અભ્યાસ લેખ ૪૦
ગીત ૫૧ યહોવા અમારો આધાર
યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
“તે કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે. તે તેઓના ઘા રુઝાવે છે.”—ગીત. ૧૪૭:૩.
આપણે શું શીખીશું?
દિલ પર ઘા લાગ્યા હોય ત્યારે યહોવા આપણી ખૂબ સંભાળ રાખે છે. આ લેખમાં જોઈશું કે તે કઈ રીતે આપણા ઘા રુઝાવે છે અને બીજાઓને દિલાસો આપવા આપણને મદદ કરે છે.
૧. પોતાના સેવકો વિશે યહોવાને કેવું લાગે છે?
યહોવા ધ્યાનથી જુએ છે કે તેમના દરેક સેવક પર શું વીતી રહ્યું છે. આપણી ખુશી અને ઉદાસી તેમના ધ્યાન બહાર જતી નથી. (ગીત. ૩૭:૧૮) દિલ પર ભાર લઈને પણ તેમની સેવામાં બનતું બધું કરવા કોશિશ કરીએ છીએ ત્યારે, તે બહુ ખુશ થાય છે. તે આપણને મદદ કરવા અને દિલાસો આપવા પણ આતુર છે.
૨. (ક) યહોવા કચડાયેલાં મનના લોકો માટે શું કરે છે? (ખ) યહોવા પાસેથી દિલાસો મેળવવા આપણે શું કરવું જોઈએ?
૨ ગીતશાસ્ત્ર ૧૪૭:૩માં જણાવ્યું છે કે યહોવા કચડાયેલાં મનના લોકોના “ઘા રુઝાવે છે.” આ કલમ બતાવે છે કે યહોવા કઈ રીતે ઘાયલ મનના લોકોની ખૂબ જ કોમળતાથી સંભાળ રાખે છે. પણ યહોવા પાસેથી દિલાસો મેળવવા આપણે શું કરવું જોઈએ? આ દાખલાનો વિચાર કરો. એક સારો ડૉક્ટર ઘવાયેલી વ્યક્તિને સાજી કરવા ઘણું કરી શકે છે. પણ સાજા થવા એ વ્યક્તિએ પણ કંઈક કરવું પડશે. જો તે ડૉક્ટરની દરેક વાત માનશે, તો જ તે સાજી થશે. આ લેખમાં જોઈશું કે દુઃખી અને કચડાયેલાં મનના લોકો માટે યહોવાએ બાઇબલમાં કઈ સલાહ આપી છે. એ પણ જોઈશું કે તેમની પ્રેમાળ સલાહને લાગુ પાડવા શું કરી શકીએ.
યહોવા ખાતરી આપે છે કે તમે તેમના માટે કીમતી છો
૩. શા માટે અમુકને લાગે છે કે તેઓ કોઈ કામના નથી?
૩ દુઃખની વાત છે કે આજે મોટા ભાગના લોકોનો પ્રેમ મરી પરવાર્યો છે. એટલે તેઓ બીજાઓ સાથે ખરાબ રીતે વર્તે છે અને અહેસાસ કરાવે છે કે તેઓ કંઈ કામના નથી. હેલનબહેનa કહે છે: “મારો ઉછેર એવા કુટુંબમાં થયો હતો, જ્યાં પ્રેમ જેવું કંઈ હતું જ નહિ. મારા પપ્પા હિંસક હતા. તે દરરોજ અમને કહેતા કે અમે નકામા છીએ.” કદાચ હેલનની જેમ તમારી સાથે પણ કોઈ ખરાબ રીતે વર્ત્યું હોય, કોઈએ વારંવાર તમારું અપમાન કર્યું હોય અથવા તમને અહેસાસ કરાવ્યો હોય કે તમે કોઈ કામના નથી. એવા સંજોગોમાં એ માનવું અઘરું લાગી શકે કે કોઈ દિલથી તમારી ચિંતા કરે છે.
૪. ગીતશાસ્ત્ર ૩૪:૧૮ પ્રમાણે યહોવા કઈ ખાતરી આપે છે?
૪ ભલે બીજાઓ તમારી સાથે ખરાબ રીતે વર્ત્યા હોય, પણ તમે ખાતરી રાખી શકો કે યહોવા તમને પ્રેમ કરે છે અને કીમતી ગણે છે. તે “દુઃખી લોકોના પડખે” છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૮ વાંચો.) જો તમારું મન ‘કચડાઈ’ ગયું હોય, તો યાદ રાખો કે યહોવાએ તમારામાં કંઈક સારું જોયું છે અને તમને પોતાની તરફ ખેંચ્યા છે. (યોહા. ૬:૪૪) તમે યહોવાની આંખના તારા છો, એટલે તે તમને મદદ કરવા હંમેશાં તૈયાર છે.
૫. ઈસુ જે રીતે લોકો સાથે વર્ત્યા એમાંથી શું શીખી શકીએ?
૫ યહોવા આપણને કેટલા અનમોલ ગણે છે, એ સમજવા ચાલો જોઈએ કે ઈસુ બીજાઓ સાથે કઈ રીતે વર્ત્યા હતા. ઘણા લોકો બીજાઓને ઊતરતા ગણતા હતા, પણ ઈસુએ તેઓને દયા બતાવી. (માથ. ૯:૯-૧૨) એક સ્ત્રીને મોટી બીમારી હતી. સાજા થવાની આશાએ તે ઈસુ પાસે આવી અને તેમના ઝભ્ભાને અડકી. ઈસુએ તેને દિલાસો આપ્યો અને તેની જોરદાર શ્રદ્ધાને લીધે તેના વખાણ કર્યા. (માર્ક ૫:૨૫-૩૪) ઈસુમાં તેમના પિતા જેવા જ ગુણો છે. (યોહા. ૧૪:૯) એટલે તમે ખાતરી રાખી શકો કે યહોવા તમને અનમોલ ગણે છે અને તમારા સારા ગુણો પર ધ્યાન આપે છે. તે જુએ છે કે તમારી શ્રદ્ધા કેટલી મજબૂત છે અને તમે તેમને કેટલો પ્રેમ કરો છો.
૬. જો તમને લાગે કે તમે નકામા છો, તો શું કરી શકો?
૬ જો તમને હંમેશાં લાગતું હોય કે તમે નકામા છો અથવા એ લાગણી વારે વારે ઊથલો મારતી હોય, તો તમે શું કરી શકો? બાઇબલમાંથી એવી કલમો વાંચો, જે તમને ખાતરી અપાવે કે યહોવા તમને કીમતી ગણે છે. એ કલમો પર મનન કરો.b (ગીત. ૯૪:૧૯) કદાચ તમે કોઈ ધ્યેય પૂરો નથી કરી શક્યા અથવા યહોવાની સેવામાં બીજાઓ જેટલું નથી કરી શકતા. એ વિચારી વિચારીને તમે નિરાશ થઈ ગયા છો. હવે તમે શું કરી શકો? પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરો અને જે નથી કરી શકતા, એના પર ધ્યાન ન આપો. યાદ રાખો, યહોવા તમારી પાસેથી વધારે પડતી અપેક્ષા નથી રાખતા. (ગીત. ૧૦૩:૧૩, ૧૪) જો અગાઉ તમારું શોષણ થયું હોય, તો પોતાને દોષ ન આપો. યાદ રાખો, એમાં તમારો કોઈ વાંક નથી. યહોવા એ વ્યક્તિ પાસેથી જરૂર હિસાબ માંગશે. (૧ પિત. ૩:૧૨) સેન્ડ્રાબહેનનો વિચાર કરો. તે નાનાં હતાં ત્યારે તેમનાં મમ્મી-પપ્પા તેમને ખૂબ મારતાં હતાં. તે કહે છે: “હું નિયમિત રીતે યહોવાને પ્રાર્થના કરું છું કે તે મને એ ગુણો જોવા મદદ કરે, જે તે મારામાં જુએ છે.”
૭. જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને લીધે યહોવાની સેવામાં તમે શું કરી શકો છો?
૭ યહોવા તમારો ઉપયોગ કરીને બીજાઓને મદદ કરી શકે છે, એ વાત પર ક્યારેય શંકા ન કરો. યહોવાએ તમને તેમની સાથે પ્રચારમાં કામ કરવાનું સન્માન આપ્યું છે. (૧ કોરીં. ૩:૯) તમારા જીવનમાં જે ઉતાર-ચઢાવ આવ્યા છે, એના લીધે તમે કદાચ બીજાઓનું દુઃખ સહેલાઈથી સમજી શકશો અને તેઓને મદદ કરી શકશો. હેલનબહેન વિશે આપણે અગાઉ જોઈ ગયા. યહોવા અને ભાઈ-બહેનોએ તેમને મદદ કરી. હવે તે બીજાઓને મદદ કરે છે. તે કહે છે: “હું પોતાને નકામી ગણતી હતી. પણ યહોવાએ મને અહેસાસ કરાવ્યો કે તે મને પ્રેમ કરે છે. બીજાઓને મદદ કરવા તે મારો ઉપયોગ કરે છે.” આજે હેલનબહેન ખુશી ખુશી નિયમિત પાયોનિયરીંગ કરી રહ્યાં છે.
યહોવા ચાહે છે કે તેમની માફી સ્વીકારીએ
૮. યશાયા ૧:૧૮માં યહોવા કઈ વાતની ખાતરી આપે છે?
૮ યહોવાના અમુક સેવકોથી બાપ્તિસ્મા પહેલાં અથવા પછી ભૂલો થઈ છે. અગાઉની એ ભૂલોને લીધે તેઓ આજેય પોતાને દોષ આપ્યા કરે છે અને દુઃખી દુઃખી થઈ જાય છે. પણ કદી ન ભૂલવું જોઈએ કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. આપણાં પાપ માફ કરવા તેમણે પોતાના દીકરાનું બલિદાન આપીને મોટી કિંમત ચૂકવી છે. યહોવા ચાહે છે કે આપણે તેમની એ ભેટ સ્વીકારીએ. ધ્યાન આપો કે યહોવા શું કહે છે: “આવો આપણે વાત કરીએ અને આનો ઉકેલ લાવીએ.”c (યશાયા ૧:૧૮ વાંચો.) એ બતાવે છે કે એકવાર યહોવા ઉકેલ લાવી દે, પછી તે ફરી એનો હિસાબ રાખતા નથી. આપણા પ્રેમાળ પિતા યહોવા આપણાં પાપ યાદ રાખતા નથી. પણ જો સારું કામ કરીએ, તો એને ભૂલતા પણ નથી. સાચે, યહોવાનું દિલ કેટલું મોટું છે!—ગીત. ૧૦૩:૯, ૧૨; હિબ્રૂ. ૬:૧૦.
૯. કેમ અગાઉ કરેલી ભૂલો પર વિચાર કરવો ન જોઈએ?
૯ જો અગાઉ કરેલી ભૂલોને લીધે હજીયે તમારું મન ડંખતું હોય, તો શું કરી શકો? ભૂતકાળમાં જીવવાને બદલે વર્તમાનમાં આવો. તમે યહોવાની સેવામાં હમણાં શું કરી રહ્યા છો અને ભાવિમાં શું કરી શકો છો, એનો વિચાર કરો. પ્રેરિત પાઉલનો દાખલો લો. અગાઉ તેમણે ખ્રિસ્તીઓની ભારે સતાવણી કરી હતી એ વાતનો તેમને ભારે અફસોસ હતો. પણ તે જાણતા હતા કે યહોવાએ તેમનાં પાપ માફ કરી દીધાં છે. (૧ તિમો. ૧:૧૨-૧૫) એ પછી પણ શું તે અગાઉ કરેલી ભૂલોનો વિચાર કર્યા કરતા હતા? ના, જરાય નહિ. જેમ પાઉલ એ વિચારતા ન હતા કે યહૂદી ધર્મમાં મોટું નામ કમાવવા તેમણે કેટકેટલું કર્યું હતું, તેમ તે પોતાની ભૂલોને પણ વાગોળ્યા કરતા ન હતા. (ફિલિ. ૩:૪-૮, ૧૩-૧૫) પાઉલે ભાવિ પર નજર રાખી અને પ્રચારકામમાં જીવ રેડી દીધો. પાઉલની જેમ તમે પણ પોતાનો ભૂતકાળ બદલી નથી શકતા. પણ હાલમાં યહોવાની સ્તુતિ કરી શકો છો અને તેમને ખુશ કરી શકો છો. એ પણ વિચારી શકો છો કે તેમણે તમને કેવું સુંદર ભાવિ આપવાનું વચન આપ્યું છે.
૧૦. જો તમે કોઈને ઠેસ પહોંચાડી હોય, તો શું કરી શકો?
૧૦ બની શકે કે અગાઉ કરેલી તમારી અમુક ભૂલોને લીધે બીજાઓને ઠેસ પહોંચી હોય. એ વાતને લીધે તમને ચેન પડતું ન હોય. એવામાં તમે શું કરી શકો? સંબંધોમાં પડેલી તિરાડ પૂરવા બનતું બધું કરો. દિલથી તેમની માફી માંગો. (૨ કોરીં. ૭:૧૧) યહોવાને કહો કે તમે જેનું દિલ દુભાવ્યું છે, તેને મદદ કરે. તે તમને અને એ વ્યક્તિને યહોવાની સેવામાં લાગુ રહેવા અને મનની શાંતિ મેળવવા મદદ કરશે.
૧૧. યૂના પ્રબોધકના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૧૧ અગાઉ કરેલી ભૂલોમાંથી શીખો અને યહોવા તમને જે કંઈ કામ આપે, એ પૂરું કરવા તૈયાર રહો. યૂના પ્રબોધકનો દાખલો લો. યહોવાએ તેમને નિનવેહ જવા કહ્યું હતું, પણ તે વિરુદ્ધ દિશામાં ભાગી ગયા. યહોવાએ તેમને શિસ્ત આપી અને તે પોતાની ભૂલમાંથી શીખ્યા. (યૂના ૧:૧-૪, ૧૫-૧૭; ૨:૭-૧૦) યહોવાએ યૂના પાસેથી પ્રબોધક તરીકેની જવાબદારી લઈ ન લીધી, પણ તેમનો ઉપયોગ કરતા રહ્યા. તેમણે ફરીથી યૂનાને નિનવેહ જવા કહ્યું અને આ વખતે યૂનાએ તરત વાત માની. પોતાની ભૂલ વિશે વિચારીને તે એટલા દુઃખી ન થઈ ગયા કે યહોવા તરફથી મળેલી સોંપણી ન સ્વીકારે. પણ તેમણે એ જ કર્યું જે યહોવાએ તેમને કરવા કહ્યું હતું.—યૂના ૩:૧-૩.
યહોવાએ યૂના પ્રબોધકને એક મોટી માછલીના પેટમાંથી બચાવ્યા, એ પછી તેમણે ફરી એક વાર યૂનાને કહ્યું કે તે નિનવેહ જઈને તેમનો સંદેશો જાહેર કરે (ફકરો ૧૧ જુઓ)
પવિત્ર શક્તિ દ્વારા દિલાસો
૧૨. કોઈ કરુણ બનાવ બને અથવા કોઈને મરણમાં ગુમાવીએ ત્યારે, યહોવા કઈ રીતે શાંતિ આપે છે? (ફિલિપીઓ ૪:૬, ૭)
૧૨ જ્યારે કોઈ કરુણ બનાવ બને અથવા કોઈને મરણમાં ગુમાવીએ, ત્યારે એ આઘાત સહેવો બહુ અઘરું હોય છે. એ સમયે યહોવા પોતાની પવિત્ર શક્તિ દ્વારા આપણને દિલાસો આપે છે. રૉનભાઈ અને કેરલબહેનના અનુભવ પર ધ્યાન આપો. દુઃખની વાત છે કે તેઓના દીકરાએ આપઘાત કરી લીધો. તેઓ કહે છે: “અમે જીવનમાં ઘણું દુઃખ જોયું છે, પણ આ દુઃખ સહેવું સૌથી અઘરું હતું. અમે ઘણી વાર રાતે ઊંઘી ન શકતાં, એટલે યહોવાને પ્રાર્થના કરતાં. પછી અમે એવી શાંતિ અનુભવતાં, જેના વિશે ફિલિપીઓ ૪:૬, ૭માં જણાવ્યું છે.” (વાંચો.) જો તમે પણ એવી કોઈ દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો, તો યહોવા આગળ પોતાનું દિલ ઠાલવી દો. તમે ગમે એટલી વાર અને ગમે એટલા સમય સુધી પ્રાર્થના કરી શકો. (ગીત. ૮૬:૩; ૮૮:૧) યહોવા પાસે વારંવાર તેમની પવિત્ર શક્તિ માંગો. ભરોસો રાખજો, તે ક્યારેય તમારી અરજોને આંખ આડા કાન નહિ કરે.—લૂક ૧૧:૯-૧૩.
૧૩. વફાદારીથી યહોવાની સેવા કરતા રહેવા પવિત્ર શક્તિ કઈ રીતે મદદ કરે છે? (એફેસીઓ ૩:૧૬)
૧૩ શું તમે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છો? શું એવું લાગે છે કે હવે તમારામાં કંઈ જ કરવાની શક્તિ રહી નથી? જો એમ હોય તો પવિત્ર શક્તિ તમને તાકાત આપશે, જેથી તમે વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહી શકો. (એફેસીઓ ૩:૧૬ વાંચો.) ચાલો ફ્લોરાબહેનનો અનુભવ જોઈએ. તે અને તેમના પતિ સાથે મળીને મિશનરી સેવા કરી રહ્યાં હતાં. પણ તેમના પતિએ વ્યભિચાર કર્યો અને તેઓએ છૂટાછેડા લઈ લીધા. બહેન કહે છે: “તેમણે કેમ મારી સાથે આવું કર્યું, એ વિચાર મારા મનમાંથી ખસતો જ ન હતો. હું ખૂબ ઉદાસ રહેતી. મેં યહોવા પાસે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગી, જેથી બધું સહી શકું. પહેલાં મને લાગતું કે હું કદી એમાંથી બહાર નહિ આવી શકું. પણ આ પહાડ જેવી મુશ્કેલીનો સામનો કરવા યહોવાએ મને શક્તિ આપી.” બહેનને લાગે છે કે યહોવાની મદદથી તે તેમના પરનો ભરોસો વધારી શક્યાં છે. તેમને પૂરી ખાતરી છે કે યહોવા દરેક મુશ્કેલીમાં તેમને સંભાળી લેશે. તે કહે છે: “ગીતશાસ્ત્ર ૧૧૯:૩૨ના શબ્દો મારા કિસ્સામાં સાચા પડ્યા છે, જ્યાં લખ્યું છે: ‘તમારી આજ્ઞાઓના માર્ગે હું પૂરા જોશથી દોડીશ, કેમ કે તમે મારા દિલમાં એની જગ્યા બનાવો છો.’”
૧૪. યહોવા પાસેથી પવિત્ર શક્તિ મેળવવા શું કરવું જોઈએ?
૧૪ યહોવા પાસેથી પવિત્ર શક્તિ માંગ્યા પછી શું કરી શકો? એવાં કામોમાં ભાગ લો, જેનાથી તમને હજી વધારે પવિત્ર શક્તિ મળે. જેમ કે, સભાઓમાં જવું અને પ્રચારમાં ભાગ લેવો. દરરોજ બાઇબલ વાંચો. એનાથી તમને યહોવાના વિચારો પર મનન કરવા મદદ મળશે. (ફિલિ. ૪:૮, ૯) બાઇબલ વાંચતી વખતે એવાં પાત્રોની નોંધ લો, જેઓ પર કસોટીઓ આવી હતી. વિચારો કે યહોવાએ કઈ રીતે તેઓને તકલીફો સહેવા મદદ કરી. અગાઉ જોઈ ગયા એ સેન્ડ્રાબહેન પર ઉપરાછાપરી મુશ્કેલીઓ આવી હતી. તે કહે છે: “યૂસફના દાખલાથી મને ઘણી હિંમત મળી. તેમણે ઘણી મુશ્કેલીઓ અને અન્યાય સહન કર્યાં, તોપણ યહોવા સાથેનો સંબંધ નબળો ન પડવા દીધો.”—ઉત. ૩૯:૨૧-૨૩.
ભાઈ-બહેનો દ્વારા દિલાસો
૧૫. આપણને કોની પાસેથી દિલાસો મળી શકે? આપણને મદદ કરવા તેઓ શું કરે છે? (ચિત્ર પણ જુઓ.)
૧૫ મુસીબતો સહેતા હોઈએ ત્યારે ભાઈ-બહેનો તરફથી આપણને “ઘણો દિલાસો” મળે છે. (કોલો. ૪:૧૧) યહોવા તેઓ દ્વારા આપણને પ્રેમ બતાવે છે. ભાઈ-બહેનો અલગ અલગ રીતોએ આપણને દિલાસો આપે છે. જેમ કે, તેઓ ધ્યાનથી આપણી વાત સાંભળે છે. અમુક વાર તો તેઓની હાજરીથી જ દિલાસો મળે છે. કદાચ આપણી હિંમત વધારવા તેઓ બાઇબલની કોઈ કલમ બતાવે અથવા આપણી સાથે પ્રાર્થના કરે.d (રોમ. ૧૫:૪) અમુક વાર કોઈ ભાઈ કે બહેન યહોવાના વિચારો યાદ અપાવે અને આમ તકલીફોમાં શાંત રહેવા આપણને મદદ કરે. ઘણી વાર એવું થાય કે નિરાશ હોઈએ ત્યારે કંઈ કરવાનું મન ન થાય. એવા સમયે ભાઈ-બહેનો ખોરાક લઈને આવે છે. એ પણ મદદ કરવાની એક રીત જ છે, ખરું ને?
અનુભવી અને ભરોસાને લાયક મિત્રો તમને દિલાસો આપી શકે છે અને મદદ કરી શકે છે (ફકરો ૧૫ જુઓ)
૧૬. ભાઈ-બહેનો પાસેથી મદદ મેળવવા શું કરવું જોઈએ?
૧૬ અમુક વખતે આપણે બીજાઓ પાસે મદદ માંગવી પડે. ભાઈ-બહેનો આપણને ખૂબ જ પ્રેમ કરે છે અને મદદ કરવા ચાહે છે. (નીતિ. ૧૭:૧૭) પણ કદાચ તેઓ જાણતા ન હોય કે આપણે કેવું અનુભવીએ છીએ અથવા આપણને શાની જરૂર છે. (નીતિ. ૧૪:૧૦) જો તમે નિરાશામાં ડૂબી ગયા હો, તો અનુભવી દોસ્તો સાથે વાત કરો અને જણાવો કે તમને કેવું લાગે છે. તમને શાનાથી મદદ મળશે એ પણ જણાવો. તમે ચાહો તો એવા એક કે બે વડીલ આગળ તમારું હૈયું ઠાલવી શકો, જેઓ સાથે તમે સહેલાઈથી વાત કરી શકો છો. અમુક બહેનોને બીજાં અનુભવી બહેનો સાથે વાત કરવાથી ઘણો દિલાસો મળ્યો છે.
૧૭. બીજાઓ પાસેથી દિલાસો મેળવતી વખતે કયા પડકારો આવી શકે? કઈ રીતે એનો સામનો કરી શકીએ?
૧૭ પોતાને એકલા પાડી ન દો. બની શકે કે તમે એટલા દુઃખી કે નિરાશ હો કે તમને કોઈને મળવાનું મન ન થાય. અમુક વાર ભાઈ-બહેનો પૂરી રીતે સમજી ન શકે કે તમારા પર શું વીતી રહ્યું છે અથવા તેઓ એવું કંઈક બોલે જેના લીધે તમને ખોટું લાગે. (યાકૂ. ૩:૨) પણ એ વાતોને લીધે ભાઈ-બહેનોથી દૂર દૂર રહેશો નહિ. યહોવા તેઓ દ્વારા તમને દિલાસો આપી રહ્યા છે. ગૅવિન નામના વડીલને ડિપ્રેશનની બીમારી છે. તે કહે છે: “ઘણી વાર મને ભાઈ-બહેનો સાથે સમય પસાર કરવાનું મન થતું નથી.” તેમ છતાં ગૅવિનભાઈ ભાઈ-બહેનો સાથે સંગત માણવા સખત પ્રયત્નો કરે છે. એમ કર્યા પછી મોટા ભાગે તેમને સારું લાગે છે. એમી નામનાં બહેન કહે છે: “જીવનમાં એવા ઘણા બનાવો બન્યા છે કે બીજાઓ પર ભરોસો મૂકવો બહુ અઘરું લાગે છે. પણ હું શીખી રહી છું કે યહોવાની જેમ ભાઈ-બહેનોને પ્રેમ કરું અને તેઓ પર ભરોસો મૂકું. હું જાણું છું કે એવું કરવાથી યહોવાને ખુશી મળે છે અને મને પણ ખુશી મળે છે.”
યહોવાનાં વચનો દ્વારા દિલાસો
૧૮. બહુ જલદી યહોવા શું કરવાના છે? આપણે હમણાં શું કરી શકીએ?
૧૮ બહુ જલદી યહોવા આપણા બધા ઘા રુઝાવી દેશે, પછી ભલે એ શરીર પર લાગ્યા હોય કે મન પર. (પ્રકટી. ૨૧:૩, ૪) એ સમયે ખરાબ બનાવોની કડવી યાદો “કોઈના મનમાં પણ નહિ આવે.” (યશા. ૬૫:૧૭) આ લેખમાં જોઈ ગયા તેમ, યહોવા હમણાં પણ આપણા ઘા રુઝાવે છે. આપણને દિલાસો આપવા અને મદદ કરવા યહોવાએ ઘણી ગોઠવણો કરી છે. એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. યહોવા “તમારી સંભાળ રાખે છે,” એ વાત પર કદી શંકા કરશો નહિ.—૧ પિત. ૫:૭.
ગીત ૨૩ યહોવા મારો કિલ્લો
a નામ બદલ્યાં છે.
b “યહોવા તમને કીમતી ગણે છે” બૉક્સ જુઓ.
c યહોવા સાથે ‘વાત કરવા અને ઉકેલ લાવવા’ એ સાબિત કરવું પડશે કે આપણે દિલથી પસ્તાવો કર્યો છે. એ માટે યહોવા પાસે પાપોની માફી માંગીએ અને સુધારો કરીએ. જો મોટું પાપ કર્યું હોય, તો મંડળના વડીલો પાસે પણ મદદ માંગવી જોઈએ.—યાકૂ. ૫:૧૪, ૧૫.
d jw.org/gu પર “ચિંતા” અને “દિલાસો” વિષય પર લેખ જુઓ.