આવતી હતી પરંતુ એ ફિલ્મ જેવી ન હતી. તોપણ, ઓછી વસ્તી હોય ત્યાં બતાવવામાં એ ખૂબ જ ઉપયોગી નીવડતી.

સાક્ષી માટેનું એક સફળ સાધન

વર્ષ ૧૯૧૪ના અંત સુધીમાં તો, “ફોટો-ડ્રામા” ફિલ્મ ઉત્તર અમેરિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં ૯૦,૦૦,૦૦૦ કરતાં વધુ લોકો જોઈ ચૂક્યા હતા. ત્યારે બાઇબલ વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઓછી હતી છતાં આ રીતે પ્રચાર કરવામાં તેઓ ગભરાતા ન હતા. યોગ્ય સ્થળે આ ફિલ્મ બતાવવા માટે ઘણું ભાડું આપવું પડતું, પરંતુ તેઓ ખુશીથી દાન આપીને એ કિંમત ભરતા હતા. તેથી પરમેશ્વરનો શબ્દ અને તેમના હેતુઓ લોકોને જણાવવામાં “ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન”ને બહુ સફળતા મળી.

ફોટો-ડ્રામા ફિલ્મ જોયા પછી એક વ્યક્તિએ સી. ટી. રસેલને પત્ર લખીને જણાવ્યું: “મેં પહેલી વાર તમારી ફિલ્મ જોઈ અને મારું જીવન બદલાઈ ગયું. અથવા મારે કહેવું જોઈએ કે બાઇબલ વિષે મને જે જ્ઞાન હતું એ પૂરેપૂરું બદલાઈ ગયું.” બીજી એક વ્યક્તિએ જણાવ્યું: “ધર્મમાંથી મારો વિશ્વાસ ઊઠી જવાની તૈયારીમાં હતો, પરંતુ ગયા વર્ષે ‘ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન’ મેં જોયું એનાથી મારો વિશ્વાસ વધ્યો. . . . અત્યારે મને એવી શાંતિ મળી છે કે જે જગત આપી શકે એમ નથી અને હું એને કોઈ પણ કિંમતે ગુમાવવા માગતો નથી.”

ઘણા સમયથી સંસ્થાના મુખ્ય મથકે એક સભ્ય તરીકે રહેતા ડેમેટ્રીઅસ પાપાજ્યોર્જે કહે છે: “એ સમયે ફક્ત થોડાક જ બાઇબલ વિદ્યાર્થીઓ હતા અને તેઓ પાસે ફંડ પણ બહું ઓછું હતું, છતાં ‘ફોટો-ડ્રામા’ ફિલ્મ તૈયાર કરવામાં આવી જે એ સમયની એક અજોડ યોજના હતી. ખરેખર એની પાછળ યહોવાહ પરમેશ્વરનો હાથ હતો!”

[પાન ૮, ૯ પર બોક્સ/ચિત્રો]

“યુરેકા ડ્રામા”

ફોટો ડ્રામાનો સૌ પ્રથમ શો પૂરા થયાના આઠ મહિના પછી, સંસ્થાને એના જેવી બીજી નાની ફિલ્મ તૈયાર કરવાની જરૂર જણાઈ કે જે “યુરેકા ડ્રામા”થી ઓળખાઈ. મોટાં શહેરોમાં “ફોટો-ડ્રામા” ફિલ્મ બતાવવામાં આવતી હતી. એ જ સમયે નાના ગામડાઓમાં એ જ સંદેશો ધરાવતી “યુરેકા ડ્રામા” સંક્ષિપ્તમાં બતાવવામાં આવતી હતી. એમ કહેવામાં આવે છે કે, “યુરેકા ડ્રામા”થી બહેનોને પ્રચાર કરવાની સારી તક મળી. શા માટે એમ? કેમ કે એ સેટનું વજન ફક્ત ૧૪ કિલોગ્રામ જ હતું. પરંતુ ફિલ્મ બતાવવી હોય તો ગ્રામોફોન પણ ઊંચકી જવું જરૂરી હતું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો