વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 મે પાન ૧૪-૧૯
  • હંમેશાં ટકી રહેનાર શહેરની રાહ જુઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હંમેશાં ટકી રહેનાર શહેરની રાહ જુઓ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા પર ભરોસો રાખો, તે તમને કદી ત્યજી નહિ દે
  • આગેવાની લેતા ભાઈઓનું કહેવું માનો
  • પ્રેમ અને મહેમાનગતિ બતાવો
  • ભાવિમાં શું થશે?
  • અંત સુધી વફાદાર રહેવા મદદ કરતો એક પત્ર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • એકબીજાની નજીક આવવામાં આપણું ભલું છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 મે પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૨૧

ગીત ૪૦ ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા મૂકો

હંમેશાં ટકી રહેનાર શહેરની રાહ જુઓ

“આપણે તો આવનાર શહેરની આતુરતાથી રાહ જોઈએ છીએ.”—હિબ્રૂ. ૧૩:૧૪.

આપણે શું શીખીશું?

હિબ્રૂઓ અધ્યાય ૧૩માં આપેલી સલાહથી આપણને આજે અને ભાવિમાં કઈ રીતે મદદ મળી શકે?

૧. ઈસુની ભવિષ્યવાણી પ્રમાણે યરૂશાલેમ શહેરનું શું થવાનું હતું?

ઈસુ ખ્રિસ્તે પોતાના મરણના થોડા દિવસ પહેલાં શિષ્યો આગળ એક ભવિષ્યવાણી કરી. જ્યારે યરૂશાલેમ શહેર અને મંદિરનો નાશ થયો, ત્યારે એ ભવિષ્યવાણી પહેલી વાર પૂરી થઈ. ઈસુએ ચેતવણી આપી હતી કે એક દિવસે યરૂશાલેમ શહેરને ‘સૈન્યોથી ઘેરી’ લેવામાં આવશે. (લૂક ૨૧:૨૦) તેમણે પોતાના શિષ્યોને જણાવ્યું હતું કે જ્યારે તેઓ એમ થતા જુએ, ત્યારે તરત જ યહૂદિયા છોડીને જતા રહે. ઈસુના શબ્દો સાચા પડ્યા. રોમન સેનાએ યરૂશાલેમને ચારે બાજુથી ઘેરી લીધું.—લૂક ૨૧:૨૧, ૨૨.

૨. પ્રેરિત પાઉલે યહૂદિયા અને યરૂશાલેમનાં ભાઈ-બહેનોને શું યાદ અપાવ્યું?

૨ રોમન સેનાએ યરૂશાલેમ શહેરને ઘેરી લીધું એના થોડાં જ વર્ષો પહેલાં પ્રેરિત પાઉલે યહૂદિયા અને યરૂશાલેમનાં ભાઈ-બહેનોને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં ખૂબ જ મહત્ત્વનો સંદેશો હતો. આજે આપણે એને હિબ્રૂઓને પત્ર તરીકે ઓળખીએ છીએ. એ પત્ર દ્વારા પાઉલ ભાઈ-બહેનોને આવનાર મુશ્કેલી માટે તૈયાર કરવા માંગતા હતા. પણ કઈ મુશ્કેલી? યરૂશાલેમ શહેરનો વિનાશ. એ વિનાશમાંથી બચવા ભાઈ-બહેનોએ પોતાનું ઘર અને વેપાર-ધંધો છોડવા તૈયાર રહેવાનું હતું. એટલે પાઉલે યરૂશાલેમ શહેર વિશે લખ્યું: “આપણી પાસે અહીં હંમેશાં ટકે એવું શહેર નથી.” પછી તેમણે કહ્યું: “પણ આપણે તો આવનાર શહેરની આતુરતાથી રાહ જોઈએ છીએ.”—હિબ્રૂ. ૧૩:૧૪.

૩. જે શહેર “આવનાર” છે, એ કયું છે અને આપણે કેમ એની રાહ જોઈએ છીએ?

૩ જ્યારે ભાઈ-બહેનોએ યરૂશાલેમ અને યહૂદિયા છોડવાનો નિર્ણય લીધો, ત્યારે કદાચ ઘણા લોકોએ તેઓની મજાક ઉડાવી હતી અને તેઓને મૂર્ખ કહ્યા હતા. પણ એ નિર્ણયથી તેઓનો જીવ બચી ગયો. આજે લોકો આપણી પણ મજાક ઉડાવે છે, કેમ કે આપણે મુશ્કેલીઓના ઉકેલ માટે માણસો પર ભરોસો રાખતા નથી તેમજ આ દુનિયામાં એશઆરામનું જીવન મેળવવા આંધળી દોટ મૂકતા નથી. શા માટે? કેમ કે આપણે જાણીએ છીએ કે આ દુનિયા બસ થોડા સમય માટે જ છે. આપણે તો ‘એવા શહેરની રાહ જોઈએ છીએ જેનો પાયો મજબૂત છે’ અને જે “આવનાર” છે. એ શહેર બીજું કંઈ નહિ, પણ ઈશ્વરનું રાજ્ય છે.a (હિબ્રૂ. ૧૧:૧૦; માથ. ૬:૩૩) આ લેખના દરેક ગૌણ મથાળાની ચર્ચા કરતી વખતે આપણે આ સવાલોના જવાબ મેળવીશું: (૧) પાઉલની સલાહથી પહેલી સદીના ખ્રિસ્તીઓને કઈ રીતે “આવનાર શહેરની” રાહ જોવા મદદ મળી? (૨) પાઉલે કઈ રીતે ભાવિના બનાવો માટે તેઓને તૈયાર કર્યા? (૩) આજે આપણને પાઉલની સલાહમાંથી કઈ રીતે મદદ મળે છે?

યહોવા પર ભરોસો રાખો, તે તમને કદી ત્યજી નહિ દે

૪. ખ્રિસ્તીઓ માટે યરૂશાલેમ શહેર કેમ મહત્ત્વનું હતું?

૪ ખ્રિસ્તીઓ માટે યરૂશાલેમ શહેર ખૂબ મહત્ત્વનું હતું. સાલ ૩૩માં ત્યાં પહેલું મંડળ શરૂ થયું હતું. નિયામક જૂથના ભાઈઓ પણ ત્યાં રહેતા હતા. વધુમાં, ઘણાં ભાઈ-બહેનો પાસે યરૂશાલેમમાં પોતાનું ઘર હતું અને ત્યાં તેઓએ સંપત્તિ ભેગી કરી હતી. પણ ઈસુએ પોતાના શિષ્યોને ચેતવણી આપી હતી કે તેઓએ ફક્ત યરૂશાલેમ જ નહિ, યહૂદિયાનો આખેઆખો વિસ્તાર છોડીને જવું પડશે.—માથ. ૨૪:૧૬.

૫. પાઉલે કઈ રીતે ખ્રિસ્તીઓને ભાવિના બનાવો માટે તૈયાર કર્યા?

૫ પાઉલ ખ્રિસ્તીઓને ભાવિના બનાવો માટે તૈયાર કરવા માંગતા હતા. એટલે તેમણે તેઓને એ સમજવા મદદ કરી કે યહોવાને યરૂશાલેમ શહેર વિશે કેવું લાગતું હતું. પાઉલે તેઓને યાદ અપાવ્યું કે મંદિરમાં સેવા આપતા યાજકોથી અને ત્યાં ચઢાવવામાં આવતાં બલિદાનોથી હવે યહોવા ખુશ થતા નથી. (હિબ્રૂ. ૮:૧૩) વધુમાં, એ શહેરના મોટા ભાગના લોકોએ ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા ન હતા. લોકોએ યહોવાની ભક્તિ કરવા યરૂશાલેમના મંદિરમાં જવાની જરૂર ન હતી. અધૂરામાં પૂરું, એ શહેરનો અને એના મંદિરનો નાશ થવાનો હતો.—લૂક ૧૩:૩૪, ૩૫.

૬. પાઉલે હિબ્રૂઓ ૧૩:૫, ૬માં આપેલી સલાહ કેમ સમયસરની હતી?

૬ પાઉલે હિબ્રૂઓને પત્ર લખ્યો ત્યારે યરૂશાલેમ એક ધમધમતું શહેર હતું. લોકોને ત્યાં રહેવું ગમતું અને ઘણા લોકો એની મુલાકાતે આવતા. એ જમાનાના એક રોમન લેખકે યરૂશાલેમ શહેર વિશે લખ્યું હતું કે એ “પૂર્વના વિસ્તારોમાં સૌથી પ્રખ્યાત શહેર હતું.” દર વર્ષે ઘણા યહૂદીઓ દૂર દૂરથી આ શહેરમાં તહેવારો ઊજવવા આવતા. તેઓ ધૂમ પૈસો ખર્ચતા. એ કારણે અમુક ખ્રિસ્તીઓ ઘણા પૈસા કમાયા હશે. કદાચ એટલે જ પાઉલે તેઓને આ સલાહ આપી હતી: “જીવનમાં પૈસાનો મોહ ન રાખો. તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો.” પછી તેમણે શાસ્ત્રમાંથી એક કલમ ટાંકી, જેમાં યહોવાએ પોતાના દરેક ભક્તને આ જોરદાર વચન આપ્યું છે: “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” (હિબ્રૂઓ ૧૩:૫, ૬ વાંચો; પુન. ૩૧:૬; ગીત. ૧૧૮:૬) યરૂશાલેમ અને યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓએ એ વચન યાદ રાખવાનું હતું. કેમ કે તેઓને પાઉલનો પત્ર મળ્યો એના થોડા જ સમય પછી તેઓએ પોતાનાં ઘરબાર, વેપાર-ધંધા અને મોટા ભાગની ચીજવસ્તુઓ છોડીને નવી જગ્યાએ રહેવા જવાનું હતું. તેઓએ જાણે એકડે એકથી જીવન શરૂ કરવાનું હતું અને એ કંઈ સહેલું ન હતું.

૭. આપણે કેમ હમણાં યહોવા પરનો ભરોસો વધારવો જોઈએ?

૭ આપણા માટે બોધપાઠ: બહુ જલદી “મોટી વિપત્તિ” શરૂ થશે અને આ દુષ્ટ દુનિયાનો અંત આવશે. (માથ. ૨૪:૨૧) પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ આજે આપણે વફાદાર રહેવાનું છે અને ભાવિના બનાવો માટે તૈયાર રહેવાનું છે. (લૂક ૨૧:૩૪-૩૬) મોટી વિપત્તિ વખતે આપણે કદાચ પોતાની અમુક અથવા તો બધી જ સંપત્તિ છોડી દેવી પડશે. આપણે યહોવામાં પૂરો ભરોસો રાખવાની જરૂર પડશે કે તે આપણને કદી છોડી દેશે નહિ. જોકે આજે પણ, એટલે કે મોટી વિપત્તિ શરૂ થાય એ પહેલાં પણ બતાવી શકીએ છીએ કે આપણને યહોવામાં પૂરો ભરોસો છે. પોતાને પૂછીએ: ‘શું મારાં કામોથી અને ધ્યેયોથી દેખાઈ આવે છે કે મને પૈસા પર નહિ પણ યહોવા પર ભરોસો છે, જેમણે મારી સંભાળ રાખવાનું વચન આપ્યું છે?’ (૧ તિમો. ૬:૧૭) ખરું કે મોટી વિપત્તિના સમયે વફાદાર રહેવા વિશે આપણને પહેલી સદીના ખ્રિસ્તીઓ પાસેથી ઘણું શીખવા મળે છે. પણ તેઓએ જે સમયનો સામનો કર્યો હતો, એના કરતાં મોટી વિપત્તિનો સમય વધારે અઘરો હશે. તો પછી, કઈ રીતે ખબર પડે કે એ શરૂ થશે ત્યારે આપણે શું કરીશું?

આગેવાની લેતા ભાઈઓનું કહેવું માનો

૮. ઈસુએ શિષ્યોને કયું માર્ગદર્શન આપ્યું હતું?

૮ હિબ્રૂ ખ્રિસ્તીઓને પાઉલનો પત્ર મળ્યો એના થોડાં વર્ષો પછી શું થયું? તેઓએ યરૂશાલેમને રોમન સૈન્યથી ઘેરાયેલું જોયું. ખ્રિસ્તીઓ સમજી ગયા કે યરૂશાલેમ અને યહૂદિયા છોડવાનો આ જ સમય છે, કેમ કે જલદી જ યરૂશાલેમ શહેરનો નાશ થવાનો હતો. (માથ. ૨૪:૩; લૂક ૨૧:૨૦, ૨૪) પણ તેઓએ ત્યાંથી નીકળીને ક્યાં જવાનું હતું? ઈસુએ બસ એટલું જ કહ્યું હતું કે “જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું.” (લૂક ૨૧:૨૧) પણ એ વિસ્તારમાં તો ઘણા પહાડો હતા. તો પછી તેઓએ કયા પહાડ પર જવાનું હતું?

૯. કયા પહાડો પર નાસી જવું એ વિશે ખ્રિસ્તીઓએ કેમ વિચારવું પડ્યું હશે? (નકશો પણ જુઓ.)

૯ ખ્રિસ્તીઓ આ અમુક પહાડો પર નાસી જઈ શકતા હતા: સમરૂનના પહાડો, ગાલીલમાં આવેલા પહાડો, હેર્મોન પર્વત, લબાનોનના પહાડો અને યર્દન નદીની પેલે પાર આવેલા પહાડો. (નકશો જુઓ.) એ પહાડી વિસ્તારોમાં આવેલાં અમુક શહેરો એકનજરે જોતા સલામત લાગી શકતાં હતાં. જેમ કે, ગમલા શહેરનો વિચાર કરો. એ ઊંચા પહાડ પર આવેલું હતું અને ત્યાં પહોંચવું ઘણું મુશ્કેલ હતું. અમુક યહૂદીઓને આશરો લેવા માટે એ શહેર એકદમ સલામત લાગતું હતું. પણ ત્યાં યહૂદીઓ અને રોમનો વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. રોમનોએ એ શહેરનો નાશ કરી દીધો અને ત્યાં રહેતા ઘણા લોકો માર્યા ગયા.b

નકશામાં પહેલી સદીના ઇઝરાયેલમાં આવેલાં અમુક પર્વતો અને શહેરો બતાવ્યાં છે. યરૂશાલેમની ઉત્તરે લબાનોન, ગાલીલ, સમરૂન અને ગિલયાદના પર્વતો તેમજ હેર્મોન પર્વત અને તાબોર પર્વત આવેલા છે. યરૂશાલેમની ઉત્તરે ગમલા, કાઈસારીઆ અને પેલ્લા શહેરો આવેલાં છે. યરૂશાલેમની દક્ષિણે યહૂદિયાના અને અબારીમના પર્વતો તેમજ મસાડા શહેર આવેલાં છે. નકશામાં એ પણ બતાવ્યું છે કે રોમનોએ ક્યાં ક્યાં યુદ્ધ કર્યું હતું અને ઈ.સ. ૬૭થી ઈ.સ. ૭૩ દરમિયાન રોમનોએ યહૂદીઓના કયા વિસ્તારો પોતાને તાબે કર્યા હતા.

યરૂશાલેમની આસપાસ ઘણા બધા પહાડો હતા, પણ પહેલી સદીના ખ્રિસ્તીઓ માટે ત્યાં નાસી જવું અને રહેવું સલામત ન હતું (ફકરો ૯ જુઓ)


૧૦-૧૧. (ક) યહોવાએ કદાચ કઈ રીતે ખ્રિસ્તીઓને માર્ગદર્શન આપ્યું હતું? (હિબ્રૂઓ ૧૩:૭, ૧૭) (ખ) આગેવાની લેતા ભાઈઓનું કહેવું માનવાથી ખ્રિસ્તીઓને કેવો ફાયદો થયો? (ચિત્ર પણ જુઓ.)

૧૦ એવું લાગે છે કે યહોવાએ મંડળમાં આગેવાની લેતા ભાઈઓ દ્વારા ખ્રિસ્તીઓને માર્ગદર્શન આપ્યું હતું. યુસીબિયસ નામના ઇતિહાસકારે એ સમયગાળા વિશે પછીથી જણાવ્યું: ‘ઈશ્વરે કોઈક રીતે યરૂશાલેમના અમુક ભાઈઓને જણાવ્યું હતું કે ખ્રિસ્તીઓ યુદ્ધ પહેલાં યરૂશાલેમમાંથી નીકળી જાય અને પેરીઆમાં આવેલા પેલ્લા શહેરમાં જઈને વસી જાય.’ ખ્રિસ્તીઓ માટે પેલ્લા શહેર એક યોગ્ય જગ્યા હતું. એ યરૂશાલેમથી એટલું દૂર ન હતું અને ત્યાં તેઓ સહેલાઈથી પહોંચી શકતા હતા. પેલ્લા શહેરમાં રહેતા મોટા ભાગના લોકો યહૂદી ન હતા, એટલે તેઓ રોમનો વિરુદ્ધ લડી રહ્યા ન હતા.—નકશો જુઓ.

૧૧ જે ખ્રિસ્તીઓ પહાડો પર નાસી ગયા, તેઓએ પાઉલની આ સલાહ પાળી હતી: “જેઓ તમારામાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો.” (હિબ્રૂઓ ૧૩:૭, ૧૭ વાંચો.) પાઉલની સલાહ પાળવાથી ખ્રિસ્તીઓનો જીવ બચી ગયો. ઇતિહાસ સાબિતી આપે છે કે ઈશ્વરે પોતાના લોકોને ત્યજી ન દીધા, કેમ કે તેઓ “એવા શહેરની રાહ જોતા હતા જેનો પાયો મજબૂત છે.”—હિબ્રૂ. ૧૧:૧૦.

પહેલી સદીના ખ્રિસ્તીઓનું એક જૂથ પોતાનો સામાન લઈને પહાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે.

પેલ્લા એકદમ સલામત જગ્યા હતી (ફકરા ૧૦-૧૧ જુઓ)


૧૨-૧૩. કપરા સંજોગોમાં યહોવાએ કઈ રીતે પોતાના લોકોને માર્ગદર્શન આપ્યું છે?

૧૨ આપણા માટે બોધપાઠ: યહોવા આગેવાની લેતા ભાઈઓ દ્વારા પોતાના લોકોને માર્ગદર્શન આપે છે કે અમુક ખાસ સંજોગોમાં શું કરવું જોઈએ. બાઇબલમાં એવા ઘણા અહેવાલો આપ્યા છે, જેનાથી જોવા મળે છે કે કપરા સંજોગોમાં પોતાના લોકોને દોરવા યહોવાએ કઈ રીતે વફાદાર માણસોનો ઉપયોગ કર્યો હતો. (પુન. ૩૧:૨૩; ગીત. ૭૭:૨૦) આજે પણ આપણે નજરોનજર જોઈએ છીએ કે યહોવા આગેવાની લેતા ભાઈઓ દ્વારા પોતાના લોકોને દોરી રહ્યા છે.

૧૩ હવે જરા આનો વિચાર કરો: કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ ત્યારે ‘આગેવાની લેતા’ ભાઈઓએ આપણને જરૂરી માર્ગદર્શન આપ્યું. વડીલોને માર્ગદર્શન આપવામાં આવ્યું કે કઈ રીતે મંડળો ભેગાં મળી શકે અને ભક્તિમાં લાગુ રહી શકે. મહામારી શરૂ થઈ એના અમુક જ મહિનાઓ પછી આપણે ૫૦૦ કરતાં વધારે ભાષાઓમાં મહાસંમેલનનો આનંદ માણ્યો. આપણાં ભાઈ-બહેનોએ ઇન્ટરનેટ કે ટીવી દ્વારા એ કાર્યક્રમ જોયો અથવા રેડિયો પર એ સાંભળ્યો. એવું તો ઇતિહાસમાં ક્યારેય બન્યું ન હતું! મહામારી દરમિયાન પણ યહોવા આપણને ભક્તિને લગતો ખોરાક આપતા રહ્યા. એના લીધે આપણે બધા એકતામાં રહી શક્યા. આપણે ખાતરી રાખી શકીએ કે ભાવિમાં ભલે ગમે એવી કસોટી આવે, યહોવા આગેવાની લેતા ભાઈઓને મદદ કરતા રહેશે, જેથી તેઓ સારા નિર્ણયો લઈ શકે. મોટી વિપત્તિ માટે તૈયાર થવા અને એ કપરા સમયમાં સમજી-વિચારીને વર્તવા યહોવા પર ભરોસો રાખવો જોઈએ અને તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ. એ સિવાય બીજા કયા ગુણો આપણને મદદ કરશે?

પ્રેમ અને મહેમાનગતિ બતાવો

૧૪. યરૂશાલેમનો વિનાશ થયો એ પહેલાં ખ્રિસ્તીઓએ હિબ્રૂઓ ૧૩:૧-૩માં જણાવેલા કયા ગુણો બતાવવાની જરૂર હતી?

૧૪ અત્યારે તો આપણે એકબીજાને પ્રેમ બતાવીએ જ છીએ, પણ મોટી વિપત્તિ શરૂ થશે ત્યારે વધારે પ્રેમ બતાવવો પડશે. એ સમયે આપણે યરૂશાલેમ અને યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓનો દાખલો અનુસરવો પડશે. તેઓએ હંમેશાં એકબીજાને પ્રેમ બતાવ્યો હતો. (હિબ્રૂ. ૧૦:૩૨-૩૪) પણ યરૂશાલેમનો વિનાશ થયો એના અમુક વર્ષો પહેલાં તેઓએ “ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ” બતાવવા વધારે મહેનત કરવાની હતી.c તેઓએ એકબીજાને “મહેમાનગતિ” પણ બતાવવાની હતી. (હિબ્રૂઓ ૧૩:૧-૩ વાંચો.) અંત નજીક આવતો જાય છે તેમ આપણે પણ એવું જ કરવું પડશે.

૧૫. યરૂશાલેમ છોડ્યા પછી હિબ્રૂ ખ્રિસ્તીઓએ કેમ એકબીજાને ભાઈઓની જેમ પ્રેમ અને મહેમાનગતિ બતાવવાનાં હતાં?

૧૫ રોમન સેનાએ યરૂશાલેમને ઘેરો ઘાલ્યો અને પછી અચાનક ત્યાંથી જતી રહી. એટલે ખ્રિસ્તીઓ યરૂશાલેમ છોડીને નાસી શક્યા. પણ તેઓ પોતાની સાથે બહુ ઓછી વસ્તુઓ લઈ જઈ શક્યા. (માથ. ૨૪:૧૭, ૧૮) પહાડોમાં મુસાફરી કરતી વખતે તેઓએ એકબીજા પર આધાર રાખવાનો હતો. પેલ્લા પહોંચ્યા પછી ઘર અને કામધંધો શોધવા તેઓએ એકબીજાને મદદ કરવાની હતી. બની શકે કે ઘણી વાર “મુસીબતના” સમયો આવ્યા હશે, જેમ કે ભાઈ-બહેનોને ખોરાક, કપડાં અને રહેવાની જગ્યાની જરૂર પડી હશે. એકબીજાને ટેકો આપીને અને પોતાની પાસે જે છે એ બીજાઓ સાથે વહેંચીને ખ્રિસ્તીઓ એકબીજાને પ્રેમ અને મહેમાનગતિ બતાવી શકતા હતા.—તિત. ૩:૧૪.

૧૬. જેઓને મદદની જરૂર છે તેઓને કઈ રીતે પ્રેમ બતાવી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૬ આપણા માટે બોધપાઠ: આપણે ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે જરૂરના સમયે તેઓને સહાય પૂરી પાડીએ છીએ. હાલનાં વર્ષોમાં યુદ્ધો અને કુદરતી આફતોને લીધે ઘણાં ભાઈ-બહેનોએ પોતાનાં ઘરબાર ગુમાવ્યાં છે અથવા પોતાનો દેશ છોડીને બીજે રહેવા જવું પડ્યું છે. પણ આપણાં ઘણાં ભાઈ-બહેનો રાજીખુશીથી તેઓને મદદ કરવા આગળ આવ્યાં છે. તેઓએ જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી છે અને તેઓને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા ઉત્તેજન આપ્યું છે. યુક્રેઇનમાં રહેતી આપણી એક બહેને યુદ્ધના લીધે પોતાનું ઘર છોડવું પડ્યું. તેણે કહ્યું: “અમે જોઈ શક્યા કે યહોવાએ ભાઈ-બહેનો દ્વારા અમને માર્ગદર્શન આપ્યું અને અમારી સંભાળ રાખી. તેઓએ યુક્રેઇનમાં, હંગેરીમાં અને હવે અહીં જર્મનીમાં અમારો આવકાર કર્યો અને અમને મદદ પૂરી પાડી.” જ્યારે ભાઈ-બહેનોને મહેમાનગતિ બતાવીએ છીએ અને તેઓની જરૂરિયાતો પૂરી કરવા મદદ કરીએ છીએ, ત્યારે યહોવા સાથે કામ કરનાર બનીએ છીએ.—નીતિ. ૧૯:૧૭; ૨ કોરીં. ૧:૩, ૪.

એક વૃદ્ધ પતિ-પત્ની એક કુટુંબને પોતાના ઘરમાં આશરો આપે છે, જેઓએ પોતાનાં ઘરબાર ગુમાવ્યાં છે. તેઓ પાસે એક સૂટકેસ અને અમુક થેલા છે.

જે ભાઈ-બહેનોએ પોતાનાં ઘરબાર ગુમાવવાં કે છોડવાં પડ્યાં છે, તેઓને આપણી મદદની જરૂર છે (ફકરો ૧૬ જુઓ)


૧૭. આપણે હમણાં કેમ ભાઈઓની જેમ પ્રેમ અને મહેમાનગતિ બતાવવાનું શીખવું જોઈએ?

૧૭ આજે ભાઈ-બહેનોને જેટલી મદદ કરીએ છીએ, એનાથી વધારે મદદ મોટી વિપત્તિ દરમિયાન કરવી પડશે. (હબા. ૩:૧૬-૧૮) એટલે આજે યહોવા આપણને ભાઈઓની જેમ પ્રેમ અને મહેમાનગતિ બતાવવાનું શીખવી રહ્યા છે. મોટી વિપત્તિ દરમિયાન એ બંને ગુણો બતાવવાની સખત જરૂર પડશે.

ભાવિમાં શું થશે?

૧૮. આપણે કઈ રીતે પહેલી સદીના ખ્રિસ્તીઓનો દાખલો અનુસરી શકીએ?

૧૮ યરૂશાલેમનો વિનાશ થયો ત્યારે જે ખ્રિસ્તીઓએ આજ્ઞા પાળીને પહાડો પર નાસી ગયા, તેઓએ પોતાનું જીવન બચાવ્યું. તેઓએ પોતાનું બધું છોડી દીધું, પણ યહોવાએ તેઓનો હાથ કદી ન છોડ્યો. તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ? આપણે જાણતા નથી કે ભાવિમાં બનાવો કયો વળાંક લેશે. પણ આપણે ઈસુએ આપેલી ચેતવણી સારી રીતે જાણીએ છીએ. તેમણે કહ્યું હતું કે આપણે આજ્ઞા પાળવા તૈયાર રહેવાનું છે. (લૂક ૧૨:૪૦) આપણે હિબ્રૂઓને પત્રમાં પાઉલે આપેલી સલાહ પણ સારી રીતે જાણીએ છીએ. એ સલાહ પહેલી સદીમાં કામ લાગી હતી અને આજે પણ કામ લાગી શકે છે. એ ઉપરાંત, યહોવાએ આપણને દરેકને વચન આપ્યું છે કે તે આપણને કદી પણ છોડી દેશે નહિ કે ત્યજી દેશે નહિ. (હિબ્રૂ. ૧૩:૫, ૬) તો ચાલો ઈશ્વરના રાજ્યની, એટલે કે એ શહેરની આતુરતાથી રાહ જોતા રહીએ, જે હંમેશાં ટકી રહેશે. પછી આપણે યુગોના યુગો સુધી શાનદાર આશીર્વાદોનો આનંદ માણતા રહીશું.—માથ. ૨૫:૩૪.

તમે શું કહેશો?

  • આપણે કેમ હમણાં યહોવા પરનો ભરોસો વધારવાની જરૂર છે?

  • ‘મોટી વિપત્તિમાંથી’ બચવા આપણે કેમ આજ્ઞા પાળવાની જરૂર પડશે?

  • આપણે હમણાં કેમ ભાઈઓની જેમ પ્રેમ અને મહેમાનગતિ બતાવવાનું શીખવું જોઈએ?

ગીત ૧૬ ઈશ્વરના રાજ્યમાં આશરો લો

a બાઇબલ સમયમાં ઘણી વાર એક રાજા શહેરો પર રાજ કરતો. એવા શહેરને રાજ્ય ગણી શકાતું.—ઉત. ૧૪:૨.

b એ ઈ.સ. ૬૭માં, એટલે કે ખ્રિસ્તીઓ યહૂદિયા અને યરૂશાલેમ છોડીને ગયા એના થોડા જ સમય પછી બન્યું.

c ‘ભાઈઓની જેમ પ્રેમ’ માટે મૂળ ભાષામાં જે શબ્દ વપરાયો છે, એ કુટુંબીજનો માટેના પ્રેમને રજૂ કરી શકે છે. પણ પાઉલે એ શબ્દ મંડળનાં ભાઈ-બહેનો વચ્ચેના ગાઢ પ્રેમને બતાવવા વાપર્યો હતો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો