ઉત્પત્તિ
૧ શરૂઆતમાં ઈશ્વરે આકાશ* અને પૃથ્વીનું સર્જન કર્યું.+
૨ એ સમયે પૃથ્વી ખાલી અને ઉજ્જડ હતી. બધે ઊંડું પાણી*+ હતું અને ચારે બાજુ અંધારું હતું. ઈશ્વરની શક્તિ*+ પાણી+ પર આમતેમ ફરતી હતી.
૩ ઈશ્વરે કહ્યું: “અજવાળું થાઓ” અને અજવાળું થયું.+ ૪ ઈશ્વરે જોયું કે અજવાળું સારું છે અને તેમણે અજવાળાને અંધારાથી અલગ કર્યું. ૫ ઈશ્વરે અજવાળાને દિવસ કહ્યો અને અંધારાને રાત+ કહી. સાંજ થઈ અને સવાર થઈ. પહેલો દિવસ પૂરો થયો.
૬ પછી ઈશ્વરે કહ્યું: “પાણી બે ભાગમાં વહેંચાઈ જાઓ, એક ભાગ ઉપર તરફ અને બીજો ભાગ નીચે તરફ.+ એ બંને વચ્ચે ખુલ્લી જગ્યા* થાઓ.”+ ૭ અને એમ જ થયું. ઈશ્વરે ઉપરના પાણીને નીચેના પાણીથી જુદું પાડ્યું અને વચ્ચે ખુલ્લી જગ્યા બનાવી.+ ૮ એ ખુલ્લી જગ્યાને ઈશ્વરે આકાશ કહ્યું. સાંજ થઈ અને સવાર થઈ. બીજો દિવસ પૂરો થયો.
૯ પછી ઈશ્વરે કહ્યું: “આકાશ નીચેનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ અને કોરી જમીન દેખાઓ.”+ અને એમ જ થયું. ૧૦ એ કોરી જમીનને ઈશ્વરે ધરતી કહી,+ પણ ભેગા થયેલા પાણીને તેમણે સમુદ્રો કહ્યા.+ ઈશ્વરે જોયું કે એ સારું છે.+ ૧૧ પછી ઈશ્વરે કહ્યું: “પૃથ્વી પર બધી જાતનાં* ઘાસ, છોડ અને ઝાડ ઊગી નીકળો. છોડમાંથી બી આવશે અને ઝાડને એવાં ફળ લાગશે જેમાં બી હોય.” અને એમ જ થયું. ૧૨ પૃથ્વી પર બધી જાતનાં ઘાસ, છોડ+ અને ઝાડ ઊગી નીકળ્યાં. છોડમાંથી બી આવ્યાં અને ઝાડ પર એવાં ફળ લાગ્યાં જેમાં બી હતાં. ઈશ્વરે જોયું કે એ સારું છે. ૧૩ સાંજ થઈ અને સવાર થઈ. ત્રીજો દિવસ પૂરો થયો.
૧૪ પછી ઈશ્વરે કહ્યું: “આકાશમાં* જ્યોતિઓ*+ દેખાઓ, જેથી દિવસ અને રાત અલગ પડે.+ એની મદદથી દિવસો, વર્ષો અને ૠતુઓ નક્કી થશે.*+ ૧૫ એ જ્યોતિઓ આકાશમાંથી* પૃથ્વી પર અજવાળું ફેલાવો.” અને એમ જ થયું. ૧૬ ઈશ્વરે બે મોટી જ્યોતિઓ બનાવી, સૂર્ય અને ચંદ્ર. તેમણે દિવસે અજવાળું આપવા* સૂર્ય*+ અને રાતે અજવાળું આપવા ચંદ્ર* બનાવ્યો. તેમણે તારાઓ પણ બનાવ્યા.+ ૧૭ ઈશ્વરે તેઓને આકાશમાં* મૂક્યા, જેથી તેઓ પૃથ્વી પર અજવાળું ફેલાવે, ૧૮ દિવસ અને રાત પર અધિકાર ચલાવે તેમજ અજવાળું અને અંધારું જુદાં પાડે.+ પછી ઈશ્વરે જોયું કે એ સારું છે. ૧૯ સાંજ થઈ અને સવાર થઈ. ચોથો દિવસ પૂરો થયો.
૨૦ પછી ઈશ્વરે કહ્યું: “પાણીમાં પુષ્કળ માછલીઓ અને બીજાં જળચર પ્રાણીઓ* થાઓ. પક્ષીઓ* આકાશમાં* ઊડો.”+ ૨૧ ઈશ્વરે મોટાં દરિયાઈ પ્રાણીઓ અને પાણીમાં તરતાં બધી જાતનાં જળચર પ્રાણીઓ બનાવ્યાં. તેમણે બધી જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં. ઈશ્વરે જોયું કે એ સારું છે. ૨૨ પછી ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “તમને ઘણાં બચ્ચાં થાઓ, તમે પુષ્કળ વધો અને સમુદ્રના પાણીને ભરી દો.+ પક્ષીઓની સંખ્યા પૃથ્વી પર વધતી જાઓ.” ૨૩ સાંજ થઈ અને સવાર થઈ. પાંચમો દિવસ પૂરો થયો.
૨૪ પછી ઈશ્વરે કહ્યું: “પૃથ્વી પર પ્રાણીઓ થાઓ. એટલે બધી જાતનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ* અને જંગલી પ્રાણીઓ થાઓ.”+ અને એમ જ થયું. ૨૫ ઈશ્વરે પૃથ્વી પર બધી જાતનાં જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં. ઈશ્વરે જોયું કે એ સારું છે.
૨૬ પછી ઈશ્વરે કહ્યું: “ચાલો આપણે+ માણસ બનાવીએ,*+ તેને આપણા જેવો બનાવીએ.+ તે સમુદ્રની માછલીઓ પર, આકાશનાં પક્ષીઓ પર, પાલતુ પ્રાણીઓ પર, પેટે ચાલનારાં પ્રાણીઓ પર અને આખી પૃથ્વી પર અધિકાર ચલાવે.”+ ૨૭ ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવ્યો,* હા, ઈશ્વરને મળતો આવે એવો તેને બનાવ્યો. ઈશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.+ ૨૮ ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો+ અને એના પર અધિકાર ચલાવો.+ સમુદ્રની માછલીઓ પર, આકાશનાં પક્ષીઓ પર અને પૃથ્વીનાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”+
૨૯ પછી ઈશ્વરે કહ્યું: “જુઓ, મેં તમને પૃથ્વી પર એવા છોડ આપ્યા છે જેમાં બી હોય અને એવાં ઝાડ આપ્યાં છે જેનાં ફળમાં બી હોય. એ બધું તમારો ખોરાક થશે.+ ૩૦ પૃથ્વી પરના દરેક જંગલી પ્રાણીના, આકાશમાં ઊડતા દરેક પક્ષીના અને દરેક જીવંત* પ્રાણીના ખોરાક માટે મેં લીલોતરી આપી છે.”+ અને એમ જ થયું.
૩૧ પછી ઈશ્વરે જે બધું બનાવ્યું હતું એ જોયું અને એ સૌથી ઉત્તમ હતું!+ સાંજ થઈ અને સવાર થઈ. છઠ્ઠો દિવસ પૂરો થયો.
૨ આ રીતે આકાશ, પૃથ્વી અને એમાંનું બધું જ* બનાવવાનું પૂરું થયું.+ ૨ સાતમો દિવસ શરૂ થાય એ પહેલાં ઈશ્વરે પોતાનું બધું કામ પૂરું કર્યું. પછી તેમણે સાતમા દિવસે પોતાનાં બધાં કામથી આરામ લીધો.*+ ૩ ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને એને પવિત્ર જાહેર કર્યો,* કેમ કે એ દિવસથી તે પોતાનાં સર્વ કામથી આરામ લઈ રહ્યા છે. ઈશ્વરે પોતાના હેતુ પ્રમાણે જે કંઈ બનાવવાનું નક્કી કર્યું હતું, એ બનાવી દીધું હતું.
૪ આકાશ અને પૃથ્વીનું સર્જન થયું એ સમયનો આ અહેવાલ છે. એ દિવસે* યહોવા* ઈશ્વરે પૃથ્વી અને આકાશ બનાવ્યાં હતાં.+
૫ પૃથ્વી પર કોઈ છોડ કે શાકભાજી ઊગી ન હતી, કેમ કે યહોવા ઈશ્વરે હજી પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો અને જમીન ખેડવા કોઈ માણસ પણ ન હતો. ૬ એ સમયે પૃથ્વી પરથી ધુમ્મસ* ઉપર ચઢતું હતું અને જમીનની આખી સપાટીને પાણી સિંચતું હતું.
૭ યહોવા ઈશ્વરે ધરતીની માટીમાંથી માણસ બનાવ્યો.+ પછી તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો+ અને માણસ જીવતો* થયો.+ ૮ યહોવા ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક બાગ બનાવ્યો+ અને તેમણે જે માણસ બનાવ્યો હતો+ એને એ બાગમાં મૂક્યો. ૯ યહોવા ઈશ્વરે બાગમાં બધી જાતનાં ઝાડ ઉગાડ્યાં. એ ઝાડ જોવામાં સુંદર અને એનાં ફળ ખાવામાં સારાં હતાં. બાગની વચ્ચે તેમણે જીવનનું ઝાડ*+ ઉગાડ્યું. તેમણે ભલું-ભૂંડું જાણવાનું ઝાડ*+ પણ ઉગાડ્યું.
૧૦ એદન બાગમાંથી એક નદી નીકળતી હતી, જે બાગને પાણી પાતી હતી. ત્યાંથી આગળ જઈને એમાંથી ચાર નદીઓ બની. ૧૧ પહેલી નદીનું નામ પીશોન છે. એ આખા હવીલાહ વિસ્તાર ફરતે વહે છે, જ્યાં સોનું મળી આવે છે. ૧૨ એ વિસ્તારનું સોનું સારું છે. ત્યાં ગૂગળ* અને ગોમેદના* કીમતી પથ્થરો પણ મળી આવે છે. ૧૩ બીજી નદીનું નામ ગીહોન છે, જે આખા કૂશ* વિસ્તાર ફરતે વહે છે. ૧૪ ત્રીજી નદીનું નામ હીદ્દેકેલ* છે,+ જે આશ્શૂરની+ પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ યુફ્રેટિસ* છે.+
૧૫ યહોવા ઈશ્વરે માણસને એદન બાગમાં મૂક્યો, જેથી તે બાગની સંભાળ રાખે અને એની જમીન ખેડે.+ ૧૬ યહોવા ઈશ્વરે તેને આજ્ઞા આપી: “તું બાગના કોઈ પણ ઝાડનું ફળ ખાઈ શકે છે.+ ૧૭ પણ ભલું-ભૂંડું જાણવાના ઝાડનું* ફળ તારે ખાવું નહિ, કેમ કે જે દિવસે તું ખાઈશ, એ દિવસે તું જરૂર મરી જઈશ.”+
૧૮ પછી યહોવા ઈશ્વરે કહ્યું: “માણસ એકલો રહે એ સારું નથી. હું તેના માટે એક સહાયકારી, યોગ્ય જીવનસાથી બનાવીશ.”+ ૧૯ યહોવા ઈશ્વર માટીમાંથી સર્વ જંગલી પ્રાણીઓ અને આકાશમાં ઊડતાં સર્વ પક્ષીઓ* બનાવતા રહ્યા. તે તેઓને માણસ પાસે લાવતા, જેથી માણસ તેઓનું શું નામ પાડે છે, એ તે જોઈ શકે. માણસે દરેકને જે નામ આપ્યું, એ તેનું નામ પડ્યું.+ ૨૦ માણસે સર્વ પાલતુ પ્રાણીઓ, પક્ષીઓ અને જંગલી પ્રાણીઓનાં નામ પાડ્યાં. પણ માણસને સાથ આપવા કોઈ યોગ્ય સહાયકારી ન હતી. ૨૧ એટલે યહોવા ઈશ્વરે માણસને ભરઊંઘમાં નાખ્યો. તે સૂતો હતો ત્યારે તેની એક પાંસળી કાઢી અને એ ઘા ભરી દીધો. ૨૨ યહોવા ઈશ્વરે એ પાંસળીમાંથી એક સ્ત્રી બનાવી અને તેને માણસ પાસે લાવ્યા.+
૨૩ તે સ્ત્રીને જોઈને માણસ બોલી ઊઠ્યો:
“આ તો મારાં હાડકાંમાંનું હાડકું,
મારાં માંસમાંનું માંસ છે.
તે નારી કહેવાશે,
કેમ કે તે નરમાંથી લેવામાં આવી છે.”+
૨૪ એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે* અને તેઓ બંને એક શરીર થશે.+ ૨૫ માણસ અને તેની પત્ની બંને નગ્ન હતાં,+ છતાં તેઓ શરમાતાં ન હતાં.
૩ યહોવા ઈશ્વરે બનાવેલાં સર્વ જંગલી પ્રાણીઓમાં સાપ+ સૌથી સાવધ* હતો. સાપે સ્ત્રીને પૂછ્યું: “શું ઈશ્વરે સાચે જ તમને બાગનાં બધાં ઝાડનાં ફળ ખાવાની ના પાડી છે?”+ ૨ સ્ત્રીએ કહ્યું: “અમે બાગનાં બધાં ઝાડનાં ફળ ખાઈ શકીએ છીએ,+ ૩ પણ બાગની વચ્ચે આવેલા ઝાડના+ ફળ વિશે ઈશ્વરે કહ્યું છે: ‘તમારે એ ખાવું નહિ, એને અડકવું પણ નહિ. જો તમે એ ખાશો, તો મરી જશો.’” ૪ સાપે સ્ત્રીને કહ્યું: “તમે નહિ જ મરો.+ ૫ ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે એ ખાશો, એ દિવસે તમારી આંખો ખૂલી જશે અને તમે ઈશ્વરની જેમ ભલું-ભૂંડું જાણનારા બની જશો.”+
૬ એ ઝાડ જોઈને સ્ત્રીને લાગ્યું કે એનું ફળ ખાવામાં સારું અને આંખોને ગમી જાય એવું છે. હા, એ ઝાડ જોવામાં સુંદર હતું. એટલે તેણે એનું ફળ તોડીને ખાધું.+ પછી તે અને તેનો પતિ સાથે હતાં ત્યારે, તેણે એ ફળ પતિને આપ્યું અને તેણે પણ એ ખાધું.+ ૭ ત્યારે તેઓની આંખો ખૂલી ગઈ.* તેઓને ખ્યાલ આવ્યો કે તેઓ નગ્ન છે. એટલે તેઓએ અંજીરીનાં પાંદડાં સીવીને કપડાં બનાવ્યાં* અને પોતાનાં અંગો ઢાંક્યાં.+
૮ સાંજના સમયે* યહોવા ઈશ્વર બાગમાં ચાલતા હતા ત્યારે, માણસ અને તેની પત્નીને તેમનો અવાજ સંભળાયો. યહોવા ઈશ્વરની નજરથી બચવા તેઓ બાગનાં વૃક્ષો વચ્ચે સંતાઈ ગયાં. ૯ યહોવા ઈશ્વરે માણસને વારંવાર બોલાવ્યો. તેમણે પૂછ્યું: “તું ક્યાં છે?” ૧૦ આખરે માણસે કહ્યું: “મેં બાગમાં તમારો અવાજ સાંભળ્યો, પણ હું નગ્ન હતો, એટલે ડરી ગયો અને સંતાઈ ગયો.” ૧૧ ઈશ્વરે કહ્યું: “તને કોણે કહ્યું કે તું નગ્ન છે?+ શું તેં એ ઝાડનું ફળ ખાધું છે, જે ખાવાની મેં તને ના પાડી હતી?”+ ૧૨ માણસે કહ્યું: “તમે મને જે સ્ત્રી આપી છે, તેણે મને એ ઝાડનું ફળ આપ્યું અને મેં ખાધું.” ૧૩ યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું: “આ તેં શું કર્યું?” સ્ત્રીએ જવાબ આપ્યો: “પેલા સાપે મને છેતરી એટલે મેં ખાધું.”+
૧૪ યહોવા ઈશ્વરે સાપને+ કહ્યું: “તેં જે કર્યું છે, એના લીધે પૃથ્વીનાં સર્વ પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓમાંથી ફક્ત તારા પર શ્રાપ ઊતરી આવ્યો છે. તું પેટે ચાલીશ અને જીવનભર ધૂળ ખાઈશ. ૧૫ હું તારી+ અને સ્ત્રીની+ વચ્ચે દુશ્મની+ કરાવીશ. તારા વંશજ*+ અને તેના વંશજની+ વચ્ચે પણ દુશ્મની કરાવીશ. તે તારું માથું કચડી નાખશે*+ અને તું તેની એડીએ ડંખ મારશે.”*+
૧૬ ઈશ્વરે સ્ત્રીને કહ્યું: “હવેથી હું તારી ગર્ભાવસ્થાની વેદના ખૂબ વધારી દઈશ. બાળકને જન્મ આપતી વખતે તને ખૂબ પીડા થશે. તું તારા પતિના સાથ માટે તડપીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”
૧૭ ઈશ્વરે આદમને* કહ્યું: “મેં તને આજ્ઞા આપી હતી કે, ‘તારે એ ઝાડનું ફળ ખાવું નહિ.’+ છતાં તેં તારી પત્નીનું સાંભળ્યું અને એ ફળ ખાધું. એટલે તારા લીધે ધરતીને શ્રાપ લાગ્યો છે.+ તું આખી જિંદગી દુઃખ વેઠીને એની ઊપજ ખાઈશ.+ ૧૮ જમીન તારા માટે કાંટા અને ઝાંખરાં ઉગાડશે અને તારે જમીનની ઊપજ ખાવી પડશે. ૧૯ તું માટીમાં પાછો મળી જાય ત્યાં સુધી પરસેવો પાડીને ખોરાક ખાઈશ, કેમ કે તું માટીમાંથી લેવાયો છે.+ તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જઈશ.”+
૨૦ આદમે પોતાની પત્નીનું નામ હવા* પાડ્યું, કેમ કે તે સર્વ મનુષ્યોની મા બનવાની હતી.+ ૨૧ યહોવા ઈશ્વરે આદમ અને તેની પત્ની માટે ચામડાનાં લાંબાં કપડાં બનાવ્યાં.+ ૨૨ પછી યહોવા ઈશ્વરે કહ્યું: “માણસ આપણા જેવો ભલું-ભૂંડું જાણનારો બન્યો છે.+ હવે એવું ન થાય કે તે હાથ લંબાવીને જીવનના ઝાડનું*+ ફળ તોડે, એ ખાય અને હંમેશ માટે જીવે.” ૨૩ એટલે યહોવા ઈશ્વરે માણસને* એદન બાગમાંથી+ કાઢી મૂક્યો, જેથી જે જમીનમાંથી તે લેવાયો હતો+ એને ખેડે. ૨૪ તેને કાઢી મૂક્યા પછી ઈશ્વરે એદન બાગની પૂર્વમાં કરૂબો*+ અને સળગતી તલવાર મૂકી, જે સતત ફરતી હતી. જીવનના ઝાડ* તરફ લઈ જતા માર્ગની ચોકી કરવા તેમણે એવું કર્યું.
૪ આદમે પોતાની પત્ની હવા સાથે જાતીય સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ.+ તેણે કાઈનને જન્મ આપ્યો+ અને કહ્યું: “યહોવાની મદદથી મેં દીકરાને જન્મ આપ્યો છે.” ૨ થોડા સમય પછી, હવાએ કાઈનના ભાઈ હાબેલને જન્મ આપ્યો.+
હાબેલ ઘેટાંપાળક બન્યો અને કાઈન ખેડૂત બન્યો. ૩ સમય જતાં, યહોવાને અર્પણ ચઢાવવા કાઈન જમીનની ઊપજમાંથી કંઈક લાવ્યો. ૪ પણ હાબેલ પોતાનાં ટોળાંમાંથી ઘેટાંનાં પ્રથમ જન્મેલાં* અમુક બચ્ચાં+ લાવ્યો. તેણે એ બચ્ચાં અને એની ચરબીનું અર્પણ ચઢાવ્યું. યહોવાએ હાબેલનો અને તેના અર્પણનો સ્વીકાર કર્યો.+ ૫ પણ તેમણે કાઈનનો અને તેના અર્પણનો સ્વીકાર કર્યો નહિ. એટલે કાઈન ખૂબ ગુસ્સે ભરાયો અને તેનું મોં ઊતરી ગયું. ૬ યહોવાએ કાઈનને કહ્યું: “તું શા માટે ગુસ્સે ભરાયો છે? તારું મોં કેમ ઊતરી ગયું છે? ૭ જો તું સારું કરીશ, તો શું હું તને પણ કૃપા નહિ બતાવું?* પણ જો તું સારું નહિ કરે, તો પાપ તારે બારણે છુપાઈને બેઠું છે. તે તને કાબૂમાં કરવા તક જોઈને બેઠું છે. શું તું એને તારા પર જીતવા દઈશ?”
૮ પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું: “ચાલ, આપણે મેદાનમાં જઈએ.” તેઓ મેદાનમાં હતા ત્યારે, કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો.+ ૯ યહોવાએ કાઈનને પૂછ્યું: “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” તેણે કહ્યું: “મને શું ખબર, હું કંઈ તેનો રખેવાળ છું?” ૧૦ ઈશ્વરે કહ્યું: “આ તેં શું કર્યું? જો! તારા ભાઈનું લોહી જમીનમાંથી મને પોકારી રહ્યું છે.*+ ૧૧ હું તને શ્રાપ આપું છું કે તને આ જગ્યાએથી કાઢી મૂકવામાં આવશે, કેમ કે એના પર તેં તારા ભાઈનું લોહી વહાવ્યું છે.+ ૧૨ તું જમીન ખેડીશ ત્યારે, એ પોતાની ઊપજ* આપશે નહિ. તું પૃથ્વી પર આમતેમ ભટકતો અને નાસતો ફરીશ.” ૧૩ કાઈને યહોવાને કહ્યું: “મારી ભૂલની આટલી મોટી સજા? હું એને કઈ રીતે સહી શકીશ? ૧૪ આજે તમે મને આ જગ્યાએથી કાઢી મૂકો છો અને તમારી નજર આગળથી દૂર કરો છો. મારે પૃથ્વી પર આમતેમ ભટકવું પડશે, નાસતા રહેવું પડશે. જે કોઈ મને જોશે તે જરૂર મને મારી નાખશે.” ૧૫ યહોવાએ તેને કહ્યું: “એવું ન થાય માટે હું આજ્ઞા કરું છું, જે કોઈ કાઈનને મારી નાખશે, તેણે સાત ગણી સજા ભોગવવી પડશે.”
કાઈનને જોઈને કોઈ તેને મારી ન નાખે, એટલે યહોવાએ કાઈન માટે એક નિશાની* ઠરાવી. ૧૬ પછી યહોવા આગળથી કાઈન નીકળી ગયો અને એદનની+ પૂર્વ તરફ આવેલા નોદ પ્રદેશમાં રહ્યો.*
૧૭ કાઈને પોતાની પત્ની સાથે જાતીય સંબંધ બાંધ્યો.+ તે ગર્ભવતી થઈ અને તેણે હનોખને જન્મ આપ્યો. પછી કાઈને એક શહેર બાંધવાનું શરૂ કર્યું અને પોતાના દીકરાના નામ પરથી એ શહેરનું નામ હનોખ પાડ્યું. ૧૮ હનોખથી ઇરાદ થયો, ઇરાદથી મહૂયાએલ થયો, મહૂયાએલથી મથૂશાએલ થયો અને મથૂશાએલથી લામેખ થયો.
૧૯ લામેખ બે સ્ત્રીઓ સાથે પરણ્યો. પહેલીનું નામ આદાહ અને બીજીનું નામ સિલ્લાહ. ૨૦ આદાહે યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારા અને ઢોરઢાંક રાખનારા લોકોનો પૂર્વજ હતો. ૨૧ તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે વીણા અને વાંસળી વગાડનારા લોકોનો પૂર્વજ હતો. ૨૨ સિલ્લાહે તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે તાંબા અને લોઢાનાં દરેક પ્રકારનાં ઓજાર બનાવતો હતો. તૂબાલ-કાઈનની બહેનનું નામ નાઅમાહ હતું. ૨૩ લામેખે પોતાની પત્નીઓ આદાહ અને સિલ્લાહ માટે આ કવિતા રચી:
“હે લામેખની પત્નીઓ, મારું સાંભળો,
મારી વાત કાને ધરો,
મને ઘાયલ કરનાર એક માણસને મેં મારી નાખ્યો,
હા, મારા પર હુમલો કરનાર યુવાનને મેં મારી નાખ્યો.
૨૫ આદમે ફરીથી પોતાની પત્ની સાથે જાતીય સંબંધ બાંધ્યો અને તેણે દીકરાને જન્મ આપ્યો. હવાએ તેનું નામ શેથ*+ પાડ્યું અને કહ્યું: “કાઈને હાબેલને મારી નાખ્યો,+ એટલે ઈશ્વરે હાબેલની જગ્યાએ મને બીજો એક દીકરો* આપ્યો.” ૨૬ શેથને પણ એક દીકરો થયો અને તેણે તેનું નામ અનોશ+ પાડ્યું. એ સમયે લોકો યહોવાના નામે પોકાર કરવા લાગ્યા.
૫ આદમની વંશાવળી* આ છે. ઈશ્વરે જ્યારે* આદમને બનાવ્યો, ત્યારે તેને પોતાના જેવો બનાવ્યો હતો.+ ૨ તેમણે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.+ તેઓને બનાવ્યાં+ એ દિવસે ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને મનુષ્ય* કહ્યાં.
૩ આદમ ૧૩૦ વર્ષનો હતો ત્યારે તેને એક દીકરો થયો. એ તેના જેવો, તેના સ્વરૂપ પ્રમાણે હતો. આદમે તેનું નામ શેથ+ પાડ્યું. ૪ શેથના જન્મ પછી આદમ ૮૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૫ આદમ ૯૩૦ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.+
૬ શેથ ૧૦૫ વર્ષનો હતો ત્યારે તેને અનોશ+ થયો. ૭ અનોશના જન્મ પછી શેથ ૮૦૭ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૮ શેથ ૯૧૨ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૯ અનોશ ૯૦ વર્ષનો હતો ત્યારે તેને કેનાન થયો. ૧૦ કેનાનના જન્મ પછી અનોશ ૮૧૫ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૧૧ અનોશ ૯૦૫ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૧૨ કેનાન ૭૦ વર્ષનો હતો ત્યારે તેને માહલાલએલ+ થયો. ૧૩ માહલાલએલના જન્મ પછી કેનાન ૮૪૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૧૪ કેનાન ૯૧૦ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૧૫ માહલાલએલ ૬૫ વર્ષનો હતો ત્યારે તેને યારેદ+ થયો. ૧૬ યારેદના જન્મ પછી માહલાલએલ ૮૩૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૧૭ માહલાલએલ ૮૯૫ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૧૮ યારેદ ૧૬૨ વર્ષનો હતો ત્યારે તેને હનોખ+ થયો. ૧૯ હનોખના જન્મ પછી યારેદ ૮૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૨૦ યારેદ ૯૬૨ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૨૧ હનોખ ૬૫ વર્ષનો હતો ત્યારે તેને મથૂશેલાહ+ થયો. ૨૨ મથૂશેલાહના જન્મ પછી પણ હનોખ ૩૦૦ વર્ષ સુધી સાચા ઈશ્વરની* સાથે ચાલતો રહ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૨૩ આમ, હનોખ ૩૬૫ વર્ષ જીવ્યો. ૨૪ હનોખ સાચા ઈશ્વર સાથે ચાલતો રહ્યો.+ પછી કોઈએ તેને કદી જોયો નહિ, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો.+
૨૫ મથૂશેલાહ ૧૮૭ વર્ષનો હતો ત્યારે તેને લામેખ+ થયો. ૨૬ લામેખના જન્મ પછી મથૂશેલાહ ૭૮૨ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૨૭ મથૂશેલાહ ૯૬૯ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૨૮ લામેખ ૧૮૨ વર્ષનો હતો ત્યારે તેને એક દીકરો થયો. ૨૯ તેણે તેનું નામ નૂહ*+ પાડ્યું અને કહ્યું: “આ છોકરો અમને રાહત* અપાવશે. યહોવાએ ધરતીને શ્રાપ આપ્યો+ હોવાથી અમારે કાળી મજૂરી કરવી પડે છે. તે દીકરો અમને એમાંથી રાહત અપાવશે.” ૩૦ નૂહના જન્મ પછી લામેખ ૫૯૫ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૩૧ લામેખ ૭૭૭ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૩૨ નૂહ ૫૦૦ વર્ષનો થયો પછી તેને શેમ,+ હામ+ અને યાફેથ+ થયા.
૬ પૃથ્વી પર માણસોની સંખ્યા વધવા લાગી અને તેઓને દીકરીઓ થઈ. ૨ સાચા ઈશ્વરના દીકરાઓએ*+ જોયું કે માણસોની દીકરીઓ ખૂબ સુંદર છે. એટલે તેઓને જે પસંદ આવી એ બધી સ્ત્રીઓને તેઓએ પત્ની બનાવી. ૩ પછી યહોવાએ કહ્યું: “હું મનુષ્યને કાયમ માટે સહન કરીશ નહિ,+ કેમ કે તે પાપી* છે. તેનું આયુષ્ય ૧૨૦ વર્ષ થશે.”+
૪ એ દિવસોમાં અને ત્યાર પછી પણ ધરતી પર કદાવર* માણસો હતા. તેઓનો જન્મ સાચા ઈશ્વરના દીકરાઓ અને માણસોની દીકરીઓથી થયો હતો. એ માણસો ખૂબ બળવાન હતા. તેઓ એ જમાનામાં ખૂબ જાણીતા હતા.
૫ યહોવાએ જોયું કે પૃથ્વી પર લોકોની દુષ્ટતા ખૂબ વધી ગઈ છે. તેઓનાં હૃદયના વિચારો અને ઇચ્છાઓ હંમેશાં ખરાબ હોય છે.+ ૬ પૃથ્વી પર મનુષ્યો બનાવ્યા એનું યહોવાને દુઃખ થયું* અને તેમનું દિલ ઉદાસ થયું.*+ ૭ યહોવાએ કહ્યું: “મેં બનાવેલા સર્વ મનુષ્યોનો હું પૃથ્વી પરથી વિનાશ કરી દઈશ. તેઓની સાથે પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓનો* પણ નાશ કરી દઈશ. કેમ કે તેઓને બનાવ્યા એનું મને દુઃખ* થાય છે.” ૮ પણ નૂહ એક એવો માણસ હતો જેણે યહોવાને ખુશ કર્યા.
૯ નૂહ વિશે આ અહેવાલ છે.
નૂહ ઈશ્વરનો ડર રાખતો* હતો.+ એ જમાનાના લોકોમાં* તે નિર્દોષ* હતો. નૂહ સાચા ઈશ્વર સાથે ચાલ્યો.+ ૧૦ સમય જતાં, નૂહને ત્રણ દીકરા થયા: શેમ, હામ અને યાફેથ.+ ૧૧ હવે સાચા ઈશ્વરની નજરમાં પૃથ્વી સાવ બગડી ગઈ હતી અને હિંસાથી ભરપૂર હતી. ૧૨ હા, ઈશ્વરે પૃથ્વી પર નજર કરી અને જોયું તો એ દુષ્ટ થઈ ગઈ હતી.+ બધા લોકો ખરાબ કામો કરતા હતા.+
૧૩ ઈશ્વરે નૂહને કહ્યું: “મેં બધા લોકોનો અંત લાવવાનું નક્કી કર્યું છે, કેમ કે તેઓના લીધે આખી પૃથ્વી હિંસાથી ભરાઈ ગઈ છે. હું તેઓનો અને પૃથ્વી પર જે કંઈ છે, એ બધાનો નાશ કરી દઈશ.+ ૧૪ પણ તું પોતાના માટે સૌથી સારાં લાકડાંમાંથી* એક વહાણ* બનાવ.+ તું એમાં ઓરડીઓ બનાવ અને વહાણની અંદર તથા બહાર ડામર+ ચોપડ. ૧૫ તું એને ૩૦૦ હાથ* લાંબું, ૫૦ હાથ પહોળું અને ૩૦ હાથ ઊંચું બનાવ. ૧૬ વહાણની ટોચથી એક હાથ નીચે તું અજવાળા માટે બારી* બનાવ. વહાણની એક તરફ દરવાજો બનાવ.+ વહાણમાં નીચલો, વચલો અને ઉપલો એમ ત્રણ માળ બનાવ.
૧૭ “હું આકાશ નીચેના બધા જીવોનો* નાશ કરવાનો છું. તેઓનો નાશ કરવા હું પૃથ્વી પર પૂર*+ લાવવાનો છું. હા, પૃથ્વી પર જે કંઈ છે એ બધાનો સર્વનાશ થશે.+ ૧૮ પણ હું તારી સાથે કરાર* કરું છું કે હું તને બચાવીશ. તું વહાણમાં જા. તારી સાથે તારી પત્ની, તારા દીકરાઓ અને તારા દીકરાઓની પત્નીઓને પણ લઈ જા.+ ૧૯ તું દરેક પ્રકારનાં પ્રાણીઓમાંથી એક એક જોડને,+ એટલે કે નર-માદાને+ તારી સાથે વહાણમાં લઈ જા, જેથી તારી સાથે તેઓ પણ જીવતાં રહે. ૨૦ બધી જાતનાં પક્ષીઓ, પાલતુ પ્રાણીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓની એક એક જોડ તારી સાથે વહાણમાં લઈ જા, જેથી તેઓ પણ જીવતાં રહે.+ ૨૧ તારા માટે અને પ્રાણીઓ માટે સર્વ પ્રકારનો ખોરાક+ ભેગો કર અને એને વહાણમાં લઈ જા.”
૨૨ ઈશ્વરે આપેલી આજ્ઞાઓ પ્રમાણે નૂહે બધું કર્યું. તેણે એમ જ કર્યું.+
૭ યહોવાએ નૂહને કહ્યું: “તું અને તારું આખું કુટુંબ વહાણમાં જાઓ, કેમ કે આ પેઢીના લોકોમાં તું એકલો જ મારી નજરમાં નેક છે.+ ૨ તું તારી સાથે દરેક પ્રકારનાં શુદ્ધ પ્રાણીમાંથી* સાત પ્રાણીઓ*+ લઈ જા, જેમાં નર અને માદા હોય. દરેક અશુદ્ધ પ્રાણીમાંથી નર અને માદાની ફક્ત એક જોડ લઈ જા. ૩ આકાશનાં પક્ષીઓમાંથી* સાત પક્ષીઓ* લઈ જા, જેમાં નર અને માદા હોય, જેથી તેઓની જાતિ પૃથ્વી પર જીવતી રહે.+ ૪ સાત દિવસ પછી હું પૃથ્વી પર ૪૦ દિવસ અને ૪૦ રાત+ વરસાદ વરસાવીશ.+ મેં બનાવેલા દરેક જીવનો હું પૃથ્વી પરથી સફાયો કરી દઈશ.”+ ૫ યહોવાએ આજ્ઞાઓ આપી હતી એ પ્રમાણે નૂહે બધું જ કર્યું.
૬ પૃથ્વી પર પૂર આવ્યું+ ત્યારે નૂહ ૬૦૦ વર્ષનો હતો. ૭ પૂર આવ્યું એ પહેલાં નૂહ, તેની પત્ની, તેના દીકરાઓ અને તેઓની પત્નીઓ વહાણમાં ગયાં.+ ૮ દરેક પ્રકારનાં શુદ્ધ પ્રાણીઓ, અશુદ્ધ પ્રાણીઓ, પક્ષીઓ અને જમીન પર હરતાં-ફરતાં બીજાં પ્રાણીઓ+ ૯ નર-માદાની જોડમાં નૂહ પાસે વહાણમાં ગયાં, જેમ ઈશ્વરે નૂહને કહ્યું હતું. ૧૦ સાત દિવસ પછી પૃથ્વી પર વરસાદ શરૂ થયો અને પૂર આવ્યું.
૧૧ નૂહના જીવનના ૬૦૦મા વર્ષે, બીજા મહિનાના ૧૭મા દિવસે એમ બન્યું કે, આકાશના પાણીના બધા ઝરા* ફૂટી નીકળ્યા. આકાશના દરવાજા ઊઘડી ગયા+ ૧૨ અને પૃથ્વી પર ૪૦ દિવસ અને ૪૦ રાત વરસાદ પડ્યો. ૧૩ એ જ દિવસે નૂહ પોતાની પત્ની, પોતાના ત્રણ દીકરાઓ શેમ, હામ, યાફેથ+ અને તેઓની પત્નીઓ+ સાથે વહાણમાં ગયો. ૧૪ તેઓ સાથે દરેક પ્રકારનાં જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ, પક્ષીઓ અને પાંખવાળાં જીવજંતુઓ પણ ગયાં. ૧૫ જેઓમાં જીવનનો શ્વાસ* છે તેઓ સર્વ જોડીમાં નૂહ પાસે વહાણમાં ગયા. ૧૬ આમ ઈશ્વરના કહ્યા પ્રમાણે દરેક પ્રકારનાં પ્રાણીઓ, નર અને માદા વહાણમાં ગયાં. પછી યહોવાએ વહાણનો દરવાજો બંધ કરી દીધો.
૧૭ પૃથ્વી પર ૪૦ દિવસ સુધી વરસાદ વરસ્યો. પાણી વધતું ગયું તેમ વહાણ ઊંચકાયું અને જમીનથી ખૂબ ઊંચે તરવા લાગ્યું. ૧૮ આખી પૃથ્વી પર પાણી વધતું ને વધતું ગયું, પણ વહાણ પાણી પર તરતું રહ્યું. ૧૯ પાણી એટલું ચઢ્યું કે પૃથ્વીના ઊંચા ઊંચા પહાડો પણ ડૂબી ગયા.+ ૨૦ પહાડોની ઉપર ૧૫ હાથ* સુધી પાણી ચઢ્યું.
૨૧ પૃથ્વી પર હરતાં-ફરતાં બધા જીવો, એટલે કે પક્ષીઓ, પાલતુ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ, ઝુંડમાં રહેતાં પ્રાણીઓ* અને આખી માનવજાતનો+ વિનાશ થયો.+ ૨૨ કોરી જમીન પર રહેનારા બધા જીવો* મરી ગયા.+ ૨૩ ઈશ્વરે બધાં માણસો, પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓનો પૃથ્વી પરથી સર્વનાશ કર્યો. એ બધાંનો વિનાશ કર્યો.+ ફક્ત નૂહ અને તેની સાથે જેઓ વહાણમાં હતા તેઓ જ બચી ગયા.+ ૨૪ આખી પૃથ્વી પર ૧૫૦ દિવસ+ સુધી પાણી જ પાણી હતું.
૮ ઈશ્વરે નૂહ પર ધ્યાન આપ્યું.* તેની સાથે વહાણમાં+ હતાં એ સર્વ જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ પર પણ ધ્યાન આપ્યું.* તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો અને પાણી ઓસરવા લાગ્યું. ૨ આકાશના પાણીના ઝરા અને આકાશના દરવાજા બંધ થયા, એટલે વરસાદ અટકી ગયો.*+ ૩ પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું. ૧૫૦ દિવસ પછી પાણી ઓસરી ગયું. ૪ સાતમા મહિનાના ૧૭મા દિવસે વહાણ અરારાટના પહાડો પર રોકાયું. ૫ દસમા મહિના સુધી પાણી સતત ઓસરતું રહ્યું. દસમા મહિનાના પહેલા દિવસે પહાડોની ટોચ દેખાવા લાગી.+
૬ ૪૦ દિવસ પછી નૂહે વહાણની બારી+ ખોલી ૭ અને એક કાગડાને બહાર મોકલ્યો. પાણી સુકાયું નહિ ત્યાં સુધી એ કાગડો વહાણમાં આવજા કરતો રહ્યો.
૮ પછી પાણી ઓસર્યું છે કે નહિ એ જોવા, નૂહે એક કબૂતર મોકલ્યું. ૯ પણ પૃથ્વી પર બધે પાણી જ પાણી હતું.+ કબૂતરને બેસવાની કોઈ જગ્યા મળી નહિ, એટલે એ નૂહ પાસે પાછું આવ્યું. તેણે હાથ લાંબો કરીને કબૂતરને વહાણની અંદર લઈ લીધું. ૧૦ તેણે બીજા સાત દિવસ રાહ જોઈ અને કબૂતરને ફરી વહાણની બહાર મોકલ્યું. ૧૧ આશરે સાંજના સમયે એ નૂહ પાસે પાછું આવ્યું. એની ચાંચમાં જૈતૂનના ઝાડનું તાજું પાંદડું હતું. એ જોઈને નૂહને ખબર પડી કે પૃથ્વી પરથી પાણી ઓસરી ગયું છે.+ ૧૨ તેણે બીજા સાત દિવસ રાહ જોઈ. પછી તેણે ફરી કબૂતરને બહાર મોકલ્યું, પણ આ વખતે એ તેની પાસે પાછું આવ્યું નહિ.
૧૩ નૂહના જીવનના ૬૦૧મા વર્ષે,+ પહેલા મહિનાના પહેલા દિવસે પૃથ્વી પરથી પાણી ઓસરી ગયું. નૂહે વહાણની છતનો થોડો ભાગ ખોલીને જોયું તો જમીન કોરી થવાની શરૂ થઈ હતી. ૧૪ બીજા મહિનાના ૨૭મા દિવસે જમીન કોરી થઈ ગઈ.
૧૫ ઈશ્વરે નૂહને કહ્યું: ૧૬ “તું, તારી પત્ની, તારા દીકરાઓ અને તારા દીકરાઓની પત્નીઓ+ વહાણમાંથી બહાર આવો. ૧૭ દરેક પ્રકારના જીવો,+ એટલે કે પક્ષીઓ,* પ્રાણીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓને તું બહાર લાવ, જેથી તેઓને ઘણાં બચ્ચાં થાય, તેઓ પુષ્કળ વધે અને તેઓની સંખ્યા પૃથ્વી પર વધતી જાય.”+
૧૮ નૂહ, તેની પત્ની, તેના દીકરાઓ+ અને તેઓની પત્નીઓ બહાર આવ્યાં. ૧૯ બધાં પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ, પક્ષીઓ અને જમીન પર હરતાં-ફરતાં પ્રાણીઓ પણ વહાણમાંથી બહાર આવ્યાં.*+ ૨૦ પછી નૂહે યહોવા માટે વેદી* બાંધી.+ તેણે શુદ્ધ પ્રાણીઓમાંથી અને શુદ્ધ પક્ષીઓમાંથી+ અમુક લીધાં અને વેદી પર તેઓનું અગ્નિ-અર્પણ* ચઢાવ્યું.+ ૨૧ એની સુવાસ યહોવા સુધી પહોંચી અને તે એનાથી ખુશ* થયા. યહોવાએ મનમાં કહ્યું: “માણસના હૃદયના વિચારો અને ઇચ્છાઓ બાળપણથી ખરાબ હોય છે.+ એટલે હું માણસને લીધે ફરી ક્યારેય ધરતીને શ્રાપ નહિ આપું.+ જેમ મેં હમણાં કર્યું, તેમ ફરી ક્યારેય બધા જીવોનો નાશ નહિ કરું.+ ૨૨ હવેથી પૃથ્વી પર વાવણી અને કાપણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો તેમજ દિવસ અને રાત થયા વગર રહેશે નહિ.”+
૯ ઈશ્વરે નૂહ અને તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો અને પૃથ્વીને ભરી દો.+ ૨ પૃથ્વીનાં બધાં પ્રાણીઓ, આકાશનાં પક્ષીઓ,* જમીન પર હરતાં-ફરતાં પ્રાણીઓ અને સમુદ્રની માછલીઓ તમારાથી ડરશે અને ખૂબ ગભરાશે. તેઓને મેં તમારા હાથમાં સોંપ્યાં છે.+ ૩ પૃથ્વી પરનું દરેક પ્રાણી તમારો ખોરાક થશે.+ લીલોતરીની જેમ એ બધાં પણ હું તમને ખોરાક તરીકે આપું છું.+ ૪ પણ માંસ સાથે લોહી ન ખાવું,+ કેમ કે લોહી+ જીવન છે. ૫ તમારું જીવન તમારા લોહીમાં છે. જે કોઈ તમારો જીવ* લેશે,* એની પાસેથી હું હિસાબ માંગીશ, પછી ભલે એ મનુષ્ય હોય કે પ્રાણી. દરેક માણસ પાસે હું તેના ભાઈના જીવનો હિસાબ માંગીશ.+ ૬ જે કોઈ માણસનું લોહી વહાવશે, તેનું લોહી પણ માણસના હાથે વહાવવામાં આવશે,+ કેમ કે ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવ્યો છે.”*+ ૭ પછી ઈશ્વરે કહ્યું: “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો અને તમારી સંખ્યા પૃથ્વી પર ખૂબ વધતી જાઓ.”+
૮ ઈશ્વરે નૂહ અને તેના દીકરાઓને કહ્યું: ૯ “હું તમારી સાથે અને તમારા વંશજો સાથે કરાર કરું છું.+ ૧૦ તમારી સાથે વહાણમાંથી બહાર આવેલાં બધાં પક્ષીઓ, જાનવરો અને પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ+ સાથે પણ હું કરાર કરું છું. ૧૧ હા, તમારી સાથે આ કરાર કરું છું: હું ફરી ક્યારેય પૂરથી બધા જીવોનો નાશ નહિ કરું. ફરી ક્યારેય પૂરના પાણીથી પૃથ્વીનો વિનાશ નહિ કરું.”+
૧૨ ઈશ્વરે કહ્યું: “એ કરાર પેઢી દર પેઢી રહેશે. તમારી સાથે અને દરેક પ્રાણી સાથે કરેલા મારા કરારની નિશાની આ છે: ૧૩ મેઘધનુષ્ય. એ મેઘધનુષ્ય હું વાદળમાં મૂકીશ. એ મારી અને પૃથ્વી વચ્ચેના મારા કરારની નિશાની થશે. ૧૪ જ્યારે પણ હું પૃથ્વી પર વાદળ લાવીશ, ત્યારે એમાં મેઘધનુષ્ય દેખાશે. ૧૫ એ વખતે હું મારો કરાર જરૂર યાદ કરીશ, જે મેં તમારી સાથે અને બધા જીવો સાથે કર્યો છે. હું ફરી ક્યારેય પૂર લાવીને બધા જીવોનો નાશ નહિ કરું.+ ૧૬ જ્યારે જ્યારે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે, ત્યારે ત્યારે હું એને જોઈને મારો કરાર જરૂર યાદ કરીશ, જે મેં પૃથ્વીના બધા જીવો સાથે કાયમ માટે કર્યો છે.”
૧૭ ઈશ્વરે ફરીથી નૂહને કહ્યું: “મારી અને પૃથ્વી પરના દરેક જીવ વચ્ચે હું જે કરાર કરું છું, એની એ નિશાની છે.”+
૧૮ નૂહની સાથે તેના દીકરાઓ શેમ, હામ અને યાફેથ+ વહાણમાંથી બહાર આવ્યા. સમય જતાં હામને એક દીકરો થયો, તેનું નામ કનાન+ હતું. ૧૯ નૂહના એ ત્રણ દીકરાઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ.+
૨૦ નૂહ ખેતીકામ કરવા લાગ્યો અને તેણે એક દ્રાક્ષાવાડી રોપી. ૨૧ એક દિવસે તે દ્રાક્ષદારૂ પીને નશામાં ચકચૂર થયો. તે કપડાં ઉતારીને તંબુમાં નગ્ન પડ્યો હતો. ૨૨ કનાનના પિતા હામે પોતાના પિતાની નગ્નતા જોઈ. તેણે બહાર જઈને પોતાના બે ભાઈઓને એ વિશે જણાવ્યું. ૨૩ પછી શેમ અને યાફેથે એક કપડું લીધું. તેઓ એને ખભા પાછળ પકડીને ઊંધા પગે ચાલીને અંદર ગયા. તેઓએ પોતાનાં મોં બીજી તરફ ફેરવીને પિતાની નગ્નતા ઢાંકી. તેઓએ પિતાની નગ્નતા જોઈ નહિ.
૨૪ જ્યારે નૂહનો નશો ઊતરી ગયો અને તે ઊંઘમાંથી જાગ્યો, ત્યારે તેને ખબર પડી કે તેના સૌથી નાના દીકરાએ શું કર્યું હતું. ૨૫ તેણે કહ્યું:
“કનાન+ પર શ્રાપ ઊતરી આવે.
૨૬ તેણે એમ પણ કહ્યું:
“શેમના ઈશ્વર યહોવાની સ્તુતિ થાય
અને કનાન શેમનો દાસ બને.+
૨૭ યાફેથને ઈશ્વર મોટો વિસ્તાર આપે
અને તે શેમના તંબુઓમાં રહે.
કનાન યાફેથનો પણ દાસ થાય.”
૨૮ પૂર+ પછી નૂહ ૩૫૦ વર્ષ જીવ્યો. ૨૯ આમ નૂહ ૯૫૦ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૧૦ નૂહના દીકરાઓ શેમ,+ હામ અને યાફેથની વંશાવળી આ છે:
પૂર પછી તેઓને દીકરાઓ થયા.+ ૨ યાફેથના દીકરાઓ ગોમેર,+ માગોગ,+ માદાય, યાવાન, તુબાલ,+ મેશેખ+ અને તીરાસ+ હતા.
૩ ગોમેરના દીકરાઓ આશ્કેનાઝ,+ રીફાથ અને તોગાર્માહ+ હતા.
૪ યાવાનના દીકરાઓ અલીશાહ,+ તાર્શીશ,+ કિત્તીમ+ અને દોદાનીમ હતા.
૫ તેઓ ટાપુઓ પર વસેલા લોકોના પૂર્વજો હતા. તેઓ પોતપોતાની ભાષા, કુટુંબ અને જાતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં જઈને રહેવા લાગ્યા.
૬ હામના દીકરાઓ કૂશ, મિસરાઈમ,+ પૂટ+ અને કનાન+ હતા.
૭ કૂશના દીકરાઓ સેબા,+ હવીલાહ, સાબ્તાહ, રાઅમાહ+ અને સાબ્તેકા હતા.
રાઅમાહના દીકરાઓ શેબા અને દદાન હતા.
૮ કૂશથી નિમ્રોદ થયો. તે પૃથ્વી પર પહેલો બળવાન લડવૈયો બન્યો. ૯ તે યહોવાની વિરુદ્ધ બળવાન શિકારી* બન્યો. એટલે જ કહેવત પડી છે, “આ તો નિમ્રોદ જેવો છે, જે યહોવાની વિરુદ્ધ બળવાન શિકારી હતો.” ૧૦ નિમ્રોદના રાજ્યનાં પ્રથમ શહેરો બાબિલ,+ એરેખ,+ આક્કાદ અને કાલ્નેહ હતાં, જે શિનઆર દેશમાં+ હતાં. ૧૧ ત્યાંથી નિમ્રોદ આશ્શૂર+ ગયો અને ત્યાં તેણે નિનવેહ,+ રેહોબોથ-ઈર, કાલાહ ૧૨ અને રેસેન શહેરો બાંધ્યાં. રેસેન તો નિનવેહ અને કાલાહ વચ્ચે છે અને એ મોટું શહેર* છે.
૧૩ મિસરાઈમથી લૂદીમ,+ અનામીમ, લહાબીમ, નાફતુહીમ,+ ૧૪ પાથરૂસીમ,+ કાસ્લુહીમ અને કાફતોરીમ+ થયા. કાસ્લુહીમથી પલિસ્તીઓ+ થયા હતા.
૧૫ કનાનનો પ્રથમ જન્મેલો દીકરો સિદોન+ હતો. એ પછી તેને હેથ,+ ૧૬ યબૂસી,+ અમોરી,+ ગિર્ગાશી, ૧૭ હિવ્વી,+ આર્કી, સીની, ૧૮ આર્વાદી,+ સમારી અને હમાથી+ થયા. પછી કનાનીઓનાં કુટુંબો જુદા જુદા વિસ્તારોમાં જઈને રહેવા લાગ્યાં. ૧૯ કનાનીઓની હદ સિદોનથી લઈને ગાઝા+ નજીક ગેરાર+ સુધી અને લાશા નજીક સદોમ, ગમોરાહ,+ આદમાહ અને સબોઇમ+ સુધી હતી. ૨૦ તેઓ હામના દીકરાઓ હતા. તેઓ પોતપોતાની ભાષા, કુટુંબ અને જાતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં જઈને રહેવા લાગ્યા.
૨૧ શેમને પણ દીકરાઓ થયા. તે એબેરના+ બધા દીકરાઓનો પૂર્વજ હતો. શેમનો સૌથી મોટો ભાઈ યાફેથ હતો.* ૨૨ શેમના દીકરાઓ એલામ,+ આશુર,+ આર્પાકશાદ,+ લૂદ અને અરામ+ હતા.
૨૩ અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
૨૪ આર્પાકશાદથી શેલાહ+ થયો અને શેલાહથી એબેર થયો.
૨૫ એબેરને બે દીકરાઓ થયા. એકનું નામ પેલેગ*+ હતું, કેમ કે તેના સમયમાં પૃથ્વીની વસ્તીના ભાગલા* થયા. તેના ભાઈનું નામ યોકટાન+ હતું.
૨૬ યોકટાનથી આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,+ ૨૭ હદોરામ, ઉઝાલ, દિકલાહ, ૨૮ ઓબાલ, અબીમાએલ, શેબા, ૨૯ ઓફીર,+ હવીલાહ અને યોબાબ થયા. તેઓ યોકટાનના દીકરાઓ હતા.
૩૦ તેઓ રહેતા હતા એ વિસ્તાર મેશાથી લઈને સફાર સુધી હતો, જે પૂર્વના પહાડી વિસ્તારમાં હતો.
૩૧ તેઓ શેમના દીકરાઓ હતા. તેઓ પોતપોતાની ભાષા, કુટુંબ અને જાતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં જઈને રહેવા લાગ્યા.+
૩૨ એ બધાં નૂહના દીકરાઓનાં કુટુંબો અને તેઓમાંથી આવેલી પ્રજાઓ છે. પૂર પછી એ બધી પ્રજાઓ આખી પૃથ્વી પર ફેલાઈ ગઈ.+
૧૧ એ દિવસોમાં આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. લોકો એકસરખા જ શબ્દો વાપરતા હતા.* ૨ તેઓને પૂર્વ તરફ જતી વખતે શિનઆર દેશમાં+ એક મેદાની વિસ્તાર મળી આવ્યો. તેઓ ત્યાં રહેવા લાગ્યા. ૩ તેઓએ એકબીજાને કહ્યું: “ચાલો આપણે ઈંટો બનાવીએ અને એને અગ્નિમાં પકવીએ.” તેઓ પથ્થરને બદલે ઈંટ અને માટીના ગારાને બદલે ડામર વાપરવા લાગ્યા. ૪ તેઓએ કહ્યું: “ચાલો આપણે પોતાના માટે એક શહેર બાંધીએ. એક મોટી ઇમારત બાંધીએ, જેની ટોચ આકાશ સુધી પહોંચે. આમ આપણે જાણીતા થઈશું અને આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ નહિ જઈએ.”+
૫ માણસો જે શહેર અને મોટી ઇમારત બાંધતા હતા, એના પર યહોવાએ ધ્યાન આપ્યું.* ૬ યહોવાએ કહ્યું: “એ લોકો એક થઈ ગયા છે અને તેઓની ભાષા પણ એક છે.+ જુઓ, તેઓ શું કરવા લાગ્યા છે! હવે તેઓ જે કંઈ ધારશે, એ પૂરું કરીને જ જંપશે. તેઓ માટે કંઈ અશક્ય નથી. ૭ ચાલો આપણે*+ તેઓની ભાષા ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા ન સમજે.” ૮ એટલે યહોવાએ તેઓને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.+ સમય જતાં, તેઓએ શહેર બાંધવાનું પડતું મૂક્યું. ૯ એટલે એ શહેરનું નામ બાબિલ*+ પડ્યું, કેમ કે યહોવાએ ત્યાં પૃથ્વીના બધા લોકોની ભાષા ગૂંચવી નાખી હતી અને યહોવાએ તેઓને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા હતા.
૧૦ શેમની+ વંશાવળી આ છે:
પૂરના બે વર્ષ પછી શેમને આર્પાકશાદ+ થયો. એ વખતે શેમ ૧૦૦ વર્ષનો હતો. ૧૧ આર્પાકશાદના જન્મ પછી શેમ ૫૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.+
૧૨ આર્પાકશાદ ૩૫ વર્ષનો હતો ત્યારે તેને શેલાહ+ થયો. ૧૩ શેલાહના જન્મ પછી આર્પાકશાદ ૪૦૩ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૧૪ શેલાહ ૩૦ વર્ષનો હતો ત્યારે તેને એબેર+ થયો. ૧૫ એબેરના જન્મ પછી શેલાહ ૪૦૩ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૧૬ એબેર ૩૪ વર્ષનો હતો ત્યારે તેને પેલેગ+ થયો. ૧૭ પેલેગના જન્મ પછી એબેર ૪૩૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૧૮ પેલેગ ૩૦ વર્ષનો હતો ત્યારે તેને રેઉ+ થયો. ૧૯ રેઉના જન્મ પછી પેલેગ ૨૦૯ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૨૦ રેઉ ૩૨ વર્ષનો હતો ત્યારે તેને સરૂગ થયો. ૨૧ સરૂગના જન્મ પછી રેઉ ૨૦૭ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૨૨ સરૂગ ૩૦ વર્ષનો હતો ત્યારે તેને નાહોર થયો. ૨૩ નાહોરના જન્મ પછી સરૂગ ૨૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૨૪ નાહોર ૨૯ વર્ષનો હતો ત્યારે તેને તેરાહ+ થયો. ૨૫ તેરાહના જન્મ પછી નાહોર ૧૧૯ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૨૬ તેરાહ ૭૦ વર્ષનો થયો પછી તેને ઇબ્રામ,+ નાહોર+ અને હારાન થયા.
૨૭ તેરાહ વિશે આ અહેવાલ છે.
તેરાહથી ઇબ્રામ, નાહોર અને હારાન થયા. હારાનથી લોત+ થયો. ૨૮ તેરાહ હજી જીવતો હતો ત્યારે, હારાન પોતાના વતનમાં મરણ પામ્યો, જે ખાલદીઓનું*+ ઉર+ શહેર હતું. ૨૯ ઇબ્રામે સારાય+ સાથે અને નાહોરે મિલ્કાહ+ સાથે લગ્ન કર્યું. મિલ્કાહ હારાનની દીકરી હતી. હારાનની બીજી દીકરીનું નામ યિસ્કાહ હતું. ૩૦ સારાય વાંઝણી હતી,+ તેને કોઈ બાળક ન હતું.
૩૧ તેરાહ પોતાનાં દીકરા ઇબ્રામ, પુત્રવધૂ સારાય અને પૌત્ર લોતને+ લઈને ખાલદીઓનું ઉર શહેર છોડીને કનાન+ દેશ જવા નીકળ્યો. સમય જતાં, તેઓ હારાન+ શહેર પહોંચ્યાં અને ત્યાં રહેવા લાગ્યાં. સારાય ઇબ્રામની પત્ની હતી અને લોત હારાનનો દીકરો હતો. ૩૨ તેરાહ ૨૦૫ વર્ષ જીવ્યો અને પછી હારાનમાં તેનું મરણ થયું.
૧૨ યહોવાએ ઇબ્રામને કહ્યું: “તારો દેશ અને તારાં સગાં-વહાલાં અને તારા પિતાનું ઘર છોડીને એ દેશમાં જા, જે હું તને બતાવીશ.+ ૨ હું તને મહાન પ્રજા બનાવીશ. હું તને આશીર્વાદ આપીશ અને તારું નામ જાણીતું કરીશ. તારા લીધે બીજાઓને આશીર્વાદ મળશે.+ ૩ જેઓ તને આશીર્વાદ આપે છે, તેઓને હું આશીર્વાદ આપીશ. જેઓ તને શ્રાપ આપે છે, તેઓને હું શ્રાપ આપીશ.+ તારાથી પૃથ્વીનાં સર્વ કુટુંબો ચોક્કસ આશીર્વાદ મેળવશે.”*+
૪ યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રામ હારાનથી નીકળ્યો+ અને લોત પણ તેની સાથે ગયો. એ સમયે ઇબ્રામ ૭૫ વર્ષનો હતો. ૫ ઇબ્રામ પોતાની પત્ની સારાય+ અને ભત્રીજા લોતને+ લઈને કનાન દેશ જવા નીકળ્યો. હારાનમાં તેઓએ જે માલ-મિલકત+ ભેગી કરી હતી અને જે દાસ-દાસીઓ મેળવ્યાં હતાં, એ બધાંને તેઓ પોતાની સાથે લઈ ગયાં.+ તેઓ કનાન દેશ આવી પહોંચ્યાં. ૬ પછી ઇબ્રામે એ દેશમાં છેક શખેમ+ સુધી મુસાફરી કરી, જે મોરેહનાં મોટાં મોટાં વૃક્ષો+ નજીક હતું. એ સમયે ત્યાં કનાનીઓ રહેતા હતા. ૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી. ૮ પછી તે બેથેલની+ પૂર્વ તરફ આવેલા પહાડી વિસ્તારમાં ગયો અને ત્યાં તંબુ નાખ્યો. એની પશ્ચિમમાં બેથેલ અને પૂર્વમાં આય+ હતું. એ જગ્યાએ તેણે યહોવા માટે એક વેદી બાંધી+ અને યહોવાના નામની સ્તુતિ કરી.*+ ૯ પછી ઇબ્રામે તંબુ ઉઠાવીને બીજી જગ્યાએ પડાવ નાખ્યો. તેણે પડાવ નાખતાં નાખતાં નેગેબ+ તરફ મુસાફરી કરી.
૧૦ એ દિવસોમાં દેશમાં દુકાળ પડ્યો. એ દુકાળ ખૂબ આકરો+ હોવાથી ઇબ્રામ ઇજિપ્ત* જવા નીકળ્યો, જેથી ત્યાં થોડો સમય રહી શકે.*+ ૧૧ તે ઇજિપ્ત પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે, તેણે પોતાની પત્ની સારાયને કહ્યું: “સાંભળ, હું જાણું છું કે તું ખૂબ સુંદર છે.+ ૧૨ ઇજિપ્તના લોકો તને જોઈને કહેશે, ‘એ તેની પત્ની છે.’ એટલે તેઓ મને મારી નાખશે, પણ તને પોતાની પાસે રાખી લેશે. ૧૩ તું તેઓને કહેજે કે તું મારી બહેન છે, જેથી તારા લીધે તેઓ મારું ભલું કરે અને મારો જીવ બચી જાય.”+
૧૪ ઇબ્રામ અને સારાય ઇજિપ્ત આવી પહોંચ્યાં કે તરત જ ત્યાંના લોકોના ધ્યાનમાં આવ્યું કે સારાય ખૂબ સુંદર છે. ૧૫ ઇજિપ્તના રાજાના* અધિકારીઓએ પણ તેને જોઈ અને તેઓ રાજા આગળ તેના વખાણ કરવા લાગ્યા. તેથી તેને રાજાના મહેલમાં લાવવામાં આવી. ૧૬ સારાયને લીધે રાજાએ ઇબ્રામનું ભલું કર્યું અને તેને ઘેટાં, ઢોરઢાંક, ગધેડાં, ગધેડીઓ, ઊંટો અને દાસ-દાસીઓ આપ્યાં.+ ૧૭ ઇબ્રામની પત્ની સારાયને+ લીધે, રાજા અને તેના ઘર પર યહોવા મોટી આફતો લાવ્યા. ૧૮ રાજાએ ઇબ્રામને બોલાવીને કહ્યું: “મારી સાથે તેં આ શું કર્યું? તેં કેમ કહ્યું નહિ કે તે તારી પત્ની છે? ૧૯ તેં કેમ કહ્યું કે તે તારી બહેન છે?+ હું તેને મારી પત્ની બનાવવાનો હતો! આ રહી તારી પત્ની, તેને લઈને અહીંથી ચાલ્યો જા!” ૨૦ પછી રાજાના હુકમથી તેના માણસોએ ઇબ્રામ અને તેની પત્નીને તેઓની બધી માલ-મિલકત સાથે ઇજિપ્તની બહાર મોકલી દીધાં.+
૧૩ પછી ઇબ્રામ ઇજિપ્તથી નીકળીને નેગેબ+ તરફ ગયો. તે પોતાની પત્ની સારાય, લોત, દાસ-દાસીઓ અને બધી માલ-મિલકત લઈને ત્યાંથી નીકળ્યો. ૨ ઇબ્રામ ઘણો ધનવાન હતો. તેની પાસે પુષ્કળ ઢોરઢાંક અને સોનું-ચાંદી હતાં.+ ૩ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પડાવ નાખતાં નાખતાં નેગેબથી બેથેલ તરફ ગયો. આખરે તે બેથેલ અને આય+ વચ્ચે આવી પહોંચ્યો, જ્યાં તેણે અગાઉ તંબુ નાખ્યો હતો ૪ અને વેદી બાંધી હતી. ત્યાં ઇબ્રામે યહોવાના નામની સ્તુતિ કરી.*
૫ હવે ઇબ્રામ સાથે મુસાફરી કરનાર લોત પાસે પણ ઘણાં ઘેટાં, ઢોરઢાંક અને તંબુઓ હતાં. ૬ પણ ત્યાં એટલી જમીન ન હતી કે તેઓ ભેગા રહી શકે. તેઓની માલ-મિલકત પણ એટલી વધી ગઈ હતી કે, ભેગા રહેવું શક્ય ન હતું. ૭ એટલે ઇબ્રામના ભરવાડો અને લોતના ભરવાડો વચ્ચે ઝઘડો થયો. (ત્યારે કનાનીઓ અને પરિઝ્ઝીઓ એ દેશમાં રહેતા હતા.)+ ૮ ઇબ્રામે લોતને+ કહ્યું: “આપણે ભાઈઓ છીએ, એટલે આપણી વચ્ચે અને આપણા ભરવાડો વચ્ચે ઝઘડો ન થવો જોઈએ. ૯ તારી આગળ આખો દેશ પડ્યો છે. તું મારાથી જુદો થા. જો તું ડાબી તરફ જઈશ, તો હું જમણી તરફ જઈશ. જો તું જમણી તરફ જઈશ, તો હું ડાબી તરફ જઈશ.” ૧૦ લોતે ચારે બાજુ નજર કરી અને સોઆર+ સુધી યર્દનનો આખો વિસ્તાર+ જોયો. તેણે જોયું કે, એ વિસ્તાર યહોવાના બાગ*+ અને ઇજિપ્ત દેશની જેમ પાણીથી ભરપૂર હતો. (યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કર્યો એ પહેલાં એ પ્રદેશ પાણીથી ભરપૂર હતો.) ૧૧ લોતે પોતાના માટે યર્દનનો આખો વિસ્તાર પસંદ કર્યો અને પૂર્વ તરફ જઈને ત્યાં પડાવ નાખ્યો. આમ તેઓ એકબીજાથી છૂટા પડ્યા. ૧૨ ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, પણ લોત યર્દન વિસ્તારનાં શહેરો નજીક રહ્યો.+ પછી લોતે સદોમ નજીક પોતાનો તંબુ નાખ્યો. ૧૩ સદોમના લોકો દુષ્ટ હતા અને યહોવા વિરુદ્ધ ઘોર પાપ કરતા હતા.+
૧૪ લોતના ગયા પછી યહોવાએ ઇબ્રામને કહ્યું: “નજર ફેરવીને ચારે બાજુ જો. તું જ્યાં ઊભો છે ત્યાંથી ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફ જો, ૧૫ કેમ કે જે દેશ તું જોઈ રહ્યો છે, એ હું તને અને તારા વંશજને હંમેશ માટે વારસા તરીકે આપીશ.+ ૧૬ હું તારા વંશજની સંખ્યા રેતીના કણ* જેટલી વધારીશ. જેમ રેતીના કણને ગણવા અશક્ય છે, તેમ તારા વંશજને ગણવા પણ અશક્ય હશે.+ ૧૭ જા, આ દેશના એક છેડાથી બીજા છેડા* સુધી મુસાફરી કર, કેમ કે એ આખો દેશ હું તને આપવાનો છું.” ૧૮ ઇબ્રામે તંબુઓમાં જ વસવાટ કર્યો. પછી તે હેબ્રોનમાં+ આવેલા મામરેનાં મોટાં મોટાં વૃક્ષો+ નજીક જઈને રહ્યો અને ત્યાં તેણે યહોવા માટે વેદી બાંધી.+
૧૪ એ દિવસોમાં શિનઆર+ પર રાજા આમ્રાફેલ, એલ્લાસાર પર રાજા આર્યોખ, એલામ+ પર રાજા કદોરલાઓમેર+ અને ગોઈમ પર રાજા તિદાલ રાજ કરતા હતા. ૨ એ ચાર રાજાઓએ આ પાંચ રાજાઓ સામે યુદ્ધ કર્યું: સદોમના+ રાજા બેરા, ગમોરાહના+ રાજા બિર્શા, આદમાહના રાજા શિનાબ, સબોઇમના+ રાજા શેમેબેર અને બેલાના (સોઆરના) રાજા. ૩ એ રાજાઓની* સેનાઓ સિદ્દીમની ખીણમાં*+ એકઠી થઈ, જે ખારો સમુદ્ર*+ છે.
૪ એ પાંચ રાજાઓ ૧૨ વર્ષ સુધી કદોરલાઓમેરને તાબે રહ્યા, પણ ૧૩મા વર્ષે તેઓએ બળવો કર્યો. ૫ ૧૪મા વર્ષે કદોરલાઓમેર અને તેની સાથેના ત્રણ રાજાઓએ આશ્તરોથ-કારનાઈમમાં રફાઈઓને, હામમાં ઝુઝીઓને અને શાવેહ-કિર્યાથાઈમમાં એમીઓને+ જીતી લીધા. ૬ તેઓએ સેઈર પહાડ+ પર રહેતા હોરીઓને+ એલપારાનમાં હરાવ્યા, જે વેરાન પ્રદેશની સરહદે છે. ૭ પછી એ ચાર રાજાઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ (કાદેશ)+ આવ્યા. તેઓએ અમાલેકીઓનો+ આખો પ્રદેશ જીતી લીધો અને હાસસોન-તામારમાં+ વસતા અમોરીઓને+ પણ હરાવ્યા.
૮ પછી સદોમનો રાજા લડવા નીકળ્યો. તેની સાથે ગમોરાહનો રાજા, આદમાહનો રાજા, સબોઇમનો રાજા અને બેલાનો (સોઆરનો) રાજા પણ હતો. તેઓએ સિદ્દીમની ખીણમાં આ ચાર રાજાઓ સામે લડવા તૈયારી કરી: ૯ એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ અને એલ્લાસારના+ રાજા આર્યોખ. પછી આ ચાર રાજાઓ અને પેલા પાંચ રાજાઓ વચ્ચે લડાઈ થઈ. ૧૦ સદોમ અને ગમોરાહના રાજાઓ જીવ બચાવવા નાસી છૂટ્યા. ભાગતાં ભાગતાં તેઓ ડામરથી ભરેલા ખાડાઓમાં પડી ગયા, જે સિદ્દીમની ખીણમાં છે. જેઓ બચી ગયા, તેઓ પહાડી પ્રદેશમાં ભાગી ગયા. ૧૧ વિજયી રાજાઓ સદોમ અને ગમોરાહની બધી માલ-મિલકત અને ખોરાક લૂંટીને પોતાને માર્ગે ચાલ્યા ગયા.+ ૧૨ ઇબ્રામનો ભત્રીજો લોત જે સદોમમાં+ રહેતો હતો, તેને પણ તેની માલ-મિલકત સાથે લઈને એ રાજાઓ આગળ વધ્યા.
૧૩ ત્યાંથી નાસી છૂટેલા એક માણસે આવીને એ બધું ઇબ્રામને* જણાવ્યું. એ વખતે ઇબ્રામ મામરે નામના માણસનાં મોટાં મોટાં વૃક્ષો+ પાસે રહેતો હતો.* મામરે અમોરી હતો. એશ્કોલ અને આનેર+ તેના ભાઈઓ હતા. એ ભાઈઓ અને ઇબ્રામ કરારથી બંધાયેલા હતા. ૧૪ ઇબ્રામને જેવી ખબર પડી કે તેના સંબંધી*+ લોતને બંદી બનાવીને લઈ જવામાં આવ્યો છે કે તરત તેને છોડાવવા તે નીકળી પડ્યો. તે પોતાના ઘરમાં જન્મેલા અને યુદ્ધની તાલીમ પામેલા ૩૧૮ દાસોને સાથે લઈને દુશ્મનોને પકડવા દાન+ સુધી ગયો. ૧૫ રાતના સમયે તેણે પોતાના માણસોને ટોળીઓમાં વહેંચી દીધા. તેણે અને તેના દાસોએ દુશ્મનો પર હુમલો કર્યો અને દમસ્કની ઉત્તરે આવેલા હોબાહ સુધી પીછો કરીને તેઓને હરાવ્યા. ૧૬ ઇબ્રામે બધી માલ-મિલકત પાછી મેળવી. તે પોતાના સંબંધી લોતને, તેની માલ-મિલકતને, સ્ત્રીઓને અને બીજા લોકોને પણ છોડાવીને પાછાં લઈ આવ્યો.
૧૭ કદોરલાઓમેર અને તેની સાથેના રાજાઓને હરાવીને ઇબ્રામ પાછો આવ્યો. એ સમયે સદોમનો રાજા શાવેહની ખીણમાં, એટલે કે રાજાની ખીણમાં+ ઇબ્રામને મળવા આવ્યો. ૧૮ શાલેમનો રાજા+ મલ્ખીસદેક+ પણ રોટલી અને દ્રાક્ષદારૂ લઈને ઇબ્રામને મળવા આવ્યો. તે સર્વોચ્ચ ઈશ્વરનો યાજક* હતો.+
૧૯ મલ્ખીસદેકે ઇબ્રામને આશીર્વાદ આપ્યો અને કહ્યું:
“આકાશ અને પૃથ્વીના સર્જનહાર,
સર્વોચ્ચ ઈશ્વરનો આશીર્વાદ ઇબ્રામ પર રહો.
૨૦ સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ થાઓ,
જેમણે તારા દુશ્મનોને તારા હાથમાં સોંપ્યા છે!”
પછી ઇબ્રામે પોતે છોડાવેલી માલ-મિલકતનો દસમો ભાગ* મલ્ખીસદેકને આપ્યો.+
૨૧ સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું: “બધી માલ-મિલકત તું રાખ, પણ લોકો મને પાછા આપી દે.” ૨૨ ઇબ્રામે તેને કહ્યું: “હું આકાશ અને પૃથ્વીના સર્જનહાર, સર્વોચ્ચ ઈશ્વર યહોવા આગળ હાથ ઊંચો કરીને સમ ખાઉં છું કે, ૨૩ જે કંઈ તમારું છે એમાંથી હું કશું જ નહિ લઉં. એક દોરો પણ નહિ લઉં,* જેથી તમે એમ ન કહો કે, ‘મેં ઇબ્રામને ધનવાન બનાવ્યો છે.’ ૨૪ મારા યુવાન માણસોએ જે ખાધું છે એ સિવાય હું કશું જ નહિ લઉં. પણ મારી સાથે આવેલા આનેર, એશ્કોલ અને મામરેને+ તેઓનો ભાગ લેવા દો.”
૧૫ યહોવાએ ઇબ્રામને દર્શનમાં કહ્યું: “ઇબ્રામ, ડરીશ નહિ.+ હું તારી ઢાલ છું.+ હું તને મોટું ઇનામ આપીશ.”+ ૨ ઇબ્રામે કહ્યું: “હે વિશ્વના માલિક* યહોવા, તમારા ઇનામથી મને શો ફાયદો? મને હજી કોઈ બાળક નથી અને દમસ્કનો એલીએઝર+ મારા ઘરનો વારસદાર થવાનો છે.” ૩ પછી તેણે કહ્યું: “તમે મને કોઈ વંશજ આપ્યો નથી+ અને મારા ઘરનો એ સભ્ય* મારો વારસદાર બનવાનો છે.” ૪ પણ યહોવાએ તેને કહ્યું: “એ માણસ તારો વારસદાર નહિ બને. તારો પોતાનો દીકરો તારો વારસદાર બનશે.”+
૫ પછી તે ઇબ્રામને બહાર લાવ્યા અને કહ્યું: “ઉપર આકાશમાં જો અને ગણી શકાય તો તારાઓ ગણ.” પછી તેમણે કહ્યું: “એ અસંખ્ય તારાઓ જેટલા તારા વંશજ થશે.”+ ૬ તેણે યહોવામાં શ્રદ્ધા મૂકી+ અને ઈશ્વરે તેને નેક* ગણ્યો.+ ૭ ઈશ્વરે કહ્યું: “હું યહોવા છું. આ દેશનો વારસો આપવા હું તને ખાલદીઓના ઉરમાંથી બહાર લઈ આવ્યો છું.”+ ૮ ઇબ્રામે કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, મને કઈ રીતે ખબર પડશે કે એ વારસો મને મળશે?” ૯ ઈશ્વરે કહ્યું: “મારા માટે ત્રણ વર્ષની એક ગાય,* ત્રણ વર્ષની એક બકરી, ત્રણ વર્ષનો એક ઘેટો, એક હોલું અને કબૂતરનું એક બચ્ચું લે.” ૧૦ ઇબ્રામે એ બધું લીધું અને તેઓને વચમાંથી ચીરીને બે ભાગ કર્યા. તેણે બંને ભાગોને સામસામે મૂક્યા. પણ તેણે પક્ષીઓને ચીર્યાં નહિ. ૧૧ પછી શિકારી પક્ષીઓ એ મડદાં પર આવવા લાગ્યાં, પણ ઇબ્રામે તેઓને નજીક આવવા ન દીધાં.
૧૨ સૂર્ય આથમવાનો હતો ત્યારે ઇબ્રામ ભરઊંઘમાં પડ્યો. તેના પર ઘોર અને ભયાનક અંધકાર છવાઈ ગયો. ૧૩ ઈશ્વરે ઇબ્રામને કહ્યું: “તું જાણી લે કે તારા વંશજ બીજા દેશમાં પરદેશીઓ તરીકે રહેશે. ત્યાંના લોકો તેઓને ગુલામ બનાવશે અને ૪૦૦ વર્ષ સુધી તેઓ પર જુલમ કરશે.+ ૧૪ પણ તેઓ જે દેશની ગુલામી કરશે એને હું સજા કરીશ.+ તેઓ પુષ્કળ માલ-મિલકત સાથે ત્યાંથી બહાર આવશે.+ ૧૫ તું ઘણું લાંબું જીવીશ અને શાંતિએ મરીશ. તારા બાપદાદાઓની જેમ તને પણ દફનાવવામાં આવશે.+ ૧૬ પણ ચોથી પેઢીમાં તારા વંશજ અહીં પાછા આવશે,+ કેમ કે અમોરીઓને સજા કરવાનો સમય હજી પાક્યો નથી.”+
૧૭ જ્યારે સૂર્ય આથમી ગયો અને ગાઢ અંધારું છવાઈ ગયું, ત્યારે એક ભઠ્ઠી દેખાઈ, જેમાંથી ધુમાડો નીકળતો હતો. પછી એક સળગતી મશાલ મડદાંના ભાગ વચ્ચેથી પસાર થઈ. ૧૮ એ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર+ કર્યો અને કહ્યું: “તારા વંશજને હું આ દેશ આપીશ.+ ઇજિપ્તની નદીથી લઈને છેક મહાનદી યુફ્રેટિસ+ સુધી ૧૯ આ પ્રજાઓના વિસ્તારો આપીશ: કેનીઓ,+ કનિઝ્ઝીઓ, કાદમોનીઓ, ૨૦ હિત્તીઓ,+ પરિઝ્ઝીઓ,+ રફાઈઓ,+ ૨૧ અમોરીઓ, કનાનીઓ, ગિર્ગાશીઓ અને યબૂસીઓ.”+
૧૬ ઇબ્રામની પત્ની સારાયને બાળકો ન હતાં.+ સારાયની હાગાર+ નામે એક દાસી હતી, જે ઇજિપ્તની હતી. ૨ સારાયે ઇબ્રામને કહ્યું: “યહોવાએ મારી કૂખ બંધ કરી દીધી છે. તો તમે મારી આ દાસી સાથે જાતીય સંબંધ બાંધો, કદાચ તેનાથી મને બાળકો મળે.”+ એટલે ઇબ્રામે સારાયની વાત માની. ૩ ઇબ્રામને કનાન દેશમાં દસ વર્ષ થયાં પછી સારાયે પોતાની દાસી હાગાર ઇબ્રામને પત્ની તરીકે આપી. ૪ ઇબ્રામે હાગાર સાથે સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. જ્યારે હાગારને ખબર પડી કે તે મા બનવાની છે, ત્યારે તે પોતાની શેઠાણીને તુચ્છ ગણવા લાગી.
૫ સારાયે ઇબ્રામને કહ્યું: “મારા દુઃખનું કારણ તમે છો! મેં મારી દાસી તમારા હાથમાં સોંપી, પણ જ્યારે તેને ખબર પડી કે તે મા બનવાની છે, ત્યારે તે મને તુચ્છ ગણવા લાગી. હવે યહોવા તમારો અને મારો ન્યાય કરે.” ૬ ઇબ્રામે સારાયને કહ્યું: “જો! તારી દાસી તારા હાથમાં છે. તને ઠીક લાગે એમ કર.” પછી સારાય તેની દાસી સાથે કઠોર રીતે વર્તી. સારાયે તેનું એટલું અપમાન કર્યું કે તે તેની પાસેથી નાસી ગઈ.
૭ પછી યહોવાનો દૂત* હાગારને એક ઝરા પાસે મળ્યો, જે વેરાન પ્રદેશમાં શૂરના+ માર્ગે હતો. ૮ દૂતે કહ્યું: “ઓ હાગાર, સારાયની દાસી, તું ક્યાંથી આવી અને ક્યાં જાય છે?” તેણે કહ્યું: “હું મારી શેઠાણી પાસેથી નાસી આવી છું.” ૯ યહોવાના દૂતે તેને કહ્યું: “તારી શેઠાણી પાસે પાછી જા અને નમ્રભાવે તેને આધીન રહે.” ૧૦ પછી યહોવાના દૂતે કહ્યું: “હું તારા વંશજને એટલા વધારીશ કે તેઓ ગણ્યા ગણાશે નહિ.”+ ૧૧ યહોવાના દૂતે આગળ કહ્યું: “તું ગર્ભવતી છે અને તું દીકરાને જન્મ આપીશ. તું તેનું નામ ઇશ્માએલ* પાડજે, કેમ કે યહોવાએ તારો વિલાપ સાંભળ્યો છે. ૧૨ તે જંગલી ગધેડા* જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ થશે અને દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે. તે તેના બધા ભાઈઓની સાથે નહિ રહે.”*
૧૩ પછી હાગારે યહોવાના નામની સ્તુતિ કરી,* જે તેની સાથે વાત કરી રહ્યા હતા. તેણે કહ્યું: “હે ઈશ્વર, તમે બધું જુઓ છો!”+ તેણે મનમાં આવું વિચારીને એમ કહ્યું હતું કે, “મેં સાચે જ તેમને જોયા છે, જે મને જુએ છે.” ૧૪ એટલે એ કૂવાનું નામ બેર-લાહાય-રોઈ* પડ્યું. (એ કાદેશ અને બેરેદ વચ્ચે છે.) ૧૫ હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો. ઇબ્રામે તેનું નામ ઇશ્માએલ+ પાડ્યું. ૧૬ હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ ૮૬ વર્ષનો હતો.
૧૭ ઇબ્રામ ૯૯ વર્ષનો હતો ત્યારે, યહોવાએ તેની આગળ પ્રગટ થઈને કહ્યું: “હું સર્વશક્તિમાન ઈશ્વર છું. મારા માર્ગોમાં ચાલ અને તારાં કાર્યોમાં નિર્દોષ* રહે. ૨ હું મારી અને તારી વચ્ચે કરાર* કરીશ.+ હું તારા વંશજને ઘણા વધારીશ, હા, પુષ્કળ વધારીશ.”+
૩ ત્યારે ઇબ્રામે ઘૂંટણિયે પડીને ઈશ્વર આગળ માથું નમાવ્યું. ઈશ્વરે કહ્યું: ૪ “જો! મારો કરાર તારી સાથે છે+ અને તું ચોક્કસ ઘણી પ્રજાઓનો પિતા બનીશ.+ ૫ હવેથી તારું નામ ઇબ્રામ* નહિ, પણ ઇબ્રાહિમ* કહેવાશે, કેમ કે હું તને ઘણી પ્રજાઓનો પિતા બનાવીશ. ૬ હું તારાં બાળકોની સંખ્યા ખૂબ વધારીશ. તારામાંથી ઘણી પ્રજાઓ આવશે અને તારા વંશમાંથી રાજાઓ થશે.+
૭ “તારી સાથે અને તારા વંશજ સાથે કાયમ માટે કરેલો કરાર+ હું ચોક્કસ પાળીશ. એ કરાર પ્રમાણે, પેઢી દર પેઢી હું તારો અને તારા વંશજનો ઈશ્વર થઈશ. ૮ તું જ્યાં પરદેશી તરીકે રહે છે+ એ આખો કનાન દેશ હું તને અને તારા વંશજને કાયમ માટે વારસામાં આપીશ અને હું તેઓનો ઈશ્વર થઈશ.”+
૯ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું: “પેઢી દર પેઢી તારે અને તારા વંશજે મારો કરાર પાળવો. ૧૦ તારે અને તારા વંશજે મારો આ કરાર પાળવો: તમારામાંના દરેક પુરુષની સુન્નત*+ થવી જોઈએ. ૧૧ હા, તમારે બધાએ સુન્નત કરવી. એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે.+ ૧૨ તારા કુટુંબકબીલામાં કોઈ છોકરો જન્મે અને તે આઠ દિવસનો થાય ત્યારે તેની સુન્નત કરવી.+ એ બધા પુરુષોની પણ સુન્નત કરવી, જે તારા વંશમાંથી નથી, પણ પરદેશી પાસેથી ખરીદવામાં આવ્યા છે. એ કરાર તમારે પેઢી દર પેઢી પાળવો. ૧૩ તારા ઘરમાં જન્મેલા દરેક પુરુષની અને પરદેશી પાસેથી ખરીદાયેલા દરેક પુરુષની સુન્નત જરૂર કરવી.+ તમારા શરીર પરની એ નિશાની સાબિતી આપશે કે, મેં હંમેશ માટે તમારી સાથે કરાર કર્યો છે. ૧૪ જો કોઈ માણસ સુન્નત ન કરાવે, તો તેને મારી નાખવો,* કેમ કે તેણે મારો કરાર તોડ્યો છે.”
૧૫ પછી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું: “તારી પત્નીને સારાય*+ કહીને ન બોલાવીશ, કેમ કે હવેથી તેનું નામ સારાહ* કહેવાશે. ૧૬ હું તેને આશીર્વાદ આપીશ અને તેનાથી તને એક દીકરો થશે.+ હું સારાહને આશીર્વાદ આપીશ, તેનામાંથી ઘણી પ્રજાઓ અને રાજાઓ* આવશે.” ૧૭ ત્યારે ઇબ્રાહિમે ઘૂંટણિયે પડીને માથું નમાવ્યું. તે હસ્યો અને મનમાં બોલ્યો:+ “શું ૧૦૦ વર્ષના માણસને બાળક થઈ શકે? શું આ ૯૦ વર્ષની સારાહ બાળકને જન્મ આપી શકે?”+
૧૮ ઇબ્રાહિમે સાચા ઈશ્વરને કહ્યું: “તમારો આશીર્વાદ ઇશ્માએલ પર રહે!”+ ૧૯ ઈશ્વરે કહ્યું: “તારી પત્ની સારાહથી તને ચોક્કસ એક દીકરો થશે. તું તેનું નામ ઇસહાક*+ પાડજે. હું તેની સાથે એક કરાર કરીશ. તેના માટે અને તેના વંશજ+ માટે એ કાયમનો કરાર થશે. ૨૦ ઇશ્માએલ વિશેની તારી વિનંતી મેં સાંભળી છે. હું તેને આશીર્વાદ આપીશ અને તેનાં બાળકોની સંખ્યા ખૂબ વધારીશ. તેનામાંથી ૧૨ મુખીઓ પેદા થશે અને હું તેને એક મહાન પ્રજા બનાવીશ.+ ૨૧ પણ હું મારો કરાર ઇસહાક સાથે કરીશ,+ જેને સારાહ આવતા વર્ષે આ સમયે જન્મ આપશે.”+
૨૨ ઇબ્રાહિમ સાથે વાત પૂરી કર્યા પછી ઈશ્વર ત્યાંથી જતા રહ્યા. ૨૩ પછી ઇબ્રાહિમે પોતાના દીકરા ઇશ્માએલની, પોતાના ઘરમાં જન્મેલા બધા પુરુષોની, ખરીદેલા બધા પુરુષોની, એટલે કે ઘરના બધા પુરુષોની એ જ દિવસે સુન્નત કરી. ઈશ્વરે કહ્યું હતું એ જ પ્રમાણે તેણે કર્યું.+ ૨૪ ઇબ્રાહિમની સુન્નત થઈ+ ત્યારે, તે ૯૯ વર્ષનો હતો. ૨૫ તેના દીકરા ઇશ્માએલની સુન્નત થઈ+ ત્યારે, તે ૧૩ વર્ષનો હતો. ૨૬ ઇબ્રાહિમ અને તેના દીકરા ઇશ્માએલની સુન્નત એક જ દિવસે થઈ. ૨૭ તેની સાથે તેના ઘરના બધા પુરુષોની સુન્નત થઈ. હા, તેના ઘરમાં જન્મેલા અને પરદેશી પાસેથી ખરીદાયેલા બધાની સુન્નત થઈ.
૧૮ એક દિવસે ઇબ્રાહિમ તંબુના બારણે બેઠો હતો. બપોરનો સમય હતો અને પુષ્કળ ગરમી હતી. ત્યારે યહોવા+ મામરેનાં મોટાં મોટાં વૃક્ષો+ નજીક ઇબ્રાહિમ આગળ પ્રગટ થયા. ૨ તેણે જોયું તો, થોડે દૂર ત્રણ માણસો ઊભા હતા.+ તે દોડીને તેઓને મળવા ગયો અને જમીન સુધી માથું ટેકવીને નમન કર્યું. ૩ તેણે કહ્યું: “હે યહોવા,* જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મહેરબાની કરીને તમારા સેવક પાસેથી જતા રહેશો નહિ. ૪ મને થોડું પાણી લાવવા દો, તમારા પગ ધોવા દો.+ પછી ઝાડ નીચે આરામ કરો. ૫ તમે તમારા સેવક પાસે આવ્યા છો તો હવે મને થોડી રોટલી લાવવા દો, જેથી એ ખાઈને તમને તાજગી મળે.* પછી તમે તમારા માર્ગે આગળ વધજો.” ત્યારે તેઓએ કહ્યું: “ભલે, તું કહે છે એમ કર.”
૬ ઇબ્રાહિમ ઉતાવળે સારાહ પાસે તંબુમાં ગયો અને તેને કહ્યું: “જલદી કર, ત્રણ માપ* મેંદો લે અને લોટ બાંધીને રોટલી બનાવ.” ૭ પછી ઇબ્રાહિમ ઢોરઢાંક પાસે દોડી ગયો. તેણે એક તાજો-માજો વાછરડો પસંદ કરીને દાસને આપ્યો અને દાસે ફટાફટ એને રાંધ્યો. ૮ ઇબ્રાહિમે માખણ, દૂધ અને રાંધેલો વાછરડો તેઓ આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા ત્યારે તે તેઓની સેવામાં ઝાડ નીચે ઊભો રહ્યો.+
૯ તેઓએ તેને પૂછ્યું: “તારી પત્ની સારાહ+ ક્યાં છે?” તેણે કહ્યું: “અહીં તંબુમાં છે.” ૧૦ તેઓમાંના એકે કહ્યું: “હું આવતા વર્ષે આ સમયે ચોક્કસ પાછો આવીશ અને તારી પત્ની સારાહને એક દીકરો થશે.”+ હવે એ માણસની પાછળ તંબુના બારણે ઊભી ઊભી સારાહ બધું સાંભળતી હતી. ૧૧ ઇબ્રાહિમ અને સારાહ ખૂબ ઘરડાં હતાં.+ સારાહને બાળક થાય એ ઉંમર વીતી ગઈ હતી.*+ ૧૨ એટલે સારાહે મનમાં હસીને કહ્યું: “હું તો ઘરડી થઈ ગઈ છું અને મારા સ્વામી પણ ઘરડા થઈ ગયા છે. હવે આ ઉંમરે મને ક્યાંથી બાળકનું સુખ મળવાનું?”+ ૧૩ યહોવાએ ઇબ્રાહિમને કહ્યું: “સારાહ કેમ હસી? તેણે કેમ કહ્યું, ‘હું તો ઘરડી થઈ ગઈ છું, શું આ ઉંમરે હું બાળકને જન્મ આપીશ?’ ૧૪ શું યહોવા માટે કંઈ અશક્ય છે?+ હું આવતા વર્ષે આ જ સમયે પાછો આવીશ અને સારાહને એક દીકરો થશે.” ૧૫ પણ સારાહે કહ્યું: “હું હસી ન હતી!” તેણે એમ કહ્યું, કેમ કે તે ડરી ગઈ હતી. એ સાંભળીને ઈશ્વરે કહ્યું: “હા, તું હસી હતી.”
૧૬ પછી એ માણસો ત્યાંથી જવા ઊભા થયા. ઇબ્રાહિમ તેઓ સાથે ચાલતો ચાલતો થોડે દૂર સુધી ગયો. ત્યાંથી એ માણસોએ સદોમ+ શહેર જોયું. ૧૭ યહોવાએ કહ્યું: “હું જે કરવાનો છું, એ શા માટે ઇબ્રાહિમથી છુપાવું?+ ૧૮ ઇબ્રાહિમના વંશજ ચોક્કસ એક મહાન અને શક્તિશાળી પ્રજા બનશે. ઇબ્રાહિમથી પૃથ્વીની સર્વ પ્રજાઓ આશીર્વાદ મેળવશે.*+ ૧૯ હું ઇબ્રાહિમને સારી રીતે ઓળખું છું. મને ખાતરી છે, તે પોતાના દીકરાઓને અને તેના વંશજને આજ્ઞા આપશે કે તેઓ યહોવાને માર્ગે ચાલવા સારું કરે અને ન્યાયથી વર્તે.+ પછી હું યહોવા, ઇબ્રાહિમને આપેલું મારું વચન પૂરું કરીશ.”
૨૦ પછી યહોવાએ કહ્યું: “સદોમ અને ગમોરાહ વિરુદ્ધ મોટી ફરિયાદ મારા કાને પડી છે.+ તેઓનું પાપ બહુ મોટું છે.+ ૨૧ હું નીચે ઊતરીને જોઈશ કે જે ફરિયાદ મારા સુધી પહોંચી છે, એવું ખરેખર છે કે નહિ. જો એવું નહિ હોય તોપણ મને ખબર પડશે.”+
૨૨ પછી એ માણસો* ત્યાંથી સદોમ તરફ ગયા, પણ યહોવા+ ઇબ્રાહિમ સાથે રહ્યા. ૨૩ ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું: “શું તમે દુષ્ટોની સાથે સાથે સારા લોકોનો પણ નાશ કરશો?+ ૨૪ જો એ શહેરમાં ૫૦ સારા લોકો હોય, તોપણ તમે બધાનો નાશ કરશો? શું ૫૦ સારા લોકોને લીધે એ શહેરને માફ નહિ કરો? ૨૫ મને ખબર છે, તમે દુષ્ટોની સાથે સારા લોકોનો કદી નાશ નહિ કરો. એવું તો તમે વિચારી પણ ન શકો!+ તમે બંનેની એક જેવી દશા કરો, એવું તો બને જ નહિ.+ શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?”+ ૨૬ યહોવાએ કહ્યું: “જો સદોમમાં ૫૦ સારા લોકો મળે, તો તેઓને લીધે હું આખા શહેરને માફ કરી દઈશ.” ૨૭ ઇબ્રાહિમે ફરી કહ્યું: “હે યહોવા, કૃપા કરીને મારું સાંભળો. હું માટી અને રાખ છું, છતાં તમારી આગળ બોલવાની હિંમત કરું છું. ૨૮ જો શહેરમાં ૫૦ને બદલે ૪૫ સારા લોકો હોય, તો શું પાંચ ઓછા હોવાથી તમે આખા શહેરનો નાશ કરશો?” ત્યારે તેમણે કહ્યું: “જો મને ૪૫ મળે, તોપણ હું એનો નાશ નહિ કરું.”+
૨૯ ઇબ્રાહિમે ફરીથી તેમને કહ્યું: “જો ત્યાં ૪૦ જ મળે તો?” તેમણે કહ્યું: “એ ૪૦ને લીધે હું એ શહેરનો નાશ નહિ કરું.” ૩૦ તેણે ફરી કહ્યું: “હે યહોવા, કૃપા કરીને ગુસ્સે ન થતા,+ પણ મારી વાત સાંભળો, જો ત્યાં ૩૦ જ મળે તો?” તેમણે કહ્યું: “જો મને ત્યાં ૩૦ મળે, તોપણ હું એનો નાશ નહિ કરું.” ૩૧ તેણે ફરી કહ્યું: “હે યહોવા, કૃપા કરીને મારું સાંભળો. મેં તમારી આગળ બોલવાની હિંમત કરી છે. જો ત્યાં ૨૦ જ મળે તો?” તેમણે કહ્યું: “એ ૨૦ને લીધે હું એનો નાશ નહિ કરું.” ૩૨ છેવટે તેણે કહ્યું: “હે યહોવા, કૃપા કરીને ગુસ્સે ન થતા. મને છેલ્લી વાર બોલવા દો, જો ત્યાં દસ જ મળે તો?” તેમણે કહ્યું: “એ દસને લીધે પણ હું એનો નાશ નહિ કરું.” ૩૩ ઇબ્રાહિમ સાથે વાત કર્યા પછી યહોવા ત્યાંથી જતા રહ્યા+ અને ઇબ્રાહિમ પોતાના તંબુમાં પાછો ફર્યો.
૧૯ પેલા બે દૂતો સાંજે સદોમ પહોંચ્યા. એ વખતે લોત સદોમ શહેરના દરવાજે બેઠો હતો. તેઓને જોયા ત્યારે, લોત તેઓને મળવા ગયો અને જમીન સુધી માથું નમાવીને નમન કર્યું.+ ૨ તેણે કહ્યું: “હે મારા માલિકો, અહીં આવો. મહેરબાની કરીને તમારા દાસના ઘરે આવો અને ત્યાં રાત રોકાઓ અને અમને તમારા પગ ધોવા દો. પછી સવારે વહેલા ઊઠીને તમે તમારા માર્ગે આગળ જજો.” તેઓએ કહ્યું: “ના, અમે તો ચોકમાં રાત વિતાવીશું.” ૩ પણ લોતે તેઓને એટલો આગ્રહ કર્યો કે, તેઓ તેના ઘરે ગયા. પછી તેણે તેઓ માટે મિજબાની રાખી અને બેખમીર* રોટલી બનાવી અને તેઓએ ખાધું.
૪ તેઓ સૂઈ જાય એ પહેલાં સદોમના પુરુષોએ, એટલે કે છોકરાથી લઈને વૃદ્ધ, બધાએ ટોળે વળીને લોતના ઘરને ઘેરી લીધું. ૫ તેઓ લોતને બૂમ પાડીને કહેવા લાગ્યા: “તારા ઘરે જે માણસો રાત રોકાવા આવ્યા છે તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ, જેથી અમે તેઓ સાથે જાતીય સંબંધ બાંધીએ.”+
૬ એટલે લોત બહાર ગયો અને તેણે ઘરનું બારણું બંધ કર્યું. ૭ તેણે કહ્યું: “મારા ભાઈઓ, મહેરબાની કરીને એવું દુષ્ટ કામ ન કરો. ૮ સાંભળો, મારે બે કુંવારી દીકરીઓ છે અને તેઓએ ક્યારેય કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી. તમે કહો તો હું તેઓને બહાર લઈ આવું. પછી તમને ઠીક લાગે તેમ તેઓ સાથે કરજો. પણ આ માણસોને કંઈ ન કરો, કેમ કે તેઓ મારી છત નીચે આશરો* લેવા આવ્યા છે.”+ ૯ શહેરના પુરુષોએ કહ્યું: “ખસી જા!” તેઓ કહેવા લાગ્યા: “આ પરદેશી અહીં એકલો રહેવા આવ્યો છે, તેની હિંમત તો જુઓ, તે આપણો ન્યાય કરવા બેઠો છે! હવે અમે તારા હાલ એ માણસોથી પણ વધારે ખરાબ કરીશું.” તેઓ લોત પર ધસી આવ્યા અને બારણું તોડવા આગળ વધ્યા. ૧૦ એટલે લોતના ઘરે આવેલા બે માણસોએ* હાથ લંબાવીને તેને ઘરમાં ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું. ૧૧ તેઓએ ઘરના બારણે ઊભેલા બધા પુરુષોને, નાનાથી લઈને મોટા સુધી બધાને આંધળા કરી નાખ્યા. એ પુરુષો બારણું શોધતાં શોધતાં થાકી ગયા.
૧૨ એ માણસોએ* લોતને કહ્યું: “શું અહીંયા તારું બીજું કોઈ સગું છે? તારાં બધાં સગાઓ, તારા જમાઈઓ, તારા દીકરાઓ અને તારી દીકરીઓને આ શહેરમાંથી બહાર લઈ જા! ૧૩ અમે આ શહેરનો નાશ કરવાના છીએ, કેમ કે યહોવાએ આ શહેર વિરુદ્ધ મોટી ફરિયાદ સાંભળી છે.+ યહોવાએ અમને આ શહેરનો નાશ કરવા મોકલ્યા છે.” ૧૪ તેથી લોત બહાર ગયો અને તેના જમાઈઓને* કહેવા લાગ્યો: “ઊઠો, અહીંથી બહાર નીકળો, કેમ કે યહોવા આ શહેરનો નાશ કરવાના છે!” પણ લોતના જમાઈઓને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે.+
૧૫ વહેલી સવારે દૂતોએ લોતને ઉતાવળ કરવા જણાવ્યું. તેઓએ કહ્યું: “ઊઠ! તારી પત્ની અને બે દીકરીઓને લઈને નીકળી જા, જેથી આ શહેરને એનાં પાપની સજા મળે ત્યારે તારો નાશ ન થાય.”+ ૧૬ લોત ઢીલ કરી રહ્યો હતો. પણ યહોવાની કરુણા તેના પર હતી,+ એટલે એ માણસો તેનો, તેની પત્નીનો અને તેની બે દીકરીઓનો હાથ પકડીને તેઓને શહેર બહાર લઈ આવ્યા.+ ૧૭ ત્યાં પહોંચીને તેઓમાંથી એક માણસે કહ્યું: “તમારો જીવ બચાવવા નાસી જાઓ! પાછળ વળીને જોતા નહિ.+ આ પ્રદેશની કોઈ પણ જગ્યાએ ઊભા રહેતા નહિ.+ પહાડી વિસ્તારમાં નાસી જાઓ, જેથી તમારો નાશ ન થાય.”
૧૮ લોતે તેઓને કહ્યું: “હે યહોવા, કૃપા કરીને ત્યાં નહિ. ૧૯ તમે મારા પર કૃપા કરી છે. મારા પર દયા* કરીને મારો જીવ બચાવ્યો છે.+ પણ હું પહાડી વિસ્તાર સુધી નાસી જઈ શકતો નથી. મને ડર છે કે ત્યાં પહોંચતા પહેલાં જ મારા પર આફત આવી પડશે અને હું મરી જઈશ.+ ૨૦ જુઓ, આ નગર નજીકમાં છે અને હું ત્યાં નાસી જઈ શકું છું. એ નાનું જ નગર છે. શું હું ત્યાં નાસી જાઉં? ત્યાં જવાથી મારો જીવ બચી જશે.” ૨૧ તેણે લોતને કહ્યું: “ઠીક છે. તારી વિનંતી મેં સાંભળી છે.+ તું કહે છે એ નગરનો હું નાશ નહિ કરું.+ ૨૨ હવે ઉતાવળ કર! ત્યાં નાસી જા, કેમ કે તું ત્યાં નહિ પહોંચે ત્યાં સુધી, હું કંઈ કરી નહિ શકું.”+ એટલે એ નગરનું નામ સોઆર*+ પડ્યું.
૨૩ લોત સોઆર પહોંચ્યો ત્યારે સૂર્ય ઊગ્યો હતો. ૨૪ પછી યહોવાએ સદોમ અને ગમોરાહ પર ગંધક અને અગ્નિ વરસાવ્યાં. એ આકાશમાંથી, હા, યહોવા પાસેથી આવ્યાં.+ ૨૫ તેમણે એ શહેરોનો નાશ કર્યો. તેમણે આખા પ્રદેશનો, એ શહેરોમાં રહેતા બધા લોકોનો અને બધી વનસ્પતિનો સર્વનાશ કર્યો.+ ૨૬ એ સમયે લોતની પત્ની તેની પાછળ ચાલી રહી હતી. પણ તેણે પાછળ વળીને જોયું અને તે મીઠાનો થાંભલો બની ગઈ.+
૨૭ ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને અગાઉ જે જગ્યાએ તે યહોવા આગળ ઊભો હતો ત્યાં ગયો.+ ૨૮ તેણે સદોમ અને ગમોરાહ તથા આખા પ્રદેશ તરફ જોયું તો, ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડાની જેમ એ પ્રદેશમાંથી ધુમાડાના ગોટેગોટા ઉપર ચઢતા હતા.+ ૨૯ એટલે એ શહેરોનો નાશ કરતા પહેલાં ઈશ્વરે ઇબ્રાહિમની વિનંતી યાદ રાખીને લોતને બચાવ્યો. લોત રહેતો હતો એ શહેરોનો નાશ કરતાં પહેલાં તેને ત્યાંથી બહાર કાઢ્યો.+
૩૦ લોતને સોઆરમાં રહેતા ડર લાગતો હતો.+ એટલે તે પોતાની બે દીકરીઓ સાથે ત્યાંથી નીકળીને પહાડી પ્રદેશમાં રહેવા ગયો.+ ત્યાં તે પોતાની બે દીકરીઓ સાથે ગુફામાં રહ્યો. ૩૧ એક દિવસે મોટી દીકરીએ નાની દીકરીને કહ્યું: “આપણા પિતા વૃદ્ધ થયા છે અને આ પ્રદેશમાં કોઈ પુરુષ નથી, જેની સાથે આપણે રિવાજ પ્રમાણે લગ્ન કરી શકીએ. ૩૨ ચાલ, આપણે પિતાને દ્રાક્ષદારૂ પિવડાવીએ અને તેમની સાથે સૂઈ જઈએ. આમ આપણા પિતાથી તેમનો વંશવેલો ચાલુ રહે.”
૩૩ એ રાતે તેઓએ પિતાને ખૂબ દ્રાક્ષદારૂ પિવડાવ્યો. પછી મોટી દીકરી જઈને પિતા સાથે સૂઈ ગઈ. પણ લોતને જાણ ન થઈ કે તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી. ૩૪ બીજા દિવસે મોટી દીકરીએ નાની દીકરીને કહ્યું: “ગઈ કાલે રાતે હું પિતા સાથે સૂઈ ગઈ હતી. ચાલ, આજે પણ આપણે તેમને દ્રાક્ષદારૂ પિવડાવીએ. પછી તું જઈને તેમની સાથે સૂઈ જજે. આમ આપણા પિતાથી તેમનો વંશવેલો ચાલુ રહે.” ૩૫ એ રાતે પણ તેઓએ પિતાને ખૂબ દ્રાક્ષદારૂ પિવડાવ્યો. પછી નાની દીકરી જઈને પિતા સાથે સૂઈ ગઈ. પણ લોતને જાણ ન થઈ કે તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી. ૩૬ આમ લોતની બંને દીકરીઓ પોતાના પિતાથી ગર્ભવતી થઈ. ૩૭ મોટી દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ મોઆબ+ પાડ્યું. તે મોઆબીઓનો પૂર્વજ છે.+ ૩૮ નાની દીકરીએ પણ એક દીકરાને જન્મ આપ્યો અને તેણે તેનું નામ બેન-આમ્મી પાડ્યું. તે આમ્મોનીઓનો+ પૂર્વજ છે.
૨૦ હવે ઇબ્રાહિમ પોતાના તંબુઓ ઉઠાવીને+ નેગેબ તરફ ગયો. તે કાદેશ+ અને શૂર+ વચ્ચે રહેવા લાગ્યો. તે ગેરારમાં+ રહેતો હતો* ત્યારે, ૨ પોતાની પત્ની સારાહ વિશે કહેતો: “તે મારી બહેન છે.”+ તેથી ગેરારના રાજા અબીમેલેખે* સારાહને બોલાવીને પોતાની પાસે રાખી લીધી.+ ૩ રાતે અબીમેલેખના સપનામાં ઈશ્વરે આવીને કહ્યું: “જે સ્ત્રી તેં પોતાની પાસે રાખી છે તેના લીધે તું ચોક્કસ માર્યો જશે,+ કેમ કે તે બીજા કોઈની પત્ની છે.”+ ૪ પણ અબીમેલેખ હજી સારાહને અડક્યો ન હતો.* એટલે તેણે કહ્યું: “હે યહોવા, શું તમે એ શહેરનો નાશ કરશો, જે ખરેખર નિર્દોષ* છે? ૫ શું ઇબ્રાહિમે મને એમ કહ્યું ન હતું, ‘તે મારી બહેન છે’? શું સારાહે પણ એમ કહ્યું ન હતું, ‘તે મારો ભાઈ છે’? મેં જે પણ કર્યું એ સાફ દિલથી કર્યું છે, મારો કોઈ ખોટો ઇરાદો ન હતો.” ૬ પછી સાચા ઈશ્વરે તેને સપનામાં કહ્યું: “હું જાણું છું કે તેં એ સાફ દિલથી કર્યું છે. એટલે મેં તને મારી વિરુદ્ધ પાપ કરતા અટકાવ્યો છે અને તને સારાહને અડકવા પણ દીધો નથી. ૭ હવે એ માણસને તેની પત્ની પાછી આપી દે, કેમ કે તે પ્રબોધક* છે.+ તે તારા માટે કાલાવાલા કરશે+ અને તું જીવતો રહેશે. પણ જો તું એ સ્ત્રીને પાછી નહિ આપે, તો તું ચોક્કસ માર્યો જશે! હા, તું અને તારા સર્વ લોકો માર્યા જશો!”
૮ અબીમેલેખ વહેલી સવારે ઊઠ્યો અને તેણે બધા ચાકરોને બોલાવીને બધું કહી સંભળાવ્યું. એ સાંભળીને તેઓ ખૂબ ગભરાઈ ગયા. ૯ પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું: “આ તેં શું કર્યું છે? મેં તારી વિરુદ્ધ કયો ગુનો કર્યો છે? તું કેમ મને અને મારા રાજ્યને આવા મોટા પાપમાં નાખવાનો હતો? તેં જે કર્યું છે, એ બરાબર નથી.” ૧૦ અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું: “એમ કરવા પાછળ તારો શો ઇરાદો હતો?”+ ૧૧ ઇબ્રાહિમે કહ્યું: “મને થયું કે અહીંયા કોઈને ઈશ્વરનો ડર નથી અને મારી પત્નીને લીધે તેઓ મને મારી નાખશે.+ ૧૨ અને સાચું કહું તો તે મારી બહેન જ છે. અમારા પિતા એક છે, પણ મા અલગ અલગ છે. પછી મેં તેની સાથે લગ્ન કર્યું.+ ૧૩ જ્યારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડીને મુસાફરી કરવા જણાવ્યું,+ ત્યારે મેં સારાહને કહ્યું: ‘આપણે જ્યાં પણ જઈએ, ત્યાં તું મારા વિશે કહેજે, “તે મારો ભાઈ છે.”+ આમ તું મારા પ્રત્યે વફાદારી* બતાવજે.’”
૧૪ પછી અબીમેલેખે ઘેટાં, ઢોરઢાંક અને દાસ-દાસીઓ લઈને ઇબ્રાહિમને આપ્યાં. તેની પત્ની સારાહ પણ તેને પાછી આપી. ૧૫ અબીમેલેખે કહ્યું: “મારો આખો દેશ તારી આગળ છે. તને જ્યાં સારું લાગે ત્યાં રહે.” ૧૬ તેણે સારાહને કહ્યું: “હું તારા ભાઈને ચાંદીના ૧,૦૦૦ ટુકડા આપું છું.+ તારા ઘરના અને બીજા બધા માટે એ નિશાની છે કે તારી આબરૂ પર કોઈ આંચ આવી નથી અને તું નિર્દોષ છે.”* ૧૭ પછી ઇબ્રાહિમે સાચા ઈશ્વરને કાલાવાલા કર્યા. ઈશ્વરે અબીમેલેખને, તેની પત્નીને અને તેની દાસીઓને સાજાં કર્યાં અને તેઓને બાળકો થવા લાગ્યાં. ૧૮ કેમ કે ઇબ્રાહિમની પત્ની સારાહને લીધે યહોવાએ અબીમેલેખના ઘરની બધી સ્ત્રીઓને વાંઝણી કરી દીધી હતી.*+
૨૧ યહોવાએ કહ્યું હતું તેમ તેમણે સારાહ પર ધ્યાન આપ્યું. યહોવાએ પોતાના વચન પ્રમાણે સારાહ માટે કર્યું.+ ૨ સારાહ ગર્ભવતી થઈ.+ ઈશ્વરે વચન આપ્યું હતું તેમ ઠરાવેલા સમયે સારાહે ઇબ્રાહિમના ઘડપણમાં તેને દીકરો આપ્યો.+ ૩ ઇબ્રાહિમે સારાહથી જન્મેલા દીકરાનું નામ ઇસહાક પાડ્યું.+ ૪ ઇસહાક આઠ દિવસનો થયો ત્યારે, ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ઇબ્રાહિમે તેની સુન્નત કરી.+ ૫ ઇસહાકનો જન્મ થયો ત્યારે ઇબ્રાહિમ ૧૦૦ વર્ષનો હતો. ૬ સારાહે કહ્યું: “ઈશ્વરે મને હસતાં હસતાં જીવવાનું કારણ આપ્યું છે. જે કોઈ એ વિશે સાંભળશે, તે મારી સાથે હસશે.”* ૭ તેણે એ પણ કહ્યું: “એવું કોણે વિચાર્યું હતું કે ઇબ્રાહિમની પત્ની સારાહ બાળકોને ધવડાવશે? પણ જુઓ, મેં તેમના ઘડપણમાં તેમને એક દીકરો આપ્યો છે!”
૮ હવે ઇસહાક મોટો થયો. તેણે ધાવણ છોડ્યું એ દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની રાખી. ૯ ઇજિપ્તની દાસી હાગારથી+ ઇબ્રાહિમને જે દીકરો થયો હતો, તે ઇસહાકની મશ્કરી કરતો હતો.+ સારાહ એ બધું જોતી હતી. ૧૦ તેણે ઇબ્રાહિમને કહ્યું: “આ દાસીને અને તેના દીકરાને અહીંથી કાઢી મૂકો. કેમ કે એ દાસીનો દીકરો મારા દીકરા ઇસહાક સાથે વારસદાર નહિ થાય!”+ ૧૧ સારાહે ઇશ્માએલ વિશે જે કહ્યું એનાથી ઇબ્રાહિમને બહુ ખોટું લાગ્યું.+ ૧૨ પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું: “એ છોકરા વિશે અને તારી દાસી વિશે સારાહ તને જે કહે છે, એનાથી ખોટું ના લગાડીશ. તેનું સાંભળ, કેમ કે વચન પ્રમાણે તારો વંશજ ઇસહાકથી ગણાશે.+ ૧૩ એ દાસીના દીકરાથી+ હું એક પ્રજા ઉત્પન્ન કરીશ,+ કેમ કે તે પણ તારો વંશજ છે.”
૧૪ સવારે વહેલા ઊઠીને ઇબ્રાહિમે રોટલી અને પાણીની મશક* લઈને હાગારને આપી. તેણે એ બધું હાગારના ખભા પર મૂક્યું અને તેને છોકરા સાથે ત્યાંથી રવાના કરી.+ હાગાર ત્યાંથી નીકળી અને બેર-શેબાના+ વેરાન પ્રદેશમાં ભટકતી રહી. ૧૫ આખરે મશકનું પાણી ખતમ થઈ ગયું અને તેણે છોકરાને એક ઝાડવા નીચે છોડી દીધો. ૧૬ તે ત્યાંથી ગઈ અને થોડે દૂર* જઈને બેઠી. તેણે કહ્યું: “હું મારા દીકરાને મરતો નહિ જોઈ શકું.” પછી તે પોક મૂકીને રડવા લાગી.
૧૭ હાગારનો છોકરો પણ રડતો હતો. ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો+ અને ઈશ્વરના દૂતે હાગારને આકાશમાંથી બૂમ પાડીને કહ્યું:+ “હાગાર, શું થયું? ગભરાઈશ નહિ, કેમ કે ઈશ્વરે છોકરાનો અવાજ સાંભળ્યો છે. ૧૮ ઊઠ, છોકરાને ઊભો કર અને તેને સહારો આપ, કેમ કે તેનામાંથી હું એક મોટી પ્રજા ઉત્પન્ન કરીશ.”+ ૧૯ પછી ઈશ્વરે હાગારને એક કૂવો દેખાડ્યો. તે ત્યાં ગઈ અને મશકમાં પાણી ભરીને છોકરાને પિવડાવ્યું. ૨૦ ઈશ્વર એ છોકરાની+ સાથે હતા. તે મોટો થઈને વેરાન પ્રદેશમાં રહ્યો અને તીરંદાજ બન્યો. ૨૧ તે પારાનના વેરાન પ્રદેશમાં+ રહેવા લાગ્યો. પછી તેની માએ ઇજિપ્ત દેશની સ્ત્રી સાથે તેને પરણાવ્યો.
૨૨ એ સમયે, અબીમેલેખ પોતાના સેનાપતિ ફીકોલને લઈને ઇબ્રાહિમ પાસે ગયો. અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું: “તું જે કરે છે, એ બધામાં ઈશ્વર તારી સાથે છે.+ ૨૩ હવે મારી આગળ ઈશ્વરના સમ ખા કે તું મને, મારા વંશજને અને આવનાર પેઢીઓને દગો નહિ દે. જેમ મેં તને પ્રેમ* બતાવ્યો છે, તેમ તું મને અને તું રહે છે એ દેશને પ્રેમ બતાવીશ.”+ ૨૪ ઇબ્રાહિમે કહ્યું: “હું સમ ખાઉં છું.”
૨૫ અબીમેલેખના ચાકરોએ એક કૂવો જુલમથી છીનવી લીધો હતો.+ એટલે ઇબ્રાહિમે અબીમેલેખને એ વિશે ફરિયાદ કરી. ૨૬ અબીમેલેખે કહ્યું: “મને ખબર નથી એવું કોણે કર્યું છે. એ વિશે તેં પણ મને કશું કહ્યું નહિ. આજે જ મને એ વિશે ખબર પડી.” ૨૭ ત્યારે ઇબ્રાહિમે અબીમેલેખને ઘેટાં અને ઢોરઢાંક આપ્યાં અને તેઓ બંનેએ કરાર કર્યો. ૨૮ જ્યારે ઇબ્રાહિમે ટોળામાંથી ઘેટાંનાં સાત માદા બચ્ચાં અલગ કર્યાં, ૨૯ ત્યારે અબીમેલેખે ઇબ્રાહિમને પૂછ્યું: “તેં શા માટે ઘેટાંનાં આ સાત બચ્ચાં અલગ કર્યાં?” ૩૦ ઇબ્રાહિમે કહ્યું: “તમે મારા હાથે આ સાત બચ્ચાં લો. એ સાક્ષીરૂપ થશે કે આ કૂવો મેં ખોદ્યો છે.” ૩૧ પછી તેણે એ જગ્યાનું નામ બેર-શેબા* પાડ્યું,+ કેમ કે ત્યાં તેઓ બંનેએ સમ ખાધા હતા. ૩૨ આમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો.+ અબીમેલેખ અને સેનાપતિ ફીકોલ ત્યાંથી નીકળીને પલિસ્તીઓના દેશમાં પાછા ગયા.+ ૩૩ પછી ઇબ્રાહિમે બેર-શેબામાં એશેલ વૃક્ષ વાવ્યું અને ત્યાં તેણે સનાતન ઈશ્વર+ યહોવાના નામની સ્તુતિ કરી.*+ ૩૪ ઇબ્રાહિમ લાંબા સમય* સુધી પલિસ્તીઓના દેશમાં રહ્યો.*+
૨૨ પછી સાચા ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી.+ તેમણે કહ્યું: “ઇબ્રાહિમ!” તેણે જવાબ આપ્યો: “હા, પ્રભુ!” ૨ તેમણે કહ્યું: “તારો એકનો એક દીકરો ઇસહાક,+ જેને તું ખૂબ પ્રેમ કરે છે+ તેને લઈને મોરિયા દેશ+ જા. હું જે પહાડ તને બતાવું એના પર તારા દીકરાનું અગ્નિ-અર્પણ ચઢાવ.”
૩ ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને ગધેડા પર જીન બાંધ્યું. તેણે અગ્નિ-અર્પણ માટે લાકડાં ચીર્યાં. પછી બે ચાકરો અને ઇસહાકને લઈને તે સાચા ઈશ્વરે બતાવેલી જગ્યાએ જવા નીકળ્યો. ૪ ત્રીજા દિવસે ઇબ્રાહિમને દૂરથી એ જગ્યા નજરે પડી. ૫ ઇબ્રાહિમે પોતાના ચાકરોને કહ્યું: “તમે અહીં ગધેડા પાસે રહો, પણ હું અને મારો દીકરો ત્યાં જઈએ. અમે ત્યાં ભક્તિ કરીને પાછા આવીશું.”
૬ ઇબ્રાહિમે અગ્નિ-અર્પણ માટે લાકડાં લીધાં અને ઇસહાકના ખભે મૂક્યાં. તેણે હાથમાં અગ્નિ અને છરો લીધા અને તેઓ બંને આગળ વધ્યા. ૭ પછી ઇસહાકે ઇબ્રાહિમને કહ્યું: “પિતાજી!” ઇબ્રાહિમે જવાબ આપ્યો: “હા, બેટા!” ઇસહાકે પૂછ્યું: “અગ્નિ અને લાકડાં તો છે, પણ અગ્નિ-અર્પણ માટે ઘેટું ક્યાં છે?” ૮ ઇબ્રાહિમે કહ્યું: “બેટા, અગ્નિ-અર્પણ માટે ઈશ્વર પોતે ઘેટું+ પૂરું પાડશે.” પછી તેઓ બંને આગળ વધ્યા.
૯ આખરે તેઓ સાચા ઈશ્વરે બતાવેલી જગ્યાએ આવી પહોંચ્યા. ઇબ્રાહિમે ત્યાં એક વેદી બાંધી અને એના પર લાકડાં ગોઠવ્યાં. પછી દીકરા ઇસહાકના હાથ-પગ બાંધીને તેને વેદી પરનાં લાકડાં ઉપર સુવડાવ્યો.+ ૧૦ પછી ઇબ્રાહિમે હાથ લાંબો કરીને છરો લીધો. તે પોતાના દીકરાને મારી નાખવાનો હતો,+ ૧૧ એવામાં યહોવાના દૂતે આકાશમાંથી બૂમ પાડીને તેને કહ્યું: “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” તેણે જવાબ આપ્યો: “હા, પ્રભુ!” ૧૨ દૂતે કહ્યું: “છોકરાને કંઈ ઈજા કરતો નહિ. તેને કશું જ કરતો નહિ. હવે મને ખાતરી થઈ છે કે તું ઈશ્વરનો ડર રાખે છે. કેમ કે તેં તારા દીકરાને, હા, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી.”+ ૧૩ ત્યારે ઇબ્રાહિમે નજર ઉઠાવીને જોયું તો થોડે દૂર એક ઘેટો હતો. એનાં શિંગડાં ગીચ ઝાડીમાં ફસાઈ ગયાં હતાં. ઇબ્રાહિમ ત્યાં જઈને એ ઘેટાને લઈ આવ્યો અને પોતાના દીકરાને બદલે એનું અગ્નિ-અર્પણ ચઢાવ્યું. ૧૪ ઇબ્રાહિમે એ જગ્યાનું નામ યહોવા-યિરેહ* પાડ્યું. એટલે જ આજ સુધી કહેવાય છે: “યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે.”+
૧૫ યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર બૂમ પાડીને ઇબ્રાહિમને બોલાવ્યો ૧૬ અને કહ્યું: “યહોવા જણાવે છે, ‘તેં તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી.+ તારા આ કામને લીધે હું મારા સમ ખાઈને કહું છું કે,+ ૧૭ હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ. હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી અને સમુદ્ર કિનારાની રેતી જેટલી વધારીશ+ અને તારા વંશજ પોતાના દુશ્મનોનાં શહેરોને* કબજે કરશે.+ ૧૮ તારા વંશજથી+ પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે,* કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.’”+
૧૯ ઇબ્રાહિમ પોતાના ચાકરો પાસે પાછો ગયો અને તેઓ બધા બેર-શેબા પાછા ફર્યા. પછી ઇબ્રાહિમ બેર-શેબામાં+ જ રહ્યો.
૨૦ થોડા સમય પછી ઇબ્રાહિમને સમાચાર મળ્યા: “તારા ભાઈ નાહોરને+ તેની પત્ની મિલ્કાહથી દીકરાઓ થયા છે. ૨૧ પહેલો જન્મેલો ઉસ, તેનો ભાઈ બૂઝ, કમુએલ (અરામનો પિતા), ૨૨ કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.”+ ૨૩ ઇબ્રાહિમના ભાઈ નાહોરને મિલ્કાહથી એ આઠ દીકરાઓ થયા. બથુએલને રિબકા નામે એક દીકરી થઈ.+ ૨૪ નાહોરને તેની ઉપપત્ની રઉમાહથી આ દીકરાઓ થયા: ટેબાહ, ગાહામ, તાહાશ અને માખાહ.
૨૩ સારાહ ૧૨૭ વર્ષ જીવી.+ ૨ પછી કનાન દેશના+ કિર્યાથ-આર્બામાં,+ એટલે કે હેબ્રોનમાં+ તેનું મરણ થયું. ઇબ્રાહિમે તેના માટે શોક પાળ્યો અને તે બહુ રડ્યો. ૩ પછી ઇબ્રાહિમ પોતાની પત્નીના શબ પાસેથી ઊઠ્યો અને તેણે હેથના દીકરાઓને કહ્યું:+ ૪ “હું તમારી વચ્ચે એક પરદેશી અને પ્રવાસી છું.+ કૃપા કરીને મને તમારી જમીનમાંથી થોડી જમીન આપો, જેથી હું મારી પત્નીને ત્યાં દફનાવું.” ૫ ત્યારે હેથના દીકરાઓએ ઇબ્રાહિમને કહ્યું: ૬ “સાહેબ, અમારું સાંભળો. તમે અમારી વચ્ચે ઈશ્વરના પસંદ કરેલા મુખી* છો.+ જે જગ્યા તમને સૌથી સારી લાગે, ત્યાં તમારી પત્નીને દફનાવો. તમારી પત્નીને દફનાવવા અમારામાંથી કોઈ પણ માણસ પોતાની જમીન આપવાની ના નહિ પાડે.”
૭ ઇબ્રાહિમે ઊઠીને એ દેશના લોકોને, એટલે કે હેથના દીકરાઓને નમન કર્યું.+ ૮ તેણે કહ્યું: “જો તમે સહમત હો કે હું મારી પત્નીને અહીં દફનાવું, તો મારું આટલું સાંભળો. સોહારના દીકરા એફ્રોનને અરજ કરો કે, ૯ તે મને માખ્પેલાહની ગુફા તમારા દેખતાં વેચે, જે તેની માલિકીની છે. એ ગુફા તેની જમીનને છેડે આવેલી છે. મને જણાવો કે એ જમીન ખરીદવા મારે કેટલી ચાંદી આપવી પડશે.+ હું એ પૂરેપૂરી કિંમત ચૂકવવા તૈયાર છું, જેથી એ મારી માલિકીની થાય અને હું એને દફનાવવાની જગ્યા તરીકે વાપરી શકું.”+
૧૦ હેથના દીકરાઓની વચ્ચે જ એફ્રોન બેઠો હતો. એફ્રોન હિત્તીએ હેથના દીકરાઓ અને જેઓ શહેરના દરવાજે હાજર હતા,+ તેઓના સાંભળતા ઇબ્રાહિમને કહ્યું: ૧૧ “મારા સાહેબ! મારું સાંભળો. હું તમને આખી જમીન અને એમાંની ગુફા બંને આપું છું. મારા લોકોની હાજરીમાં હું તમને આપું છું. તમારી પત્નીને ત્યાં દફનાવો.” ૧૨ ત્યારે ઇબ્રાહિમે એ લોકોને નમન કર્યું ૧૩ અને તેઓના સાંભળતા એફ્રોનને કહ્યું: “જરા મારી વાત સાંભળ. હું એ જમીનની પૂરેપૂરી કિંમત, એટલે કે જેટલી ચાંદી થાય એટલી તને ચૂકવીશ. મારી પાસેથી એ લે, જેથી હું મારી પત્નીને ત્યાં દફનાવું.”
૧૪ ત્યારે એફ્રોને ઇબ્રાહિમને કહ્યું: ૧૫ “મારા સાહેબ, એ જમીનની કિંમત ૪૦૦ શેકેલ* ચાંદી છે, પણ એ મહત્ત્વનું નથી. તમે તમારી પત્નીને ત્યાં દફનાવો.” ૧૬ ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું. એફ્રોને હેથના દીકરાઓના સાંભળતા જે કિંમત જણાવી હતી, એટલી કિંમત ઇબ્રાહિમે ચૂકવી. તેણે વેપારીઓના ચલણ પ્રમાણે ૪૦૦ શેકેલ* ચાંદી તોળી આપી.+ ૧૭ આ રીતે નક્કી થયું કે, મામરે નજીક માખ્પેલાહમાં આવેલી એફ્રોનની જમીન, એની ગુફા અને એની હદમાં આવેલાં વૃક્ષો ૧૮ ઇબ્રાહિમની માલિકીના થાય. હેથના દીકરાઓ અને જેઓ શહેરના દરવાજે હાજર હતા એ બધાની હાજરીમાં એ નક્કી થયું. ૧૯ ત્યાર પછી ઇબ્રાહિમે પોતાની પત્ની સારાહને માખ્પેલાહની ગુફામાં દફનાવી. એ ગુફા કનાન દેશના મામરે, એટલે કે હેબ્રોન નજીક છે. ૨૦ આમ હેથના દીકરાઓએ એ જમીન અને એમાંની ગુફા ઇબ્રાહિમના નામે કરી. એ ઇબ્રાહિમની માલિકીની થઈ, જેથી તે એને દફનાવવાની જગ્યા તરીકે વાપરી શકે.+
૨૪ હવે ઇબ્રાહિમ બહુ ઘરડો થયો હતો, તેની ઉંમર ઢળી ચૂકી હતી. યહોવાએ તેને બધી રીતે આશીર્વાદ આપ્યો હતો.+ ૨ ઇબ્રાહિમના ઘરમાં એક ચાકર હતો. તે ઉંમરમાં સૌથી મોટો હતો અને બધો કારભાર સંભાળતો હતો.+ ઇબ્રાહિમે તેને કહ્યું: “મારી જાંઘ નીચે તારો હાથ મૂક* ૩ અને આકાશ તથા પૃથ્વીના ઈશ્વર યહોવા આગળ સમ ખા કે, તું મારા દીકરાને કનાની સ્ત્રી સાથે નહિ પરણાવે, જેઓના દેશમાં હું રહું છું.+ ૪ એને બદલે, તું મારા દેશમાં મારાં સગાં-વહાલાં પાસે જા+ અને ત્યાંથી મારા દીકરા ઇસહાક માટે પત્ની લઈ આવ.”
૫ ચાકરે તેને કહ્યું: “જો એ સ્ત્રી મારી સાથે અહીં આવવા રાજી ન હોય, તો શું હું તમારા દીકરાને ત્યાં લઈ જાઉં?”+ ૬ ઇબ્રાહિમે કહ્યું: “ના, મારા દીકરાને ત્યાં લઈ જતો નહિ.+ ૭ સ્વર્ગના ઈશ્વર યહોવા મને મારા પિતાના ઘરમાંથી અને મારાં સગાં-વહાલાંના દેશમાંથી બહાર લઈ આવ્યા છે.+ તેમણે મારી સાથે વાત કરીને આ સમ ખાધા છે:+ ‘તારા વંશજને+ હું આ દેશ આપવાનો છું.’+ તે તને માર્ગદર્શન આપવા પોતાનો દૂત મોકલશે+ અને તને મારા દેશમાંથી મારા દીકરા માટે પત્ની જરૂર મળશે.+ ૮ જો તે સ્ત્રી અહીં આવવા રાજી ન હોય, તો તું મારા સમથી મુક્ત થશે. પણ તું મારા દીકરાને ત્યાં લઈ જતો નહિ.” ૯ ત્યારે ચાકરે પોતાના માલિક ઇબ્રાહિમની જાંઘ નીચે હાથ મૂકીને સમ ખાધા કે તે એવું જ કરશે.+
૧૦ ચાકરે પોતાના માલિક પાસેથી અનેક કીમતી ચીજવસ્તુઓ લીધી અને માલિકના દસ ઊંટો લઈને ત્યાંથી વિદાય લીધી. પછી નાહોર શહેર જવા તેણે મેસોપોટેમિયાનો રસ્તો પકડ્યો. ૧૧ છેવટે તે શહેર નજીક આવી પહોંચ્યો. તેણે ઊંટોને કૂવા નજીક બેસાડ્યાં. એ સાંજનો સમય હતો અને સ્ત્રીઓ પાણી ભરવા કૂવા પાસે આવતી હતી. ૧૨ તેણે કહ્યું: “હે યહોવા, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, કૃપા કરીને આજે મને સફળતા અપાવજો અને આમ મારા માલિકને અતૂટ પ્રેમ બતાવજો. ૧૩ હું અહીં કૂવા પાસે ઊભો છું અને આ શહેરની દીકરીઓ પાણી ભરવા આવી રહી છે. ૧૪ એમાંથી એક સ્ત્રીને હું કહીશ, ‘કુંજો ઉતારીને મને પાણી આપ.’ જો એ સ્ત્રી કહે, ‘લો, પાણી પીઓ અને હું તમારાં ઊંટોને પણ પાઈશ,’ તો મને ખબર પડશે કે એ સ્ત્રીને તમે તમારા સેવક ઇસહાક માટે પસંદ કરી છે. એમ મને ખાતરી કરાવો કે તમે મારા માલિકને અતૂટ પ્રેમ બતાવ્યો છે.”
૧૫ હજુ તો તે મનમાં બોલી રહ્યો હતો એટલામાં રિબકા પોતાના ખભા પર કુંજો લઈને ત્યાં આવી. રિબકા બથુએલની દીકરી હતી.+ બથુએલ મિલ્કાહ+ અને નાહોરનો+ દીકરો હતો. નાહોર ઇબ્રાહિમનો ભાઈ હતો. ૧૬ રિબકા ખૂબ જ સુંદર અને કુંવારી હતી. તેણે કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે ગઈ અને પોતાના કુંજામાં પાણી ભરીને પાછી આવી. ૧૭ ચાકર તરત જ તેને મળવા દોડી ગયો અને તેને કહ્યું: “તારા કુંજામાંથી મને થોડું પાણી પા.” ૧૮ રિબકાએ કહ્યું: “લો મારા માલિક, પાણી પીઓ.” તેણે તરત જ ખભા પરથી કુંજો ઉતારીને તેને પાણી પિવડાવ્યું. ૧૯ તે પાણી પી રહ્યો ત્યારે રિબકાએ કહ્યું: “તમારાં ઊંટો પી રહે ત્યાં સુધી હું તેઓને પણ પાઈશ.” ૨૦ તેણે ઉતાવળે કુંજો હવાડામાં ખાલી કર્યો. અને બધાં ઊંટો પી રહ્યાં ત્યાં સુધી તે વારંવાર કૂવાએ દોડી જઈને પાણી ભરી લાવી. ૨૧ એ બધો સમય તે ચાકર આશ્ચર્યથી તેને જોતો રહ્યો. તે વિચારતો રહ્યો કે, યહોવાએ તેની મુસાફરી સફળ કરી છે કે નહિ.
૨૨ ઊંટો પાણી પી રહ્યાં પછી, ચાકરે અડધા શેકેલ* વજનની સોનાની એક નથણી અને દસ શેકેલ* વજનની સોનાની બે બંગડીઓ તેને આપી. ૨૩ તેણે રિબકાને પૂછ્યું: “તું કોની દીકરી છે? શું તારા પિતાના ઘરમાં રાત રોકાવા માટે જગ્યા છે?” ૨૪ તેણે કહ્યું: “હું બથુએલની દીકરી છું.+ તે મિલ્કાહ અને નાહોરના દીકરા છે.”+ ૨૫ તેણે એ પણ કહ્યું: “અમારા ઘરે રાત રોકાવાની જગ્યા છે અને ઊંટો માટે ઘાસચારો પણ છે.” ૨૬ ત્યારે તે ચાકરે યહોવા આગળ જમીન સુધી માથું નમાવ્યું ૨૭ અને કહ્યું: “મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ, કેમ કે તમે મારા માલિક સાથે અતૂટ પ્રેમ અને વફાદારીથી વર્તવાનું છોડ્યું નથી. યહોવા મને મારા માલિકના ભાઈઓના ઘર સુધી લઈ આવ્યા છે.”
૨૮ તે યુવાન સ્ત્રી દોડીને ગઈ અને તેણે પોતાની મા તથા બીજા કુટુંબીજનોને એ વિશે જણાવ્યું. ૨૯ હવે રિબકાને લાબાન નામે એક ભાઈ હતો.+ લાબાન એ ચાકરને મળવા કૂવા પાસે દોડી ગયો. ૩૦ તે ચાકર હજી પોતાનાં ઊંટો સાથે કૂવા પાસે ઊભો હતો. લાબાન તેને મળવા દોડીને ગયો, કેમ કે તેણે પોતાની બહેન રિબકા પાસે નથણી અને તેના હાથમાં બંગડીઓ જોઈ હતી. તેણે રિબકાના મોંએ આ શબ્દો પણ સાંભળ્યા હતા, “એ માણસે મને આમ આમ કહ્યું.” ૩૧ લાબાને એ ચાકરને કહ્યું: “હે યહોવાના સેવક, તમારા પર તેમનો આશીર્વાદ છે. તમે કેમ બહાર ઊભા છો? મારા ઘરે ચાલો, મેં તમારા માટે રહેવાની વ્યવસ્થા કરી છે. તમારા ઊંટો માટે પણ જગ્યા તૈયાર કરી છે.” ૩૨ પછી તે લાબાનની સાથે ઘરમાં ગયો. તેણે* ઊંટો પરથી સામાન ઉતાર્યો અને તેઓને ઘાસચારો આપ્યો. ચાકર અને તેની સાથે આવેલા માણસોને પગ ધોવા પાણી આપ્યું. ૩૩ ચાકરની આગળ ખાવાનું પીરસવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું: “પહેલા મને મારી વાત કહેવા દો, પછી જ હું ખાઈશ.” લાબાને કહ્યું: “હા, જણાવો.”
૩૪ તેણે કહ્યું: “હું ઇબ્રાહિમનો ચાકર છું.+ ૩૫ યહોવાએ મારા માલિકને ખૂબ આશીર્વાદ આપ્યો છે. તેમને પુષ્કળ ઘેટાં, ઢોરઢાંક, ઊંટો, ગધેડાં, સોનું-ચાંદી અને દાસ-દાસીઓ આપીને ખૂબ ધનવાન કર્યા છે.+ ૩૬ એટલું જ નહિ, મારા માલિકની પત્ની સારાહે ઘડપણમાં એક દીકરાને જન્મ આપ્યો છે+ અને મારા માલિક તેને વારસામાં બધું આપવાના છે.+ ૩૭ મારા માલિકે મને સમ ખવડાવીને કહ્યું છે: ‘તું મારા દીકરાને કનાની સ્ત્રી સાથે ન પરણાવતો, જેઓના દેશમાં હું રહું છું.+ ૩૮ એને બદલે, તું મારા પિતાના ઘરે, મારા કુટુંબ પાસે જા+ અને ત્યાંથી મારા દીકરા માટે પત્ની લઈ આવ.’+ ૩૯ પણ મેં મારા માલિકને પૂછ્યું: ‘જો એ સ્ત્રી મારી સાથે અહીં આવવા રાજી ન હોય તો?’+ ૪૦ તેમણે મને કહ્યું: ‘જે યહોવાને હું ભજું છું,+ તે પોતાનો દૂત તારી સાથે મોકલશે+ અને તારી મુસાફરી ચોક્કસ સફળ કરશે. તું મારા કુટુંબમાંથી, મારા પિતાના ઘરમાંથી મારા દીકરા માટે પત્ની લઈ આવ.+ ૪૧ જો તું મારા કુટુંબ પાસે જાય અને તેઓ એ સ્ત્રી તને ન આપે, તો તું સમથી મુક્ત થશે.’+
૪૨ “આજે હું કૂવા પાસે આવ્યો ત્યારે મેં કહ્યું: ‘હે યહોવા, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જો તમે મારી મુસાફરી સફળ કરવાના હો, ૪૩ તો આવું થવા દો. હું અહીં કૂવા પાસે ઊભો છું. જે સ્ત્રી+ પાણી ભરવા આવે તેને હું કહીશ, “તારા કુંજામાંથી મને થોડું પાણી પા.” ૪૪ જો તે મને કહે, “તમે પાણી પીઓ અને હું તમારાં ઊંટોને પણ પાઈશ,” તો મને ખબર પડશે કે, યહોવાએ મારા માલિકના દીકરા માટે એ સ્ત્રીને પસંદ કરી છે.’+
૪૫ “હજુ તો હું મારા મનમાં બોલી રહ્યો હતો એટલામાં, રિબકા પોતાના ખભા પર કુંજો લઈને ત્યાં આવી અને કૂવા પાસે જઈને પાણી ભરવા લાગી. મેં તેને કહ્યું: ‘કૃપા કરીને મને થોડું પાણી પા.’+ ૪૬ તેણે તરત જ ખભા પરથી કુંજો ઉતારીને કહ્યું: ‘લો, પાણી પીઓ+ અને હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ પછી મેં પાણી પીધું અને તેણે મારાં ઊંટોને પણ પિવડાવ્યું. ૪૭ મેં તેને પૂછ્યું: ‘તું કોની દીકરી છે?’ તેણે કહ્યું: ‘હું બથુએલની દીકરી છું. તે મિલ્કાહ અને નાહોરના દીકરા છે.’ તેથી મેં તેના નાકમાં નથણી અને હાથમાં બંગડીઓ પહેરાવી.+ ૪૮ પછી મેં યહોવા આગળ જમીન સુધી માથું નમાવ્યું અને મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર યહોવાની સ્તુતિ કરી.+ કેમ કે તે મને સાચા માર્ગે લઈ આવ્યા, જેથી હું મારા માલિકના દીકરા માટે તેમના ભાઈની દીકરી પસંદ કરી શકું. ૪૯ જો તમે મારા માલિકને અતૂટ પ્રેમ અને વફાદારી બતાવવા માંગતા હો, તો મને કહો. જો એમ ન હોય તોપણ મને કહો, જેથી મારે આગળ શું કરવું એની મને ખબર પડે.”*+
૫૦ લાબાન અને બથુએલે કહ્યું: “આ વાત યહોવા પાસેથી છે, તો હા કે ના પાડનાર અમે કોણ?* ૫૧ આ રહી રિબકા, તેને તમારી સાથે લઈ જાઓ. જેમ યહોવાએ કહ્યું છે તેમ તે તમારા માલિકના દીકરાની પત્ની બને.” ૫૨ ઇબ્રાહિમના ચાકરે એ સાંભળ્યું ત્યારે, તેણે યહોવા આગળ જમીન સુધી માથું નમાવીને તેમનો આભાર માન્યો. ૫૩ તે ચાકરે રિબકાને સોના-ચાંદીની વસ્તુઓ અને કપડાં આપ્યાં. તેના ભાઈને અને તેની માને પણ કીમતી ચીજવસ્તુઓ આપી. ૫૪ પછી ચાકર અને તેની સાથેના માણસોએ ખાધું-પીધું અને ત્યાં રાત વિતાવી.
ચાકરે સવારે ઊઠીને કહ્યું: “મને મારા માલિક પાસે પાછો જવા દો.” ૫૫ રિબકાનાં ભાઈએ અને માએ કહ્યું: “અમારી દીકરીને અમારી સાથે દસેક દિવસ રહેવા દો. પછી તે ભલે જતી.” ૫૬ પણ ચાકરે કહ્યું: “જુઓ, યહોવાએ મારી મુસાફરી સફળ કરી છે. એટલે મને રોકશો નહિ. મને જવા દો, જેથી હું મારા માલિક પાસે જાઉં.” ૫૭ તેઓએ કહ્યું: “ચાલો, રિબકાને જ બોલાવીને પૂછીએ.” ૫૮ તેઓએ રિબકાને બોલાવીને પૂછ્યું: “શું તું આમની સાથે જઈશ?” તેણે કહ્યું: “હા, હું જઈશ.”
૫૯ તેઓએ પોતાની બહેન રિબકા,+ તેની દાઈ,*+ ઇબ્રાહિમના ચાકર અને તેના માણસોને વિદાય આપી. ૬૦ તેઓએ રિબકાને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “અમારી બહેન, તારા વંશજની સંખ્યા લાખો ને લાખો થાઓ.* તારો વંશજ પોતાના દુશ્મનોનાં શહેરો* કબજે કરે.”+ ૬૧ પછી રિબકા અને તેની દાસીઓ જઈને ઊંટ પર બેઠી અને તે ચાકરની પાછળ ગઈ. રિબકાને લઈને ચાકરે ત્યાંથી વિદાય લીધી.
૬૨ હવે ઇસહાક નેગેબ દેશમાં રહેતો હતો.+ બેર-લાહાય-રોઈથી પાછા ફરતી વખતે+ ૬૩ તે મનન કરવા+ મેદાની વિસ્તારમાં ગયો. એ સાંજનો વખત હતો. તેણે નજર ઉઠાવીને જોયું તો ઊંટો આવી રહ્યાં હતાં. ૬૪ રિબકાએ ઇસહાકને જોયો ત્યારે, તે તરત ઊંટ પરથી ઊતરી ગઈ. ૬૫ તેણે ચાકરને પૂછ્યું: “આપણને મળવા જે માણસ આવે છે તે કોણ છે?” ચાકરે તેને કહ્યું: “તે મારા માલિક છે.” ત્યારે તેણે ઓઢણીથી પોતાનું માથું ઢાંક્યું. ૬૬ ચાકરે ઇસહાકને જે કંઈ બન્યું હતું એ બધું જણાવ્યું. ૬૭ પછી ઇસહાક રિબકાને પોતાની મા સારાહના તંબુમાં લાવ્યો+ અને તેની સાથે લગ્ન કર્યું. ઇસહાક તેના પ્રેમમાં પડ્યો+ અને પોતાની માના મરણથી થયેલા દુઃખમાં તેને દિલાસો મળ્યો.+
૨૫ ઇબ્રાહિમે ફરી લગ્ન કર્યું અને એ સ્ત્રીનું નામ કટૂરાહ હતું. ૨ સમય જતાં, તેને ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન,+ યિશ્બાક અને શૂઆહ+ થયા.
૩ યોકશાનથી શેબા અને દદાન થયા.
દદાનના દીકરાઓ આશૂર, લટુશ અને લઉમ હતા.*
૪ મિદ્યાનના દીકરાઓ એફાહ, એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ હતા.
એ બધા કટૂરાહના દીકરાઓ હતા.
૫ પછી ઇબ્રાહિમે પોતાની બધી માલ-મિલકત ઇસહાકને આપી.+ ૬ પણ તેણે ઉપપત્નીઓથી થયેલા દીકરાઓને ભેટ-સોગાદો આપી. તેણે પોતાની હયાતીમાં એ દીકરાઓને ઇસહાકથી દૂર મોકલી દીધા.+ એ દીકરાઓને પૂર્વના દેશમાં મોકલી દીધા. ૭ ઇબ્રાહિમ ૧૭૫ વર્ષ જીવ્યો. ૮ તે ખૂબ લાંબું અને સંતોષકારક જીવન જીવ્યો. પછી તેનું મરણ થયું અને તેને તેના બાપદાદાઓની જેમ દફનાવવામાં આવ્યો.* ૯ તેના દીકરાઓ ઇસહાક અને ઇશ્માએલે તેને મામરે નજીક માખ્પેલાહની ગુફામાં દફનાવ્યો.+ એ ગુફા હિત્તી સોહારના દીકરા એફ્રોનની જમીનમાં હતી. ૧૦ એ જમીન ઇબ્રાહિમે હેથના દીકરાઓ પાસેથી ખરીદી હતી. ત્યાં ઇબ્રાહિમને તેની પત્ની સારાહ સાથે દફનાવવામાં આવ્યો.+ ૧૧ ઇબ્રાહિમના મરણ પછી પણ ઈશ્વર તેના દીકરા ઇસહાકને આશીર્વાદ આપતા રહ્યા.+ ઇસહાક બેર-લાહાય-રોઈ+ નજીક રહેતો હતો.
૧૨ ઇશ્માએલ વિશે આ અહેવાલ છે.+ ઇશ્માએલ ઇબ્રાહિમનો દીકરો હતો, જે તેને સારાહની દાસી હાગારથી+ થયો હતો. હાગાર ઇજિપ્તની હતી.
૧૩ ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમ જન્મેલો નબાયોથ,+ પછી કેદાર,+ આદબએલ, મિબ્સામ,+ ૧૪ મિશ્મા, દૂમાહ, માસ્સા, ૧૫ હદાદ, તેમા, યટૂર, નાફીશ અને કેદમાહ. ૧૬ આ ઇશ્માએલના દીકરાઓ હતા. તેઓનાં નામ પરથી તેઓનાં ગામ અને તેઓની છાવણીનાં* નામ પડ્યાં. એ ૧૨ દીકરાઓ પોતપોતાનાં કુટુંબોના મુખીઓ હતા.+ ૧૭ ઇશ્માએલ ૧૩૭ વર્ષ જીવ્યો. પછી તેનું મરણ થયું અને તેને તેના બાપદાદાઓની જેમ દફનાવવામાં આવ્યો.* ૧૮ ઇશ્માએલના વંશજો હવીલાહ+ વિસ્તારથી લઈને છેક આશ્શૂર સુધી વસ્યા. હવીલાહ શૂરની+ નજીક હતું અને શૂર ઇજિપ્તની નજીક હતું. ઇશ્માએલના વંશજો પોતાના બધા ભાઈઓની આસપાસ રહેતા હતા.*+
૧૯ ઇબ્રાહિમના દીકરા ઇસહાક વિશે આ અહેવાલ છે.+
ઇબ્રાહિમથી ઇસહાક થયો. ૨૦ ઇસહાકે રિબકા સાથે લગ્ન કર્યું ત્યારે, તે ૪૦ વર્ષનો હતો. રિબકા બથુએલની દીકરી+ અને લાબાનની બહેન હતી. તેઓ પાદ્દાનારામમાં રહેતા અરામીઓ હતા. ૨૧ ઇસહાકની પત્ની રિબકા વાંઝણી હતી. તે રિબકા માટે યહોવાને વારંવાર આજીજી કરતો હતો. યહોવાએ ઇસહાકની આજીજી સાંભળી અને રિબકા ગર્ભવતી થઈ. ૨૨ તેના ગર્ભમાં દીકરાઓ એકબીજા સાથે લડવા લાગ્યા+ ત્યારે, તેણે કહ્યું: “જો મારે આમ જ દુઃખ સહેવાનું હોય, તો મરી જવું વધારે સારું!” પછી તેણે યહોવાને એનું કારણ પૂછ્યું. ૨૩ યહોવાએ રિબકાને કહ્યું: “તારા ગર્ભમાં બે પ્રજાઓ છે.+ તારામાંથી બે પ્રજાઓ અલગ થશે.+ એક પ્રજા બીજી કરતાં બળવાન થશે+ અને મોટો દીકરો નાના દીકરાનો દાસ થશે.”+
૨૪ બાળકોને જન્મ આપવાનો સમય આવ્યો ત્યારે, તેના ગર્ભમાં જોડિયાં બાળકો હતાં. ૨૫ પહેલો દીકરો બહાર આવ્યો તે એકદમ લાલ દેખાતો હતો. તેના શરીરે એટલી રુવાંટી હતી જાણે તેણે રુવાંટીવાળું કપડું પહેર્યું ન હોય!+ એટલે તેઓએ તેનું નામ એસાવ*+ પાડ્યું. ૨૬ પછી તેનો ભાઈ બહાર આવ્યો. તેણે એસાવની એડી પકડી રાખી હતી,+ એટલે તેનું નામ યાકૂબ* પડ્યું.+ રિબકાએ તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક ૬૦ વર્ષનો હતો.
૨૭ પછી છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી બન્યો.+ તે જંગલમાં ફરતો હતો. પણ યાકૂબ સીધો-સાદો* હતો અને તંબુઓમાં રહેતો હતો.+ ૨૮ ઇસહાક એસાવને પ્રેમ કરતો હતો, કેમ કે એસાવ તેના માટે શિકાર કરીને માંસ લાવતો હતો. પણ રિબકા યાકૂબને પ્રેમ કરતી હતી.+ ૨૯ એકવાર યાકૂબ દાળ બનાવી રહ્યો હતો. એવામાં એસાવ જંગલમાંથી પાછો ફર્યો. તે ખૂબ થાકેલો-પાકેલો હતો. ૩૦ તેણે યાકૂબને કહ્યું: “તું જે લાલ દાળ બનાવી રહ્યો છે, એમાંથી થોડી મને આપ. જલદી કર! હું ભૂખે મરું છું.”* એટલે તે અદોમ* તરીકે પણ ઓળખાયો.+ ૩૧ યાકૂબે કહ્યું: “પહેલા તું મને પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો તારો હક* વેચી દે.”+ ૩૨ એસાવે કહ્યું: “હું મરવા પડ્યો છું! તો પ્રથમ જન્મેલાનો હક મારા શું કામનો?” ૩૩ યાકૂબે કહ્યું: “ના, પહેલા તું સમ ખા.” એસાવે સમ ખાધા અને પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો પોતાનો હક યાકૂબને વેચી દીધો.+ ૩૪ પછી યાકૂબે એસાવને રોટલી અને દાળ આપી. તેણે ખાધું-પીધું અને ઊઠીને ચાલ્યો ગયો. આમ એસાવે પ્રથમ જન્મેલા દીકરા તરીકેના પોતાના હકને તુચ્છ ગણ્યો.
૨૬ ઇબ્રાહિમના સમયમાં પડ્યો હતો એવો જ ભારે દુકાળ આ દેશમાં પડ્યો.+ એટલે ઇસહાક ગેરારમાં પલિસ્તીઓના રાજા અબીમેલેખ પાસે ગયો. ૨ યહોવાએ ઇસહાક આગળ પ્રગટ થઈને કહ્યું: “ઇજિપ્ત જતો નહિ. જે દેશ હું તને બતાવું ત્યાં રહેજે. ૩ તું આ દેશમાં હમણાં પરદેશી તરીકે રહે.+ હું હંમેશાં તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજને આ આખો વિસ્તાર આપીશ.+ તારા પિતા ઇબ્રાહિમ આગળ ખાધેલા આ સમ હું જરૂર પૂરા કરીશ:+ ૪ ‘હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી વધારીશ.+ હું તારા વંશજને આ આખો વિસ્તાર આપીશ.+ તારા વંશજથી પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે.’*+ ૫ એ સમ હું ચોક્કસ પૂરા કરીશ, કેમ કે ઇબ્રાહિમે મારી વાત સાંભળી હતી અને મારા કહ્યા પ્રમાણે કર્યું હતું. તેણે મારી આજ્ઞાઓ, મારા કાયદા-કાનૂન અને મારા નિયમો પણ પાળ્યાં હતાં.”+ ૬ એટલે ઇસહાક ગેરારમાં રહ્યો.+
૭ રિબકા ખૂબ જ સુંદર હતી.+ એટલે એ દેશના માણસો ઇસહાકને તેની પત્ની વિશે પૂછતા ત્યારે, તે આમ કહેતા ડરતો કે, “તે મારી પત્ની છે.” તેને થતું, “રિબકાને લીધે અહીંના લોકો મને મારી નાખશે.” એટલે તે કહેતો, “તે મારી બહેન છે.”+ ૮ એક દિવસ પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીમાંથી બહાર જોયું તો, ઇસહાક પોતાની પત્ની રિબકાને વહાલ* કરી રહ્યો હતો.+ ૯ અબીમેલેખે તરત જ ઇસહાકને બોલાવીને કહ્યું: “એ તો તારી પત્ની છે! તો પછી તેં કેમ કહ્યું કે તે તારી બહેન છે?” ઇસહાકે કહ્યું: “મને ડર હતો કે તેના લીધે હું માર્યો જઈશ, એટલે મેં એમ કહ્યું.”+ ૧૦ અબીમેલેખે કહ્યું: “અમારી સાથે તેં આ શું કર્યું?+ તને ખબર છે, મારા લોકોમાંથી કોઈ તારી પત્ની સાથે ખોટું કરી બેઠું હોત, તારા લીધે અમને પાપનો દોષ લાગ્યો હોત!”+ ૧૧ પછી અબીમેલેખે બધા લોકોને હુકમ કર્યો: “જે કોઈ આ માણસને અને તેની પત્નીને અડકશે, તે ચોક્કસ માર્યો જશે!”
૧૨ ઇસહાકે એ દેશમાં વાવણી કરી. એ જ વર્ષે તેણે જે વાવ્યું હતું એનું ૧૦૦ ગણું લણ્યું, કેમ કે યહોવા તેને આશીર્વાદ આપતા હતા.+ ૧૩ ઇસહાકની માલ-મિલકત વધતી ને વધતી ગઈ અને તે ખૂબ ધનવાન થયો. ૧૪ તે પુષ્કળ ઘેટાં, ઢોરઢાંક અને દાસ-દાસીઓનો માલિક બન્યો.+ એટલે પલિસ્તીઓ તેની અદેખાઈ કરવા લાગ્યા.
૧૫ પછી પલિસ્તીઓએ એ કૂવા માટીથી પૂરી દીધા, જે તેના પિતા ઇબ્રાહિમે ખોદાવ્યા હતા.+ ૧૬ અબીમેલેખે ઇસહાકને કહ્યું: “તું અમારી પાસેથી દૂર જતો રહે, કેમ કે તું અમારા કરતાં ઘણો બળવાન થયો છે.” ૧૭ તેથી ઇસહાક ત્યાંથી નીકળી ગયો. તેણે ગેરારની ખીણમાં તંબુ નાખ્યો+ અને ત્યાં રહેવા લાગ્યો. ૧૮ ઇસહાકે પોતાના પિતાના સમયમાં ખોદાયેલા કૂવાઓ ફરીથી ખોદી કાઢ્યા. કેમ કે ઇબ્રાહિમના મરણ પછી એ કૂવાઓ પલિસ્તીઓએ પૂરી દીધા હતા.+ તેના પિતાએ કૂવાઓનાં જે નામ પાડ્યાં હતાં, એ જ નામ તેણે પાડ્યાં.+
૧૯ ઇસહાકના ચાકરો ગેરારની ખીણમાં એક કૂવો ખોદતા હતા ત્યારે, જમીનની અંદર વહેતું ચોખ્ખા પાણીનું ઝરણું મળી આવ્યું. ૨૦ એટલે ગેરારના ભરવાડો આમ કહીને ઇસહાકના ભરવાડો સાથે ઝઘડવા લાગ્યા: “એ પાણી અમારું છે!” તેથી ઇસહાકે એ કૂવાનું નામ એસેક* પાડ્યું, કેમ કે તેઓ તેની સાથે ત્યાં ઝઘડ્યા હતા. ૨૧ ઇસહાકના ચાકરોએ બીજો એક કૂવો ખોદ્યો. એના માટે પણ ઝઘડો થયો. તેથી ઇસહાકે એનું નામ સિટનાહ* પાડ્યું. ૨૨ પછી ઇસહાક ત્યાંથી નીકળી ગયો અને તેણે બીજો એક કૂવો ખોદ્યો. પણ આ વખતે ઝઘડો થયો નહિ. તેથી તેણે એનું નામ રહોબોથ* પાડ્યું અને કહ્યું: “હવે યહોવાએ આપણને પુષ્કળ જગ્યા આપી છે અને આપણને આબાદ કર્યા છે.”+
૨૩ પછી તે ત્યાંથી બેર-શેબા ગયો.+ ૨૪ એ રાતે યહોવા તેની આગળ પ્રગટ થયા અને તેને કહ્યું: “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું.+ તું ગભરાઈશ નહિ,+ હું તારી સાથે છું. મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારા વંશજની સંખ્યા પુષ્કળ વધારીશ.”+ ૨૫ તેથી ઇસહાકે ત્યાં એક વેદી બાંધી અને યહોવાના નામની સ્તુતિ કરી.*+ તેણે ત્યાં પોતાનો તંબુ નાખ્યો+ અને તેના સેવકોએ ત્યાં એક કૂવો ખોદ્યો.
૨૬ પછી અબીમેલેખ ગેરારથી ઇસહાક પાસે આવ્યો. તે પોતાના સલાહકાર અહુઝાથ અને સેનાપતિ ફીકોલને પણ સાથે લેતો આવ્યો.+ ૨૭ ઇસહાકે તેઓને કહ્યું: “તમે મને ધિક્કારતા હતા અને મને દૂર મોકલી દીધો હતો, તો હવે મારી પાસે કેમ આવ્યા છો?” ૨૮ તેઓએ કહ્યું: “અમે સાફ સાફ જોયું છે કે યહોવા તારી સાથે છે.+ અમે તારી સાથે સમ ખાઈને કરાર કરવા માંગીએ છીએ,+ ૨૯ જેમ અમે તને નુકસાન પહોંચાડ્યું નથી, તેમ તું પણ અમને કંઈ નુકસાન ન પહોંચાડતો. તું જાણે છે કે અમે તારું ભલું જ કર્યું છે અને તને શાંતિએ વિદાય કર્યો છે. અમે જાણીએ છીએ કે, તારા પર યહોવાનો આશીર્વાદ છે.” ૩૦ પછી ઇસહાકે તેઓ માટે મિજબાની રાખી અને તેઓએ ખાધું-પીધું. ૩૧ સવારે વહેલા ઊઠીને તેઓ બંનેએ સમ ખાધા.+ ઇસહાકે તેઓને વિદાય આપી અને તેઓ શાંતિથી ગયા.
૩૨ એ દિવસે ઇસહાકના ચાકરો આવ્યા અને તેઓએ જે કૂવો ખોદ્યો હતો+ એ વિશે ઇસહાકને કહ્યું: “અમને પાણી મળ્યું છે!” ૩૩ તેથી ઇસહાકે એનું નામ શિબાહ પાડ્યું. એટલે એ શહેર આજ સુધી બેર-શેબા+ તરીકે ઓળખાય છે.
૩૪ એસાવ ૪૦ વર્ષનો હતો ત્યારે, તેણે હિત્તી સ્ત્રીઓ યહૂદીથ અને બાસમાથ સાથે લગ્ન કર્યાં.+ યહૂદીથનો પિતા બએરી અને બાસમાથનો પિતા એલોન હતો. ૩૫ એ સ્ત્રીઓએ ઇસહાક અને રિબકાનું જીવન દુઃખોથી* ભરી દીધું હતું.+
૨૭ ઇસહાક ઘણો વૃદ્ધ થયો હતો. તેની આંખો એટલી નબળી પડી ગઈ હતી કે તેને બરાબર દેખાતું પણ ન હતું. તેણે પોતાના મોટા દીકરા એસાવને+ બોલાવીને કહ્યું: “મારા દીકરા.” તેણે કહ્યું: “બોલો પિતાજી!” ૨ ઇસહાકે કહ્યું: “હવે હું ઘરડો થયો છું અને કેટલું જીવીશ એ હું જાણતો નથી. ૩ હમણાં જ તારાં તીર-કામઠાં લઈને જંગલમાં જા અને મારા માટે શિકાર કરી લાવ.+ ૪ મને ભાવે એવું સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને લઈ આવ, જેથી હું એ ખાઉં અને મરતા પહેલાં તને આશીર્વાદ આપું.”
૫ ઇસહાક પોતાના દીકરા એસાવ સાથે વાત કરતો હતો ત્યારે, રિબકા બધું સાંભળતી હતી. એસાવ શિકાર કરવા જંગલમાં ગયો ત્યારે,+ ૬ રિબકાએ યાકૂબને કહ્યું:+ “મેં હમણાં જ તારા પિતાને તારા ભાઈ એસાવ સાથે વાત કરતા સાંભળ્યા. ૭ તે એસાવને કહેતા હતા, ‘મારા માટે શિકાર કરીને સ્વાદિષ્ટ ભોજન બનાવ, જેથી હું એ ખાઉં અને મરતા પહેલાં યહોવા આગળ તને આશીર્વાદ આપું.’+ ૮ હવે તું ધ્યાનથી મારું સાંભળ અને હું કહું એમ કર.+ ૯ ટોળામાંથી બકરીનાં સૌથી સારાં બે બચ્ચાં મારી પાસે લઈ આવ, જેથી હું તારા પિતાને ભાવે છે એવું સ્વાદિષ્ટ ભોજન બનાવું. ૧૦ એને તારા પિતા પાસે લઈ જજે, જેથી તે ખાઈને મરતા પહેલાં તને આશીર્વાદ આપે.”
૧૧ યાકૂબે પોતાની મા રિબકાને કહ્યું: “મારા ભાઈ એસાવને આખા શરીરે વાળ છે,+ પણ મારી ચામડી તો સુંવાળી છે. ૧૨ જો મારા પિતા મને અડકશે, તો તેમને હકીકત ખબર પડી જશે.+ તેમને લાગશે કે હું તેમની મશ્કરી કરું છું. આમ મને આશીર્વાદ નહિ, પણ શ્રાપ મળશે.” ૧૩ રિબકાએ તેને કહ્યું: “તારો શ્રાપ મને લાગે. તું બસ એ કર, જે હું તને કહું છું. જા અને મારા માટે બકરીનાં બચ્ચાં લઈ આવ.”+ ૧૪ એટલે તે ગયો અને બકરીનાં બચ્ચાં લાવીને પોતાની માને આપ્યાં. તેની માએ તેના પિતાને ભાવે છે એવું સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું. ૧૫ પછી રિબકાએ ઘરમાંથી મોટા દીકરા એસાવનાં સૌથી સારાં કપડાં લઈને નાના દીકરા યાકૂબને પહેરાવ્યાં.+ ૧૬ તેણે બકરીનાં બચ્ચાંની ચામડી લઈને યાકૂબના હાથ પર અને ગળાના સુંવાળા ભાગ પર લગાવી.+ ૧૭ પછી તેણે રોટલી અને સ્વાદિષ્ટ ભોજન યાકૂબના હાથમાં આપ્યું.+
૧૮ યાકૂબે પિતા પાસે જઈને કહ્યું: “પિતાજી!” ઇસહાકે કહ્યું: “બેટા, તું કોણ છે?” ૧૯ તેણે કહ્યું: “હું એસાવ છું, તમારો પ્રથમ જન્મેલો દીકરો.+ તમે કહ્યું હતું એમ જ મેં કર્યું છે. હવે બેઠા થાઓ અને હું જે શિકાર કરીને લાવ્યો છું એ ખાઓ. પછી મને આશીર્વાદ આપો.”+ ૨૦ ઇસહાકે કહ્યું: “તને આટલો જલદી શિકાર કઈ રીતે મળ્યો?” તેણે કહ્યું: “તમારા ઈશ્વર યહોવાએ મને એ લાવી આપ્યો.” ૨૧ પછી ઇસહાકે યાકૂબને કહ્યું: “બેટા, મારી નજીક આવ, જેથી હું તને અડકીને જોઉં કે તું ખરેખર મારો દીકરો એસાવ છે કે નહિ.”+ ૨૨ યાકૂબ તેના પિતાની નજીક ગયો. ઇસહાકે તેને અડકીને કહ્યું: “અવાજ તો યાકૂબનો છે, પણ હાથ એસાવના છે.”+ ૨૩ ઇસહાક યાકૂબને ઓળખી ન શક્યો, કેમ કે તેના હાથ તેના ભાઈ એસાવ જેવા વાળવાળા હતા. તેથી ઇસહાકે તેને આશીર્વાદ આપ્યો.+
૨૪ પછી ઇસહાકે પૂછ્યું: “શું તું સાચે જ મારો દીકરો એસાવ છે?” તેણે કહ્યું: “હા.” ૨૫ ઇસહાકે કહ્યું: “બેટા, તું મારા માટે શિકાર કરીને જે ખાવાનું લાવ્યો છે, એ મને આપ. હું એ ખાઈને તને આશીર્વાદ આપીશ.” તેણે ઇસહાકને એ ખાવાનું આપ્યું અને તેણે ખાધું. તે દ્રાક્ષદારૂ પણ લાવ્યો અને ઇસહાકે એ પીધો. ૨૬ પછી તેણે કહ્યું: “મારા દીકરા, મારી પાસે આવ અને મને ચુંબન કર.”+ ૨૭ તેથી યાકૂબે પિતા પાસે જઈને તેને ચુંબન કર્યું અને ઇસહાકને તેનાં કપડાંની સુગંધ આવી.+ તેણે યાકૂબને આશીર્વાદ આપતા કહ્યું:
“મારા દીકરાની સુગંધ એ મેદાનની સુગંધ જેવી છે, જેને યહોવાએ આશીર્વાદ આપ્યો છે. ૨૮ સાચા ઈશ્વર તને આકાશનું ઝાકળ,+ ફળદ્રુપ જમીન,+ પુષ્કળ અનાજ અને નવો દ્રાક્ષદારૂ આપે.+ ૨૯ લોકો તારી સેવા કરે અને પ્રજાઓ તારી આગળ નમે. તું તારા ભાઈઓનો માલિક થાય અને તારા ભાઈઓ તારી આગળ નમે.+ જે તને શ્રાપ આપે, તેના પર શ્રાપ આવે અને જે તને આશીર્વાદ આપે, તેના પર આશીર્વાદ આવે.”+
૩૦ ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો એ પછી યાકૂબ ત્યાંથી જતો રહ્યો. એટલામાં તેનો ભાઈ એસાવ શિકાર કરીને પાછો આવ્યો.+ ૩૧ તે પણ સ્વાદિષ્ટ ભોજન બનાવીને પિતા પાસે લાવ્યો અને કહ્યું: “પિતાજી, ઊઠો અને તમારો દીકરો જે શિકાર કરીને લાવ્યો છે એ ખાઓ. પછી મને આશીર્વાદ આપો.” ૩૨ ઇસહાકે તેને પૂછ્યું: “તું કોણ છે?” તેણે કહ્યું: “હું તમારો દીકરો એસાવ છું, તમારો પ્રથમ જન્મેલો.”+ ૩૩ એ સાંભળીને ઇસહાક થરથર ધ્રૂજવા લાગ્યો. તેણે કહ્યું: “તો શિકાર કરીને હમણાં મારી પાસે કોણ આવ્યું હતું? તું આવ્યો એ પહેલાં જ મેં ખાધું અને તેને આશીર્વાદ આપ્યો. તે ચોક્કસ આશીર્વાદ મેળવશે!”
૩૪ પિતાના શબ્દો સાંભળીને એસાવ ભાંગી પડ્યો અને પોક મૂકીને રડવા લાગ્યો. તેણે કહ્યું: “મારા પિતા, મને પણ આશીર્વાદ આપો.”+ ૩૫ પણ ઇસહાકે કહ્યું: “તારો ભાઈ કપટથી આવ્યો અને તારો આશીર્વાદ લઈ ગયો.” ૩૬ એસાવે કહ્યું: “યાકૂબે* તેના નામ પ્રમાણે જ કર્યું છે! તેણે બે વાર મારો હક પડાવી લીધો.+ તેણે પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો મારો હક તો લઈ જ લીધો હતો,+ હવે મારો આશીર્વાદ પણ છીનવી લીધો!”+ પછી તેણે કહ્યું: “શું તમે મારા માટે કોઈ પણ આશીર્વાદ રાખ્યો નથી?” ૩૭ ઇસહાકે એસાવને કહ્યું: “જો, મેં તેને તારો માલિક ઠરાવ્યો છે.+ તેના બધા ભાઈઓ તેના દાસ થશે. મેં તેને આશીર્વાદમાં અનાજ અને નવો દ્રાક્ષદારૂ આપ્યાં છે.+ દીકરા, મારી પાસે કંઈ જ બચ્યું નથી, તો હવે હું તને શું આપું?”
૩૮ એસાવે કહ્યું: “પિતાજી, શું તમારી પાસે એક જ આશીર્વાદ હતો? મને પણ આશીર્વાદ આપો, મને પણ કંઈક આપો!” પછી એસાવ પોક મૂકીને રડ્યો.+ ૩૯ ઇસહાકે તેને કહ્યું:
“જ્યાં જમીન ફળદ્રુપ નથી અને આકાશમાંથી ઝાકળ પડતું નથી, ત્યાં તારું રહેઠાણ થશે.+ ૪૦ તું તારી તલવારથી જીવીશ+ અને તારા ભાઈની સેવા કરીશ.+ પણ તું ત્રાસી જઈશ ત્યારે, તેની ગુલામીમાંથી પોતાને આઝાદ કરીશ.”*+
૪૧ પણ એસાવે પોતાના દિલમાં યાકૂબ માટે ખાર ભરી રાખ્યો, કેમ કે તેના પિતાએ યાકૂબને આશીર્વાદ આપ્યો હતો.+ એસાવ મનમાં કહેતો: “મારા પિતાની ઘડીઓ ગણાઈ રહી છે.*+ તેમના મરણ પછી હું યાકૂબને મારી નાખીશ.” ૪૨ રિબકાને મોટા દીકરા એસાવના ઇરાદાની જાણ થઈ ત્યારે, તેણે નાના દીકરા યાકૂબને બોલાવીને કહ્યું: “તારો ભાઈ એસાવ તને મારી નાખીને બદલો લેવા માંગે છે.* ૪૩ બેટા, મારું સાંભળ. ઊઠ અને હારાનમાં મારા ભાઈ લાબાન પાસે નાસી જા.+ ૪૪ જ્યાં સુધી તારા ભાઈનો ગુસ્સો ઠંડો ન પડે, ત્યાં સુધી લાબાનની પાસે જ રહેજે. ૪૫ જ્યારે તેનો ક્રોધ શમી જશે અને તેં જે કર્યું છે એ બધું તે ભૂલી જશે, ત્યારે હું તને ત્યાંથી પાછો બોલાવી લઈશ. તમને બંનેને એક જ દિવસે ગુમાવવાનું દુઃખ હું કઈ રીતે સહી શકીશ?”
૪૬ પછી રિબકા વારંવાર ઇસહાકને કહેતી: “હેથની દીકરીઓને લીધે મારો જીવ કંટાળી ગયો છે.+ જો યાકૂબ પણ આ દેશમાંથી હેથની દીકરીઓ જેવી કોઈ સ્ત્રીને પરણે, તો મારા જીવવાનો શો ફાયદો?”+
૨૮ ઇસહાકે યાકૂબને બોલાવીને આશીર્વાદ આપ્યો અને આજ્ઞા આપતા કહ્યું: “કનાનની દીકરીઓમાંથી કોઈની સાથે તું પરણીશ નહિ.+ ૨ પણ પાદ્દાનારામમાં તારા નાના* બથુએલને ઘરે જા અને ત્યાં તારા મામા લાબાનની દીકરીઓમાંથી કોઈની સાથે લગ્ન કર.+ ૩ સર્વશક્તિમાન ઈશ્વર તને આશીર્વાદ આપશે. તે તારાં બાળકોની સંખ્યા ખૂબ વધારશે અને તારામાંથી ઘણી પ્રજાઓ* આવશે.+ ૪ જે આશીર્વાદ ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યો હતો,+ એ આશીર્વાદ તે તને અને તારા વંશજને પણ આપશે. ઈશ્વરે ઇબ્રાહિમને આપેલા આ દેશનો તું વારસો મેળવશે, જેમાં તું પરદેશી તરીકે રહે છે.”+
૫ પછી ઇસહાકે યાકૂબને વિદાય આપી અને યાકૂબ લાબાનના ઘરે પાદ્દાનારામ જવા નીકળ્યો. લાબાન અરામી બથુએલનો દીકરો+ અને રિબકાનો ભાઈ+ હતો. રિબકા તો યાકૂબ અને એસાવની મા હતી.
૬ એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપીને પાદ્દાનારામ મોકલ્યો છે, જેથી ત્યાંની કોઈ સ્ત્રી સાથે પરણે. એસાવને એ પણ જાણ થઈ કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને આવી આજ્ઞા આપી છે: “કનાનની દીકરીઓમાંથી કોઈની સાથે તું પરણીશ નહિ.”+ ૭ એસાવે એ પણ જોયું કે યાકૂબ માબાપનું કહ્યું માનીને પાદ્દાનારામ જવા નીકળ્યો છે.+ ૮ એનાથી એસાવને ખ્યાલ આવ્યો કે તેના પિતા ઇસહાકને કનાનની દીકરીઓ જરાય ગમતી નથી.+ ૯ એટલે એસાવ ઇબ્રાહિમના દીકરા ઇશ્માએલ પાસે ગયો. તેણે ઇશ્માએલની દીકરી માહલાથ સાથે લગ્ન કર્યું, જે નબાયોથની બહેન હતી. આમ એસાવે બે પત્નીઓ હોવા છતાં ત્રીજી સાથે લગ્ન કર્યું.+
૧૦ યાકૂબ બેર-શેબાથી નીકળ્યો અને હારાન તરફ આગળ વધ્યો.+ ૧૧ થોડા સમય પછી યાકૂબ એક જગ્યાએ આવી પહોંચ્યો. તેણે ત્યાં રાત રોકાવાનું નક્કી કર્યું, કેમ કે સૂર્ય આથમી ગયો હતો. તેણે એક પથ્થર લીધો અને માથા નીચે મૂકીને સૂઈ ગયો.+ ૧૨ તેને એક સપનું આવ્યું. તેણે પૃથ્વી ઉપર એક સીડી* મૂકેલી જોઈ, એની ટોચ સ્વર્ગ સુધી પહોંચતી હતી. ઈશ્વરના દૂતો એના પર ચઢ-ઊતર કરતા હતા.+ ૧૩ તેણે જોયું તો, સીડીની ટોચ ઉપર યહોવા હતા. તેમણે યાકૂબને કહ્યું:
“હું યહોવા છું, તારા દાદા ઇબ્રાહિમનો ઈશ્વર અને તારા પિતા ઇસહાકનો ઈશ્વર.+ તું સૂઈ ગયો છે એ જગ્યા હું તને અને તારા વંશજને આપવાનો છું.+ ૧૪ તારા વંશજની સંખ્યા રેતીના કણ જેટલી થશે.+ તું તારો વિસ્તાર પૂર્વ અને પશ્ચિમ સુધી, ઉત્તર અને દક્ષિણ સુધી વધારીશ. તારાથી અને તારા વંશજથી પૃથ્વીનાં બધાં કુટુંબો આશીર્વાદ મેળવશે.*+ ૧૫ હું તારી સાથે છું. તું જ્યાં પણ જઈશ ત્યાં હું તારું રક્ષણ કરીશ. હું તને આ દેશમાં પાછો લાવીશ.+ જે વચન મેં તને આપ્યું છે, એ પૂરું નહિ કરું ત્યાં સુધી હું તારો સાથ નહિ છોડું.”+
૧૬ એવામાં યાકૂબ જાગી ગયો અને બોલી ઊઠ્યો: “સાચે જ, યહોવા આ જગ્યાએ છે, પણ મને એની ખબર ન હતી.” ૧૭ તે ડરી ગયો અને કહ્યું: “આ કોઈ સામાન્ય જગ્યા નથી, આ તો પવિત્ર જગ્યા છે! આ ઈશ્વરનું જ ઘર છે+ અને આ તો સ્વર્ગનો દરવાજો છે!”+ ૧૮ યાકૂબે સવારે વહેલા ઊઠીને માથા નીચે મૂકેલો પથ્થર સ્મારક-સ્તંભ તરીકે ઊભો કર્યો અને એના પર તેલ રેડ્યું.+ ૧૯ તેણે એ જગ્યાનું નામ બેથેલ* પાડ્યું. પહેલાં એ શહેરનું નામ લૂઝ હતું.+
૨૦ પછી યાકૂબે આ માનતા લીધી: “જો ઈશ્વર હંમેશાં મારી સાથે હશે, મુસાફરીમાં મારું રક્ષણ કરશે, મને ખાવાને રોટલી અને પહેરવાને કપડાં આપશે ૨૧ અને હું મારા પિતાના ઘરે સહીસલામત પાછો જઈશ, તો મને સાચે જ ખબર પડશે કે યહોવા મારા ઈશ્વર છે.* ૨૨ સ્મારક-સ્તંભ તરીકે ઊભો કરેલો આ પથ્થર ઈશ્વરનું ઘર બનશે+ તેમજ તમે મને જે કંઈ આપશો, એ બધાનો દસમો ભાગ હું તમને અચૂક આપીશ.”
૨૯ પછી યાકૂબે પોતાની મુસાફરી આગળ વધારી અને તે પૂર્વના દેશમાં આવી પહોંચ્યો. ૨ ત્યાં તેણે મેદાનમાં એક કૂવો જોયો. મોટા ભાગે ભરવાડો એ કૂવામાંથી ટોળાંને પાણી પાતા હતા. એ કૂવાના મોં પર મોટો પથ્થર મૂકેલો હતો અને ત્યાં ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠાં હતાં. ૩ બધાં ટોળાં ભેગાં થતાં ત્યારે, ભરવાડો કૂવાના મોં પરથી પથ્થર હટાવતા, ટોળાંને પાણી પાતા અને કૂવાને પથ્થરથી ફરી ઢાંકી દેતા.
૪ યાકૂબે ભરવાડોને પૂછ્યું: “ભાઈઓ, તમે ક્યાંના છો?” તેઓએ જવાબ આપ્યો: “અમે હારાન શહેરના છીએ.”+ ૫ તેણે તેઓને પૂછ્યું: “શું તમે નાહોરના પૌત્ર+ લાબાનને ઓળખો છો?”+ તેઓએ કહ્યું: “હા, ઓળખીએ છીએ.” ૬ યાકૂબે પૂછ્યું: “શું તે ઠીક છે?” તેઓએ કહ્યું: “હા, તે ઠીક છે. જો! તેની દીકરી રાહેલ+ ઘેટાં લઈને આવી રહી છે.” ૭ તેણે કહ્યું: “તમે ટોળાંને આટલા જલદી કેમ વાડામાં લઈ જાઓ છો? હજી તો બપોર જ થઈ છે. તેઓને પાણી પિવડાવો અને થોડી વાર ચરાવવા લઈ જાઓ.” ૮ તેઓએ કહ્યું: “જ્યાં સુધી બધાં ટોળાં ભેગાં ન થાય, ત્યાં સુધી કૂવાના મોં પરથી પથ્થર હટાવવાની અમને મનાઈ છે. બધાં ટોળાં ભેગાં થાય પછી જ પથ્થર હટાવીને અમે ઘેટાંને પાણી પાઈ શકીએ છીએ.”
૯ યાકૂબ તેઓ સાથે વાત કરતો હતો, એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને ત્યાં આવી પહોંચી. તે એક ઘેટાંપાળક હતી. ૧૦ યાકૂબે પોતાના મામા લાબાનની દીકરી રાહેલને અને તેનાં ઘેટાંને જોયાં. તે ઉતાવળે કૂવા પાસે ગયો. તેણે કૂવાના મોં પરથી પથ્થર હટાવીને લાબાનનાં ઘેટાંને પાણી પાયું. ૧૧ પછી યાકૂબે રાહેલને ચુંબન કર્યું* અને તે પોક મૂકીને રડ્યો. ૧૨ તેણે રાહેલને જણાવ્યું કે, તે લાબાનનો સગો* અને રિબકાનો દીકરો છે. પછી રાહેલ પોતાના પિતા પાસે દોડી ગઈ અને તેને બધું જણાવ્યું.
૧૩ લાબાને+ પોતાના ભાણિયા યાકૂબ વિશે સાંભળ્યું ત્યારે, તે તેને મળવા દોડી ગયો. લાબાને તેને ભેટીને ચુંબન કર્યું અને તેને ઘરે લઈ આવ્યો. યાકૂબે પોતાની સાથે જે બધું બન્યું હતું એ લાબાનને જણાવ્યું. ૧૪ લાબાને તેને કહ્યું: “તું સાચે જ મારો સગો છે.”* પછી તે લાબાન સાથે આખો મહિનો રહ્યો.
૧૫ પછી લાબાને યાકૂબને કહ્યું: “તું મારો સગો* છે,+ પણ એનો અર્થ એ નથી કે તું મફતમાં મારી ચાકરી કરે. બોલ, તું કેટલી મજૂરી લઈશ?”+ ૧૬ હવે લાબાનને બે દીકરીઓ હતી. મોટીનું નામ લેઆહ અને નાનીનું નામ રાહેલ.+ ૧૭ લેઆહની આંખોમાં કોઈ જ ચમક ન હતી,* જ્યારે કે રાહેલ ખૂબ જ સુંદર અને દેખાવડી હતી. ૧૮ યાકૂબ રાહેલના પ્રેમમાં હતો, એટલે તેણે લાબાનને કહ્યું: “તમારી નાની દીકરી રાહેલ માટે હું સાત વર્ષ તમારી ચાકરી કરવા તૈયાર છું.”+ ૧૯ લાબાને કહ્યું: “મારી દીકરી બીજા કોઈ માણસને આપવા કરતાં તને આપવી વધારે સારું છે. તું મારી સાથે જ રહેજે.” ૨૦ યાકૂબે રાહેલ માટે સાત વર્ષ ચાકરી કરી.+ રાહેલના પ્રેમમાં હોવાથી તેને એ વર્ષો થોડા દિવસો જેવાં જ લાગ્યાં.
૨૧ યાકૂબે લાબાનને કહ્યું: “નક્કી કરેલો સમય પૂરો થયો છે. મને તમારી દીકરી આપો, જેથી તે મારી પત્ની બને.”* ૨૨ એટલે લાબાને ત્યાંના બધા માણસોને ભેગા કર્યા અને એક મોટી મિજબાની આપી. ૨૩ સાંજના સમયે તે પોતાની દીકરી લેઆહને યાકૂબ પાસે લાવ્યો, જેથી યાકૂબ તેની સાથે જાતીય સંબંધ બાંધે. ૨૪ લાબાને પોતાની દાસી ઝિલ્પાહ લેઆહને દાસી તરીકે આપી.+ ૨૫ યાકૂબે સવારે જોયું તો, તે લેઆહ હતી! એટલે તેણે લાબાનને કહ્યું: “તમે મારી સાથે આવું કેમ કર્યું? શું મેં રાહેલ માટે ચાકરી કરી ન હતી? તમે મને કેમ છેતર્યો?”+ ૨૬ લાબાને કહ્યું: “અહીંયા મોટી દીકરી પહેલાં નાનીને પરણાવવાનો રિવાજ નથી. ૨૭ લેઆહ સાથે આખું અઠવાડિયું વિતાવ. પછી બીજાં સાત વર્ષની ચાકરીના બદલામાં હું તને રાહેલ પણ આપીશ.”+ ૨૮ યાકૂબે એમ જ કર્યું અને લેઆહ સાથે અઠવાડિયું વિતાવ્યું. પછી લાબાને તેને રાહેલ સાથે પણ પરણાવ્યો. ૨૯ લાબાને પોતાની દાસી બિલ્હાહ+ રાહેલને દાસી તરીકે આપી.+
૩૦ પછી યાકૂબે રાહેલ સાથે પણ જાતીય સંબંધ બાંધ્યો. યાકૂબ લેઆહ કરતાં રાહેલને વધારે પ્રેમ કરતો હતો. તેણે રાહેલ માટે બીજાં સાત વર્ષ લાબાનની ચાકરી કરી.+ ૩૧ યહોવાએ જોયું કે યાકૂબ લેઆહને પ્રેમ નથી કરતો* ત્યારે તેમણે લેઆહનું ગર્ભસ્થાન ઉઘાડ્યું,+ પણ રાહેલ વાંઝણી રહી.+ ૩૨ લેઆહ ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ રૂબેન* પાડ્યું+ અને કહ્યું: “યહોવાએ મારું દુઃખ જોયું છે+ અને હવે મારો પતિ મને જરૂર પ્રેમ કરશે.” ૩૩ તે ફરી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. લેઆહે કહ્યું: “મારો પતિ મને પ્રેમ કરતો નથી. યહોવાએ મારી એ ફરિયાદ સાંભળીને મને આ દીકરો આપ્યો છે.” એટલે તેણે તેનું નામ શિમયોન* પાડ્યું.+ ૩૪ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું: “હવે મારો પતિ મને વળગી રહેશે, કેમ કે મેં તેને ત્રણ દીકરા આપ્યા છે.” એટલે તેણે તેનું નામ લેવી* પાડ્યું.+ ૩૫ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. લેઆહે કહ્યું: “હવે હું યહોવાની સ્તુતિ કરીશ.” એટલે તેણે તેનું નામ યહૂદા* પાડ્યું.+ પછી તેને બાળકો થવાનું બંધ થયું.
૩૦ રાહેલને બાળકો ન હતાં, એટલે તે પોતાની બહેન લેઆહની અદેખાઈ કરવા લાગી. તે યાકૂબને કહેતી: “મને બાળકો આપો, નહિ તો હું મરી જઈશ.” ૨ એ સાંભળીને યાકૂબનો ગુસ્સો રાહેલ પર સળગી ઊઠ્યો. તેણે કહ્યું: “શું હું ઈશ્વર છું? ઈશ્વરે તારી કૂખ બંધ કરી છે, મેં નહિ. મને દોષ ન આપ!” ૩ રાહેલે કહ્યું: “જુઓ, હું તમને મારી દાસી બિલ્હાહ આપું છું.+ તેની સાથે સંબંધ બાંધો, જેથી તે મારા માટે બાળકો પેદા કરે* અને તેનાથી હું પણ મા બનું.” ૪ પછી રાહેલે યાકૂબને પોતાની દાસી બિલ્હાહ પત્ની તરીકે આપી અને યાકૂબે તેની સાથે સંબંધ બાંધ્યો.+ ૫ બિલ્હાહ ગર્ભવતી થઈ અને સમય જતાં તેને યાકૂબથી એક દીકરો થયો. ૬ રાહેલે કહ્યું: “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે. તેમણે મારો પોકાર સાંભળીને મને દીકરો આપ્યો છે.” તેથી રાહેલે એ દીકરાનું નામ દાન* પાડ્યું.+ ૭ રાહેલની દાસી બિલ્હાહ ફરી ગર્ભવતી થઈ અને સમય જતાં તેને યાકૂબથી બીજો એક દીકરો થયો. ૮ રાહેલે કહ્યું: “મેં મારી બહેન સામે કુસ્તીમાં ભારે લડત આપી છે. આખરે હું જીતી છું!” તેથી રાહેલે તેનું નામ નફતાલી* પાડ્યું.+
૯ લેઆહે જોયું કે હવે તેને બાળકો થતાં નથી. એટલે તેણે યાકૂબને પોતાની દાસી ઝિલ્પાહ પત્ની તરીકે આપી.+ ૧૦ લેઆહની દાસી ઝિલ્પાહને યાકૂબથી એક દીકરો થયો. ૧૧ લેઆહે કહ્યું: “મને સાચે જ આશીર્વાદ મળ્યો છે!” તેથી લેઆહે તેનું નામ ગાદ* પાડ્યું.+ ૧૨ પછી લેઆહની દાસી ઝિલ્પાહને યાકૂબથી બીજો એક દીકરો થયો. ૧૩ લેઆહે કહ્યું: “મારી ખુશીનો કોઈ પાર નથી! સ્ત્રીઓ* કહેશે કે હું સાચે જ ખુશ છું.”+ તેથી લેઆહે તેનું નામ આશેર* પાડ્યું.+
૧૪ હવે ઘઉંની કાપણીના સમયે રૂબેન+ ખેતરમાં ચાલતો હતો ત્યારે, તેને એક પ્રકારનાં રીંગણાં* મળી આવ્યાં. તેણે પોતાની મા લેઆહને એ આપ્યાં. એ જોઈને રાહેલે લેઆહને કહ્યું: “તારા દીકરાને જે રીંગણાં મળ્યાં છે, એમાંથી મને થોડાં આપ ને!” ૧૫ લેઆહે રાહેલને કહ્યું: “તેં મારા પતિને તો છીનવી લીધો છે.+ શું હવે તારે મારા દીકરાનાં રીંગણાં પણ જોઈએ છે?” એટલે રાહેલે કહ્યું: “ઠીક છે. એ રીંગણાંના બદલામાં આજે રાતે યાકૂબ તારી સાથે સૂઈ જશે.”
૧૬ સાંજના સમયે યાકૂબ મેદાનમાંથી આવતો હતો ત્યારે, લેઆહ તેને સામે મળવા ગઈ. તેણે કહ્યું: “આજે તમારે મારી સાથે સૂવું પડશે, કેમ કે મારા દીકરાનાં રીંગણાં આપીને મેં તમને એક રાત માટે ખરીદી લીધા છે.” તેથી એ રાતે યાકૂબ તેની સાથે સૂઈ ગયો. ૧૭ ઈશ્વરે લેઆહની પ્રાર્થના સાંભળી અને એનો જવાબ આપ્યો. તે ગર્ભવતી થઈ અને સમય જતાં તેણે યાકૂબને પાંચમો દીકરો આપ્યો. ૧૮ લેઆહે કહ્યું: “મેં મારી દાસી મારા પતિને આપી હતી, એટલે ઈશ્વરે મને મારું વેતન* ચૂકવ્યું છે.” તેથી, લેઆહે તેનું નામ ઇસ્સાખાર* પાડ્યું.+ ૧૯ લેઆહ ફરી એક વાર ગર્ભવતી થઈ અને તેણે યાકૂબને છઠ્ઠો દીકરો આપ્યો.+ ૨૦ તેણે કહ્યું: “ઈશ્વરે મને ભેટ આપી છે, હા, ઉત્તમ ભેટ આપી છે! હવે મારો પતિ મને ચોક્કસ સ્વીકારશે,+ કેમ કે મેં તેને છ દીકરાઓ આપ્યા છે.”+ તેથી લેઆહે તેનું નામ ઝબુલોન* પાડ્યું.+ ૨૧ પછી લેઆહે એક દીકરીને જન્મ આપ્યો અને તેનું નામ દીનાહ પાડ્યું.+
૨૨ આખરે ઈશ્વરે રાહેલ પર ધ્યાન આપ્યું. ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળીને તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું.+ ૨૩ તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું: “ઈશ્વરે મારું કલંક દૂર કર્યું છે!”+ ૨૪ તેથી તેણે તેનું નામ યૂસફ* પાડ્યું+ અને કહ્યું: “યહોવાએ મને બીજો એક દીકરો આપ્યો છે.”
૨૫ રાહેલે યૂસફને જન્મ આપ્યો પછી યાકૂબે લાબાનને કહ્યું: “હવે મને મારા ઘરે અને મારા દેશમાં પાછો જવા દો.+ ૨૬ મારી પત્નીઓ અને બાળકોને પણ લઈ જવા દો, જેઓ માટે મેં ચાકરી કરી છે. તમે સારી રીતે જાણો છો, મેં તમારી કેટલી ચાકરી કરી છે!”+ ૨૭ લાબાને તેને કહ્યું: “જો હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો અહીં જ રહે, કેમ કે મેં શુકનથી* જાણ્યું છે કે યહોવા તારા લીધે મને આશીર્વાદ આપી રહ્યા છે.” ૨૮ વધુમાં લાબાને કહ્યું: “તારે કેટલું વેતન જોઈએ છે? મને કહે, હું તને આપીશ.”+ ૨૯ યાકૂબે તેને કહ્યું: “તમે સારી રીતે જાણો છો, મેં તમારી કેટલી ચાકરી કરી છે અને તમારાં ઢોરઢાંકમાં કેટલો વધારો થયો છે!+ ૩૦ હું આવ્યો ત્યારે તમારી પાસે થોડું જ હતું, પણ હવે તમારાં ઢોરઢાંક ખૂબ વધ્યાં છે. હું આવ્યો ત્યારથી યહોવાએ તમારા પર આશીર્વાદો વરસાવ્યા છે. પણ હવે, હું મારા પોતાના કુટુંબ માટે કંઈક કરવા માંગું છું.”+
૩૧ લાબાને પૂછ્યું: “હું તને શું આપું?” યાકૂબે કહ્યું: “મને તમારી પાસેથી કંઈ નથી જોઈતું! પણ જો તમે મારી એક વાત માનશો, તો હું તમારાં ઢોરઢાંકને સાચવીશ અને ચરાવીશ.+ ૩૨ ચાલો આપણે આજે તમારાં ઢોરઢાંકને તપાસીએ. જે ઘેટાં અને બકરીઓ ટપકાંવાળાં અને કાબરચીતરાં હોય તેઓને તમે અલગ કરજો. ઘેરા કથ્થઈ રંગનાં ઘેટાનાં નર બચ્ચાંને પણ અલગ કરજો. હવે પછી જે બચ્ચાં ટપકાંવાળાં, કાબરચીતરાં અને ઘેરા કથ્થઈ રંગનાં જન્મશે, એ મારું વેતન થશે.+ ૩૩ ભાવિમાં તમે મારું વેતન જોવા આવશો ત્યારે, મારી પ્રમાણિકતા* મારા વિશે સાક્ષી પૂરશે. મારાં ઘેટાં-બકરાંમાંથી જે બકરી ટપકાંવાળી અને કાબરચીતરી ન હોય અને જે ઘેટાનું નર બચ્ચું ઘેરા કથ્થઈ રંગનું ન હોય, એ ચોરીનું ગણાશે.”
૩૪ લાબાને કહ્યું: “ભલે, તારા કહ્યા પ્રમાણે થાઓ.”+ ૩૫ પછી એ દિવસે લાબાને ચટાપટાવાળાં, કાબરચીતરાં અને ટપકાંવાળાં બકરા-બકરીઓને અલગ કર્યાં. સફેદ ધબ્બાવાળાં બકરા-બકરીઓને અને ઘેરા કથ્થઈ રંગનાં ઘેટાંનાં બચ્ચાં પણ અલગ કર્યાં. પછી, લાબાને એ બધાં ઘેટાં-બકરાં પોતાના દીકરાઓને સાચવવા આપ્યાં. ૩૬ જે ઘેટાં-બકરાં બાકી રહ્યાં, તેઓને તેણે યાકૂબને સાચવવા આપ્યાં. પછી લાબાને પોતાની અને યાકૂબની વચ્ચે ત્રણ દિવસની મુસાફરી જેટલું અંતર રાખ્યું.
૩૭ પછી યાકૂબે બદામ, ચિનાર અને બીજાં વૃક્ષોની લીલી ડાળીઓ લીધી. તેણે એ ડાળીઓ એ રીતે છોલી, જેથી એમાં સફેદ ધબ્બા દેખાય. ૩૮ એ છોલેલી ડાળીઓ તેણે નીક અને હવાડામાં ઊભી કરી, જેથી ઘેટાં-બકરાં ત્યાં પાણી પીવા આવે ત્યારે એની સામે સંવનન કરે.
૩૯ પછી એમ થતું કે ઘેટાં-બકરાં ડાળીઓની સામે સંવનન કરતાં ત્યારે, તેઓને ચટાપટાવાળાં, ટપકાંવાળાં અને કાબરચીતરાં બચ્ચાં થતાં. ૪૦ યાકૂબે એ બચ્ચાં અલગ કર્યાં. તેણે લાબાનના ટોળાનાં સફેદ ઘેટાં-બકરાંની એકદમ સામે ચટાપટાવાળાં અને ઘેરા કથ્થઈ રંગનાં ઘેટાં-બકરાં રાખ્યાં. પછી તેણે પોતાનું ટોળું અલગ કર્યું, જેથી એ લાબાનના ટોળામાં ભળી ન જાય. ૪૧ જ્યારે પણ તાજાં-માજાં ઘેટાં-બકરાંના સંવનનનો સમય આવતો, ત્યારે યાકૂબ નીકમાં ડાળીઓ મૂકતો, જેથી તેઓ એ ડાળીઓ સામે સંવનન કરે. ૪૨ પણ જો ઘેટાં-બકરાં નબળાં હોય, તો યાકૂબ ડાળીઓ મૂકતો નહિ. આમ નબળાં ઘેટાં-બકરાં લાબાનનાં થયાં, પણ તાજાં-માજાં યાકૂબનાં થયાં.+
૪૩ આ રીતે યાકૂબ ખૂબ ધનવાન થયો. તે ઘણાં ઢોરઢાંક, ઊંટો, ગધેડાં અને દાસ-દાસીઓનો માલિક થયો.+
૩૧ સમય જતાં, યાકૂબે લાબાનના દીકરાઓને આમ કહેતા સાંભળ્યા: “યાકૂબે આપણા પિતાનું બધું લઈ લીધું છે. આપણા પિતાની મિલકતથી તે ધનવાન થયો છે.”+ ૨ લાબાનનું મોઢું જોઈને યાકૂબને ખ્યાલ આવી ગયો કે, તે બદલાઈ ગયો છે અને તેનું વર્તન હવે પહેલાં જેવું રહ્યું નથી.+ ૩ એટલે યહોવાએ યાકૂબને કહ્યું: “તારા પિતાના દેશમાં, તારાં સગાઓ પાસે પાછો જા.+ હું હંમેશાં તારી સાથે રહીશ.” ૪ પછી યાકૂબે સંદેશો મોકલીને રાહેલ અને લેઆહને બહાર બોલાવી, જ્યાં તે પોતાનાં ટોળાં ચરાવતો હતો. ૫ તેણે તેઓને કહ્યું:
“મેં જોયું છે કે તમારા પિતાનું વર્તન મારા પ્રત્યે પહેલાં જેવું રહ્યું નથી.+ પણ મારા પિતાના ઈશ્વર હંમેશાં મારી સાથે રહ્યા છે.+ ૬ તમે સારી રીતે જાણો છો કે મેં પૂરા ખંતથી તમારા પિતાની ચાકરી કરી છે.+ ૭ તમારા પિતાએ મને છેતરવાની કોશિશ કરી અને દસ વખત મારું વેતન બદલી નાખ્યું. પણ ઈશ્વરે મારું નુકસાન થવા દીધું નથી. ૮ જ્યારે તમારા પિતા કહેતા, ‘ટપકાંવાળાં ઘેટાં-બકરાં તારું વેતન થશે,’ ત્યારે બધાં બચ્ચાં ટપકાંવાળાં થતાં. પણ જ્યારે તે કહેતા, ‘ચટાપટાવાળાં ઘેટાં-બકરાં તારું વેતન થશે,’ ત્યારે બધાં બચ્ચાં ચટાપટાવાળાં થતાં.+ ૯ ઈશ્વરે જ તમારા પિતાનાં ઘેટાં-બકરાં લઈને મને આપ્યાં. ૧૦ એકવાર ઘેટાં-બકરાંનો સંવનનનો સમય હતો ત્યારે, મેં સપનામાં જોયું કે બકરીઓ સાથે સંવનન કરતા બકરા ચટાપટાવાળા, ટપકાંવાળા અને છાંટવાળા હતા.+ ૧૧ સાચા ઈશ્વરના દૂતે મને સપનામાં કહ્યું: ‘યાકૂબ!’ મેં કહ્યું: ‘હા પ્રભુ.’ ૧૨ તેમણે કહ્યું: ‘તારી નજર ઊંચી કરીને જો. બકરીઓ સાથે સંવનન કરતા બકરા ચટાપટાવાળા, ટપકાંવાળા અને છાંટવાળા છે. લાબાન તારી સાથે જે કરે છે, એ બધું મેં જોયું છે.+ ૧૩ હું બેથેલનો સાચો ઈશ્વર છું,+ જ્યાં તેં સ્તંભ પર તેલ રેડ્યું હતું* અને માનતા લીધી હતી.+ હવે ઊઠ અને આ દેશ છોડીને તારા વતનમાં પાછો જા.’”+
૧૪ એ સાંભળીને રાહેલ અને લેઆહે કહ્યું: “અમારા પિતાના ઘરમાં અમારા માટે કોઈ વારસો રહ્યો નથી! ૧૫ તે અમને પરદેશી જ ગણે છે. તેમણે તો અમને વેચી દીધી છે અને બદલામાં મળેલા પૈસા પણ વાપરી રહ્યા છે!+ ૧૬ ઈશ્વરે અમારા પિતા પાસેથી લઈ લીધેલી માલ-મિલકત અમારી અને અમારાં બાળકોની છે.+ તેથી ઈશ્વરે તમને જે કહ્યું છે એ પ્રમાણે કરો.”+
૧૭ પછી યાકૂબે ત્યાંથી નીકળવા તૈયારી કરી. તેણે પોતાનાં બાળકોને અને પત્નીઓને ઊંટ પર બેસાડ્યાં.+ ૧૮ તેણે પાદ્દાનારામમાં જે માલ-મિલકત અને ઢોરઢાંક મેળવ્યાં હતાં,+ એ સર્વ લઈને તે કનાન દેશમાં પોતાના પિતા ઇસહાકને ઘેર જવા નીકળ્યો.+
૧૯ એ સમયે લાબાન પોતાનાં ઘેટાંનું ઊન કાતરવા ગયો હતો. એવામાં રાહેલે પોતાના પિતાના+ કુળદેવતાની મૂર્તિઓ*+ ચોરી લીધી. ૨૦ યાકૂબે ચાલાકી વાપરી અને અરામી લાબાનને કશું જણાવ્યા વગર ત્યાંથી નાસી ગયો. ૨૧ પોતાની પાસે જે હતું એ બધું લઈને તે નાસી ગયો. તેણે યુફ્રેટિસ નદી પાર કરી.+ પછી તેણે ગિલયાદના પહાડી વિસ્તાર+ તરફ મુસાફરી કરી. ૨૨ લાબાનને ત્રીજે દિવસે ખબર પડી કે યાકૂબ નાસી ગયો છે. ૨૩ એટલે લાબાને પોતાના માણસો* સાથે તેનો પીછો કર્યો. સાત દિવસ મુસાફરી કર્યા પછી તે ગિલયાદના એ પહાડી વિસ્તારમાં આવી પહોંચ્યો, જ્યાં યાકૂબ હતો. ૨૪ પછી રાતે ઈશ્વરે અરામી લાબાનને+ સપનામાં+ કહ્યું: “સાવચેત રહેજે. ગુસ્સે થઈને યાકૂબને જેમતેમ બોલી ન જતો.”*+
૨૫ યાકૂબે પોતાનો તંબુ પહાડી વિસ્તારમાં નાખ્યો હતો. લાબાન ત્યાં પહોંચ્યો ત્યારે તેણે પણ પોતાના માણસો સાથે ગિલયાદના પહાડી વિસ્તારમાં પોતાનો તંબુ નાખ્યો. ૨૬ પછી લાબાને યાકૂબને કહ્યું: “તેં આ શું કર્યું? તેં કેમ મને છેતર્યો? જેમ તલવારના જોરે ગુલામોને ઉઠાવી લાવવામાં આવે છે, તેમ તું મારી દીકરીઓને કેમ ઉઠાવી લાવ્યો? ૨૭ તું કેમ છાનોમાનો નાસી ગયો? તેં કેમ મારાથી બધું છુપાવ્યું અને મને દગો કર્યો? જો તેં મને કહ્યું હોત, તો મેં તને વાજતે ગાજતે વિદાય આપી હોત. ગીતો ગાઈને, ખંજરી અને વીણા વગાડીને ખુશી ખુશી વળાવ્યા હોત. ૨૮ પણ તેં મને મારાં પૌત્ર-પૌત્રીઓને* અને મારી દીકરીઓને ચુંબન કરીને વિદાય પણ ન કરવા દીધા! તેં કેવી મૂર્ખાઈ કરી! ૨૯ તને નુકસાન પહોંચાડવું મારા હાથમાં છે. પણ ગઈ કાલે રાતે તારા પિતાના ઈશ્વરે મને સપનામાં કહ્યું: ‘સાવચેત રહેજે. ગુસ્સે થઈને યાકૂબને જેમતેમ બોલી ન જતો.’+ ૩૦ મને ખબર છે કે તું તારા પિતાના ઘરે જવા આતુર છે. એટલે તું મને કંઈ કહ્યા વગર નીકળી ગયો. પણ જતાં જતાં તેં કેમ મારા દેવોની મૂર્તિઓ ચોરી લીધી?”+
૩૧ યાકૂબે લાબાનને કહ્યું: “હું ડરતો હતો, એટલે છાનોમાનો નીકળી ગયો. મને થયું, ‘તમે તમારી દીકરીઓને બળજબરી કરીને મારી પાસેથી લઈ લેશો.’ ૩૨ રહી વાત તમારી મૂર્તિઓની તો, જેની પાસેથી એ મળે એ માર્યો જાય. મારી પાસે જે બધું છે એની આપણા માણસો સામે તપાસ કરો અને જે તમારું હોય એ લઈ જાઓ.” પણ યાકૂબ જાણતો ન હતો કે રાહેલે એ મૂર્તિઓ ચોરી છે. ૩૩ પછી લાબાને યાકૂબના તંબુમાં, લેઆહના તંબુમાં અને બે દાસીઓના+ તંબુમાં તપાસ કરી, પણ તેને કશું મળ્યું નહિ. તે લેઆહના તંબુમાંથી નીકળીને રાહેલના તંબુમાં ગયો. ૩૪ એ દરમિયાન, રાહેલે મૂર્તિઓ લઈને ઊંટના જીનમાં* મૂકી દીધી અને જીન પર બેસી ગઈ. લાબાન આખો તંબુ ફેંદી વળ્યો, પણ તેને કંઈ મળ્યું નહિ. ૩૫ પછી રાહેલે પિતાને કહ્યું: “મારા પિતા, ગુસ્સે ન થતા. હું તમારી સામે ઊઠી શકતી નથી, કેમ કે મને માસિક સ્રાવ થાય છે.”*+ આમ લાબાને તંબુનો ખૂણે ખૂણો તપાસ્યો, પણ તેને મૂર્તિઓ મળી નહિ.+
૩૬ એટલે યાકૂબ ખૂબ ગુસ્સે ભરાયો અને તેણે લાબાનને કહ્યું: “મારી ભૂલ શી છે? મેં એવું તે કયું પાપ કર્યું કે તમે હાથ ધોઈને મારી પાછળ પડ્યા છો? ૩૭ તમે મારા બધા સામાનની તપાસ કરી, શું એમાંથી તમારા ઘરનું કશું મળ્યું? જો કંઈ મળ્યું હોય, તો એને મારા અને તમારા માણસોની સામે મૂકો. પછી તેઓને આપણા બંનેનો ન્યાય કરવા દો. ૩૮ આ ૨૦ વર્ષો દરમિયાન હું તમારી સાથે હતો. તમારી ઘેટીઓ અને બકરીઓને ક્યારેય મરેલું બચ્ચું થયું નથી.+ મેં તમારા ટોળામાંથી એક ઘેટો પણ લઈને ખાધો નથી. ૩૯ જો કોઈ જંગલી પ્રાણી ટોળામાંથી એકને પણ ફાડી ખાતું, તો એને હું તમારી પાસે ન લાવતો.+ એનું નુકસાન હું પોતે ભોગવતો. કોઈ ઢોર રાતે કે દિવસે ચોરાતું તો, તમે મારી પાસે એનું વળતર માંગતા. ૪૦ દિવસે કાળઝાળ ગરમીથી હું ત્રાસી જતો. રાતે ઠંડીથી હું થીજી જતો. મારી રાતોની ઊંઘ હરામ થઈ જતી.+ ૪૧ એ હાલતમાં મેં તમારા ઘરમાં ૨૦ વર્ષ વિતાવ્યાં. ૧૪ વર્ષ તમારી બે દીકરીઓ માટે અને ૬ વર્ષ તમારાં ટોળાં માટે મેં તમારી ચાકરી કરી. દસ વખત તમે મારું વેતન બદલ્યું.+ ૪૨ જો ઇબ્રાહિમના ઈશ્વર અને મારા પિતા ઇસહાકના ઈશ્વર*+ મારી સાથે ન હોત, તો તમે મને ખાલી હાથે પાછો મોકલ્યો હોત. ઈશ્વરે મારી પીડા અને મારી મહેનત જોઈ છે. એટલે જ, તેમણે ગઈ કાલે રાતે તમને ચેતવ્યા.”+
૪૩ લાબાને યાકૂબને કહ્યું: “આ દીકરીઓ મારી દીકરીઓ છે. આ બાળકો મારાં બાળકો છે અને આ ટોળું મારું ટોળું છે. જે કંઈ તું જુએ છે એ બધું મારું અને મારી દીકરીઓનું છે. તો પછી, હું તેઓને અને તેઓનાં બાળકોને શું કામ નુકસાન પહોંચાડું? ૪૪ ચાલ, આપણે બંને એક કરાર કરીએ અને એ કરાર આપણી વચ્ચે સાક્ષી તરીકે રહેશે.” ૪૫ યાકૂબે એક પથ્થર લીધો અને એને સ્તંભ તરીકે ઊભો કર્યો.+ ૪૬ યાકૂબે માણસોને કહ્યું: “પથ્થરો ઉઠાવો.” એટલે તેઓએ પથ્થરો લાવીને સ્તંભ આગળ એનો ઢગલો કર્યો. તેઓ બધાએ પથ્થરના ઢગલા પાસે ખાધું. ૪૭ લાબાને એ જગ્યાનું નામ યગાર-સાહદૂથા* પાડ્યું, પણ યાકૂબે એનું નામ ગાલએદ* પાડ્યું.
૪૮ પછી લાબાને કહ્યું: “આ પથ્થરનો ઢગલો આજે મારી અને તારી વચ્ચે સાક્ષી છે.” એટલે તેણે એ જગ્યાનું નામ ગાલએદ+ પાડ્યું. ૪૯ પછી લાબાને કહ્યું: “આપણે એકબીજાથી દૂર હોઈએ ત્યારે યહોવા તારા પર અને મારા પર નજર રાખે.” એટલે એ પથ્થરના ઢગલાનું નામ ચોકીબુરજ* પડ્યું. ૫૦ લાબાને એ પણ કહ્યું: “જો તું મારી દીકરીઓને ત્રાસ આપે કે બીજી પત્નીઓ કરે, તો યાદ રાખજે, ભલે કોઈ માણસ જુએ કે ન જુએ પણ ઈશ્વર બધું જુએ છે, જે આપણા વચ્ચે સાક્ષી છે.” ૫૧ પછી લાબાને યાકૂબને કહ્યું: “આ પથ્થરનો ઢગલો જો, આ સ્તંભ જો, જે મેં તારી અને મારી વચ્ચે ઊભો કર્યો છે. ૫૨ આ પથ્થરનો ઢગલો અને આ સ્તંભ સાક્ષી છે+ કે, તને નુકસાન પહોંચાડવા હું આ પથ્થરના ઢગલાને ઓળંગીશ નહિ. એવી જ રીતે, તું પણ મને નુકસાન પહોંચાડવા એને ઓળંગીશ નહિ. ૫૩ ઇબ્રાહિમના ઈશ્વર,+ નાહોરના ઈશ્વર અને તેઓના પિતાના ઈશ્વર આપણો ન્યાય કરે.” યાકૂબ એ વાતે સહમત થયો, પછી તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરના* સમ ખાધા.+
૫૪ એ પછી યાકૂબે પહાડ પર બલિદાન ચઢાવ્યું અને બધા માણસોને જમવા બોલાવ્યા. તેઓએ ખાધું અને પહાડ પર રાત વિતાવી. ૫૫ લાબાન સવારે વહેલો ઊઠ્યો. તેણે પોતાનાં પૌત્ર-પૌત્રીઓને*+ અને દીકરીઓને ચુંબન કર્યું અને તેઓને આશીર્વાદ આપ્યા.+ પછી તે ત્યાંથી નીકળ્યો અને પોતાના ઘરે પાછો ફર્યો.+
૩૨ યાકૂબ મુસાફરીમાં આગળ વધ્યો અને રસ્તામાં તેને ઈશ્વરના દૂતો મળ્યા. ૨ તેઓને જોઈને યાકૂબે કહ્યું: “આ તો ઈશ્વરની છાવણી છે!” તેથી તેણે એ જગ્યાનું નામ માહનાઈમ* પાડ્યું.
૩ હવે એસાવ સેઈરમાં,+ એટલે કે અદોમ+ વિસ્તારમાં રહેતો હતો. એસાવને સંદેશો આપવા યાકૂબે પોતાની આગળ અમુક સંદેશવાહકો મોકલ્યા. ૪ યાકૂબે તેઓને આજ્ઞા આપી: “તમે મારા માલિક એસાવને આમ કહેજો, ‘તમારો સેવક યાકૂબ કહે છે: “હું લાંબો સમય લાબાન સાથે રહ્યો હતો.*+ ૫ મારી પાસે પુષ્કળ બળદ,* ગધેડાં, ઘેટાં અને દાસ-દાસીઓ છે.+ મારા માલિક, હું તમને મળવા આવી રહ્યો છું. આ ખબર હું એટલા માટે મોકલું છું, જેથી તમારી નજરમાં હું કૃપા પામું.”’”
૬ થોડા સમય પછી સંદેશવાહકો યાકૂબ પાસે પાછા આવ્યા. તેઓએ કહ્યું: “અમે તમારા ભાઈ એસાવને મળ્યા. તે તમને મળવા આવી રહ્યા છે અને તેમની સાથે ૪૦૦ માણસો છે.”+ ૭ એ સાંભળીને યાકૂબ ખૂબ ગભરાઈ ગયો અને ચિંતામાં પડી ગયો.+ તેણે પોતાનાં લોકો, ઘેટાં-બકરાં, ઢોરઢાંક અને ઊંટોને બે ટોળાંમાં વહેંચી દીધાં. ૮ તેણે કહ્યું: “જો એસાવ એક ટોળા પર હુમલો કરે, તો બીજું ટોળું ત્યાંથી નાસી જઈ શકે.”
૯ યાકૂબે કહ્યું: “હે યહોવા, મારા દાદા ઇબ્રાહિમના ઈશ્વર અને મારા પિતા ઇસહાકના ઈશ્વર, તમે મને કહ્યું હતું, ‘તારા દેશમાં અને તારાં સગાઓ પાસે પાછો જા. હું તારું ભલું કરીશ.’+ ૧૦ તમે મને જે અતૂટ પ્રેમ બતાવ્યો છે, જે વફાદારી બતાવી છે,+ એને હું લાયક નથી. આ યર્દન નદી પાર કરી ત્યારે, મારી પાસે ફક્ત એક લાકડી હતી. હવે જુઓ, મારી પાસે એટલું બધું છે કે એના બે ટોળાં થયાં છે.+ ૧૧ હું તમને વિનંતી કરું છું,+ મને મારા ભાઈ એસાવના હાથમાંથી બચાવો. મને ડર છે કે તે આવશે અને મારા પર, સ્ત્રીઓ પર અને બાળકો પર હુમલો કરશે.+ ૧૨ તમે કહ્યું હતું: ‘હું ચોક્કસ તારું ભલું કરીશ અને તારા વંશજની સંખ્યા સમુદ્રની રેતી જેટલી કરીશ, જેને કોઈ ગણી નહિ શકે.’”+
૧૩ યાકૂબે ત્યાં જ રાત વિતાવી. પછી પોતાના ભાઈ એસાવને ભેટ આપવા આ પ્રાણીઓ લીધાં:+ ૧૪ ૨૦૦ બકરીઓ, ૨૦ બકરા, ૨૦૦ ઘેટીઓ, ૨૦ ઘેટા, ૧૫ ૩૦ ઊંટડીઓ અને તેઓનાં બચ્ચાં, ૪૦ ગાયો, ૧૦ બળદો, ૨૦ ગધેડીઓ અને ૧૦ ગધેડા.+
૧૬ પછી પ્રાણીઓનાં ટોળાં પાડીને તેણે ચાકરોને આપ્યાં. તેણે તેઓને કહ્યું: “મારી આગળ નદી પાર કરો અને દરેક ટોળા વચ્ચે અમુક અંતર રાખજો.” ૧૭ પ્રથમ ચાકરને તેણે આ આજ્ઞા આપી: “જો મારો ભાઈ એસાવ તને મળે અને પૂછે, ‘તું કોનો માણસ છે? તું ક્યાં જાય છે અને આ બધું કોનું છે?’ ૧૮ તો તારે કહેવું, ‘એ બધું તમારા સેવક યાકૂબનું છે. તેમણે પોતાના માલિક એસાવ માટે એ ભેટો મોકલી છે.+ તે પણ અમારી પાછળ પાછળ આવી રહ્યા છે.’” ૧૯ બીજા ચાકરને, ત્રીજા ચાકરને અને ટોળાંની આગેવાની લેનાર દરેક ચાકરને યાકૂબે આજ્ઞા આપી: “તમે એસાવને મળો ત્યારે, મેં તમને જે કહ્યું છે એ બધું જણાવજો. ૨૦ તમે આમ પણ કહેજો, ‘તમારો ચાકર યાકૂબ અમારી પાછળ આવે છે.’” યાકૂબને થયું: ‘ભેટ મોકલવાથી+ કદાચ એસાવનો ગુસ્સો શાંત પડશે. પછી હું તેને મળીશ ત્યારે તે કદાચ પ્રેમથી મારો આવકાર કરશે.’ ૨૧ ચાકરોએ ભેટ સાથે નદી પાર કરી, પણ યાકૂબે છાવણીમાં જ રાત વિતાવી.
૨૨ પછી રાતે તે ઊઠ્યો અને પોતાની બે પત્નીઓ,+ બે દાસીઓ+ અને ૧૧ દીકરાઓને લઈને યાબ્બોકના છીછરા પાણીમાંથી પાર ઊતર્યો.+ ૨૩ યાકૂબે સર્વ માલમતા સાથે તેઓને નદી પાર કરાવી.
૨૪ આખરે યાકૂબ એકલો રહી ગયો. પછી વહેલી સવાર સુધી એક માણસે* તેની સાથે કુસ્તી કરી.+ ૨૫ જ્યારે તે માણસને ખ્યાલ આવ્યો કે તે યાકૂબને હરાવી શક્યો નથી, ત્યારે તે યાકૂબના થાપાના સાંધાને અડ્યો. આમ કુસ્તી કરતાં કરતાં યાકૂબના થાપાનો સાંધો ઊતરી ગયો.+ ૨૬ પછી તે માણસે કહ્યું: “પરોઢ થવા આવ્યું છે, એટલે મને જવા દે.” ત્યારે યાકૂબે કહ્યું: “જ્યાં સુધી તમે મને આશીર્વાદ નહિ આપો, ત્યાં સુધી હું તમને નહિ જવા દઉં.”+ ૨૭ એટલે તે માણસે પૂછ્યું: “તારું નામ શું છે?” તેણે કહ્યું: “યાકૂબ.” ૨૮ તે માણસે કહ્યું: “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયેલ* કહેવાશે,+ કેમ કે તેં ઈશ્વર સાથે અને માણસો સાથે લડાઈ કરી છે+ અને આખરે જીત મેળવી છે.” ૨૯ યાકૂબે તેને કહ્યું: “તમારું નામ શું છે?” તે માણસે કહ્યું: “તું શા માટે મારું નામ પૂછે છે?”+ પછી તેણે યાકૂબને આશીર્વાદ આપ્યો. ૩૦ તેથી યાકૂબે એ જગ્યાનું નામ પનીએલ* પાડ્યું,+ કેમ કે તેણે કહ્યું: “મેં ઈશ્વરને મોઢામોઢ જોયા છે, તોપણ મારો જીવ બચ્યો છે.”+
૩૧ યાકૂબે પનુએલ* પસાર કર્યું ત્યારે સૂર્ય ઊગ્યો હતો. પોતાના થાપાની ઈજાને લીધે તે લંગડાતો હતો.+ ૩૨ એટલે ઇઝરાયેલીઓ આજ સુધી પ્રાણીના થાપાના સાંધાનો સ્નાયુ* ખાતા નથી, કેમ કે એ માણસ યાકૂબના થાપાના સાંધાના સ્નાયુને અડ્યો હતો.
૩૩ યાકૂબે નજર ઉઠાવીને જોયું તો, એસાવ અને તેની સાથે ૪૦૦ માણસો આવી રહ્યા હતા.+ એટલે તેણે લેઆહ, રાહેલ અને બે દાસીઓ વચ્ચે બાળકો વહેંચી આપ્યાં.+ ૨ તેણે દાસીઓ અને તેઓનાં બાળકોને સૌથી આગળ રાખ્યાં.+ લેઆહ અને તેનાં બાળકોને વચ્ચે રાખ્યાં.+ રાહેલ+ અને યૂસફને છેલ્લે રાખ્યાં. ૩ પછી યાકૂબ એ સર્વની આગળ ગયો. તેના ભાઈની નજીક પહોંચ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર જમીન સુધી નમીને તેને પ્રણામ કર્યા.
૪ યાકૂબને જોઈને એસાવ તેને મળવા દોડ્યો. તે યાકૂબને ભેટી પડ્યો, તેને ચુંબન કર્યું અને તેઓ બંને પોક મૂકીને રડ્યા. ૫ સ્ત્રીઓ અને બાળકોને જોઈને એસાવે યાકૂબને પૂછ્યું: “તારી સાથે આ બધાં કોણ છે?” તેણે કહ્યું: “આ મારાં બાળકો છે. ઈશ્વરની મહેરબાનીથી મને એ બાળકો થયાં છે.”+ ૬ દાસીઓએ અને તેઓનાં બાળકોએ આગળ આવીને એસાવને નમન કર્યું. ૭ પછી લેઆહે અને તેનાં બાળકોએ નમન કર્યું. છેલ્લે, રાહેલે અને યૂસફે પણ નમન કર્યું.+
૮ એસાવે પૂછ્યું: “જે લોકો અને ઢોરઢાંક મને રસ્તામાં મળ્યાં, એ બધાં તેં કેમ મોકલ્યાં?”+ યાકૂબે કહ્યું: “જેથી હું મારા માલિકની નજરમાં કૃપા પામું.”+ ૯ એસાવે કહ્યું: “મારા ભાઈ, મારી પાસે ખૂબ માલ-મિલકત છે.+ જે તારું છે એ તારી પાસે રાખ.” ૧૦ પણ યાકૂબે કહ્યું: “ના, એમ ન કહેશો. જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મહેરબાની કરીને મારા હાથે આ ભેટ સ્વીકારો. મેં આ ભેટ મોકલી, જેથી તમારું મોં જોઈ શકું. જ્યારે તમે મને ખુશીથી આવકાર્યો,+ ત્યારે મને એવું લાગ્યું કે તમારું મોં જોવું જાણે ઈશ્વરનું મોં જોવા બરાબર છે. ૧૧ મારા દિલની દુઆ છે કે, તમારું હંમેશાં ભલું થાય અને આ ભેટ એની નિશાની છે.+ ઈશ્વરની કૃપાથી મારી પાસે બધું છે, મને કશાની ખોટ નથી.+ કૃપા કરીને એ ભેટ સ્વીકારો.” યાકૂબે ખૂબ આગ્રહ કર્યો, એટલે એસાવે એ ભેટ સ્વીકારી.
૧૨ એસાવે કહ્યું: “ચાલ, અહીંથી જઈએ. હું તારી આગળ જઈને તને રસ્તો બતાવીશ.” ૧૩ પણ યાકૂબે કહ્યું: “મારા માલિક, તમે જાણો છો કે મારાં બાળકો હજી નાનાં છે.+ મારાં ઘેટાં અને ઢોરઢાંકનાં બચ્ચાં ધાવણાં છે. જો તેઓને એક દિવસ પણ ઝડપથી ચલાવીએ, તો આખું ટોળું મરી જશે. ૧૪ એટલે મારા માલિક, તમે તમારા દાસની આગળ જાઓ. હું બાળકો અને ઢોરઢાંક સાથે ધીમે ધીમે ચાલીને આવીશ અને તમને સેઈર દેશમાં મળીશ.”+ ૧૫ એસાવે કહ્યું: “ભલે, હું મારા થોડા ચાકરો તારી પાસે મૂકીને જાઉં છું.” યાકૂબે કહ્યું: “એની શી જરૂર છે? હું મારા માલિકની નજરમાં કૃપા પામું એટલું જ બસ છે.” ૧૬ તેથી એસાવ એ દિવસે પાછો સેઈર જવા નીકળ્યો.
૧૭ યાકૂબ મુસાફરી કરીને સુક્કોથ પહોંચ્યો.+ ત્યાં તેણે પોતાના માટે ઘર બાંધ્યું અને ઢોરઢાંક માટે માંડવા ઊભા કર્યા. તેથી તેણે એ જગ્યાનું નામ સુક્કોથ* પાડ્યું.
૧૮ પાદ્દાનારામથી+ મુસાફરી કરીને યાકૂબ સહીસલામત કનાન+ દેશના શખેમ+ શહેર પહોંચ્યો. તેણે એ શહેર નજીક પોતાનો પડાવ નાખ્યો. ૧૯ પછી તેણે જ્યાં પડાવ નાખ્યો હતો એ જમીન ખરીદી લીધી. એ તેણે હમોરના દીકરાઓ પાસેથી ચાંદીના ૧૦૦ ટુકડામાં ખરીદી.+ હમોરના એક દીકરાનું નામ શખેમ હતું. ૨૦ ત્યાં યાકૂબે એક વેદી બાંધી અને એનું નામ ‘ઈશ્વર, ઇઝરાયેલના ઈશ્વર’ પાડ્યું.+
૩૪ હવે યાકૂબ અને લેઆહની દીકરી દીનાહ,+ કનાન દેશની યુવતીઓ સાથે સમય વિતાવવા* તેઓને ત્યાં વારંવાર જતી હતી.+ ૨ એ દેશનો મુખી હિવ્વી હમોર હતો.+ તેના દીકરા શખેમે દીનાહને જોઈ. એકવાર તેણે દીનાહને બળજબરીથી પકડી અને તેના પર બળાત્કાર કર્યો. ૩ એ પછી તેનું દિલ યાકૂબની દીકરી દીનાહ પર આવી ગયું. તે તેના પ્રેમમાં ડૂબી ગયો અને દીનાહનું દિલ જીતવા મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. ૪ આખરે શખેમે પોતાના પિતા હમોરને+ કહ્યું: “કંઈક કરો, પણ મને આ યુવતી સાથે પરણાવો.”
૫ યાકૂબને જાણ થઈ કે, શખેમે તેની દીકરી દીનાહની આબરૂ લીધી છે. પણ તેણે એ વિશે કોઈને કશું કહ્યું નહિ. તે પોતાના દીકરાઓની રાહ જોવા લાગ્યો, જેઓ મેદાનમાં ઢોરઢાંક ચરાવવા ગયા હતા. ૬ પછી શખેમનો પિતા હમોર યાકૂબ સાથે વાત કરવા આવ્યો. ૭ યાકૂબના દીકરાઓએ પોતાની બહેન વિશે સાંભળ્યું ત્યારે, તરત જ મેદાનમાંથી પાછા ફર્યા. તેઓ ખૂબ જ ગુસ્સે હતા. એ વાત તેઓને અપમાનજનક લાગી, કેમ કે યાકૂબની દીકરી સાથે એવું કુકર્મ કરીને શખેમે ઇઝરાયેલનું અપમાન કર્યું હતું.+
૮ હમોરે તેઓને કહ્યું: “મારો દીકરો શખેમ તમારી દીકરીને ખૂબ ચાહે છે. કૃપા કરીને તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. ૯ અમારી સાથે લગ્નવ્યવહાર કરો. તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ તમે લો.+ ૧૦ આખો દેશ તમારી આગળ છે. અમારી સાથે રહો, વેપાર કરો અને અહીં જ વસી જાઓ.” ૧૧ પછી શખેમે યાકૂબ અને દીનાહના ભાઈઓને કહ્યું: “તમે જે કંઈ માંગશો એ હું આપીશ, બસ મારી ઇચ્છા પૂરી કરો. ૧૨ તમે માંગશો એટલી મોટી રકમ અને ભેટો આપીશ.+ તમે જે કહેશો એ બધું હું ખુશી ખુશી આપીશ. બસ, તમારી દીકરી મારી સાથે પરણાવો.”
૧૩ શખેમે દીનાહની આબરૂ લીધી હતી. એટલે યાકૂબના દીકરાઓએ શખેમ અને તેના પિતા હમોરને કપટથી જવાબ આપ્યો. ૧૪ તેઓએ કહ્યું: “અમે અમારી બહેનને એવા માણસ સાથે ન પરણાવી શકીએ, જેની સુન્નત+ થઈ ન હોય. એ અપમાનજનક કહેવાય! ૧૫ પણ એક જ શરતે એ શક્ય છે, અમારી જેમ તમારા બધા પુરુષોની સુન્નત કરાવો.+ ૧૬ પછી અમારી દીકરીઓ અમે તમને આપીશું અને તમારી દીકરીઓ અમે લઈશું. અમે તમારી સાથે રહીશું અને આપણે એક પ્રજા થઈશું. ૧૭ પણ જો તમે અમારું સાંભળીને સુન્નત નહિ કરાવો, તો અમે અમારી દીકરીને લઈને ચાલ્યા જઈશું.”
૧૮ હમોર+ અને તેના દીકરા શખેમને+ તેઓની વાત સારી લાગી. ૧૯ તેઓની વાત માનવામાં એ યુવાને જરાય મોડું ન કર્યું,+ કેમ કે તે યાકૂબની દીકરીના પ્રેમમાં ગળાડૂબ હતો. હવે હમોરના ઘરમાં શખેમનું ઘણું માન હતું.
૨૦ હમોર અને તેનો દીકરો શખેમ તરત જ શહેરના દરવાજે ગયા અને ત્યાંના પુરુષોને કહ્યું:+ ૨૧ “આ માણસો આપણી સાથે શાંતિથી રહેવા માંગે છે. આ દેશ ખૂબ વિશાળ છે અને જગ્યાની કોઈ ખોટ નથી. તેઓને અહીં રહેવા દો અને વેપાર કરવા દો. આપણે તેઓની દીકરીઓ લઈશું અને તેઓને આપણી દીકરીઓ આપીશું.+ ૨૨ તેઓ આપણી સાથે રહેવા અને એક પ્રજા થવા રાજી છે. પણ તેઓએ એક શરત મૂકી છે કે, તેઓની જેમ આપણા દરેક પુરુષની સુન્નત થવી જોઈએ.+ ૨૩ પછી તેઓની માલ-મિલકત અને ઢોરઢાંક આપણાં જ સમજો. ચાલો, તેઓની શરત માનીએ, જેથી તેઓ આપણી સાથે રહે.” ૨૪ શહેરના દરવાજે ભેગા થયેલા પુરુષોએ હમોર અને તેના દીકરા શખેમની વાત માની. આમ એ શહેરના દરેક પુરુષની સુન્નત કરવામાં આવી.
૨૫ સુન્નત પછી ત્રીજા દિવસે એ શહેરના પુરુષો પીડાથી કણસતા હતા. એવામાં યાકૂબના બે દીકરાઓ શિમયોન અને લેવી તલવાર લઈને કોઈને શંકા ન જાય એ રીતે શહેરમાં ઘૂસ્યા. દીનાહના એ બે ભાઈઓએ+ શહેરના બધા પુરુષોને મારી નાખ્યા.+ ૨૬ તેઓએ હમોર અને તેના દીકરા શખેમને પણ તલવારથી મારી નાખ્યા. પછી તેઓ શખેમના ઘરમાંથી દીનાહને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. ૨૭ યાકૂબના બીજા દીકરાઓ શહેરમાં આવ્યા ત્યારે, તેઓએ પુરુષોની લાશો જોઈ. પછી તેઓએ આખા શહેરને લૂંટી લીધું, કેમ કે ત્યાં તેઓની બહેનની આબરૂ લૂંટાઈ હતી.+ ૨૮ તેઓનાં ઘેટાં-બકરાં, ઢોરઢાંક, ગધેડાં તેમજ શહેરમાં અને મેદાનમાં જે કંઈ હતું એ બધું તેઓએ લૂંટી લીધું. ૨૯ તેઓની બધી માલ-મિલકત, બાળકો અને પત્નીઓ કબજે કરી લીધાં. તેઓનાં ઘરમાં જે કંઈ હતું એ બધું લૂંટી લીધું.
૩૦ એ વિશે સાંભળીને યાકૂબે શિમયોન અને લેવીને કહ્યું:+ “તમે મારા પર મોટી આફત લાવ્યા છો.* હવે આ દેશના લોકો, એટલે કે કનાનીઓ અને પરિઝ્ઝીઓ મને ધિક્કારશે. જો તેઓ ભેગા થઈને મારા પર હુમલો કરશે, તો સમજો મારું આવી જ બન્યું. કેમ કે તેઓની સરખામણીમાં આપણે થોડા જ છીએ. તેઓ મારો અને મારા આખા ઘરનો વિનાશ કરી નાખશે.” ૩૧ પણ એ બે દીકરાઓએ કહ્યું: “અમારી બહેન શું વેશ્યા છે કે કોઈ તેની સાથે આ રીતે વર્તે? શું એ જોઈને અમે ચૂપચાપ બેસી રહીએ?”
૩૫ પછી ઈશ્વરે યાકૂબને કહ્યું: “ઊઠ, બેથેલ જા+ અને ત્યાં રહે. તું તારા ભાઈ એસાવથી નાસતો હતો+ ત્યારે, જે સાચા ઈશ્વર તારી આગળ પ્રગટ થયા હતા તેમના માટે બેથેલમાં એક વેદી બાંધ.”
૨ તરત જ, યાકૂબે પોતાના ઘરનાને અને તેની સાથેના લોકોને કહ્યું: “તમારી વચ્ચેથી જૂઠા દેવોની મૂર્તિઓને દૂર કરો.+ પોતાને શુદ્ધ કરો અને તમારાં કપડાં બદલો. ૩ ચાલો આપણે બેથેલ જઈએ. ત્યાં હું સાચા ઈશ્વર માટે એક વેદી બાંધીશ. મારા દુઃખના દિવસોમાં તેમણે મારી વિનંતીઓ સાંભળી હતી અને હું જ્યાં પણ ગયો* ત્યાં તે મારી સાથે હતા.”+ ૪ તેથી તેઓએ પોતાની પાસે હતી એ મૂર્તિઓ અને કાનની બુટ્ટીઓ કાઢીને યાકૂબને આપી દીધી. યાકૂબે એ બધું લઈને શખેમ શહેર નજીક આવેલા મોટા ઝાડ નીચે દાટી* દીધું.
૫ પછી તેઓએ મુસાફરી શરૂ કરી. આસપાસનાં શહેરોના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો ન કર્યો, કેમ કે તેઓ પર ઈશ્વરનો ડર છવાયેલો હતો. ૬ આખરે યાકૂબ અને તેની સાથેના લોકો કનાન દેશના બેથેલ (એટલે કે, લૂઝ)+ આવી પહોંચ્યા. ૭ યાકૂબે ત્યાં એક વેદી બાંધી અને એ જગ્યાનું નામ એલ-બેથેલ* પાડ્યું. તે પોતાના ભાઈથી નાસી રહ્યો હતો ત્યારે, એ જગ્યાએ સાચા ઈશ્વર તેની આગળ પ્રગટ થયા હતા.+ ૮ થોડા સમય પછી, રિબકાની દાઈ દબોરાહ+ મરી ગઈ. તેને બેથેલ નજીક એક મોટા ઝાડ* નીચે દફનાવવામાં આવી. તેથી યાકૂબે એ ઝાડનું નામ એલોન-બાખૂથ* પાડ્યું.
૯ યાકૂબ પાદ્દાનારામથી નીકળ્યો ત્યારે, ઈશ્વર ફરી એક વાર તેની આગળ પ્રગટ થયા અને તેને આશીર્વાદ આપ્યો. ૧૦ ઈશ્વરે તેને કહ્યું: “તારું નામ યાકૂબ છે.+ પણ હવેથી તારું નામ યાકૂબ નહિ, ઇઝરાયેલ કહેવાશે.” પછી ઈશ્વર તેને ઇઝરાયેલ નામથી બોલાવવા લાગ્યા.+ ૧૧ ઈશ્વરે કહ્યું: “હું સર્વશક્તિમાન ઈશ્વર છું.+ તને ઘણાં બાળકો થશે, તેઓ પુષ્કળ વધશે. તારામાંથી પ્રજાઓ, હા, ઘણી પ્રજાઓ આવશે.+ તારા વંશમાંથી રાજાઓ થશે.+ ૧૨ જે દેશ મેં ઇબ્રાહિમને અને ઇસહાકને આપ્યો હતો, એ દેશ હું તને અને તારા વંશજને આપીશ.”+ ૧૩ યાકૂબ સાથે વાત કર્યા પછી ઈશ્વર ત્યાંથી જતા રહ્યા.
૧૪ ઈશ્વરે જ્યાં વાત કરી હતી, ત્યાં યાકૂબે એક સ્મારક-સ્તંભ ઊભો કર્યો. પથ્થરના એ સ્તંભ પર તેણે દ્રાક્ષદારૂ-અર્પણ* રેડ્યું અને પછી એના પર તેલ રેડ્યું.+ ૧૫ યાકૂબે ફરી એ જગ્યાને બેથેલ કહી,+ જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી.
૧૬ પછી તેઓ બેથેલથી નીકળ્યા. તેઓ એફ્રાથથી થોડે દૂર હતા, એવામાં રાહેલને પ્રસૂતિની પીડા ઊપડી. બાળકને જન્મ આપતા તેને ખૂબ જ પીડા થતી હતી. ૧૭ તે પીડાથી કણસતી હતી ત્યારે, દાઈએ તેને કહ્યું: “ગભરાશો નહિ, તમે આ દીકરાને પણ જન્મ આપશો.”+ ૧૮ તે છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે, તેણે પોતાના દીકરાનું નામ બેનોની* પાડ્યું. પણ યાકૂબે તેનું નામ બિન્યામીન* પાડ્યું.+ ૧૯ આમ રાહેલ ગુજરી ગઈ અને તેને એફ્રાથ, એટલે કે બેથલેહેમ+ જવાના રસ્તે દફનાવવામાં આવી. ૨૦ યાકૂબે તેની કબર પર એક મોટો પથ્થર મૂક્યો. એ પથ્થર આજે પણ રાહેલની કબર પર છે.
૨૧ ત્યાર પછી, ઇઝરાયેલે મુસાફરી આગળ વધારી અને એદેરના મિનારાથી થોડે દૂર પોતાનો પડાવ નાખ્યો. ૨૨ ઇઝરાયેલ એ દેશમાં રહેતો હતો એ દરમિયાન રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાહ સાથે સૂઈ ગયો. એ વાત ઇઝરાયેલના કાને પડી.+
હવે યાકૂબને ૧૨ દીકરાઓ હતા. ૨૩ યાકૂબને લેઆહથી રૂબેન થયો, જે પ્રથમ જન્મેલો દીકરો હતો.+ પછી શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર અને ઝબુલોન થયા. ૨૪ રાહેલથી યૂસફ અને બિન્યામીન થયા. ૨૫ રાહેલની દાસી બિલ્હાહથી દાન અને નફતાલી થયા. ૨૬ લેઆહની દાસી ઝિલ્પાહથી ગાદ અને આશેર થયા. એ બધા યાકૂબના દીકરાઓ હતા, જે તેને પાદ્દાનારામમાં થયા હતા.
૨૭ આખરે, યાકૂબ પોતાના પિતા ઇસહાક પાસે મામરે પહોંચ્યો.+ મામરે કિર્યાથ-આર્બામાં, એટલે કે હેબ્રોનમાં આવેલું છે. એ જ જગ્યાએ ઇબ્રાહિમ અને ઇસહાક પરદેશીઓ તરીકે રહ્યા હતા.+ ૨૮ ઇસહાક ૧૮૦ વર્ષ જીવ્યો.+ ૨૯ તે ખૂબ લાંબું અને સંતોષકારક જીવન જીવ્યો. પછી તેનું મરણ થયું અને તેને તેના બાપદાદાઓની જેમ દફનાવવામાં આવ્યો.* તેના બે દીકરા એસાવ અને યાકૂબે તેને દફનાવ્યો.+
૩૬ એસાવ, એટલે કે અદોમની+ વંશાવળી આ છે.
૨ એસાવે કનાન દેશની આ બે દીકરીઓ સાથે લગ્ન કર્યાં: આદાહ,+ જે હિત્તી એલોનની દીકરી હતી+ અને ઓહલીબામાહ,+ જે અનાહની દીકરી અને હિવ્વી સિબઓનની પૌત્રી હતી. ૩ તેણે બાસમાથ+ સાથે પણ લગ્ન કર્યું, જે ઇશ્માએલની દીકરી અને નબાયોથની બહેન હતી.+
૪ એસાવની પત્ની આદાહે અલીફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.
૫ ઓહલીબામાહે યેઉશ, યાલામ અને કોરાહને+ જન્મ આપ્યો.
એ બધા એસાવના દીકરાઓ છે, જે તેને કનાન દેશમાં થયા હતા. ૬ એસાવ પોતાની પત્નીઓ, દીકરા-દીકરીઓ, પોતાના ઘરના સર્વ લોકો, ઢોરઢાંક અને કનાન દેશમાં ભેગી કરેલી બધી માલ-મિલકત+ લઈને પોતાના ભાઈ યાકૂબથી દૂર બીજા દેશમાં ગયો.+ ૭ કેમ કે તેઓની માલ-મિલકત એટલી વધી ગઈ હતી કે, હવે તેઓ માટે ભેગા રહેવું શક્ય ન હતું. તેઓ જે દેશમાં રહેતા હતા* ત્યાં એટલી જમીન પણ ન હતી કે તેઓનું ગુજરાન થઈ શકે. ૮ એસાવ સેઈરના પહાડી પ્રદેશમાં+ રહેવા ગયો. એસાવ એ જ અદોમ છે.+
૯ સેઈરના પહાડી પ્રદેશમાં રહેતા અદોમીઓના પિતા એસાવની વંશાવળી આ છે.+
૧૦ એસાવના દીકરાઓ આ હતા: અલીફાઝ, જે એસાવની પત્ની આદાહનો દીકરો હતો અને રેઉએલ, જે એસાવની પત્ની બાસમાથનો દીકરો હતો.+
૧૧ અલીફાઝના દીકરાઓ આ હતા: તેમાન,+ ઓમાર, સફો, ગાતામ અને કનાઝ.+ ૧૨ એસાવના દીકરા અલીફાઝની ઉપપત્નીનું નામ તિમ્ના હતું. સમય જતાં, અલીફાઝને તિમ્નાથી અમાલેક+ થયો. એ બધા એસાવની પત્ની આદાહના પૌત્રો હતા.
૧૩ રેઉએલના દીકરાઓ આ હતા: નાહાથ, ઝેરાહ, શામ્માહ અને મિઝ્ઝાહ. એ બધા એસાવની પત્ની બાસમાથના પૌત્રો હતા.+
૧૪ એસાવની પત્ની ઓહલીબામાહના દીકરાઓ આ હતા: યેઉશ, યાલામ અને કોરાહ. ઓહલીબામાહ અનાહની દીકરી અને સિબઓનની પૌત્રી હતી.
૧૫ એસાવના દીકરાઓથી* જે શેખ* આવ્યા તેઓ આ હતા:+ એસાવના પ્રથમ જન્મેલા દીકરા અલીફાઝના દીકરાઓ: શેખ તેમાન, શેખ ઓમાર, શેખ સફો, શેખ કનાઝ,+ ૧૬ શેખ કોરાહ, શેખ ગાતામ અને શેખ અમાલેક. એ બધા અલીફાઝથી થયેલા શેખ હતા,+ જેઓ અદોમમાં રહેતા હતા. એ બધા આદાહના પૌત્રો હતા.
૧૭ એસાવના દીકરા રેઉએલના દીકરાઓ આ હતા: શેખ નાહાથ, શેખ ઝેરાહ, શેખ શામ્માહ અને શેખ મિઝ્ઝાહ. એ બધા રેઉએલથી થયેલા શેખ હતા, જેઓ અદોમમાં રહેતા હતા.+ એ બધા એસાવની પત્ની બાસમાથના પૌત્રો હતા.
૧૮ છેલ્લે, એસાવની પત્ની ઓહલીબામાહના દીકરાઓ આ હતા: શેખ યેઉશ, શેખ યાલામ અને શેખ કોરાહ. એ બધા એસાવની પત્ની ઓહલીબામાહથી થયેલા શેખ હતા. ઓહલીબામાહ અનાહની દીકરી હતી.
૧૯ એ બધા એસાવના દીકરાઓ* અને તેઓના શેખ હતા. એસાવ એ જ અદોમ છે.+
૨૦ એ દેશના મૂળ રહેવાસીઓ હોરી જાતિના હતા. હોરી સેઈરના દીકરાઓ આ હતા:+ લોટાન, શોબાલ, સિબઓન, અનાહ,+ ૨૧ દીશોન, એસેર અને દિશાન.+ તેઓ સેઈરના દીકરાઓ, એટલે કે હોરીઓના શેખ હતા અને અદોમ દેશમાં રહેતા હતા.
૨૨ લોટાનના દીકરાઓ હોરી અને હેમામ હતા. લોટાનની બહેનનું નામ તિમ્ના હતું.+
૨૩ શોબાલના દીકરાઓ આ હતા: આલ્વાન, માનાહાથ, એબાલ, શફો અને ઓનામ.
૨૪ સિબઓનના દીકરાઓ આ હતા:+ આયાહ અને અનાહ. આ એ જ અનાહ છે, જેને તેના પિતા સિબઓનનાં ગધેડાં ચરાવતી વખતે વેરાન પ્રદેશમાં ગરમ પાણીના ઝરા મળ્યા હતા.
૨૫ અનાહનાં બાળકો આ હતાં: દીકરો દીશોન અને દીકરી ઓહલીબામાહ.
૨૬ દીશોનના દીકરાઓ આ હતા: હેમ્દાન, એશ્બાન, યિથ્રાન અને ખરાન.+
૨૭ એસેરના દીકરાઓ આ હતા: બિલ્હાન, ઝાઅવાન અને અકાન.
૨૮ દિશાનના દીકરાઓ આ હતા: ઉસ અને આરાન.+
૨૯ હોરીઓના શેખ આ હતા: શેખ લોટાન, શેખ શોબાલ, શેખ સિબઓન, શેખ અનાહ, ૩૦ શેખ દીશોન, શેખ એસેર અને શેખ દિશાન.+ તેઓ હોરીઓના અલગ અલગ શેખ હતા અને સેઈર દેશમાં રહેતા હતા.
૩૧ ઇઝરાયેલીઓ* પર રાજાઓ રાજ કરવા લાગ્યા એ પહેલાં+ અદોમ દેશમાં આ રાજાઓ રાજ કરતા હતા:+ ૩૨ બયોરનો દીકરો બેલા અદોમ પર રાજ કરતો હતો. તેના શહેરનું નામ દીનહાબાહ હતું. ૩૩ બેલાના મરણ પછી, ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું. ઝેરાહ બોસરાહ શહેરનો હતો. ૩૪ યોબાબના મરણ પછી, હૂશામે તેની જગ્યાએ રાજ કર્યું, જે તેમાની લોકોના પ્રદેશમાંથી હતો. ૩૫ હૂશામના મરણ પછી, બદાદના દીકરા હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. હદાદે મિદ્યાનીઓને+ મોઆબના વિસ્તારમાં હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું. ૩૬ હદાદના મરણ પછી, સામ્લાહે તેની જગ્યાએ રાજ કર્યું. તે માસ્રેકાહ વિસ્તારનો હતો. ૩૭ સામ્લાહના મરણ પછી, શાઊલે તેની જગ્યાએ રાજ કર્યું. તે નદી પાસેના રહોબોથનો હતો. ૩૮ શાઊલના મરણ પછી, આખ્બોરના દીકરા બઆલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું. ૩૯ આખ્બોરના દીકરા બઆલ-હાનાનના મરણ પછી, હદારે તેની જગ્યાએ રાજ કર્યું. હદારના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, જે માટરેદની દીકરી હતી. માટરેદ મેઝાહાબની દીકરી હતી.
૪૦ એસાવથી આવેલા શેખ પોતપોતાનાં કુટુંબો અને વિસ્તારો પ્રમાણે વસ્યા. એ શેખનાં નામ આ હતાં: શેખ તિમ્ના, શેખ આલ્વાહ, શેખ યથેથ,+ ૪૧ શેખ ઓહલીબામાહ, શેખ એલાહ, શેખ પીનોન, ૪૨ શેખ કનાઝ, શેખ તેમાન, શેખ મિબ્સાર, ૪૩ શેખ માગ્દીએલ અને શેખ ઇરામ. એ બધા અદોમના શેખ હતા. તેઓનાં નામ પરથી તેઓના વિસ્તારનાં નામ પડ્યાં.+ અદોમીઓનો પિતા એસાવ છે.+
૩૭ યાકૂબ કનાન દેશમાં રહ્યો, જ્યાં તેના પિતાએ પરદેશી તરીકે જીવન વિતાવ્યું હતું.+
૨ યાકૂબ વિશે આ અહેવાલ છે.
તેનો દીકરો યૂસફ+ ૧૭ વર્ષનો હતો ત્યારે, તે પોતાના ભાઈઓ સાથે ઘેટાં-બકરાં ચરાવતો હતો.+ એ ભાઈઓ તેના પિતાની બીજી પત્નીઓ બિલ્હાહ+ અને ઝિલ્પાહના દીકરાઓ હતા.+ એ ભાઈઓ જે ખોટાં કામો કરતાં હતાં, એ વિશે યૂસફે પિતાને બધું જણાવ્યું. ૩ હવે ઇઝરાયેલ પોતાના બીજા દીકરાઓ કરતાં યૂસફને વધારે પ્રેમ કરતો હતો,+ કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો. તેણે યૂસફ માટે એક ખાસ ઝભ્ભો* સિવડાવ્યો હતો. ૪ તેના ભાઈઓએ જ્યારે જોયું કે તેઓના પિતા સૌથી વધારે યૂસફને પ્રેમ કરે છે, ત્યારે તેઓ યૂસફને ધિક્કારવા લાગ્યા. એટલે સુધી કે તેઓ તેની સાથે સારી રીતે* વાત પણ કરતા નહિ.
૫ થોડા સમય પછી યૂસફને એક સપનું આવ્યું. તેણે એ વિશે પોતાના ભાઈઓને જણાવ્યું.+ એના લીધે તેઓ યૂસફને વધારે ધિક્કારવા લાગ્યા. ૬ યૂસફે તેઓને કહ્યું: “મેં સપનામાં જે જોયું એ મહેરબાની કરીને સાંભળો. ૭ આપણે ખેતરમાં પૂળીઓ બાંધતા હતા. એવામાં મારી પૂળી ઊભી થઈ અને એની ચારે બાજુ તમારી પૂળીઓ ઊભી રહીને નમન કરવા લાગી.”+ ૮ તેના ભાઈઓએ તેને કહ્યું: “તું કહેવા શું માંગે છે? શું તું અમારો રાજા બનીને અમારા પર અધિકાર ચલાવીશ?”+ આમ યૂસફનું સપનું અને તેની વાતો સાંભળીને તેઓ તેને વધારે નફરત કરવા લાગ્યા.
૯ પછી તેને બીજું એક સપનું આવ્યું. એ વિશે તેણે તેના ભાઈઓને કહ્યું: “મને બીજું એક સપનું આવ્યું છે. આ વખતે સૂર્ય, ચંદ્ર અને ૧૧ તારાઓ મારી આગળ નમતા હતા.”+ ૧૦ પછી ભાઈઓની હાજરીમાં તેણે એ સપના વિશે તેના પિતાને જણાવ્યું. પિતાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું: “આવું તો કેવું સપનું? શું તને એવું લાગે છે કે હું, તારી મા અને તારા ભાઈઓ તારી આગળ જમીન સુધી માથું નમાવીશું?” ૧૧ યૂસફની વાતથી તેના ભાઈઓ ઈર્ષાની આગમાં બળવા લાગ્યા,+ પણ તેના પિતાએ એ બધી વાતો મનમાં રાખી.
૧૨ એકવાર યૂસફના ભાઈઓ પિતાનાં ઘેટાં-બકરાં ચરાવવા શખેમ નજીક ગયા.+ ૧૩ પછી ઇઝરાયેલે યૂસફને કહ્યું: “જો, તારા ભાઈઓ ઘેટાં-બકરાં ચરાવવા શખેમ નજીક ગયા છે. શું તું તેઓ પાસે જઈશ?” તેણે કહ્યું: “હા, હું જઈશ.” ૧૪ ઇઝરાયેલે કહ્યું: “જા, જરા જોઈ આવ, તારા ભાઈઓ અને ઘેટાં-બકરાં ઠીક છે કે નહિ. પછી મને ખબર આપ.” એટલે તે હેબ્રોનના નીચાણ પ્રદેશમાંથી+ નીકળીને શખેમ તરફ ગયો. ૧૫ યૂસફ એક મેદાનમાં આમતેમ ફરતો હતો ત્યારે તેને એક માણસ મળ્યો. તે માણસે યૂસફને પૂછ્યું: “તું શું શોધે છે?” ૧૬ તેણે કહ્યું: “હું મારા ભાઈઓને શોધું છું. શું તમને ખબર છે તેઓ ક્યાં ઘેટાં-બકરાં ચરાવે છે?” ૧૭ તે માણસે કહ્યું: “તેઓ અહીંથી નીકળી ગયા છે. મેં તેઓને કહેતા સાંભળ્યા હતા, ‘ચાલો, આપણે દોથાન જઈએ.’” તેથી યૂસફ તેના ભાઈઓની પાછળ પાછળ ગયો અને તેઓ તેને દોથાનમાં મળ્યા.
૧૮ તેઓએ દૂરથી યૂસફને આવતો જોયો. તે નજીક પહોંચે એ પહેલાં તેઓએ તેને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. ૧૯ તેઓએ એકબીજાને કહ્યું: “જુઓ! પેલો સપનાં જોનારો આવી રહ્યો છે.+ ૨૦ ચાલો, તેને મારી નાખીએ અને પાણીના ખાડામાં નાખી દઈએ. આપણે કહીશું કે, કોઈ જંગલી જાનવરે તેને ફાડી ખાધો છે. પછી જોઈએ તેના સપનાંનું શું થાય છે!” ૨૧ રૂબેને+ એ સાંભળ્યું ત્યારે, તેણે યૂસફને બચાવવાની કોશિશ કરી. તેણે કહ્યું: “આપણે તેનો જીવ ન લેવો જોઈએ.”+ ૨૨ રૂબેને આગળ કહ્યું: “તેનું લોહી ન વહેવડાવશો.+ તેને કંઈ ઈજા ન કરશો.*+ તેને બસ અહીં વેરાન પ્રદેશના આ ખાડામાં ફેંકી દો.” તેનો ઇરાદો તો યૂસફને બચાવવાનો હતો, જેથી પોતાના પિતાને તે સહીસલામત પાછો આપી શકે.
૨૩ યૂસફ તેના ભાઈઓ પાસે આવ્યો ત્યારે, તેણે પહેરેલો ખાસ ઝભ્ભો તેઓએ ઝૂંટવી લીધો.+ ૨૪ તેઓએ તેને પકડીને સૂકા ખાડામાં નાખી દીધો.
૨૫ પછી તેઓ ખાવા બેઠા. તેઓએ જોયું તો, ઇશ્માએલીઓનું+ એક ટોળું ગિલયાદ તરફથી આવી રહ્યું હતું અને ઇજિપ્ત તરફ જઈ રહ્યું હતું. તેઓનાં ઊંટો પર ખુશબોદાર ગુંદર, સુગંધી દ્રવ્ય* અને ઝાડની સુગંધિત છાલ*+ લાદેલાં હતાં. ૨૬ ત્યારે યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું: “આપણા ભાઈને મારી નાખીને એ વાત છુપાવવાથી* કોઈ ફાયદો નહિ થાય.+ ૨૭ ચાલો, તેને કોઈ ઈજા ન કરીએ, પણ ઇશ્માએલીઓને વેચી દઈએ.+ આખરે, તે આપણો ભાઈ, આપણું લોહી છે.” તેથી, તેઓએ યહૂદાની વાત માની. ૨૮ ઇશ્માએલી*+ વેપારીઓ ત્યાંથી પસાર થયા ત્યારે, યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢ્યો. પછી, ચાંદીના ૨૦ ટુકડામાં તેઓએ તેને ઇશ્માએલીઓને વેચી દીધો.+ એ માણસો યૂસફને ઇજિપ્ત લઈ ગયા.
૨૯ થોડા સમય પછી, રૂબેન ખાડા પાસે પાછો આવ્યો. પણ યૂસફ ત્યાં ન હતો. તેણે દુઃખી થઈને પોતાનાં કપડાં ફાડ્યાં. ૩૦ તે પોતાના ભાઈઓ પાસે પાછો આવ્યો અને બૂમો પાડીને કહેવા લાગ્યો: “છોકરો ત્યાં નથી! હવે હું શું કરીશ?”
૩૧ તેથી તેઓએ યૂસફનો ઝભ્ભો લીધો અને એક બકરો કાપીને એના લોહીમાં એ બોળ્યો. ૩૨ પછી તેઓએ એ ખાસ ઝભ્ભો પોતાના પિતા પાસે મોકલ્યો અને સંદેશો આપ્યો: “અમને આ ઝભ્ભો મળ્યો છે. તપાસીને જુઓ કે એ તમારા દીકરાનો છે કે નહિ.”+ ૩૩ યાકૂબે એ ઓળખી કાઢ્યો અને બૂમ પાડીને કહ્યું: “એ મારા દીકરાનો ઝભ્ભો છે! જરૂર કોઈ જંગલી જાનવરે તેને ફાડી ખાધો હશે! તેના ટુકડે-ટુકડા કરી નાખ્યા હશે!” ૩૪ યાકૂબે પોતાનાં કપડાં ફાડ્યાં અને કમરે કંતાન બાંધીને પોતાના દીકરા માટે ઘણા દિવસો શોક પાળ્યો. ૩૫ તેનાં બધાં દીકરા-દીકરીઓએ તેને દિલાસો આપવાની કોશિશ કરી. પણ તેણે દિલાસો લેવાની ના પાડી. તેણે કહ્યું: “હું કબરમાં* જઈશ+ ત્યાં સુધી મારા દીકરા માટે શોક પાળતો રહીશ!” આમ યૂસફનો પિતા તેના માટે રડતો રહ્યો.
૩૬ ઇશ્માએલી* વેપારીઓએ યૂસફને ઇજિપ્તમાં પોટીફારને વેચી દીધો. પોટીફાર ઇજિપ્તના રાજાના દરબારમાં પ્રધાન+ અને અંગરક્ષકોનો ઉપરી+ હતો.
૩૮ એના થોડા સમય પછી, યહૂદા પોતાના ભાઈઓથી અલગ થયો. જ્યાં હીરાહ નામનો અદુલ્લામી રહેતો હતો, ત્યાં તેણે પોતાનો તંબુ નાખ્યો. ૨ યહૂદાએ ત્યાં શૂઆ નામના કનાની માણસની દીકરીને જોઈ.+ યહૂદાએ તેની સાથે લગ્ન કરીને જાતીય સંબંધ બાંધ્યો. ૩ તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. યહૂદાએ તેનું નામ એર પાડ્યું.+ ૪ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું. ૫ તે ત્રીજી વાર ગર્ભવતી થઈ અને એક દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેલાહ પાડ્યું. યહૂદા ત્યારે આખ્ઝીબમાં*+ રહેતો હતો.
૬ સમય જતાં, યહૂદાએ પોતાના પ્રથમ જન્મેલા દીકરા એરને તામાર+ નામની સ્ત્રી સાથે પરણાવ્યો. ૭ પણ એર યહોવાની નજરમાં દુષ્ટ હતો. તેથી યહોવાએ તેને મારી નાખ્યો. ૮ યહૂદાએ ઓનાનને કહ્યું: “તારા મોટા ભાઈની વિધવા સાથે લગ્ન કર* અને તારા ભાઈ માટે વંશજ પેદા કર.”+ ૯ પણ ઓનાન જાણતો હતો કે આવનાર બાળક તેનું નહિ ગણાય.+ એટલે તે પોતાના ભાઈની પત્ની સાથે સંબંધ બાંધતી વખતે, વીર્ય જમીન પર પાડી નાખતો. તે પોતાના ભાઈ માટે કોઈ વંશજ પેદા કરવા માંગતો ન હતો.+ ૧૦ ઓનાન જે કરતો હતો, એ યહોવાની નજરમાં ખરાબ હતું. તેથી તેમણે ઓનાનને પણ મારી નાખ્યો.+ ૧૧ યહૂદાને ડર લાગ્યો કે, શેલાહ પણ પોતાના ભાઈઓની જેમ માર્યો જશે.+ એટલે તેણે પુત્રવધૂ તામારને કહ્યું: “મારો દીકરો શેલાહ મોટો થાય ત્યાં સુધી તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે.” તેથી તામાર ત્યાંથી ગઈ અને પોતાના પિયરમાં રહેવા લાગી.
૧૨ અમુક સમય પછી યહૂદાની પત્ની, એટલે કે શૂઆની દીકરીનું+ મરણ થયું. શોકના દિવસો પૂરા થયા પછી, યહૂદા પોતાના મિત્ર અદુલ્લામી હીરાહ+ સાથે તિમ્નાહ ગયો.+ ત્યાં યહૂદાનાં ઘેટાંનું ઊન કાતરનારા રહેતા હતા. ૧૩ તામારને સમાચાર મળ્યા: “તારા સસરા પોતાનાં ઘેટાંનું ઊન કાતરવા તિમ્નાહ જઈ રહ્યા છે.” ૧૪ તામારને ખબર પડી કે, શેલાહ હવે મોટો થઈ ગયો છે, છતાં તેને તેની સાથે પરણાવવામાં આવ્યો નથી.+ તેથી તેણે વિધવાનાં કપડાં કાઢીને બીજાં કપડાં પહેર્યાં. તેણે ઓઢણીથી પોતાનો ચહેરો ઢાંક્યો અને શાલ ઓઢી. પછી તે એનાઇમ શહેરના દરવાજે બેઠી, જે તિમ્નાહ જવાને રસ્તે આવ્યું હતું.
૧૫ યહૂદાએ તેને જોઈ ત્યારે તેને લાગ્યું કે તે એક વેશ્યા છે, કેમ કે તેણે મોં ઢાંકેલું હતું. ૧૬ તે રસ્તાની બાજુએ તેની પાસે ગયો. તેને ખબર ન હતી કે તે તેની પુત્રવધૂ છે.+ તેણે તેને કહ્યું: “મને તારી સાથે જાતીય સંબંધ બાંધવા દે.” તામારે તેને કહ્યું: “બદલામાં તમે મને શું આપશો?” ૧૭ તેણે કહ્યું: “હું મારા ટોળામાંથી બકરીનું એક બચ્ચું તને મોકલી આપીશ.” તામારે કહ્યું: “એ મોકલી આપો ત્યાં સુધી જામીન તરીકે શું આપશો?” ૧૮ યહૂદાએ કહ્યું: “જામીન તરીકે હું શું આપું?” તેણે કહ્યું: “તમારી વીંટી,*+ એની દોરી અને તમારા હાથમાંની લાકડી આપો.” યહૂદાએ એ બધું તેને આપ્યું અને તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો. આમ તામાર ગર્ભવતી થઈ. ૧૯ પછી તે ત્યાંથી ઊઠીને ઘરે ચાલી ગઈ. તેણે પોતાની શાલ ઉતારીને વિધવાનાં કપડાં પાછાં પહેરી લીધાં.
૨૦ યહૂદાએ અદુલ્લામી+ મિત્રના હાથે બકરીનું બચ્ચું મોકલાવ્યું, જેથી એ સ્ત્રીને જામીનમાં આપેલી વસ્તુઓ પાછી મેળવી શકે. પણ એ સ્ત્રી તેને મળી જ નહિ. ૨૧ તેણે ત્યાંના માણસોને પૂછ્યું: “એ વેશ્યા* ક્યાં છે, જે એનાઇમના રસ્તે બેસતી હતી?” પણ એ માણસોએ કહ્યું: “આ જગ્યાએ કદી કોઈ વેશ્યા હતી જ નહિ.” ૨૨ આખરે તે યહૂદા પાસે પાછો આવ્યો અને તેને કહ્યું: “મને એ સ્ત્રી મળી જ નહિ. એ જગ્યાના માણસોએ પણ કહ્યું, ‘અહીં કદી કોઈ વેશ્યા હતી જ નહિ.’” ૨૩ યહૂદાએ કહ્યું: “ભલે, જવા દે. એ બધી વસ્તુઓ તે સ્ત્રીને જ રાખવા દે. જો આપણે વધારે પૂછપરછ કરીશું, તો આપણી જ બદનામી થશે. મેં તો બકરીનું બચ્ચું મોકલ્યું હતું, પણ તે મળી નહિ.”
૨૪ આશરે ત્રણ મહિના પછી યહૂદાને સમાચાર મળ્યા: “તારી પુત્રવધૂ તામાર વેશ્યા બની ગઈ છે અને ગર્ભવતી થઈ છે.” એ સાંભળીને યહૂદાએ કહ્યું: “તેને બહાર લાવો અને મારી નાખીને સળગાવી દો.”+ ૨૫ તેને બહાર લાવવામાં આવતી હતી ત્યારે, તેણે પોતાના સસરાને આ સંદેશો મોકલ્યો: “જે માણસની આ વસ્તુઓ છે, તેનાથી હું ગર્ભવતી થઈ છું.” પછી તામારે કહ્યું: “આ વીંટી, એની દોરી અને લાકડી કોનાં છે, એ તપાસી જુઓ.”+ ૨૬ યહૂદાએ બધું તપાસીને કહ્યું: “દોષ તેનો નહિ, મારો છે, કેમ કે મેં તેને મારા દીકરા શેલાહ જોડે પરણાવી નહિ.”+ ત્યાર પછી તેણે તામાર સાથે ફરી ક્યારેય જાતીય સંબંધ બાંધ્યો નહિ.
૨૭ પ્રસૂતિ વખતે ખબર પડી કે તેના ગર્ભમાં જોડિયાં બાળકો છે. ૨૮ તે જન્મ આપતી હતી ત્યારે, એક દીકરાએ હાથ બહાર કાઢ્યો. દાઈએ તરત જ તેના હાથ પર નિશાની માટે લાલ રંગનો દોરો બાંધી દીધો અને કહ્યું: “આ પહેલો બહાર આવ્યો.” ૨૯ પણ બાળકે પોતાનો હાથ પાછો અંદર ખેંચી લીધો અને તરત તેનો ભાઈ બહાર આવ્યો. એ જોઈને દાઈ બોલી ઊઠી: “તું કેમ આ રીતે ફાટ પાડીને બહાર આવ્યો?” તેથી તેનું નામ પેરેસ* પડ્યું.+ ૩૦ પછી તેનો ભાઈ બહાર આવ્યો, જેના હાથે લાલ રંગનો દોરો બાંધ્યો હતો. તેનું નામ ઝેરાહ* પડ્યું.+
૩૯ ઇશ્માએલીઓ+ યૂસફને ઇજિપ્ત લઈ આવ્યા.+ તેઓએ તેને ઇજિપ્તના પોટીફાર+ નામના એક માણસને ત્યાં વેચી દીધો. પોટીફાર ત્યાંના રાજાના દરબારમાં એક પ્રધાન અને અંગરક્ષકોનો ઉપરી હતો. ૨ યહોવા યૂસફની સાથે હતા,+ તેથી તે જે કંઈ કરતો એમાં તેને સફળતા મળતી. એટલે તેના માલિકે તેને ઘરની અમુક જવાબદારીઓ સોંપી. ૩ માલિકે જોયું કે યહોવા યૂસફની સાથે છે અને તેના દરેક કામમાં યહોવા તેને સફળતા અપાવે છે.
૪ યૂસફ પર તેના માલિકની રહેમનજર હતી અને તે માલિકનો ખાસ સેવક બન્યો. તેના માલિકે તેને ઘરનો કારભારી બનાવ્યો અને બધું તેને સોંપી દીધું. ૫ એ સમયથી યહોવાએ યૂસફના લીધે પોટીફારના ઘર પર આશીર્વાદ વરસાવ્યો. અરે, પોટીફારના ઘરમાં અને બહાર જે કંઈ તેનું હતું, એ બધા પર યહોવાએ આશીર્વાદ રેડ્યો.+ ૬ સમય જતાં, પોટીફારે પોતાની બધી જવાબદારી યૂસફના હાથમાં સોંપી. યૂસફને લીધે પોટીફારને કશાની ચિંતા ન હતી. તેને બસ એટલી જ ખબર હતી કે તેની સામે કયું ભોજન પીરસવામાં આવશે. દિવસે ને દિવસે યૂસફ મજબૂત બાંધાનો અને રૂપાળો યુવાન થતો ગયો.
૭ પોટીફારની પત્ની યૂસફને ખરાબ નજરે જોવા લાગી. તેણે યૂસફને કહ્યું: “મારી સાથે સૂઈ જા.” ૮ પણ યૂસફે સાફ ના પાડી દીધી. તેણે કહ્યું: “મારા માલિકે મારા પર ભરોસો મૂકીને તેમનું બધું મારા હાથમાં સોંપ્યું છે. તે મારી પાસેથી કશાનો પણ હિસાબ માંગતા નથી. ૯ આ ઘરમાં મારા જેટલો અધિકાર બીજા કોઈ પાસે નથી. માલિકે તમારા સિવાય મારાથી બીજું કંઈ પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમનાં પત્ની છો. તો આવું ઘોર પાપ કરીને હું કેમ ઈશ્વરનો ગુનેગાર થાઉં?”+
૧૦ માલિકની પત્ની મીઠી મીઠી વાતો કરીને દરરોજ યૂસફને તેની સાથે સૂવા કે સમય વિતાવવા કહેતી. પણ યૂસફ સાફ ના પાડી દેતો. ૧૧ એક દિવસે, યૂસફ ઘરમાં પોતાનું કામ કરવા ગયો ત્યારે, ઘરમાં કોઈ નોકર-ચાકર ન હતા. ૧૨ એવામાં માલિકની પત્નીએ યૂસફે પહેરેલું વસ્ત્ર ખેંચીને કહ્યું: “મારી સાથે સૂઈ જા!” પણ યૂસફ તેના હાથમાં જ વસ્ત્ર છોડીને ત્યાંથી ભાગી ગયો. ૧૩ યૂસફ તેના હાથમાં વસ્ત્ર છોડીને ભાગી ગયો કે તરત જ ૧૪ તે ચીસાચીસ કરવા લાગી અને ઘરના નોકરોને કહેવા લાગી: “જુઓ! મારા પતિ આ હિબ્રૂને ઘરમાં લાવ્યા, પણ તેણે આપણું અપમાન કર્યું છે.* તે મારી આબરૂ લૂંટવા આવ્યો હતો, પણ હું મોટે મોટેથી બૂમો પાડવા લાગી. ૧૫ મારી ચીસો સાંભળતા જ તે પોતાનું વસ્ત્ર મારી પાસે છોડીને ભાગી ગયો.” ૧૬ પોટીફાર ઘરે આવ્યો ત્યાં સુધી તે સ્ત્રીએ યૂસફનું વસ્ત્ર પોતાની પાસે જ રાખ્યું.
૧૭ તેણે તેના પતિને બધું જણાવતા કહ્યું: “તમે જે હિબ્રૂને ઘરમાં લાવ્યા, તેણે મારું અપમાન કર્યું છે. ૧૮ મારી ચીસો સાંભળતા જ તે તેનું વસ્ત્ર મારી પાસે છોડીને ભાગી ગયો.” ૧૯ તેણે જ્યારે પતિને કહ્યું કે, “તમારો ચાકર મારી સાથે આ રીતે વર્ત્યો” ત્યારે તે ખૂબ ગુસ્સે ભરાયો. ૨૦ યૂસફના માલિકે તેને પકડીને એ કેદખાનામાં નાખી દીધો, જ્યાં રાજાના કેદીઓને પૂરવામાં આવતા હતા. પછી યૂસફ કેદખાનામાં જ રહ્યો.+
૨૧ પણ યહોવા હંમેશાં યૂસફની સાથે રહ્યા. તે યૂસફને અતૂટ પ્રેમ બતાવતા રહ્યા. તેમના આશિષથી યૂસફ પર કેદખાનાના અધિકારીની રહેમનજર રહી.+ ૨૨ એ અધિકારીએ યૂસફને બધા કેદીઓનો ઉપરી બનાવ્યો. એ કેદીઓ યૂસફના હુકમ પ્રમાણે બધું કામ કરતા હતા.+ ૨૩ યૂસફની દેખરેખ નીચે જે કંઈ હતું, એ વિશે કેદખાનાનો અધિકારી જરાય ચિંતા કરતો નહિ. કેમ કે યહોવા યૂસફની સાથે હતા. તેના દરેક કામમાં યહોવા તેને સફળતા આપતા હતા.+
૪૦ થોડા સમય પછી, ઇજિપ્તના રાજા વિરુદ્ધ તેના બે અધિકારીઓએ અપરાધ કર્યો. એક હતો દ્રાક્ષદારૂ પીરસનાર*+ અને બીજો મુખ્ય ભઠિયારો.* ૨ રાજાનો ગુસ્સો દ્રાક્ષદારૂ પીરસનાર પર અને મુખ્ય ભઠિયારા પર ભભૂકી ઊઠ્યો.+ ૩ તેણે તેઓને એ કેદખાનામાં નાખી દીધા, જે અંગરક્ષકોના ઉપરીના તાબામાં હતું.+ એ કેદખાનામાં યૂસફ પણ હતો.+ ૪ પછી અંગરક્ષકોના ઉપરીએ યૂસફને હુકમ આપ્યો કે તે પેલા બે ચાકરો સાથે રહીને તેઓની સેવા કરે.+ એ બે ચાકરો અમુક સમય* કેદખાનામાં રહ્યા.
૫ દ્રાક્ષદારૂ પીરસનાર અને ભઠિયારો કેદખાનામાં હતા ત્યારે, તેઓને રાતે સપનું આવ્યું. બંનેનાં સપનાં જુદાં હતાં અને એના અર્થ પણ જુદા હતા. ૬ સવારે યૂસફ તેઓ પાસે આવ્યો ત્યારે, તેઓ બંને ઉદાસ દેખાતા હતા. ૭ યૂસફે તેઓને પૂછ્યું: “તમારાં મોં કેમ ઊતરી ગયાં છે?” ૮ તેઓએ તેને કહ્યું: “અમને બંનેને સપનું આવ્યું છે, પણ એનો અર્થ જણાવનાર અહીં કોઈ નથી.” યૂસફે કહ્યું: “સપનાનો અર્થ જણાવવો એ તો ઈશ્વરનું કામ છે.+ કૃપા કરીને મને તમારાં સપનાં જણાવો.”
૯ તેથી દ્રાક્ષદારૂ પીરસનારે યૂસફને પોતાનું સપનું જણાવતા કહ્યું: “મેં સપનામાં એક દ્રાક્ષાવેલો જોયો. ૧૦ એને ત્રણ ડાળીઓ હતી અને એમાં કળીઓ આવી. પછી ફૂલો ખીલ્યાં અને પાકી દ્રાક્ષનાં ઝૂમખાં લાગ્યાં. ૧૧ રાજાનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષની લૂમ લઈને એમાં નિચોવી. પછી એ પ્યાલો મેં રાજાના હાથમાં આપ્યો.” ૧૨ યૂસફે તેને કહ્યું: “તમારા સપનાનો અર્થ આ છે: ત્રણ ડાળી ત્રણ દિવસ છે. ૧૩ ત્રણ દિવસ પછી, રાજા તમને અહીંથી બહાર કાઢશે* અને તમને તમારી પદવી પાછી આપશે.+ તમે ફરી રાજાને દ્રાક્ષદારૂ પીરસનાર અધિકારી બનશો અને તેમના હાથમાં પ્યાલો આપશો.+ ૧૪ પણ તમારું ભલું થાય ત્યારે મને ભૂલી ન જતા. મારા પર દયા કરજો* અને રાજાને મારા વિશે જણાવજો, જેથી તે મને અહીંથી બહાર કાઢે. ૧૫ મને તો હિબ્રૂઓના દેશમાંથી અહીં જબરજસ્તી ઉપાડી લાવવામાં આવ્યો હતો.+ અને અહીં મેં એવું કંઈ કર્યું નથી, જેના લીધે મને કેદખાનામાં* નાખવામાં આવે.”+
૧૬ મુખ્ય ભઠિયારાએ જ્યારે જોયું કે યૂસફે સપનાનો સારો અર્થ જણાવ્યો છે, ત્યારે તેણે કહ્યું: “મને પણ સપનું આવ્યું હતું. મેં જોયું કે, મારા માથા પર ત્રણ ટોપલીઓ હતી અને એમાં સફેદ રોટલીઓ હતી. ૧૭ સૌથી ઉપરની ટોપલીમાં ભઠ્ઠીમાં બનાવેલી દરેક પ્રકારની વાનગીઓ હતી. એ બધું રાજા માટે હતું, પણ પક્ષીઓ એમાંથી ખાઈ રહ્યાં હતાં.” ૧૮ યૂસફે તેને કહ્યું: “તમારા સપનાનો અર્થ આ છે: ત્રણ ટોપલી ત્રણ દિવસ છે. ૧૯ ત્રણ દિવસ પછી, રાજા તમારું માથું કાપી નાખશે* અને તમને થાંભલા* પર લટકાવશે અને પક્ષીઓ તમારું માંસ ખાશે.”+
૨૦ ત્રીજા દિવસે રાજાનો જન્મદિવસ હતો.+ તેણે પોતાના બધા અધિકારીઓને મિજબાની આપી. તેણે હુકમ આપ્યો કે દ્રાક્ષદારૂ પીરસનારને અને મુખ્ય ભઠિયારાને કેદખાનામાંથી બહાર કાઢવામાં આવે* અને તેઓને અધિકારીઓ સામે લાવવામાં આવે. ૨૧ રાજાએ દ્રાક્ષદારૂ પીરસનારને તેની પદવી પાછી આપી અને તેણે રાજાને દ્રાક્ષદારૂ પીરસવાનું કામ ફરી શરૂ કર્યું. ૨૨ પણ રાજાએ મુખ્ય ભઠિયારાને થાંભલા પર લટકાવી દીધો. યૂસફે એ બંનેનાં સપનાંનો જેવો અર્થ જણાવ્યો હતો, એવું જ બન્યું.+ ૨૩ પણ દ્રાક્ષદારૂ પીરસનાર અધિકારીએ યૂસફને યાદ રાખ્યો નહિ. તે તેને સાવ ભૂલી ગયો.+
૪૧ બે વર્ષ પછી ઇજિપ્તના રાજાને એક સપનું આવ્યું.+ સપનામાં તે નાઈલ નદીને કિનારે ઊભો હતો. ૨ નદીમાંથી સાત સુંદર અને તાજી-માજી ગાયો નીકળી અને નદી કિનારે ઘાસ ચરવા લાગી.+ ૩ એ પછી નદીમાંથી બીજી સાત કદરૂપી અને દુબળી ગાયો નીકળી. તેઓ નાઈલ નદીને કિનારે પેલી તાજી-માજી ગાયો પાસે જઈને ઊભી રહી. ૪ પછી કદરૂપી અને દુબળી ગાયો પેલી સુંદર અને તાજી-માજી ગાયોને ખાવા લાગી. એવામાં રાજા જાગી ગયો.
૫ રાજા ફરી સૂઈ ગયો અને તેને બીજું સપનું આવ્યું. એમાં તેણે જોયું કે એક સાંઠા પર સાત કણસલાં ઊગ્યાં હતાં. એ કણસલાં દાણાથી ભરેલાં અને સારાં હતાં.+ ૬ પછી બીજાં સાત કણસલાં ઊગ્યાં, જે પાતળાં અને પૂર્વના ગરમ પવનથી સુકાઈ ગયેલાં હતાં. ૭ પાતળાં કણસલાં પેલાં ભરેલાં અને સારાં કણસલાંને ગળી જવા લાગ્યાં. એવામાં રાજા જાગી ગયો અને તેને ખ્યાલ આવ્યો કે એ તો સપનું હતું.
૮ સવારમાં રાજાનું મન બેચેન થઈ ગયું. તેથી તેણે ઇજિપ્તના બધા જ્ઞાનીઓ અને જાદુગરોને* બોલાવ્યા. રાજાએ તેઓને પોતાનાં સપનાં કહી સંભળાવ્યાં, પણ તેઓમાંથી કોઈ એનો અર્થ જણાવી ન શક્યું.
૯ ત્યારે દ્રાક્ષદારૂ પીરસનાર અધિકારીએ* રાજાને કહ્યું: “હું આજે મારાં પાપ કબૂલ કરું છું. ૧૦ એકવાર તમે મારા પર અને મુખ્ય ભઠિયારા પર ગુસ્સે ભરાયા હતા. તમે અમને એ કેદખાનામાં નાખી દીધા હતા, જે અંગરક્ષકોના ઉપરીના તાબામાં છે.+ ૧૧ પછી એક રાતે અમને બંનેને સપનું આવ્યું. અમારાં સપનાં જુદાં હતાં અને એના અર્થ પણ જુદા હતા.+ ૧૨ ત્યાં અમારી સાથે એક હિબ્રૂ યુવાન હતો. તે અંગરક્ષકોના ઉપરીનો ચાકર હતો.+ અમે તેને અમારાં સપનાં કહ્યાં+ ત્યારે, તેણે અમને એનો અર્થ જણાવ્યો. ૧૩ તેણે કહ્યું હતું એવું જ અમારી સાથે બન્યું. મને મારી પદવી પાછી મળી, પણ ભઠિયારાને થાંભલા પર લટકાવી દેવામાં આવ્યો.”+
૧૪ રાજાએ તરત જ માણસો મોકલીને યૂસફને કેદખાનામાંથી*+ બહાર કઢાવ્યો.+ યૂસફે દાઢી કરી* અને પોતાનાં કપડાં બદલીને રાજા પાસે આવ્યો. ૧૫ રાજાએ યૂસફને કહ્યું: “મેં એક સપનું જોયું હતું, પણ કોઈ એનો અર્થ જણાવી શક્યું નથી. મેં સાંભળ્યું છે કે તું સપનાનો અર્થ જણાવી શકે છે.”+ ૧૬ ત્યારે યૂસફે કહ્યું: “હું તો કંઈ નથી, પણ ઈશ્વર તમને મનની શાંતિ આપશે!”+
૧૭ રાજાએ યૂસફને કહ્યું: “સપનામાં મેં જોયું કે હું નાઈલ નદીને કિનારે ઊભો હતો. ૧૮ નાઈલ નદીમાંથી સાત સુંદર અને તાજી-માજી ગાયો નીકળી અને નદી કિનારે ઘાસ ચરવા લાગી.+ ૧૯ પછી નદીમાંથી બીજી સાત દુબળી-પાતળી અને ખૂબ કદરૂપી ગાયો નીકળી. મેં આખા ઇજિપ્તમાં આટલી કદરૂપી ગાયો આજ સુધી જોઈ નથી. ૨૦ પછી પાતળી અને કદરૂપી ગાયો પેલી સાત તાજી-માજી ગાયોને ખાવા લાગી. ૨૧ એ ગાયોને ખાઈ ગયા પછી પણ એવું લાગતું ન હતું કે, તેઓએ કંઈ ખાધું હોય. તેઓ પહેલાં જેવી જ દુબળી-પાતળી દેખાતી હતી. એવામાં હું જાગી ગયો.
૨૨ “પછી મેં સપનામાં જોયું કે એક સાંઠા પર સાત કણસલાં ઊગ્યાં હતાં. એ કણસલાં દાણાથી ભરેલાં અને સારાં હતાં.+ ૨૩ પછી બીજાં સાત કણસલાં ઊગ્યાં, જે ચીમળાયેલાં, પાતળાં અને પૂર્વના ગરમ પવનથી સુકાઈ ગયેલાં હતાં. ૨૪ પછી પાતળાં કણસલાં પેલાં સારાં કણસલાંને ગળી જવા લાગ્યાં. મેં જાદુગરોને એ સપનાં જણાવ્યાં,+ પણ કોઈ એનો અર્થ સમજાવી શક્યું નહિ.”+
૨૫ યૂસફે રાજાને કહ્યું: “તમારાં સપનાંનો અર્થ એક જ છે. સાચા ઈશ્વરે તમને સપનામાં બતાવ્યું છે કે, તે શું કરવાના છે.+ ૨૬ સાત સારી ગાયો સાત વર્ષ છે. એવી જ રીતે, સાત સારાં કણસલાં સાત વર્ષ છે. બંને સપનાંનો અર્થ એક જ છે. ૨૭ સાત પાતળી અને કદરૂપી ગાયો સાત વર્ષ છે. તેમ જ, દાણા વગરનાં અને પૂર્વના ગરમ પવનથી સુકાઈ ગયેલાં સાત કણસલાં દુકાળનાં સાત વર્ષ છે. ૨૮ મેં તમને જણાવ્યું તેમ, સાચા ઈશ્વરે તમને સપનામાં બતાવ્યું છે કે તે શું કરવાના છે.
૨૯ “આખા ઇજિપ્તમાં સાત વર્ષ પુષ્કળ અનાજ પાકશે. ૩૦ પછી સાત વર્ષ દુકાળ પડશે અને ઇજિપ્તની સમૃદ્ધિ ભુલાઈ જશે. દુકાળ આખા દેશને ભરખી જશે.+ ૩૧ સાત વર્ષની સમૃદ્ધિ કોઈને યાદ પણ નહિ આવે, કેમ કે આવનાર દુકાળ ખૂબ આકરો હશે. ૩૨ તમને બે વાર સપનું બતાવવાનું કારણ એ છે કે, સાચા ઈશ્વરે જે નક્કી કર્યું છે એ પ્રમાણે ચોક્કસ થશે. તે જલદી જ એમ કરશે.
૩૩ “એટલે તમારે સમજુ અને બુદ્ધિમાન માણસ શોધીને તેને આખા ઇજિપ્ત પર અધિકારી નીમવો જોઈએ. ૩૪ તમારે આખા દેશ પર અમલદારો નીમવા જોઈએ, જેથી સાત વર્ષમાં જે પુષ્કળ અનાજ પાકે+ એનો પાંચમો ભાગ ભેગો કરી શકાય. ૩૫ આવનાર સારાં વર્ષો દરમિયાન તેઓ અનાજ ભેગું કરે. દરેક શહેરમાં આવેલા તમારા કોઠારોમાં એનો સંગ્રહ કરે અને એની સંભાળ રાખે.+ ૩૬ જ્યારે ઇજિપ્તમાં સાત વર્ષ દુકાળ પડશે, ત્યારે ભેગું કરેલું એ અનાજ કામ લાગશે. આમ લોકો અને ઢોરઢાંક ભૂખે નહિ મરે.”+
૩૭ એ વાત રાજા અને તેના અધિકારીઓને સારી લાગી. ૩૮ રાજાએ પોતાના અધિકારીઓને કહ્યું: “આ માણસ પર સાચે જ ઈશ્વરની શક્તિ* કામ કરે છે! તેના જેવો માણસ આપણને બીજે ક્યાં મળશે?” ૩૯ રાજાએ યૂસફને કહ્યું: “ઈશ્વરે આ બધું તને જણાવ્યું છે. તારા જેવો સમજુ અને બુદ્ધિમાન બીજો કોઈ નથી. ૪૦ તું મારા ઘરનો અધિકારી બનશે અને મારા લોકો તારા કહ્યા પ્રમાણે જ બધું કરશે.+ ફક્ત આ રાજગાદીને લીધે હું તારા કરતાં મોટો હોઈશ.” ૪૧ પછી રાજાએ યૂસફને કહ્યું: “હું તને આખા ઇજિપ્ત દેશ પર અધિકારી ઠરાવું છું.”+ ૪૨ પછી રાજાએ પોતાના હાથ પરથી વીંટી* કાઢીને યૂસફને પહેરાવી. તેને બારીક શણનાં કીમતી કપડાં પહેરાવ્યાં અને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો. ૪૩ રાજાએ પોતાના બીજા રાજવી રથ પર યૂસફને સવારી કરાવી. યૂસફનો જયજયકાર કરતા લોકો કહેતા, “અવરેખ!”* આમ રાજાએ યૂસફને આખા ઇજિપ્ત પર અધિકારી ઠરાવ્યો.
૪૪ રાજાએ યૂસફને કહ્યું: “હું રાજા છું, પણ તારી મંજૂરી વગર ઇજિપ્તનો કોઈ પણ માણસ કશું કરી નહિ શકે.”*+ ૪૫ પછી રાજાએ યૂસફનું નામ સાફનાથ-પાનેઆહ* પાડ્યું. તેને ઓન* શહેરના યાજક, પોટીફેરાની દીકરી આસનાથ સાથે પરણાવ્યો.+ યૂસફ આખા ઇજિપ્ત દેશની દેખરેખ કરવા* લાગ્યો.+ ૪૬ યૂસફ ઇજિપ્તના રાજા ફારુન* આગળ ઊભો રહ્યો* ત્યારે તે ૩૦ વર્ષનો હતો.+
તે રાજા પાસેથી નીકળ્યો અને આખા ઇજિપ્ત દેશમાં ફરીને એની તપાસ કરી. ૪૭ સમૃદ્ધિનાં સાત વર્ષ દરમિયાન દેશમાં અઢળક અનાજ પાક્યું. ૪૮ સાત વર્ષ દરમિયાન ઇજિપ્તમાં થયેલું અનાજ યૂસફે ભેગું કર્યું. દરેક શહેરમાં તે આસપાસનાં ખેતરોમાંથી અનાજ ભેગું કરતો અને ત્યાંના જ કોઠારોમાં એનો સંગ્રહ કરતો. ૪૯ યૂસફ અનાજ ભેગું કરતો જ ગયો. તેણે સમુદ્રની રેતી જેટલું અઢળક અનાજ ભેગું કર્યું. આખરે, તેઓએ એનો હિસાબ રાખવાનું પણ છોડી દીધું, કેમ કે એમ કરવું અશક્ય હતું.
૫૦ દુકાળ પડ્યો એ પહેલાં યૂસફને આસનાથથી બે દીકરાઓ થયા.+ આસનાથ ઓન* શહેરના યાજક પોટીફેરાની દીકરી હતી. ૫૧ યૂસફે પ્રથમ જન્મેલા દીકરાનું નામ મનાશ્શા* પાડ્યું,+ કેમ કે તેણે કહ્યું: “ઈશ્વરની મદદથી મેં મારી બધી તકલીફો અને મારા પિતાના ઘરની ખોટ ભુલાવી દીધી છે.” ૫૨ તેણે બીજા દીકરાનું નામ એફ્રાઈમ* પાડ્યું,+ કેમ કે તેણે કહ્યું: “જે દેશમાં મેં દુઃખ વેઠ્યું, એ જ દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.”+
૫૩ ઇજિપ્તમાં સમૃદ્ધિનાં સાત વર્ષ પૂરાં થયાં.+ ૫૪ એ પછી દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં. યૂસફના કહ્યા પ્રમાણે જ થયું.+ બધા દેશોમાં દુકાળ પડ્યો, પણ આખા ઇજિપ્તમાં હજુ ખોરાક હતો.+ ૫૫ સમય જતાં, આખા ઇજિપ્તમાં દુકાળની અસર થવા લાગી. ઇજિપ્તના રહેવાસીઓ રાજા આગળ અનાજ માટે કાલાવાલા કરવા લાગ્યા.+ ત્યારે રાજાએ તેઓને કહ્યું: “યૂસફ પાસે જાઓ. તે કહે એમ કરો.”+ ૫૬ આખી દુનિયામાં દુકાળનો પ્રકોપ વધી રહ્યો હતો.+ ભારે દુકાળને લીધે ઇજિપ્તના લોકો ભૂખે ટળવળવા લાગ્યા. એટલે યૂસફે કોઠારો ખોલી નાખ્યા અને એમાંથી તે ઇજિપ્તના લોકોને અનાજ વેચવા લાગ્યો.+ ૫૭ આખી પૃથ્વી પર આકરો દુકાળ હતો.+ તેથી દુનિયાને ખૂણે ખૂણેથી લોકો યૂસફ પાસે અનાજ ખરીદવા ઇજિપ્ત આવવા લાગ્યા.
૪૨ યાકૂબને જ્યારે જાણ થઈ કે ઇજિપ્તમાં અનાજ છે,+ ત્યારે તેણે પોતાના દીકરાઓને કહ્યું: “તમે કેમ એકબીજાનું મોં જોઈને બેસી રહ્યા છો?” ૨ તેણે આગળ કહ્યું: “મેં સાંભળ્યું છે કે ઇજિપ્તમાં અનાજ છે. ત્યાં જાઓ અને આપણા માટે એ ખરીદી લાવો, જેથી આપણે ભૂખે ન મરીએ.”+ ૩ એટલે યૂસફના દસ ભાઈઓ+ ઇજિપ્તમાં અનાજ ખરીદવા ગયા. ૪ પણ યાકૂબે યૂસફના સગા ભાઈ બિન્યામીનને તેઓ સાથે ન મોકલ્યો,+ કેમ કે તેને થયું: “કદાચ મુસાફરીમાં બિન્યામીનને કંઈ થઈ જાય અને તે મરી જાય તો?”+
૫ કનાન દેશમાં પણ આકરો દુકાળ હતો.+ એટલે બીજા લોકોની સાથે ઇઝરાયેલના દીકરાઓ પણ ઇજિપ્તમાં અનાજ ખરીદવા ગયા. ૬ દુનિયાના ખૂણે ખૂણેથી આવેલા લોકોને યૂસફ અનાજ વેચતો હતો+ અને તે આખા ઇજિપ્ત દેશનો અધિકારી હતો.+ તેના ભાઈઓએ આવીને તેને જમીન સુધી નમન કર્યું.+ ૭ યૂસફ તરત જ પોતાના ભાઈઓને ઓળખી ગયો, પણ તેણે પોતાની ઓળખ છુપાવી રાખી.+ તેણે કઠોર બનીને તેઓને પૂછ્યું: “તમે ક્યાંથી આવ્યા છો?” તેઓએ કહ્યું: “અમે કનાન દેશથી અનાજ ખરીદવા આવ્યા છીએ.”+
૮ યૂસફે પોતાના ભાઈઓને ઓળખી લીધા, પણ તેઓ તેને ઓળખી શક્યા નહિ. ૯ યૂસફને તરત જ તેઓ વિશે જોયેલાં સપનાં યાદ આવી ગયાં.+ તેણે તેઓને કહ્યું: “તમે જાસૂસ છો! આ દેશને ક્યાંથી કબજે કરી શકાય એ જોવા આવ્યા છો.” ૧૦ તેઓએ કહ્યું: “ના અમારા માલિક, એવું નથી! અમે તો તમારા સેવકો છીએ. અમે ફક્ત અનાજ ખરીદવા આવ્યા છીએ. ૧૧ અમે બધા ભાઈઓ છીએ, એક જ પિતાના દીકરાઓ છીએ. અમે જાસૂસ નથી, સીધા-સાદા માણસો છીએ.” ૧૨ પણ યૂસફે કહ્યું: “જૂઠું ન બોલો! આ દેશને ક્યાંથી કબજે કરી શકાય એ જોવા તમે આવ્યા છો!” ૧૩ ત્યારે તેઓએ કહ્યું: “અમે ૧૨ ભાઈઓ છીએ,+ એક જ પિતાના દીકરાઓ છીએ.+ અમારા પિતા કનાન દેશમાં રહે છે. અમારો સૌથી નાનો ભાઈ પિતા પાસે છે+ અને એક ભાઈ હવે રહ્યો નથી.”+
૧૪ યૂસફે તેઓને કહ્યું: “હું બરાબર કહું છું, ‘તમે જાસૂસ છો!’ ૧૫ તમે સાચું બોલો છો કે નહિ એની હું પરખ કરીશ. હું રાજાના સમ ખાઈને કહું છું, તમારો નાનો ભાઈ અહીં નહિ આવે, ત્યાં સુધી તમે અહીંથી જઈ નહિ શકો.+ ૧૬ તમારા નાના ભાઈને લઈ આવવા એક જણને મોકલો, બાકીના અહીં કેદમાં રહો. આમ તમે સાચું બોલો છો કે નહિ એની મને ખબર પડશે. નહિ તો, રાજાના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો.” ૧૭ પછી તેણે તેઓને ત્રણ દિવસ માટે કેદ કર્યા.
૧૮ ત્રીજા દિવસે યૂસફે તેઓને કહ્યું: “હું સાચા ઈશ્વરનો ડર રાખીને ચાલું છું. મારું કહ્યું માનો અને જીવતા રહો. ૧૯ જો તમે સાચા હો, તો તમારામાંથી એકને અહીં કેદમાં રાખો, પણ બાકીનાઓ અહીંથી જાઓ. તમારાં કુટુંબો માટે અનાજ લઈ જાઓ, જેથી તેઓ દુકાળને લીધે ભૂખે ન મરે.+ ૨૦ પછી તમારા સૌથી નાના ભાઈને મારી પાસે લઈ આવો. એટલે મને ખાતરી થશે કે તમે સાચું બોલો છો. આમ તમે નહિ મરો.” તેઓએ એવું જ કર્યું.
૨૧ તેઓએ એકબીજાને કહ્યું: “આપણા ભાઈ યૂસફ સાથે આપણે જે રીતે વર્ત્યા હતા, એની જ આ સજા છે.+ આપણે તેને દુઃખમાં તડપતા જોયો હતો. તે આપણી પાસે દયાની ભીખ માંગતો હતો, પણ આપણે કાન બંધ કરી દીધા હતા. એટલે જ આ દુઃખ આપણા પર આવી પડ્યું છે.” ૨૨ ત્યારે રૂબેને જવાબ આપ્યો: “મેં તમને કહ્યું હતું ને, ‘છોકરાને ઈજા ન કરશો’? પણ તમે મારું સાંભળ્યું જ નહિ.+ હવે તેના લોહીનો બદલો આપણી પાસે માંગવામાં આવી રહ્યો છે.”+ ૨૩ યૂસફ તેઓની બધી વાત સમજી રહ્યો હતો. પણ તેઓને એની ખબર ન હતી, કેમ કે તે દુભાષિયા દ્વારા તેઓ સાથે વાત કરતો હતો. ૨૪ યૂસફ તેઓથી દૂર જઈને રડવા લાગ્યો.+ પછી પાછા આવીને તેણે તેઓ સાથે વાત કરી. તેઓની નજર સામે તેણે શિમયોનને બંદી બનાવ્યો.+ ૨૫ યૂસફે ચાકરોને હુકમ આપ્યો કે, દરેક માણસની ગૂણ અનાજથી ભરે, તેઓએ આપેલા પૈસા એમાં પાછા મૂકે અને મુસાફરી માટે ખોરાક પણ ભરી આપે. ચાકરોએ એમ જ કર્યું.
૨૬ યૂસફના ભાઈઓએ ગધેડાં પર અનાજ મૂક્યું અને ત્યાંથી રવાના થયા. ૨૭ તેઓ ઉતારાની જગ્યાએ પહોંચ્યા ત્યારે તેઓમાંના એકે ગધેડાને ખવડાવવા પોતાની ગૂણ ખોલી. ગૂણ ખોલતાની સાથે જ તેને પૈસાની થેલી દેખાઈ આવી. ૨૮ તેણે પોતાના ભાઈઓને કહ્યું: “મને મારા પૈસા પાછા આપવામાં આવ્યા છે. જુઓ, એ મારી ગૂણમાં જ છે!” એ સાંભળીને તેઓના ધબકારા વધી ગયા અને તેઓ ધ્રૂજવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “ઈશ્વરે આપણી સાથે આવું કેમ કર્યું?”
૨૯ તેઓ કનાન દેશમાં પોતાના પિતા યાકૂબ પાસે પાછા આવ્યા. ઇજિપ્તમાં જે કંઈ બન્યું હતું એ બધું પિતાને જણાવતા કહ્યું: ૩૦ “એ દેશનો અધિકારી અમારી સાથે કઠોર રીતે વર્ત્યો.+ તેણે અમારા પર જાસૂસ હોવાનો આરોપ મૂક્યો. ૩૧ પણ અમે તેને કહ્યું, ‘અમે સીધા-સાદા માણસો છીએ, જાસૂસ નથી.+ ૩૨ અમે ૧૨ ભાઈઓ છીએ,+ એક જ પિતાના દીકરાઓ છીએ. એક ભાઈ હવે રહ્યો નથી+ અને સૌથી નાનો ભાઈ પિતા પાસે કનાનમાં છે.’+ ૩૩ પણ એ અધિકારીએ કહ્યું, ‘તમે સાચા છો કે નહિ, એની હું પરખ કરીશ. તમારા એક ભાઈને મારી પાસે મૂકી જાઓ.+ પણ બાકીના તમારાં કુટુંબો માટે અનાજ લઈને જાઓ, જેથી તેઓ દુકાળને લીધે ભૂખે ન મરે.+ ૩૪ તમારા સૌથી નાના ભાઈને મારી પાસે લઈ આવો. એટલે મને ખાતરી થશે કે તમે જાસૂસ નથી, પણ સાચું બોલો છો. પછી હું તમને તમારો ભાઈ પાછો આપીશ અને આ દેશમાંથી અનાજ ખરીદતા તમને કોઈ રોકશે નહિ.’”
૩૫ તેઓ પોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, તેઓને પોતાના પૈસાની થેલી એમાંથી મળી આવી. એ જોઈને યાકૂબ અને તેના દીકરાઓ ખૂબ ગભરાઈ ગયા. ૩૬ યાકૂબ બોલી ઊઠ્યો: “તમે મારાં બાળકો મારી પાસેથી છીનવી રહ્યા છો!+ યૂસફ રહ્યો નથી,+ શિમયોન નથી+ અને હવે તમે બિન્યામીનને પણ લઈ જવા માંગો છો! આ તે કેવું સંકટ મારા માથે આવી પડ્યું છે!” ૩૭ પણ રૂબેને પિતાને કહ્યું: “જો હું બિન્યામીનને પાછો ન લાવું, તો મારા બંને દીકરાઓને મારી નાખજો.+ બિન્યામીનને મારા હાથમાં સોંપો, હું તેને સહીસલામત પાછો લાવીશ.”+ ૩૮ પણ યાકૂબે કહ્યું: “ના, મારો દીકરો તમારી સાથે નહિ આવે, કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહી ગયો છે.+ જો મુસાફરીમાં તેને કંઈ થઈ જાય અને તે મરી જાય, તો આ ઘડપણમાં મારે શોક કરતાં કરતાં કબરમાં*+ જવું પડશે.”+
૪૩ હવે કનાન દેશમાં દુકાળ આકરો થયો હતો.+ ૨ ઇજિપ્તથી લાવેલું અનાજ ખતમ થઈ ગયું+ ત્યારે, યાકૂબે પોતાના દીકરાઓને કહ્યું: “ઇજિપ્ત પાછા જઈને થોડું અનાજ ખરીદી લાવો.” ૩ યહૂદાએ પિતાને કહ્યું: “ત્યાંના અધિકારીએ અમને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી, ‘તમારો નાનો ભાઈ સાથે ન હોય તો, ફરી મારી પાસે આવતા જ નહિ.’+ ૪ જો તમે બિન્યામીનને અમારી સાથે મોકલશો, તો જ અમે ત્યાં અનાજ ખરીદવા જઈશું. ૫ જો તમે તેને નહિ મોકલો, તો અમે નહિ જઈએ, કેમ કે પેલા અધિકારીએ કહ્યું હતું, ‘તમારો ભાઈ સાથે ન હોય તો, ફરી મારી પાસે આવતા જ નહિ.’”+ ૬ ઇઝરાયેલે+ કહ્યું: “તમે કેમ કહ્યું કે, તમારે હજી એક ભાઈ છે? તમે મારા માથે આવું સંકટ કેમ લાવ્યા?” ૭ તેઓએ કહ્યું: “એ માણસે આપણા કુટુંબ વિશે પૂછપરછ કરી. તેણે પૂછ્યું, ‘શું તમારા પિતા હજી જીવે છે? શું તમારે બીજો કોઈ ભાઈ છે?’ એટલે અમે તેને બધું જણાવ્યું.+ અમને શું ખબર કે તે કહેશે, ‘જાઓ, તમારા ભાઈને અહીં લઈ આવો’?”+
૮ યહૂદાએ પિતાને અરજ કરતા કહ્યું: “છોકરાને મારી સાથે મોકલો,+ જેથી અમે ઇજિપ્ત જઈ શકીએ. નહિતર તમે, અમે અને આપણાં બાળકો+ ભૂખે મરીશું.+ ૯ તેની સલામતીની જવાબદારી હું લઉં છું.+ તેને કંઈ થઈ જાય તો મને સજા કરજો. જો હું તેને પાછો ન લાવું, તો એ પાપ હંમેશ માટે મારા માથે રહેશે. ૧૦ હવે અમને જવા દો, એમ પણ ઘણું મોડું થઈ ગયું છે. અત્યાર સુધીમાં તો અમે બે વાર જઈને પાછા આવી ગયા હોત.”
૧૧ ઇઝરાયેલે કહ્યું: “જો બીજો કોઈ રસ્તો જ ન હોય, તો પછી જાઓ. પણ એ માણસ માટે પોતાની ગૂણમાં ભેટ-સોગાદો લઈ જજો.+ આ દેશની ઉત્તમ વસ્તુઓ, એટલે કે, સુગંધી દ્રવ્ય,+ મધ, ખુશબોદાર ગુંદર, ઝાડની સુગંધિત છાલ*+ અને બદામ-પિસ્તાં તેને ભેટમાં આપજો. ૧૨ તમારી સાથે બમણી રકમ લઈ જજો. તમારી ગૂણોમાં જે પૈસા મળ્યા હતા, એ પણ પાછા આપી દેજો.+ કદાચ એ ભૂલથી આવી ગયા હશે. ૧૩ જાઓ, તમારા નાના ભાઈને એ માણસ પાસે લઈ જાઓ. ૧૪ મારી પ્રાર્થના છે કે, એ માણસની નજરમાં કૃપા પામવા સર્વશક્તિમાન ઈશ્વર તમને મદદ કરે અને તે તમારા ભાઈ શિમયોન અને બિન્યામીનને પાછા ઘરે આવવા દે. પણ જો મારે તેઓને ગુમાવવા પડે, તો એ દુઃખ સહેવા પણ હું તૈયાર છું, કેમ કે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી!”+
૧૫ યાકૂબના દીકરાઓએ બધી ભેટ-સોગાદો, બમણી રકમ અને બિન્યામીનને પોતાની સાથે લીધાં. પછી તેઓ ઇજિપ્ત જઈને યૂસફ આગળ ફરી ઊભા રહ્યા.+ ૧૬ યૂસફે તેઓ સાથે બિન્યામીનને જોયો ત્યારે, તેણે તરત જ પોતાના ઘરના કારભારીને કહ્યું: “આ માણસોને મારા ઘરે લઈ જા અને પ્રાણીઓ કાપીને જમવાનું તૈયાર કર. તેઓ બપોરે મારી સાથે જમશે.” ૧૭ તેણે તરત જ યૂસફના કહ્યા પ્રમાણે કર્યું+ અને તેઓને યૂસફના ઘરે લઈ ગયો. ૧૮ તેઓ યૂસફના ઘરે પહોંચ્યા ત્યારે ગભરાઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા: “ગઈ વખતે આપણી ગૂણોમાં જે પૈસા મૂક્યા હતા, એના લીધે જ તેઓ આપણને અહીં લઈ આવ્યા છે. હવે તેઓ આપણાં ગધેડાં લઈ લેશે અને આપણને પકડીને ગુલામ બનાવી દેશે!”+
૧૯ એટલે ઘરના આંગણે પહોંચીને તેઓએ કારભારી સાથે વાત કરી. ૨૦ તેઓએ કહ્યું: “માફ કરો માલિક, અમારે કંઈક કહેવું છે. અનાજ ખરીદવા અમે અહીં પહેલાં પણ આવ્યા હતા.+ ૨૧ ઘરે જતી વખતે અમે જ્યારે ઉતારાની જગ્યાએ પહોંચ્યા અને પોતાની ગૂણો ખોલી, ત્યારે એમાંથી અમને દરેકને પૂરેપૂરા પૈસા મળ્યા.+ અમે એ પૈસા પાછા આપવા માંગીએ છીએ. ૨૨ અમે જાણતા નથી કે અમારી ગૂણોમાં એ પૈસા કોણે મૂક્યા.+ આ વખતે અનાજ ખરીદવા અમે વધારે પૈસા લાવ્યા છીએ.” ૨૩ કારભારીએ તેઓને કહ્યું: “ડરશો નહિ. તમે ચૂકવેલા પૈસા મને મળી ગયા છે. તમારા અને તમારા પિતાના ઈશ્વરે એ પૈસા ગૂણોમાં મૂક્યા હતા.” પછી કારભારીએ શિમયોનને કેદમાંથી બહાર કાઢ્યો અને તેઓ પાસે લાવ્યો.+
૨૪ કારભારી તેઓને યૂસફના ઘરમાં લઈ આવ્યો. તેઓને પગ ધોવા પાણી આપ્યું અને તેઓનાં ગધેડાંને ચારો આપ્યો. ૨૫ તેઓએ સાંભળ્યું હતું કે યૂસફ બપોરે તેઓ સાથે જમવાનો છે.+ એટલે યૂસફના આવતા પહેલાં તેઓએ પોતે લાવેલી ભેટ-સોગાદો તેના માટે તૈયાર કરી.+ ૨૬ યૂસફ ઘરે આવ્યો ત્યારે, તેઓએ તેને એ ભેટ-સોગાદો આપી અને જમીન સુધી માથું નમાવીને પ્રણામ કર્યા.+ ૨૭ યૂસફે તેઓના ખબરઅંતર પૂછ્યા અને કહ્યું: “તમારા વૃદ્ધ પિતા, જેમના વિશે તમે મને જણાવ્યું હતું, તે કેમ છે? શું તે હજી જીવે છે?”+ ૨૮ તેઓએ કહ્યું: “હા માલિક, અમારા પિતાને સારું છે. તે હજી જીવે છે.” પછી તેઓએ ઘૂંટણિયે પડીને યૂસફને ફરી નમન કર્યું.+
૨૯ યૂસફે પોતાના સગા ભાઈ+ બિન્યામીનને જોઈને કહ્યું: “શું આ જ તમારો સૌથી નાનો ભાઈ છે, જેના વિશે તમે મને કહ્યું હતું?”+ તેણે આગળ કહ્યું: “મારા દીકરા, ઈશ્વરની કૃપા તારા પર રહે.” ૩૦ બિન્યામીનને જોઈને યૂસફનું હૈયું ભરાઈ આવ્યું. તે રડવાની અણીએ હતો, એટલે ઉતાવળે ત્યાંથી નીકળી ગયો અને પોતાના ઓરડામાં જઈને ખૂબ રડ્યો.+ ૩૧ પછી પોતાનું મોં ધોઈને તે બહાર આવ્યો. પોતાની લાગણીઓ પર કાબૂ કરીને તેણે ચાકરોને કહ્યું: “ખાવાનું પીરસો.” ૩૨ પછી તેઓએ યૂસફને, તેના ભાઈઓને અને ત્યાં હાજર ઇજિપ્તના લોકોને અલગ અલગ મેજ પર બેસાડીને ખાવાનું પીરસ્યું. અલગ બેસાડવાનું કારણ એ હતું કે ઇજિપ્તના લોકો માટે હિબ્રૂઓ સાથે બેસીને જમવું ધિક્કારને લાયક હતું.+
૩૩ યૂસફના ભાઈઓ તેની સામે બેઠા. તેઓ મોટા દીકરાથી*+ લઈને નાના સુધી ઉંમર પ્રમાણે બેઠા. તેઓ દંગ થઈને એકબીજા સામે જોતા હતા. ૩૪ યૂસફ પોતાની મેજ પરથી તેઓ માટે ખોરાક મોકલતો રહ્યો. પણ તેણે બીજા ભાઈઓ કરતાં બિન્યામીનને પાંચ ગણું વધારે આપ્યું.+ આમ તેઓ બધાએ ધરાઈને ખાધું-પીધું.
૪૪ યૂસફે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી: “પેલા માણસો લઈ જઈ શકે એટલું અનાજ તેઓની ગૂણોમાં ભરી દે. અનાજ માટે તેઓએ ચૂકવેલા પૈસા પણ તેઓની ગૂણોમાં પાછા મૂકી દે.+ ૨ પણ સૌથી નાના ભાઈની ગૂણમાં તેના પૈસાની સાથે સાથે મારો ચાંદીનો પ્યાલો મૂકજે.” કારભારીએ યૂસફના કહ્યા પ્રમાણે જ કર્યું.
૩ સવાર પડી ત્યારે એ માણસોને તેઓનાં ગધેડાં સાથે વિદાય કરવામાં આવ્યા. ૪ તેઓ થોડે દૂર પહોંચ્યા હશે એવામાં, યૂસફે ઘરના કારભારીને કહ્યું: “ઊઠ! પેલા માણસોની પાછળ જઈને તેઓને પકડી પાડ અને તેઓને કહેજે, ‘તમે ભલાઈનો બદલો બૂરાઈથી કેમ વાળ્યો? ૫ મારા માલિક જે પ્યાલામાંથી પીએ છે અને જેનાથી શુકન જુએ છે, એ પ્યાલો તમે કેમ ચોરી લીધો? આટલું ખરાબ કામ તમે કેમ કર્યું?’”
૬ એ કારભારીએ રસ્તામાં તેઓને પકડી પાડ્યા અને એવું જ કહ્યું. ૭ તેઓએ તેને કહ્યું: “માલિક, તમે કેમ એવું કહો છો? અમે એવું ખરાબ કામ કરવાનું વિચારી પણ ન શકીએ. ૮ ગઈ વખતે અમારી ગૂણોમાં જે પૈસા મળ્યા હતા, એ પાછા આપવા અમે છેક કનાન દેશથી આવ્યા.+ તો પછી, અમે કેમ તમારા માલિકના ઘરમાંથી સોનું કે ચાંદી ચોરીએ? ૯ જો અમારામાંથી કોઈની પાસે એ પ્યાલો મળી આવે, તો તેને મોતની સજા આપજો અને બાકીના અમે અમારા માલિકના ગુલામ બની જઈશું.” ૧૦ કારભારીએ કહ્યું: “ઠીક છે, એ પ્રમાણે કરીએ. પણ જેની પાસેથી પ્યાલો મળશે, ફક્ત તે જ મારો ગુલામ બનશે. બાકીનાઓ નિર્દોષ ગણાશે.” ૧૧ તેઓએ તરત જ પોતપોતાની ગૂણો ગધેડાં પરથી ઉતારીને ખોલી. ૧૨ કારભારીએ મોટા ભાઈથી શરૂ કરીને નાના ભાઈ સુધી બધાની ગૂણો ધ્યાનથી તપાસી. છેવટે, બિન્યામીનની ગૂણમાંથી પ્યાલો મળી આવ્યો.+
૧૩ બધા ભાઈઓએ દુઃખી થઈને પોતાના ઝભ્ભા ફાડ્યા. પછી ગધેડાં પર પોતાની ગૂણો મૂકીને તેઓ ઇજિપ્ત પાછા ફર્યા. ૧૪ યહૂદા+ અને તેના ભાઈઓ યૂસફના ઘરે પહોંચ્યા ત્યારે તે ઘરે જ હતો. તેઓએ જમીન સુધી માથું ટેકવીને તેને નમન કર્યું.+ ૧૫ યૂસફે તેઓને કહ્યું: “તમે આ શું કર્યું છે? શું તમને ખબર ન હતી કે મારા જેવો માણસ શુકન જોઈને બધું જાણી શકે છે?”+ ૧૬ યહૂદાએ કહ્યું: “માલિક, અમે શું કહીએ? શું કરીએ? કઈ રીતે સાબિત કરીએ કે અમે સાચા છીએ? વર્ષો પહેલાં અમે કરેલાં પાપનો સાચા ઈશ્વર હવે હિસાબ માંગી રહ્યા છે.+ માલિક, જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ નહિ, પણ અમે બધા તમારા ગુલામ છીએ!” ૧૭ પણ યૂસફે કહ્યું: “ના, હું એવું વિચારી પણ શકતો નથી! જેની પાસેથી પ્યાલો મળ્યો, તે જ મારો ગુલામ બનશે.+ બાકીનાઓ શાંતિથી તમારા પિતા પાસે પાછા જાઓ.”
૧૮ યહૂદા તેની પાસે આવ્યો અને કહ્યું: “માલિક, તમે તો રાજા સમાન છો.+ મહેરબાની કરીને મારી વાત સાંભળો અને મારા પર ગુસ્સે ન થાઓ. ૧૯ માલિક, તમે અમને પૂછ્યું હતું, ‘શું તમારે પિતા અથવા બીજો કોઈ ભાઈ છે?’ ૨૦ અમે કહ્યું હતું, ‘હા, અમારા પિતા છે, તે ઘણા વૃદ્ધ છે. અમારો એક સૌથી નાનો ભાઈ પણ છે.+ તે અમારા પિતાનો ઘડપણનો દીકરો છે. તેની માને બે દીકરા હતા, એકનું મરણ થયું છે+ અને આ એક જ રહ્યો છે.+ અમારા પિતા તેને ખૂબ પ્રેમ કરે છે.’ ૨૧ તમે અમને કહ્યું હતું: ‘તમારા ભાઈને અહીં લઈ આવો, મારે તેને મળવું છે.’+ ૨૨ પણ અમે કહ્યું હતું, ‘છોકરો પિતાને છોડીને આવી શકે એમ નથી, કેમ કે જો તે આવશે, તો અમારા પિતા ચોક્કસ મરી જશે.’+ ૨૩ પછી તમે કહ્યું હતું, ‘જો તમારો સૌથી નાનો ભાઈ તમારી સાથે ન આવે, તો ફરી મારી પાસે આવતા જ નહિ.’+
૨૪ “તેથી માલિક, અમે અમારા પિતા પાસે ગયા અને તમારી વાત જણાવી. ૨૫ સમય જતાં, અમારા પિતાએ કહ્યું, ‘ઇજિપ્ત પાછા જાઓ અને આપણા માટે થોડું અનાજ ખરીદી લાવો.’+ ૨૬ પણ અમે કહ્યું, ‘જો સૌથી નાનો ભાઈ અમારી સાથે નહિ આવે, તો અમે નહિ જઈએ, કેમ કે તેના વગર તે અધિકારી અમારું મોં પણ નહિ જુએ.’+ ૨૭ પિતાએ કહ્યું, ‘તમે સારી રીતે જાણો છો કે મારી પત્નીથી મને બે દીકરાઓ થયા હતા.+ ૨૮ એમાંનો એક મને છોડીને ચાલ્યો ગયો ત્યારે મેં કહ્યું હતું: “જરૂર તેના ટુકડે-ટુકડા થઈ ગયા હશે!”+ એ દિવસથી મેં તેને જોયો જ નથી. ૨૯ જો તમે મારા આ સૌથી નાના દીકરાને પણ લઈ જાઓ અને મુસાફરીમાં તેને કંઈ થઈ જાય અને તે મરી જાય, તો આ ઘડપણમાં મારે શોક કરતાં કરતાં કબરમાં*+ જવું પડશે.’+
૩૦ “આ છોકરો મારા પિતાને જીવથી પણ વધારે વહાલો છે. તેના વગર હું પિતા પાસે પાછો જઈ શકતો નથી. ૩૧ જો તે છોકરાને અમારી સાથે નહિ જુએ, તો જરૂર તે મરી જશે. અમારે લીધે અમારા પિતા ઘડપણમાં શોક કરતાં કરતાં કબરમાં* જશે. ૩૨ માલિક, આ છોકરાની સલામતીની જવાબદારી મેં લીધી હતી. મેં પિતાને કહ્યું હતું, ‘જો હું તેને પાછો સહીસલામત ન લાવું, તો આખી જિંદગી એ પાપ મારા માથે રહેશે.’+ ૩૩ કૃપા કરીને એ છોકરાને બદલે મને તમારો ગુલામ બનાવો. પણ એ છોકરાને તેના ભાઈઓ સાથે ઘરે જવા દો. ૩૪ આ છોકરા વગર હું મારા પિતા પાસે કઈ રીતે જાઉં? મારા પિતા પર જે વીતશે, એ મારાથી નહિ જોવાય!”
૪૫ યૂસફ પોતાના ચાકરો સામે લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહિ.+ એટલે તેણે મોટે અવાજે તેઓને કહ્યું: “બધા બહાર જાઓ!” યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ છતી કરી+ ત્યારે, ત્યાં બીજું કોઈ હાજર ન હતું.
૨ પછી તે મોટે મોટેથી રડવા લાગ્યો. તેના રડવાનો અવાજ આસપાસ ઇજિપ્તના લોકોને સંભળાયો અને રાજાના ઘર સુધી એ સમાચાર પહોંચ્યા. ૩ છેવટે યૂસફે પોતાના ભાઈઓને કહ્યું: “હું યૂસફ છું. શું મારા પિતા હજી જીવે છે?” તેઓ કંઈ જવાબ આપી ન શક્યા, કેમ કે તેની વાત સાંભળીને તેઓ દંગ રહી ગયા હતા. ૪ યૂસફે કહ્યું: “મારા ભાઈઓ, મારી પાસે આવો.” તેઓ તેની પાસે ગયા.
તેણે તેઓને કહ્યું: “હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે ઇજિપ્તમાં વેચી દીધો હતો.+ ૫ તમે મને વેચી દીધો હતો, એ વાતે જરાય દુઃખી થશો નહિ. એકબીજાનો વાંક કાઢશો નહિ. ઈશ્વરે મને તમારી આગળ અહીં મોકલ્યો છે, જેથી આપણા બધાના જીવ બચે.+ ૬ દુકાળનું આ બીજું વર્ષ છે.+ હજી પાંચ વર્ષ બાકી છે, જેમાં ન વાવણી થશે ન કાપણી. ૭ પણ તમારો અદ્ભુત રીતે બચાવ થાય અને પૃથ્વી પર તમારો વંશવેલો+ ચાલુ રહે, એ માટે ઈશ્વરે મને તમારી આગળ મોકલ્યો છે. ૮ એટલે તમે નહિ, પણ સાચા ઈશ્વરે મને અહીં મોકલ્યો છે. તેમણે મને રાજાનો ખાસ સલાહકાર,* તેમના ઘરનો અધિકારી અને આખા ઇજિપ્તનો અમલદાર બનાવ્યો છે.+
૯ “મારા પિતા પાસે જલદી જાઓ અને તેમને કહેજો, ‘તમારો દીકરો યૂસફ કહે છે: “ઈશ્વરે મને ઇજિપ્તનો અધિકારી બનાવ્યો છે.+ મારી પાસે આવો. જરાય મોડું કરશો નહિ.+ ૧૦ તમે ગોશેન પ્રદેશમાં રહેજો,+ મારી નજીક રહેજો. તમારાં દીકરાઓ, પૌત્રો, ઢોરઢાંક, ઘેટાં-બકરાં અને સર્વ માલ-મિલકત સાથે તમે ત્યાં જ રહેજો. ૧૧ ત્યાં હું તમને ખોરાક પૂરો પાડતો રહીશ, કેમ કે દુકાળના હજી પાંચ વર્ષ બાકી છે.+ નહિતર, તમે અને તમારા ઘરના બધા ભૂખે મરશો અને તમારું બધું ખતમ થઈ જશે.”’ ૧૨ તમે અને મારા ભાઈ બિન્યામીને પોતાની આંખે જોયું છે કે હું યૂસફ છું, હું પોતે તમારી સાથે વાત કરી રહ્યો છું.+ ૧૩ ઇજિપ્તમાં મારો વૈભવ અને જે કંઈ જોયું છે, એ વિશે મારા પિતાને જણાવજો. હવે જલદી જાઓ, મારા પિતાને અહીં લઈ આવો.”
૧૪ પછી યૂસફ પોતાના ભાઈ બિન્યામીનને ભેટી પડ્યો અને પોક મૂકીને રડ્યો. બિન્યામીન પણ તેને વળગીને ખૂબ રડ્યો.+ ૧૫ યૂસફે પોતાના બધા ભાઈઓને ચુંબન કર્યું અને ખૂબ રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી.
૧૬ રાજાના ઘરે સમાચાર પહોંચ્યા કે, “યૂસફના ભાઈઓ આવ્યા છે!” એ સાંભળીને રાજા અને તેના અધિકારીઓ ખુશ થઈ ગયા. ૧૭ રાજાએ યૂસફને કહ્યું: “તારા ભાઈઓને કહે કે તેઓ પોતાનાં જાનવરો પર સામાન લાદીને કનાન દેશ જાય. ૧૮ ત્યાંથી તેઓના પિતા અને તેઓના ઘરનાઓને લઈને અહીં મારી પાસે આવે. હું તેઓને ઇજિપ્તની સૌથી સારી વસ્તુઓ આપીશ અને તેઓ દેશની સૌથી ઉત્તમ વસ્તુઓ* ખાશે.*+ ૧૯ તેઓને કહેજે,+ ઇજિપ્તથી ગાડાં લઈ જાય+ અને પોતાના દીકરાઓ અને પત્નીઓને એમાં લઈ આવે. એક ગાડામાં પોતાના પિતાને પણ લઈ આવે.+ ૨૦ એમ પણ કહેજે, તેઓ પોતાની માલ-મિલકતની ચિંતા ન કરે,+ કેમ કે ઇજિપ્તની સૌથી ઉત્તમ વસ્તુઓ તેઓની થશે.”
૨૧ ઇઝરાયેલના દીકરાઓએ એમ જ કર્યું. રાજાની આજ્ઞા પ્રમાણે યૂસફે તેઓને ગાડાં આપ્યાં અને મુસાફરી માટે જરૂરી વસ્તુઓ ભરી આપી. ૨૨ યૂસફે દરેકને એક એક જોડી નવાં કપડાં આપ્યાં. પણ બિન્યામીનને તેણે ચાંદીના ૩૦૦ ટુકડા અને પાંચ જોડી નવાં કપડાં આપ્યાં.+ ૨૩ યૂસફે પોતાના પિતા માટે ઇજિપ્તની સૌથી સારી વસ્તુઓ લાદેલાં દસ ગધેડાં મોકલ્યાં. તેમ જ, પિતાની મુસાફરી માટે અનાજ, રોટલી અને બીજો ખોરાક લાદેલી દસ ગધેડીઓ મોકલી. ૨૪ તેણે પોતાના ભાઈઓને વિદાય કર્યા અને કહ્યું: “રસ્તામાં એકબીજા પર ગુસ્સે ન થતા.”+
૨૫ તેઓ ઇજિપ્તથી નીકળ્યા અને પિતા યાકૂબ પાસે કનાન દેશ આવી પહોંચ્યા. ૨૬ તેઓએ પિતાને કહ્યું: “યૂસફ હજી જીવે છે! તે આખા ઇજિપ્તનો અમલદાર છે!”+ યાકૂબને એ વાત માનવામાં ન આવી+ અને તેનું હૃદય જાણે થંભી ગયું. ૨૭ તેઓએ યૂસફે કહેલી બધી વાતો પિતાને કહી સંભળાવી. એ સાંભળીને અને યૂસફે મોકલેલાં ગાડાં જોઈને યાકૂબના જીવમાં જીવ આવ્યો. ૨૮ ઇઝરાયેલ બોલી ઊઠ્યો: “બસ, હવે હું માનું છું! મારો દીકરો યૂસફ જીવે છે! મારે તેની પાસે જવું છે. મરતા પહેલાં બસ એક વાર મારે તેનું મોં જોવું છે!”+
૪૬ ઇઝરાયેલ પોતાનું કુટુંબ અને માલ-મિલકત લઈને ઇજિપ્ત જવા નીકળ્યો. તે બેર-શેબા પહોંચ્યો+ ત્યારે, તેણે પિતા ઇસહાકના ઈશ્વરને બલિદાનો ચઢાવ્યાં.+ ૨ રાતે ઈશ્વરે ઇઝરાયેલને દર્શનમાં કહ્યું: “યાકૂબ, યાકૂબ!” તેણે કહ્યું: “હા, પ્રભુ!” ૩ ઈશ્વરે કહ્યું: “હું સાચો ઈશ્વર છું, તારા પિતાનો ઈશ્વર.+ તું ઇજિપ્ત જતા ડરીશ નહિ, કેમ કે ત્યાં હું તને મહાન પ્રજા બનાવીશ.+ ૪ હું તારી સાથે ઇજિપ્ત આવીશ અને તને ત્યાંથી બહાર પણ કાઢીશ.+ તું મરી જઈશ ત્યારે તારો દીકરો યૂસફ તારી આંખો બંધ કરશે.”*+
૫ પછી યાકૂબ બેર-શેબાથી નીકળ્યો. યાકૂબના* દીકરાઓ ઇજિપ્તના રાજાએ મોકલેલાં ગાડાંમાં પોતાનાં પિતાને, બાળકોને અને પત્નીઓને લઈ ગયા. ૬ કનાન દેશમાં તેઓએ જે ઢોરઢાંક અને માલ-મિલકત ભેગાં કર્યાં હતાં, એ પણ લઈ ગયા. આમ યાકૂબ અને તેનું આખું કુટુંબ ઇજિપ્ત આવી પહોંચ્યું. ૭ યાકૂબ પોતાનાં બધાં દીકરા-દીકરીઓ અને પૌત્ર-પૌત્રીઓને ઇજિપ્ત લઈ આવ્યો.
૮ ઇઝરાયેલ, એટલે કે યાકૂબના જે દીકરાઓ ઇજિપ્ત આવ્યા, તેઓનાં નામ આ છે:+ યાકૂબનો પ્રથમ જન્મેલો દીકરો રૂબેન.+
૯ રૂબેનના દીકરાઓ હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી હતા.+
૧૦ શિમયોનના+ દીકરાઓ યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને શાઊલ હતા.+ શાઊલ તેને કનાની સ્ત્રીથી થયો હતો.
૧૧ લેવીના+ દીકરાઓ ગેર્શોન, કહાથ અને મરારી હતા.+
૧૨ યહૂદાના+ દીકરાઓ એર, ઓનાન, શેલાહ,+ પેરેસ+ અને ઝેરાહ+ હતા. પણ એર અને ઓનાનનું મરણ કનાન દેશમાં થયું હતું.+
પેરેસના દીકરાઓ હેસરોન અને હામૂલ હતા.+
૧૩ ઇસ્સાખારના દીકરાઓ તોલા, પુવાહ, યોબ અને શિમ્રોન હતા.+
૧૪ ઝબુલોનના+ દીકરાઓ સેરેદ, એલોન અને યાહલએલ હતા.+
૧૫ પાદ્દાનારામમાં યાકૂબને લેઆહથી એ દીકરાઓ થયા અને દીનાહ નામે એક દીકરી થઈ.+ યાકૂબને લેઆહથી થયેલાં દીકરા-દીકરીઓની* સંખ્યા ૩૩ હતી.
૧૬ ગાદના+ દીકરાઓ સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી અને આરએલી હતા.+
૧૭ આશેરના+ દીકરાઓ યિમ્નાહ, યિશ્વાહ, યિશ્વી અને બરીઆહ હતા. તેઓની બહેન સેરાહ હતી.
બરીઆહના દીકરાઓ હેબેર અને માલ્કીએલ હતા.+
૧૮ યાકૂબને એ બધા દીકરાઓ ઝિલ્પાહથી+ થયા હતા. લાબાને પોતાની દીકરી લેઆહને ઝિલ્પાહ દાસી તરીકે આપી હતી. યાકૂબને ઝિલ્પાહથી ૧૬ વંશજો થયા હતા.
૧૯ યાકૂબને પોતાની પત્ની રાહેલથી યૂસફ+ અને બિન્યામીન+ થયા હતા.
૨૦ યૂસફને ઇજિપ્તમાં મનાશ્શા+ અને એફ્રાઈમ+ થયા હતા. તેને એ દીકરાઓ ઓન* શહેરના યાજક, પોટીફેરાની દીકરી આસનાથથી+ થયા હતા.
૨૧ બિન્યામીનના+ દીકરાઓ બેલા, બેખેર, આશ્બેલ, ગેરા,+ નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ+ અને આર્દ+ હતા.
૨૨ યાકૂબને એ બધા દીકરાઓ રાહેલથી થયા હતા. યાકૂબને તેનાથી ૧૪ વંશજો થયા હતા.
૨૪ નફતાલીના+ દીકરાઓ યાહસએલ, ગૂની, યેસેર અને શિલ્લેમ હતા.+
૨૫ યાકૂબને એ બધા દીકરાઓ બિલ્હાહથી થયા હતા. લાબાને પોતાની દીકરી રાહેલને બિલ્હાહ દાસી તરીકે આપી હતી. યાકૂબને બિલ્હાહથી સાત વંશજો થયા હતા.
૨૬ યાકૂબ સાથે ઇજિપ્ત ગયેલા તેના વંશજોની સંખ્યા ૬૬ હતી.+ એમાં યાકૂબના દીકરાઓની પત્નીઓને ગણવામાં આવી ન હતી. ૨૭ યૂસફને ઇજિપ્તમાં બે દીકરાઓ થયા હતા. આમ યાકૂબના કુટુંબના કુલ ૭૦ લોકો ઇજિપ્ત આવ્યા.+
૨૮ તેઓ ગોશેન પ્રદેશ નજીક આવ્યા ત્યારે, યૂસફને એ ખબર આપવા યાકૂબે યહૂદાને+ આગળ મોકલ્યો. તેઓ ગોશેન આવી પહોંચ્યા ત્યારે,+ ૨૯ યૂસફે તરત પોતાનો રથ તૈયાર કર્યો અને પિતાને મળવા દોડી ગયો. પિતાને મળતા જ યૂસફ તેને ભેટી પડ્યો અને થોડા સમય સુધી રડતો રહ્યો. ૩૦ ઇઝરાયેલે યૂસફને કહ્યું: “તને જોઈને હવે મને ખાતરી થઈ છે કે તું જીવે છે. હવે હું શાંતિથી મરી શકીશ.”
૩૧ પછી યૂસફે પોતાના ભાઈઓ અને પિતાના ઘરનાઓને કહ્યું: “હું જઈને રાજાને ખબર આપું છું+ કે, ‘કનાન દેશથી મારા ભાઈઓ અને મારા પિતાના ઘરનાઓ મારી પાસે આવ્યા છે.+ ૩૨ તેઓ ઘેટાંપાળકો છે+ અને ઢોરઢાંક પાળે છે.+ તેઓ પોતાનાં ઢોરઢાંક, ઘેટાં-બકરાં અને પોતાનું સર્વસ્વ અહીં લઈ આવ્યા છે.’+ ૩૩ જ્યારે રાજા તમને બોલાવે અને પૂછે કે, ‘તમે શું કામ કરો છો?’ ૩૪ ત્યારે તમે કહેજો, ‘અમારા બાપદાદાઓની જેમ અમે પણ નાનપણથી ઢોરઢાંક અને ઘેટાં-બકરાં પાળીએ છીએ.’+ એ સાંભળીને રાજા તમને ગોશેન પ્રદેશમાં રહેવા દેશે,+ કેમ કે ઇજિપ્તના લોકો ઘેટાંપાળકોને ધિક્કારે છે.”+
૪૭ યૂસફે જઈને રાજાને ખબર આપી:+ “કનાનથી મારા પિતા અને ભાઈઓ આવ્યા છે. તેઓ પોતાનાં ઘેટાં-બકરાં, ઢોરઢાંક અને બધી માલ-મિલકત લઈને આવ્યા છે. તેઓ ગોશેન પ્રદેશમાં છે.”+ ૨ પછી યૂસફ પોતાના પાંચ ભાઈઓને રાજા આગળ લાવ્યો.+
૩ રાજાએ તેના ભાઈઓને પૂછ્યું: “તમે શું કામ કરો છો?” તેઓએ કહ્યું: “અમારા બાપદાદાઓની જેમ અમે પણ ઘેટાંપાળકો છીએ.”+ ૪ તેઓએ રાજાને કહ્યું: “અમે અહીં પરદેશીઓ તરીકે રહેવા આવ્યા છીએ,+ કેમ કે કનાનમાં આકરો દુકાળ છે+ અને અમારા ઢોરઢાંક માટે ચારો નથી. તેથી, કૃપા કરી અમને ગોશેનમાં રહેવા દો.”+ ૫ રાજાએ યૂસફને કહ્યું: “સારું થયું કે તારા પિતા અને ભાઈઓ તારી પાસે આવ્યા. ૬ જો, આખો ઇજિપ્ત દેશ તારી આગળ છે. તારા પિતા અને ભાઈઓને દેશનો સૌથી ઉત્તમ ભાગ આપજે.+ તેઓને ગોશેનમાં રાખજે. જો તેઓમાંથી કોઈ કાબેલ માણસો તારા ધ્યાનમાં હોય, તો તેઓને મારા ઢોરઢાંક સંભાળવા આપજે.”
૭ પછી યૂસફ પોતાના પિતા યાકૂબને રાજા આગળ લાવ્યો અને યાકૂબે રાજાને આશીર્વાદ આપ્યો. ૮ રાજાએ યાકૂબને પૂછ્યું: “તમારી ઉંમર કેટલી છે?” ૯ યાકૂબે રાજાને કહ્યું: “હું ૧૩૦ વર્ષનો છું. પણ મારા બાપદાદાઓના આયુષ્યની સરખામણીમાં એ તો કંઈ જ નથી.+ મેં એ વર્ષો ઘણાં દુઃખમાં વિતાવ્યાં છે.+ મારા બાપદાદાઓ પરદેશી તરીકે જીવ્યા હતા અને હું પણ આખી જિંદગી પરદેશી તરીકે જીવ્યો છું.” ૧૦ પછી રાજાને આશીર્વાદ આપીને યાકૂબ ત્યાંથી નીકળી ગયો.
૧૧ રાજાની આજ્ઞા પ્રમાણે યૂસફે પોતાના પિતા અને ભાઈઓને ઇજિપ્તનો સારામાં સારો વિસ્તાર રહેવા આપ્યો. તેણે તેઓને રામસેસમાં* વસાવ્યા.+ ૧૨ યૂસફ પોતાના પિતા, ભાઈઓ અને પિતાના ઘરનાને ખોરાક પૂરો પાડતો રહ્યો. તે દરેક કુટુંબને બાળકોની સંખ્યા પ્રમાણે ખોરાક આપતો રહ્યો.
૧૩ સમય જતાં દુકાળે ભયાનક રૂપ લીધું. આખા ઇજિપ્ત અને કનાનમાં અનાજ ખૂટી ગયું. એ બંને દેશના લોકો દુકાળને લીધે હેરાન-પરેશાન થઈ ગયા.+ ૧૪ તેઓ યૂસફ પાસે અનાજ ખરીદવા આવતા.+ યૂસફ એમાંથી મળતા પૈસા ભેગા કરતો અને રાજાના ખજાનામાં જમા કરાવતો. ૧૫ થોડા સમયમાં ઇજિપ્ત અને કનાનના લોકો પાસે પૈસા ખતમ થઈ ગયા. એટલે ઇજિપ્તના બધા લોકો યૂસફ પાસે આવીને કહેવા લાગ્યા: “અમને ખોરાક આપો. અમારા પૈસા ખલાસ થઈ ગયા છે એ કારણે શું તમે અમને અનાજ નહિ આપો? શું અમને ભૂખે મરવા દેશો?” ૧૬ યૂસફે કહ્યું: “જો પૈસા ન હોય, તો તમારાં જાનવરો લઈ આવો. એના બદલામાં હું તમને ખોરાક આપીશ.” ૧૭ એટલે લોકો પોતાનાં જાનવરો યૂસફ પાસે લાવતા. ઘોડા, ઢોરઢાંક, ઘેટાં-બકરાં અને ગધેડાંના બદલામાં યૂસફ તેઓને ખોરાક આપતો. આખું વર્ષ યૂસફ તેઓને જાનવરોના બદલામાં ખોરાક આપતો રહ્યો.
૧૮ એ પછીના વર્ષે તેઓ યૂસફ પાસે આવીને કહેવા લાગ્યા: “માલિક, અમે તમને અમારી હાલત જણાવવા માંગીએ છીએ. અમે અમારાં પૈસા અને જાનવરો તો તમને આપી ચૂક્યા છીએ. હવે અમારાં શરીર અને જમીન સિવાય કશું જ બાકી રહ્યું નથી. ૧૯ જો અમે મરી જઈએ અને અમારી જમીન ઉજ્જડ થઈ જાય, તો તમને શો ફાયદો? અમને અને અમારી જમીનને ખરીદી લો અને એના બદલામાં ખોરાક આપો. અમે રાજાના દાસ બનીશું અને અમારી જમીન તેમને આપી દઈશું. બસ અમને અનાજ આપો, જેથી અમે મરી ન જઈએ અને અમારી જમીન ઉજ્જડ ન થઈ જાય.” ૨૦ દુકાળ આકરો હતો, એટલે ઇજિપ્તના લોકોએ પોતાની જમીન યૂસફને વેચી દીધી. યૂસફે એ બધી જમીન રાજા માટે ખરીદી લીધી. આમ એ બધી જમીન રાજાની થઈ.
૨૧ યૂસફે નાનાં નાનાં ગામડાંમાં રહેતા ઇજિપ્તવાસીઓને શહેરોમાં જઈને વસવાનો હુકમ કર્યો.+ ૨૨ ફક્ત યાજકોની જમીન તેણે ખરીદી નહિ.+ યાજકોને રાજા પાસેથી ખોરાક મળતો હતો, એટલે તેઓએ પોતાની જમીન વેચવી પડી નહિ. ૨૩ પછી યૂસફે લોકોને કહ્યું: “મેં આજે તમને અને તમારી જમીનને રાજા માટે ખરીદી લીધાં છે. આ દાણા લઈ જાઓ અને જમીનમાં વાવો. ૨૪ કાપણીના સમયે તમારે ઊપજના પાંચ ભાગ કરવા. એક ભાગ રાજાને આપવો,+ પણ ચાર ભાગ તમારે પોતાના માટે રાખવા. એ ચાર ભાગ તમારા, તમારાં બાળકોના અને તમારાં ઘરના લોકોના ખોરાક માટે અને વાવણી માટે છે.” ૨૫ તેઓએ કહ્યું: “માલિક, તમે અમારું જીવન બચાવ્યું છે.+ તમારી કૃપા અમારા પર રાખો અને અમને રાજાના દાસ બનવા દો.”+ ૨૬ પછી યૂસફે કાયદો બનાવ્યો કે, ઊપજનો પાંચમો ભાગ રાજાનો થાય. એ કાયદો આજ સુધી ઇજિપ્ત દેશમાં ચાલે છે. ફક્ત યાજકોની જમીન રાજાની ન થઈ.+
૨૭ ઇઝરાયેલના ઘરના લોકો ઇજિપ્તના ગોશેન પ્રદેશમાં રહેવા લાગ્યા.+ તેઓ ત્યાં જ વસી ગયા. તેઓ વૃદ્ધિ પામ્યા અને તેઓની વસ્તી ખૂબ વધી.+ ૨૮ યાકૂબ ઇજિપ્તમાં ૧૭ વર્ષ જીવ્યો. તેનું મરણ થયું ત્યારે તેની ઉંમર ૧૪૭ વર્ષ હતી.+
૨૯ યાકૂબને જ્યારે ખ્યાલ આવ્યો કે તે હવે બહુ જીવવાનો નથી,+ ત્યારે તેણે પોતાના દીકરા યૂસફને બોલાવીને કહ્યું: “મારા દીકરા, મારી જાંઘ નીચે તારો હાથ મૂકીને સમ ખા કે, તું મારી સાથે અતૂટ પ્રેમ અને વફાદારીથી વર્તીશ. મારા પર આટલી મહેરબાની કરજે કે, મને ઇજિપ્તમાં દફનાવતો નહિ.+ ૩૦ હું મરી જાઉં* ત્યારે, મને ઇજિપ્તમાંથી લઈ જજે અને મારા બાપદાદાઓની કબરમાં દફનાવજે.”+ યૂસફે કહ્યું: “હા પિતાજી, હું તમારા કહ્યા પ્રમાણે જ કરીશ.” ૩૧ તેણે યૂસફને કહ્યું: “મારી આગળ સમ ખા.” યૂસફે સમ ખાધા.+ પછી ઇઝરાયેલે પથારીમાં માથું ટેકવવાની જગ્યાએ નમીને પ્રાર્થના કરી.+
૪૮ થોડા સમય પછી યૂસફને આ ખબર મળી: “તારા પિતાની તબિયત લથડી ગઈ છે.” એટલે તે પોતાના બે દીકરાઓ મનાશ્શા અને એફ્રાઈમને લઈને યાકૂબને મળવા ગયો.+ ૨ યાકૂબને કહેવામાં આવ્યું: “જુઓ, તમારો દીકરો યૂસફ તમને મળવા આવ્યો છે.” ત્યારે ઇઝરાયેલ પોતાની તાકાત ભેગી કરીને પલંગ પર બેઠો થયો. ૩ યાકૂબે યૂસફને કહ્યું:
“સર્વશક્તિમાન ઈશ્વર કનાન દેશના લૂઝ શહેરમાં મારી આગળ પ્રગટ થયા હતા અને મને આશીર્વાદ આપ્યો હતો.+ ૪ તેમણે મને કહ્યું હતું: ‘હું તારા વંશજની સંખ્યા ખૂબ જ વધારીશ. તારામાંથી ઘણી પ્રજાઓ* આવશે+ અને આ દેશ તારા વંશજને હું વારસા તરીકે આપીશ.’+ ૫ હું તારી પાસે ઇજિપ્ત આવ્યો એ પહેલાં તને જે બે દીકરાઓ ઇજિપ્તમાં થયા, તેઓ હવે મારા દીકરાઓ છે.+ રૂબેન અને શિમયોનની જેમ એફ્રાઈમ અને મનાશ્શા મારા થશે.+ ૬ પણ તેઓ પછી થનાર બાળકો તારાં ગણાશે. એ બાળકોને એફ્રાઈમ અને મનાશ્શાના વારસામાંથી ભાગ મળશે.+ ૭ હું જ્યારે પાદ્દાનથી આવી રહ્યો હતો, ત્યારે મુસાફરીમાં રાહેલ મારી નજર સામે કનાન દેશમાં ગુજરી ગઈ.+ એફ્રાથ+ હજી ઘણું દૂર હતું, તેથી મેં રાહેલને એફ્રાથ, એટલે કે બેથલેહેમ+ જવાના રસ્તે દફનાવી.”
૮ ઇઝરાયેલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું: “આ કોણ છે?” ૯ યૂસફે કહ્યું: “તેઓ મારા દીકરાઓ છે. એ દીકરાઓ ઈશ્વરે મને આ દેશમાં આપ્યા છે.”+ ઇઝરાયેલે કહ્યું: “તેઓને મારી પાસે લાવ. હું તેઓને આશીર્વાદ આપવા ચાહું છું.”+ ૧૦ હવે ઉંમરને લીધે ઇઝરાયેલની આંખો નબળી પડી ગઈ હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. એટલે યૂસફ પોતાના દીકરાઓને પિતાની નજીક લાવ્યો. ઇઝરાયેલે તેઓને ચુંબન કર્યું અને ભેટ્યો. ૧૧ ઇઝરાયેલે યૂસફને કહ્યું: “મેં વિચાર્યું પણ ન હતું કે હું તારું મોં ફરી જોઈ શકીશ.+ પણ ઈશ્વરે મને તારો વંશજ પણ દેખાડ્યો છે!” ૧૨ પછી યૂસફે તેનાં બે બાળકોને ઇઝરાયેલ પાસેથી* લીધા અને તેણે જમીન સુધી માથું ટેકવીને પિતાને નમન કર્યું.
૧૩ યૂસફ પોતાના બંને દીકરાઓને ફરી ઇઝરાયેલની નજીક લાવ્યો. તેણે એફ્રાઈમને+ પોતાને જમણે હાથે રાખ્યો, જેથી તે ઇઝરાયેલની ડાબી બાજુ રહે. તેણે મનાશ્શાને+ પોતાને ડાબે હાથે રાખ્યો, જેથી તે ઇઝરાયેલની જમણી બાજુ રહે. ૧૪ પણ ઇઝરાયેલે પોતાનો જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો અને ડાબો હાથ મનાશ્શાના માથે મૂક્યો. હવે મનાશ્શા તો પ્રથમ જન્મેલો હતો+ અને એફ્રાઈમ નાનો હતો. તેમ છતાં, ઇઝરાયેલે જાણીજોઈને એમ કર્યું. ૧૫ પછી તેણે યૂસફને આશીર્વાદ આપતા કહ્યું:+
“જે સાચા ઈશ્વરની આગળ મારા દાદા ઇબ્રાહિમ અને મારા પિતા ઇસહાક ચાલ્યા,+
જે સાચા ઈશ્વરે ઘેટાંપાળકની જેમ મને આખી જિંદગી સાચવ્યો,+
૧૬ જે ઈશ્વરે દૂત મોકલીને મને આફતોમાંથી વારંવાર બચાવ્યો,+ તે ઈશ્વર આ છોકરાઓને આશીર્વાદ આપે.+
તેઓ મારા નામે અને મારા દાદા ઇબ્રાહિમ અને મારા પિતા ઇસહાકને નામે ઓળખાય.
પૃથ્વી પર તેઓના વંશજ વધતા ને વધતા જાય.”+
૧૭ જ્યારે યૂસફે જોયું કે, તેના પિતાએ જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો છે, ત્યારે તેને એ ન ગમ્યું. તેણે પિતાનો હાથ એફ્રાઈમના માથેથી હટાવીને મનાશ્શાના માથે મૂકવાની કોશિશ કરી. ૧૮ યૂસફે પિતાને કહ્યું: “ના પિતાજી, પ્રથમ જન્મેલો દીકરો આ છે.+ આના માથે તમારો જમણો હાથ મૂકો.” ૧૯ પણ તેના પિતાએ નકાર કરતા કહ્યું: “હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા બનશે અને તે મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તેના કરતાં વધારે મહાન થશે.+ ઘણી પ્રજાઓ જેટલી તેના વંશજની સંખ્યા થશે.”+ ૨૦ એ દિવસે ઇઝરાયેલે તેઓને આશીર્વાદ આપ્યો:+
“ઇઝરાયેલીઓ તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપતા કહેશે,
‘ઈશ્વર તને એફ્રાઈમ અને મનાશ્શા જેવો કરે.’”
આમ તેણે એફ્રાઈમને મનાશ્શાની પહેલાં મૂક્યો.
૨૧ પછી ઇઝરાયેલે યૂસફને કહ્યું: “જો, હવે હું બહુ જીવવાનો નથી.+ પણ ઈશ્વર ચોક્કસ તમારી સાથે રહેશે અને તમને તમારા બાપદાદાઓના દેશમાં પાછા લઈ જશે.+ ૨૨ તારા ભાઈઓ કરતાં હું તને જમીનનો એક ભાગ* વધારે આપું છું. એ જમીન મેં અમોરીઓ પાસેથી મારી તલવાર અને બાણને જોરે જીતી હતી.”
૪૯ યાકૂબે પોતાના દીકરાઓને બોલાવીને કહ્યું: “તમે બધા મારી પાસે આવો, જેથી હું તમને જણાવું કે ભાવિમાં તમારા પર શું વીતશે. ૨ હે યાકૂબના દીકરાઓ, અહીં આવો અને તમારા પિતા ઇઝરાયેલનું સાંભળો.
૩ “રૂબેન,+ તું મારો પ્રથમ જન્મેલો દીકરો છે.+ તું મારું જોમ છે અને મારી શક્તિની* પહેલી નિશાની છે. તું ગૌરવ અને સામર્થ્યમાં ચઢિયાતો છે. ૪ પણ તું કાયમ ચઢિયાતો રહીશ નહિ, કેમ કે તું ધસમસતા પૂર જેવો છે અને તારી લાગણીઓને તેં કાબૂમાં રાખી નહિ. તું તારા પિતાની પથારી પર ગયો*+ અને તેં મારી પથારી ભ્રષ્ટ કરી. હા, તેણે એવું જ કર્યું હતું!
૫ “શિમયોન અને લેવી ભાઈઓ છે.+ તેઓની તલવારો હિંસાનાં હથિયારો છે.+ ૬ હે મારા જીવ,* તેઓની સંગત કરીશ નહિ. હે મારા દિલ,* તેઓના જૂથમાં જોડાઈશ નહિ, કેમ કે તેઓએ ગુસ્સે ભરાઈને માણસોની કતલ કરી છે.+ તેઓએ મોજમજા માટે બળદની નસ કાપીને તેઓને લંગડા બનાવી દીધા છે. ૭ ધિક્કાર છે તેઓના ગુસ્સાને, કેમ કે એ ક્રૂર છે. ધિક્કાર છે તેઓના રોષને, કેમ કે એ નિર્દય છે.+ હું યાકૂબના દેશમાં તેઓને જુદા પાડી દઈશ અને ઇઝરાયેલમાં તેઓને વિખેરી નાખીશ.+
૮ “યહૂદા,+ તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે.+ તારો હાથ તારા દુશ્મનોના ગળા પર રહેશે.+ તારા પિતાના દીકરાઓ તારી આગળ માથું નમાવશે.+ ૯ યહૂદા સિંહનું બચ્ચું છે.+ મારા દીકરા, તું શિકારને મારીને જ પાછો આવીશ. તે સિંહની જેમ જમીન પર પગ ફેલાવીને આડો પડ્યો છે. તે તો સિંહ જેવો છે, તેને છંછેડવાની હિંમત કોણ કરે? ૧૦ શીલોહ* ન આવે ત્યાં સુધી+ યહૂદામાંથી રાજદંડ* ખસશે નહિ+ અને તેની પાસેથી શાસકની છડી* જતી રહેશે નહિ. લોકો તેને જરૂર આધીન રહેશે.+ ૧૧ તે પોતાના ગધેડાને દ્રાક્ષાવેલા સાથે બાંધશે અને ગધેડાના બચ્ચાને સારા દ્રાક્ષાવેલા સાથે બાંધશે. તે પોતાનાં કપડાં દ્રાક્ષદારૂમાં ધોશે અને પોતાનો ઝભ્ભો દ્રાક્ષના રસમાં* ધોશે. ૧૨ દ્રાક્ષદારૂથી તેની આંખો લાલ અને દૂધથી તેના દાંત સફેદ થયા છે.
૧૩ “ઝબુલોન+ સમુદ્ર કિનારે રહેશે, જ્યાં વહાણ લાંગરવામાં આવે છે.+ તેના વિસ્તારની હદ છેક સિદોન સુધી થશે.+
૧૪ “ઇસ્સાખાર+ બળવાન ગધેડો છે. જીનમાં બંને બાજુ ભારે બોજો રાખીને પણ તે આરામ કરે છે. ૧૫ તે જોશે કે આરામ કરવાની જગ્યા સારી છે અને વિસ્તાર સુંદર છે. ભાર ઊંચકવા તે પોતાનો ખભો નમાવશે. તેની પાસે મજૂરની જેમ તનતોડ મહેનત કરાવવામાં આવશે.
૧૬ “દાન+ ઇઝરાયેલના એક કુળ તરીકે આખી ઇઝરાયેલી પ્રજાનો ન્યાય કરશે.+ ૧૭ દાન રસ્તાને કિનારે ફરતો સાપ બનશે. તે માર્ગનો ઝેરી સાપ થશે અને ઘોડાની એડીને એવી કરડશે કે એનો સવાર નીચે પટકાશે.+ ૧૮ હે યહોવા, ઉદ્ધાર માટે હું તમારી રાહ જોઈશ.
૧૯ “ગાદ+ પર ધાડપાડુ ટોળકી હુમલો કરશે, પણ તે હિંમત બતાવીને વળતો હુમલો કરશે.*+
૨૦ “આશેર+ પાસે પુષ્કળ ખોરાક હશે. તે રાજાને પીરસાય એવો સૌથી સારો ખોરાક પૂરો પાડશે.+
૨૧ “નફતાલી+ ઊછળતી-કૂદતી હરણી છે. તે મન મોહી લે એવા શબ્દો બોલે છે.+
૨૨ “યૂસફ+ ફળદ્રુપ ઝાડની ડાળી છે. એ ઝાડ ઝરણા પાસે રોપેલું છે અને એની ડાળીઓ દીવાલ ઓળંગી જાય છે. ૨૩ પણ તીરંદાજો તેને હેરાન કરતા રહ્યા, તીર મારતા રહ્યા અને તેને ધિક્કારતા રહ્યા.+ ૨૪ છતાં તેની કમાન ડગમગી નહિ.+ તેના હાથ મજબૂત રહ્યા અને સ્ફૂર્તિથી ચાલતા રહ્યા,+ કેમ કે એની પાછળ યાકૂબને મદદ કરનાર શક્તિશાળીનો હાથ હતો. હા, ઇઝરાયેલના ખડક અને ઘેટાંપાળકનો હાથ હતો. ૨૫ યૂસફ એ ઈશ્વર પાસેથી મળેલી ભેટ છે, જેમને હું ભજું છું. યૂસફ તો સર્વશક્તિમાન ઈશ્વરની નજીક છે. ઈશ્વર તેને મદદ કરશે અને તેના પર આશીર્વાદો વરસાવશે. ઈશ્વર તેને આકાશના આશીર્વાદથી અને જમીન નીચેના ઊંડા પાણીના આશીર્વાદથી ભરપૂર કરશે.+ તેમના આશીર્વાદથી તેનાં બાળકો અને ઢોરઢાંકની વૃદ્ધિ થશે.* ૨૬ તારા પિતાના આશીર્વાદો અડગ પર્વતોની ઉત્તમ ચીજોથી વધારે સારા હશે અને સદા ટકી રહેનાર ટેકરીઓના સૌંદર્યથી ચઢિયાતા હશે.+ પોતાના ભાઈઓથી અલગ કરાયેલા યૂસફને માથે એ આશીર્વાદો કાયમ રહેશે.+
૨૭ “બિન્યામીન+ એક વરુની જેમ શિકાર ફાડી ખાશે.+ સવારમાં તે પોતાનો શિકાર ખાશે અને સાંજે પોતાની લૂંટ વહેંચશે.”+
૨૮ એ બધા ઇઝરાયેલનાં ૧૨ કુળો છે. તેઓના પિતા યાકૂબે તેઓને આશીર્વાદ આપતા એ બધું કહ્યું હતું. યાકૂબે દરેકને યોગ્ય આશીર્વાદ આપ્યો.+
૨૯ પછી યાકૂબે તેઓને આ આજ્ઞાઓ આપી: “મારું મોત નજીક છે.*+ મને મારા બાપદાદાઓ સાથે એ ગુફામાં દફનાવજો, જે હિત્તી એફ્રોનની જમીનમાં છે.+ ૩૦ એ ગુફા કનાન દેશમાં મામરે નજીક માખ્પેલાહમાં આવેલી છે. ઇબ્રાહિમે એ જમીન હિત્તી એફ્રોન પાસેથી દફનાવવાની જગ્યા તરીકે ખરીદી હતી. ૩૧ ત્યાં ઇબ્રાહિમ અને તેમની પત્ની સારાહને+ તેમજ ઇસહાક+ અને તેમની પત્ની રિબકાને દફનાવવામાં આવ્યાં હતાં. ત્યાં મેં લેઆહને પણ દફનાવી હતી. ૩૨ એ જમીન અને એમાંની ગુફા હેથના દીકરાઓ પાસેથી ખરીદવામાં આવી હતી.”+
૩૩ પોતાના દીકરાઓને આજ્ઞાઓ આપ્યા પછી યાકૂબ પથારીમાં આડો પડ્યો અને તેનું મરણ થયું. તેના બાપદાદાઓની જેમ તેને દફનાવવામાં આવ્યો.*+
૫૦ પછી યૂસફ પિતાના શબને વળગીને+ ખૂબ રડ્યો અને તેને ચુંબન કર્યું. ૨ યૂસફે પોતાના વૈદોને પિતાના શબમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા કરી.+ એ સેવકોએ ઇઝરાયેલના શબમાં સુગંધીઓ ભરી. ૩ તેઓને પૂરા ૪૦ દિવસ લાગ્યા, કેમ કે શબમાં સુગંધીઓ ભરવા ૪૦ દિવસ લાગતા હતા. ઇજિપ્તના લોકોએ ૭૦ દિવસ સુધી ઇઝરાયેલ માટે શોક પાળ્યો.
૪ શોકના દિવસો પૂરા થયા પછી યૂસફે રાજાના અધિકારીઓને* કહ્યું: “જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો રાજાને આ સંદેશો પહોંચાડજો: ૫ ‘મારા પિતાએ મને સમ ખવડાવીને+ કહ્યું હતું: “હું હવે બહુ જીવવાનો નથી.+ હું મરી જાઉં ત્યારે, મેં કનાન દેશમાં જે ગુફા તૈયાર કરાવી છે+ એમાં તું મને દફનાવજે.”+ તો કૃપા કરીને મને મારા પિતાને દફનાવવા જવા દો. પછી હું પાછો આવી જઈશ.’” ૬ રાજાએ કહ્યું: “જા, તારા પિતાએ સમ ખવડાવ્યા હતા એ પ્રમાણે તેમને દફનાવી આવ.”+
૭ યૂસફ પોતાના પિતાને દફનાવવા ગયો. તેની સાથે રાજાના બધા સેવકો, દરબારના મોટા મોટા પ્રધાનો*+ અને ઇજિપ્તના બધા અધિકારીઓ પણ ગયા. ૮ યૂસફના ઘરના બધા લોકો, તેના ભાઈઓ અને તેના પિતાના ઘરના બધા લોકો પણ તેની સાથે ગયા.+ ફક્ત તેઓનાં નાનાં બાળકો, ઘેટાં-બકરાં અને ઢોરઢાંક ગોશેન પ્રદેશમાં રહ્યાં. ૯ યૂસફ સાથે રથો+ અને ઘોડેસવારો પણ હતા. એ ટોળું બહુ મોટું હતું. ૧૦ પછી તેઓ યર્દન પ્રદેશમાં આટાદની ખળીએ* આવી પહોંચ્યા. ત્યાં તેઓએ ભારે વિલાપ કર્યો અને યૂસફે પોતાના પિતા માટે સાત દિવસ શોક પાળ્યો. ૧૧ ત્યાં રહેતા કનાનીઓએ આટાદની ખળીમાં તેઓને વિલાપ કરતા જોયા, તેઓએ કહ્યું: “જુઓ, ઇજિપ્તના લોકો કેવો ભારે વિલાપ કરી રહ્યા છે!” તેથી એ જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ* પડ્યું, જે યર્દન પ્રદેશમાં આવેલી છે.
૧૨ યાકૂબના દીકરાઓએ પિતાની આજ્ઞા પ્રમાણે જ કર્યું.+ ૧૩ તેઓ યાકૂબને કનાન લઈ ગયા અને મામરે નજીક માખ્પેલાહમાં આવેલી ગુફામાં તેને દફનાવ્યો. ઇબ્રાહિમે એ જમીન હિત્તી એફ્રોન પાસેથી દફનાવવાની જગ્યા તરીકે ખરીદી હતી.+ ૧૪ પિતાને દફનાવ્યા પછી યૂસફ પોતાના ભાઈઓને અને જેઓ તેની સાથે ગયા હતા, એ બધાને લઈને પાછો ઇજિપ્ત આવ્યો.
૧૫ પિતાના મરણ પછી યૂસફના ભાઈઓએ એકબીજાને કહ્યું: “કદાચ યૂસફે આપણી વિરુદ્ધ પોતાના દિલમાં ખાર ભરી રાખ્યો હશે. બની શકે કે, આપણે તેની વિરુદ્ધ જે દુષ્ટ કામ કર્યાં હતાં એનો હવે તે બદલો લે.”+ ૧૬ એટલે તેઓએ યૂસફને આ સંદેશો મોકલ્યો: “તારા પિતાએ મરણ પહેલાં આવી આજ્ઞા આપી હતી: ૧૭ ‘તમારે યૂસફને આમ કહેવું: “હું તને આજીજી કરું છું કે, તને નુકસાન પહોંચાડવા તારા ભાઈઓએ કરેલાં અપરાધ અને પાપને તું માફ કરી દેજે.”’ કૃપા કરીને અમને માફ કરી દે, અમે તારા પિતાના ઈશ્વરના સેવકો છીએ.” એ સાંભળીને યૂસફ ખૂબ રડ્યો. ૧૮ પછી તેના ભાઈઓ આવ્યા અને તેની આગળ ઘૂંટણિયે પડીને કહ્યું: “અમે તારા દાસ છીએ!”+ ૧૯ યૂસફે તેઓને કહ્યું: “ગભરાશો નહિ. શું હું ઈશ્વર છું કે તમારો ન્યાય કરું? ૨૦ ખરું કે તમે મારું ખરાબ કરવા ચાહતા હતા,+ પણ ઈશ્વરે એને સારામાં બદલી નાખ્યું, જેથી ઘણાના જીવ બચી શકે. તમે જુઓ છો તેમ, આજે એમ જ થઈ રહ્યું છે!+ ૨૧ તમે જરાય ગભરાશો નહિ. હું તમને અને તમારાં બાળકોને ખોરાક પૂરો પાડતો રહીશ.”+ આમ તેણે માયાળુ શબ્દોથી તેઓને ખાતરી આપી.
૨૨ યૂસફ અને તેના પિતાના ઘરના બધા લોકો ઇજિપ્તમાં જ રહ્યા. યૂસફ ૧૧૦ વર્ષ જીવ્યો. ૨૩ યૂસફે એફ્રાઈમના પૌત્રોને જોયા.*+ તેણે મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓને+ પણ જોયા. તેઓ યૂસફ માટે તેનાં પોતાનાં બાળકો જેવા જ હતા.* ૨૪ આખરે યૂસફે પોતાના ભાઈઓને કહ્યું: “મારી અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. પણ ઈશ્વર ચોક્કસ તમારા પર ધ્યાન આપશે.+ તે તમને આ દેશમાંથી બહાર કાઢશે અને એ દેશમાં લઈ જશે, જેના વિશે તેમણે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.”+ ૨૫ યૂસફે ઇઝરાયેલના દીકરાઓને સમ ખવડાવતા કહ્યું: “ઈશ્વર ચોક્કસ તમારા પર ધ્યાન આપશે. તમે અહીંથી જાઓ ત્યારે મારાં હાડકાં તમારી સાથે લઈ જજો.”+ ૨૬ યૂસફ ૧૧૦ વર્ષની ઉંમરે ગુજરી ગયો. તેઓએ તેના શબમાં સુગંધીઓ ભરી+ અને તેને ઇજિપ્તમાં શબપેટીમાં રાખ્યો.
એટલે કે, બ્રહ્માંડ કે અંતરિક્ષ જેમાં તારા, ગ્રહો, આકાશગંગા વગેરેનો સમાવેશ થાય છે.
અથવા, “ઊછળતું પાણી.”
શબ્દસૂચિમાં “પવિત્ર શક્તિ” જુઓ.
એટલે કે, વાતાવરણ.
મૂળ, “પોતપોતાની જાત પ્રમાણે.”
મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાં.”
અથવા, “રોશની.”
મૂળ, “નિશાનીરૂપ થશે.”
મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાંથી.”
અથવા, “અધિકાર ચલાવવા.”
મૂળ, “મોટી જ્યોતિ.”
મૂળ, “નાની જ્યોતિ.”
મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાં.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.
મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાં.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ નાનાં પ્રાણીઓ, ઉંદર જેવાં પ્રાણીઓ અને જીવજંતુઓને પણ રજૂ કરી શકે.
મૂળ, “આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસ બનાવીએ.”
મૂળ, “પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
મૂળ, “તેઓનાં સર્વ સૈન્યને.”
અહીં સર્જનકામ બંધ કરવાની વાત થાય છે, થાક ઉતારવા આરામ લેવાની નહિ.
અથવા, “એને ખાસ હેતુ માટે અલગ ઠરાવ્યો.”
એ સર્જનના છ દિવસોને રજૂ કરે છે.
ઈશ્વરનું અજોડ નામ יהוה (યહવહ) પહેલી વાર અહીં જોવા મળે છે. વધારે માહિતી ક-૪ જુઓ.
દેખીતું છે, દરરોજ પાણીની વરાળ ઉપર જતી, પછી ઠરી જતી અને ફૂલઝાડને ભીંજવતી.
અથવા, “સજીવ પ્રાણી.” શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “બદોલાખ.” એક પ્રકારનો ખુશબોદાર ગુંદર, જે ગરમ પ્રદેશમાં ઊગતાં અમુક નાનાં ઝાડમાંથી મળે છે.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઇથિયોપિયા.”
અથવા, “તીગ્રિસ.”
અથવા, “ફ્રાત.”
શબ્દસૂચિ જુઓ.
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.
મૂળ, “વળગી રહેશે.” હિબ્રૂમાં વપરાયેલા શબ્દનો અર્થ થાય, ગુંદરથી ચોંટાડેલું હોય એવું.
અથવા, “કપટી; સતર્ક; ચાલાક.”
એ કોઈ વાતનું ભાન થવાને બતાવે છે.
અથવા, “લંગોટ જેવાં કપડાં બનાવ્યાં.”
અથવા, “દિવસનો એવો સમય જ્યારે પવન ફૂંકાય છે.”
અથવા, “સંતાન.”
અથવા, “છૂંદશે.”
અથવા, “છૂંદશે; કરડશે.”
અર્થ, “માણસ; માણસજાત.”
અર્થ, “સજીવ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “તેઓને.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “તો શું હું તને પણ ઊંચો નહિ કરું?”
અથવા, “ન્યાય માંગી રહ્યું છે.”
મૂળ, “શક્તિ.”
આ કદાચ એ આજ્ઞાને બતાવે છે, જે બીજાઓ માટે ચેતવણી હતી.
અથવા, “ભાગેડુ તરીકે રહ્યો.”
અર્થ, “નિમાયેલો; રાખેલો; સ્થપાયેલો.”
અથવા, “વંશજ.”
મૂળ, “આદમની પેઢીઓનું પુસ્તક.”
મૂળ, “જે દિવસે.”
અથવા, “આદમ; માણસજાત.”
શબ્દસૂચિ જુઓ.
કદાચ એનો અર્થ, “વિસામો; દિલાસો.”
અથવા, “દિલાસો.”
એ હિબ્રૂ રૂઢિપ્રયોગ દૂતોને રજૂ કરે છે. શબ્દસૂચિમાં “દૂતો” જુઓ.
અથવા, “કેમ કે તે શરીરની ઇચ્છાઓ પ્રમાણે વર્તે છે.”
હિબ્રૂ, નેફિલિમ. કદાચ એનો અર્થ, “પાડી નાખનાર.” એટલે કે, એવા લોકો જેઓ બીજાઓને પાડી નાખે છે. શબ્દસૂચિમાં “નેફિલિમ” જુઓ.
અથવા, “પસ્તાવો થયો.”
અથવા, “તેમના દિલને ઠેસ પહોંચી.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.
અથવા, “પસ્તાવો.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
મૂળ, “તેની પેઢીઓમાં.”
અથવા, “નિષ્કલંક.”
એ કદાચ એક પ્રકારના ચીડનું ઝાડ હોય શકે.
મૂળ, “પેટી,” મોટું વાસણ.
એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
હિબ્રૂ, સોહર. અમુકનું માનવું છે કે સોહર અજવાળા માટે બનાવેલી કોઈ બારી કે ખુલ્લો ભાગ ન હતો, પણ એ છત હતી જેમાં એક હાથનો ઢોળાવ હતો.
મૂળ, “જેઓમાં જીવનનો શ્વાસ છે તેઓનો.” શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
અથવા, “જળપ્રલય.”
શબ્દસૂચિ જુઓ.
કદાચ એવાં પ્રાણીઓને રજૂ કરે છે, જેઓ બલિદાન માટે યોગ્ય હતાં.
અથવા કદાચ, “દરેક શુદ્ધ પ્રાણીની સાત જોડ.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.
અથવા કદાચ, “આકાશમાં ઊડતા પક્ષીઓની સાત જોડ.”
અહીં “પાણીના બધા ઝરા” પૃથ્વીના વાતાવરણને ઢાંકતા પાણીને રજૂ કરે છે. એને ઉત ૧:૬, ૭માં ‘ઉપરનું પાણી’ કહેવામાં આવ્યું છે.
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ ઝુંડમાં રહેતાં નાનાં પ્રાણીઓને રજૂ કરી શકે, જે હવામાં, સમુદ્રમાં કે જમીન પર હોય છે.
અથવા, “જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ.”
મૂળ, “નૂહને યાદ કર્યો.”
મૂળ, “પ્રાણીઓને પણ યાદ કર્યાં.”
અથવા, “અટકાવવામાં આવ્યો.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.
મૂળ, “પોતપોતાની જાત પ્રમાણે બહાર આવ્યાં.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “શાંત.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “લોહી વહાવશે.”
મૂળ, “પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો છે.”
મૂળ, “દાસોનો દાસ.”
અથવા, “યોદ્ધો.”
કદાચ એ નિનવેહ અને બીજાં ત્રણ શહેરોને રજૂ કરે છે.
અથવા કદાચ, “શેમ યાફેથનો મોટો ભાઈ હતો.”
અર્થ, “ભાગલા.”
મૂળ, “પૃથ્વીના ભાગલા.”
અથવા, “એકસરખો શબ્દભંડોળ વાપરતા હતા.”
મૂળ, “એ જોવા યહોવા નીચે ઊતર્યા.”
મૂળ, “આપણે નીચે જઈને.”
અથવા, “બાબેલોન.” અર્થ, “ગૂંચવણ.”
શબ્દસૂચિ જુઓ.
એનો કદાચ એવો અર્થ થાય કે તેઓએ આશીર્વાદ મેળવવા કંઈક કરવાની જરૂર હતી.
મૂળ, “યહોવાને નામે પોકાર કર્યો.”
અથવા, “મિસર.”
અથવા, “પરદેશી તરીકે રહી શકે.”
અથવા, “ફારુનના.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.
મૂળ, “યહોવાને નામે પોકાર કર્યો.”
એટલે કે, એદન બાગ.
મૂળ, “પૃથ્વીની રજ.”
મૂળ, “લંબાઈ અને પહોળાઈ.”
આ ઉત ૧૪:૧માં બતાવેલા રાજાઓ હોય શકે.
અથવા, “નીચાણ પ્રદેશમાં.”
એટલે કે, મૃત સરોવર.
મૂળ, “હિબ્રૂ ઇબ્રામને.”
અથવા, “તંબુઓમાં રહેતો હતો.”
મૂળ, “ભાઈ.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “દોરી નહિ કે જોડાની દોરી પણ નહિ લઉં.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “દીકરો.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
બચ્ચાને જન્મ ન આપ્યો હોય એવી ગાય.
શબ્દસૂચિ જુઓ.
અર્થ, “ઈશ્વર સાંભળે છે.”
અમુકને લાગે છે કે એ ઝિબ્રાને રજૂ કરે છે. બની શકે કે એના હઠીલા સ્વભાવને લીધે એમ કહેવાયું છે.
અથવા કદાચ, “તેના બધા ભાઈઓ સામે તેની દુશ્મનાવટ રહેશે.”
મૂળ, “યહોવાને નામે પોકાર કર્યો.”
અર્થ, “જે જીવે છે અને મને જુએ છે તેમનો કૂવો.”
અથવા, “નિષ્કલંક.”
શબ્દસૂચિ જુઓ.
અર્થ, “પિતા ઊંચા છે (તેમનું સન્માન કરવામાં આવ્યું છે).”
અર્થ, “ટોળાનો (મોટી સંખ્યાનો) પિતા; ઘણાનો પિતા.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “તેના લોકોમાંથી કાપી નાખવો.”
કદાચ એનો અર્થ, “ઝઘડાળુ.”
અર્થ, “રાજકુમારી.”
મૂળ, “લોકોના રાજાઓ.”
અર્થ, “હાસ્ય.”
અહીં ઇબ્રાહિમ યહોવાના દૂતને એ રીતે સંબોધી રહ્યો છે, જાણે તે યહોવા સાથે વાત કરતો હોય.
મૂળ, “તમારાં દિલ મજબૂત થાય.”
મૂળ, “શીઆ માપ.” એક શીઆ એટલે ૭.૩૩ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “સારાહને સ્ત્રીઓની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું.”
એનો કદાચ એવો અર્થ થાય કે તેઓએ આશીર્વાદ મેળવવા કંઈક કરવાની જરૂર હતી.
દેખીતું છે, અહીં બે માણસોની વાત થાય છે.
અથવા, “ખમીર વગરની.”
અથવા, “રક્ષણ.” મૂળ, “છાયો.”
અહીં એ માણસો માનવશરીરમાં આવેલા દૂતો છે.
અહીં એ માણસો માનવશરીરમાં આવેલા દૂતો છે.
અથવા, “જે પુરુષો સાથે તેની દીકરીઓની સગાઈ થઈ હતી તેઓને.” હિબ્રૂ રિવાજ પ્રમાણે સગાઈ થયેલાં સ્ત્રી-પુરુષને લગ્ન કર્યા બરાબર ગણવામાં આવતાં.
અથવા, “અતૂટ પ્રેમ.” શબ્દસૂચિમાં “અતૂટ પ્રેમ” જુઓ.
અર્થ, “નાનું.”
અથવા, “પરદેશી તરીકે રહેતો હતો.”
પલિસ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
એટલે કે, તેણે સારાહ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હતો.
અથવા, “ન્યાયી.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “અતૂટ પ્રેમ.”
મૂળ, “એ તારા માટે આંખોનો પડદો છે.” એ હિબ્રૂ કહેવત છે જેનો અર્થ થાય, સ્ત્રીનું ચારિત્ર બેદાગ છે.
અથવા, “અબીમેલેખના ઘરની બધી સ્ત્રીઓનાં ગર્ભસ્થાન પૂરી રીતે બંધ કર્યાં હતાં.”
અથવા કદાચ, “મારા પર હસશે.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “જેટલે દૂર તીર મારી શકાય એટલા અંતરે.”
અથવા, “અતૂટ પ્રેમ.”
કદાચ એનો અર્થ, “સમનો કૂવો” અથવા “સાતનો કૂવો.”
મૂળ, “યહોવાને નામે પોકાર કર્યો.”
મૂળ, “ઘણા દિવસો.”
અથવા, “પરદેશી તરીકે રહ્યો.”
અર્થ, “યહોવા પૂરું પાડશે; યહોવા જોશે.”
મૂળ, “દરવાજાને.”
એનો કદાચ એવો અર્થ થાય કે તેઓએ આશીર્વાદ મેળવવા કંઈક કરવાની જરૂર હતી.
અથવા કદાચ, “મહાન મુખી.”
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
દેખીતું છે, પ્રાચીન સમયમાં સમ ખાવાની એ એક રીત હતી.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અહીં કદાચ લાબાનની વાત થાય છે.
મૂળ, “જમણી કે ડાબી તરફ જવું એની મને ખબર પડે.”
અથવા, “અમે તમને કંઈ ભલું કે ભૂંડું કહી શકતા નથી.”
એટલે કે, તેની દાઈ જે હવે તેની દાસી હતી.
અથવા, “તું લાખો ને લાખોની મા થજે.”
મૂળ, “દરવાજાઓ.”
દેખીતું છે, એ ત્રણેય હિબ્રૂ નામ કુળ અથવા પ્રજાને બતાવે છે.
મૂળ, “તે પોતાના લોકો સાથે ભળી ગયો.”
અથવા, “દીવાલવાળી છાવણીનાં.”
મૂળ, “તે પોતાના લોકો સાથે ભળી ગયો.”
અથવા કદાચ, “પોતાના બધા ભાઈઓ સામે તેઓની દુશ્મનાવટ હતી.”
અર્થ, “વાળવાળો.”
અર્થ, “એડી પકડી રાખનાર; બીજાની જગ્યા પડાવી લેનાર.”
અથવા, “નિષ્કલંક.”
અથવા, “ખૂબ થાકેલો છું.”
અર્થ, “લાલ.”
અથવા, “જ્યેષ્ઠપુત્ર હોવાનો હક.”
એનો કદાચ એવો અર્થ થાય કે તેઓએ આશીર્વાદ મેળવવા કંઈક કરવાની જરૂર હતી.
અથવા, “આલિંગન.”
અર્થ, “ઝઘડો.”
અર્થ, “આરોપ.”
અર્થ, “વિશાળ જગ્યા.”
મૂળ, “યહોવાને નામે પોકાર કર્યો.”
મૂળ, “કડવાશથી.”
અર્થ, “એડી પકડી રાખનાર; બીજાની જગ્યા પડાવી લેનાર.”
મૂળ, “તારી ગરદન પરથી એની ઝૂંસરી ચોક્કસ ભાંગી નાખીશ.”
મૂળ, “મારા પિતાના શોકના દિવસો પાસે છે.”
અથવા, “તને મારી નાખવાના વિચારથી પોતાનું મન શાંત પાડે છે.”
અથવા, “માતાના પિતા.”
અથવા, “ઘણાં કુળો.”
અથવા, “દાદર.”
એનો કદાચ એવો અર્થ થાય કે તેઓએ આશીર્વાદ મેળવવા કંઈક કરવાની જરૂર હતી.
અર્થ, “ઈશ્વરનું ઘર.”
અથવા, “યહોવા પોતાને મારા ઈશ્વર સાબિત કરશે.”
કોઈને ચુંબન કરવું એ અભિવાદન કરવાની એક રીત હતી, જેમ કે ગાલ પર.
મૂળ, “ભાઈ.”
મૂળ, “મારું હાડ-માંસ છે.”
મૂળ, “ભાઈ.”
મૂળ, “લેઆહની આંખો નબળી હતી.”
મૂળ, “હું તેની સાથે સંબંધ બાંધું.”
મૂળ, “નફરત કરે છે.”
અર્થ, “જુઓ, દીકરો!”
અર્થ, “સાંભળવું.”
અર્થ, “વળગી રહેવું; બંધનમાં બંધાવું.” શબ્દસૂચિ જુઓ.
અર્થ, “સ્તુતિ; સ્તુતિને પાત્ર.”
મૂળ, “મારાં ઘૂંટણ પર જન્મ આપે.”
અર્થ, “ન્યાયાધીશ.”
અર્થ, “મારી કુસ્તી.”
અર્થ, “મોટો આશીર્વાદ.”
મૂળ, “દીકરીઓ,” જે એ દેશની સ્ત્રીઓને રજૂ કરે છે.
અર્થ, “ખુશ; ખુશીઓ.”
અથવા, “ભોંયરીંગણાં.” સ્ત્રીઓ એ ફળ ખાતી, કેમ કે તેઓ માનતી કે એ ખાવાથી તેઓને ગર્ભ ધારણ કરવા મદદ મળશે.
અથવા, “મજૂરનું વેતન.”
અર્થ, “તે વેતન છે.”
અર્થ, “સ્વીકારવું.”
યોસિફયાનું ટૂંકું રૂપ, જેનો અર્થ થાય, “યાહ ઉમેરે (વધારે).”
અથવા, “પુરાવાથી.”
અથવા, “મારું ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
મૂળ, “અભિષિક્ત કર્યો હતો.” શબ્દસૂચિમાં “અભિષેક” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “સગાઓ.”
મૂળ, “તું સારું બોલતાં બોલતાં કંઈ ખરાબ બોલી ન બેસે એનું ધ્યાન રાખજે.”
મૂળ, “દીકરાઓને.”
દેખીતું છે, આ પ્રકારના જીનમાં સામાન મૂકવાની જગ્યા હોય છે.
મૂળ, “સ્ત્રીની રીત પ્રમાણે થયું છે.”
અથવા, “મારા પિતા ઇસહાક જેમનો ડર રાખતા હતા એ ઈશ્વર.”
અરામિક શબ્દ, જેનો અર્થ થાય, “સાક્ષીનો ઢગલો.”
હિબ્રૂ શબ્દ, જેનો અર્થ થાય, “સાક્ષીનો ઢગલો.”
હિબ્રૂ, મિસ્પાહ.
અથવા, “પોતાના પિતા ઇસહાક જેમનો ડર રાખતા હતા એ ઈશ્વરના.”
મૂળ, “દીકરાઓને.”
અર્થ, “બે છાવણી.”
અથવા, “પરદેશી તરીકે રહ્યો હતો.”
મૂળ, “આખલા.”
અહીં એ માણસ માનવશરીરમાં આવેલો દૂત છે.
અર્થ, “ઈશ્વર સાથે લડનાર (હાર ન માનનાર)” અથવા “ઈશ્વર લડે છે.” શબ્દસૂચિ જુઓ.
અર્થ, “ઈશ્વરનું મોં.”
અથવા, “પનીએલ.”
દેખીતું છે, એ સ્નાયુ સાયટીક સ્નાયુ સાથે જોડાયેલો છે, જે થાપાથી લઈને પગની પાની સુધી જાય છે.
અર્થ, “માંડવા; છાપરાં.”
અથવા, “યુવતીઓને મળવા.”
અથવા, “તમારા લીધે તેઓ મને સમાજમાંથી કાઢી મૂકશે.”
અથવા, “જે માર્ગે ગયો.”
અથવા, “સંતાડી.”
અર્થ, “બેથેલના ઈશ્વર.”
અંગ્રેજી, ઓક. એક પ્રકારનું મોટું વૃક્ષ.
અર્થ, “વિલાપનું મોટું ઝાડ.”
અથવા, “પેયાર્પણ.” શબ્દસૂચિ જુઓ.
અર્થ, “મારા શોકનો દીકરો.”
અર્થ, “જમણા હાથનો દીકરો.”
મૂળ, “તે પોતાના લોકો સાથે ભળી ગયો.”
અથવા, “પરદેશીઓ તરીકે રહેતા હતા.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પૌત્રને પણ રજૂ કરી શકે.
શેખ એટલે કુળનો મુખી.
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પૌત્રને પણ રજૂ કરી શકે.
મૂળ, “ઇઝરાયેલના દીકરાઓ.”
અથવા, “લાંબો સુંદર ઝભ્ભો.”
અથવા, “શાંતિથી.”
અથવા, “તેના પર હાથ ન નાખશો.”
શબ્દસૂચિ જુઓ.
એ છાલના ચીકણા પદાર્થમાંથી અત્તર બનાવવામાં આવતું.
મૂળ, “તેનું લોહી ઢાંકી દેવાથી.”
અથવા, “મિદ્યાની.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “મિદ્યાની.”
અથવા, “ખઝીબમાં.”
શબ્દસૂચિમાં “દિયરવટું” જુઓ.
શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.
અથવા, “મંદિરની વેશ્યા.” કદાચ એવી સ્ત્રીને રજૂ કરે છે, જે કનાની દેવી-દેવતાની ઉપાસનાના ભાગરૂપે વેશ્યા તરીકે સેવા આપતી હતી.
અર્થ, “ફાટ પાડવી,” જે કદાચ યોનિદ્વાર ફાડવાને રજૂ કરે છે.
અર્થ, “પ્રભાતનો પ્રકાશ; ઊગવું.”
મૂળ, “તેણે આપણને હાંસીપાત્ર બનાવ્યા છે.”
એટલે કે, દ્રાક્ષદારૂ પીરસનાર મુખ્ય અધિકારી.
તે ચાકર ભઠ્ઠીમાં રોટલી, પાંઉ, કેક વગેરે બનાવતો.
મૂળ, “દિવસો.”
મૂળ, “તમારું માથું ઊંચું કરશે.”
અથવા, “અતૂટ પ્રેમ બતાવજો.”
મૂળ, “ટાંકામાં; ખાડામાં.”
મૂળ, “તમારું માથું તમારા પરથી ઊંચકી લેશે.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “માથું ઊંચું કરવામાં આવે.”
અથવા, “જાદુટોણાં કરનારા યાજકોને.”
એટલે કે, દ્રાક્ષદારૂ પીરસનાર મુખ્ય અધિકારી.
મૂળ, “ટાંકામાંથી; ખાડામાંથી.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ માથું મૂંડાવવાને પણ રજૂ કરી શકે.
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.
દેખીતું છે, કોઈ માણસને માન-મહિમા આપવા એ શબ્દ વપરાતો હતો.
મૂળ, “હાથ કે પગ ઉઠાવી નહિ શકે.”
હિબ્રૂ શબ્દ, જેનો અર્થ થાય, “છૂપી વાતોનો અર્થ જાહેર કરનાર.”
એટલે કે, હેલીઓપોલીસ.
અથવા, “દેશમાં ફરવા.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
અથવા, “કામ શરૂ કર્યું.”
એટલે કે, હેલીઓપોલીસ.
અર્થ, “ભુલાવી દેનાર.”
અર્થ, “બમણી વૃદ્ધિ.”
શબ્દસૂચિ જુઓ.
એ છાલના ચીકણા પદાર્થમાંથી અત્તર બનાવવામાં આવતું.
એટલે કે, જેની પાસે પ્રથમ જન્મેલાનો હક છે.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “ફારુનના પિતા સમાન.”
અથવા, “ચરબી.”
અથવા, “પર જીવશે.”
મૂળ, “યૂસફ પોતાનો હાથ તારી આંખ પર મૂકશે.”
મૂળ, “ઇઝરાયેલના.”
અથવા, “વંશજોની.”
એટલે કે, હેલીઓપોલીસ.
મૂળ, “દીકરાઓ.” કદાચ તેના બીજા દીકરાઓ પણ હતા, જેઓનાં નામ નોંધેલાં નથી.
કદાચ રામસેસ ગોશેનનો એક જિલ્લો હતો અથવા ગોશેનનું બીજું નામ હતું.
મૂળ, “મારા પિતાઓ સાથે ઊંઘી જાઉં.”
અથવા, “ઘણાં કુળો.”
મૂળ, “ઇઝરાયેલનાં ઘૂંટણ પાસેથી.”
અથવા, “જમીનનો એક ઢોળાવ.”
અથવા, “બાળક પેદા કરવાની શક્તિની.”
અથવા, “તું તારા પિતાની પત્ની સાથે સૂઈ ગયો.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા કદાચ, “સ્વભાવ.”
અર્થ, “જે એનો હકદાર છે.”
શબ્દસૂચિ જુઓ.
એ હુકમ આપવાના અધિકારને બતાવે છે. મૂળ ભાષા મુજબ, એ છડી બે પગ વચ્ચે રાખવામાં આવતી.
મૂળ, “દ્રાક્ષના લોહીમાં.”
મૂળ, “તેઓની એડી પર હુમલો કરશે.”
મૂળ, “સ્તનના અને ગર્ભસ્થાનના આશીર્વાદથી તેને ભરપૂર કરશે.”
મૂળ, “હું મારા લોકો સાથે ભળી જવાનો છું.”
મૂળ, “તે પોતાના લોકો સાથે ભળી ગયો.”
અથવા, “ઘરનાને.”
અથવા, “ઘરના વડીલો.”
શબ્દસૂચિ જુઓ.
અર્થ, “ઇજિપ્તના લોકોનો વિલાપ.”
અથવા, “એફ્રાઈમના દીકરાઓની ત્રીજી પેઢી જોઈ.”
મૂળ, “તેઓનો જન્મ યૂસફનાં ઘૂંટણ પર થયો હતો.” એટલે કે, યૂસફે તેઓને પોતાના દીકરાઓ ગણ્યા અને તેઓ પર ખાસ કૃપા બતાવી.