મોંઘવારીનો સામનો કઈ રીતે કરી શકો?
જીવનમાં સંતોષ રાખો
તમે સાંભળ્યું હશે, સંતોષી વ્યક્તિ સદા સુખી! એવી વ્યક્તિ સંજોગો બદલાય ત્યારે જીવનમાં ફેરફાર કરી શકે છે અને થોડામાં જીવી શકે છે.
એ કેમ જરૂરી છે?
જેસીકા કોલર મનોચિકિત્સક છે. તેમણે જોયું છે કે સંતોષી લોકો હંમેશાં સારું વિચારે છે અને એવા લોકોને બીજાઓની બહુ ઈર્ષા થતી નથી. એટલે એમાં કોઈ નવાઈ નથી કે સંતોષી લોકો મોટા ભાગે ખુશ હોય છે અને તેઓને ઓછી ચિંતા સતાવે છે. હકીકતમાં, જેઓ પાસે થોડું હોય છે, તેઓ વધારે ખુશ હોય છે. એનું કારણ એ કે તેઓ એવી બાબતોને મહત્ત્વની ગણે છે જે પૈસાથી ખરીદી શકાતી નથી, જેમ કે કુટુંબ અને મિત્રો સાથે સમય પસાર કરવાથી મળતો આનંદ.
તમે શું કરી શકો?
દેખાદેખી ન કરો. એશઆરામથી જીવતા લોકોને જોઈને એવું ન વિચારશો કે તેઓ પાસે ઘણું છે અને તમારી પાસે કંઈ જ નથી. એવી સરખામણી કરશો તો સંતોષ નહિ રાખી શકો, અરે ઈર્ષા પણ થવા લાગશે. બની શકે તમે જેવું વિચારતા હો એવું ન પણ હોય. અમુક લોકો પૈસાદાર દેખાતા હોય, પણ હકીકતમાં તેઓ દેવામાં ડૂબેલા હોય. સેનેગલમાં રહેતાં નિકોલબહેન કહે છે: “ખુશ રહેવા મને વધારે વસ્તુઓની જરૂર નથી. હું જીવનમાં સંતોષ રાખું છું. એટલે બીજાઓ પાસે ભલે ઢગલો વસ્તુઓ હોય, પણ હું થોડામાં ખુશ રહી શકું છું.”
અજમાવી જુઓ: એવી જાહેરાતો અને સોશિયલ મીડિયા પર આવતી બાબતો જોવાનું ટાળો, જેમાં બતાવ્યું હોય કે લોકો કેટલા અમીર છે અને કેટલા એશઆરામથી જીવે છે.
આભાર માનો. પોતાની પાસે જે છે એની કદર કરતા લોકો જીવનમાં સંતોષ રાખી શકે છે. તેઓ એવું નથી વિચારતા કે ‘મને આ જોઈએ છે, પેલું જોઈએ છે’ અથવા ‘આ તો મારી પાસે હોવું જ જોઈએ.’ હૈતી દેશમાં રહેતા રૉબર્ટોનભાઈ કહે છે: “બીજાઓએ મને અને મારા કુટુંબને કેટલી મદદ કરી છે એના પર વિચાર કરવા હું સમય કાઢું છું. પછી હું તેઓનો દિલથી આભાર માનું છું. મારા આઠ વર્ષના દીકરાને પણ શીખવું છું કે તેને કોઈ વસ્તુ મળે ત્યારે થેંક્યું કહેવું જોઈએ.”
અજમાવી જુઓ: દરરોજ એ બાબતો લખી લો જે માટે તમે આભારી છો. જેમ કે, સારી તંદુરસ્તી, વહાલું કુટુંબ, સાચા દોસ્તો અથવા ડૂબતા સૂરજનો જોરદાર નજારો.
આપણી પાસે જે છે એમાં સંતોષ રાખવો અમુક વાર અઘરું લાગી શકે. પણ આપણે કોશિશ કરતા રહેવું જોઈએ. સંતોષ રાખવાનું શીખીશું તો ખુશ રહી શકીશું. આ એવી ખુશી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી.