બાળકોને યહોવાહની ભક્તિ કરવાનું શીખવો
૧. ગીતશાસ્ત્ર ૧૪૮:૧૨, ૧૩ માબાપને શું કરવા પ્રેરે છે?
૧ યહોવાહ યુવાનોને તેમની ભક્તિ કરવાનું આમંત્રણ આપે છે. (ગીત. ૧૪૮:૧૨, ૧૩) એટલે યહોવાહની ભક્તિ કરતા હોય એવા માબાપે પોતાના બાળકોને બાઇબલનું સત્ય અને ઈશ્વરના નિયમો શીખવવા જ પૂરતું નથી. પરંતુ, તેઓને ઈશ્વરના રાજ્યનો સંદેશો બીજાને જણાવતા શીખવવું જોઈએ. બાળકોને ધીરે ધીરે પ્રગતિ કરતા કઈ રીતે શીખવી શકાય?
૨. માબાપના ઉદાહરણથી બાળકો પર કેવી અસર પડશે?
૨ સારું ઉદાહરણ બેસાડો: ન્યાયાધીશ ગિદઓને પોતાના ૩૦૦ માણસોને કહ્યું: “જેમ હું કરૂં તેમ તમે પણ કરજો.” (ન્યા. ૭:૧૭) બાળકો પણ પોતાના માબાપને જે કરતાં જુએ છે, એ પ્રમાણે કરે છે. રાતપાળી કરતા એક પિતાનો દાખલા લઈએ. શનિવારે સવારે તે થાકીને લોથપોથ થઈ ગયા હોય તોપણ સૂતા નથી. એના બદલે કામેથી આવીને પોતાના બાળકોને પ્રચારમાં લઈ જાય છે. આ શું બતાવે છે? એ જ કે પિતા પોતાના દાખલાથી બાળકોને શીખવે છે કે પ્રચાર કાર્ય કેટલું મહત્ત્વનું છે. (માથ. ૬:૩૩) શું તમારા બાળકો પણ તમને બાઇબલ વાંચતા અને પ્રાર્થના કરતા જુએ છે? સભાઓમાં દિલથી જવાબ આપતા જુએ છે? ખુશી ખુશી પ્રચાર કરતા જુએ છે? ખરું કે તમે બધું જ બરાબર નહિ કરી શકો. પણ બાળકો જોશે કે તમે દિલથી ઈશ્વરની ભક્તિ કરો છો તો, એનાથી તેઓને પણ એમ કરવાનું મન થશે.—પુન. ૬:૬, ૭; રૂમી ૨:૨૧, ૨૨.
૩. યહોવાહની ભક્તિમાં બાળકોના ગજા પ્રમાણે કેવા ધ્યેય બાંધવા માબાપે મદદ કરવી જોઈએ?
૩ પ્રગતિ કરવા ધ્યેય બાંધવા: માબાપ, બાળકોને કઈ રીતે બોલવું-ચાલવું, કેવા કપડાં પહેરવા વગેરે શીખવતા થાકતા નથી. બાળકો મોટા થાય છે તેમ તેઓ આગળ બીજા નવા ધ્યેયો મૂકે છે. યહોવાહના ભક્ત હોય એવા માબાપે, પોતાના બાળકોના ગજા પ્રમાણે ઈશ્વરની ભક્તિને લગતા ધ્યેયો બાંધવા મદદ કરવી જોઈએ. (૧ કોરીં. ૯:૨૬) શું તમે બાળકોને શીખવો છો કે સભામાં પોતાના શબ્દોમાં જવાબ આપવો જોઈએ? તેમ જ, દેવશાહી સેવા શાળામાં ટૉક હોય તો પોતાની જાતે તૈયાર કરવી જોઈએ? (ગીત. ૩૫:૧૮) શું તમે તેઓને જુદી જુદી રીતે પ્રચાર કરવાનું શીખવો છો? શું તેઓને બાપ્તિસ્મા લેવા અને પૂરા સમયની સેવા કરવાનો ધ્યેય બાંધવા ઉત્તેજન આપો છો? શું તમે તેઓને યહોવાહની ભક્તિમાં ઉત્સાહી હોય એવા ભાઈ-બહેનોને સાથે મળાવો છો, જેથી બાળકોને પણ ઉત્તેજન મળે?—નીતિ. ૧૩:૨૦.
૪. બાળકોને નાનપણથી જ માબાપ તાલીમ આપશે તો, તેઓને કેવો લાભ થશે?
૪ એક ભજનહારે કહ્યું: ‘હે ઈશ્વર, મારી જુવાનીથી તેં મને શીખવ્યું છે; તેમ હું તારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.’ (ગીત. ૭૧:૧૭) નાનપણથી બાળકોને યહોવાહની ભક્તિ કરવા તાલીમ આપો. એમ કરતા રહેશો તો, મોટા થશે ત્યારે એનાથી તેઓને ચોક્કસ લાભ થશે.—નીતિ. ૨૨:૬.