વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 એપ્રિલ પાન ૨૦-૨૫
  • યહોવા આપણને એકલા મૂકી નહિ દે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા આપણને એકલા મૂકી નહિ દે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા આપણને માર્ગદર્શન આપે છે
  • યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડે છે
  • યહોવા આપણું રક્ષણ કરે છે
  • યહોવા આપણને દિલાસો આપે છે
  • યહોવા હંમેશાં આપણી સાથે છે
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • આપવાથી તમને ખુશી મળશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 એપ્રિલ પાન ૨૦-૨૫

અભ્યાસ લેખ ૧૭

ગીત ૨ યહોવા તારો આભાર

યહોવા આપણને એકલા મૂકી નહિ દે

‘હું તને મદદ કરીશ.’—યશા. ૪૧:૧૦.

આપણે શું શીખીશું?

આપણે જોઈશું કે યહોવા કઈ ચાર રીતોએ આપણી સંભાળ રાખે છે.

૧-૨. (ક) આપણે કેમ મુશ્કેલીઓ સામે એકલા હાથે લડવાની જરૂર નથી? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

કપરા સંજોગોનો સામનો કરતી વખતે કદાચ એવું લાગે કે સમુદ્ર તોફાને ચઢ્યો છે અને એક નાનકડી હોડીમાં આપણે સાવ એકલા છીએ. પણ આપણે એકલા હાથે એ તોફાન સામે લડવાની જરૂર નથી. સ્વર્ગમાંના આપણા પ્રેમાળ પિતા જુએ છે કે એ તોફાનમાંથી બહાર આવવા આપણે કેટલાં તરફડિયાં મારીએ છીએ. જોકે તે એ જોઈને બેસી નથી રહેતા. તેમણે તો આપણને મદદ કરવાનું વચન આપ્યું છે. તે ખૂબ જ પ્રેમથી પોતાના વફાદાર ભક્તોને આ ખાતરી આપે છે: ‘હું તને મદદ કરીશ.’—યશા. ૪૧:૧૦.

૨ આપણે જોઈશું કે આ ચાર રીતોથી યહોવા કઈ રીતે આપણને મદદ કરે છે: (૧) તે આપણને માર્ગદર્શન આપે છે, (૨) તે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, (૩) તે આપણું રક્ષણ કરે છે અને (૪) તે આપણને દિલાસો આપે છે. યહોવા ખાતરી આપે છે કે આપણાં જીવનમાં ભલે ગમે એવી મુશ્કેલી આવે, તે કદી આપણને ભૂલી જશે નહિ. તે કદી આપણો સાથ છોડશે નહિ. એટલે મુશ્કેલ ઘડીઓમાં આપણે કદી એકલા નહિ હોઈએ.

યહોવા આપણને માર્ગદર્શન આપે છે

૩-૪. યહોવા કઈ રીતે માર્ગદર્શન આપે છે? (ગીતશાસ્ત્ર ૪૮:૧૪)

૩ ગીતશાસ્ત્ર ૪૮:૧૪ વાંચો. યહોવા જાણે છે કે આપણે પોતાની મેળે એક ડગલુંયે ભરી શકતા નથી અને એટલે આપણને તેમના માર્ગદર્શનની જરૂર છે. યહોવા આજે પોતાના વફાદાર ભક્તોને કઈ રીતે દોરે છે? એક રીત છે, બાઇબલ દ્વારા. (ગીત. ૧૧૯:૧૦૫) યહોવા બાઇબલની મદદથી આપણને સારા નિર્ણયો લેવાનું અને સારા ગુણો કેળવવાનું શીખવે છે.a તેમની સલાહ પાળીએ છીએ ત્યારે જીવનમાં ખુશીઓ આવે છે અને ભાવિમાં હંમેશ માટે જીવવાની આશા મળે છે. દાખલા તરીકે, યહોવા આપણને મનમાં ખાર ન ભરી રાખવાનું, બધી રીતે પ્રમાણિક રહેવાનું અને બીજાઓને પૂરા દિલથી પ્રેમ કરવાનું શીખવે છે. (ગીત. ૩૭:૮; હિબ્રૂ. ૧૩:૧૮; ૧ પિત. ૧:૨૨) એવું કરીએ છીએ ત્યારે આપણે સારાં મમ્મી-પપ્પા, સારા જીવનસાથી અને સારા દોસ્તો બનીએ છીએ.

૪ એ ઉપરાંત યહોવાએ બાઇબલમાં એવા લોકોના દાખલા લખાવ્યા છે, જેઓ પર આપણા જેવી કસોટીઓ આવી હતી અને જેઓએ આપણા જેવું અનુભવ્યું હતું. (૧ કોરીં. ૧૦:૧૩; યાકૂ. ૫:૧૭) એ અહેવાલો વાંચીએ છીએ અને એમાંથી શીખેલી વાતો લાગુ પાડીએ છીએ ત્યારે આપણને ઓછામાં ઓછી બે રીતોએ ફાયદો થાય છે. એક, આપણને ખ્યાલ આવે છે કે આપણે એકલા નથી, બીજા લોકોએ પણ આપણા જેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને યહોવાની મદદથી ટકી શક્યા છે. (૧ પિત. ૫:૯) બે, કઈ રીતે મુશ્કેલીઓ સહેવી અને એમાં ખુશ રહેવું એ શીખીએ છીએ.—રોમ. ૧૫:૪.

૫. માર્ગદર્શન આપવા યહોવા કોનો કોનો ઉપયોગ કરે છે?

૫ યહોવા માર્ગદર્શન આપવા ભાઈ-બહેનોનો પણ ઉપયોગ કરે છે.b દાખલા તરીકે, સરકીટ નિરીક્ષકો આપણને ઉત્તેજન આપવા નિયમિત રીતે મંડળોની મુલાકાત લે છે. તેઓનાં પ્રવચનોથી આપણી શ્રદ્ધા વધે છે અને સંપ જાળવવા મદદ મળે છે. (પ્રે.કા. ૧૫:૪૦–૧૬:૫) મંડળના વડીલો પણ એકેએક પ્રકાશકમાં રસ લે છે અને તેને યહોવાની નજીક રહેવા મદદ કરે છે. (૧ પિત. ૫:૨, ૩) મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને યહોવાને પ્રેમ કરવાનું, સારા નિર્ણયો લેવાનું અને સારી આદતો કેળવવાનું શીખવે છે. (નીતિ. ૨૨:૬) અનુભવી બહેનો પોતાના દાખલાથી યુવાન બહેનોને મદદ કરે છે, જરૂરી સલાહ આપે છે અને પ્રેમથી ઉત્તેજન આપે છે.—તિત. ૨:૩-૫.

૬. યહોવાના માર્ગદર્શનથી ફાયદો મેળવવા આપણે શું કરવું જોઈએ?

૬ આપણને માર્ગદર્શન આપવા યહોવાએ બધું જ પૂરું પાડ્યું છે. તો પછી એ માર્ગદર્શનમાંથી ફાયદો મેળવવા શું કરી શકીએ? નીતિવચનો ૩:૫, ૬માં લખ્યું છે: “તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” એમ કરીશું તો યહોવા આપણને “ખરો માર્ગ બતાવશે.” એટલે કે તે આપણને મુસીબતોથી દૂર રહેવા અને ખુશ રહેવા મદદ કરશે. યહોવા આપણને એટલી સારી રીતે ઓળખે છે કે આપણને જરૂર હોય એવી સલાહ આપે છે. એ માટે તેમનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે!—ગીત. ૩૨:૮.

યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડે છે

૭. યહોવા કઈ અમુક રીતોએ આપણી જરૂરિયાતો પૂરી પાડે છે? (ફિલિપીઓ ૪:૧૯)

૭ ફિલિપીઓ ૪:૧૯ વાંચો. માર્ગદર્શન આપવા ઉપરાંત યહોવા બીજી એક રીતે પણ મદદ કરે છે. જ્યારે આપણે ખોરાક માટે, કપડાં માટે અને માથે છત રહે એ માટે મહેનત કરીએ છીએ, ત્યારે યહોવા એ મહેનત પર આશીર્વાદ વરસાવે છે. (માથ. ૬:૩૩; ૨ થેસ્સા. ૩:૧૨) ખરું કે, કુટુંબનું ભરણપોષણ કઈ રીતે કરીશું એવી ચિંતા થવી સ્વાભાવિક છે. પણ યહોવા ઉત્તેજન આપે છે કે એવી વાતોની વધારે પડતી ચિંતા ન કરીએ. (હિંદી અધ્યયન બાઇબલમાં માથ્થી ૬:૨૫ની અભ્યાસ માહિતી જુઓ.) શા માટે? કેમ કે આપણા પ્રેમાળ પિતા અણીના સમયે પોતાના વફાદાર ભક્તોને કદી તરછોડી દેશે નહિ. (માથ. ૬:૮; હિબ્રૂ. ૧૩:૫) તેમણે વચન આપ્યું છે કે તે આપણી જરૂરિયાતો ચોક્કસ પૂરી પાડશે અને એ વચનથી તે ફરી નહિ જાય.

૮. યહોવાએ દાઉદ માટે શું કર્યું?

૮ ચાલો જોઈએ કે યહોવાએ કઈ રીતે દાઉદને મદદ કરી હતી. દાઉદ શાઉલ રાજાથી ભાગી રહ્યા હતા. એ મુશ્કેલ વર્ષોમાં યહોવાએ દાઉદની અને તેમના માણસોની જરૂરિયાતો પૂરી પાડી. તેમણે તેઓને નિભાવી રાખ્યા. જ્યારે દાઉદે વિચાર કર્યો કે એ વર્ષો દરમિયાન યહોવાએ કઈ રીતે તેમની સંભાળ રાખી હતી, ત્યારે તેમણે કહ્યું: “એક સમયે હું યુવાન હતો ને હવે ઘરડો થયો છું. પણ મેં એવું જોયું નથી કે સચ્ચાઈથી ચાલનારને ઈશ્વરે ત્યજી દીધો હોય, કે પછી તેનાં બાળકો ભીખ માંગતા હોય.” (ગીત. ૩૭:૨૫) દાઉદની જેમ કદાચ તમે પણ જોયું હશે કે મુશ્કેલ સંજોગોમાં યહોવાએ કઈ રીતે તમારી અથવા તમારાં ભાઈ-બહેનોની સંભાળ રાખી હતી.

૯. આફતના સમયોમાં યહોવા કઈ રીતે પોતાના ભક્તોની જરૂરિયાતો પૂરી પાડે છે? (ચિત્રો પણ જુઓ.)

૯ યહોવા આફતના સમયે પણ પોતાના લોકોની જરૂરિયાતો પૂરી પાડે છે. પહેલી સદીનો દાખલો લો. યરૂશાલેમમાં ભયંકર દુકાળ પડ્યો હતો. એ વખતે અલગ અલગ જગ્યાઓએ રહેતા ખ્રિસ્તીઓએ યરૂશાલેમનાં ભાઈ-બહેનોને જરૂરી વસ્તુઓ પૂરી પાડી હતી. (પ્રે.કા. ૧૧:૨૭-૩૦; રોમ. ૧૫:૨૫, ૨૬) યહોવાના લોકો આજે પણ એવી જ ઉદારતા બતાવે છે. કોઈ આફત ત્રાટકે ત્યારે, યહોવા પોતાના લોકોનાં દિલમાં ઇચ્છા જગાડે છે કે તેઓ આફતનો શિકાર બનેલા લોકોને ખોરાક-પાણી, કપડાં અને દવાઓ જેવી જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડે. બાંધકામ વિભાગમાં કામ કરતા ભાઈ-બહેનો ઘરો અને પ્રાર્થનાઘરોનું સમારકામ કરે છે. એટલું જ નહિ, જે લોકોએ આફતમાં પોતાનાં ઘરબાર કે સ્નેહીજનો ગુમાવ્યાં છે, તેઓને બાઇબલમાંથી દિલાસો અને ઉત્તેજન આપવા તરત પગલાં ભરવામાં આવે છે.c

ચિત્રો: કુદરતી આફત પછી મલાવીનાં ભાઈ-બહેનોને જરૂરી ચીજવસ્તુઓ અને બાઇબલમાં દિલાસો આપવામાં આવે છે. ૧. મોટા ભાગના વિસ્તારમાં પૂરનું પાણી ફરી વળ્યું છે. ૨. ભાઈ ગેજ ફ્લિગલ ભાઈ-બહેનો સાથે વાત કરી રહ્યા છે. ૩. ભાઈઓ એક વાહનમાંથી ખોરાકના થેલા ઉતારી રહ્યા છે.

આફતના સમયે યહોવા કઈ રીતે દિલાસો આપે છે? (ફકરો ૯ જુઓ)e


૧૦-૧૧. બોરીસના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?

૧૦ યહોવા ઉદાર હાથે એવા લોકોની પણ જરૂરિયાતો પૂરી પાડે છે, જેઓ હજી સુધી તેમની ભક્તિ કરતા નથી. યહોવાનું અનુકરણ કરીને આપણે પણ એવા લોકો સાથે માયાળુ રીતે વર્તવું જોઈએ. (ગલા. ૬:૧૦) એમ કરવાથી ઘણી વાર યહોવા વિશે જણાવવાની તક મળે છે. બોરીસ નામના માણસનો દાખલો લો. તે યુક્રેઇનમાં રહે છે અને એક સ્કૂલના આચાર્ય છે. બોરીસ યહોવાના સાક્ષી નથી. પણ તે હંમેશાં સ્કૂલનાં સાક્ષી બાળકો સાથે પ્રેમથી વર્ત્યા અને તેઓની માન્યતાઓને માન આપ્યું. યુક્રેઇનમાં યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેમણે પોતાનું ગામ છોડીને બીજી સલામત જગ્યાએ જવાનું નક્કી કર્યું. એ વખતે આપણા ભાઈઓએ તેમને મદદ કરી. પછીથી બોરીસે ઈસુના સ્મરણપ્રસંગે હાજરી આપી. આપણા ભાઈઓએ કરેલી મદદને યાદ કરતા તેમણે કહ્યું: “સાક્ષીઓએ મારું ઘણું ધ્યાન રાખ્યું અને મારી સાથે પ્રેમથી વર્ત્યા. હું પૂરા દિલથી યહોવાના સાક્ષીઓનો આભાર માનું છું.”

૧૧ પિતા યહોવા ખૂબ પ્રેમાળ અને દયાળુ છે. તેમનું અનુકરણ કરીને આપણે પણ જરૂરિયાતવાળા લોકોને પ્રેમ બતાવીએ, પછી ભલે તેઓ યહોવાની ભક્તિ કરતા હોય કે ન કરતા હોય. (લૂક ૬:૩૧, ૩૬) આપણે આશા રાખીએ છીએ કે આપણો પ્રેમ તેઓનાં દિલને સ્પર્શી જશે અને એક દિવસે તેઓ ખ્રિસ્તના શિષ્ય બનશે. (૧ પિત. ૨:૧૨) ભલે તેઓ યહોવાના ભક્ત બને કે ન બને, આપણા ચહેરા પરનું સ્મિત તો કાયમ રહેશે, કેમ કે “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.

યહોવા આપણું રક્ષણ કરે છે

૧૨. યહોવાએ પોતાના બધા ભક્તોનું રક્ષણ કરવા કયું વચન આપ્યું છે? (ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨, ૧૪)

૧૨ ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨, ૧૪ વાંચો. આજે યહોવા વચન આપે છે કે તે એક સમૂહ તરીકે પોતાના લોકોનું રક્ષણ કરશે. તે એવી દરેક બાબતથી આપણું રક્ષણ કરશે, જેનાથી તેમની સાથેનો સંબંધ જોખમમાં મુકાઈ શકે છે. શેતાન શુદ્ધ ભક્તિને ભ્રષ્ટ કરે, એવું યહોવા કદી થવા નહિ દે. (યોહા. ૧૭:૧૫) ‘મોટી વિપત્તિ’ દરમિયાન પણ ભરોસો રાખી શકીશું કે યહોવા આપણી શ્રદ્ધા અડગ કરવાનું અને આપણને બચાવવાનું પોતાનું વચન નિભાવશે.—પ્રકટી. ૭:૯, ૧૪.

૧૩. યહોવા કઈ રીતે પોતાના દરેક ભક્તનું રક્ષણ કરે છે?

૧૩ એક સમૂહ તરીકે તો યહોવા આપણું રક્ષણ કરે જ છે, પણ તે કઈ રીતે આપણામાંની દરેક વ્યક્તિને રક્ષણ પૂરું પાડે છે? બાઇબલ દ્વારા તે આપણને ખરું-ખોટું પારખવાનું શીખવે છે. (હિબ્રૂ. ૫:૧૪) બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવીએ છીએ ત્યારે, યહોવા સાથેના આપણા સંબંધ પર ઊની આંચ આવતી નથી અને સારા નિર્ણયો લઈ શકીએ છીએ. આમ આપણે ખુશ રહીએ છીએ અને આપણી તંદુરસ્તી સારી રહે છે. (ગીત. ૯૧:૪) વધુમાં યહોવા મંડળ દ્વારા પણ રક્ષણ પૂરું પાડે છે. (યશા. ૩૨:૧, ૨) આપણાં ભાઈ-બહેનો યહોવાને પ્રેમ કરે છે અને તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવે છે. તેઓ સાથે સમય વિતાવીએ છીએ ત્યારે આપણને ઉત્તેજન મળે છે અને ખોટા વિચારો સામે લડવા મદદ મળે છે.—નીતિ. ૧૩:૨૦.

૧૪. (ક) યહોવા કેમ આપણને એકેએક મુસીબતથી બચાવતા નથી? (ખ) ગીતશાસ્ત્ર ૯:૧૦થી કઈ ખાતરી મળે છે? (ફૂટનોટ પણ જુઓ.)

૧૪ જૂના જમાનામાં યહોવાના અમુક ભક્તોને માર મારવાની કે મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરવામાં આવી હતી, પણ યહોવાએ તેઓનું રક્ષણ કર્યું હતું. જોકે યહોવાએ દર વખતે એવું ન કર્યું. શા માટે? બાઇબલમાં લખ્યું છે કે “અણધાર્યા સંજોગોની” અસર કોઈને પણ થઈ શકે છે. (સભા. ૯:૧૧) વધુમાં શેતાન જૂઠો છે, એ સાબિત કરવા યહોવાના અમુક ભક્તોએ સતાવણી સહી છે, અમુક તો મોતને ભેટ્યા છે. યહોવાએ એવું થવા દીધું છે. (અયૂ. ૨:૪-૬; માથ. ૨૩:૩૪) આપણી સાથે પણ એવું થઈ શકે છે. કદાચ યહોવા આપણી મુસીબત દૂર ન કરે. પણ આપણે ખાતરી રાખી શકીએ કે તે આપણને કદી પણ ત્યજી નહિ દે.d—ગીત. ૯:૧૦.

યહોવા આપણને દિલાસો આપે છે

૧૫. પ્રાર્થના, બાઇબલ અને ભાઈ-બહેનોથી કઈ રીતે દિલાસો મળે છે? (૨ કોરીંથીઓ ૧:૩, ૪)

૧૫ બીજો કોરીંથીઓ ૧:૩, ૪ વાંચો. અમુક વાર ચિંતા, નિરાશા કે શોકની લાગણી આપણને ઘેરી વળે છે. બની શકે કે હમણાં તમે કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હો, જેના લીધે તમને એકલું એકલું લાગતું હોય. શું તમારી લાગણીઓ કોઈ સમજે છે? હા, યહોવા સમજે છે. તે જાણે છે કે આપણા પર શું વીતી રહ્યું છે. એટલું જ નહિ, “તે આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.” કઈ રીતે? જ્યારે કરગરીને યહોવાને પ્રાર્થના કરીએ છીએ, ત્યારે તે “ઈશ્વરની શાંતિ” આપે છે, “જે આપણી સમજશક્તિની બહાર છે.” (ફિલિ. ૪:૬, ૭) યહોવાએ બાઇબલમાં જે શબ્દો લખાવ્યા છે, એ વાંચીને પણ દિલાસો મળે છે. એમાં પ્રેમનો રણકાર, ડહાપણનો સાદ અને આશાનું સંગીત છે, જેનાથી આપણું ઉદાસ મન ઝૂમી ઊઠે છે. વધુમાં સભાઓમાં જવાથી પણ આપણને દિલાસો મળે છે. ત્યાં આપણે આપણાં પ્રેમાળ ભાઈ-બહેનો સાથે હોઈએ છીએ અને બાઇબલમાંથી ઉત્તેજન આપતી વાતો શીખીએ છીએ.

૧૬. નેથન અને પ્રિસિલાના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું?

૧૬ યહોવા કઈ રીતે બાઇબલ દ્વારા ઉત્તેજન આપે છે, એ સમજવા ચાલો નેથન અને પ્રિસિલાનો અનુભવ જોઈએ. તેઓ અમેરિકામાં રહે છે. અમુક વર્ષો પહેલાં તેઓ જ્યાં વધારે જરૂર હોય ત્યાં સેવા આપવા ગયાં હતાં. નેથન કહે છે: “અમને પૂરો ભરોસો હતો કે યહોવાની કૃપાથી બધું સારું રહેશે.” પણ એ નવી સોંપણીમાં ગયા પછી તેઓ પર અણધાર્યા સંજોગો આવી પડ્યા. બીમારીઓ અને પૈસાની ખેંચને લીધે તેઓને તકલીફ પડવા લાગી. સમય જતાં એ પતિ-પત્નીએ પોતાના ઘરે પાછા ફરવું પડ્યું. ત્યાં પણ તેઓને પૈસાની તંગી પડી. નેથન કહે છે: “હું વિચારતો કે અમે જે રીતે ધાર્યું હતું, એ રીતે યહોવાએ કેમ આશીર્વાદ ન આપ્યો. હું તો એવું પણ વિચારવા લાગ્યો હતો કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે.” પણ સમય જતાં નેથન અને પ્રિસિલાને ખ્યાલ આવ્યો કે એ મુશ્કેલ ઘડીઓમાં યહોવાએ તેઓને તરછોડી દીધાં ન હતાં. નેથન કહે છે: “એ કપરા સંજોગોમાં એક સમજુ મિત્રની સલાહની જેમ, બાઇબલની સલાહથી અમને ઉત્તેજન અને માર્ગદર્શન મળ્યું. મુશ્કેલીઓ પર ધ્યાન આપવાને બદલે અમે યહોવાએ કરેલી મદદ પર ધ્યાન આપ્યું. એનાથી અમે એ મુશ્કેલી સહી શક્યાં અને અમને ખાતરી થઈ ગઈ કે ભવિષ્યમાં પણ યહોવા અમને મદદ કરતા રહેશે.”

૧૭. હેલગાબહેનને કઈ રીતે દિલાસો મળ્યો? (ચિત્ર પણ જુઓ.)

૧૭ યહોવા ભાઈ-બહેનો દ્વારા પણ આપણને દિલાસો આપે છે. કઈ રીતે? ચાલો હેલગાબહેનનો અનુભવ જોઈએ. તે હંગેરીમાં રહે છે. ઘણાં વર્ષો સુધી તેમણે અનેક મુસીબતો સામે ઝઝૂમવું પડ્યું છે. એના લીધે તે ઘણાં ચિંતામાં રહેતાં અને તેમને લાગતું કે તે કોઈ કામનાં નથી. પણ તે આજે એ વર્ષોનો વિચાર કરે છે ત્યારે, જોઈ શકે છે કે યહોવાએ કઈ રીતે મંડળ દ્વારા તેમને દિલાસો આપ્યો હતો. તે લખે છે: “નોકરીને લીધે, મારા એકના એક બીમાર દીકરાની સંભાળ રાખવાને લીધે અને બીજી કસોટીઓને લીધે મારું બળ ખૂટી પડતું. પણ એવી દરેક પળે યહોવાએ મને મદદ કરી છે. પાછલાં ૩૦ વર્ષોમાં એવો એકેય દિવસ ગયો નથી કે જેમાં યહોવાએ દિલાસો આપવાનું પોતાનું વચન પાળ્યું ન હોય. યહોવા ઘણી વાર ભાઈ-બહેનો દ્વારા મારી હિંમત વધારે છે. પ્રેમથી કહેલા તેઓના શબ્દો મારામાં નવું જોમ ભરી દે છે. તેઓ સમજી-વિચારીને શબ્દો પસંદ કરે છે અને કદર વ્યક્ત કરે છે. ભાઈ-બહેનોએ કેટલીયે વાર મને મૅસેજ કે કાર્ડ મોકલ્યાં છે, મારી પ્રશંસા કરતા શબ્દો કહ્યા છે. સાચું કહું, એ વખતે મને એની જ જરૂર હતી.”

ચિત્રો: એક વૃદ્ધ ભાઈને ભાઈ-બહેનો દ્વારા દિલાસો અને મદદ મળી રહ્યાં છે. ૧. એ વૃદ્ધ ભાઈ અમુક ચિત્રો જોઈ રહ્યા છે, જે બાળકોએ તેમના માટે દોર્યાં છે. ૨. એક ભાઈ તેમને મૅસેજ કરે છે. ૩. એક યુગલ તેમના માટે કરિયાણું અને પિઝા લાવે છે. ૪. એક ભાઈ તેમને ફોન કરે છે. ૫. એક નાની છોકરી તેમના માટે નવી દુનિયાનું ચિત્ર દોરે છે, જેમાં તેણે એક સિંહ દોર્યો છે.

બીજાઓને દિલાસો આપવા યહોવા કદાચ કઈ રીતે તમારો ઉપયોગ કરે? (ફકરો ૧૭ જુઓ)


૧૮. આપણે કઈ રીતે બીજાઓને દિલાસો આપી શકીએ?

૧૮ આપણી પાસે યહોવાનું અનુકરણ કરવાનો અને બીજાઓને દિલાસો આપવાનો સરસ લહાવો છે. એવું કઈ રીતે કરી શકીએ? શાંતિથી બીજાઓની વાત સાંભળી શકીએ, પોતાના શબ્દોથી તેઓને દિલાસો આપી શકીએ અને અલગ અલગ રીતોએ તેઓને મદદ કરી શકીએ. (નીતિ. ૩:૨૭) ઉપરાંત, આપણે મુશ્કેલી સહેતા દરેક જણને, જેઓ યહોવાની ભક્તિ કરતા નથી તેઓને પણ દિલાસો આપવા બનતું બધું કરીએ છીએ. જ્યારે અડોશ-પડોશમાં રહેતા લોકો શોકમાં હોય છે, બીમાર હોય છે અથવા ચિંતામાં હોય છે, ત્યારે આપણે તેઓને મળવા જઈએ છીએ, તેઓનું ધ્યાનથી સાંભળીએ છીએ અને બાઇબલમાંથી ઉત્તેજન આપતી કલમો બતાવીએ છીએ. સાચે જ, યહોવા “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.” તેમનું અનુકરણ કરીએ છીએ ત્યારે આપણે ભાઈ-બહેનોને મુશ્કેલીઓ સહેવા મદદ કરીએ છીએ. એટલું જ નહિ, યહોવાની ભક્તિ નથી કરતા એ લોકોને પણ મદદ કરીએ છીએ, જેથી સાચી ભક્તિ માટે તેઓનું દિલ નરમ થાય.—માથ. ૫:૧૬.

યહોવા હંમેશાં આપણી સાથે છે

૧૯. યહોવા આપણા માટે શું કરે છે? આપણે કઈ રીતે તેમનું અનુકરણ કરી શકીએ?

૧૯ યહોવાને પોતાના વહાલા ભક્તોની ખૂબ જ ચિંતા છે, કેમ કે તેમના ભક્તો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે, તે કદી આપણો સાથ છોડતા નથી. જેમ મમ્મી-પપ્પા પ્રેમથી પોતાના વહાલા બાળકની સંભાળ રાખે છે, તેમ યહોવા પણ પોતાના વફાદાર ભક્તોની સંભાળ રાખે છે. તે આપણને માર્ગદર્શન આપે છે, આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, આપણું રક્ષણ કરે છે અને આપણને દિલાસો આપે છે. મુસીબતોના સમયમાં બીજાઓને સાથ-સહકાર અને ઉત્તેજન આપીએ છીએ ત્યારે સ્વર્ગમાંના આપણા પ્રેમાળ પિતાનું અનુકરણ કરીએ છીએ. એ વાત સાચી છે કે જીવનમાં મુશ્કેલીઓ અને દુઃખો તો આવવાનાં અને જવાનાં. પણ ખાતરી રાખી શકીએ કે યહોવા હંમેશાં આપણી સાથે છે. તેમણે પોતે વચન આપ્યું છે: “તું ગભરાઈશ નહિ, હું તારી સાથે છું.” (યશા. ૪૧:૧૦) એનાથી ભરોસો વધે છે કે યહોવા એક પળ માટે પણ આપણને એકલા મૂકી નહિ દે.

યહોવા કઈ રીતે . . .

  • આપણને માર્ગદર્શન આપે છે?

  • આપણી જરૂરિયાતો પૂરી પાડે છે?

  • આપણું રક્ષણ કરે છે અને આપણને દિલાસો આપે છે?

ગીત ૫૦ ઈશ્વરનો મધુર પ્રેમ

a એપ્રિલ ૧, ૨૦૧૧ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ.”

b ફેબ્રુઆરી ૨૦૨૪ ચોકીબુરજના અંકના આ લેખમાં આપેલા ફકરા ૧૧-૧૪ જુઓ: “યહોવાનું માર્ગદર્શન પાળતા રહો.”

c હાલના સમયમાં આફતનો ભોગ બનેલાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરવામાં આવી છે, એ વિશે જાણવા jw.org/gu પર શોધો બૉક્સમાં “રાહતકામ” લખો.

d ફેબ્રુઆરી ૨૦૧૭ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”

e ચિત્રની સમજ: કુદરતી આફત પછી મલાવીનાં ભાઈ-બહેનોને ખોરાક-પાણી, જરૂરી ચીજવસ્તુઓ અને બાઇબલમાંથી દિલાસો આપવામાં આવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો