વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 ઑગસ્ટ પાન ૨-૭
  • યહોવા કઈ રીતે ધીરજથી મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા કઈ રીતે ધીરજથી મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • પ્રાર્થના
  • બાઇબલ
  • ભાઈ-બહેનો
  • આશા
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • અંત સુધી વફાદાર રહેવા મદદ કરતો એક પત્ર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 ઑગસ્ટ પાન ૨-૭

અભ્યાસ લેખ ૩૨

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

યહોવા કઈ રીતે ધીરજથી મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે?

“સર્વ અપાર કૃપાથી ભરપૂર ઈશ્વર . . . તમને દૃઢ કરશે, તે તમને બળવાન કરશે, તે તમને સ્થિર કરશે.”—૧ પિત. ૫:૧૦.

આપણે શું શીખીશું?

ધીરજથી મુશ્કેલીઓ સહેવા યહોવા કઈ રીતોએ મદદ કરે છે? એમાંથી ફાયદો મેળવવા આપણે શું કરી શકીએ?

૧. ધીરજથી મુશ્કેલીઓ સહેવી કેમ અઘરું લાગી શકે? પણ કોણ આપણને મદદ કરશે? (૧ પિતર ૫:૧૦)

છેલ્લા દિવસોમાં જીવતા હોવાથી આપણા પર અલગ અલગ મુશ્કેલીઓ આવે છે. અમુક વાર એ મુશ્કેલીઓ ધીરજથી સહેવી આપણને અઘરું લાગી શકે. અમુક ભાઈ-બહેનો મોટી બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે. તો બીજાં અમુક પોતાનાં સ્નેહીજનોને ગુમાવવાનું દુઃખ સહી રહ્યાં છે. અમુક ભાઈ-બહેનો કુટુંબીજનો કે સરકારી અધિકારીઓ તરફથી સતાવણીનો સામનો કરી રહ્યાં છે. (માથ. ૧૦:૧૮, ૩૬, ૩૭) મુશ્કેલી ભલે ગમે એ હોય, પણ ખાતરી રાખજો કે યહોવા તમને એ ધીરજથી સહેવા મદદ કરશે.—૧ પિતર ૫:૧૦ વાંચો.

૨. ધીરજથી સહન કરવાનો અર્થ શું થાય?

૨ ધીરજથી સહન કરવાનો અર્થ શું થાય? કસોટીઓ, સતાવણી અથવા લાલચનો સામનો કરતા હોઈએ તોપણ યહોવાને વફાદાર રહીએ, ખુશીથી તેમની ભક્તિ કરતા રહીએ અને બધું સારું થઈ જશે એવી આશા રાખીએ. એ બધી તકલીફોનો સામનો આપણે પોતાની તાકાતથી નથી કરી શકતા. પણ યહોવા પાસેથી મળતી તાકાતથી કરી શકીએ છીએ, જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.” (૨ કોરીં. ૪:૭) આ લેખમાં જોઈશું કે ધીરજથી મુશ્કેલીઓ સહેવા યહોવા કઈ ચાર રીતોએ મદદ કરે છે. એ પણ જોઈશું કે એમાંથી ફાયદો મેળવવા આપણે શું કરી શકીએ.

પ્રાર્થના

૩. કેમ કહી શકીએ કે પ્રાર્થના એક ચમત્કાર છે?

૩ ધીરજથી મુશ્કેલીઓ સહેવા યહોવા આપણને એક જોરદાર રીતે મદદ કરે છે. તેમણે એક ગોઠવણ કરી છે, જેના લીધે આપણે પાપી હોવા છતાં તેમની સાથે વાત કરી શકીએ છીએ. એ છે, પ્રાર્થના. (હિબ્રૂ. ૪:૧૬) આનો વિચાર કરો: આપણે યહોવાને કોઈ પણ સમયે અને કોઈ પણ બાબત વિશે પ્રાર્થના કરી શકીએ છીએ. ભલે કોઈ પણ ભાષામાં અને કોઈ પણ જગ્યાએથી પ્રાર્થના કરીએ, યહોવા આપણી વાત સાંભળી શકે છે. અરે, દુનિયાના છેડે રહેતા હોઈએ કે જેલમાં હોઈએ, તે આપણો પોકાર સાંભળી શકે છે. (યૂના ૨:૧, ૨; પ્રે.કા. ૧૬:૨૫, ૨૬) અમુક વાર ચિંતાને લીધે મનની વાત હોઠે ન આવે, તોપણ યહોવા આપણા દિલની વાત સમજી જાય છે. (રોમ. ૮:૨૬, ૨૭) ખરેખર, પ્રાર્થના એક ચમત્કાર છે!

૪. કેમ કહી શકીએ કે મુશ્કેલીઓમાં મદદ માટે પ્રાર્થના કરવી એ યહોવાની ઇચ્છા પ્રમાણે છે?

૪ બાઇબલમાં યહોવાએ ખાતરી આપી છે કે તેમની “ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.” (૧ યોહા. ૫:૧૪) મુશ્કેલીઓ ધીરજથી સહેવા શું આપણે યહોવા પાસે મદદ માંગી શકીએ? હા ચોક્કસ. કેમ કે એ તેમની ઇચ્છા પ્રમાણે છે. કેમ એવું કહી શકીએ? કસોટીઓમાં યહોવાને વફાદાર રહીએ છીએ ત્યારે, તે શેતાનનાં મહેણાંનો જડબાતોડ જવાબ આપી શકે છે. (નીતિ. ૨૭:૧૧) બાઇબલમાં એમ પણ જણાવ્યું છે કે યહોવા એવા લોકોને “મદદ કરીને પોતાની શક્તિ બતાવી” આપવા આતુર છે, જેઓ પૂરા “દિલથી તેમની ભક્તિ કરે છે.” (૨ કાળ. ૧૬:૯) એટલે ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને મદદ કરવા માંગે છે અને એમ કરવાની તેમની પાસે શક્તિ પણ છે.—યશા. ૩૦:૧૮; ૪૧:૧૦; લૂક ૧૧:૧૩.

૫. પ્રાર્થના કરવાથી કઈ રીતે મનની શાંતિ મળે છે? (યશાયા ૨૬:૩)

૫ બાઇબલમાં જણાવ્યું છે તેમ પ્રાર્થનામાં દિલ ખોલીને આપણી ચિંતાઓ વિશે જણાવીએ. એમ કરવાથી આપણને ‘ઈશ્વરની શાંતિ મળશે, જે આપણી સમજશક્તિની બહાર છે. એ આપણાં હૃદયનું અને મનનું રક્ષણ કરશે.’ (ફિલિ. ૪:૭) ચાલો જોઈએ કે એનો શું અર્થ થાય. યહોવાને ભજતા નથી એવા લોકોનાં જીવનમાં પણ ઘણી તકલીફો હોય છે. તેઓ કદાચ મનની શાંતિ મેળવવા અલગ અલગ રીતો અજમાવે. જેમ કે, અમુક લોકો ધ્યાન (મેડિટેશન) કરે છે, જેથી તેઓનું મગજ ખાલી થઈ જાય અને ચિંતા થાય એવા વિચારો મનમાંથી નીકળી જાય. પણ એ જોખમી છે. કેમ કે વ્યક્તિનું મન ખાલી થાય ત્યારે તેનો પોતાના પર કાબૂ રહેતો નથી અને એ વ્યક્તિ દુષ્ટ દૂતોના કાબૂમાં આવી શકે છે. (માથ્થી ૧૨:૪૩-૪૫ સરખાવો.) વધુમાં, યહોવા જે શાંતિ આપે છે, એ ધ્યાન ધરવાથી મળતી શાંતિ કરતાં લાખ ગણી ચઢિયાતી છે. યહોવા એ શાંતિ ફક્ત એવા લોકોને આપે છે, જેઓ તેમના પર ભરોસો રાખે છે. તે તેઓને “કાયમ શાંતિ” આપે છે, મુશ્કેલ સંજોગોમાં પણ. (યશાયા ૨૬:૩ વાંચો.) તે કઈ રીતે એવું કરે છે? એક રીત છે, તે દિલાસો મળે એવી કલમો યાદ અપાવે છે. એ કલમોથી ખાતરી મળે છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને મદદ કરવા માંગે છે. એનાથી આપણાં દિલને ટાઢક વળે છે.—ગીત. ૬૨:૧, ૨.

૬. તમે શાના વિશે પ્રાર્થના કરી શકો? (ચિત્ર પણ જુઓ.)

૬ તમે શું કરી શકો? મુશ્કેલીમાં હો ત્યારે યહોવાને પોતાની લાગણીઓ જણાવો. ‘તમારો બોજો યહોવા પર નાખો’ અને મનની શાંતિ માટે પ્રાર્થના કરો. (ગીત. ૫૫:૨૨) સંજોગોને સારી રીતે હાથ ધરવા બુદ્ધિ પણ માંગો. (નીતિ. ૨:૧૦, ૧૧) કાલાવાલા કરવાની સાથે સાથે યહોવાનો આભાર માનવાનું ન ભૂલો. (ફિલિ. ૪:૬) એ જોવાની કોશિશ કરો કે યહોવા કઈ રીતે તકલીફોમાં તમને દરરોજ નિભાવી રાખે છે. પછી એ માટે યહોવાનો આભાર માનો. તકલીફોને તમારા પર એટલી હાવી થવા ન દો કે યહોવાના આશીર્વાદો નજરે જ ન પડે.—ગીત. ૧૬:૫, ૬.

શિયાળાની ૠતુ છે. એક ઉંમરવાળા ભાઈ પોતાના ઘરમાં બેઠા છે અને પ્રાર્થના કરી રહ્યા છે. તેમના ખોળામાં બાઇબલ ખુલ્લું છે. બાજુના ટેબલ પર દવાની એક બોટલ છે.

તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે યહોવા સાથે વાત કરો છો. તમે બાઇબલ વાંચો છો ત્યારે યહોવા તમારી સાથે વાત કરે છે (ફકરો ૬ જુઓ)b


બાઇબલ

૭. બાઇબલનો અભ્યાસ કરવાથી કઈ રીતે મુશ્કેલીઓ ધીરજથી સહેવા મદદ મળે છે?

૭ ધીરજથી મુશ્કેલીઓ સહી શકીએ એ માટે યહોવાએ બાઇબલ આપ્યું છે. એમાં એવી ઘણી કલમો છે, જે યહોવાના સાથની ખાતરી કરાવે છે. માથ્થી ૬:૮માં લખ્યું છે: “તમે માંગો એ પહેલાં તમારા પિતા જાણે છે કે તમને શાની જરૂર છે.” એ શબ્દો કોણે કહ્યા હતા? ઈસુએ અને તેમનાથી વધારે સારી રીતે બીજું કોણ પિતા યહોવાને ઓળખે છે! એટલે આ વાત પર પૂરો ભરોસો રાખી શકીએ છીએ: યહોવા સારી રીતે જાણે છે કે આપણને શાની જરૂર છે અને તે એ જ મદદ પૂરી પાડે છે. આ તો બસ એક જ દાખલો છે. બાઇબલમાં તો યહોવાએ એવી ઘણી કલમો લખાવી છે, જેની મદદથી આપણે મુશ્કેલીઓમાં ટકી શકીએ છીએ.—ગીત. ૯૪:૧૯.

૮. (ક) દાખલો આપીને સમજાવો કે કોઈ બાઇબલ સિદ્ધાંતથી કઈ રીતે મુશ્કેલીઓ ધીરજથી સહેવા મદદ મળે છે. (ખ) જરૂર પડ્યે બાઇબલ સિદ્ધાંતો યાદ આવે એ માટે શું કરવું જોઈએ?

૮ બાઇબલ સિદ્ધાંતોની મદદથી આપણે મુશ્કેલીઓ ધીરજથી સહી શકીએ છીએ. કેમ કે એમાં આપેલી સલાહથી આપણને સારા નિર્ણયો લેવા બુદ્ધિ મળે છે. (નીતિ. ૨:૬, ૭) ચાલો એક દાખલો લઈએ. બાઇબલમાં ઉત્તેજન આપ્યું છે કે ભાવિમાં શું થશે એની વધારે પડતી ચિંતા ન કરીએ. એના બદલે, આજની ચિંતા આજ પૂરતી રાખીએ. (માથ. ૬:૩૪) જો બાઇબલ વાંચવું અને એના પર મનન કરવું આપણી આદત હશે, તો જરૂર પડશે ત્યારે બાઇબલ સિદ્ધાંતો યાદ આવશે.

૯. યહોવાએ પોતાના ભક્તોને કરેલી મદદ વિશે વાંચીએ છીએ ત્યારે, આપણને કેવું લાગે છે?

૯ બાઇબલમાં આપણા જેવા જ સામાન્ય લોકોના દાખલા આપ્યા છે. તેઓએ યહોવા પર ભરોસો મૂક્યો હતો અને તેમની પાસેથી મદદ મેળવી હતી. (હિબ્રૂ. ૧૧:૩૨-૩૪; યાકૂ. ૫:૧૭) એ દાખલાઓ પર ઊંડો અભ્યાસ કરીએ. એનાથી આપણો વિશ્વાસ મક્કમ થશે કે યહોવા “આપણો આશરો અને આપણી શક્તિ છે, આફતના સમયે મદદ કરવા તે સદા તૈયાર છે.” (ગીત. ૪૬:૧) વિચાર કરીએ કે અગાઉના ઈશ્વરભક્તોએ કઈ રીતે શ્રદ્ધા બતાવી હતી અને મુશ્કેલીઓમાં પણ યહોવાની ભક્તિમાં લાગુ રહ્યા હતા. એમ કરવાથી આપણને પણ તેઓનાં પગલે ચાલવાનું મન થશે.—યાકૂ. ૫:૧૦, ૧૧.

૧૦. બાઇબલમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા તમે શું કરી શકો?

૧૦ તમે શું કરી શકો? દરરોજ બાઇબલ વાંચો. તમને જે કલમોથી મદદ મળી હોય, એનું લિસ્ટ બનાવો. ઘણાં ભાઈ-બહેનો દિવસની શરૂઆત દરરોજનું વચન વાંચીને કરે છે. એનાથી તેઓ આખો દિવસ બાઇબલના એક સારા વિચાર પર મનન કરી શકે છે. મેરીબહેનનેa પણ એવું કરવાથી ઘણો ફાયદો થયો. તે પોતાનાં બીમાર મમ્મી-પપ્પાની સંભાળ રાખતાં હતાં. બંનેને એકસાથે કેન્સર થયું હતું અને હવે તેઓ પાસે થોડા જ મહિના બાકી હતા. મેરીબહેન કહે છે: “રોજ સવારે હું દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાંથી દિવસનું વચન વાંચતી. પછી હું વિચાર કરતી કે મને એમાંથી શું શીખવા મળ્યું. આમ, મને મારી મુશ્કેલીઓના બદલે યહોવા અને બાઇબલની અદ્‍ભુત વાતો પર વિચાર કરવા મદદ મળી.”—ગીત. ૬૧:૨.

ભાઈ-બહેનો

૧૧. આપણાં ભાઈ-બહેનો ધીરજથી મુશ્કેલીઓ સહે છે, એ જાણીને આપણને કેવું લાગે છે?

૧૧ ધીરજથી મુસીબતો સહેવા યહોવાએ આપણને ભાઈ-બહેનો આપ્યાં છે. આનો વિચાર કરો: બાઇબલથી જોવા મળે છે કે આપણે “ઘણી મુસીબતો” સહેવાની છે. (પ્રે.કા. ૧૪:૨૨) જોકે બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે ‘આખી દુનિયામાં આપણા બધા ભાઈઓ એવાં જ દુઃખો સહન કરે છે.’ (૧ પિત. ૫:૯) એ વાતથી આપણને ખાતરી થાય છે કે આપણે એકલા નથી. પણ દિલાસો તો એ વાતથી મળે છે કે જો તેઓ એ મુશ્કેલીઓ ધીરજથી સહી શક્યાં છે, તો આપણે પણ સહી શકીશું.

૧૨. ભાઈ-બહેનો આપણને કઈ રીતે મદદ કરી શકે અને આપણે તેઓ માટે શું કરી શકીએ? (૨ કોરીંથીઓ ૧:૩, ૪)

૧૨ મુશ્કેલીઓમાં ભાઈ-બહેનો પાસેથી આપણને ઉત્તેજન મળી શકે છે. ચાલો પ્રેરિત પાઉલનો દાખલો લઈએ. તે એક ઘરમાં નજરકેદ હતા ત્યારે ભાઈ-બહેનોએ તેમને ઘણી મદદ કરી હતી. તેઓએ પાઉલને દિલાસો, ઉત્તેજન અને જરૂરી મદદ પૂરાં પાડ્યાં હતાં. એ માટે તેમણે એ બધાં ભાઈ-બહેનોનું નામ લઈને તેઓનો આભાર માન્યો હતો. (ફિલિ. ૨:૨૫, ૨૯, ૩૦; કોલો. ૪:૧૦, ૧૧) આપણા વિશે શું? મુશ્કેલીઓમાં ટકી રહેવા આપણને મદદની જરૂર હોય ત્યારે, ભાઈ-બહેનો આપણી પડખે હોય છે અને તેઓની દુઃખની ઘડીઓમાં આપણે તેઓની પડખે હોઈએ છીએ.—૨ કોરીંથીઓ ૧:૩, ૪ વાંચો.

૧૩. મુશ્કેલીઓ સહેવા માયાબહેનને શાનાથી મદદ મળી?

૧૩ ભાઈ-બહેનો પાસેથી કેટલું ઉત્તેજન મળી શકે છે, એ સમજવા રશિયામાં રહેતાં માયાબહેનનો દાખલો લઈએ. ૨૦૨૦માં પોલીસ અધિકારીઓ અચાનક તેમના ઘરમાં ઘૂસી આવ્યા અને તેમનું આખું ઘર ફેંદી વળ્યા. પછીથી બહેન પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. તેમનો ગુનો એટલો જ હતો કે તે પોતાની માન્યતાઓ બીજાઓને જણાવતાં હતાં. તે કહે છે: “એ સમય દરમિયાન હું સાવ ભાંગી પડી હતી. મને બહુ ચિંતા થતી હતી. પણ ભાઈ-બહેનોએ મને ફોન કર્યા, મૅસેજ કર્યા અને પત્રો મોકલ્યા. એનાથી હું જોઈ શકી કે તેઓ મને કેટલો પ્રેમ કરે છે. હું જાણતી હતી કે મારાં વહાલાં ભાઈ-બહેનો જ મારું કુટુંબ છે, પણ ૨૦૨૦થી એ વાત પર મારો ભરોસો હજી વધી ગયો.”

૧૪. મુશ્કેલીઓમાં ભાઈ-બહેનો પાસેથી મદદ મેળવવા શું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૪ તમે શું કરી શકો? મુશ્કેલીઓ દરમિયાન ભાઈ-બહેનોની નજીક રહો. વડીલો પાસેથી મદદ માંગતા અચકાશો નહિ. તેઓ તમારા માટે ‘પવનથી સંતાવાની જગ્યા જેવા અને વાવાઝોડામાં આશરા જેવા’ બની શકે છે. (યશા. ૩૨:૨) એ પણ યાદ રાખો કે તમારાં ભાઈ-બહેનો પણ અનેક મુશ્કેલીઓ સહી રહ્યાં છે. એટલે તેઓને મદદ કરવા તમારાથી થાય એ કરો. ભલાઈનું નાનું અમથું કામ કરવાથી પણ તમને ખુશી મળશે, તમે નિરાશ કરી દેતા વિચારોથી દૂર રહી શકશો અને તમારી પોતાની મુશ્કેલીઓ ધીરજથી સહી શકશો.—પ્રે.કા. ૨૦:૩૫.

આ ચિત્રમાં પણ એ જ ઉંમરવાળા ભાઈ છે, જે અગાઉના ચિત્રમાં હતા. વસંત ૠતુ છે. ભાઈ પોતાના ઘરમાં બેઠા છે. તે એક યુગલ સાથે અને તેઓની બે નાની દીકરીઓ સાથે પ્રેમથી વાત કરી રહ્યા છે. તેમની એક બાજુ સહારા માટે લાકડી છે અને બીજી બાજુ ટેબલ પર દવાની અમુક બોટલો છે. એક નાની દીકરી તેણે દોરેલું નવી દુનિયાનું ચિત્ર બતાવી રહી છે.

ભાઈ-બહેનોની નજીક રહો (ફકરો ૧૪ જુઓ)c


આશા

૧૫. ભાવિની આશાથી ઈસુને કઈ રીતે મદદ મળી અને આપણને કઈ રીતે મદદ મળી શકે? (હિબ્રૂઓ ૧૨:૨)

૧૫ મુશ્કેલીઓ ધીરજથી સહેવા યહોવાએ આપણને ભાવિની પાકી આશા આપી છે. (રોમ. ૧૫:૧૩) યાદ કરો કે આ પૃથ્વી પર ઈસુના જીવનનો સૌથી અઘરો દિવસ હતો ત્યારે, ભાવિની આશાથી તેમને કઈ રીતે દુઃખો સહેવા મદદ મળી હતી. (હિબ્રૂઓ ૧૨:૨ વાંચો.) ઈસુ જાણતા હતા કે જો તે વફાદાર રહેશે, તો યહોવાનું નામ પવિત્ર મનાશે. તેમણે પોતાના પિતા પાસે સ્વર્ગમાં પાછા ફરવાની અને ૧,૪૪,૦૦૦ જનો સાથે રાજ કરવાની આશાને પણ નજર સામે રાખી. એવી જ રીતે, નવી દુનિયામાં હંમેશ માટે જીવવાની આશાથી આપણે શેતાનની દુનિયામાં આવતાં દુઃખો સહી શકીશું.

૧૬. (ક) ભાવિની આશાથી એક બહેનને કઈ રીતે મદદ મળી? (ખ) બહેનના શબ્દોથી તમને શું શીખવા મળ્યું?

૧૬ ધ્યાન આપો કે નવી દુનિયામાં જીવવાની આશાથી એનાબહેનને કેવી રીતે મદદ મળી. તે રશિયામાં રહે છે. તેમના પતિની ધરપકડ થઈ હતી અને મુકદ્દમો ચલાવવામાં આવે ત્યાં સુધી તેમને જેલમાં પૂર્યા હતા. એ સમયે એનાબહેને કહ્યું: “હું ઘણી વાર ભાવિની આશા વિશે પ્રાર્થના કરું છું અને એના પર મનન કરું છું. એનાથી મને નિરાશામાં ન ડૂબી જવા મદદ મળે છે. હું જાણું છું કે આ મુશ્કેલીઓ કાયમ નહિ ટકે. યહોવા જરૂર પોતાના દુશ્મનોને હરાવશે અને આપણને ઇનામ આપશે.”

૧૭. ભાવિની આશા માટે કદર બતાવવા શું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૭ તમે શું કરી શકો? યહોવા ભાવિમાં તમને કયા આશીર્વાદો આપવાના છે એના પર વિચાર કરવા સમય કાઢો. કલ્પના કરો કે સુંદર નવી દુનિયામાં જીવન કેવું હશે. કુટુંબીજનો અને મિત્રો સાથે સમય વિતાવવાની કેટલી મજા આવશે. દરેકના ચહેરા પર ખુશી છલકાતી હશે. હવે આજની મુશ્કેલીઓને નવી દુનિયાના આશીર્વાદો સાથે સરખાવો. પછી તમને એ મુશ્કેલીઓ “પળભરની” લાગશે અને “બહુ ભારે” નહિ લાગે. (૨ કોરીં. ૪:૧૭) વધુમાં, ભાવિની આશા વિશે બીજાઓને જણાવવા બનતું બધું કરો. જે લોકો યહોવાની ભક્તિ કરતા નથી, તેઓનો વિચાર કરો. તેઓનાં જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે. અધૂરામાં પૂરું, તેઓ યહોવાએ આપેલાં ભાવિનાં વચનો વિશે કંઈ જ જાણતા નથી. એટલે વિચારો કે તેઓ માટે આજની મુશ્કેલીઓ સહેવી કેટલું અઘરું હશે. જો તમે તેઓને એ વચનો વિશે થોડુંક પણ જણાવશો, તો કદાચ તેઓને ઈશ્વરના રાજ્ય અને એ જોરદાર વચનો વિશે જાણવાનું મન થશે.

પાનખર ૠતુ છે. એ ઉંમરવાળા ભાઈ પોતાના ઘરમાં બેઠા છે. તેમના ટેબ્લેટમાં નવી દુનિયાનું ચિત્ર છે અને તે એ વિશે વિચારી રહ્યા છે. તેમની એક બાજુ સહારા માટે વોકર છે અને બીજી બાજુ ટેબલ પર દવાની ઘણી બોટલો છે.

યહોવા ભાવિમાં તમને કયા આશીર્વાદો આપવાના છે, એના પર વિચાર કરવા સમય કાઢો (ફકરો ૧૭ જુઓ)d


૧૮. આપણે કેમ યહોવાનાં વચનો પર ભરોસો મૂકી શકીએ?

૧૮ અયૂબે એક પછી એક ઘણી મુશ્કેલીઓ સહી અને તે યહોવાને વફાદાર રહ્યા. પછી તેમણે યહોવાને કહ્યું: “હવે હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો; એવું કંઈ નથી, જે તમે નક્કી કર્યું હોય અને પૂરું ન કરી શકો.” (અયૂ. ૪૨:૨) અયૂબ શીખ્યા કે યહોવાને પોતાનાં વચનો પૂરાં કરતા કંઈ પણ રોકી શકતું નથી. એ હકીકત જાણવાથી આપણને પણ ધીરજથી મુશ્કેલીઓ સહેવા હિંમત મળી શકે છે. ચાલો એક દાખલો લઈએ. એક સ્ત્રી ઘણા સમયથી બીમાર છે. તે નિરાશ થઈ ગઈ છે. કેમ કે સારવાર માટે તે ઘણા ડૉક્ટર પાસે ગઈ, પણ બધાએ હાથ અધ્ધર કરી દીધા. પણ પછી તેને એક અનુભવી અને ભરોસાપાત્ર ડૉક્ટર મળે છે. તે તેને જણાવે છે કે તેને કઈ બીમારી છે અને કઈ સારવાર આપવામાં આવશે. એ સ્ત્રી ખુશ થઈ જાય છે. ભલે તેને સાજા થતા થોડી વાર લાગશે, પણ હવે તેની પાસે એક આશા છે. તેના માટે પોતાની બીમારી સહેવી હવે સહેલું થઈ ગયું છે. કેમ કે તેને ખબર છે કે એક દિવસે તે ચોક્કસ સાજી થઈ જશે. એવી જ રીતે, આપણને ખાતરી છે કે નવી દુનિયાની આશા ચોક્કસ પૂરી થશે. એનાથી આપણે આજની મુશ્કેલીઓ ખુશી ખુશી સહી શકીએ છીએ.

૧૯. ધીરજથી બધું સહેતા રહેવા શું કરવું જોઈએ?

૧૯ આ લેખમાં શીખ્યા કે ધીરજથી મુશ્કેલીઓ સહેવા યહોવા આપણને આ ચાર રીતોએ મદદ કરે છે: પ્રાર્થના, બાઇબલ, ભાઈ-બહેનો અને ભાવિની આશા. જો એ રીતોનો પૂરો ઉપયોગ કરીશું, તો અઘરામાં અઘરી મુશ્કેલીઓમાં પણ યહોવા આપણને નિભાવી રાખશે. આમ, શેતાનની દુનિયાનો અને બધી મુશ્કેલીઓનો અંત આવે ત્યાં સુધી ધીરજથી બધું સહી શકીશું.—ફિલિ. ૪:૧૩.

આપણે ધીરજથી મુશ્કેલીઓ સહી શકીએ એ માટે યહોવા કઈ રીતે . . .

  • પ્રાર્થના અને બાઇબલ દ્વારા મદદ કરે છે?

  • ભાઈ-બહેનો દ્વારા મદદ કરે છે?

  • ભાવિની આશા દ્વારા મદદ કરે છે?

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

a આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

b ચિત્રની સમજ: એક પછી એક ૠતુ બદલાય છે, પણ ઉંમરવાળા ભાઈ બધું ધીરજથી સહન કરે છે.

c ચિત્રની સમજ: એક પછી એક ૠતુ બદલાય છે, પણ ઉંમરવાળા ભાઈ બધું ધીરજથી સહન કરે છે.

d ચિત્રની સમજ: એક પછી એક ૠતુ બદલાય છે, પણ ઉંમરવાળા ભાઈ બધું ધીરજથી સહન કરે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો