વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 સપ્ટેમ્બર પાન ૮-૧૩
  • અંત સુધી વફાદાર રહેવા મદદ કરતો એક પત્ર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અંત સુધી વફાદાર રહેવા મદદ કરતો એક પત્ર
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • “પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ”
  • ‘શ્રદ્ધા રાખીએ, જેથી પોતાનું જીવન બચાવી શકીએ’
  • “તમારે ધીરજ રાખવાની જરૂર છે”
  • હંમેશાં ટકી રહેનાર શહેરની રાહ જુઓ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા કઈ રીતે ધીરજથી મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 સપ્ટેમ્બર પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૩૭

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

અંત સુધી વફાદાર રહેવા મદદ કરતો એક પત્ર

‘શરૂઆતમાં આપણને જે ભરોસો હતો એને અંત સુધી વળગી રહીએ.’—હિબ્રૂ. ૩:૧૪.

આપણે શું શીખીશું?

હિબ્રૂઓને લખેલા પત્રમાં સરસ સલાહ આપી છે, જેની મદદથી આપણે અંત સુધી વફાદાર રહી શકીશું અને ધીરજથી સહન કરી શકીશું.

૧-૨. (ક) પ્રેરિત પાઉલે હિબ્રૂઓને પત્ર લખ્યો ત્યારે યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓના સંજોગો કેવા હતા? (ખ) એ પત્ર કેમ સમયસરનો હતો?

ઈસવીસન ૩૩માં ઈસુનું મરણ થયું એ પછી યરૂશાલેમ અને યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ એ પછી તરત જ તેઓની આકરી સતાવણી થઈ. (પ્રે.કા. ૮:૧) વીસેક વર્ષ પછી તેઓએ દુકાળ અને ગરીબીને લીધે આર્થિક મુશ્કેલીઓ સહેવી પડી. (પ્રે.કા. ૧૧:૨૭-૩૦) પણ ૬૧ની સાલની આસપાસનો સમય તેઓ માટે શાંતિનો સમય હતો. આ તો તોફાન પહેલાંની શાંતિ હતી. કેમ કે બહુ જલદી મુસીબતોનું ભારે તોફાન આવવાનું હતું. એ સમયગાળા દરમિયાન યહોવાએ પ્રેરિત પાઉલ દ્વારા તેઓને એક પત્ર મોકલ્યો. એ પત્રમાં આપેલી સલાહ તેઓ માટે એકદમ સમયસરની હતી.

૨ હિબ્રૂઓને લખેલો પત્ર સમયસરનો હતો, કેમ કે ખ્રિસ્તીઓ જે શાંતિ અનુભવી રહ્યા હતા એ બહુ જલદી છીનવાઈ જવાની હતી. પાઉલે તેઓને જરૂરી સલાહ આપી. એનાથી તેઓને આવનાર મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરવા મદદ મળવાની હતી. ઈસુએ ભાખ્યું હતું તેમ યરૂશાલેમના વિનાશનો સમય નજીક આવી રહ્યો હતો. (લૂક ૨૧:૨૦) એ વાત સાચી છે કે પાઉલ અથવા યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓને ખબર ન હતી કે યરૂશાલેમનો વિનાશ ક્યારે થશે. પણ એ સમયનો ઉપયોગ કરીને તેઓ પોતાને તૈયાર કરી શકતા હતા. તેઓ પોતાની શ્રદ્ધા મક્કમ કરી શકતા હતા અને વધારે ધીરજ બતાવવાનું શીખી શકતા હતા.—હિબ્રૂ. ૧૦:૨૫; ૧૨:૧, ૨.

૩. આજે આપણે શા માટે હિબ્રૂઓને લખેલા પત્ર પર ખાસ ધ્યાન આપવું જોઈએ?

૩ યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓ પર જે આફત આવી, એના કરતાં વધારે મોટી વિપત્તિ આપણા સમયમાં આવવાની છે. (માથ. ૨૪:૨૧; પ્રકટી. ૧૬:૧૪, ૧૬) એટલે ચાલો હિબ્રૂઓને લખેલા પત્રમાં યહોવાએ એ ખ્રિસ્તીઓને જે સલાહ આપી હતી, એમાંની અમુક સલાહ પર ધ્યાન આપીએ. એનાથી આપણને પણ ખૂબ મદદ મળશે.

“પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ”

૪. યહૂદીમાંથી ખ્રિસ્તી બનેલા લોકો સામે કેવા પડકારો આવ્યા? (ચિત્ર પણ જુઓ.)

૪ જે યહૂદીઓ ખ્રિસ્તી બન્યા હતા, તેઓએ મોટા મોટા ફેરફારો કરવાના હતા અને એ જરાય સહેલું ન હતું. ઘણાં વર્ષો સુધી યરૂશાલેમ ખૂબ મહત્ત્વની જગ્યા હતી. યહોવા વતી રાજ કરતા ઇઝરાયેલી રાજાઓની રાજગાદી યરૂશાલેમમાં હતી. એ ઉપરાંત, યહોવાનું મંદિર ત્યાં હતું અને લોકો ત્યાં આવીને યહોવાની ભક્તિ કરતા હતા. બધા વફાદાર યહૂદીઓ મૂસાનું નિયમશાસ્ત્ર અને તેઓના ધાર્મિક આગેવાનોએ શીખવેલા નિયમો પાળતા હતા. તેઓએ ખોરાક, સુન્‍નત અને બીજી પ્રજાના લોકો સાથે કઈ રીતે વર્તવું એ વિશેના નિયમો પાળવાના હતા. પણ ઈસુના મરણ પછી મૂસાનું નિયમશાસ્ત્ર રદ થઈ ગયું. હવે તેઓએ મંદિરે બલિદાનો ચઢાવવાની જરૂર ન હતી. આમ, યહૂદીમાંથી ખ્રિસ્તી બનેલા લોકો માટે ભક્તિ કરવાની રીતમાં ફેરફાર કરવો સહેલું ન હતું. (હિબ્રૂ. ૧૦:૧, ૪, ૧૦) પ્રેરિત પિતર અને બીજા પરિપક્વ ખ્રિસ્તીઓ માટે પણ અમુક ફેરફારો કરવા અઘરું હતું. (પ્રે.કા. ૧૦:૯-૧૪; ગલા. ૨:૧૧-૧૪) એ સિવાય, ખ્રિસ્તીઓની નવી માન્યતાઓને લીધે યહૂદી ધર્મગુરુઓ તેઓની ખૂબ સતાવણી કરતા હતા.

યહૂદી ધર્મગુરુઓ મંદિરમાં છે. તેઓ નજીકમાં જ પ્રચાર કરી રહેલા ખ્રિસ્તીઓની ફરિયાદ કરે છે.

ખ્રિસ્તીઓએ સત્યને વળગી રહેવાનું હતું અને યહૂદી ધર્મગુરુઓના જૂઠા શિક્ષણથી દૂર રહેવાનું હતું (ફકરા ૪-૫ જુઓ)


૫. કયા બે સમૂહના લોકોએ ખ્રિસ્તીઓનો વિરોધ કર્યો?

૫ યહૂદિયાના ખ્રિસ્તીઓએ બે સમૂહના લોકો તરફથી વિરોધ સહેવો પડ્યો. એક, યહૂદી ધર્મગુરુઓ તરફથી. તેઓએ ખ્રિસ્તીઓને ખૂબ સતાવ્યા, કેમ કે ખ્રિસ્તીઓએ યહૂદી ધર્મ છોડી દીધો હતો. બે, ખ્રિસ્તી મંડળના અમુક સભ્યો તરફથી. તેઓ કહેતા હતા કે ખ્રિસ્તીઓએ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું બંધ ન કરવું જોઈએ, કેમ કે એ સભ્યો કદાચ સતાવણીથી બચવા માંગતા હતા. (ગલા. ૬:૧૨) યહોવાને વળગી રહેવા વફાદાર ખ્રિસ્તીઓએ શું કરવાનું હતું?

૬. પાઉલે ભાઈ-બહેનોને શું કરવાનું ઉત્તેજન આપ્યું? (હિબ્રૂઓ ૫:૧૪–૬:૧)

૬ હિબ્રૂઓને લખેલા પત્રમાં પાઉલે ભાઈ-બહેનોને શાસ્ત્રવચનો વાંચવા અને એના પર મનન કરવાનું ઉત્તેજન આપ્યું. (હિબ્રૂઓ ૫:૧૪–૬:૧ વાંચો.) હિબ્રૂ શાસ્ત્રવચનોનો ઉપયોગ કરીને પાઉલે સમજાવ્યું કે યહોવાની ભક્તિ કરવાની ખ્રિસ્તીઓની રીત કેમ યહૂદીઓની રીત કરતાં વધારે ચઢિયાતી છે.a પાઉલ જાણતા હતા કે જો ખ્રિસ્તીઓ પોતાનું જ્ઞાન વધારશે અને શાસ્ત્રવચનોની મદદથી સત્યને સારી રીતે સમજશે, તો ખોટું શિક્ષણ પારખી શકશે અને એનાથી દૂર રહી શકશે.

૭. આજે આપણી સામે કેવા પડકારો આવે છે?

૭ હિબ્રૂ ખ્રિસ્તીઓની જેમ આપણે પણ એવા લોકોથી ઘેરાયેલા છીએ, જેઓ યહોવાના શિક્ષણની વિરુદ્ધ હોય એવી વાતો ફેલાવે છે. વિરોધીઓ ઘણી વાર કહેતા હોય છે કે યહોવાના સાક્ષીઓ ખોટા છે, કેમ કે તેઓ સેક્સ વિશે બાઇબલનું શિક્ષણ પાળે છે. લોકોના વિચારો યહોવાના વિચારો કરતાં એકદમ વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. (નીતિ. ૧૭:૧૫) એટલે ખૂબ જરૂરી છે કે ઈશ્વરના વિચારોની વિરુદ્ધ હોય એવા વિચારો પારખીએ અને એનાથી દૂર રહીએ. એમ કરવાથી આપણે વિરોધીઓની વાતોમાં આવી નહિ જઈએ અને યહોવાની ભક્તિ કરવાનું છોડી નહિ દઈએ.—હિબ્રૂ. ૧૩:૯.

૮. પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહેવા આપણે શું કરવું જોઈએ?

૮ પાઉલે હિબ્રૂ ખ્રિસ્તીઓને કહ્યું કે તેઓ પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહે. આપણે પણ એવું જ કરવાની જરૂર છે. એનો અર્થ થાય કે બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ, જેથી યહોવાને તેમજ તેમના વિચારોને સારી રીતે જાણી શકીએ. સમર્પણ અને બાપ્તિસ્મા પછી પણ એમ કરતા રહેવાની જરૂર છે. ભલે આપણે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, આપણે નિયમિત રીતે બાઇબલ વાંચવું જોઈએ અને એનો અભ્યાસ કરવો જોઈએ. (ગીત. ૧:૨) નિયમિત રીતે બાઇબલ અભ્યાસ કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે. પાઉલે હિબ્રૂ ખ્રિસ્તીઓને પણ શ્રદ્ધા મજબૂત કરતા રહેવા કહ્યું હતું.—હિબ્રૂ. ૧૧:૧, ૬.

‘શ્રદ્ધા રાખીએ, જેથી પોતાનું જીવન બચાવી શકીએ’

૯. ખ્રિસ્તીઓએ કેમ પાકી શ્રદ્ધા રાખવાની હતી?

૯ યહૂદિયાનો બહુ જલદી વિનાશ થવાનો હતો. એમાંથી બચવા ખ્રિસ્તીઓએ પોતાની શ્રદ્ધા મક્કમ રાખવાની હતી. (હિબ્રૂ. ૧૦:૩૭-૩૯) ઈસુએ શિષ્યોને ચેતવણી આપી હતી કે જ્યારે તેઓ યરૂશાલેમને સૈન્યોથી ઘેરાયેલું જુએ, ત્યારે તેઓએ પહાડો પર નાસી જવું. તેમની સલાહ બધા ખ્રિસ્તીઓ માટે હતી, પછી ભલે તેઓ શહેરની અંદર રહેતા હોય કે સીમમાં. (લૂક ૨૧:૨૦-૨૪) કદાચ તેઓને ઈસુની સલાહ અજુગતી લાગી હશે. કેમ કે જ્યારે દુશ્મનો હુમલો કરતા, ત્યારે સીમમાં રહેતા લોકો રક્ષણ માટે મોટા ભાગે કોટવાળા શહેરની અંદર જતા રહેતા. એટલે ઈસુની સલાહ પાળવા તેઓને પાકી શ્રદ્ધાની જરૂર હતી.

૧૦. પાકી શ્રદ્ધાને લીધે ખ્રિસ્તીઓને શું કરવા મદદ મળી હશે? (હિબ્રૂઓ ૧૩:૧૭)

૧૦ યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓએ એ ભાઈઓ પર પણ ભરોસો મૂકવાનો હતો, જેઓ દ્વારા ઈસુ મંડળને માર્ગદર્શન આપતા હતા. એવું લાગે છે કે એ ભાઈઓએ મંડળનાં ભાઈ-બહેનોને માર્ગદર્શન આપ્યું હતું કે તેઓએ શું કરવું અને ક્યારે યરૂશાલેમ છોડીને ભાગી જવું. (હિબ્રૂઓ ૧૩:૧૭ વાંચો.) પ્રેરિત પાઉલે કહ્યું હતું: “જેઓ તમારામાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો.” પાઉલ કહેવા માંગતા હતા કે ભાઈ-બહેનો ફરજને લીધે નહિ, પણ આગેવાની લેતા ભાઈઓ પર ભરોસો હોવાને લીધે તેઓનું કહેવું માને. એટલે વિનાશ આવે એ પહેલાં જ ભાઈ-બહેનોએ વડીલો પર ભરોસો કરવાનું અને તેમનું માર્ગદર્શન પાળવાનું શીખવાનું હતું. જો ભાઈ-બહેનો શાંતિના સમયમાં વડીલોનું માર્ગદર્શન પાળતાં, તો અઘરા સમયમાં પણ તેઓની વાત માનવી સહેલું થઈ ગયું હોત.

૧૧. આજે આપણને કેમ પાકી શ્રદ્ધાની જરૂર છે?

૧૧ હિબ્રૂ ખ્રિસ્તીઓની જેમ આપણને પણ શ્રદ્ધાની જરૂર છે. આપણે વર્ષોથી લોકોને ચેતવીએ છીએ કે અંત બહુ નજીક છે. પણ મોટા ભાગના લોકો એ માનતા નથી. અરે, અમુક તો આપણી મજાક પણ ઉડાવે છે. (૨ પિત. ૩:૩, ૪) એ ઉપરાંત, મોટી વિપત્તિ વખતે શું થશે એ વિશે બાઇબલમાં અમુક માહિતી આપી છે. પણ હજી તો એવું ઘણું છે, જે આપણને ખબર નથી. એટલે આપણને પાકી શ્રદ્ધા હોવી જોઈએ કે યહોવા નક્કી કરેલા સમયે અંત લાવશે અને એ સમયે આપણને મદદ કરશે.—હબા. ૨:૩.

૧૨. મોટી વિપત્તિમાંથી બચવા શાનાથી મદદ મળશે?

૧૨ આપણે “વિશ્વાસુ અને સમજુ ચાકર” પર પણ ભરોસો વધારવો જોઈએ, જેના દ્વારા યહોવા આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. (માથ. ૨૪:૪૫) રોમન સૈન્યએ યરૂશાલેમને ઘેરી લીધું ત્યારે હિબ્રૂ ખ્રિસ્તીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હશે. એવી જ રીતે, મોટી વિપત્તિ શરૂ થશે ત્યારે બની શકે કે વિશ્વાસુ ચાકર આપણને માર્ગદર્શન આપે. એ પાળવાથી જ આપણો જીવ બચશે. એટલે ખૂબ જરૂરી છે કે યહોવાના સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓ પર હમણાંથી જ ભરોસો મૂકવાનું શીખીએ. જો હમણાં તેઓ પર ભરોસો નહિ મૂકીએ અને તેઓનું માર્ગદર્શન નહિ પાળીએ, તો મોટી વિપત્તિ વખતે તેઓનું માનવું અઘરું થઈ જશે.

૧૩. ખ્રિસ્તીઓ માટે હિબ્રૂઓ ૧૩:૫માં આપેલી સલાહ પાળવી કેમ જરૂરી હતું?

૧૩ યહૂદીમાંથી ખ્રિસ્તી બનેલા લોકો જાણતા હતા કે એક દિવસે તેઓએ યરૂશાલેમ છોડીને ભાગવું પડશે. તેઓ એ ભવિષ્યવાણી પૂરી થવાની રાહ જોતા હતા. પણ એ દિવસ આવે ત્યાં સુધી તેઓએ પોતાનું જીવન સાદું રાખવાનું હતું અને ‘પૈસાના મોહથી’ દૂર રહેવાનું હતું. (હિબ્રૂઓ ૧૩:૫ વાંચો.) અમુક ખ્રિસ્તીઓએ દુકાળ અને પૈસાની તંગીનો સામનો કર્યો હતો. (હિબ્રૂ. ૧૦:૩૨-૩૪) એક સમયે તેઓ ખુશખબરને લીધે બધું સહેવા તૈયાર હતા. પણ હવે કદાચ અમુક ખ્રિસ્તીઓ પૈસા પર ભરોસો મૂકવા લાગ્યા હતા. તેઓ વિચારવા લાગ્યા હતા કે પૈસો તેઓને બધી મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે. પણ દુનિયાની કોઈ માલ-મિલકત તેઓને આવનાર વિનાશમાંથી બચાવી શકવાની ન હતી. (યાકૂ. ૫:૩) જો કોઈ ખ્રિસ્તીને માલ-મિલકતનો મોહ હોત, તો તેના માટે પોતાનાં ઘરબાર અને સંપત્તિ છોડીને ભાગવું અઘરું બની ગયું હોત.

૧૪. જો શ્રદ્ધા મક્કમ હશે, તો ધનસંપત્તિ વિશે કેવા નિર્ણયો લઈશું?

૧૪ જો આપણને પૂરો ભરોસો હશે કે આ દુનિયા અંતને આરે છે, તો ધનદોલત ભેગી કરવા મંડ્યા નહિ રહીએ. બાઇબલમાં લખ્યું છે કે લોકો “પોતાની ચાંદી રસ્તાઓ પર ફેંકી દેશે,” કેમ કે તેઓને ખ્યાલ આવી જશે કે “યહોવાના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ.” (હઝકિ. ૭:૧૯) એટલે ધનસંપત્તિ માટે આપણું વલણ કેવું હોવું જોઈએ? આપણે માલ-મિલકત ભેગી કરવા પર ધ્યાન ન આપવું જોઈએ. એને બદલે, એવા નિર્ણયો લેવા જોઈએ, જેથી પોતાનું અને કુટુંબનું ગુજરાન ચલાવી શકીએ અને યહોવાની ભક્તિમાં લાગુ રહી શકીએ. આપણે વગર કામનું દેવું નહિ કરીએ અથવા વસ્તુઓની સાર-સંભાળ રાખવામાં વધારે પડતો સમય નહિ આપીએ. એ પણ ધ્યાન રાખીશું કે હમણાં આપણી પાસે જે માલ-મિલકત અને વસ્તુઓ છે, એ જીવનમાં સૌથી મહત્ત્વની ન બની જાય. (માથ. ૬:૧૯, ૨૪) અંત આવે એ પહેલાં ઘણી વાર આપણી શ્રદ્ધાની કસોટી થશે. એ સમયે નક્કી કરવું પડશે કે આપણે કોના પર ભરોસો કરીશું, યહોવા પર કે માલ-મિલકત પર.

“તમારે ધીરજ રાખવાની જરૂર છે”

૧૫. ખ્રિસ્તીઓએ કેમ ધીરજ રાખવાની ખૂબ જરૂર હતી?

૧૫ આગળ જતાં, સંજોગો વધારે ખરાબ થવાના હતા, એટલે યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓએ ધીરજ રાખવાની હતી. (હિબ્રૂ. ૧૦:૩૬) અમુક ખ્રિસ્તીઓએ સખત સતાવણીનો સામનો કર્યો હતો. પણ મોટા ભાગનાં ભાઈ-બહેનો ખ્રિસ્તી બન્યાં ત્યારે દેશમાં શાંતિ હતી અને સંજોગો સારા હતા. પાઉલે જણાવ્યું કે ભલે તેઓ શ્રદ્ધાની કસોટીમાંથી પાર ઊતર્યા છે, પણ હજી તેઓએ ઈસુ જેટલી મુશ્કેલીઓ સહેવી નથી પડી. અરે, મરણ થાય એવા સંજોગો પણ સહેવા નથી પડ્યા. (હિબ્રૂ. ૧૨:૪) ઘણા લોકો ખ્રિસ્તી બની રહ્યા હતા, એટલે ઘણા યહૂદીઓ રોષે ભરાયા હતા અને તેઓ પર જુલમ ગુજારતા હતા. પાઉલે હિબ્રૂઓને પત્ર લખ્યો એનાં અમુક જ વર્ષો પહેલાં, તે યરૂશાલેમમાં હતા ત્યારે એક ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. ૪૦થી વધારે યહૂદીઓએ “સોગંદ લીધા કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે, ત્યાં સુધી ખાશે કે પીશે નહિ.” (પ્રે.કા. ૨૨:૨૨; ૨૩:૧૨-૧૪) ભલે ખ્રિસ્તીઓએ ધિક્કાર અને સતાવણી સહેવાનાં હતાં, છતાં તેઓએ ભક્તિ માટે ભેગા મળતા રહેવાનું હતું, પ્રચાર કરતા રહેવાનું હતું અને શ્રદ્ધા પાકી રાખવાની હતી.

૧૬. ધીરજથી કસોટીઓ સહેવાથી ફાયદા થાય છે એ સમજવા હિબ્રૂઓના પત્રથી કઈ રીતે મદદ મળે છે? (હિબ્રૂઓ ૧૨:૭)

૧૬ સતાવણી સહેવા ખ્રિસ્તીઓને શાનાથી મદદ મળવાની હતી? પાઉલ ખ્રિસ્તીઓને જણાવવા માંગતા હતા કે ધીરજથી કસોટીઓ સહેવાથી ફાયદો થાય છે. એટલે તેમણે સમજાવ્યું કે ઈશ્વર કદાચ શ્રદ્ધાની કસોટી થવા દે અને એ કસોટી દ્વારા તાલીમ આપે. (હિબ્રૂઓ ૧૨:૭ વાંચો.) એવી તાલીમ દ્વારા એક વ્યક્તિ એવા ગુણો કેળવી શકે છે અથવા નિખારી શકે છે, જેનાથી યહોવા ખુશ થાય. જો હિબ્રૂ ખ્રિસ્તીઓ ધ્યાન આપતા કે કસોટી સહેવાનાં કેવાં સારાં પરિણામો આવે છે, તો તેઓ માટે મુશ્કેલીઓ સહેવી સહેલું થઈ જતું.—હિબ્રૂ. ૧૨:૧૧.

૧૭. સતાવણી સહેવા વિશે પાઉલ શું શીખ્યા હતા?

૧૭ પાઉલે ખ્રિસ્તીઓને અરજ કરી કે તેઓ હાર ન માને અને હિંમતથી કસોટીઓનો સામનો કરતા રહે. તે કેમ એ સલાહ આપી શક્યા? કેમ કે ખ્રિસ્તી બન્યા એ પહેલાં પાઉલે ઘણાં ભાઈ-બહેનો પર જુલમ ગુજાર્યો હતો. તેમણે એ પણ જોયું હતું કે ખ્રિસ્તીઓ સાથે કઈ રીતે વર્તવામાં આવે છે. ખ્રિસ્તી બન્યા પછી તેમણે પણ અલગ અલગ પ્રકારની કસોટીનો સામનો કર્યો હતો. (૨ કોરીં. ૧૧:૨૩-૨૫) એટલે પાઉલ સારી રીતે જાણતા હતા કે મુશ્કેલીઓ સહેવા શાની જરૂર છે. તેમણે ખ્રિસ્તીઓને યાદ અપાવ્યું કે કસોટીઓનો સામનો કરતી વખતે તેઓ પોતાના પર નહિ, યહોવા પર આધાર રાખે. એનાથી પાઉલને હિંમત મળી હતી. એટલે તે કહી શક્યા: “યહોવા મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?”—હિબ્રૂ. ૧૩:૬.

૧૮. ભાવિ વિશે કઈ વાત યાદ રાખવાથી સતાવણી સહી શકીશું?

૧૮ આજે આપણાં અમુક ભાઈ-બહેનો સતાવણી સહી રહ્યાં છે. આપણે કઈ રીતે તેઓને પ્રેમ બતાવી શકીએ? એક રીત છે, તેઓ માટે પ્રાર્થના કરીએ. અમુક વાર, તેઓને જેની જરૂર છે એ આપીને મદદ કરી શકીએ. (હિબ્રૂ. ૧૦:૩૩) બાઇબલમાં લખ્યું છે: “જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે, તેઓ બધાની સતાવણી થશે.” (૨ તિમો. ૩:૧૨) એટલે આપણે બધાએ આવનાર મુશ્કેલીઓ સહેવા પોતાને તૈયાર કરવા જોઈએ. આપણે હમણાંથી જ યહોવા પર પૂરેપૂરો ભરોસો રાખવો જોઈએ. પૂરી ખાતરી હોવી જોઈએ કે મુશ્કેલીઓ સહેવા તે આપણને મદદ કરશે. નક્કી કરેલા સમયે યહોવા પોતાના બધા વફાદાર ભક્તોને રાહત આપશે.—૨ થેસ્સા. ૧:૭, ૮.

૧૯. આપણે કઈ રીતે પોતાને મોટી વિપત્તિ માટે તૈયાર કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૯ પાઉલે હિબ્રૂઓને જે પત્ર લખ્યો એની મદદથી તેઓ આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર થઈ શક્યા. પાઉલે ભાઈ-બહેનોને અરજ કરી કે તેઓ શાસ્ત્રનો અભ્યાસ કરે અને એને સારી રીતે સમજે. આમ, તેઓ શ્રદ્ધા નબળી પાડી દે એવું શિક્ષણ પારખી શકતા હતા અને એનાથી દૂર રહી શકતા હતા. પાઉલે તેઓને શ્રદ્ધા મક્કમ કરવાનું પણ કહ્યું, જેથી ઈસુનું અને મંડળમાં આગેવાની લેતા ભાઈઓનું માર્ગદર્શન પાળવા તૈયાર રહી શકે. પાઉલે ખ્રિસ્તીઓને જણાવ્યું કે કસોટીઓ સહેવાથી ફાયદો થાય છે. તેઓએ યાદ રાખવાનું હતું કે કસોટીઓ દ્વારા તેઓના પ્રેમાળ પિતા યહોવા તેઓને તાલીમ આપી રહ્યા હતા. ચાલો આપણે પણ હિબ્રૂઓના પત્રમાં આપેલી સલાહ પાળીએ. પછી આપણે પણ અંત સુધી વફાદાર રહી શકીશું અને ધીરજથી સહન કરી શકીશું.—હિબ્રૂ. ૩:૧૪.

પહેલી સદીના ખ્રિસ્તીઓ બહાર ખુલ્લામાં ભેગા મળ્યા છે.

ધીરજથી સહન કરવાને લીધે વફાદાર ખ્રિસ્તીઓને આશીર્વાદ મળ્યા. યહૂદિયા છોડીને જતા રહ્યા એ પછી પણ તેઓ ભેગા મળતા રહ્યા. એમાંથી આપણે શું શીખી શકીએ? (ફકરો ૧૯ જુઓ)

તમે શું કહેશો?

  • આપણે કઈ રીતે પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહી શકીએ?

  • આપણે કેમ શ્રદ્ધા મજબૂત કરવાની જરૂર છે?

  • આપણે કેમ ધીરજ રાખવાની જરૂર છે?

ગીત ૪૩ જાગતા રહીએ

a હિબ્રૂઓના પુસ્તકના પહેલા જ અધ્યાયમાં પાઉલે હિબ્રૂ શાસ્ત્રવચનોના સાત અહેવાલો ટાંકીને સમજાવ્યું કે ખ્રિસ્તીઓ જે રીતે ભક્તિ કરે છે, એ યહૂદીઓની ભક્તિ કરવાની રીત કરતાં ચઢિયાતી છે.—હિબ્રૂ. ૧:૫-૧૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો