સોમવાર, ઑક્ટોબર ૨૭
“પતિઓ, તમે જેમ પોતાના શરીરને પ્રેમ કરો છો, તેમ પોતાની પત્નીને પ્રેમ કરો.”—એફે. ૫:૨૮.
યહોવા ચાહે છે કે એક પતિ તેની પત્નીને પ્રેમ કરે, તેની જરૂરિયાતો પૂરી કરે, તેનો સારો દોસ્ત બને અને તેને યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવા મદદ કરે. તેમ જ, સમજશક્તિ કેળવવી, સ્ત્રીઓનો આદર કરવો અને ભરોસાપાત્ર બનવું જેવા ગુણો કેળવવાથી તમને એક સારા પતિ બનવા મદદ મળશે. લગ્ન પછી તમે કદાચ બાળકો કરવાનું વિચારો. પણ સારા પિતા બનવા તમને શાનાથી મદદ મળી શકે? (એફે. ૬:૪) યહોવાએ દિલ ખોલીને પોતાના દીકરા ઈસુને કહ્યું હતું કે, તે તેમને પ્રેમ કરે છે અને તેમનાથી ખુશ છે. (માથ. ૩:૧૭) જો ભાવિમાં તમે પિતા બનો, તો નિયમિત રીતે તમારાં બાળકોને ખાતરી અપાવતા રહેજો કે તમે તેઓને પ્રેમ કરો છો. તેઓ કંઈ સારું કરે ત્યારે, દિલ ખોલીને તેઓના વખાણ કરજો. યહોવાનો દાખલો અનુસરતા પિતાઓ પોતાનાં બાળકોને પરિપક્વ ખ્રિસ્તીઓ બનવા મદદ કરે છે. સારા પિતા બનવા તમે હમણાંથી જ અમુક તૈયારીઓ કરી શકો છો. જેમ કે, કુટુંબીજનોને અને મંડળનાં ભાઈ-બહેનોને પ્રેમ કરો અને તેઓની કાળજી લો. પ્રેમ બતાવવાનું શીખો અને તેઓની કદર કરો.—યોહા. ૧૫:૯. w૨૩.૧૨ ૨૮-૨૯ ¶૧૭-૧૮
મંગળવાર, ઑક્ટોબર ૨૮
“[યહોવા] તમને સ્થિર કરશે.”—૧ પિત. ૫:૧૦.
આખી માણસજાત પર મુશ્કેલીઓ અને બીમારીઓનો કહેર તૂટી પડે છે. યહોવાના સેવકો પણ એમાંથી બાકાત નથી. એ ઉપરાંત, યહોવાની ભક્તિ કરતા હોવાને લીધે વિરોધ અથવા સતાવણીનો સામનો કરવો પડે છે. ખરું કે, યહોવા આપણા પર મુશ્કેલીઓ આવતી રોકતા નથી, પણ તે મદદ કરવાનું વચન આપે છે. (યશા. ૪૧:૧૦) તેમની મદદથી આપણે આનંદ જાળવી શકીએ છીએ, સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને કપરા સંજોગોમાં પણ તેમને વફાદાર રહી શકીએ છીએ. યહોવા શાંતિ આપવાનું વચન આપે છે. એને બાઇબલમાં “ઈશ્વરની શાંતિ” કહી છે. (ફિલિ. ૪:૬, ૭) એ શાંતિ યહોવા સાથેના સંબંધને લીધે જ મળે છે. એ આપણી “સમજશક્તિની બહાર” છે. એને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. શું તમારી સાથે કદી એવું બન્યું છે કે, તમે યહોવાને કરગરીને પ્રાર્થના કરી હોય અને પછી તમારું મન શાંત થઈ ગયું હોય? ‘ઈશ્વરની શાંતિને’ લીધે તમે એવું અનુભવ્યું. w૨૪.૦૧ ૨૦ ¶૨; ૨૧ ¶૪
બુધવાર, ઑક્ટોબર ૨૯
“હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. મારું રોમેરોમ તેમના પવિત્ર નામનો જયજયકાર કરે.”—ગીત. ૧૦૩:૧.
યહોવાને પ્રેમ કરતા લોકો પૂરા દિલથી તેમના નામની સ્તુતિ કરવા માંગે છે. દાઉદ રાજા જાણતા હતા કે યહોવાના નામની સ્તુતિ કરવી એટલે યહોવાની સ્તુતિ કરવી. યહોવાના નામ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણાં મનમાં શું આવે છે? તેમનો સ્વભાવ, તેમના સરસ ગુણો અને તેમનાં મહાન કામો. દાઉદ ચાહતા હતા કે યહોવાનું નામ પવિત્ર મનાય અને એની સ્તુતિ થાય. તે ચાહતા હતા કે તેમનું “રોમેરોમ” યહોવાના નામની સ્તુતિ કરે, એટલે કે તે પૂરા દિલથી યહોવાના ગુણગાન ગાય. લેવીઓએ પણ યહોવાની સ્તુતિ કરવામાં સારો દાખલો બેસાડ્યો. તેઓએ નમ્રતાથી સ્વીકાર્યું કે તેઓ યહોવાના પવિત્ર નામની જેટલી સ્તુતિ કરે એટલી ઓછી છે. (નહે. ૯:૫) એમાં કોઈ શંકા નથી કે એવી સ્તુતિથી યહોવા બહુ ખુશ થયા હશે. w૨૪.૦૨ ૯ ¶૬