જુલાઈ
મંગળવાર, જુલાઈ ૧
‘તેમણે આખા પ્રદેશમાં ફરીને ભલાં કામો કર્યાં અને લોકોને સાજા કર્યા.’—પ્રે.કા. ૧૦:૩૮.
આપણે એ યાદ રાખીએ કે ઈસુની વાતો અને કામોમાં તેમના પિતાનાં વિચારો અને લાગણીઓ જોવા મળે છે. તેમના એ કામોમાં ચમત્કારોનો પણ સમાવેશ થાય છે. (યોહા. ૧૪:૯) આપણે ઈસુના ચમત્કારોમાંથી શું શીખી શકીએ? ઈસુ અને તેમના પિતા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ચમત્કાર કરીને દુખિયારા લોકોને મદદ કરી. આમ, તેમણે બતાવ્યું કે તે લોકોને ખૂબ પ્રેમ કરે છે. એક વખતે, બે આંધળા માણસોએ ઈસુને મદદ માટે કાલાવાલા કર્યા. (માથ. ૨૦:૩૦-૩૪) ધ્યાન આપો કે “ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું” અને પછી તેમણે તેઓને સાજા કર્યા. “હૈયું કરુણાથી ભરાઈ આવ્યું” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે, એ બતાવે છે કે તેઓનું દુઃખ જોઈને ઈસુને દયા આવી અને તેમની આંતરડી કકળી ઊઠી. એનાથી ખબર પડે છે કે ઈસુ લોકોને કેટલો બધો પ્રેમ કરે છે. કરુણાના ગુણને લીધે જ ઈસુએ ભૂખ્યા લોકોને ખવડાવ્યું અને એક રક્તપિત્તિયાને સાજો કર્યો. (માથ. ૧૫:૩૨; માર્ક ૧:૪૧) આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે કરુણાના ઈશ્વર અને તેમના દીકરા આપણને અનહદ પ્રેમ કરે છે અને આપણને દુઃખી જોઈને તેઓ પણ દુઃખી થાય છે. (લૂક ૧:૭૮; ૧ પિત. ૫:૭) તેઓ ખરેખર આપણી બધી મુશ્કેલીઓ દૂર કરવા આતુર છે! w૨૩.૦૪ ૩ ¶૪-૫
બુધવાર, જુલાઈ ૨
“હે યહોવાને ચાહનારાઓ, ખરાબ કામોને ધિક્કારો. તે પોતાના વફાદાર ભક્તોનાં જીવનનું રક્ષણ કરે છે. તે તેઓને દુષ્ટના પંજામાંથી છોડાવે છે.”—ગીત. ૯૭:૧૦.
આપણે એવા મનોરંજનથી દૂર રહેવું જોઈએ, જેને આ દુનિયાના લોકો ખોટું ગણતા નથી. આપણે બીજું શું કરી શકીએ? આપણે બાઇબલ વાંચીએ અને એનો અભ્યાસ કરીએ. એમ કરીશું તો, આપણે મનમાં સારા વિચારો ભરી શકીશું. સભાઓ અને પ્રચારકામ પણ આપણને સારી વાતો પર મન લગાડવા મદદ કરશે. યહોવાએ વચન આપ્યું છે કે આપણે એ બધું કરીશું તો, તે આપણા પર એવી કોઈ કસોટી નહિ આવવા દે, જે સહન ન કરી શકીએ. (૧ કોરીં. ૧૦:૧૨, ૧૩) આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ, જેમાં મુશ્કેલીઓનો કોઈ પાર નથી. એટલે યહોવાને વફાદાર રહેવા આપણે વધારે ને વધારે પ્રાર્થના કરવી જોઈએ. યહોવા ચાહે છે કે આપણે પ્રાર્થનામાં ‘તેમની આગળ હૈયું ઠાલવીએ.’ (ગીત. ૬૨:૮) તેમનો જયજયકાર કરો. તેમણે તમારા માટે જે કર્યું છે, એ માટે તેમનો આભાર માનો. પ્રચાર કરવા હિંમત માંગો. મુશ્કેલીઓ અને લાલચોનો સામનો કરવા તેમને કાલાવાલા કરો. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તમને પ્રાર્થના કરતા ન અટકાવે, એનું પૂરેપૂરું ધ્યાન રાખો. w૨૩.૦૫ ૭ ¶૧૭-૧૮
ગુરુવાર, જુલાઈ ૩
“ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ. . . . એકબીજાને ઉત્તેજન આપતા રહીએ.”—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.
આપણે કેમ સભાઓમાં જઈએ છીએ? મુખ્ય કારણ છે, યહોવાનો જયજયકાર કરવા. (ગીત. ૨૬:૧૨; ૧૧૧:૧) સભાઓમાં જવાનું બીજું એક કારણ છે કે આપણે આ મુશ્કેલ સમયમાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા માંગીએ છીએ. (૧ થેસ્સા. ૫:૧૧) જ્યારે આપણે હાથ ઊંચો કરીએ છીએ અને જવાબ આપીએ છીએ, ત્યારે એ બંને કામ કરીએ છીએ. પણ આપણે અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. કદાચ જવાબ આપવામાં આપણને ડર લાગતો હોય અથવા વધારે વાર જવાબ આપવા માંગતા હોઈએ, પણ દર વખતે જવાબ આપવાનો મોકો ન મળે. આપણે શું કરી શકીએ? પ્રેરિત પાઉલે કહ્યું હતું કે આપણું ધ્યાન ‘એકબીજાને ઉત્તેજન આપવા’ પર હોવું જોઈએ. ભલે આપણો જવાબ નાનો હોય પણ જો એમાં શ્રદ્ધા છલકાતી હોય, તો એવા સાદા જવાબથી પણ ભાઈ-બહેનોને ઉત્તેજન મળી શકે છે. જો એ વાત યાદ રાખીશું તો જવાબ આપતા અચકાઈશું નહિ. તેમ જ, જો આપણને વધારે વાર પૂછવામાં ન આવે, તોપણ આપણે ખુશ થઈશું કે બીજાઓને જવાબ આપવાનો મોકો મળે છે.—૧ પિત. ૩:૮. w૨૩.૦૪ ૨૦ ¶૧-૩
શુક્રવાર, જુલાઈ ૪
‘તે યરૂશાલેમમાં પાછો જાય અને યહોવાનું મંદિર ફરીથી બાંધે.’—એઝ. ૧:૩.
બાબેલોનમાં એક જાહેરાત કરવામાં આવી કે યહૂદીઓ પોતાના વતન ઇઝરાયેલ પાછા જઈ શકે છે. તેઓ આશરે ૭૦ વર્ષથી બાબેલોનની ગુલામીમાં હતા. પણ હવે તેઓ આઝાદ હતા. (એઝ. ૧:૨-૪) એ યહોવાની મદદ વગર શક્ય ન હતું, કેમ કે સામાન્ય રીતે બાબેલોનીઓ પોતાના ગુલામોને આઝાદ કરતા ન હતા. (યશા. ૧૪:૪, ૧૭) પણ હવે બાબેલોનમાં સત્તા પલટાઈ ગઈ હતી અને બીજો એક રાજા રાજ કરવા લાગ્યો હતો. એ રાજાએ યહૂદીઓને કહ્યું કે તેઓ પોતાના વતન પાછા જઈ શકે છે. દરેક યહૂદીએ અને ખાસ કરીને કુટુંબના શિરે એક મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો: શું તેઓ બાબેલોન છોડીને ઇઝરાયેલ જશે કે પછી ત્યાં જ રહેશે? તેઓ માટે એ નિર્ણય લેવો કદાચ એટલું સહેલું નહિ હોય. કેટલાક યહૂદીઓ કદાચ એટલા વૃદ્ધ હતા કે તેઓ માટે લાંબી મુસાફરી કરવી અઘરું હતું. વધુમાં મોટા ભાગના યહૂદીઓનો જન્મ બાબેલોનમાં થયો હતો. તેઓ બાબેલોન સિવાય બીજે ક્યાંય રહ્યા ન હતા. એટલે તેઓ ઇઝરાયેલને પોતાનું ઘર નહિ, પણ પોતાના બાપદાદાઓનો દેશ ગણતા હતા. એવું લાગે છે કે અમુક યહૂદીઓ બાબેલોનમાં ઘણા પૈસાદાર થઈ ગયા હતા અને આરામથી જીવતા હતા. એટલે કદાચ તેઓને થયું હોય, આટલું સરસ જીવન અને ધમધોકાર ધંધો છોડીને અજાણ્યા દેશમાં જવું તો મૂર્ખામી કહેવાય! w૨૩.૦૫ ૧૪ ¶૧-૨
શનિવાર, જુલાઈ ૫
“તૈયાર રહો.”—માથ. ૨૪:૪૪.
બાઇબલમાં ઉત્તેજન આપ્યું છે કે આપણે ધીરજ, કરુણા અને પ્રેમનો ગુણ કેળવતા રહીએ. લૂક ૨૧:૧૯ (ઓરીજિનલ વર્ઝન બાઇબલ) કહે છે: “તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.” કોલોસીઓ ૩:૧૨માં લખ્યું છે: “કરુણા . . . પહેરી લો.” ૧ થેસ્સાલોનિકીઓ ૪:૯, ૧૦ કહે છે: “ઈશ્વરે પોતે તમને એકબીજા પર પ્રેમ રાખવાનું શીખવ્યું છે. . . . પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે હજુ વધારે પ્રેમ બતાવતા રહો.” એ કલમો એ ઈશ્વરભક્તો માટે લખવામાં આવી હતી, જેઓ પહેલેથી જ ધીરજ, કરુણા અને પ્રેમ બતાવતા હતા. પણ તેઓએ એ ગુણો હજી વધારે કેળવતા રહેવાનું હતું. આપણે પણ એવું જ કરવું જોઈએ. એ માટે તમે ધ્યાન આપો કે પહેલી સદીના ઈશ્વરભક્તોએ કઈ રીતે એ ગુણો બતાવ્યા. પછી જોઈ શકશો કે તમે કઈ રીતે તેઓના પગલે ચાલી શકો છો અને સાબિત કરી આપો કે તમે મોટી વિપત્તિ માટે તૈયાર છો. આમ, મોટી વિપત્તિ શરૂ થતાં સુધીમાં તમે શીખી લીધું હશે કે મુશ્કેલીઓમાં કઈ રીતે ધીરજ રાખવી. પછી એ સમયે યહોવાને વફાદાર રહેવાનો તમારો નિર્ણય એકદમ પાકો હશે. w૨૩.૦૭ ૨-૩ ¶૪, ૮
રવિવાર, જુલાઈ ૬
“એમાં એક રાજમાર્ગ હશે. . . . એને પવિત્ર માર્ગ કહેવામાં આવશે.”—યશા. ૩૫:૮.
ભલે આપણે અભિષિક્ત હોઈએ કે પછી ‘બીજાં ઘેટાંના’ લોકો હોઈએ, આપણે બધાએ એ “પવિત્ર માર્ગ” પર ચાલતા રહેવાનું છે. એના પર ચાલવાથી જ આજે આપણે યહોવાની શુદ્ધ ભક્તિ કરી શકીએ છીએ. એટલું જ નહિ, ભાવિમાં ઈશ્વરનું રાજ્ય આ ધરતીને બાગ જેવી સુંદર બનાવશે ત્યારે પણ યહોવાની ભક્તિ કરતા રહી શકીશું. (યોહા. ૧૦:૧૬) ૧૯૧૯થી લાખો સ્ત્રીઓ, પુરુષો અને બાળકો મહાન બાબેલોન (એટલે કે દુનિયાના બધા જૂઠા ધર્મોનું સામ્રાજ્ય) છોડીને આ માર્ગ પર ચાલી રહ્યાં છે. યહોવાએ ધ્યાન રાખ્યું કે જે યહૂદીઓએ બાબેલોન છોડ્યું, તેઓના માર્ગમાંથી એકેએક અડચણો દૂર કરવામાં આવી હતી. (યશા. ૫૭:૧૪) પણ આજના સમયમાં યહોવાએ ‘પવિત્ર માર્ગમાંથી’ કઈ રીતે અડચણો દૂર કરી છે? સાલ ૧૯૧૯ની સદીઓ પહેલાં એવા લોકો થઈ ગયા, જેઓ સાચા ઈશ્વરનો ડર રાખતા હતા. યહોવાએ તેઓનો ઉપયોગ કરીને મહાન બાબેલોનમાંથી નીકળવાનો માર્ગ તૈયાર કર્યો. (યશાયા ૪૦:૩ સરખાવો.) તેઓએ આ માર્ગ તૈયાર કરવા અથાક મહેનત કરી. એના લીધે સમય જતાં નમ્ર દિલના લોકો મહાન બાબેલોન છોડી શક્યા અને યહોવાના લોકો સાથે મળીને શુદ્ધ ભક્તિ કરી શક્યા. w૨૩.૦૫ ૧૫-૧૬ ¶૮-૯
સોમવાર, જુલાઈ ૭
“ખુશીથી યહોવાની ભક્તિ કરો. આનંદથી પોકાર કરતાં કરતાં તેમની આગળ આવો.”—ગીત. ૧૦૦:૨.
યહોવા ચાહે છે કે આપણે રાજીખુશીથી અને દિલથી તેમની સેવા કરીએ. (૨ કોરીં. ૯:૭) તો પછી ધ્યેય પૂરો કરવાની ઇચ્છા ન થાય તોપણ શું મહેનત કરતા રહેવું જોઈએ? ચાલો, પ્રેરિત પાઉલનો દાખલો જોઈએ. તેમણે કહ્યું: “હું મારા શરીરને કડક શિસ્ત આપું છું. અને એને ગુલામ બનાવીને કાબૂમાં રાખું છું.” (૧ કોરીં. ૯:૨૫-૨૭, ફૂટનોટ) પાઉલને જ્યારે યહોવાની ઇચ્છા પ્રમાણે કરવાનું મન ન થતું, ત્યારે તે પોતાના પર કાબૂ રાખતા અને ખરું હોય એ કરતા હતા. શું યહોવા તેમનાથી ખુશ થયા? હા, ચોક્કસ! યહોવાએ તેમની મહેનતનું ઇનામ આપ્યું. (૨ તિમો. ૪:૭, ૮) ભલે ધ્યેય પૂરો કરવાનું મન ન થાય, તોપણ ધ્યેય પાછળ મહેનત કરીએ છીએ ત્યારે, યહોવા ખૂબ ખુશ થાય છે. આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ એટલે મન લગાડીને કામ કરીએ છીએ, પછી ભલે આપણને હંમેશાં એ કામ કરવું ગમતું ન હોય. યહોવા પણ એ વાત સારી રીતે જાણે છે. એટલે આપણને મહેનત કરતા જોઈને તે ખુશ થાય છે. (ગીત. ૧૨૬:૫) જ્યારે આપણે અનુભવીએ છીએ કે યહોવા આપણી મહેનત પર આશીર્વાદ આપી રહ્યા છે, ત્યારે આપણો ઇરાદો વધારે પાકો થાય છે. w૨૩.૦૫ ૨૯ ¶૯-૧૦
મંગળવાર, જુલાઈ ૮
“યહોવાનો દિવસ આવી રહ્યો છે.”—૧ થેસ્સા. ૫:૨.
યહોવાના દિવસે જેઓ નહિ બચે, તેઓની સરખામણી પ્રેરિત પાઉલે એવા લોકો સાથે કરી જેઓ ઊંઘે છે. ઊંઘી ગયેલા લોકોને પોતાની આસપાસ શું બની રહ્યું છે એની જાણ હોતી નથી. તેઓને એ પણ ખબર નથી હોતી કે કેટલો સમય વીતી ગયો છે. એટલે તેઓ મહત્ત્વના બનાવો પારખી શકતા નથી અને યોગ્ય પગલાં ભરી શકતા નથી. આજે મોટા ભાગના લોકો જાણે ઊંઘી જ રહ્યા છે. (રોમ. ૧૧:૮) તેઓ એ પુરાવામાં માનતા નથી કે આજે આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. તેઓ એ પણ માનતા નથી કે મોટી વિપત્તિ બહુ જલદી આવશે. (૨ પિત. ૩:૩, ૪) પણ આપણે જાણીએ છીએ કે જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યા છે, તેમ તેમ બાઇબલની સલાહ પાળીને જાગતા રહેવું કેટલું જરૂરી છે. (૧ થેસ્સા. ૫:૬) એટલે, આપણે શાંત રહેવું જોઈએ અને ગભરાવું ન જોઈએ. કેમ? આજની રાજકીય કે સામાજિક બાબતોમાં ન પડીએ એ માટે એમ કરવું જરૂરી છે. જેમ જેમ યહોવાનો દિવસ નજીક આવે છે, તેમ તેમ આવી બાબતોમાં કોઈનો ને કોઈનો પક્ષ લેવાનું દબાણ વધતું ને વધતું જશે. તોપણ, આપણે એ ચિંતા કરવાની જરૂર નથી કે એવા સંજોગોમાં આપણે શું કરીશું. ઈશ્વરની શક્તિ આપણને શાંત રહેવા, ગભરાઈ ન જવા અને સારા નિર્ણયો લેવા મદદ કરશે.—લૂક ૧૨:૧૧, ૧૨. w૨૩.૦૬ ૯-૧૦ ¶૬-૭
બુધવાર, જુલાઈ ૯
‘હે વિશ્વના માલિક યહોવા, કૃપા કરીને મને યાદ કરો, મને તાકાત આપો.’—ન્યા. ૧૬:૨૮.
સામસૂનનું નામ સાંભળતા જ તમારા મનમાં કયો વિચાર આવે છે? કદાચ સૌથી પહેલા એ વિચાર આવે કે તેમનામાં કેટલી ગજબની તાકાત હતી. એ સાચી વાત છે. પણ તેમણે એક ભૂલ કરી, જેનાં તેમણે ખરાબ પરિણામ ભોગવવાં પડ્યાં. જોકે, સામસૂન આખી જિંદગી યહોવાને વફાદાર રહ્યા અને તેમની ભક્તિ માટે ઘણું કર્યું. એ વાત યહોવાને મન ખૂબ કીમતી હતી. તેમણે સામસૂનની વફાદારી વિશે બાઇબલમાં લખાવી લીધું, જેથી આપણે તેમના દાખલામાંથી શીખી શકીએ. યહોવાએ પોતાની પસંદ કરેલી ઇઝરાયેલી પ્રજાને મદદ કરવા સામસૂન દ્વારા અજાયબ કામો કરાવ્યાં. સામસૂનના મરણની સદીઓ પછી યહોવાએ પ્રેરિત પાઉલ દ્વારા એવા ઈશ્વરભક્તો વિશે બાઇબલમાં લખાવ્યું, જેઓએ જોરદાર શ્રદ્ધા બતાવી હતી. એ યાદીમાં સામસૂનનું પણ નામ છે. (હિબ્રૂ. ૧૧:૩૨-૩૪) સામસૂનના દાખલાથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. તેમણે અઘરા સંજોગોમાં પણ યહોવા પર આધાર રાખ્યો હતો. આપણે સામસૂન પાસેથી ઘણું શીખી શકીએ છીએ અને તેમનો દાખલો આપણી હિંમત વધારી શકે છે. w૨૩.૦૯ ૨ ¶૧-૨
ગુરુવાર, જુલાઈ ૧૦
“દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો.”—ફિલિ. ૪:૬.
ધીરજથી સહન કરતા રહેવા એ જરૂરી છે કે વારંવાર યહોવાને પ્રાર્થના કરીએ અને પોતાની ચિંતાઓ જણાવીએ. (૧ થેસ્સા. ૫:૧૭) બની શકે કે, હમણાં તમે કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરતા ન હો. પણ જ્યારે ચિંતામાં હો અથવા શું કરવું એની સૂઝ ન પડે, ત્યારે શું યહોવા પાસે માર્ગદર્શન માંગો છો? જો આજે તમે રોજબરોજની નાની નાની મુશ્કેલીઓ માટે યહોવાને નિયમિત પ્રાર્થના કરશો, તો આગળ જતાં મોટી મોટી મુશ્કેલીઓ આવશે ત્યારે તમે યહોવા પાસે મદદ માંગતા અચકાશો નહિ. એ સમયે તમને પૂરો ભરોસો હશે કે તમને ક્યારે અને કઈ રીતે મદદ કરવી એ યહોવાને બરાબર ખબર છે. (ગીત. ૨૭:૧, ૩) આજે જો મુશ્કેલીઓમાં ધીરજ રાખીશું અને યહોવાને વફાદાર રહીશું, તો બની શકે કે ભાવિમાં મોટી વિપત્તિ દરમિયાન પણ ધીરજ રાખી શકીશું. (રોમ. ૫:૩) એવું કઈ રીતે કહી શકીએ? ઘણાં ભાઈ-બહેનો કહે છે કે જ્યારે પણ તેઓ ધીરજ રાખીને કોઈ કસોટીમાંથી પાર ઊતરે છે, ત્યારે એનાથી તેઓને પછીની કસોટીઓનો સામનો કરવા મદદ મળી છે. યહોવાની મદદથી કસોટી પાર કર્યા પછી તેઓની શ્રદ્ધા વધી છે કે યહોવા તેઓને મદદ કરવા હંમેશાં તૈયાર છે. પછી એ શ્રદ્ધાને લીધે તેઓ બીજી મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરી શક્યા.—યાકૂ. ૧:૨-૪. w૨૩.૦૭ ૩ ¶૭-૮
શુક્રવાર, જુલાઈ ૧૧
“તારી વિનંતી મેં સાંભળી છે.”—ઉત. ૧૯:૨૧.
યહોવા વાજબી છે, કેમ કે તે નમ્ર છે અને બીજાઓને કરુણા બતાવે છે. યહોવા કેટલા નમ્ર છે એ સમજવા આ બનાવનો વિચાર કરો. તેમણે સદોમના દુષ્ટ લોકોનો નાશ કરવાનું નક્કી કરી લીધું હતું. પોતાના દૂતોને મોકલીને તેમણે નેક માણસ લોતને કહ્યું કે તે સદોમ છોડીને પહાડી વિસ્તારમાં ચાલ્યો જાય. લોતને ત્યાં જતા ડર લાગતો હતો. એટલે તેણે યહોવાને વિનંતી કરી કે શું તે અને તેનું કુટુંબ સોઆર નગરમાં જઈ શકે. હવે યહોવા તો સોઆરનો પણ નાશ કરવાના હતા. એટલે તે લોતને કહી શક્યા હોત કે તેને જે કહેવામાં આવ્યું છે એ જ કરે. પણ તેમણે લોતની વિનંતી માની અને એ નગરનો નાશ ન કર્યો. (ઉત. ૧૯:૧૮-૨૨) સદીઓ પછી યહોવાએ નિનવેહના લોકોને કરુણા બતાવી. તેમણે પ્રબોધક યૂનાને એ સંદેશો આપવા મોકલ્યા કે તે બહુ જલદી એ શહેરનો અને ત્યાંના દુષ્ટોનો નાશ કરવાના છે. પણ જ્યારે ત્યાંના લોકોએ પસ્તાવો કર્યા, ત્યારે યહોવાને તેઓ પર દયા આવી અને તેમણે એ શહેરનો નાશ ન કર્યો.—યૂના ૩:૧, ૧૦; ૪:૧૦, ૧૧. w૨૩.૦૭ ૨૧ ¶૫
શનિવાર, જુલાઈ ૧૨
‘તેઓએ યહોઆશને પતાવી દીધો. પણ રાજાઓને દફન કરવાની જગ્યાએ દફનાવવામાં આવ્યો નહિ.’—૨ કાળ. ૨૪:૨૫.
આપણે યહોઆશના દાખલામાંથી શું શીખી શકીએ? યહોઆશ એક એવા ઝાડ જેવો હતો, જેનાં મૂળ ઊંડાં ઊતર્યાં ન હતાં અને જેને ટેકાની જરૂર હતી. યહોયાદા યહોઆશ માટે એક ટેકા જેવા હતા. જ્યારે એ ટેકો હટી ગયો, એટલે કે યહોયાદાનું મરણ થયું અને જૂઠી ભક્તિનો જોરદાર પવન ફૂંકાયો, ત્યારે યહોઆશના મૂળિયાં હલી ગયાં. તે યહોવાને બેવફા બન્યો. આ દાખલાથી આપણને જોરદાર વાત શીખવા મળે છે. શું કુટુંબીજનો કે મંડળના લોકો યહોવાનો ડર રાખે છે, ફક્ત એ જ કારણે આપણે યહોવાનો ડર રાખવો જોઈએ? ના, યહોવાની નજીક રહેવા આપણે પોતે તેમને ખૂબ પ્રેમ કરવો જોઈએ અને તેમનો ડર રાખવો જોઈએ. એમ કરવા બાઇબલનો નિયમિત અભ્યાસ, મનન અને પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. (યર્મિ. ૧૭:૭, ૮; કોલો ૨:૬, ૭) યહોવા આપણી પાસે વધારે પડતી અપેક્ષા રાખતા નથી. તેમણે સભાશિક્ષક ૧૨:૧૩માં બહુ થોડા જ શબ્દોમાં જણાવ્યું છે કે તે આપણી પાસેથી શું ચાહે છે. ત્યાં લખ્યું છે: “સાચા ઈશ્વરનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી, એ જ માણસની ફરજ છે.” જો યહોવાનો ડર રાખીશું, તો ભલેને કોઈ પણ મુશ્કેલી આવે, આપણે યહોવાને વફાદાર રહી શકીશું. યહોવા સાથેની આપણી દોસ્તી જોખમમાં મૂકે, એવું આ દુનિયામાં કંઈ જ નથી. w૨૩.૦૬ ૧૮-૧૯ ¶૧૭-૧૯
રવિવાર, જુલાઈ ૧૩
“જુઓ! હું બધું નવું બનાવું છું.”—પ્રકટી. ૨૧:૫.
યહોવા જે રીતે ખાતરી કરાવે છે, એની શરૂઆત આ રીતે થાય છે: “રાજ્યાસન પર જે બેઠા હતા, તેમણે કહ્યું.” (પ્રકટી. ૨૧:૫ક) એ શબ્દો બહુ ખાસ છે. કેમ કે પ્રકટીકરણના પુસ્તકમાં એવા ત્રણ જ કિસ્સા છે, જેમાં યહોવાએ વાત કરી હોય અને આ કિસ્સો એમાંનો એક છે. એટલે કોઈ શક્તિશાળી દૂતે નહિ, જીવતા થયેલા ઈસુએ નહિ, પણ યહોવાએ પોતે એ ખાતરી આપી છે. એનાથી સાબિત થાય છે કે યહોવાએ પછીથી જે શબ્દો કહ્યા, એ ભરોસાપાત્ર છે. કેમ કે યહોવા “કદી જૂઠું બોલી શકતા નથી.” (તિત. ૧:૨) એ બતાવે છે કે પ્રકટીકરણ ૨૧:૫, ૬ના શબ્દો ચોક્કસ સાચા પડશે. હવે “જુઓ!” શબ્દ પર ધ્યાન આપીએ. “જુઓ!” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે, એ પ્રકટીકરણના પુસ્તકમાં ઘણી વાર જોવા મળે છે.યહોવાએ આગળ શું કહ્યું? “હું બધું નવું બનાવું છું.” ધ્યાન આપો, તેમણે એવું ન કહ્યું કે “હું બધું નવું બનાવીશ.” પણ તેમણે કહ્યું, “હું બધું નવું બનાવું છું.” ખરું કે, યહોવા અહીં ભાવિમાં થનાર ફેરફારોની વાત કરી રહ્યા છે. પણ તે એ રીતે વાત કરે છે, જાણે તેમણે ફેરફારો કરવાના શરૂ કરી દીધા હોય. કેમ કે તેમને પૂરી ખાતરી છે કે તે પોતાનું વચન ચોક્કસ પૂરું કરશે.—યશા. ૪૬:૧૦. w૨૩.૧૧ ૩-૪ ¶૭-૮
સોમવાર, જુલાઈ ૧૪
“તે બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો.”—માથ. ૨૬:૭૫.
પ્રેરિત પિતરમાં અમુક નબળાઈઓ હતી અને તેમનાથી ભૂલો થઈ ગઈ. અમુક દાખલા પર ધ્યાન આપો. ઈસુ સમજાવતા હતા કે શાસ્ત્રમાં ભાખ્યું છે તેમ, તેમણે દુઃખો સહેવાં પડશે અને તેમનું મરણ થશે, ત્યારે પિતરે તેમને ઠપકો આપ્યો. (માર્ક ૮:૩૧-૩૩) પિતર અને બીજા પ્રેરિતો અવાર-નવાર દલીલો કરતા કે તેઓમાં સૌથી મોટું કોણ છે. (માર્ક ૯:૩૩, ૩૪) ઈસુના મરણની આગલી રાતે પિતરે ઝનૂનમાં આવીને એક માણસનો કાન કાપી નાખ્યો. (યોહા. ૧૮:૧૦) એ જ રાતે માણસોના ડરને લીધે પિતરે પોતાના મિત્ર ઈસુને ઓળખવાની ત્રણ વાર ના પાડી. (માર્ક ૧૪:૬૬-૭૨) એના લીધે પછીથી પિતર પોક મૂકીને રડ્યા. ઈસુએ પોતાના નિરાશ થઈ ગયેલા પ્રેરિતને ત્યજી ન દીધા. જીવતા થયા પછી ઈસુએ પિતરને એક મોકો આપ્યો. પિતર પાસે એ સાબિત કરવાનો મોકો હતો કે તે હજી ઈસુને પ્રેમ કરે છે. ઈસુએ પિતરને કહ્યું કે તે નમ્ર બને અને ઈસુનાં ઘેટાંની સંભાળ રાખે. (યોહા. ૨૧:૧૫-૧૭) પિતર એ પ્રમાણે કરવા તૈયાર હતા. પિતર પચાસમાના દિવસે યરૂશાલેમમાં હતા અને જેઓને સૌથી પહેલા પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા તેઓમાંના એક હતા. w૨૩.૦૯ ૨૨ ¶૬-૭
મંગળવાર, જુલાઈ ૧૫
“મારાં ઘેટાંની સંભાળ રાખ.”—યોહા. ૨૧:૧૬.
પ્રેરિત પિતર પોતે એક વડીલ હતા. તેમણે સાથી વડીલોને વિનંતી કરી: “ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો.” (૧ પિત. ૫:૧-૪) વડીલો, અમે જાણીએ છીએ કે તમે ભાઈ-બહેનોને ખૂબ જ પ્રેમ કરો છો અને તેઓની સંભાળ રાખો છો. અમુક વાર કદાચ પુષ્કળ કામ કે થાકને લીધે તમે પોતાની જવાબદારી પૂરી કરી ન શકો. એવા સમયે તમે શું કરી શકો? તમારી એકેએક ચિંતા યહોવાને જણાવો. પિતરે લખ્યું હતું: “જો કોઈ સેવા કરે, તો તેણે એ માટે ઈશ્વર તરફથી મળતી તાકાત પર આધાર રાખવો.” (૧ પિત. ૪:૧૧) બની શકે કે તમારાં ભાઈ-બહેનો એવી મુશ્કેલીનો સામનો કરતા હોય જેનો નિવેડો કદાચ આ દુનિયામાં ન આવે. પણ યાદ રાખો કે “મુખ્ય ઘેટાંપાળક” ઈસુ ખ્રિસ્ત તેઓને તમારા કરતાં પણ વધારે સારી રીતે મદદ કરી શકે છે. એવું તે આજે કરી શકે છે અને નવી દુનિયામાં પણ કરશે. ઈશ્વર તો બસ એટલું ચાહે છે કે તમે ભાઈ-બહેનોને પ્રેમ કરો, તેઓની સંભાળ રાખો અને “ટોળા માટે દાખલો બેસાડો.” w૨૩.૦૯ ૨૯-૩૦ ¶૧૩-૧૪
બુધવાર, જુલાઈ ૧૬
“યહોવા જાણે છે કે બુદ્ધિશાળી માણસોની દલીલો નકામી છે.”—૧ કોરીં. ૩:૨૦.
દુનિયાના લોકોના વિચારોથી આપણે દૂર રહેવું જોઈએ. જો દુનિયાના લોકોની જેમ વિચારીશું, તો યહોવા અને તેમનાં ધોરણોની અવગણના કરવા લાગીશું. (૧ કોરીં. ૩:૧૯) મોટા ભાગે આ “દુનિયાની બુદ્ધિ” લોકોને ઈશ્વરની આજ્ઞાઓ ન પાળવા અને પોતાની ઇચ્છાઓ પૂરી કરવા ઉશ્કેરે છે. પ્રાચીન સમયમાં પેર્ગામમ અને થુવાતિરા શહેરના લોકો મૂર્તિપૂજા અને વ્યભિચાર કરતા હતા. તેઓની અસર ત્યાંના અમુક ખ્રિસ્તીઓ પર થઈ હતી. ઈસુએ એ બંને મંડળોને કડક શબ્દોમાં ઠપકો આપ્યો, કેમ કે તેઓ વ્યભિચાર ચલાવી લેતા હતા. (પ્રકટી. ૨:૧૪, ૨૦) આજે લોકો આપણને પણ તેઓની જેમ ખોટા વિચારો અપનાવી લેવા દબાણ કરે. કુટુંબીજનો અને સગાં-વહાલાઓ એવું કંઈક કહે અથવા કરે, જેના લીધે આપણે ભાવુક થઈ જઈએ. તેઓ આપણને યહોવાના નિયમ સાથે તડજોડ કરવા દબાણ કરે. જેમ કે, તેઓ કદાચ દાવો કરે કે ખરાબ ઇચ્છાઓ પૂરી કરવામાં કંઈ ખોટું નથી અને ચારિત્ર શુદ્ધ રાખવા વિશેનાં બાઇબલનાં ધોરણો જૂનાં-પુરાણાં છે, એ આજે કામ ના લાગે. અમુક વાર કદાચ આપણને લાગે કે યહોવા સ્પષ્ટ માર્ગદર્શન આપતા નથી. આપણે કદાચ “જે લખેલું છે એની ઉપરવટ” જવા લલચાઈએ.—૧ કોરીં. ૪:૬. w૨૩.૦૭ ૧૬ ¶૧૦-૧૧
ગુરુવાર, જુલાઈ ૧૭
“સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.”—નીતિ. ૧૭:૧૭.
ઈસુની મા મરિયમને હિંમતની જરૂર હતી. તેના તો લગ્ન પણ થયા ન હતા, તો તે કઈ રીતે ગર્ભવતી થઈ શકે! તેને બાળકોનો ઉછેર કરવાનો કોઈ અનુભવ ન હતો અને હવે તેણે એક એવા દીકરાનો ઉછેર કરવાનો હતો, જે મસીહ બનવાનો હતો. મરિયમે કદી પણ કોઈ પુરુષ સાથે જાતીય સંબંધો બાંધ્યા ન હતા અને હવે તેણે યૂસફને જઈને એ કહેવાનું હતું કે તે ગર્ભવતી છે. સાચે જ, એમ કરવું મરિયમ માટે કેટલું અઘરું રહ્યું હશે! (લૂક ૧:૨૬-૩૩) મરિયમને ક્યાંથી હિંમત મળી? તેણે બીજાઓની મદદ લીધી. દાખલા તરીકે, તેણે ગાબ્રિયેલ દૂત પાસે એ સોંપણી વિશે વધારે માહિતી માંગી. (લૂક ૧:૩૪) એના થોડા જ સમય પછી તે પોતાના સંબંધી એલિસાબેતને મળવા મુસાફરી કરીને યહૂદાના ‘પહાડી પ્રદેશમાં’ ગઈ. એલિસાબેતે મરિયમના વખાણ કર્યા અને મરિયમને થનાર બાળક વિશે યહોવાની પ્રેરણાથી એક ભવિષ્યવાણી કરી. એ ભવિષ્યવાણીથી મરિયમને ચોક્કસ ઉત્તેજન મળ્યું હશે. (લૂક ૧:૩૯-૪૫) મરિયમે કહ્યું કે યહોવાએ “પોતાના હાથે શક્તિશાળી કામો કર્યાં છે.” (લૂક ૧:૪૬-૫૧) યહોવાએ ગાબ્રિયેલ દૂત અને એલિસાબેત દ્વારા મરિયમને હિંમત આપી. w૨૩.૧૦ ૧૪-૧૫ ¶૧૦-૧૨
શુક્રવાર, જુલાઈ ૧૮
“તેમણે પોતાના ઈશ્વર અને પિતા માટે આપણને રાજાઓ અને યાજકો બનાવ્યા છે.”—પ્રકટી. ૧:૬.
ખ્રિસ્તના અમુક શિષ્યોને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા છે અને યહોવા સાથે તેઓનો ખાસ સંબંધ છે. તેઓની સંખ્યા ૧,૪૪,૦૦૦ છે અને તેઓ સ્વર્ગમાં ઈસુ સાથે યાજકો તરીકે સેવા આપશે. (પ્રકટી. ૧૪:૧) તેઓ હજી પૃથ્વી પર જ હોય છે ત્યારે, ઈશ્વર તેઓને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરે છે અને પોતાના દીકરાઓ તરીકે દત્તક લે છે. મંડપનું પવિત્ર સ્થાન યહોવા અને તેઓ વચ્ચેના એ ખાસ સંબંધને રજૂ કરે છે. (રોમ. ૮:૧૫-૧૭) મંડપનું પરમ પવિત્ર સ્થાન સ્વર્ગને રજૂ કરે છે, જ્યાં યહોવા રહે છે. પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન વચ્ચે જે ‘પડદો’ છે, એ ઈસુના માનવ શરીરને રજૂ કરે છે. એ માનવ શરીર સાથે ઈસુ સ્વર્ગમાં જઈ શકતા ન હતા અને યહોવાના મંદિરના મહાન પ્રમુખ યાજક તરીકે સેવા આપી શકતા ન હતા. ઈસુએ પોતાના માનવ શરીરનું બલિદાન આપીને બધા અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે સ્વર્ગમાં જવાનો રસ્તો ખોલી દીધો. સ્વર્ગમાં પોતાનું ઈનામ મેળવતા પહેલાં એ ખ્રિસ્તીઓએ પણ પોતાનું માનવ શરીર છોડવું પડશે.—હિબ્રૂ. ૧૦:૧૯, ૨૦; ૧ કોરીં. ૧૫:૫૦. w૨૩.૧૦ ૨૭ ¶૧૩
શનિવાર, જુલાઈ ૧૯
‘ગિદિયોન વિશે હું જણાવવા બેસું તો, સમય ખૂટી જશે.’—હિબ્રૂ. ૧૧:૩૨.
એફ્રાઈમીઓએ ગિદિયોનનો વાંક કાઢ્યો ત્યારે, તે ગુસ્સે ન થયા, પણ શાંત રહ્યા. (ન્યા. ૮:૧-૩) તેમણે તેઓનું ધ્યાનથી સાંભળ્યું અને નમ્રતાથી જવાબ આપ્યો. એમ કરવાથી એફ્રાઈમીઓ શાંત થઈ ગયા. ગિદિયોને પોતાના વર્તનથી બતાવી આપ્યું કે તે નમ્ર છે. સમજુ વડીલો ગિદિયોનના પગલે ચાલે છે. બીજાઓ તેઓની ભૂલો બતાવે ત્યારે, તેઓ ધ્યાનથી સાંભળે છે અને નમ્રતાથી જવાબ આપે છે. (યાકૂ. ૩:૧૩) આમ મંડળમાં શાંતિ જળવાઈ રહે છે. ગિદિયોને મિદ્યાનીઓ પર જીત મેળવી ત્યારે ઇઝરાયેલીઓએ તેમના વખાણ કર્યા. એવા સમયે ગિદિયોને બધો જ મહિમા યહોવાને આપ્યો. (ન્યા. ૮:૨૨, ૨૩) આજે વડીલો કઈ રીતે ગિદિયોનને અનુસરી શકે? તેઓ જે કંઈ કરે એનો મહિમા યહોવાને આપી શકે. (૧ કોરીં. ૪:૬, ૭) દાખલા તરીકે, એક વડીલ સારી રીતે શીખવે છે, એટલે ભાઈ-બહેનો તેમના વખાણ કરે છે. એવું થાય ત્યારે તે કહી શકે, ‘મેં જે કંઈ શીખવ્યું એ યહોવાના વચનમાંથી જ હતું’ અથવા ‘યહોવાનું સંગઠન જ આપણને બધાને શીખવે છે.’ વડીલોએ સમયે સમયે વિચારવું જોઈએ કે તે જે કંઈ પણ શીખવે છે એનાથી શું યહોવાને મહિમા મળે છે, કે પછી પોતાની વાહ વાહ થાય છે. w૨૩.૦૬ ૪ ¶૭-૮
રવિવાર, જુલાઈ ૨૦
“મારા વિચારો તમારા વિચારો જેવા નથી.”—યશા. ૫૫:૮.
જો પ્રાર્થનાનો જવાબ ન મળતો હોય, તો પોતાને પૂછી શકીએ, ‘શું હું પ્રાર્થનામાં જે માંગું છું એ યોગ્ય છે?’ ઘણી વાર આપણને લાગતું હોય છે કે પોતાનું ભલું શામાં છે એ જાણીએ છીએ. પણ પ્રાર્થનામાં જે માંગતા હોઈએ, એ આપણા ભલા માટે ના પણ હોય. મુશ્કેલીમાંથી પસાર થતા હોઈએ ત્યારે શું બની શકે? આપણને કોઈ એક જ ઉકેલ દેખાતો હોય અને પ્રાર્થના કરતા હોઈએ કે યહોવા એ જ રીતે મુશ્કેલી દૂર કરે. પણ બની શકે કે એના કરતાં પણ સારો ઉકેલ હોય, જે આપણને દેખાતો ન હોય. અમુક વાર એવું પણ બને કે આપણી અમુક વિનંતીઓ યહોવાની ઇચ્છા પ્રમાણે ન હોય. (૧ યોહા. ૫:૧૪) દાખલા તરીકે, માતા-પિતાએ પ્રાર્થના કરી હતી કે તેઓનું બાળક હંમેશાં યહોવાની ભક્તિ કરતું રહે. એવી વિનંતી કરવામાં કંઈ ખોટું નથી. પણ યાદ રાખીએ કે યહોવાની ભક્તિ કરીશું કે નહિ, એ નિર્ણય તેમણે આપણા પર છોડ્યો છે. એ વાત બાળકને પણ લાગુ પડે છે. ભૂલીએ નહિ, યહોવા તેમની ભક્તિ કરવા કોઈને બળજબરી કરતા નથી. (પુન. ૧૦:૧૨, ૧૩; ૩૦:૧૯, ૨૦) એટલે બાળક યહોવાની ભક્તિ કરતું રહે, એવી પ્રાર્થના કરવાને બદલે માતા-પિતા કદાચ આવી પ્રાર્થના કરી શકે: “હે યહોવા, અમને મદદ કરો. અમે અમારા બાળકને એ રીતે શીખવવા માંગીએ છીએ, જેથી તે પોતે તમને પ્રેમ કરે અને તમારો દોસ્ત બને.”—નીતિ. ૨૨:૬; એફે. ૬:૪. w૨૩.૧૧ ૨૧ ¶૫; ૨૩ ¶૧૨
સોમવાર, જુલાઈ ૨૧
“એકબીજાને દિલાસો આપતા રહો.”—૧ થેસ્સા. ૪:૧૮.
બીજાઓને દિલાસો આપવો એ કેમ પ્રેમ બતાવવાની એક મહત્ત્વની રીત છે? એક પુસ્તકમાં બાઇબલની એ કલમ વિશે આમ લખ્યું છે: ‘દિલાસા’ માટે પાઉલે જે શબ્દ વાપર્યો એનો અર્થ થાય, “કોઈ વ્યક્તિ આકરા સંજોગોમાંથી પસાર થતી હોય ત્યારે, તેની પડખે ઊભા રહીને તેને ઉત્તેજન આપવું.” આમ, નિરાશામાં ડૂબેલા કોઈ ભાઈ કે બહેનને દિલાસો આપીએ છીએ ત્યારે, તેમને નિરાશામાંથી બહાર આવવા અને જીવનના માર્ગ પર ચાલતા રહેવા મદદ કરીએ છીએ. તે દુઃખમાં હોય અને તેમને સહારાની જરૂર હોય ત્યારે, તેમનો સહારો બનીએ. દિલાસો આપવાની દરેક તક ઝડપી લઈએ અને બતાવી આપીએ કે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ. (૨ કોરીં. ૭:૬, ૭, ૧૩) દિલમાં કરુણા હોવી અને દિલાસો આપવો એ એકબીજા સાથે જોડાયેલા છે. કઈ રીતે? જ્યારે વ્યક્તિના દિલમાં કરુણા હોય છે, ત્યારે તે બીજાઓને દિલાસો આપવા માંગે છે. તેમ જ, તેઓનું દુઃખ હળવું કરવા કંઈક કરે છે. એટલે સૌથી પહેલા, દિલમાં કરુણા ઊભરાય છે અને પછી દિલાસો આપીએ છીએ. પ્રેરિત પાઉલે સમજાવ્યું કે યહોવાના દિલમાં કરુણા છે, એટલે તે દિલાસો આપે છે. પાઉલે કહ્યું કે યહોવા “દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.”—૨ કોરીં. ૧:૩. w૨૩.૧૧ ૯-૧૦ ¶૮-૧૦
મંગળવાર, જુલાઈ ૨૨
‘મુસીબતોમાં પણ આનંદ કરીએ.’—રોમ. ૫:૩.
ખ્રિસ્તના બધા શિષ્યો પર મુસીબત આવી શકે છે. પ્રેરિત પાઉલનો દાખલો લો. થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને તેમણે કહ્યું: “અમે તમારી સાથે હતા ત્યારે, તમને કહેતા હતા કે આપણા પર સતાવણીઓ આવશે અને . . . એવું જ થયું છે.” (૧ થેસ્સા. ૩:૪) કોરીંથનાં ભાઈ-બહેનોને તેમણે લખ્યું: ‘ભાઈઓ, અમે નથી ચાહતા કે અમારા પર જે મુસીબતો આવી, એના વિશે તમે અજાણ રહો. અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી.’ (૨ કોરીં. ૧:૮; ૧૧:૨૩-૨૭) આજે યહોવાના બધા જ ભક્તો જાણે છે કે તેઓ પર પણ અમુક પ્રકારની મુસીબતો આવી શકે છે. (૨ તિમો. ૩:૧૨) ઈસુમાં શ્રદ્ધા મૂકવાને લીધે અને તેમના પગલે ચાલવાને લીધે કદાચ મિત્રો અને સગા-સંબંધીઓ તમારી સાથે બહુ ખરાબ રીતે વર્ત્યા હશે. તમે હંમેશાં પ્રમાણિક રહેવા માંગો છો, એ કારણે કદાચ સાથે કામ કરતા લોકોએ તમને હેરાન કર્યા હશે. (હિબ્રૂ. ૧૩:૧૮) તમે બીજાઓને તમારી આશા વિશે જણાવો છો, એના લીધે સરકારી અધિકારીઓએ તમારો વિરોધ કર્યો હશે. મુસીબત ભલે ગમે એ હોય, પણ પાઉલે કહ્યું તેમ આપણે આનંદ કરી શકીએ છીએ. w૨૩.૧૨ ૧૦ ¶૯-૧૦
બુધવાર, જુલાઈ ૨૩
“તમે મારા પર મોટી આફત લાવ્યા છો.”—ઉત. ૩૪:૩૦.
યાકૂબે ઘણી મુશ્કેલીઓ સહી. યાકૂબના બે દીકરાઓ શિમયોન અને લેવીનાં કરતૂતોને લીધે કુટુંબ શરમમાં મુકાયું અને યહોવાનું નામ બદનામ થયું. યાકૂબની વહાલી પત્ની રાહેલ પોતાના બીજા બાળકને જન્મ આપતી વખતે ગુજરી ગઈ. એટલું જ નહિ, એક આકરા દુકાળને લીધે યાકૂબે મોટી ઉંમરે ઇજિપ્ત રહેવા જવું પડ્યું. (ઉત. ૩૫:૧૬-૧૯; ૩૭:૨૮; ૪૫:૯-૧૧, ૨૮) એ બધી મુશ્કેલીઓમાં પણ યાકૂબની યહોવા પર અને તેમના વચનો પર શ્રદ્ધા ડગમગી નહિ. બદલામાં યહોવાએ બતાવી આપ્યું કે તેમની કૃપા યાકૂબ પર છે. દાખલા તરીકે, યહોવાએ યાકૂબને ઘણી સંપત્તિ આપી. જરા વિચારો, યાકૂબે જ્યારે વર્ષો પછી પોતાના વહાલા દીકરા યૂસફને જીવતો જોયો હશે, ત્યારે તેમણે યહોવાનો કેટલો આભાર માન્યો હશે! કેમ કે યાકૂબે તો માની લીધું હતું કે તેમનો દીકરો ગુજરી ગયો છે. યહોવા સાથે પાકી દોસ્તી હોવાને લીધે યાકૂબ દરેક મુશ્કેલીનો સામનો હિંમતથી કરી શક્યા. (ઉત. ૩૦:૪૩; ૩૨:૯, ૧૦; ૪૬:૨૮-૩૦) જો યહોવા સાથેની આપણી દોસ્તી પાકી હશે, તો યાકૂબની જેમ આપણે પણ અણધારી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરી શકીશું. w૨૩.૦૪ ૧૫ ¶૬-૭
ગુરુવાર, જુલાઈ ૨૪
“યહોવા મારા પાળક છે. મને કશાની ખોટ પડશે નહિ.”—ગીત. ૨૩:૧.
ગીતશાસ્ત્ર ૨૩ એક ગીત છે, જેને દાઉદે રચ્યું છે. એ ગીતમાં દાઉદે પોતાનો ભરોસો જાહેર કર્યો કે યહોવા તેમને પ્રેમ કરે છે અને તેમની સંભાળ રાખે છે. યહોવાને પોતાના ઘેટાંપાળક કહીને તેમણે બતાવી આપ્યું કે યહોવા સાથેનો તેમનો સંબંધ કેટલો ગાઢ છે. યહોવાએ બતાવેલા માર્ગ પર ચાલીને દાઉદ સલામતી અનુભવતા હતા. તે પૂરી રીતે યહોવા પર નિર્ભર હતા. દાઉદ જાણતા હતા કે યહોવા દરરોજ તેમને પ્રેમ બતાવશે. દાઉદને કેમ એટલો ભરોસો હતો? દાઉદ અનુભવી શક્યા કે યહોવા તેમની સંભાળ રાખે છે, કારણ કે તે હંમેશાં દાઉદની જરૂરિયાતો પૂરી કરતા. દાઉદ એ પણ જાણતા હતા કે યહોવા તેમના મિત્ર છે અને યહોવાની કૃપા તેમના પર છે. એટલે તેમને પૂરી ખાતરી હતી કે ભલે ગમે એવા સંજોગો આવે, યહોવા તેમની સંભાળ રાખશે. ચિંતાઓનાં વાદળોથી ઘેરાયેલા હોવા છતાં દાઉદને પૂરો ભરોસો હતો કે યહોવા તેમને અતૂટ પ્રેમ કરે છે. એટલે તે ખુશ રહી શક્યા.—ગીત. ૧૬:૧૧. w૨૪.૦૧ ૨૮-૨૯ ¶૧૨-૧૩
શુક્રવાર, જુલાઈ ૨૫
“દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”—માથ. ૨૮:૨૦.
બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા દેશોમાં યહોવાના લોકો ખુશીથી અને કોઈ રોકટોક વગર પ્રચારકામ કરતા આવ્યા છે. હકીકતમાં, પ્રચારકામ પૂરા જોરશોરથી આગળ વધી રહ્યું છે. આજે નિયામક જૂથના ભાઈઓ માર્ગદર્શન માટે ખ્રિસ્ત તરફ મીટ માંડે છે. તેઓ ભાઈ-બહેનોને એવું માર્ગદર્શન આપવા માંગે છે, જેમાં યહોવા અને ઈસુના વિચારો ઝલકતા હોય. પછી સરકીટ નિરીક્ષકો અને વડીલો એ માર્ગદર્શન મંડળોને આપે છે. અભિષિક્ત વડીલો અને મંડળના બધા વડીલો ખ્રિસ્તના “જમણા હાથમાં” છે. (પ્રકટી. ૨:૧) ખરું કે, એ બધા વડીલોમાં આપણી જેમ પાપની અસર છે અને તેઓથી પણ ભૂલો થઈ જાય છે. મૂસા અને યહોશુઆએ ભૂલો કરી હતી. પ્રેરિતોથી પણ ભૂલો થઈ ગઈ હતી. (ગણ. ૨૦:૧૨; યહો. ૯:૧૪, ૧૫; રોમ. ૩:૨૩) તેમ છતાં, આપણે સાફ જોઈ શકીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત ખૂબ જ કાળજીપૂર્વક વિશ્વાસુ ચાકરને અને પવિત્ર શક્તિથી નિયુક્ત કરવામાં આવેલા બધા વડીલોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને તે એમ જ કરતા રહેશે. એટલે આગેવાની લેતા ભાઈઓ દ્વારા ઈસુ જે માર્ગદર્શન આપે છે, એમાં આપણે પૂરો ભરોસો રાખી શકીએ છીએ. w૨૪.૦૨ ૨૩-૨૪ ¶૧૩-૧૪
શનિવાર, જુલાઈ ૨૬
“વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો.”—એફે. ૫:૧.
આજે આપણે કઈ રીતે યહોવાનું દિલ ખુશ કરી શકીએ છીએ? પ્રચાર કરતી વખતે દેખાઈ આવવું જોઈએ કે આપણે યહોવાને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેમના કેટલા આભારી છે. પ્રચાર કરવાનો આપણો મુખ્ય હેતુ એ છે કે લોકો યહોવાની પાસે આવે અને આપણા વહાલા પિતા વિશે આપણા જેવું અનુભવે. (યાકૂ. ૪:૮) આપણે તેઓને બાઇબલમાંથી બતાવીએ છીએ કે યહોવામાં પ્રેમ, ન્યાય, બુદ્ધિ, શક્તિ અને બીજા સરસ ગુણો છે. એમ કરવાથી આપણને ખુશી મળે છે. યહોવાની સ્તુતિ કરવા અને તેમનું દિલ ખુશ કરવા બીજું શું કરીએ છીએ? યહોવાનું અનુકરણ કરવા બનતું બધું કરીએ છીએ. એમ કરીએ છીએ ત્યારે આપણે આ દુનિયાના લોકોથી અલગ તરી આવીએ છીએ. કદાચ લોકોનું ધ્યાન જાય કે આપણે બીજાઓથી અલગ છીએ અને તેઓને એનું કારણ જાણવું હોય. (માથ. ૫:૧૪-૧૬) રોજબરોજનાં કામ કરતી વખતે આવા લોકોને મળીએ ત્યારે એ સમજાવવાનો મોકો મળે છે કે આપણે કેમ તેઓથી અલગ છીએ. એનું પરિણામ એ આવે છે કે નમ્ર દિલના લોકો આપણા ઈશ્વર પાસે ખેંચાઈ આવે છે. આવી રીતોએ યહોવાની સ્તુતિ કરીને તેમનું દિલ ખુશ કરીએ છીએ.—૧ તિમો. ૨:૩, ૪. w૨૪.૦૨ ૧૦ ¶૭
રવિવાર, જુલાઈ ૨૭
‘તે ઉત્તેજન આપી શકે અને ઠપકો આપી શકે.’—તિત. ૧:૯.
એક પરિપક્વ ઈશ્વરભક્ત બનવા તમારે અમુક આવડતો કેળવવી જોઈએ, જે આગળ જતાં તમને કામ લાગે. એનાથી તમને મંડળની જવાબદારીઓ ઉપાડવા મદદ મળશે. તમે એક સારી નોકરી મેળવી શકશો, જેથી તમારું અથવા કુટુંબનું ગુજરાન ચાલી શકે. તમને બીજાઓ સાથે સારા સંબંધો જાળવવા પણ મદદ મળશે. જેમ કે, સારી રીતે વાંચતાં-લખતાં શીખો. બાઇબલમાં લખ્યું છે કે, જે માણસ દરરોજ ઈશ્વરનાં વચનો વાંચે છે અને મનન કરે છે, તે સુખી છે અને સફળ થાય છે. (ગીત. ૧:૧-૩) દરરોજ બાઇબલ વાંચવાથી તમે યહોવાના વિચારો જાણી શકશો. એનાથી તમને યહોવાની જેમ વિચારવા અને બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા એ સમજવા મદદ મળશે. (નીતિ. ૧:૩, ૪) જ્યારે ભાઈ-બહેનોને માર્ગદર્શન અને સલાહ જોઈતાં હોય છે, ત્યારે તેઓ એવા ભાઈઓ પાસે જાય છે, જેઓ તેમને બાઇબલમાંથી શીખવી શકે. જો તમને વાંચતાં-લખતાં આવડતું હશે, તો તમે પ્રવચનોની સારી તૈયારી કરી શકશો. તમે સભાઓમાં સારા જવાબો આપી શકશો. એનાથી બીજાઓને ફાયદો થશે અને તેઓની શ્રદ્ધા વધશે. એ સિવાય તમે અમુક મુદ્દાઓની નોંધ લઈ શકશો, જે તમને કામ લાગે. એ મુદ્દાઓથી તમે પોતાની શ્રદ્ધા વધારી શકશો અને બીજાઓને ઉત્તેજન આપી શકશો. w૨૩.૧૨ ૨૬-૨૭ ¶૯-૧૧
સોમવાર, જુલાઈ ૨૮
“તમને સાથ આપનાર ઈશ્વર, દુનિયાને સાથ આપનાર શેતાન કરતાં વધારે શક્તિશાળી છે.”—૧ યોહા. ૪:૪.
ડર લાગે ત્યારે મનન કરજો કે યહોવા ભાવિમાં શું કરવાના છે, જ્યારે શેતાનનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. ૨૦૧૪ના મહાસંમેલનમાં એક દૃશ્ય દ્વારા બતાવવામાં આવ્યું હતું કે એક પિતા તેમના કુટુંબ સાથે ચર્ચા કરી રહ્યા હતા કે જો બીજો તિમોથી ૩:૧-૫માં એ જણાવ્યું હોત કે નવી દુનિયામાં આપણું જીવન કેવું હશે, તો ત્યાં આવું લખ્યું હોત: “નવી દુનિયામાં ખુશીઓથી ભરેલા દિવસો હશે. કેમ કે લોકો બીજાઓને પ્રેમ કરનારા, સત્યને પ્રેમ કરનારા, પોતાની હદમાં રહેનારા, નમ્ર, ઈશ્વરની સ્તુતિ કરનારા, મા-બાપની આજ્ઞા પાળનારા, આભાર માનનારા, વફાદાર, કુટુંબ માટે ઊંડો પ્રેમ બતાવનારા, ખુલ્લા દિલે વાત કરનારા, બીજાઓ વિશે હંમેશાં સારું બોલનારા, સંયમ રાખનારા, શાંત સ્વભાવના, ભલાઈને ચાહનારા, વિશ્વાસુ, જતું કરનારા, મનથી દીન રહેનારા, મોજશોખને બદલે ઈશ્વરને પ્રેમ કરનારા અને સાચા દિલથી ઈશ્વરની ભક્તિ કરનારા હશે. એવા લોકોની નજીક રહેજો.” શું તમે કુટુંબીજનો અથવા ભાઈ-બહેનો સાથે ચર્ચા કરો છો કે નવી દુનિયામાં જીવન કેવું હશે? w૨૪.૦૧ ૬ ¶૧૩-૧૪
મંગળવાર, જુલાઈ ૨૯
“મેં તને પસંદ કર્યો છે.”—લૂક ૩:૨૨.
આપણને એ જાણીને કેટલી રાહત મળે છે કે યહોવાની કૃપા તેમના બધા સેવકો પર છે. બાઇબલમાં લખ્યું છે: “યહોવા પોતાના લોકોથી રાજી થાય છે.” (ગીત. ૧૪૯:૪) જોકે, ક્યારેક ક્યારેક અમુક ઈશ્વરભક્તો એટલા નિરાશ થઈ જાય છે કે તેઓ વિચારવા લાગે: ‘શું યહોવા મારાથી ખુશ છે?’ બાઇબલ સમયના ઘણા ઈશ્વરભક્તોને અમુક વાર એવું જ લાગ્યું હતું અને તેઓ નિરાશ થઈ ગયા હતા. (૧ શમુ. ૧:૬-૧૦; અયૂ. ૨૯:૨, ૪; ગીત. ૫૧:૧૧) બાઇબલમાંથી સાફ જોવા મળે છે કે કાળાં માથાંના માનવીઓ પણ યહોવાની કૃપા મેળવી શકે છે અથવા તેમને ખુશ કરી શકે છે. કઈ રીતે? ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકીને અને બાપ્તિસ્મા લઈને. (યોહા. ૩:૧૬) એમ કરીને બીજાઓને બતાવી આપીએ છીએ કે આપણે પાપનો પસ્તાવો કર્યો છે અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાનું તેમને વચન આપ્યું છે. (પ્રે.કા. ૨:૩૮; ૩:૧૯) યહોવા સાથે સંબંધ કેળવવા જ્યારે એ બધાં પગલાં ભરીએ છીએ, ત્યારે તેમને બહુ ખુશી થાય છે. આપણે જ્યાં સુધી સમર્પણના વચન પ્રમાણે જીવવા બનતું બધું કરીશું, ત્યાં સુધી યહોવાની કૃપા આપણાં માથે રહેશે અને તે આપણને તેમના પાકા મિત્ર ગણશે.—ગીત. ૨૫:૧૪. w૨૪.૦૩ ૨૬ ¶૧-૨
બુધવાર, જુલાઈ ૩૦
“અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”—પ્રે.કા. ૪:૨૦.
જો સરકાર પ્રચાર કરવાની ના પાડે, તોપણ આપણે ઈસુના શિષ્યોને અનુસરીને પ્રચાર કામ ચાલુ રાખી શકીએ. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને પ્રચાર કરવા મદદ કરશે. તેથી, આપણે યહોવાને હિંમત અને બુદ્ધિ માટે પ્રાર્થના કરી શકીએ. તેમ જ, મુશ્કેલીઓનો સામનો કરવા મદદ માંગી શકીએ. આપણામાંથી ઘણા લોકો બીમારી અથવા બીજા કોઈ કારણે નિરાશ છે. બની શકે કે આપણે કોઈ સ્નેહીજનને ગુમાવ્યું હોય, કુટુંબમાં કોઈ તકલીફ હોય, વિરોધ થઈ રહ્યો હોય અથવા બીજી કોઈ મુશ્કેલી હોય. અધૂરામાં પૂરું, મહામારી અને યુદ્ધોના લીધે એ મુશ્કેલીઓ સહેવી ઘણી અઘરી થઈ ગઈ છે. એવામાં યહોવાને દિલ ખોલીને વાત કરો. જેમ તમે તમારા પાકા મિત્રને દિલની બધી જ વાત જણાવો છો, તેમ યહોવાને જણાવો કે તમારા પર શું વીતી રહ્યું છે, તમે કેવું અનુભવી રહ્યા છો. પૂરો ભરોસો રાખો કે યહોવા ‘તમારા માટે પગલાં ભરશે.’ (ગીત. ૩૭:૩, ૫) પ્રાર્થના કરતા રહેવાથી “મુસીબતો આવે ત્યારે ધીરજથી સહન” કરી શકીશું. (રોમ. ૧૨:૧૨) યહોવા જાણે છે કે તેમના ભક્તો પર શું વીતી રહ્યું છે. તે તેઓની ‘મદદનો પોકાર સાંભળે’ છે.—ગીત. ૧૪૫:૧૮, ૧૯. w૨૩.૦૫ ૫-૬ ¶૧૨-૧૫
ગુરુવાર, જુલાઈ ૩૧
“ઈશ્વરને શું પસંદ છે, એ પારખતા રહો.”—એફે. ૫:૧૦.
મહત્ત્વના નિર્ણયો લેતી વખતે શું કરી શકીએ? “યહોવાની ઇચ્છા શી છે” એ પારખીએ અને એ પ્રમાણે કામ કરીએ. (એફે. ૫:૧૭) પોતાના સંજોગોને લાગુ પડે એવા બાઇબલ સિદ્ધાંતો શોધીએ. એમ કરીને તો આપણે ઈશ્વરના વિચારો જાણવાની કોશિશ કરીએ છીએ. પછી એ સિદ્ધાંતો લાગુ પાડીએ. આમ આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ. આપણો દુશ્મન ‘શેતાન’ બહુ દુષ્ટ છે. (૧ યોહા. ૫:૧૯) તે ચાહે છે કે આપણે આ દુનિયાનાં કામોમાં એટલા વ્યસ્ત થઈ જઈએ કે યહોવાની સેવા માટે સમય જ ન બચે. એક ઈશ્વરભક્ત સહેલાઈથી એ જાળમાં ફસાઈ શકે છે. બની શકે કે તે પૈસા કમાવામાં, વધારે ભણવામાં અથવા નોકરી-ધંધામાં એટલો ડૂબી જાય કે યહોવાની સેવા બાજુએ રહી જાય. જો કોઈ ઈશ્વરભક્ત એવું કરે, તો એનાથી દેખાઈ આવશે કે તે દુનિયાના લોકોની જેમ વિચારે છે. ખરું કે, એ બધામાં કંઈ ખોટું નથી, પણ એ બધું આપણા જીવનમાં પહેલું સ્થાન ન લઈ લે, એનું ધ્યાન રાખવું જોઈએ. w૨૪.૦૩ ૨૪ ¶૧૬-૧૭