રવિવાર, જુલાઈ ૨૭
‘તે ઉત્તેજન આપી શકે અને ઠપકો આપી શકે.’—તિત. ૧:૯.
એક પરિપક્વ ઈશ્વરભક્ત બનવા તમારે અમુક આવડતો કેળવવી જોઈએ, જે આગળ જતાં તમને કામ લાગે. એનાથી તમને મંડળની જવાબદારીઓ ઉપાડવા મદદ મળશે. તમે એક સારી નોકરી મેળવી શકશો, જેથી તમારું અથવા કુટુંબનું ગુજરાન ચાલી શકે. તમને બીજાઓ સાથે સારા સંબંધો જાળવવા પણ મદદ મળશે. જેમ કે, સારી રીતે વાંચતાં-લખતાં શીખો. બાઇબલમાં લખ્યું છે કે, જે માણસ દરરોજ ઈશ્વરનાં વચનો વાંચે છે અને મનન કરે છે, તે સુખી છે અને સફળ થાય છે. (ગીત. ૧:૧-૩) દરરોજ બાઇબલ વાંચવાથી તમે યહોવાના વિચારો જાણી શકશો. એનાથી તમને યહોવાની જેમ વિચારવા અને બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા એ સમજવા મદદ મળશે. (નીતિ. ૧:૩, ૪) જ્યારે ભાઈ-બહેનોને માર્ગદર્શન અને સલાહ જોઈતાં હોય છે, ત્યારે તેઓ એવા ભાઈઓ પાસે જાય છે, જેઓ તેમને બાઇબલમાંથી શીખવી શકે. જો તમને વાંચતાં-લખતાં આવડતું હશે, તો તમે પ્રવચનોની સારી તૈયારી કરી શકશો. તમે સભાઓમાં સારા જવાબો આપી શકશો. એનાથી બીજાઓને ફાયદો થશે અને તેઓની શ્રદ્ધા વધશે. એ સિવાય તમે અમુક મુદ્દાઓની નોંધ લઈ શકશો, જે તમને કામ લાગે. એ મુદ્દાઓથી તમે પોતાની શ્રદ્ધા વધારી શકશો અને બીજાઓને ઉત્તેજન આપી શકશો. w૨૩.૧૨ ૨૬-૨૭ ¶૯-૧૧
સોમવાર, જુલાઈ ૨૮
“તમને સાથ આપનાર ઈશ્વર, દુનિયાને સાથ આપનાર શેતાન કરતાં વધારે શક્તિશાળી છે.”—૧ યોહા. ૪:૪.
ડર લાગે ત્યારે મનન કરજો કે યહોવા ભાવિમાં શું કરવાના છે, જ્યારે શેતાનનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. ૨૦૧૪ના મહાસંમેલનમાં એક દૃશ્ય દ્વારા બતાવવામાં આવ્યું હતું કે એક પિતા તેમના કુટુંબ સાથે ચર્ચા કરી રહ્યા હતા કે જો બીજો તિમોથી ૩:૧-૫માં એ જણાવ્યું હોત કે નવી દુનિયામાં આપણું જીવન કેવું હશે, તો ત્યાં આવું લખ્યું હોત: “નવી દુનિયામાં ખુશીઓથી ભરેલા દિવસો હશે. કેમ કે લોકો બીજાઓને પ્રેમ કરનારા, સત્યને પ્રેમ કરનારા, પોતાની હદમાં રહેનારા, નમ્ર, ઈશ્વરની સ્તુતિ કરનારા, મા-બાપની આજ્ઞા પાળનારા, આભાર માનનારા, વફાદાર, કુટુંબ માટે ઊંડો પ્રેમ બતાવનારા, ખુલ્લા દિલે વાત કરનારા, બીજાઓ વિશે હંમેશાં સારું બોલનારા, સંયમ રાખનારા, શાંત સ્વભાવના, ભલાઈને ચાહનારા, વિશ્વાસુ, જતું કરનારા, મનથી દીન રહેનારા, મોજશોખને બદલે ઈશ્વરને પ્રેમ કરનારા અને સાચા દિલથી ઈશ્વરની ભક્તિ કરનારા હશે. એવા લોકોની નજીક રહેજો.” શું તમે કુટુંબીજનો અથવા ભાઈ-બહેનો સાથે ચર્ચા કરો છો કે નવી દુનિયામાં જીવન કેવું હશે? w૨૪.૦૧ ૬ ¶૧૩-૧૪
મંગળવાર, જુલાઈ ૨૯
“મેં તને પસંદ કર્યો છે.”—લૂક ૩:૨૨.
આપણને એ જાણીને કેટલી રાહત મળે છે કે યહોવાની કૃપા તેમના બધા સેવકો પર છે. બાઇબલમાં લખ્યું છે: “યહોવા પોતાના લોકોથી રાજી થાય છે.” (ગીત. ૧૪૯:૪) જોકે, ક્યારેક ક્યારેક અમુક ઈશ્વરભક્તો એટલા નિરાશ થઈ જાય છે કે તેઓ વિચારવા લાગે: ‘શું યહોવા મારાથી ખુશ છે?’ બાઇબલ સમયના ઘણા ઈશ્વરભક્તોને અમુક વાર એવું જ લાગ્યું હતું અને તેઓ નિરાશ થઈ ગયા હતા. (૧ શમુ. ૧:૬-૧૦; અયૂ. ૨૯:૨, ૪; ગીત. ૫૧:૧૧) બાઇબલમાંથી સાફ જોવા મળે છે કે કાળાં માથાંના માનવીઓ પણ યહોવાની કૃપા મેળવી શકે છે અથવા તેમને ખુશ કરી શકે છે. કઈ રીતે? ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકીને અને બાપ્તિસ્મા લઈને. (યોહા. ૩:૧૬) એમ કરીને બીજાઓને બતાવી આપીએ છીએ કે આપણે પાપનો પસ્તાવો કર્યો છે અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાનું તેમને વચન આપ્યું છે. (પ્રે.કા. ૨:૩૮; ૩:૧૯) યહોવા સાથે સંબંધ કેળવવા જ્યારે એ બધાં પગલાં ભરીએ છીએ, ત્યારે તેમને બહુ ખુશી થાય છે. આપણે જ્યાં સુધી સમર્પણના વચન પ્રમાણે જીવવા બનતું બધું કરીશું, ત્યાં સુધી યહોવાની કૃપા આપણાં માથે રહેશે અને તે આપણને તેમના પાકા મિત્ર ગણશે.—ગીત. ૨૫:૧૪. w૨૪.૦૩ ૨૬ ¶૧-૨