ગુરુવાર, સપ્ટેમ્બર ૧૧
“તેઓને તમારા પ્રેમનો પુરાવો આપો.”—૨ કોરીં. ૮:૨૪.
આપણે ભાઈ-બહેનો સાથે દોસ્તી કરીએ અને તેઓ સાથે સમય વિતાવીએ. એમ કરીને બતાવી આપીએ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. (૨ કોરીં. ૬:૧૧-૧૩) ઘણાં મંડળોમાં એવાં ભાઈ-બહેનો છે, જેઓનો ઉછેર અલગ અલગ માહોલમાં થયો છે અને તેઓનો સ્વભાવ પણ અલગ અલગ છે. જો તેઓના સારા ગુણો પર ધ્યાન આપીશું, તો તેઓને વધારે પ્રેમ કરી શકીશું. યહોવાની જેમ ભાઈ-બહેનોમાં સારા ગુણો જોઈને બતાવી આપીએ છીએ કે, આપણે તેઓને ખૂબ પ્રેમ કરીએ છીએ. મોટી વિપત્તિ દરમિયાન પણ આપણે ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો પડશે. મોટી વિપત્તિ શરૂ થશે ત્યારે યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરશે? ધ્યાન આપો કે પ્રાચીન સમયમાં જ્યારે બાબેલોન પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે યહોવાએ પોતાના લોકોને કયું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તેઓને કહ્યું હતું: “ઓ મારા લોકો, તમારા અંદરના ઓરડાઓમાં જાઓ અને બારણાં બંધ કરી દો. કોપ પૂરો થાય ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહો.” (યશા. ૨૬:૨૦) બની શકે કે, મોટી વિપત્તિ દરમિયાન કદાચ યહોવાના લોકોએ પણ એવું જ કરવું પડે. w૨૩.૦૭ ૬-૭ ¶૧૪-૧૬
શુક્રવાર, સપ્ટેમ્બર ૧૨
“આ દુનિયાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે.”—૧ કોરીં. ૭:૩૧.
તમારી શાખ વાજબી વ્યક્તિ તરીકેની હોય. પોતાને પૂછો: ‘લોકો મારા વિશે શું વિચારે છે? શું હું વાજબી છું? શું હું નમવા કે ફેરફારો કરવા તૈયાર છું? કે પછી લોકો મને કઠોર અને જિદ્દી સમજે છે? શું હું તેઓની વાત સાંભળું છું અને યોગ્ય હોય ત્યારે તેઓની વાત માનું છું?’ જેટલા વધારે વાજબી હોઈશું, એટલું વધારે યહોવા અને ઈસુનું અનુકરણ કરી શકીશું. સંજોગો બદલાય ત્યારે વાજબી બનવાની જરૂર છે, એટલે કે સંજોગો પ્રમાણે પોતાને ઢાળવાની જરૂર છે. અમુક ફેરફારોને લીધે આપણા સામે એવી મુશ્કેલી આવે, જેના વિશે વિચાર્યું પણ ન હોય. કદાચ અચાનક તબિયત બગડી જાય. અથવા આર્થિક કે રાજકીય ફેરફારોને લીધે રાતોરાત આપણું જીવન અઘરું બની જાય. (સભા. ૯:૧૧) એવું પણ બને કે યહોવાની સેવામાં આપણી સોંપણી બદલાઈ જાય. જો આ ચાર પગલાં ભરીશું, તો નવા સંજોગોમાં પોતાને ઢાળવા સહેલું થઈ જશે: (૧) હકીકત સ્વીકારો, (૨) પહેલાં જે કરી શકતા હતા એનો વિચાર કરવાને બદલે હમણાં શું કરી શકો છો એના પર ધ્યાન આપો, (૩) સારી વાતો પર મન લગાડો અને (૪) બીજાઓ માટે કંઈક કરો. w૨૩.૦૭ ૨૧-૨૨ ¶૭-૮
શનિવાર, સપ્ટેમ્બર ૧૩
“તું અતિ પ્રિય છે.”—દાનિ. ૯:૨૩.
બાબેલોનીઓ પ્રબોધક દાનિયેલને ગુલામ બનાવીને લઈ ગયા, ત્યારે તે યુવાન હતા. તેઓ તેમને પોતાના ઘર યરૂશાલેમથી ખૂબ દૂર બાબેલોન લઈ ગયા. ભલે દાનિયેલ યુવાન હતા, પણ બાબેલોનના અધિકારીઓનું ધ્યાન તેમના પર ગયું. તેઓએ તેમનો “બહારનો દેખાવ” જોયો, એટલે કે તેઓએ જોયું કે દાનિયેલ “ખોડખાંપણ વગરના અને દેખાવડા” હતા તેમજ ઉચ્ચ કુળના હતા. (૧ શમુ. ૧૬:૭) એટલે બાબેલોનીઓએ તેમને તાલીમ આપી, જેથી તે રાજાના મહેલમાં સેવા કરી શકે. (દાનિ. ૧:૩, ૪, ૬) યહોવા દાનિયેલને પ્રેમ કરતા હતા. કેમ કે, તેમણે યહોવાને વફાદાર રહેવાનું પસંદ કર્યું હતું. હકીકતમાં જ્યારે યહોવાએ દાનિયેલ વિશે કહ્યું કે તે નૂહ અને અયૂબ જેવા છે, ત્યારે તે વીસેક વર્ષના જ હતા. આમ યહોવાએ યુવાન દાનિયેલને નૂહ અને અયૂબની જેમ નેક ગણ્યા, જેઓએ વર્ષો સુધી યહોવાની ભક્તિ વફાદારીથી કરી હતી. (ઉત. ૫:૩૨; ૬:૯, ૧૦; અયૂ. ૪૨:૧૬, ૧૭; હઝકિ. ૧૪:૧૪) દાનિયેલ લાંબું જીવન જીવ્યા અને તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. પણ યહોવા હંમેશાં દાનિયેલને પ્રેમ કરતા રહ્યા.—દાનિ. ૧૦:૧૧, ૧૯. w૨૩.૦૮ ૨ ¶૧-૨