વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 માર્ચ પાન ૨૬-૩૧
  • કેમ ખાતરી રાખી શકો કે યહોવા તમારાથી ખુશ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કેમ ખાતરી રાખી શકો કે યહોવા તમારાથી ખુશ છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • અમુકને કેમ એવું લાગી શકે કે યહોવા તેઓથી ખુશ નથી?
  • યહોવા કઈ રીતોએ બતાવે છે કે તે આપણાથી ખુશ છે?
  • બીજી કઈ રીતોથી ખબર પડે છે કે યહોવા આપણાથી ખુશ છે?
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા તમને મમતા બતાવે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • ઈસુના બલિદાનથી શું શીખવા મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 માર્ચ પાન ૨૬-૩૧

અભ્યાસ લેખ ૧૩

ગીત ૨૯ ચાલું તારી સંગે

કેમ ખાતરી રાખી શકો કે યહોવા તમારાથી ખુશ છે?

“મેં તને પસંદ કર્યો છે.”—લૂક ૩:૨૨.

આપણે શું શીખીશું?

તમે કેમ ખાતરી રાખી શકો કે યહોવા તમારાથી ખુશ છે?

૧. યહોવાના અમુક સેવકો કેવું વિચારવા લાગી શકે?

આપણને એ જાણીને કેટલી રાહત મળે છે કે યહોવાની કૃપા તેમના બધા સેવકો પર છે. બાઇબલમાં લખ્યું છે: “યહોવા પોતાના લોકોથી રાજી થાય છે.” (ગીત. ૧૪૯:૪) જોકે, ક્યારેક ક્યારેક અમુક ઈશ્વરભક્તો એટલા નિરાશ થઈ જાય છે કે તેઓ વિચારવા લાગે: ‘શું યહોવા મારાથી ખુશ છે?’ બાઇબલ સમયના ઘણા ઈશ્વરભક્તોને અમુક વાર એવું જ લાગ્યું હતું અને તેઓ નિરાશ થઈ ગયા હતા.—૧ શમુ. ૧:૬-૧૦; અયૂ. ૨૯:૨, ૪; ગીત. ૫૧:૧૧.

૨. યહોવાની કૃપા કોને મળે છે?

૨ બાઇબલમાંથી સાફ જોવા મળે છે કે કાળાં માથાંના માનવીઓ પણ યહોવાની કૃપા મેળવી શકે છે અથવા તેમને ખુશ કરી શકે છે. કઈ રીતે? ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકીને અને બાપ્તિસ્મા લઈને. (યોહા. ૩:૧૬) એમ કરીને બીજાઓને બતાવી આપીએ છીએ કે આપણે પાપનો પસ્તાવો કર્યો છે અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાનું તેમને વચન આપ્યું છે. (પ્રે.કા. ૨:૩૮; ૩:૧૯) યહોવા સાથે સંબંધ કેળવવા જ્યારે એ બધાં પગલાં ભરીએ છીએ, ત્યારે તેમને બહુ ખુશી થાય છે. આપણે જ્યાં સુધી સમર્પણના વચન પ્રમાણે જીવવા બનતું બધું કરીશું, ત્યાં સુધી યહોવાની કૃપા આપણાં માથે રહેશે અને તે આપણને તેમના પાકા મિત્ર ગણશે.—ગીત. ૨૫:૧૪.

૩. આપણે કયા ત્રણ સવાલોની ચર્ચા કરીશું?

૩ તો પછી અમુકને કેમ એવું લાગી શકે કે ઈશ્વર તેઓથી ખુશ નથી? યહોવા કઈ રીતોએ બતાવે છે કે તે આપણાથી ખુશ છે? યહોવા આપણાથી ખુશ છે એ વાત પર કઈ રીતે ભરોસો વધારી શકીએ?

અમુકને કેમ એવું લાગી શકે કે યહોવા તેઓથી ખુશ નથી?

૪-૫. જો લાગે કે આપણે કંઈ કામના નથી, તો શું યાદ રાખી શકીએ?

૪ ઘણા લોકોને બાળપણથી એવું લાગતું હોય છે કે તેઓ કંઈ કામના નથી. (ગીત. ૮૮:૧૫) એડ્રિયાનભાઈ કહે છે: “મને હંમેશાંથી લાગતું હતું કે હું કંઈ કામનો નથી. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે પ્રાર્થનામાં કહેતો કે મારું કુટુંબ નવી દુનિયામાં જશે. પણ મને લાગતું કે હું ત્યાં જવા લાયક નથી.” ટોનીનો ઉછેર સાક્ષી કુટુંબમાં નથી થયો. તે કહે છે: “મારાં મમ્મી-પપ્પાએ કદી કહ્યું ન હતું કે તેઓ મને પ્રેમ કરે છે, કદી મને શાબાશી આપી ન હતી. એટલે મને હંમેશાં લાગતું કે ભલે ગમે એટલું કરી લઉં, હું કદી તેઓને ખુશ નહિ કરી શકું.”

૫ જો અમુક વાર લાગે કે આપણે કંઈ કામના નથી, તો યાદ રાખી શકીએ કે યહોવા પોતે આપણને તેમની પાસે દોરી લાવ્યા હતા. (યોહા. ૬:૪૪) તે આપણા સારા ગુણો જુએ છે, જે આપણે પોતે જોઈ શકતા નથી. તે એ પણ જાણે છે કે આપણાં દિલમાં શું છે. (૧ શમુ. ૧૬:૭; ૨ કાળ. ૬:૩૦) એટલે જ્યારે યહોવા કહે કે તે આપણને અનમોલ ગણે છે, ત્યારે તેમની વાત પર ભરોસો મૂકી શકીએ છીએ.—૧ યોહા. ૩:૧૯, ૨૦.

૬. પ્રેરિત પાઉલને અગાઉ કરેલાં પાપ વિશે કેવું લાગતું હતું?

૬ યહોવા વિશે શીખવાનું શરૂ કર્યું એ પહેલાં અમુક ઈશ્વરભક્તોએ એવાં કામો કર્યાં હતાં, જેના લીધે તેઓ આજે પણ પોતાને દોષિત ગણે છે. (૧ પિત. ૪:૩) તો અમુક ઈશ્વરભક્તો હમણાં પણ પોતાની ખામીઓ સામે લડી રહ્યા છે. તમારા વિશે શું? શું તમને કદી લાગ્યું છે કે યહોવા તમને માફ નહિ કરે? જો એવું હોય તો તમને એ જાણીને રાહત મળશે કે યહોવાના બીજા વફાદાર સેવકોને પણ એવું લાગ્યું હતું. પ્રેરિત પાઉલનો દાખલો લો. જ્યારે તે પોતાની ખામીઓનો વિચાર કરતા, ત્યારે પોતાને લાચાર અનુભવતા. (રોમ. ૭:૨૪) ખરું કે, તેમણે પોતાનાં પાપનો પસ્તાવો કર્યો હતો અને બાપ્તિસ્મા લીધું હતું, તોપણ તેમણે પોતાના વિશે કહ્યું: “હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું” અને “પાપીઓમાં હું સૌથી વધારે પાપી છું.”—૧ કોરીં. ૧૫:૯; ૧ તિમો. ૧:૧૫.

૭. અગાઉ કરેલાં પાપ વિશે શું યાદ રાખવું જોઈએ?

૭ સ્વર્ગમાંના આપણા પિતાએ વચન આપ્યું છે કે જો આપણે પસ્તાવો કરીશું તો તે આપણને માફ કરશે. (ગીત. ૮૬:૫) એટલે જો પાપ માટે સાચા દિલથી પસ્તાવો કર્યો હોય, તો ખાતરી રાખી શકીએ કે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે અને આપણને માફ કર્યા છે.—કોલો. ૨:૧૩.

૮-૯. જો એવું લાગે કે યહોવા ખુશ થાય એટલું નથી કરી શકતા, તો શું કરી શકીએ?

૮ આપણે બધા જ લોકો યહોવાની સેવામાં બનતું બધું કરવા માંગીએ છીએ. પણ કદાચ અમુક લોકો વિચારવા લાગે કે યહોવા ખુશ થાય એટલું કદી નહિ કરી શકે. અમેન્ડા નામની બહેન કહે છે: “મને લાગતું કે યહોવાને સૌથી સારું આપવાનો અર્થ થાય, હંમેશાં વધારે કરવું. ઘણી વાર હું પોતાની પાસે વધારે પડતી અપેક્ષા રાખતી. જ્યારે એમ કરી ન શકતી, ત્યારે દુઃખી થઈ જતી અને માની લેતી કે યહોવા પણ મારાથી દુઃખી છે.”

૯ જો એવું લાગે કે યહોવા ખુશ થાય એટલું નથી કરી શકતા, તો શું કરી શકીએ? યાદ રાખીએ કે યહોવા વાજબી છે. તે આપણી પાસેથી ગજા બહારની અપેક્ષા નથી રાખતા. તેમની તન-મનથી સેવા કરવા આપણે જે કંઈ કરીએ છીએ, એને તે કીમતી ગણે છે. વધુમાં આપણે બાઇબલમાં આપેલા ઈશ્વરભક્તોના દાખલા પર વિચાર કરીએ, જેઓએ પૂરા દિલથી યહોવાની સેવા કરી હતી. પાઉલનો વિચાર કરો. વર્ષો સુધી તેમણે યહોવાની સેવામાં સખત મહેનત કરી, હજારો કિલોમીટરની મુસાફરી કરી અને ઘણાં મંડળો શરૂ કર્યાં. પણ સમય જતાં તેમના સંજોગો બદલાઈ ગયા અને તે પહેલાં જેટલો પ્રચાર કરી શકતા ન હતા. તો શું એનો અર્થ એ કે યહોવા તેમનાથી ખુશ ન હતા? ના! પાઉલ પોતાનાથી થાય એટલું કરતા રહ્યા અને યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. (પ્રે.કા. ૨૮:૩૦, ૩૧) એવી જ રીતે, સંજોગો પ્રમાણે આપણે અમુક વાર વધારે કરી શકીએ છીએ, તો અમુક વાર ઓછું. પણ યહોવાની સેવા કયા ઇરાદાથી કરીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. હવે ચાલો જોઈએ કે યહોવા કઈ રીતોએ બતાવે છે કે તે આપણાથી ખુશ છે.

યહોવા કઈ રીતોએ બતાવે છે કે તે આપણાથી ખુશ છે?

૧૦. આપણે કઈ રીતે યહોવા પાસેથી સાંભળી શકીએ કે તે આપણાથી ખુશ છે? (યોહાન ૧૬:૨૭)

૧૦ બાઇબલ દ્વારા. યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને બતાવે છે કે તે તેઓથી ખુશ છે. બાઇબલમાં એવા બે અહેવાલો જણાવ્યા છે, જેમાં યહોવાએ ઈસુને કહ્યું હતું કે તે તેમનો વહાલો દીકરો છે અને તેમનાથી ખુશ છે. (માથ. ૩:૧૭; ૧૭:૫) શું તમે પણ યહોવા પાસેથી એવું સાંભળવા માંગો છો કે તે તમારાથી ખુશ છે? યહોવા સ્વર્ગમાંથી આપણી સાથે વાત નથી કરતા, પણ બાઇબલ દ્વારા વાત કરે છે. ખુશખબરનાં પુસ્તકોમાં ઈસુના શબ્દો વાંચીએ છીએ ત્યારે, યહોવા જાણે આપણી સાથે વાત કરે છે અને કહે છે કે તે આપણાથી ખુશ છે. (યોહાન ૧૬:૨૭ વાંચો.) ઈસુ એકદમ તેમના પિતા જેવા હતા. તેમના શિષ્યોથી ઘણી વાર ભૂલો થઈ, તોપણ ઈસુએ બતાવ્યું કે તે તેઓથી ખુશ છે. એટલે તમે બાઇબલમાં જ્યારે પણ વાંચો કે ઈસુએ તેમના શિષ્યોને શું કહ્યું હતું, ત્યારે કલ્પના કરી શકો કે જાણે એ શબ્દો યહોવા તમને કહી રહ્યા છે.—યોહા. ૧૫:૯, ૧૫.

એક બહેન પોતાના ઘરે બાઇબલ વાંચી રહી છે.

યહોવા ઘણી રીતોએ બતાવે છે કે તે આપણાથી ખુશ છે (ફકરો ૧૦ જુઓ)


૧૧. મુશ્કેલીઓ આવે તો એનો અર્થ એ નથી કે યહોવા આપણાથી ખુશ નથી, એવું કેમ કહી શકીએ? (યાકૂબ ૧:૧૨)

૧૧ પોતાનાં કામો દ્વારા. યહોવા આપણને મદદ કરવા હંમેશાં તૈયાર છે, જેમ કે તે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. પણ અમુક વાર તે આપણા પર મુશ્કેલીઓ આવવા દે છે, જેમ અયૂબ સાથે થયું હતું. (અયૂ. ૧:૮-૧૧) પણ એનો અર્થ એ નથી કે યહોવા આપણાથી ખુશ નથી. એ સમયે બતાવવાનો મોકો મળે છે કે યહોવાને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેમના પર કેટલો ભરોસો છે. (યાકૂબ ૧:૧૨ વાંચો.) કસોટીઓ આવે ત્યારે આપણે અનુભવ કરી શકીશું કે યહોવા કેટલી પ્રેમાળ રીતે આપણી સંભાળ રાખે છે અને કઈ રીતે ટકી રહેવા મદદ કરે છે.

૧૨. દિમિત્રીભાઈના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૨ એશિયામાં રહેતા દિમિત્રીભાઈના દાખલા પર ધ્યાન આપો. તેમની નોકરી છૂટી ગઈ અને ઘણા મહિનાઓ સુધી તેમને બીજું કોઈ કામ ન મળ્યું. એટલે તેમણે નક્કી કર્યું કે તે યહોવા પર ભરોસો રાખશે અને પ્રચારમાં વધારે સમય વિતાવશે. મહિનાઓ વીતતા ગયા, પણ તેમને કોઈ કામ ન મળ્યું. અધૂરામાં પૂરું તેમની તબિયત બગડી, એટલે સુધી કે તે પથારીવશ થઈ ગયા. તેમને લાગવા લાગ્યું કે તે એક સારા પતિ અને પિતા નથી. તેમને એવું પણ લાગ્યું કે કદાચ યહોવા તેમનાથી ખુશ નથી. એવામાં એક દિવસે સાંજના તેમની દીકરીએ યશાયા ૩૦:૧૫ના શબ્દો એક કાગળ પર લખ્યા: “શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.” પછી તેણે એ કાગળ દિમિત્રીભાઈને આપ્યો અને કહ્યું: “પપ્પા, તમે દુઃખી થઈ જાઓ ત્યારે આ કલમના શબ્દો યાદ કરજો.” એનાથી દિમિત્રીભાઈને અહેસાસ થયો કે યહોવા તેમને ભૂલ્યા નથી, તે હજીયે તેમની સંભાળ રાખે છે. તેમના કુટુંબ પાસે રહેવાની જગ્યા, પૂરતો ખોરાક અને કપડાં હતાં. ભાઈ જણાવે છે: “મારે બસ શાંત રહેવાની અને હંમેશાં યહોવા પર ભરોસો રાખવાની જરૂર હતી.” જો તમે પણ એવી કોઈ મુશ્કેલીનો સામનો કરતા હો, તો પૂરો ભરોસો રાખો કે યહોવાને તમારી ચિંતા છે અને તે એ મુશ્કેલીનો સામનો કરવા તમને મદદ કરશે.

એક ભાઈ પલંગ પર છે. તેમણે એક હાથમાં કાગળ પકડ્યો છે અને તેમનો બીજો હાથ તેમની દીકરીએ પકડ્યો છે.

યહોવા ઘણી રીતોએ બતાવે છે કે તે આપણાથી ખુશ છે (ફકરો ૧૨ જુઓ)a


૧૩. યહોવા કદાચ કોના દ્વારા ખાતરી કરાવે કે તે આપણાથી ખુશ છે અને કઈ રીતે?

૧૩ પોતાના ભક્તો દ્વારા. યહોવા ભાઈ-બહેનો દ્વારા આપણને અહેસાસ કરાવે છે કે તે આપણાથી ખુશ છે. જેમ કે, તે ભાઈ-બહેનોનાં દિલમાં ઇચ્છા જગાડી શકે છે કે આપણને જરૂર હોય ત્યારે તેઓ આપણી હિંમત વધારે. એશિયામાં રહેતાં એક બહેનને એવું જ લાગ્યું. એક સમયે તે ચિંતાના બોજ નીચે દબાઈ ગયાં હતાં. તેમની નોકરી છૂટી ગઈ. તે સખત બીમાર પડ્યાં. પછી તેમના પતિએ એક મોટી ભૂલ કરી. એના લીધે તેમણે વડીલ તરીકેની જવાબદારી ગુમાવવી પડી. બહેન કહે છે: “મને ખબર પડતી ન હતી કે આ બધું કેમ થઈ રહ્યું છે. મને થયું કે મેં જ કોઈ ભૂલ કરી હશે અને એટલે જ યહોવા મારાથી નારાજ છે.” બહેને કરગરીને યહોવાને પ્રાર્થના કરી. તેમણે વિનંતી કરી કે યહોવા તેમને ખાતરી કરાવે કે તે તેમનાથી ખુશ છે. યહોવાએ કઈ રીતે બહેનની પ્રાર્થનાનો જવાબ આપ્યો? બહેન કહે છે: “વડીલોએ મારી સાથે વાત કરી અને ભરોસો અપાવ્યો કે યહોવા હજી પણ મને ખૂબ જ પ્રેમ કરે છે.” થોડા સમય પછી બહેને ફરીથી યહોવા પાસે મદદ માંગી. તે કહે છે: “એ જ દિવસે મને મંડળનાં ભાઈ-બહેનો પાસેથી એક પત્ર મળ્યો. તેઓના પ્રેમાળ શબ્દો વાંચીને મને બહુ સારું લાગ્યું, મને ઘણો દિલાસો મળ્યો. હું જોઈ શકી કે યહોવાએ મારી પ્રાર્થના સાંભળી છે.” સાચે જ, યહોવા ઘણી વાર ભાઈ-બહેનોના પ્રેમાળ શબ્દોથી ખાતરી કરાવે છે કે તે આપણાથી ખુશ છે.—ગીત. ૧૦:૧૭.

બે વડીલો એક બહેનના ઘરે તેમને મળવા ગયા છે. તેઓ બહેન સાથે વાત કરી રહ્યા છે અને પોતપોતાનું બાઇબલ ખુલ્લું રાખ્યું છે.

યહોવા ઘણી રીતોએ બતાવે છે કે તે આપણાથી ખુશ છે (ફકરો ૧૩ જુઓ)b


૧૪. યહોવા બીજી કઈ એક રીતે ખાતરી કરાવે છે કે તે આપણાથી ખુશ છે?

૧૪ યહોવા બીજી કઈ રીતે ખાતરી કરાવે છે કે તે આપણાથી ખુશ છે? તે ભાઈ-બહેનો દ્વારા આપણને જરૂર પડ્યે સલાહ આપે છે. પહેલી સદીમાં એવું જ કંઈક થયું હતું. યહોવાએ પવિત્ર શક્તિ દ્વારા પ્રેરિત પાઉલને ૧૪ પત્રો લખવા મદદ કરી. એ પત્રોમાં પાઉલે ભાઈ-બહેનોને સીધેસીધી, પણ પ્રેમથી સલાહ આપી. યહોવાએ કેમ પાઉલને એ સલાહ આપવા પ્રેર્યા? કેમ કે પિતા યહોવા પોતાનાં બાળકોને “પ્રેમ કરે છે,” એટલે તે તેઓને શિસ્ત આપે છે. (નીતિ. ૩:૧૧, ૧૨) જ્યારે કોઈ બાઇબલમાંથી સલાહ આપે, ત્યારે એવું ન વિચારીએ કે યહોવા આપણાથી નારાજ છે. પણ એ બતાવે છે કે તે આપણાથી ખુશ છે. (હિબ્રૂ. ૧૨:૬) બીજી કઈ રીતોથી ખ્યાલ આવે છે કે યહોવા આપણાથી ખુશ છે?

બીજી કઈ રીતોથી ખબર પડે છે કે યહોવા આપણાથી ખુશ છે?

૧૫. યહોવા કોને પવિત્ર શક્તિ આપે છે? એનાથી કઈ રીતે ખાતરી મળે છે કે યહોવા તમારાથી ખુશ છે?

૧૫ યહોવા જેઓથી ખુશ છે, તેઓને તે પવિત્ર શક્તિ આપે છે. (માથ. ૧૨:૧૮) પોતાને પૂછો: ‘શું મારાં વાણી-વર્તનથી દેખાઈ આવે છે કે મેં પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ કેળવ્યા છે?’ જેમ કે, શું તમે જોઈ શકો છો કે બાઇબલમાંથી શીખ્યા પછી તમે લોકો સાથે વધારે ધીરજથી વર્તો છો? સાચે જ, તમે જેમ જેમ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ કેળવતા જશો, તેમ તેમ તમને ખાતરી થતી જશે કે યહોવા તમારાથી ખુશ છે.—“પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ” બૉક્સ જુઓ.

એક વૃદ્ધ સ્ત્રીની થેલીમાંથી અમુક શાકભાજી પડી ગઈ છે. એક ભાઈ તેમને એ ઉઠાવવા મદદ કરી રહ્યા છે.

તમે કેવી રીતે જાણી શકો કે યહોવા તમારાથી ખુશ છે? (ફકરો ૧૫ જુઓ)


“પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ”

પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા અલગ અલગ ગુણ વિશે વધારે જાણવા ચોકીબુરજના આ નવ લેખ વાંચો.—ગલા. ૫:૨૨, ૨૩.

  • “પ્રેમ—એક અનમોલ ગુણ” (w૧૭.૦૮)

  • “આનંદ—ઈશ્વર તરફથી મળતો ગુણ” (w૧૮.૦૨)

  • “શાંતિ—તમે કઈ રીતે મેળવી શકો?” (w૧૮.૦૫)

  • “ધીરજ—હિંમત ન હારીએ” (w૧૮.૦૮)

  • “કૃપા—વાણી-વર્તનથી દેખાઈ આવતો ગુણ” (w૧૮.૧૧)

  • “ભલાઈ—તમે કઈ રીતે કેળવી શકો?” (w૧૯.૦૩)

  • “શ્રદ્ધા—કરે તમને મજબૂત” (w૧૯.૦૮)

  • “નમ્રતા—એનાથી કેવો ફાયદો થાય છે?” (w૨૦.૦૫)

  • “સંયમ—યહોવાની કૃપા મેળવવા એ ખૂબ જરૂરી છે” (w૨૦.૦૬)

૧૬. યહોવા કોને ખુશખબર જણાવવાનું કામ સોંપે છે? એ જાણીને તમને કેવું લાગે છે? (૧ થેસ્સાલોનિકીઓ ૨:૪)

૧૬ યહોવા જેઓથી ખુશ છે, તેઓને તે ખુશખબર જણાવવાનું કામ સોંપે છે. (૧ થેસ્સાલોનિકીઓ ૨:૪ વાંચો.) ધ્યાન આપો કે ખુશખબર જણાવવાથી જોસલીનબહેનનો એ વાત પર કઈ રીતે ભરોસો વધ્યો. એક દિવસે તે સવારથી જ નિરાશ હતાં. તે કહે છે: “મારામાં જરાય શક્તિ ન હતી અને લાગતું હતું કે હું કંઈ કામની નથી. પણ હું પાયોનિયરીંગ કરતી હતી અને એ દિવસે મેં પ્રચારમાં જવાનું નક્કી કર્યું હતું. એટલે મેં પ્રાર્થના કરી અને પ્રચારમાં નીકળી ગઈ.” એ સવારે તે મેરી નામની એક સ્ત્રીને મળ્યાં. એ નમ્ર સ્ત્રી બાઇબલમાંથી શીખવા તૈયાર થઈ ગઈ. અમુક મહિનાઓ પછી મેરીએ જણાવ્યું કે જોસલીનબહેને દરવાજો ખખડાવ્યો ત્યારે, તે મદદ માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી. એ અનુભવથી જોસલીનબહેનને શું શીખવા મળ્યું? તે કહે છે: “મને એવું લાગ્યું કે જાણે યહોવા મને કહી રહ્યા હતા, ‘હું તારાથી ખુશ છું.’” આજે કદાચ બધા લોકો આપણો સંદેશો ન સાંભળે. પણ ખુશખબર જણાવવા બનતું બધું કરીએ છીએ ત્યારે, ખાતરી રાખી શકીએ છીએ કે યહોવા આપણાથી ખુશ છે.

બે બહેનો ટ્રૉલી દ્વારા પ્રચાર કરે છે અને એક છોકરીને સાક્ષી આપે છે.

તમે કેવી રીતે જાણી શકો કે યહોવા તમારાથી ખુશ છે? (ફકરો ૧૬ જુઓ)c


૧૭. ઈસુના બલિદાન વિશે વિક્કીબહેને જે કહ્યું, એમાંથી શું શીખી શકીએ? (ગીતશાસ્ત્ર ૫:૧૨)

૧૭ યહોવા જેઓથી ખુશ છે, તેઓનાં પાપ ઈસુના બલિદાનના આધારે માફ કરે છે. (૧ તિમો. ૨:૫, ૬) બની શકે કે ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂક્યા પછી અને બાપ્તિસ્મા લીધા પછી પણ આપણને લાગે કે યહોવા આપણાથી ખુશ નથી. એવા સમયે યાદ રાખીએ કે આપણે પોતાની લાગણીઓ પર ભરોસો નથી કરી શકતા, પણ યહોવા પર હંમેશાં ભરોસો કરી શકીએ છીએ. જેઓ ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકે છે, તેઓને યહોવા નેક ગણે છે અને આશીર્વાદો આપવાનું વચન આપે છે. (ગીતશાસ્ત્ર ૫:૧૨ વાંચો; રોમ. ૩:૨૬) ઈસુના બલિદાન પર મનન કરવાથી વિક્કીબહેનને ઘણી મદદ મળી. એક દિવસે તેમણે એ ગોઠવણ પર ઊંડો વિચાર કર્યો. એમ કરવાથી તેમને આ વાત સમજાઈ: “યહોવા લાંબા સમયથી મારી સાથે ધીરજથી વર્તી રહ્યા છે. . . . પણ એ તો હું હતી, જે તેમને કહેતી હતી: ‘ના, યહોવા, તમારો પ્રેમ એટલો મહાન નથી કે મને મદદ કરી શકે. તમારા દીકરાનું બલિદાન એટલું મોટું નથી કે મારાં પાપો ઢાંકી શકે.’” ઈસુના બલિદાન પર મનન કરવાથી વિક્કીબહેન યહોવાના પ્રેમનો અનુભવ કરી શક્યાં. આપણે પણ ઈસુના બલિદાન પર મનન કરીશું તો, યહોવાનો પ્રેમ અનુભવી શકીશું અને જોઈ શકીશું કે તે આપણાથી ખુશ છે.

એક ભાઈ જેલમાં કલ્પના કરી રહ્યા છે કે ઈસુએ વધસ્તંભ પર પોતાનું જીવન આપી દીધું.

તમે કેવી રીતે જાણી શકો કે યહોવા તમારાથી ખુશ છે? (ફકરો ૧૭ જુઓ)


૧૮. યહોવાને પ્રેમ કરતા રહીશું તો કઈ વાતની ખાતરી રાખી શકીશું?

૧૮ બની શકે કે આ લેખમાં આપેલાં સૂચનો પાળવા પોતાનાથી બનતું બધું કરીએ, તોપણ અમુક વાર નિરાશ થઈ જઈએ અને વિચારવા લાગીએ કે યહોવા આપણાથી ખુશ નથી. એવા સમયે યાદ રાખીએ કે “જેઓ હંમેશાં તેમને પ્રેમ કરે છે,” તેઓથી તે ખુશ થાય છે. (યાકૂ. ૧:૧૨) તો ચાલો, યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહીએ. તેમ જ, એ જોવાની કોશિશ કરીએ કે યહોવા કઈ રીતોએ બતાવે છે કે તે આપણાથી ખુશ છે. આપણે ક્યારેય ના ભૂલીએ કે યહોવા “આપણામાંના કોઈથી દૂર નથી.”—પ્રે.કા. ૧૭:૨૭.

તમે શું કહેશો?

  • અમુકને કેમ એવું લાગી શકે કે યહોવા તેઓથી ખુશ નથી?

  • યહોવા કઈ અમુક રીતોએ બતાવે છે કે તે આપણાથી ખુશ છે?

  • કેમ ખાતરી રાખી શકીએ કે યહોવા આપણાથી ખુશ છે?

ગીત ૧૧ યહોવાને વળગી રહું

a ચિત્રની સમજ: કાલ્પનિક ઘટના અથવા સાચી ઘટનાને આધારે ચિત્ર

b ચિત્રની સમજ: કાલ્પનિક ઘટના અથવા સાચી ઘટનાને આધારે ચિત્ર

c ચિત્રની સમજ: કાલ્પનિક ઘટના અથવા સાચી ઘટનાને આધારે ચિત્ર

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો