અભ્યાસ લેખ ૨૫
ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે
યાકૂબની ભવિષ્યવાણીમાંથી શીખીએ—ભાગ ૨
“યાકૂબે દરેકને યોગ્ય આશીર્વાદ આપ્યો.”—ઉત. ૪૯:૨૮.
આપણે શું શીખીશું?
યાકૂબે બાકીના આઠ દીકરાઓ વિશે કરેલી ભવિષ્યવાણીમાંથી શીખીશું.
૧. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
યાકૂબના બધા દીકરાઓ તેમની આસપાસ ભેગા થયા છે. તે એક એક કરીને દરેકને આશીર્વાદ આપી રહ્યા છે. બધાનું ધ્યાન તેમના પર છે. ગયા લેખમાં જોઈ ગયા તેમ, યાકૂબે રૂબેન, શિમયોન, લેવી અને યહૂદાને જે કહ્યું, એનાથી તેઓને ઘણી નવાઈ લાગી હશે. તેઓને કદાચ થતું હશે કે યાકૂબ બાકીના આઠ દીકરાઓને શું કહેશે. હવે ચાલો જોઈએ કે યાકૂબે ઝબુલોન, ઇસ્સાખાર, દાન, ગાદ, આશેર, નફતાલી, યૂસફ અને બિન્યામીનને શું કહ્યું અને આપણે એમાંથી શું શીખી શકીએ.a
ઝબુલોન
૨. યાકૂબે ઝબુલોનને કયો આશીર્વાદ આપ્યો અને એ શબ્દો કઈ રીતે સાચા પડ્યા? (ઉત્પત્તિ ૪૯:૧૩) (બૉક્સ પણ જુઓ.)
૨ ઉત્પત્તિ ૪૯:૧૩ વાંચો. યાકૂબના શબ્દોથી જોવા મળે છે કે ઝબુલોનના વંશજો સમુદ્ર કિનારે રહેશે અને એ વિસ્તાર વચનના દેશમાં ઉત્તરે આવેલો હશે. ૨૦૦ કરતાં વધારે વર્ષ પછી યાકૂબના શબ્દો સાચા પડ્યા. ઝબુલોનના વંશજોને વારસામાં જે વિસ્તાર મળ્યો, એ ગાલીલ સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચે આવેલો હતો. ભલે એ વિસ્તાર સમુદ્રને અડીને ન હતો, પણ કિનારાની એકદમ નજીક હતો. મૂસાએ ભવિષ્યવાણી કરી હતી: “હે ઝબુલોન, તું બહાર જાય ત્યારે આનંદ મનાવ.” (પુન. ૩૩:૧૮) મૂસાએ કેમ એવું કહ્યું હોય શકે? કેમ કે તેઓ બે સમુદ્રની વચ્ચે રહેતા હોવાથી સહેલાઈથી વેપાર-ધંધો કરી શકતા હતા. એવું ન હોય તોપણ ઝબુલોનના વંશજો પાસે આનંદ કરવાનું કારણ હતું.
૩. આપણી પાસે જે છે, એમાં સંતોષ રાખવા શાનાથી મદદ મળી શકે?
૩ આપણે શું શીખી શકીએ? આપણી ખુશી એ વાત પર આધાર રાખતી નથી કે આપણે ક્યાં રહીએ છીએ અથવા આપણા સંજોગો કેવા છે. ખુશ રહેવા જરૂરી છે કે આપણી પાસે જે છે, એમાં સંતોષ માનીએ. (ગીત. ૧૬:૬; ૨૪:૫) અમુક વાર પોતાની પાસે જે હોય એમાં આનંદ મનાવવાને બદલે, પોતાની પાસે જે ન હોય એ વિશે વિચારીને દુઃખી થઈ જઈએ. એવું સહેલાઈથી બની શકે છે. એટલે એ જોવાનો પ્રયત્ન કરીએ કે હાલના સંજોગોમાં શું સારું છે.—ગલા. ૬:૪.
ઇસ્સાખાર
૪. યાકૂબે ઇસ્સાખારને કયો આશીર્વાદ આપ્યો અને એ શબ્દો કઈ રીતે સાચા પડ્યા? (ઉત્પત્તિ ૪૯:૧૪, ૧૫) (બૉક્સ પણ જુઓ.)
૪ ઉત્પત્તિ ૪૯:૧૪, ૧૫ વાંચો. યાકૂબે ઇસ્સાખારના વખાણ કર્યા, કેમ કે તે મહેનતુ હતો. યાકૂબે તેની સરખામણી બળવાન ગધેડા સાથે કરી, જેનો ઉપયોગ ભારે બોજો ઉપાડવા માટે થતો. યાકૂબે એમ પણ કહ્યું કે ઇસ્સાખારને સુંદર વિસ્તાર મળશે. તેમના કહ્યા પ્રમાણે, ઇસ્સાખારના વંશજોને યર્દન નદી પાસે ફળદ્રુપ વિસ્તાર મળ્યો. (યહો. ૧૯:૨૨) તેઓએ પોતાની જમીન ખેડવા સખત મહેનત કરી. તેઓ બીજાઓને મદદ કરવામાં પણ પાછા ન પડ્યા. (૧ રાજા. ૪:૭, ૧૭) દાખલા તરીકે, જ્યારે ન્યાયાધીશ બારાક અને દબોરાહ પ્રબોધિકાએ સીસરા સામે લડવા ઇઝરાયેલીઓ પાસે મદદ માંગી, ત્યારે બીજા લોકોની સાથે ઇસ્સાખારનું કુળ પણ આગળ આવ્યું. આ તો બસ એક જ અહેવાલ છે. બીજા પ્રસંગોએ પણ તેઓએ યુદ્ધમાં સાથ આપ્યો હતો.—ન્યા. ૫:૧૫.
૫. આપણે કેમ ઇસ્સાખારના વંશજોને અનુસરવું જોઈએ? એવું કઈ રીતે કરી શકીએ?
૫ આપણે શું શીખી શકીએ? યહોવાએ ઇસ્સાખાર કુળની મહેનતની ખૂબ કદર કરી. એવી જ રીતે, આજે આપણે તેમની ભક્તિમાં જે મહેનત કરીએ છીએ, એની પણ તે કદર કરે છે. (સભા. ૨:૨૪) મંડળની સંભાળ રાખવા માટે સખત મહેનત કરતા વડીલોનો વિચાર કરો. (૧ તિમો. ૩:૧) તેઓ કોઈ લડાઈ લડવા નથી જતા. પણ મંડળનાં ભાઈ-બહેનોનો યહોવા સાથેનો સંબંધ જોખમમાં ન મુકાય એ માટે તેઓ પોતાની જાત ઘસી નાખે છે. (૧ કોરીં. ૫:૧, ૫; યહૂ. ૧૭-૨૩) એટલું જ નહિ, તેઓ પોતાનાં પ્રવચનોથી ભાઈ-બહેનોને ઉત્તેજન આપે છે અને એની તૈયારી કરવા સખત મહેનત કરે છે.—૧ તિમો. ૫:૧૭.
દાન
૬. દાનના કુળને કઈ સોંપણી મળી? (ઉત્પત્તિ ૪૯:૧૭, ૧૮) (બૉક્સ પણ જુઓ.)
૬ ઉત્પત્તિ ૪૯:૧૭, ૧૮ વાંચો. યાકૂબ દાનની સરખામણી એક સાપ સાથે કરે છે. સાપ પોતાના કરતાં અનેક ગણાં મોટાં જાનવરો પર હુમલો કરે છે, જેમ કે યુદ્ધમાં વપરાતા ઘોડા પર. એવી જ રીતે, દાનનું કુળ પણ ઇઝરાયેલીઓના દુશ્મનો માટે ખતરનાક સાબિત થવાનું હતું. જ્યારે બધાં કુળો વચનના દેશ તરફ મુસાફરી કરી રહ્યાં હતાં, ત્યારે દાનનું કુળ ‘બધાં કુળનું રક્ષણ કરવા સૌથી છેલ્લે ચાલતું હતું, જેથી પાછળથી કોઈ હુમલો ન કરે.’ (ગણ. ૧૦:૨૫) ભલે આખું રાષ્ટ્ર જોઈ શકતું ન હતું કે તેઓ પાછળ રહીને કયું કામ કરતા હતા, પણ તેઓની એ સોંપણી ખૂબ જ મહત્ત્વની હતી.
૭. યહોવાની ભક્તિમાં મળતી દરેક સોંપણી વિશે શું યાદ રાખવું જોઈએ?
૭ આપણે શું શીખી શકીએ? શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારું કામ લોકોના ધ્યાનમાં આવ્યું નથી? કદાચ તમે પ્રાર્થનાઘરની સાફ-સફાઈમાં અને સમારકામમાં મદદ કરી હતી, સંમેલન કે મહાસંમેલનમાં મદદ કરી હતી કે પછી બીજું કોઈ કામ કર્યું હતું. એ માટે અમે દિલથી તમારા વખાણ કરીએ છીએ. હંમેશાં યાદ રાખજો કે તમે યહોવા માટે જે કંઈ કરો છો, એ તે જુએ છે અને એની ખૂબ કદર કરે છે. પણ જ્યારે તમે વાહ વાહ મેળવવા નહિ, પણ યહોવા માટેના પ્રેમને લીધે એ કરો છો, ત્યારે તો તેમની ખુશીનો પાર નથી રહેતો.—માથ. ૬:૧-૪.
ગાદ
૮. દુશ્મનો કેમ ગાદીઓ પર સહેલાઈથી હુમલો કરી શકતા હતા? (ઉત્પત્તિ ૪૯:૧૯) (બૉક્સ પણ જુઓ.)
૮ ઉત્પત્તિ ૪૯:૧૯ વાંચો. યાકૂબે ભવિષ્યવાણી કરી હતી કે ગાદ પર ધાડપાડુ ટોળકી હુમલો કરશે. ૨૦૦ કરતાં વધારે વર્ષ પછી ગાદીઓને યર્દન નદીની પૂર્વનો વિસ્તાર વારસામાં મળ્યો. એ વિસ્તારની સરહદો દુશ્મન દેશોને અડીને હતી. એટલે દુશ્મનો સહેલાઈથી તેઓ પર હુમલો કરી શકતા હતા. પણ ગાદીઓ એ વિસ્તારમાં જ રહેવા માંગતા હતા, કેમ કે એ તેઓના ઢોરઢાંક માટે સારો હતો. (ગણ. ૩૨:૧, ૫) એવું લાગે છે કે ગાદીઓ ખૂબ હિંમતવાન હતા. એનાથી પણ વધારે મહત્ત્વનું તો તેઓને યહોવા પર ભરોસો હતો. તેઓને ખાતરી હતી કે યહોવા દુશ્મનો સામે લડવા અને તેમણે આપેલા વિસ્તારનું રક્ષણ કરવા તેઓને મદદ કરશે. હવે આનો વિચાર કરો: યર્દન નદીની પેલે પાર બીજાં કુળોને વચનના દેશનો કબજો મેળવવા મદદની જરૂર હતી. એવા વખતે ગાદીઓએ પોતાના પુરુષોને ત્યાં મોકલ્યા. તેઓએ વર્ષો સુધી ત્યાં રહીને બીજાં કુળોને મદદ કરી. (ગણ. ૩૨:૧૬-૧૯) ગાદીઓને પૂરો ભરોસો હતો કે તેઓની ગેરહાજરીમાં યહોવા તેઓની પત્નીઓનું અને બાળકોનું રક્ષણ કરશે. ગાદીઓએ ખૂબ હિંમત બતાવી અને અઘરું હતું ત્યારે પણ બીજાઓને મદદ કરી. એટલે યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો.—યહો. ૨૨:૧-૪.
૯. યહોવા પર ભરોસો હોવાથી આપણે કેવા નિર્ણયો લઈશું?
૯ આપણે શું શીખી શકીએ? અઘરા સંજોગોમાં પણ યહોવાની સેવામાં લાગુ રહેવા આપણે તેમના પર ભરોસો રાખવો જોઈએ. (ગીત. ૩૭:૩) ઘણા લોકોએ વધારે જરૂર છે ત્યાં જઈને પ્રચાર કરવા, બાંધકામમાં અથવા યહોવાના સંગઠનમાં બીજી રીતોએ મદદ કરવા ઘણું જતું કર્યું છે. કેમ તે તેઓને પૂરો ભરોસો છે કે યહોવા હંમેશાં તેઓની સંભાળ રાખશે.—ગીત. ૨૩:૧.
આશેર
૧૦. આશેરીઓ વિશેની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ અને તેઓ શું કરવાનું ચૂકી ગયા? (ઉત્પત્તિ ૪૯:૨૦) (બૉક્સ પણ જુઓ.)
૧૦ ઉત્પત્તિ ૪૯:૨૦ વાંચો. યાકૂબે ભવિષ્યવાણી કરી હતી કે આશેરનું કુળ ધનવાન થશે અને એવું જ થયું. આશેરના કુળને વારસામાં સૌથી ફળદ્રુપ વિસ્તાર મળ્યો. (પુન. ૩૩:૨૪) એની સરહદ ભૂમધ્ય સમુદ્રને અડતી હતી અને તેઓના વિસ્તારમાં સિદોન બંદર આવેલું હતું, જ્યાં ધમધોકાર વેપાર-ધંધો ચાલતો હતો. પણ આશેરીઓએ એ વિસ્તારમાંથી કનાનીઓને કાઢી મૂક્યા નહિ. (ન્યા. ૧:૩૧, ૩૨) બની શકે કે કનાનીઓની ખરાબ અસરને લીધે અને પુષ્કળ ધનદોલત કમાવાને લીધે યહોવાની ભક્તિમાં આશેરીઓનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો. દાખલા તરીકે, ન્યાયાધીશ બારાકે ઇઝરાયેલીઓને કનાનીઓ વિરુદ્ધ લડવા બોલાવ્યા ત્યારે આશેરીઓ ન ગયા. પરિણામે, “મગિદ્દોના પાણી પાસે” યહોવાએ ચમત્કાર કરીને ઇઝરાયેલીઓને જે અદ્ભુત જીત અપાવી હતી, એ જોવાનો લહાવો તેઓએ ગુમાવી દીધો. (ન્યા. ૫:૧૯-૨૧) બારાક અને દબોરાહે જીતનું ગીત ગાયું ત્યારે આશેરીઓ શરમમાં મુકાઈ ગયા હશે. કેમ કે એ ગીતમાં તેઓએ ગાયું હતું: “આશેર દરિયા કિનારે આળસુ થઈને બેસી રહ્યો.”—ન્યા. ૫:૧૭.
૧૧. આપણા જીવનમાં કેમ પૈસા સૌથી મહત્ત્વના ન હોવા જોઈએ?
૧૧ આપણે શું શીખી શકીએ? આપણે યહોવાને સૌથી સારું આપવા માંગીએ છીએ. એમ કરવા જરૂરી છે કે દુનિયાનું વલણ આપણામાં આવી ન જાય. દુનિયા માટે પૈસો જ સૌથી મહત્ત્વનો છે, કેમ કે એનાથી એશઆરામની વસ્તુઓ ખરીદી શકાય છે. (નીતિ. ૧૮:૧૧) ખરું કે પૈસા જરૂરી છે. પણ આપણે એવું નથી વિચારતા કે યહોવાની ભક્તિ કરતાં પૈસા વધારે મહત્ત્વના છે. (સભા. ૭:૧૨; હિબ્રૂ. ૧૩:૫) આપણે વગર કામની વસ્તુઓ મેળવવા સમય-શક્તિ ખર્ચતા નથી. એના બદલે, આપણો સમય અને આપણી શક્તિ યહોવાના કામમાં વાપરીએ છીએ. કેમ કે આપણે જાણીએ છીએ કે સાચું સુખ અને સાચી સલામતી તો નવી દુનિયામાં જ મળશે.—ગીત. ૪:૮.
નફતાલી
૧૨. યાકૂબે નફતાલી વિશે જે કહ્યું, એ કદાચ કઈ રીતે સાચું પડ્યું? (ઉત્પત્તિ ૪૯:૨૧) (બૉક્સ પણ જુઓ.)
૧૨ ઉત્પત્તિ ૪૯:૨૧ વાંચો. યાકૂબે કહ્યું કે નફતાલી “મન મોહી લે એવા શબ્દો” બોલશે. એ કદાચ શાને રજૂ કરતું હતું? ઈસુ પોતાના પૃથ્વી પરના સેવાકાર્ય દરમિયાન જે રીતે બોલ્યા એને. ઈસુ પોતાની શીખવવાની જોરદાર રીત માટે જાણીતા હતા. તેમણે ઘણો સમય નફતાલીના વિસ્તારમાં આવેલા કાપરનાહુમ શહેરમાં વિતાવ્યો હતો. એટલે કાપરનાહુમને ઈસુનું ‘પોતાનું શહેર’ કહેવામાં આવ્યું. (માથ. ૪:૧૩; ૯:૧; યોહા. ૭:૪૬) યશાયાએ ઈસુ વિશે ભવિષ્યવાણી કરી હતી કે ઝબુલોન અને નફતાલીના લોકો “મોટો પ્રકાશ” જોશે. (યશા. ૯:૧, ૨) ઈસુ “સાચો પ્રકાશ” હતા, જે પોતાના શિક્ષણથી “દરેકને અજવાળું આપે” છે.—યોહા. ૧:૯.
૧૩. આપણા શબ્દોથી કઈ રીતે યહોવાને ખુશ કરી શકીએ?
૧૩ આપણે શું શીખી શકીએ? આપણે જે બોલીએ છીએ અને જે રીતે બોલીએ છીએ, એનાથી યહોવાને ફરક પડે છે. આપણે કઈ રીતે “મન મોહી લે એવા શબ્દો” બોલી શકીએ, જેથી યહોવા ખુશ થાય? હંમેશાં સાચું બોલીએ. (ગીત. ૧૫:૧, ૨) બીજાઓને ઉત્તેજન મળે એ રીતે બોલીએ. વખાણ કરવામાં પાછા ન પડીએ. બીજાઓની નિંદા કે ફરિયાદ ન કરીએ. (એફે. ૪:૨૯) વધુમાં, પ્રચારમાં લોકો સાથે સારી રીતે વાત શરૂ કરવાનો ધ્યેય રાખીએ, જેથી આગળ જતાં તેઓને યહોવા વિશે જણાવી શકીએ.
યૂસફ
૧૪. યૂસફ વિશે કરેલી ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (ઉત્પત્તિ ૪૯:૨૨, ૨૬) (બૉક્સ પણ જુઓ.)
૧૪ ઉત્પત્તિ ૪૯:૨૨, ૨૬ વાંચો. યાકૂબને પોતાના દીકરા યૂસફ પર ઘણો ગર્વ હશે. યૂસફ ‘પોતાના ભાઈઓથી અલગ કરાયેલો’ હતો અને યહોવાએ તેનો ખાસ રીતે ઉપયોગ કર્યો હતો. યાકૂબે કહ્યું કે યૂસફ “ફળદ્રુપ ઝાડની ડાળી છે.” યાકૂબ પોતે એ ઝાડ હતા અને યૂસફ એ ઝાડની ડાળી. યાકૂબને પોતાની વહાલી પત્ની રાહેલથી જે પહેલો દીકરો જન્મ્યો હતો, એ યૂસફ હતો. યાકૂબે ભાખ્યું હતું કે પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો હક યૂસફને મળશે, લેઆહથી જન્મેલા પહેલા દીકરા રૂબેનને નહિ. (ઉત. ૪૮:૫, ૬; ૧ કાળ. ૫:૧, ૨) ભવિષ્યવાણીનો એ ભાગ કઈ રીતે પૂરો થયો? યૂસફના બે દીકરાઓ એફ્રાઈમ અને મનાશ્શા બે કુળ બન્યા અને બંનેને વચનના દેશમાં ભાગ મળ્યો.—ઉત. ૪૯:૨૫; યહો. ૧૪:૪.
૧૫. અન્યાય થયો ત્યારે યૂસફે શું કર્યું?
૧૫ યાકૂબે એમ પણ કહ્યું કે ‘તીરંદાજો યૂસફને તીર મારતા રહ્યા અને તેને ધિક્કારતા રહ્યા.’ (ઉત. ૪૯:૨૩) એ તીરંદાજો યૂસફના ભાઈઓને રજૂ કરે છે, જેઓને યૂસફથી ઈર્ષા થતી હતી. તેઓના લીધે જ યૂસફે ઘણો અન્યાય સહેવો પડ્યો. તેમ છતાં, યૂસફે પોતાના ભાઈઓ માટે કે યહોવા માટે મનમાં કડવાશ ભરી રાખી નહિ. યાકૂબે કહ્યું તેમ, “[યૂસફની] કમાન ડગમગી નહિ. તેના હાથ મજબૂત રહ્યા અને સ્ફૂર્તિથી ચાલતા રહ્યા.” (ઉત. ૪૯:૨૪) એક રીતે કહીએ તો યૂસફે પ્રેમ અને દયાનાં તીરથી ભાઈઓની નફરત પર જીત મેળવી. કસોટીઓ દરમિયાન તેમણે યહોવા પર ભરોસો રાખ્યો. તેમણે પોતાના ભાઈઓને માફ કરી દીધા અને તેઓની સાથે પ્રેમથી વર્ત્યા. (ઉત. ૪૭:૧૧, ૧૨) કસોટીઓમાં યૂસફે પોતાને ઘડાવા દીધો, જેથી તે વધારે સારો માણસ બની શકે. (ગીત. ૧૦૫:૧૭-૧૯) પરિણામે, યહોવાએ યૂસફ દ્વારા અદ્ભુત કામો કર્યાં.
૧૬. કસોટીઓમાં આપણે કઈ રીતે યૂસફનો દાખલો અનુસરી શકીએ?
૧૬ આપણે શું શીખી શકીએ? કસોટીઓના લીધે યહોવાથી કે ભાઈ-બહેનોથી દૂર ન થઈ જઈએ. યાદ રાખીએ કે આપણને તાલીમ મળે એ માટે યહોવા કદાચ આપણી શ્રદ્ધાની કસોટી થવા દે. (હિબ્રૂ. ૧૨:૭, ફૂટનોટ) એ તાલીમથી આપણે દયા અને માફી જેવા ગુણો વધારે સારી રીતે કેળવી શકીશું. (હિબ્રૂ. ૧૨:૧૧) જો કસોટીઓમાં પણ ટકી રહીશું, તો યહોવા યૂસફની જેમ આપણને પણ આશીર્વાદ આપશે.
બિન્યામીન
૧૭. બિન્યામીન વિશે કરેલી ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડી? (ઉત્પત્તિ ૪૯:૨૭) (બૉક્સ પણ જુઓ.)
૧૭ ઉત્પત્તિ ૪૯:૨૭ વાંચો. યાકૂબે ભવિષ્યવાણી કરી કે બિન્યામીનનું કુળ વરુની જેમ લડશે. (ન્યા. ૨૦:૧૫, ૧૬; ૧ કાળ. ૧૨:૨) ભવિષ્યવાણી પ્રમાણે “સવારમાં” શું બન્યું? ઇઝરાયેલ રાજ્યનો પહેલો રાજા શાઉલ બિન્યામીન કુળનો હતો. તેણે પલિસ્તીઓ વિરુદ્ધ પૂરી હિંમતથી લડાઈ કરી. (૧ શમુ. ૯:૧૫-૧૭, ૨૧) એ રાજવી ઇતિહાસની “સાંજે,” એટલે કે ઇઝરાયેલી રાજાઓ રાજ કરતા ન હતા એ પછી શું થયું? એસ્તેર રાણીએ અને મોર્દખાયે ઈરાની સામ્રાજ્યમાં ઇઝરાયેલીઓની કત્લેઆમ થતી અટકાવી. તેઓ બંને પણ બિન્યામીન કુળનાં જ હતાં.—એસ્તે. ૨:૫-૭; ૮:૩; ૧૦:૩.
૧૮. આપણે કઈ રીતે બિન્યામીનીઓ જેવી વફાદારી બતાવી શકીએ?
૧૮ આપણે શું શીખી શકીએ? જ્યારે બિન્યામીન કુળનો શાઉલ રાજા બન્યો, ત્યારે આખું કુળ હરખાઈ ઊઠ્યું હશે. પછીથી યહોવાએ દાઉદને રાજા તરીકે પસંદ કર્યા, જે યહૂદા કુળના હતા. તોપણ સમય જતાં બિન્યામીનીઓએ દાઉદને પૂરો સાથ આપ્યો. (૨ શમુ. ૩:૧૭-૧૯) વર્ષો પછી, જ્યારે દસ કુળોએ યહૂદા કુળ વિરુદ્ધ બળવો પોકાર્યો, ત્યારે બિન્યામીનીઓ યહૂદા કુળને અને યહોવાએ નીમેલા રાજાને વફાદાર રહ્યા. (૧ રાજા. ૧૧:૩૧, ૩૨; ૧૨:૧૯, ૨૧) આજે યહોવા જેઓને આગેવાની લેવા પસંદ કરે છે, તેઓને આપણે પણ પૂરો સાથ-સહકાર આપીએ.—૧ થેસ્સા. ૫:૧૨.
૧૯. યાકૂબે કરેલી ભવિષ્યવાણીથી આપણને કઈ રીતે ફાયદો થાય છે?
૧૯ યાકૂબે પોતાની મરણ પથારીએ કરેલી ભવિષ્યવાણીથી આપણને ઘણો ફાયદો થાય છે. આપણે જોઈ ગયા કે એ ભવિષ્યવાણીનો એકેએક શબ્દ કઈ રીતે સાચો પડ્યો. એનાથી આપણો ભરોસો વધે છે કે યહોવાનાં બીજાં વચનો પણ ચોક્કસ પૂરાં થશે. એટલું જ નહિ, યાકૂબના દીકરાઓને જે આશીર્વાદો મળ્યા, એનાથી સારી રીતે સમજી શકીએ છીએ કે યહોવાના દિલને ખુશ કરવા આપણે શું કરીએ.
ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે
a જ્યારે યાકૂબે પહેલા ચાર દીકરાઓને, એટલે કે રૂબેન, શિમયોન, લેવી અને યહૂદાને આશીર્વાદ આપ્યો, ત્યારે તેઓના જન્મના ક્રમ પ્રમાણે આશીર્વાદ આપ્યો હતો. પણ બાકીના આઠ દીકરાઓને આશીર્વાદ આપતી વખતે તેમણે એવું કર્યું ન હતું.