વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 જૂન પાન ૨૦-૨૫
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • જીવતા ઈશ્વર તમને તાકાત આપશે
  • જીવતા ઈશ્વર તમને ઇનામ આપશે
  • જીવતા ઈશ્વરની નજીક રહો
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • વિશ્વાસુ માણસોએ કહેલા છેલ્લા શબ્દોમાંથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા આપણને એકલા મૂકી નહિ દે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 જૂન પાન ૨૦-૨૫

અભ્યાસ લેખ ૨૫

ગીત ૨૩ યહોવા મારો કિલ્લો

યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો

“યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે!”—ગીત. ૧૮:૪૬.

આપણે શું શીખીશું?

આપણે જે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ એ “જીવતા ઈશ્વર” છે, એ વાત યાદ રાખવાથી ઘણી મદદ મળે છે.

૧. મુસીબતો છતાં યહોવાની ભક્તિ કરતા રહેવા તેમના લોકોને શાનાથી મદદ મળે છે?

બાઇબલમાં જણાવ્યું છે કે આપણે જે સમયમાં જીવીએ છીએ, એ “સહન કરવા અઘરા” છે. (૨ તિમો. ૩:૧) શેતાનની દુનિયામાં જીવતા હોવાને લીધે બધા લોકો પર મુશ્કેલીઓ આવે છે. એ ઉપરાંત, યહોવાની ભક્તિ કરતા હોવાને લીધે આપણે વિરોધ અને સતાવણીનો પણ સામનો કરવો પડે છે. આટલી બધી મુસીબતો છતાં યહોવાની ભક્તિ કરતા રહેવા શાનાથી મદદ મળે છે? આ એક મુખ્ય કારણથી મદદ મળે છે: આપણે યહોવાની મદદનો અનુભવ કર્યો છે અને જાણીએ છીએ કે તે “જીવતા ઈશ્વર” છે.—યર્મિ. ૧૦:૧૦; ૨ તિમો. ૧:૧૨.

૨. યહોવા જીવતા ઈશ્વર છે, એનો અર્થ શું થાય?

૨ યહોવા જીવતા ઈશ્વર છે, એનો અર્થ શું થાય? એનો અર્થ થાય કે યહોવા સાચે જ છે, તે આપણી એકેએક તકલીફ જુએ છે અને હંમેશાં મદદ કરવા તૈયાર હોય છે. (૨ કાળ. ૧૬:૯; ગીત. ૨૩:૪) એ વાત યાદ રાખવાથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીશું. ચાલો જોઈએ કે રાજા દાઉદના કિસ્સામાં એ વાત કઈ રીતે સાચી હતી.

૩. “યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે!” એ શબ્દોથી દાઉદ શું કહેવા માંગતા હતા?

૩ દાઉદ યહોવાને ખૂબ જ સારી રીતે જાણતા હતા. તેમને યહોવા પર પૂરો ભરોસો હતો. જ્યારે રાજા શાઉલ અને બીજા દુશ્મનો દાઉદનો જીવ લેવા માંગતા હતા, ત્યારે તેમણે મદદ માટે યહોવાને પ્રાર્થના કરી. (ગીત. ૧૮:૬) યહોવાએ તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેમને બચાવ્યા. એ પછી દાઉદે કહ્યું: “યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે!” (ગીત. ૧૮:૪૬) એ શબ્દોથી દાઉદ શું કહેવા માંગતા હતા? એ શબ્દો વિશે એક લેખકે પોતાના પુસ્તકમાં લખ્યું કે અહીં દાઉદ ભાર આપી રહ્યા હતા કે યહોવા જ સાચા ઈશ્વર છે અને તે પોતાના સેવકોને મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે. પોતાના અનુભવોથી દાઉદને પાકી ખાતરી હતી કે યહોવા જ જીવતા-જાગતા ઈશ્વર છે અને તે હંમેશાં તેમની પડખે રહેશે. એ ખાતરીના લીધે દાઉદ યહોવાની સેવા અને સ્તુતિ કરતા રહી શક્યા.—ગીત. ૧૮:૨૮, ૨૯, ૪૯.

૪. યહોવા જ જીવતા ઈશ્વર છે એવી ખાતરી હોવાને લીધે કેવા ફાયદા થશે?

૪ જો પૂરી ખાતરી હશે કે યહોવા જ જીવતા ઈશ્વર છે, તો પૂરા ઉત્સાહથી તેમની ભક્તિ કરતા રહેવા મદદ મળશે. આપણને મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત મળશે. તેમ જ, યહોવાની સેવામાં સખત મહેનત કરતા રહેવાનો ઉત્સાહ વધતો જશે. એટલું જ નહિ, હંમેશાં યહોવાની નજીક રહેવાનો ઇરાદો મક્કમ થતો જશે.

જીવતા ઈશ્વર તમને તાકાત આપશે

૫. કઈ વાત યાદ રાખવાથી આપણે પૂરા ભરોસાથી મુશ્કેલીઓનો સામનો કરી શકીશું? (ફિલિપીઓ ૪:૧૩)

૫ જો યાદ રાખીશું કે યહોવા જીવતા ઈશ્વર છે અને તે આપણને નિભાવી રાખશે, તો મુશ્કેલીઓનો સામનો કરી શકીશું, પછી ભલે એ નાની હોય કે મોટી. કદી ભૂલશો નહિ કે પહાડ જેવી મુશ્કેલીઓની પણ યહોવા સામે કંઈ વિસાત નથી. યહોવા સર્વશક્તિમાન ઈશ્વર છે, તે આપણને શક્તિ આપી શકે છે. (ફિલિપીઓ ૪:૧૩ વાંચો.) એ કારણે આપણે પૂરા ભરોસાથી ગમે એવી મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. જ્યારે ધ્યાન આપીએ છીએ કે યહોવા કઈ રીતે નાની નાની મુશ્કેલીઓમાં મદદ કરે છે, ત્યારે પૂરી ખાતરી થાય છે કે તે મોટી મોટી મુશ્કેલીઓમાં પણ મદદ કરશે.

૬. કયા અનુભવોથી દાઉદનો યહોવા પરનો ભરોસો વધ્યો?

૬ ચાલો દાઉદના જીવનમાં બનેલા બે બનાવોનો વિચાર કરીએ. એ બનાવોથી દાઉદનો યહોવામાં ભરોસો વધ્યો હતો. દાઉદ નાના હતા અને પોતાના પિતાનાં ઘેટાં ચરાવતા હતા. એક વાર એક રીંછ અને બીજી વાર એક સિંહ ઘેટું ઉઠાવીને લઈ ગયાં. એ બંને વખતે દાઉદે હિંમતથી એ પ્રાણીઓનો પીછો કર્યો અને પોતાના ઘેટાને બચાવ્યું. આટલી નાની ઉંમરે આટલું મોટું કામ કર્યું હોવા છતાં તેમણે એ જીતનો જશ પોતાના માથે ન લીધો. તે જાણતા હતા કે એની પાછળ યહોવાનો હાથ હતો, યહોવાએ તેમને શક્તિ આપી હતી. (૧ શમુ. ૧૭:૩૪-૩૭) એ અનુભવો દાઉદ કદી ન ભૂલ્યા. એના પર મનન કરવાથી તેમનો ભરોસો વધ્યો હશે કે ભાવિમાં પણ યહોવા તેમને શક્તિ આપશે.

૭. દાઉદનું ધ્યાન શાના પર હતું? એના લીધે તેમને ગોલ્યાથ સામે લડવા કઈ રીતે મદદ મળી?

૭ હવે ધ્યાન આપો કે દાઉદ થોડા મોટા થયા ત્યારે શું બન્યું. એકવાર તે ઇઝરાયેલીઓની લશ્કરી છાવણીમાં ગયા. ત્યાં તેમણે જોયું કે ગોલ્યાથ નામના એક કદાવર પલિસ્તીને લીધે ઇઝરાયેલી સૈનિકો થરથર કાંપતા હતા. એ પલિસ્તી ‘ઇઝરાયેલના સૈન્યને લલકારી’ રહ્યો હતો. (૧ શમુ. ૧૭:૧૦, ૧૧) સૈનિકોના ડરનું કારણ શું હતું? તેઓનું ધ્યાન એ પલિસ્તીના કદ પર અને તે જે કહી રહ્યો હતો એના પર હતું. (૧ શમુ. ૧૭:૨૪, ૨૫) પણ દાઉદનું ધ્યાન બીજે હતું. દાઉદે જોયું કે એ પલિસ્તીએ ઇઝરાયેલના સૈન્યને નહિ, પણ “જીવતા ઈશ્વરના સૈન્યને” લલકાર્યું હતું. (૧ શમુ. ૧૭:૨૬) તે યહોવાનો વિચાર કરી રહ્યા હતા. તેમને ભરોસો હતો કે જે ઈશ્વરે તેમને સિંહ અને રીંછ સામે લડવા મદદ કરી હતી, એ જ ઈશ્વર તેમને આ સંજોગમાં પણ મદદ કરશે. યહોવા તેમની પડખે છે એ ભરોસા સાથે તે ગોલ્યાથ સામે લડવા ગયા અને જીત મેળવી.—૧ શમુ. ૧૭:૪૫-૫૧.

૮. મુશ્કેલીઓમાં યહોવા મદદ કરશે એવો ભરોસો વધારવા શું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૮ જો યાદ રાખીશું કે જીવતા ઈશ્વર મદદ કરવા તૈયાર છે, તો આપણે પણ હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરી શકીશું. (ગીત. ૧૧૮:૬) એવો ભરોસો વધારવા શું કરી શકીએ? વિચારો કે અગાઉના સમયમાં યહોવાએ પોતાના સેવકો માટે શું કર્યું હતું. એ માટે બાઇબલમાંથી એવા અહેવાલો વાંચો, જે તમને યાદ અપાવે કે યહોવાએ પોતાના ભક્તોને કઈ રીતે બચાવ્યા હતા. (યશા. ૩૭:૧૭, ૩૩-૩૭) એ ઉપરાંત, jw.org વેબસાઇટ પર એવા અનુભવો વાંચો અથવા જુઓ, જે બતાવે છે કે યહોવાએ આપણા સમયમાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરી છે. વધુમાં, યાદ કરો કે તમે મુશ્કેલીમાં હતા ત્યારે યહોવાએ તમારા માટે શું કર્યું હતું. જો તમને લાગતું હોય કે યહોવાએ રીંછ કે સિંહના મોંમાંથી બચાવવા જેવું કોઈ મોટું કામ તમારા માટે નથી કર્યું, તો નિરાશ ન થશો. શા માટે? કેમ કે યહોવાએ તમારા માટે ઘણું કર્યું છે. તે તમને પોતાની પાસે દોરી લાવ્યા છે, જેથી તમે તેમના મિત્ર બનો. (યોહા. ૬:૪૪) હમણાં પણ ફક્ત યહોવાને લીધે જ તમે તેમની ભક્તિ કરી રહ્યા છો. યહોવાએ તમારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો છે, યોગ્ય સમયે તમને સહાય પૂરી પાડી છે અને અઘરા સંજોગોમાં તમને નિભાવી રાખ્યા છે. તો પછી યહોવાને પ્રાર્થના કરો કે એ બધી ઘડીઓ યાદ અપાવવા તે તમને મદદ કરે. એવા અનુભવો પર વિચાર કરવાથી તમારો ભરોસો વધશે કે આગળ જતાં પણ યહોવા તમારા માટે પગલાં ભરશે.

જેલમાં બે ભાઈઓ પલંગ પર બેસીને વાતો કરી રહ્યા છે. પાછળની દીવાલ પર એક ચિત્ર, કાર્ડ્‌સ અને પત્રો દેખાય છે.

મુશ્કેલીઓમાં આપણે કઈ રીતે વર્તીએ છીએ, એનાથી યહોવાને ખુશ અથવા દુઃખી કરી શકીએ છીએ (ફકરા ૮-૯ જુઓ)


૯. મુશ્કેલીઓ આવે ત્યારે આપણું ધ્યાન શાના પર હોવું જોઈએ? (નીતિવચનો ૨૭:૧૧)

૯ યહોવા જીવતા ઈશ્વર છે એ વાત યાદ રાખવાથી મુશ્કેલીઓ વિશે યોગ્ય વલણ રાખી શકીશું. મુશ્કેલીઓ આવે ત્યારે આપણું ધ્યાન શાના પર હોય છે? મુશ્કેલીઓ પર, કે પછી યહોવાનું નામ પવિત્ર મનાવાય એના પર? યાદ કરો કે શેતાને યહોવાને શું કહ્યું છે. તેણે દાવો કર્યો છે કે મુસીબતો આવશે ત્યારે આપણે યહોવાને છોડી દઈશું. એટલે મુશ્કેલીઓમાં આપણે કઈ રીતે વર્તીએ છીએ, એનાથી યહોવાને ખુશ અથવા દુઃખી કરી શકીએ છીએ. (અયૂ. ૧:૧૦, ૧૧; નીતિવચનો ૨૭:૧૧ વાંચો.) પણ જો મુશ્કેલીઓમાં પણ યહોવાને વફાદાર રહીશું, તો સાબિત કરી આપીશું કે આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને શેતાન જૂઠો છે. શું સરકાર તમારો વિરોધ કરે છે? શું તમને પૈસાની તંગી છે? શું પ્રચારમાં લોકો રાજ્યનો સંદેશો નથી સાંભળતા? શું તમે બીજી કોઈ કસોટીનો સામનો કરો છો? જો એમ હોય, તો યાદ રાખજો કે તમારી પાસે યહોવાનું દિલ ખુશ કરવાની એક જોરદાર તક છે. એ પણ યાદ રાખજો કે યહોવા તમારા પર એટલી બધી કસોટી આવવા નહિ દે, જે તમે સહી ન શકો. (૧ કોરીં. ૧૦:૧૩) તે તમને દુઃખ સહેવાની તાકાત પણ આપશે.

જીવતા ઈશ્વર તમને ઇનામ આપશે

૧૦. જીવતા ઈશ્વર પોતાના ભક્તો માટે શું કરશે?

૧૦ યહોવા પોતાના ભક્તોને હંમેશાં ઇનામ આપે છે. (હિબ્રૂ. ૧૧:૬) તે આપણને મનની શાંતિ અને અઢળક આશીર્વાદો આપે છે, જેના લીધે આપણે હમણાં ખુશ રહી શકીએ છીએ. તે ભાવિમાં હંમેશ માટેનું જીવન પણ આપશે. આપણને પૂરો ભરોસો છે કે યહોવા આપણને ઇનામ આપવા માંગે છે અને એમ કરવાની તેમની પાસે તાકાત પણ છે. એ કારણને લીધે આપણે અગાઉના વફાદાર સેવકોની જેમ યહોવાની સેવામાં સૌથી સારું કરવા સખત મહેનત કરીએ છીએ. પહેલી સદીના તિમોથીએ એવું જ કર્યું હતું.—હિબ્રૂ. ૬:૧૦-૧૨.

૧૧. તિમોથીએ ભાઈ-બહેનોને મદદ કરવા કેમ ઘણી મહેનત કરી? (૧ તિમોથી ૪:૧૦)

૧૧ પહેલો તિમોથી ૪:૧૦ વાંચો. તિમોથીને પૂરી શ્રદ્ધા હતી કે યહોવા જીવતા ઈશ્વર છે અને તેમને ઇનામ આપશે. એટલે તેમણે ઘણી મહેનત કરી અને સખત લડત આપી. કઈ રીતે? પ્રેરિત પાઉલે તિમોથીને ઉત્તેજન આપ્યું કે તે સારા શિક્ષક બને, જેથી મંડળમાં અને પ્રચારમાં બધાને સારી રીતે શીખવી શકે. પાઉલે એ પણ કહ્યું કે તિમોથી નાના-મોટા બધા માટે સારો દાખલો બેસાડે. તેમને અમુક અઘરી જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી. જેમ કે, જરૂર પડ્યે તેમણે લોકોને કડક પણ પ્રેમથી ઠપકો આપવાનો હતો. (૧ તિમો. ૪:૧૧-૧૬; ૨ તિમો. ૪:૧-૫) અમુક વાર તિમોથીએ કરેલાં કામ પર લોકોનું ધ્યાન નહિ ગયું હોય અથવા તેઓએ એની કદર કરી નહિ હોય. તેમ છતાં, તિમોથીને પાકો ભરોસો હતો કે યહોવા તેમને ઇનામ આપશે.—રોમ. ૨:૬, ૭.

૧૨. વડીલો મંડળ માટે કેમ સખત મહેનત કરે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૨ આજે વડીલો પણ ખાતરી રાખી શકે કે યહોવા તેઓનાં સારાં કામોને જુએ છે અને એને કીમતી ગણે છે. બધા વડીલો ભાઈ-બહેનોને ઉત્તેજન આપવાના, શીખવવાના અને ખુશખબર ફેલાવાના કામમાં હિસ્સો લે છે. એ ઉપરાંત, ઘણા વડીલો બાંધકામ અને રાહતકામમાં ભાગ લે છે. અમુક વડીલો દર્દીની મુલાકાત લેતા જૂથમાં અથવા હૉસ્પિટલ સંપર્ક સમિતિમાં સેવા આપે છે. વડીલો જાણે છે કે મંડળ યહોવાનું છે, કોઈ માણસનું નથી. એટલે તેઓ પૂરા દિલથી પોતાની જવાબદારીઓ નિભાવે છે અને ભરોસો રાખે છે કે યહોવા તેઓને ઇનામ આપશે.—કોલો. ૩:૨૩, ૨૪.

રાતનો સમય છે. બે વડીલો વીડિયો કોલ પર એક બહેનની ઉત્તેજન આપતી મુલાકાત કરી રહ્યા છે. એમાંના એક વડીલ બાઇબલમાંથી કંઈ વાંચી રહ્યા છે. સામેની દીવાલ પર બાંધકામમાં પહેરાતાં કપડાં અને સાધનો લટકાવ્યાં છે. એની બાજુમાં એક કેલેન્ડર છે જેમાં મોટા ભાગે બધી તારીખો નીચે લખ્યું છે કે ભાઈએ કયું કયું કામ કરવાનું છે.

તમે મંડળ માટે જે સખત મહેનત કરો છો, એ માટે જીવતા ઈશ્વર તમને ચોક્કસ ઇનામ આપશે (ફકરા ૧૨-૧૩ જુઓ)


૧૩. આપણે યહોવાની સેવામાં જે કંઈ કરીએ છીએ, એ જોઈને તેમને કેવું લાગે છે?

૧૩ મંડળમાં બધા જ પ્રકાશકો વડીલ નથી બની શકતા. પણ આપણે બધા જ લોકો યહોવાને કંઈ ને કંઈ આપી શકીએ છીએ. યહોવાની સેવામાં બનતું બધું કરીએ છીએ ત્યારે તે એની કદર કરે છે. જ્યારે આપણે રાજ્યના કામ માટે દાન આપીએ છીએ, ત્યારે યહોવા એના પર ધ્યાન આપે છે. ભલેને આપણે દાનમાં થોડું જ આપ્યું હોય, તોપણ યહોવા ખુશ થાય છે. કદાચ તમારો સ્વભાવ શરમાળ હશે. પણ જ્યારે તમે સભામાં જવાબ આપવા હાથ ઊંચો કરો છો, ત્યારે યહોવાને ખુશી થાય છે. જ્યારે કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું હોય અને તમે તેને માફ કરો છો, ત્યારે પણ યહોવા ખુશ થાય છે. કદાચ તમે યહોવા માટે ઘણું કરવા માંગતા હશો, પણ કરી શકતા નહિ હો. જો એમ હોય, તો ભરોસો રાખજો કે યહોવા માટે તમે જે કંઈ કરી શકો છો, એને તે કીમતી ગણે છે. તે તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને ચોક્કસ ઇનામ આપશે.—લૂક ૨૧:૧-૪.

જીવતા ઈશ્વરની નજીક રહો

૧૪. જો યહોવા આપણા પાકા મિત્ર હશે, તો તેમને વફાદાર રહેવા કઈ રીતે મદદ મળશે? (ચિત્ર પણ જુઓ.)

૧૪ જો યહોવા આપણા પાકા મિત્ર હશે, તો તેમને વફાદાર રહેવું સહેલું બની જશે. યૂસફનો વિચાર કરો. તેમણે વ્યભિચાર કરવાની ઘસીને ના પાડી દીધી. તે જાણતા હતા કે યહોવા જીવતા ઈશ્વર છે અને તે તેમને દુઃખી કરવા માંગતા ન હતા. (ઉત. ૩૯:૯) યહોવા સાથેની મિત્રતા પાકી કરવા જરૂરી છે કે આપણે પ્રાર્થના કરવા અને બાઇબલનો અભ્યાસ કરવા સમય કાઢીએ. આમ, મિત્રતાનું આ બંધન વધારે ને વધારે મજબૂત થતું જશે. યૂસફની જેમ યહોવાની નજીક રહીએ છીએ ત્યારે, એવું કોઈ કામ નહિ કરીએ, જેથી યહોવાને દુઃખ પહોંચે.—યાકૂ. ૪:૮.

એક ક્લાસમાં અમુક બાળકો ફોન પર કંઈક જોઈ રહ્યાં છે. પણ આપણા એક તરુણ ભાઈ તેઓથી દૂર જઈ રહ્યા છે.

જો જીવતા ઈશ્વર તમારા પાકા મિત્ર હશે, તો વફાદાર રહેવા તમને મદદ મળશે (ફકરા ૧૪-૧૫ જુઓ)


૧૫. ઇઝરાયેલીઓના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (હિબ્રૂઓ ૩:૧૨)

૧૫ જેઓ ભૂલી જાય છે કે યહોવા જીવતા ઈશ્વર છે, તેઓ સહેલાઈથી તેમનાથી દૂર જતા રહે છે અને તેમને બેવફા બને છે. ધ્યાન આપો કે વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓ સાથે શું બન્યું. તેઓ જાણતા હતા કે યહોવા સાચે જ છે. પણ તેઓ શંકા કરવા લાગ્યા કે યહોવા તેઓની જરૂરિયાતો પૂરી કરશે કે નહિ. તેઓએ તો એમ પણ પૂછ્યું: “યહોવા આપણી સાથે છે કે નહિ?” (નિર્ગ. ૧૭:૨, ૭) પરિણામે, તેઓએ યહોવા વિરુદ્ધ બળવો કર્યો. એક વાત તો ચોક્કસ છે કે આપણે એ બેવફા ઇઝરાયેલીઓના ખરાબ પગલે ચાલવા નથી માંગતા.—હિબ્રૂઓ ૩:૧૨ વાંચો.

૧૬. શાના લીધે આપણી શ્રદ્ધાની કસોટી થઈ શકે?

૧૬ આ દુષ્ટ દુનિયાને લીધે યહોવાની નજીક રહેવું અઘરું બને છે. આજે ઘણા લોકો ઈશ્વરમાં માનતા જ નથી અથવા કહે છે કે ઈશ્વર છે જ નહિ. ઘણી વાર એવું પણ બને કે ઈશ્વરમાં ન માનનાર લોકો વધારે સુખેથી જીવે. એ જોઈને કદાચ આપણી શ્રદ્ધાની કસોટી થાય. ખરું કે, આપણને એ શંકા નથી કે યહોવા છે કે નહિ. પણ કદાચ એવી શંકા કરવા લાગીએ કે તે આપણને મદદ કરશે કે નહિ. ગીતશાસ્ત્ર ૭૩ના લેખક સાથે એવું જ બન્યું હતું. તેમણે જોયું કે તેમની આસપાસના લોકો ઈશ્વરના નિયમો તોડતા હતા અને તોય સુખેથી જીવતા હતા. પરિણામે તેમને શંકા થવા લાગી કે યહોવાની ભક્તિ કરવાનો શું કોઈ ફાયદો છે.—ગીત. ૭૩:૧૧-૧૩.

૧૭. યહોવાની નજીક રહેવા શાનાથી મદદ મળશે?

૧૭ ગીતશાસ્ત્ર ૭૩ના લેખકને પોતાના વિચારો સુધારવા શાનાથી મદદ મળી? તેમણે મનન કર્યું કે જેઓ યહોવાને ભૂલી જાય છે, તેઓના કેવા હાલ થશે. (ગીત. ૭૩:૧૮, ૧૯, ૨૭) તેમણે એ પણ વિચાર કર્યો કે યહોવાની સેવા કરવાથી કેવા આશીર્વાદો મળે છે. (ગીત. ૭૩:૨૪) આપણે પણ યહોવાએ આપેલા આશીર્વાદો પર મનન કરી શકીએ. પછી વિચારીએ: ‘જો યહોવાની સેવા કરતો ન હોત, તો મારું જીવન કેવું હોત?’ એ રીતે વિચારવાથી યહોવાને વફાદાર રહેવા મદદ મળશે. પછી આપણે પણ ગીતશાસ્ત્ર ૭૩ના લેખકની જેમ પોકારી ઊઠીશું: “ઈશ્વરની નજીક આવવામાં મારું ભલું છે.”—ગીત. ૭૩:૨૮.

૧૮. આપણને કેમ ભાવિના બનાવોથી ડર લાગતો નથી?

૧૮ આપણે “જીવતા અને સાચા ઈશ્વરના દાસ” છીએ, એટલે આ દુનિયાના છેલ્લા દિવસોમાં આવતી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. (૧ થેસ્સા. ૧:૯) આપણા ઈશ્વર સાચે જ છે. તે આપણી સંભાળ રાખે છે અને હંમેશાં આપણને મદદ કરશે. અગાઉના સમયમાં તે પોતાના સેવકોની પડખે રહ્યા હતા અને આજે આપણી પણ પડખે છે. બહુ જલદી આ પૃથ્વી પર મોટી વિપત્તિ શરૂ થવાની છે. પણ એ સમયે આપણે એકલા નહિ હોઈએ, યહોવા આપણી સાથે હશે. (યશા. ૪૧:૧૦) તો ચાલો પૂરી હિંમતથી કહીએ: “યહોવા મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ.”—હિબ્રૂ. ૧૩:૫, ૬.

યહોવા “જીવતા ઈશ્વર” છે એ વાત યાદ રાખવાથી . . .

  • તમને કઈ રીતે તાકાત મળે છે?

  • તે ઇનામ આપશે એવી ખાતરી કઈ રીતે મળે છે?

  • તેમની નજીક રહેવા કઈ રીતે મદદ મળે છે?

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો