ખરું-ખોટું પારખવું—કઈ રીતે?
ખરું-ખોટું પારખવાનો અર્થ, ઘણા શબ્દકોષ આ રીતે કરે છે: “સદ્ગુણી થવું; નૈતિક રીતે સારાં ગુણો કેળવવા.” એટલે કે “ખરાં કાર્યો અને વિચાર; સારા ગુણો કેળવવા.” એક શબ્દકોષના લેખક મારવીન આર. વિન્સેન્ટ કહે છે, “સદ્ગુણ” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ “સર્વ પ્રકારના સારા ગુણો” થાય છે. સદ્ગુણમાં ડહાપણ, હિંમત, શિસ્ત, ન્યાય, સહાનુભૂતિ, પ્રમાણિકતા, નમ્રતા અને વફાદારી જેવા ઉત્તમ ગુણોનો સમાવેશ થાય છે. તેમ જ સદ્ગુણની વ્યાખ્યા “ખરાં ધોરણોને સુસંગત” તરીકે પણ કરવામાં આવી છે.
પરંતુ સદ્ગુણી બનવા અને ખરું વર્તન બતાવવા આપણે કોના ધોરણોને અનુસરવું જોઈએ? ન્યૂઝવીક મેગેઝિન કહે છે, “નૈતિક ફિલસૂફીના મુખ્ય મત પ્રમાણે ખરું-ખોટું પારખવું એ વ્યક્તિની પસંદગી, લાગણી અને સમાજ પર આધારિત છે.” એટલે કે વ્યક્તિ મનનો રાજા છે. પરંતુ શું ફક્ત વ્યક્તિગત પસંદગીથી જ ખરા-ખોટાનો નિર્ણય થાય છે? ના, ખરું-ખોટું પારખવા આપણને ભરોસાપાત્ર ધોરણો જરૂરી છે, જેનાથી અમુક કાર્ય, વલણ અથવા ગુણોનો નિર્ણય થઈ શકે.
એક માત્ર ભરોસાપાત્ર ધોરણ
એક માત્ર ભરોસાપાત્ર ધોરણ આપણા ઉત્પન્નકર્તા, યહોવાહ પરમેશ્વર પાસેથી આવે છે. પ્રથમ માનવ, આદમને ઉત્પન્ન કર્યા પછી યહોવાહે તેને આજ્ઞા આપી: “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમકે જે દિવસે તું ખાશે તેજ દિવસે તું મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) યહોવાહે એ વૃક્ષને એક અજોડ નામ આપીને જણાવ્યું કે આપણી માટે સારું અને ખરાબ શું છે એનો નિર્ણય કરવાનો હક્ક ફક્ત તેમને છે. આમ, ખરું-ખોટું પારખવા માટેના પરમેશ્વરના ધોરણો એક કસોટી બન્યા જેનાથી વ્યક્તિના કાર્યો, વિચારો અને વલણ કેવું છે એ દેખાઈ આવે છે. એ ધોરણો વગર આપણે ખરું-ખોટું પારખી શકતા નથી.
ભલુંભૂંડું જાણવાના વૃક્ષ વિષે આદમ અને હવાને મળેલી આજ્ઞામાં પસંદગી રહેલી હતી. એ પસંદગી હતી, તેઓ આજ્ઞા પાળે કે ન પાળે. અહીં તેઓ આજ્ઞાનું પાલન કરીને સદ્ગુણ બતાવી શકતા હતા. સમય જતાં, યહોવાહ પરમેશ્વરે વધારે જણાવ્યું કે તેમને શું ખુશ કે નાખુશ કરે છે, અને તેમણે એની નોંધ આપણા માટે બાઇબલમાં કરાવી. તેથી, ખરું-ખોટું પારખતા શીખવામાં બાઇબલમાંના યહોવાહના ધોરણો પ્રમાણે કરવાનો સમાવેશ થાય છે.
પરમેશ્વરના ધોરણોથી પૂરેપૂરા જાણકાર બનો
યહોવાહે ખરું-ખોટું પારખવાના ધોરણો બાઇબલમાં આપ્યા છે. તેથી શું આપણે એનાથી જાણકાર થવું ન જોઈએ? પ્રેષિત પાઊલે લખ્યું: “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.”—૨ તીમોથી ૩:૧૬, ૧૭.
દાખલા તરીકે, અગાઉના લેખમાંના કુનીહીટોની ગેરસમજણનો વિચાર કરો. પોતાના સંસ્કાર પ્રમાણે નમ્રતા બતાવતા તેના પર મુશ્કેલી આવી પડી. પરંતુ શાસ્ત્રવચન તપાસતા તેને સમતોલ રહેવા મદદ મળી. ખરું કે બાઇબલ નમ્રતા બતાવવા ઉત્તેજન આપે છે. તેમ જ વધુ પડતો વિશ્વાસ અને અહંકાર ટાળવા માટે પણ કહે છે. (નીતિવચન ૧૧:૨; મીખાહ ૬:૮) તેમ છતાં, “અધ્યક્ષપદની” લાયકાતો જણાવતી વખતે પ્રેષિત પાઊલે કહ્યું કે ભાઈઓ એની “ઇચ્છા રાખે.” આ ‘ઇચ્છા રાખવામાં’ અભિમાન કે બડાઈ ન હોવી જોઈએ. એટલું જ નહિ, પરંતુ પોતાને બિનજરૂરી રીતે નીચા પણ ન પાડવા જોઈએ.—૧ તીમોથી ૩:૧.
વેપારધંધામાં ખરું-ખોટું પારખવા વિષે બાઇબલ શું કહે છે? આજે લોકો વેપાર-ધંધામાં કરચોરી કરે છે, સરકારના નિયમો તોડે છે, શંકાશીલ રીતો અપનાવે છે અને વેઠ ઉતારીને જલદી કામ પતાવે છે. તેમ છતાં, બીજા ભલે ગમે તે કરે, બાઇબલ ધોરણ પ્રમાણે આપણે “સઘળી બાબતોમાં પ્રમાણિકપણે વર્તવાની” જરૂર છે. (હેબ્રી ૧૩:૧૮) તેથી આપણે માલિકને, નોકરી કરતા લોકોને, ગ્રાહકોને અને સરકારને પ્રમાણિકતા બતાવીએ એ સદ્ગુણ છે. (પુનર્નિયમ ૨૫:૧૩-૧૬; રૂમી ૧૩:૧; તીતસ ૨:૯, ૧૦) ખરેખર, પ્રમાણિક રહેવાથી એકબીજામાં ભરોસો અને સારી મિત્રતા વધે છે. તેમ જ વેપારધંધામાં લેખિત કરાર કરવાથી એ ગેરસમજણ કે ગૂંચવણો ટાળે છે, જે અજાણતા આવી પડતા સંજોગોને કારણે થઈ શકે છે.—સભાશિક્ષક ૯:૧૧; યાકૂબ ૪:૧૩, ૧૪.
પહેરવેશ અને શણગારમાં પણ આપણે ખરું-ખોટું પારખતા શીખવાની જરૂર છે. એકથી બીજી જગ્યાએ પહેરવેશ જુદો-જુદો હોય શકે છે. તેમ જ નવી ફેશન પ્રમાણેના કપડાં પહેરવા દબાણ પણ આવી શકે. પરંતુ શું આપણે પણ દરેક નવી ફેશન અપનાવવી જરૂરી છે? બાઇબલ આપણને સલાહ આપે છે, “આ જગતનું રૂપ તમે ન ધરો.” (રૂમી ૧૨:૨) કોઈ પણ નિયમ બનાવ્યા સિવાય પ્રેષિત પાઊલે લખ્યું: “સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી, કે કિંમતી પોશાકથી નહિ; પણ દેવની ભક્તિમાં નિમગ્ન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે . . . પોતાને શણગારે.” (૧ તીમોથી ૨:૯, ૧૦) આ ધોરણ સ્ત્રીઓની જેમ પુરુષને પણ લાગુ પડે છે. તોપણ, પોતાની પસંદગી અને સંસ્કૃતિ પ્રમાણે પહેરવેશ અને શણગાર કરવો કોઈ ગુનો નથી.
બાઇબલ એવા ગંદા આચરણો વિષે પણ સ્પષ્ટ કહે છે જેને પરમેશ્વર ધિક્કારે છે. આપણને ૧ કોરીંથી ૬:૯, ૧૦ ચેતવણી આપે છે: “શું તમે જાણતા નથી કે અધર્મીઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ; વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ.” અગાઉના લેખમાંની મારિયાને આ કલમે પરમેશ્વરના ધોરણો જોવા મદદ કરી. તેને ખબર પડી કે યોવૉન સાથેનો તેનો સંબંધ ખોટો હતો અને પરમેશ્વરનો આશીર્વાદ મેળવવા તેણે એ સંબંધ તોડી નાખવો જોઈએ. સ્પષ્ટપણે, ખરું-ખોટું પારખવા આપણે યહોવાહના ધોરણો પૂરેપૂરા જાણવાની જરૂર છે.
હૃદયથી શીખો
સદ્ગુણ કેળવવાનો અર્થ એવો નથી થતો કે ફક્ત ખરાબ બાબતો ટાળવી. એમાં ખરાબ બાબતો કરવા લાલચ આવે ત્યારે એને ફગાવી દેવા દૃઢ મનોબળ રાખવાનો પણ સમાવેશ થાય છે. સદ્ગુણી વ્યક્તિમાં શ્રેષ્ઠ ગુણો હોય છે. એક પ્રોફેસર કહે છે કે “ખરું-ખોટું પારખતા શીખવામાં હૃદય અને મગજની જરૂર છે.” તેથી, એ શીખવામાં પરમેશ્વરના શબ્દ, બાઇબલનું જ્ઞાન હોવું જ પૂરતું નથી. પરંતુ, એનું મનન કરવાનો પણ સમાવેશ થાય છે. એનાથી આપણું હૃદય યહોવાહ માટેની કદરથી ઊભરાશે, અને આપણે શાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે જીવવા પ્રેરાઈશું.
ગીતશાસ્ત્રના લેખકે લખ્યું: “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરૂં છું.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭) દાઊદ રાજાએ લખ્યું: “હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરૂં છું; તારાં [પરમેશ્વરનાં] સર્વ કૃત્યોનું મનન કરૂં છું; અને તારા હાથનાં કામોનો વિચાર કરૂં છું.” (ગીતશાસ્ત્ર ૧૪૩:૫) આપણે પણ બાઇબલ અને બાઇબલ પર આધારિત આપણાં સાહિત્યોનો અભ્યાસ કરીને, પ્રાર્થનાપૂર્વક એના પર મનન કરીએ.
ખરું કે ખંતપૂર્વક અભ્યાસ અને એના પર મનન કરવું એક પડકાર છે. પરંતુ ખરું-ખોટું પારખતા શીખવા આપણે બીજા કામોમાંથી સમય કાઢવો જોઈએ. (એફેસી ૫:૧૫, ૧૬) ચોવીસ વર્ષના એરન પહેલાં કરતાં હવે અડધો કલાક વહેલા ઊઠે છે. તે જણાવે છે: “શરૂઆતમાં તો હું અડધો કલાક ફક્ત બાઇબલનું વાંચન કરતો હતો. પરંતુ હાલમાં મને એના પર મનન કરવાનું મહત્ત્વ સમજાયું. તેથી હવે એમાંનો અડધો સમય હું જે વાંચું છું એના પર મનન કરું છું. એનાથી ખરેખર મને લાભ થયો છે!” મનન બીજા કોઈ સમયે પણ થઈ શકે છે. યહોવાહ પરમેશ્વર વિષે ગીત ગાતા દાઊદે કહ્યું: “રાત્રીના કલાકો દરમિયાન હું તમારી સમક્ષ મનન કરું છે.” (ગીતશાસ્ત્ર ૬૩:૬ IBSI.) તેમ જ બાઇબલ જણાવે છે કે ‘ઇસ્હાક સાંજે મનન કરવા સારૂ ખેતરમાં ગયા.’—ઉત્પત્તિ ૨૪:૬૩.
ખરું-ખોટું પારખવા માટે મનન કરવું ઘણું જરૂરી છે, કેમ કે એ આપણને યહોવાહની નજરે જોવા મદદ કરે છે. દાખલા તરીકે, મારિયા જાણતી હતી કે પરમેશ્વરે વ્યભિચારની મનાઈ કરી છે. પરંતુ ‘ભૂંડાને ધિક્કારીને સારાંને વળગી રહેવા’ તેણે એ વિષેની બાઇબલ કલમો પર મનન કરવાની જરૂર હતી. (રૂમી ૧૨:૯) તેને કોલોસી ૩:૫ વાંચ્યા પછી ફેરફારો કરવા મદદ મળી, જે કહે છે કે “તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.” મારિયાએ ખુદને પૂછ્યું: ‘કેવા પ્રકારની જાતીય ઇચ્છા મારે મારી નાખવાની જરૂર છે? ભૂંડી ઇચ્છા ન જાગે એ માટે મારે શું કરવું જોઈએ? વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના વ્યવહારમાં મારે કેવા બદલાણો કરવાની જરૂર છે?’
મનન કરવામાં, કાર્યોનું જે પરિણામ આવશે એનો પણ વિચાર કરવો જોઈએ. પાઊલે ખ્રિસ્તી ભાઈબહેનોને વ્યભિચારથી દૂર રહેવા અને પોતાની જાત પર કાબૂ રાખવાનું કહ્યું, જેથી એ “બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરે નહિ.” (૧ થેસ્સાલોનીકી ૪:૩-૭) વિચાર કરો: ‘આવાં કાર્યોની મારા પર, મારા કુટુંબ પર કે બીજાઓ પર શું અસર પડશે? આત્મિક, લાગણીમય અને શારીરિક રીતે એની મારા પર શું અસર પડશે? અગાઉ પરમેશ્વરના નિયમો ન પાળનારાઓનું શું થયું હતું?’ આવા પ્રશ્નો પર મનન કરવાથી મારિયાનું મન મક્કમ થયું, અને આપણા માટે પણ એમ જ થઈ શકે.
ઉદાહરણોથી શીખો
શું શાળામાં ખરું-ખોટું પારખતા શીખવી શકાય? આ સવાલે ઘણા લાંબા સમયથી જ્ઞાનીઓને ગૂંચવણમાં મૂક્યા છે. ગ્રીક તત્ત્વજ્ઞાની પ્લેટો એમ માનતો હતો કે એ શાળામાં ભણાવી શકાય. બીજી બાજું ઍરિસ્ટોટલ પ્રમાણે વ્યક્તિ જાતે જ કાર્યો કરતા રહીને એ પારખતા શીખી શકે. એક પત્રકારે તેઓના વાદવિવાદનો આ સારાંશ આપ્યો: “આપણે જાતે જ ખરું-ખોટું પારખતા શીખી શકતા નથી, તેમ જ શાળામાં પણ એ ભણાવવામાં આવતું નથી. પરંતુ સમાજમાં રહેવાથી સારા ગુણો કેળવાય છે . . . જ્યાં સદ્ગુણોને ઉત્તેજન આપવામાં આવતું હોય છે.” પરંતુ ખરેખર સદ્ગુણી લોકો ક્યાં જોવા મળે છે? કેટલીક સંસ્કૃતિઓની પૌરાણિક કથાઓ કે વાર્તાઓમાં સદ્ગુણ બતાવતા અમુક લોકો જોવા મળે છે. પરંતુ બાઇબલ એવું પુસ્તક છે જેમાં અગણિત લોકોના સારા ઉદાહરણો જોવા મળે છે.
સૌથી ઉત્તમ ઉદાહરણ ખુદ યહોવાહ પરમેશ્વરનું છે. તે હંમેશા ખરું છે એ કરીને ન્યાયી અને સારાં કાર્યો કરે છે. આપણે “દેવનું અનુકરણ કરનારાં” થઈને સદ્ગુણો કેળવી શકીએ છીએ. (એફેસી ૫:૧) પરમેશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તે આપણે ‘તેમના પગલે ચાલીએ માટે નમૂનો આપ્યો’ છે. (૧ પીતર ૨:૨૧) વધુમાં બાઇબલમાં ઈબ્રાહીમ, સારાહ, યુસફ, રૂથ, અયૂબ, દાનીયેલ અને તેમના ત્રણ સાથીઓ જેવા ઘણાં ઉદાહરણો જોવા મળે છે. આજે એવા જ સદ્ગુણો ધરાવતા યહોવાહના સેવકોને કેમ ભૂલાય!
આપણે સફળ થઈ શકીએ
શું આપણે પરમેશ્વરની નજરે ખરું-ખોટું પારખવામાં સફળ થઈ શકીએ? વારસામાં મળેલી અપૂર્ણતાને કારણે ઘણી વખત આપણે જે ખરું છે એ કરવા અને પાપી વલણમાં ખેંચાઈ જવા વચ્ચે મનોમન સંઘર્ષ કરીએ છીએ. (રૂમી ૫:૧૨; રૂમી ૭:૧૩-૨૩) પરંતુ આપણે પરમેશ્વરની મદદથી એ યુદ્ધને જીતી શકીએ છીએ. (રૂમી ૭:૨૪, ૨૫) યહોવાહે બાઇબલ અને એના પર આધારિત પ્રકાશનો પૂરાં પાડ્યાં છે. બાઇબલનો ખંતપૂર્વકનો અભ્યાસ અને એઓ પર પ્રાર્થનાપૂર્વક મનન કરવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થશે. આવું શુદ્ધ અંતઃકરણ સદ્ગુણી વિચારો, વાણી અને વર્તનથી દેખાઈ આવે છે. (લુક ૬:૪૫) યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તના ઉદાહરણને અનુસરીને આપણે તેઓ જેવું વલણ કેળવી શકીએ છીએ. તેમ જ, આજે વફાદારીથી પરમેશ્વરની સેવા કરનારાઓના ઉદાહરણોથી પણ આપણે ઘણું શીખી શકીએ છીએ.
પ્રેષિત પાઊલે પોતાના વાચકોને સદ્ગુણ અને પ્રસંશાપાત્ર “બાબતોનો વિચાર” કરવાની સલાહ આપી. આમ કરવાથી સાચે જ આપણે પરમેશ્વરનો આશીર્વાદ મેળવીશું. (ફિલિપી ૪:૮, ૯) ખરેખર, યહોવાહની મદદથી આપણે ખરું-ખોટું પારખવામાં સફળ થઈ શકીશું.
[પાન ૬ પર ચિત્ર]
મનનને બાઇબલ અભ્યાસનો ભાગ બનાવો
[પાન ૭ પર ચિત્ર]
ઈસુ ખ્રિસ્તને અનુસરીને સદ્ગુણો કેળવો