વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 મે પાન ૧૪-૧૯
  • “પવિત્ર માર્ગ” પર ચાલતા રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “પવિત્ર માર્ગ” પર ચાલતા રહીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • “પવિત્ર માર્ગ”—પ્રાચીન સમયમાં અને આજના સમયમાં
  • માર્ગ તૈયાર કરવામાં આવ્યો
  • “પવિત્ર માર્ગ” હજી પણ ખુલ્લો છે
  • ફરીથી સુખ-શાંતિ!
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
  • “તમે પવિત્ર થાઓ”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 મે પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૨૨

“પવિત્ર માર્ગ” પર ચાલતા રહીએ

“એક રાજમાર્ગ હશે. . . . એને પવિત્ર માર્ગ કહેવામાં આવશે.”—યશા. ૩૫:૮.

ગીત ૨૬ યહોવા સાથે ચાલ

ઝલકa

૧-૨. બાબેલોનમાં રહેતા યહૂદીઓએ કયો મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો? (એઝરા ૧:૨-૪)

બાબેલોનમાં એક જાહેરાત કરવામાં આવી કે યહૂદીઓ પોતાના વતન ઇઝરાયેલ પાછા જઈ શકે છે. તેઓ આશરે ૭૦ વર્ષથી બાબેલોનની ગુલામીમાં હતા. પણ હવે તેઓ આઝાદ હતા. (એઝરા ૧:૨-૪ વાંચો.) એ યહોવાની મદદ વગર શક્ય ન હતું, કેમ કે સામાન્ય રીતે બાબેલોનીઓ પોતાના ગુલામોને આઝાદ કરતા ન હતા. (યશા. ૧૪:૪, ૧૭) પણ હવે બાબેલોનમાં સત્તા પલટાઈ ગઈ હતી અને બીજો એક રાજા રાજ કરવા લાગ્યો હતો. એ રાજાએ યહૂદીઓને કહ્યું કે તેઓ બાબેલોન છોડીને પોતાના વતન પાછા જઈ શકે છે. હવે દરેક યહૂદીએ અને ખાસ કરીને કુટુંબના શિરે એક મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો: શું તેઓ બાબેલોન છોડીને ઇઝરાયેલ જશે કે પછી ત્યાં જ રહેશે? તેઓ માટે એ નિર્ણય લેવો કદાચ એટલું સહેલું નહિ હોય. શા માટે?

૨ કેટલાક યહૂદીઓ કદાચ એટલા વૃદ્ધ હતા કે તેઓ માટે લાંબી મુસાફરી કરવી અઘરું હતું. વધુમાં મોટા ભાગના યહૂદીઓનો જન્મ બાબેલોનમાં થયો હતો. તેઓ બાબેલોન સિવાય બીજે ક્યાંય રહ્યા ન હતા. એટલે તેઓ ઇઝરાયેલને પોતાનું ઘર નહિ, પણ પોતાના બાપદાદાઓનો દેશ ગણતા હતા. એવું લાગે છે કે અમુક યહૂદીઓ બાબેલોનમાં ઘણા પૈસાદાર થઈ ગયા હતા અને આરામથી જીવતા હતા. એટલે કદાચ તેઓને થયું હોય, આટલું સરસ જીવન અને ધમધોકાર ધંધો છોડીને અજાણ્યા દેશમાં જવું તો મૂર્ખામી કહેવાય!

૩. ઇઝરાયેલ પાછા જવાથી યહૂદીઓને કયો આશીર્વાદ મળવાનો હતો?

૩ વફાદાર યહૂદીઓએ ઇઝરાયેલ પાછા જવા ઘણું જતું કરવાનું હતું. પણ તેઓ એ વાત જાણતા હતા કે પોતે જે કંઈ જતું કરશે, એના બદલામાં યહોવા અનેક ગણાં આશીર્વાદ આપશે. સૌથી મોટો આશીર્વાદ તો એ હતો કે તેઓ ત્યાં જઈને સારી રીતે યહોવાની ભક્તિ કરી શકશે. બાબેલોન શહેરમાં જૂઠાં દેવી-દેવતાઓનાં ૫૦થી પણ વધારે મંદિરો હતાં. પણ યહોવાનું એકેય મંદિર ન હતું. એવી એક પણ વેદી ન હતી, જ્યાં તેઓ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે બલિદાનો ચઢાવી શકે. એ બલિદાનો ચઢાવવા યાજકોની કોઈ ગોઠવણ પણ ન હતી. યહૂદીઓ એવા લોકો વચ્ચે રહેતા હતા, જેઓ જૂઠાં દેવી-દેવતાઓની ભક્તિ કરતા હતા અને જેઓને યહોવાનાં ધોરણોની કંઈ પડી ન હતી. યહૂદીઓ કરતાં એ લોકોની સંખ્યા ઘણી વધારે હતી. એટલે હજારો વફાદાર યહૂદીઓ પોતાના વતન જવા ખૂબ આતુર હતા, જેથી તેઓ યહોવાની શુદ્ધ ભક્તિ કરી શકે.

૪. ઇઝરાયેલ પાછા ફરનાર યહૂદીઓને યહોવાએ કયું વચન આપ્યું હતું?

૪ બાબેલોનથી ઇઝરાયેલની મુસાફરી ઘણી મુશ્કેલ હતી અને એમાં આશરે ચાર મહિના લાગી જતા હતા. પણ યહોવાએ વચન આપ્યું હતું કે તે માર્ગમાં આવનાર દરેક અડચણને દૂર કરશે. યશાયાએ લખ્યું: “યહોવાનો માર્ગ તૈયાર કરો! આપણા ઈશ્વર માટે રણમાંથી પસાર થતો સીધો રાજમાર્ગ બનાવો. . . . ઊંચી-નીચી જમીન સપાટ કરો અને ખાડા-ટેકરાને મેદાન બનાવો.” (યશા. ૪૦:૩, ૪) જરા આ દૃશ્યની કલ્પના કરો: રણની વચ્ચોવચ એક સીધો રાજમાર્ગ જઈ રહ્યો છે. એ રસ્તો એકદમ સપાટ છે અને જરાય ઊંચો-નીચો નથી. એવા રસ્તા પર મુસાફરી કરવાની લોકોને કેટલી મજા આવે! તેઓએ ન તો પહાડો ચઢવા પડે, ન તો ખીણોમાં ઊતરવું પડે. પહાડો અને ખીણોની આજુબાજુ ફરી ફરીને જવાને બદલે, તેઓને એક સીધો રસ્તો મળી જાય. એટલું જ નહિ, તેઓ આરામથી પોતાની મંજિલે પણ વહેલા પહોંચી જાય.

૫. બાબેલોનથી ઇઝરાયેલ જતા રાજમાર્ગને કયું નામ આપવામાં આવ્યું હતું?

૫ આજે મોટા ભાગના રાજમાર્ગોને કે હાઈવેને નામ અથવા નંબર આપવામાં આવે છે. યશાયાએ જે રાજમાર્ગ વિશે જણાવ્યું, એનું પણ એક નામ છે. બાઇબલમાં લખ્યું છે: “એક રાજમાર્ગ હશે. હા, એને પવિત્ર માર્ગ કહેવામાં આવશે. કોઈ પણ અશુદ્ધ માણસ એના પર મુસાફરી કરશે નહિ.” (યશા. ૩૫:૮) ઇઝરાયેલીઓને જે વચન આપવામાં આવ્યું હતું એનો શું અર્થ થતો હતો? આજે આપણા માટે એ વચનનો શું અર્થ થાય છે?

“પવિત્ર માર્ગ”—પ્રાચીન સમયમાં અને આજના સમયમાં

૬. આ માર્ગને પવિત્ર કેમ કહેવામાં આવ્યો છે?

૬ “પવિત્ર માર્ગ”—રાજમાર્ગનું કેટલું જોરદાર નામ! પણ એને કેમ પવિત્ર કહેવામાં આવ્યો છે? એનું કારણ એ હતું કે કોઈ પણ “અશુદ્ધ” વ્યક્તિનું ફરી વસાવેલા યરૂશાલેમમાં કોઈ સ્થાન ન હતું. “અશુદ્ધ” વ્યક્તિ એવા યહૂદીને બતાવતી હતી જે વ્યભિચાર જેવાં ગંદાં કામો, મૂર્તિપૂજા અથવા ગંભીર પાપ કરતી હતી. તેણે એ બધાં કામો છોડવાનાં હતાં. જે યહૂદીઓ પોતાના વતન પાછા જઈ રહ્યા હતા, તેઓએ યહોવાની “પવિત્ર પ્રજા” બનવાનું હતું. (પુન. ૭:૬) જોકે, તેઓએ ફેરફાર કરતા રહેવાનું હતું. બાબેલોન છોડ્યા પછી પણ તેઓએ યહોવાની કૃપા મેળવવા મહેનત કરવાની હતી.

૭. અમુક યહૂદીઓએ કેવા ફેરફાર કરવાના હતા? એક દાખલો આપો.

૭ આપણે અગાઉ જોઈ ગયા તેમ, મોટા ભાગના યહૂદીઓ બાબેલોનમાં જન્મ્યા હતા. એવું લાગે છે કે તેઓ બાબેલોનીઓનાં વિચારો અને ધોરણોથી ટેવાઈ ગયા હતા. યહૂદીઓએ ઇઝરાયેલ પાછા આવવાની શરૂઆત કરી એનાં ઘણાં વર્ષો પછી એઝરાને ખબર પડી કે અમુક યહૂદીઓએ જૂઠી ભક્તિ કરતી સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યાં છે. (નિર્ગ. ૩૪:૧૫, ૧૬; એઝ. ૯:૧, ૨) પછીથી રાજ્યપાલ નહેમ્યા આવ્યા. તેમને એ જાણીને બહુ દુઃખ થયું કે ઇઝરાયેલમાં જન્મેલાં બાળકો યહૂદીઓની હિબ્રૂ ભાષા શીખ્યા પણ ન હતા. (પુન. ૬:૬, ૭; નહે. ૧૩:૨૩, ૨૪) શાસ્ત્રનો ખાસ્સો એવો ભાગ હિબ્રૂ ભાષામાં લખાયો હતો. જો એ બાળકો હિબ્રૂ ભાષા સમજતાં જ ન હોય, તો તેઓ યહોવાને પ્રેમ કરવાનું અને તેમની ભક્તિ કરવાનું કઈ રીતે શીખી શકે? (એઝ. ૧૦:૩, ૪૪) એ દાખલાઓથી સાફ ખબર પડે છે કે બાબેલોનથી પાછા આવનાર યહૂદીઓએ મોટા મોટા ફેરફારો કરવાના હતા. તેઓ માટે ઇઝરાયેલમાં રહીને એ ફેરફારો કરવા સહેલું બની જાત, જ્યાં ધીરે ધીરે યહોવાની શુદ્ધ ભક્તિ ફરી શરૂ થઈ રહી હતી.—નહે. ૮:૮, ૯.

૧૯૧૯થી અત્યાર સુધી ભાઈ-બહેનો ખુશખબર ફેલાવવા અલગ અલગ રીતો વાપરતાં આવ્યાં છે.

૧૯૧૯થી લાખો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોએ મહાન બાબેલોન છોડ્યું છે અને “પવિત્ર માર્ગ” પર ચાલવાનું શરૂ કર્યું છે (ફકરો ૮ જુઓ)

૮. હજારો વર્ષો પહેલાં જે બનાવ બન્યો હતો એ આજે આપણા માટે કેમ મહત્ત્વનો છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૮ અમુક લોકો કદાચ વિચારે: ‘એ તો સાચે જ બહુ જોરદાર હશે. પણ એનાથી આજે આપણને શું ફરક પડે છે?’ હા, ફરક પડે છે. હકીકતમાં આપણે પણ એક રીતે એ “પવિત્ર માર્ગ” પર ચાલી રહ્યા છીએ. ભલે આપણે અભિષિક્ત હોઈએ કે પછી ‘બીજાં ઘેટાંના’ લોકો હોઈએ, આપણે બધાએ એ “પવિત્ર માર્ગ” પર ચાલતા રહેવાનું છે. એના પર ચાલવાથી જ આજે આપણે યહોવાની શુદ્ધ ભક્તિ કરી શકીએ છીએ. એટલું જ નહિ, ભાવિમાં ઈશ્વરનું રાજ્ય આ ધરતીને બાગ જેવી સુંદર બનાવશે ત્યારે પણ યહોવાની ભક્તિ કરતા રહી શકીશું.b (યોહા. ૧૦:૧૬) ૧૯૧૯થી લાખો સ્ત્રીઓ, પુરુષો અને બાળકો મહાન બાબેલોન (એટલે કે દુનિયાના બધા જૂઠા ધર્મોનું સામ્રાજ્ય) છોડીને આ માર્ગ પર ચાલી રહ્યાં છે. કદાચ તમે પણ એમાંનાં એક હશો. જોવા જઈએ તો, આ માર્ગ આશરે ૧૦૦ વર્ષ પહેલાં જ ખૂલ્યો, પણ એ માર્ગની તૈયારી સદીઓ પહેલાં શરૂ થઈ ગઈ હતી.

માર્ગ તૈયાર કરવામાં આવ્યો

૯. યશાયા ૫૭:૧૪માં કઈ રીતે જણાવ્યું છે કે “પવિત્ર માર્ગ” તૈયાર કરવામાં આવી રહ્યો છે?

૯ યહોવાએ ધ્યાન રાખ્યું કે જે યહૂદીઓ બાબેલોન છોડી રહ્યા હતા, તેઓના માર્ગમાંથી એકેએક અડચણો દૂર કરવામાં આવે. (યશાયા ૫૭:૧૪ વાંચો.) પણ આજના સમયમાં યહોવાએ ‘પવિત્ર માર્ગમાંથી’ કઈ રીતે અડચણો દૂર કરી છે? સાલ ૧૯૧૯ની સદીઓ પહેલાં એવા લોકો થઈ ગયા, જેઓ સાચા ઈશ્વરનો ડર રાખતા હતા. યહોવાએ તેઓનો ઉપયોગ કરીને મહાન બાબેલોનમાંથી નીકળવાનો માર્ગ તૈયાર કર્યો. (યશાયા ૪૦:૩ સરખાવો.) તેઓએ આ માર્ગ તૈયાર કરવા અથાક મહેનત કરી. એના લીધે સમય જતાં નમ્ર દિલના લોકો મહાન બાબેલોન છોડી શક્યા અને યહોવાના લોકો સાથે મળીને શુદ્ધ ભક્તિ કરી શક્યા. આ માર્ગને તૈયાર કરવા ઘણું બધું કરવામાં આવ્યું. ચાલો એવાં અમુક કામો વિશે જોઈએ.

શરૂઆતના સમયમાં વપરાતું પ્રિન્ટીંગ મશીન અને એક ભાષાંતરકાર.

ઈશ્વરનો ડર રાખતા લોકોએ સદીઓથી મહાન બાબેલોનમાંથી નીકળવાનો માર્ગ તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું (ફકરા ૧૦-૧૧ જુઓ)

૧૦-૧૧. બાઇબલનાં છાપકામ અને ભાષાંતરથી કઈ રીતે વધારે લોકો સાચું શિક્ષણ મેળવી શક્યા? (ચિત્ર પણ જુઓ.)

૧૦ છાપકામ. આશરે સાલ ૧૪૫૦ સુધી બાઇબલની નકલો હાથથી ઉતારવામાં આવતી હતી. એમાં ખૂબ સમય લાગતો. એટલે બાઇબલની બહુ જ ઓછી નકલો હતી અને એ પણ બહુ મોંઘી હતી. પણ જ્યારે છાપકામનાં મશીનો આવ્યાં, ત્યારે બાઇબલને વધારે સંખ્યામાં છાપવાનું અને લોકો સુધી પહોંચાડવાનું સહેલું બની ગયું.

૧૧ ભાષાંતર. ઘણી સદીઓ સુધી બાઇબલ મોટા ભાગે લેટિન ભાષામાં હતું. એ ભાષાને ફક્ત વધારે ભણેલા-ગણેલા લોકો જ સમજી શકતા હતા. પણ જ્યારે છાપકામ સહેલું બની ગયું, ત્યારે ઈશ્વરનો ડર રાખતા લોકોએ બાઇબલનું બીજી ભાષાઓમાં ભાષાંતર કરવાનું શરૂ કર્યું. તેઓએ એવી ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર કર્યું, જે સામાન્ય લોકો બોલતા હતા. હવે લોકો જાતે બાઇબલ વાંચી શકતા હતા. તેમ જ, સાફ જોઈ શકતા હતા કે તેઓને ચર્ચમાં જે શીખવવામાં આવે છે, એ બાઇબલ પ્રમાણે સાચું છે કે નહિ.

ભાઈ રસેલ અને બીજા અમુક લોકો બાઇબલનો અભ્યાસ કરવા અમુક સાહિત્ય વાંચી રહ્યા છે અને તેઓ જે શીખ્યા એના પર ચર્ચા કરી રહ્યા છે.

ઈશ્વરનો ડર રાખતા લોકોએ મહાન બાબેલોનમાંથી નીકળવાનો માર્ગ તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું (ફકરા ૧૨-૧૪ જુઓ)c

૧૨-૧૩. ઓગણીસમી સદીમાં બાઇબલનો અભ્યાસ કરતા લોકો કઈ રીતે ચર્ચના શિક્ષણને ખુલ્લું પાડવા લાગ્યા? એક દાખલો આપો.

૧૨ બાઇબલના અભ્યાસ માટે સાહિત્ય. અમુક લોકોએ બાઇબલનો ધ્યાનથી અભ્યાસ કર્યો. તેઓને એમાંથી બાઇબલની ઘણી સાચી વાતો શીખવા મળી. તેઓ જે કંઈ શીખતા હતા, એ બીજાઓને જણાવતા હતા. પાદરીઓને એ જરાય ગમતું નહિ અને તેઓ ભડકી ઊઠતા. દાખલા તરીકે, લગભગ ૧૮૩૫થી અમુક નમ્ર દિલના લોકોએ પત્રિકાઓ છાપવાનું શરૂ કર્યું, જેમાં ચર્ચના જૂઠા શિક્ષણને ખુલ્લું પાડવામાં આવતું હતું.

૧૩ સાલ ૧૮૩૫ની આસપાસ ઈશ્વરનો ડર રાખનાર હેન્રી ગ્રૂ નામના માણસે એક પત્રિકા છાપી. એમાં તેમણે જણાવ્યું હતું કે મરણ પછી વ્યક્તિનું શું થાય છે. એ સમયે મોટા ભાગના ચર્ચોમાં શીખવવામાં આવતું હતું કે વ્યક્તિને જન્મથી જ અમર જીવન મળી જાય છે. પણ હેન્રી ગ્રૂએ બાઇબલની કલમોથી સાબિત કર્યું કે એ શિક્ષણ ખોટું છે. તેમણે જણાવ્યું કે જો ઈશ્વર કોઈને અમર જીવનનું વરદાન આપે તો જ તેને એ મળે છે, એ કંઈ જન્મથી જ મળી જતું નથી. ૧૮૩૭માં જ્યોર્જ સ્ટોર્સ નામના પાદરી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને એ પત્રિકા મળી. એ વાંચીને તેમને ખાતરી થઈ ગઈ કે એમાં જણાવેલી વાતો મહત્ત્વની અને સાચી છે. તેમણે વિચાર્યું કે તે બીજા લોકોને પણ એ વિશે જણાવશે. એટલે ૧૮૪૨માં તેમણે એક જોરદાર વિષય પર ઘણાં પ્રવચનો આપ્યાં. એ પ્રવચનનો વિષય હતો, “શું દુષ્ટો અમર છે?—એ વિશે શોધખોળ.” જ્યોર્જ સ્ટોર્સે જે વાતો લખી એની એક યુવાન પર જોરદાર અસર થઈ. એ યુવાનનું નામ હતું, ચાર્લ્સ ટેઝ રસેલ.

૧૪. “પવિત્ર માર્ગ” તૈયાર કરવા અગાઉ જે મહેનત કરવામાં આવી હતી, એનાથી ભાઈ રસેલ અને તેમના સાથીઓને કેવો ફાયદો થયો? (ચિત્ર પણ જુઓ.)

૧૪ “પવિત્ર માર્ગ” તૈયાર કરવામાં અગાઉ ઘણી મહેનત કરવામાં આવી હતી. એનાથી ભાઈ રસેલ અને તેમના સાથીઓને કેવો ફાયદો થયો? અભ્યાસ કરતી વખતે તેઓ બાઇબલનાં અલગ અલગ ભાષાંતરો, શબ્દકોશ અને શબ્દસૂચિનો ઉપયોગ કરતા, જે તેઓના સમય પહેલાં તૈયાર કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહિ, તેઓને હેન્રી ગ્રૂ, જ્યોર્જ સ્ટોર્સ અને બીજા લોકોએ બાઇબલમાંથી જે સંશોધન કર્યું હતું, એનાથી પણ ઘણો ફાયદો થયો. ભાઈ રસેલ અને તેમના સાથીઓએ ઘણાં પુસ્તકો અને પત્રિકાઓ છાપ્યાં, જેમાં બાઇબલના અલગ અલગ વિષયો પર માહિતી આપવામાં આવી હતી. આમ તેઓએ “પવિત્ર માર્ગ” તૈયાર કરવામાં મદદ કરી.

૧૫. સાલ ૧૯૧૯માં કયા મહત્ત્વના બનાવો બન્યા?

૧૫ સાલ ૧૯૧૯માં યહોવાના લોકો મહાન બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા. એ જ વર્ષે ‘વિશ્વાસુ અને સમજુ ચાકરે’ કામ કરવાનું શરૂ કર્યું, જેથી નમ્ર દિલના લોકો આ નવા “પવિત્ર માર્ગ” પર ચાલવાનું શરૂ કરી શકે . (માથ. ૨૪:૪૫-૪૭) જૂના જમાનાના વફાદાર ભક્તોએ “પવિત્ર માર્ગ” તૈયાર કરવા જે મહેનત કરી, એના લીધે આ માર્ગ પર ચાલનાર નવા લોકો યહોવા અને તેમના હેતુઓ વિશે વધારે શીખી શકતા હતા. (નીતિ. ૪:૧૮) તેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે જીવન જીવી શક્યા અને પોતાનામાં ફેરફારો કરી શક્યા. જોકે, યહોવાએ એવી આશા ન રાખી કે તેઓ રાતોરાત પોતાનામાં ફેરફાર કરે. પણ તેમણે ધીરે ધીરે તેઓને મદદ કરી છે. (“યહોવા ધીરે ધીરે પોતાના લોકોને શુદ્ધ કરે છે” બૉક્સ જુઓ.) બહુ જલદી આપણે પોતાના દરેક કામથી યહોવાનું દિલ ખુશ કરી શકીશું. એ સાચે જ ખુશીનો સમય હશે!—કોલો. ૧:૧૦.

યહોવા ધીરે ધીરે પોતાના લોકોને શુદ્ધ કરે છે

એક રસ્તો ધીમે ધીમે સીધો અને સપાટ થતો જાય છે અને આસપાસનો વિસ્તાર પણ લીલોછમ થતો જાય છે.

૧૯૨૭-૧૯૨૮: નાતાલ જૂઠા ધર્મનો તહેવાર છે, એ સમજાવવામાં આવ્યું

૧૯૨૮-૧૯૩૬: ધીરે ધીરે ક્રોસનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો

૧૯૩૧: યહોવાના સાક્ષી નામ અપનાવવામાં આવ્યું

૧૯૩૮: ચૂંટણી દ્વારા વડીલોને નીમવાનું બંધ કરવામાં આવ્યું

૧૯૪૪-૧૯૪૫: લોહી કેટલું પવિત્ર છે, એ વિશે વધારે સમજાવવામાં આવ્યું

૧૯૫૨: બહિષ્કૃત કરવાની ગોઠવણ કેમ જરૂરી છે, એ સમજાવવામાં આવ્યું

૧૯૫૬: લગ્‍ન કેટલું પવિત્ર છે, એ વિશે વધારે સમજાવવામાં આવ્યું

૧૯૭૨: પવિત્ર શક્તિ દ્વારા નિમાયેલા વડીલોના જૂથને મંડળની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી

૧૯૭૩: સમજાવવામાં આવ્યું કે તમાકુ ખાવી એક મોટું પાપ છે

૧૯૭૬: સાચા ખ્રિસ્તીઓએ નોકરી પસંદ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

૨૦૦૦: સારવારમાં લોહીના અંશોના ઉપયોગ વિશે ઊંડી સમજણ આપવામાં આવી

૨૦૦૬, ૨૦૧૨: ધિક્કાર ઊપજે એવી અલગ અલગ પ્રકારની પોર્નોગ્રાફી જોવી એક મોટું પાપ છે, એ સમજાવવામાં આવ્યું

“પવિત્ર માર્ગ” હજી પણ ખુલ્લો છે

૧૬. સાલ ૧૯૧૯થી “પવિત્ર માર્ગ” પર કેવાં કામો થયાં છે? (યશાયા ૪૮:૧૭; ૬૦:૧૭)

૧૬ દરેક રસ્તાનું નિયમિત રીતે સમારકામ કરાવવું જરૂરી છે. ૧૯૧૯થી “પવિત્ર માર્ગ” પર પણ નિયમિત રીતે સમારકામ થઈ રહ્યું છે, જેથી વધારે ને વધારે લોકો મહાન બાબેલોન છોડીને આ માર્ગ પર ચાલી શકે. વિશ્વાસુ અને સમજુ ચાકર નિમાયો કે તરત તે કામે લાગી ગયો. ૧૯૨૧માં સમજુ ચાકરે એક પુસ્તક બહાર પાડ્યું, જેની મદદથી લોકો બાઇબલનું સાચું શિક્ષણ મેળવી શક્યા. એ પુસ્તકનું નામ હતું, ધ હાર્પ ઑફ ગૉડ. એ પુસ્તકનું ૩૬ ભાષાઓમાં ભાષાંતર થયું અને આશરે ૬૦ લાખ પ્રતો છાપવામાં આવી. તાજેતરમાં જ, લોકોને બાઇબલમાંથી શીખવવા આપણને એક નવું પુસ્તક મળ્યું. એનું નામ છે, દુઃખ જશે, સુખ આવશે. આ છેલ્લા દિવસોમાં યહોવા પોતાના સંગઠન દ્વારા આપણને બાઇબલમાંથી નિયમિત રીતે માર્ગદર્શન આપતા રહે છે. એની મદદથી આપણે બધા “પવિત્ર માર્ગ” પર ચાલતા રહી શકીએ છીએ.—યશાયા ૪૮:૧૭; ૬૦:૧૭ વાંચો.

૧૭-૧૮. “પવિત્ર માર્ગ” આપણને ક્યાં લઈ જશે?

૧૭ આપણે કહી શકીએ કે જ્યારે એક વ્યક્તિ બાઇબલ અભ્યાસ સ્વીકારે છે, ત્યારે તેને “પવિત્ર માર્ગ” પર ચાલવાની તક મળે છે. અમુક લોકો થોડે સુધી આ માર્ગ પર ચાલે છે અને પછી એ માર્ગ છોડી દે છે. પણ બીજા અમુક લોકો મનમાં ગાંઠ વાળે છે કે જ્યાં સુધી તેઓ પોતાની મંજિલે નહિ પહોંચે, ત્યાં સુધી આ માર્ગ પર ચાલતા રહેશે. પણ એ મંજિલ કઈ છે?

૧૮ જે લોકોને સ્વર્ગમાં જીવવાની આશા છે, તેઓને “પવિત્ર માર્ગ” ક્યાં લઈ જશે? “ઈશ્વરના બાગમાં”લઈ જશે, જે સ્વર્ગમાં છે. (પ્રકટી. ૨:૭) જે લોકોને પૃથ્વી પર જીવવાની આશા છે, તેઓને આ માર્ગ ક્યાં લઈ જશે? ઈસુના રાજના ૧,૦૦૦ વર્ષના અંતમાં, જ્યારે માણસજાતમાંથી પાપ હંમેશ માટે કાઢી નાખવામાં આવ્યું હશે. જો તમે આજે આ રાજમાર્ગ પર ચાલી રહ્યા હો, તો પાછું વળીને ન જોતા. તમે તમારી મંજિલે પહોંચી જાઓ ત્યાં સુધી આ માર્ગ પર ચાલતા રહેજો. અમારી દુઆ છે કે “તમારી મુસાફરી સુખદ રહે.”

તમે કેવો જવાબ આપશો?

  • પ્રાચીન સમયમાં યહૂદીઓ માટે ‘પવિત્ર માર્ગનો’ શું અર્થ થતો હતો?

  • આપણા સમયમાં “પવિત્ર માર્ગ” ક્યારે ખૂલ્યો અને એ માર્ગને તૈયાર કરવા શું કરવામાં આવ્યું?

  • આજે “પવિત્ર માર્ગ” પર કોણ ચાલી રહ્યું છે અને તેઓની મંજિલ કઈ છે?

ગીત ૧૬ ઈશ્વરના રાજ્યમાં આશરો લો

a યહોવાએ બાબેલોનથી ઇઝરાયેલ સુધી જતા રાજમાર્ગને “પવિત્ર માર્ગ” કહ્યો. ખરું કે, એ સાચૂકલો રાજમાર્ગ ન હતો. શું આજના સમયમાં યહોવાએ પોતાના ભક્તો માટે એવો કોઈ રાજમાર્ગ તૈયાર કર્યો છે? હા! સાલ ૧૯૧૯થી લાખો લોકોએ મહાન બાબેલોન છોડીને આ “પવિત્ર માર્ગ” પર ચાલવાનું શરૂ કર્યું છે. આપણે પોતાની મંજિલે પહોંચીએ ત્યાં સુધી એ માર્ગ પર ચાલતા રહીએ.

b યશાયાહ કી ભવિષ્યવાણી—સારે જગત કે લિયે ઉજિયાલા ભાગ II, પાન ૫૬-૫૭ જુઓ.

c ચિત્રની સમજ: ભાઈ રસેલ અને તેમના સાથીઓ અભ્યાસ કરવા એ સાહિત્યનો ઉપયોગ કરતા, જે તેમના અગાઉના સમયમાં તૈયાર કરવામાં આવ્યાં હતાં.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો