પુનર્નિયમ
૧ ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં* હતા ત્યારે મૂસાએ તેઓને આ વાતો જણાવી. એ વેરાન પ્રદેશ સૂફની સામે અને પારાન, તોફેલ, લાબાન, હસેરોથ અને દી-ઝાહાબની વચ્ચે આવેલા યર્દન પાસે હતો. ૨ (સેઈર પર્વતને રસ્તે હોરેબથી કાદેશ-બાર્નેઆ+ જતા ૧૧ દિવસ લાગે છે.) ૩ ઇજિપ્તથી* નીકળ્યા એના ૪૦મા વર્ષના+ ૧૧મા મહિનાના પહેલા દિવસે મૂસાએ ઇઝરાયેલીઓને* એ બધી વાતો કહી, જે કહેવાની યહોવાએ* તેને આજ્ઞા આપી હતી. ૪ એ પહેલાં મૂસાએ હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનને+ હરાવ્યો હતો અને આશ્તારોથમાં રહેતા બાશાનના રાજા ઓગને+ એડ્રેઈમાં*+ હરાવ્યો હતો. ૫ મોઆબ દેશમાં યર્દનના વિસ્તારમાં મૂસાએ ઈશ્વરના નિયમો વિશે સમજાવતા કહ્યું:+
૬ “આપણા ઈશ્વર યહોવાએ હોરેબમાં કહ્યું હતું, ‘આ પહાડી વિસ્તારમાં તમે ઘણો સમય રહ્યા છો.+ ૭ હવે આગળ વધો અને અમોરીઓના+ પહાડી વિસ્તારમાં જાઓ. આસપાસમાં આવેલા અરાબાહ,+ પહાડી વિસ્તાર, શેફેલાહ, નેગેબ અને સમુદ્ર કાંઠાના+ વિસ્તારોમાં પણ જાઓ. કનાનીઓના દેશ સુધી જાઓ. છેક લબાનોન*+ અને મોટી નદી યુફ્રેટિસ*+ સુધી જાઓ. ૮ એ આખો દેશ મેં તમને આપ્યો છે. જાઓ, એ દેશ કબજે કરો. યહોવાએ તમારા બાપદાદાઓ ઇબ્રાહિમ, ઇસહાક+ અને યાકૂબ+ આગળ સમ ખાઈને કહ્યું હતું કે, એ દેશ તેઓને અને તેઓના વંશજને આપશે.’+
૯ “એ સમયે મેં તમને કહ્યું હતું, ‘હું એકલા હાથે તમારો બોજ ઉપાડી શકું એમ નથી.+ ૧૦ યહોવા તમારા ઈશ્વરે તમારી સંખ્યા ઘણી વધારી છે. હા, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી અગણિત છે.+ ૧૧ જેમ તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવાએ વચન આપ્યું હતું, તેમ તે તમારી સંખ્યા હજાર ગણી વધારે+ અને તમને આશીર્વાદ આપે.+ ૧૨ હું એકલો કઈ રીતે તમારો બોજ ઉપાડી શકું? હું તમારી સમસ્યાઓ અને તકરારો હલ કરી શકું એમ નથી.+ ૧૩ એટલે તમારાં કુળોમાંથી બુદ્ધિમાન, સમજુ અને અનુભવી પુરુષો પસંદ કરો. હું તેઓને તમારા પર ઉપરીઓ ઠરાવીશ.’+ ૧૪ ત્યારે તમે કહ્યું હતું, ‘તમારી વાત બરાબર છે. અમે એ પ્રમાણે જ કરીશું.’ ૧૫ એટલે મેં તમારાં કુળોના વડાને પસંદ કર્યા, જેઓ બુદ્ધિમાન અને અનુભવી હતા. મેં તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસનાં ટોળાં પર મુખીઓ અને કુળોના ઉપરીઓ બનાવ્યા.+
૧૬ “એ સમયે મેં તમારા ન્યાયાધીશોને* આજ્ઞા આપી હતી, ‘જ્યારે તમારા ભાઈઓ તમારી આગળ મુકદ્દમો રજૂ કરે, ત્યારે તમે અદ્દલ ન્યાય કરો,+ પછી ભલે એ બે ઇઝરાયેલીઓ વચ્ચે હોય કે ઇઝરાયેલી અને તમારી સાથે રહેતા પરદેશી વચ્ચે હોય.+ ૧૭ ન્યાય કરો ત્યારે તમે પક્ષપાત ન કરો.+ જેમ તમે મોટા માણસની વાત સાંભળો છો, તેમ નાના માણસની પણ વાત સાંભળો.+ તમે માણસોનો ડર ન રાખો,+ કેમ કે તમે ઈશ્વર તરફથી ન્યાય કરો છો.+ જો કોઈ મુકદ્દમો ખૂબ અઘરો લાગે, તો તમે એ મારી પાસે લાવજો અને હું એ સાંભળીશ.’+ ૧૮ એ જ સમયે મેં જણાવી દીધું હતું કે તમારે શું કરવું જોઈએ.
૧૯ “પછી યહોવા આપણા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબથી નીકળ્યા. અમોરીઓના+ પહાડી વિસ્તાર સુધી જવા આપણે વિશાળ અને ભયાનક વેરાન પ્રદેશમાંથી પસાર થયા.+ એ પ્રદેશ તમે પોતાની આંખે જોયો હતો. આખરે, આપણે કાદેશ-બાર્નેઆ+ આવી પહોંચ્યા. ૨૦ ત્યારે મેં તમને કહ્યું હતું: ‘તમે અમોરીઓના પહાડી વિસ્તારમાં આવી પહોંચ્યા છો, જે આપણા ઈશ્વર યહોવા આપણને આપવાના છે. ૨૧ જુઓ, યહોવા તમારા ઈશ્વરે આ દેશ તમને આપ્યો છે. તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવાએ તમને કહ્યું છે તેમ, જાઓ અને એ દેશ કબજે કરો.+ ગભરાશો નહિ કે ડરશો નહિ.’
૨૨ “પણ તમે બધાએ મારી પાસે આવીને કહ્યું, ‘ચાલો અમુક માણસોને આપણી આગળ મોકલીએ. તેઓ દેશની તપાસ કરે અને પાછા આવીને જણાવે કે આપણે કયા રસ્તે આગળ વધવું જોઈએ અને કેવાં કેવાં શહેરોનો સામનો કરવો પડશે.’+ ૨૩ એ સૂચન મને સારું લાગ્યું. મેં દરેક કુળમાંથી એક માણસ, એટલે કે તમારામાંથી ૧૨ માણસો પસંદ કર્યા.+ ૨૪ તેઓ પહાડી વિસ્તારમાં+ ગયા અને એશ્કોલની ખીણે પહોંચીને દેશની જાસૂસી કરી. ૨૫ તેઓ એ દેશનાં અમુક ફળ ભેગાં કરીને આપણી પાસે લઈ આવ્યા. તેઓએ આપણને સંદેશો આપ્યો, ‘યહોવા આપણા ઈશ્વર જે દેશ આપણને આપવાના છે, એ ઉત્તમ છે.’+ ૨૬ પણ તમે ત્યાં જવાની ના પાડી અને તમારા ઈશ્વર યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈને બંડ પોકાર્યું.+ ૨૭ તમે તમારા તંબુઓમાં કચકચ કરવા લાગ્યા, ‘યહોવા આપણને ધિક્કારે છે, એટલે જ તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે, જેથી અમોરીઓના હાથમાં સોંપીને આપણો નાશ કરે. ૨૮ બાપ રે! આપણે કેવા દેશમાં જઈ રહ્યા છીએ? આપણા ભાઈઓની વાતો સાંભળીને આપણી હિંમત તૂટી ગઈ છે,+ તેઓ કહે છે, “ત્યાંના લોકો આપણાથી પણ વધારે બળવાન અને કદાવર છે. તેઓનાં શહેરો ખૂબ મોટાં છે અને શહેરનો કોટ ગગનચુંબી છે.+ અમે ત્યાં અનાકીઓના*+ દીકરાઓને પણ જોયા.”’
૨૯ “મેં તમને કહ્યું, ‘તેઓથી ડરશો નહિ કે ગભરાશો નહિ.+ ૩૦ તમારા ઈશ્વર યહોવા તમારી આગળ જશે અને તમારા માટે લડશે,+ જેમ તેમણે તમારા દેખતાં ઇજિપ્તમાં કર્યું હતું.+ ૩૧ તમે વેરાન પ્રદેશમાં જોયું હતું કે તમારા ઈશ્વર યહોવાએ તમારી કેવી સંભાળ રાખી હતી. જેમ એક પિતા પોતાના દીકરાને ગોદમાં ઊંચકી લે છે, તેમ આખી મુસાફરીમાં ઈશ્વર તમને ગોદમાં ઊંચકીને આ જગ્યાએ સહીસલામત લઈ આવ્યા.’ ૩૨ છતાં, તમે યહોવા તમારા ઈશ્વર પર ભરોસો મૂક્યો નહિ.+ ૩૩ તે તમારી આગળ આગળ ચાલતા હતા અને તમારા પડાવ માટે જગ્યા શોધતા હતા. રાતે અગ્નિના સ્તંભથી અને દિવસે વાદળના સ્તંભથી તે તમને માર્ગ બતાવતા હતા.+
૩૪ “તમારી કચકચ સાંભળીને યહોવા ખૂબ ગુસ્સે ભરાયા અને તેમણે સમ ખાઈને કહ્યું,+ ૩૫ ‘મેં તમારા બાપદાદાઓને ઉત્તમ દેશ આપવાના સમ ખાધા હતા. પણ આ દુષ્ટ પેઢીનો એકેય માણસ એ દેશ જોશે નહિ.+ ૩૬ ફક્ત યફૂન્નેહનો દીકરો કાલેબ એ દેશમાં જશે. જે જમીન પર તેના પગ પડ્યા છે, એ હું તેને અને તેના દીકરાઓને આપીશ, કેમ કે તે પૂરા દિલથી* યહોવાની પાછળ ચાલ્યો છે.+ ૩૭ (તમારા લીધે યહોવા મારા પર પણ ગુસ્સે ભરાયા અને મને કહ્યું, “તું પણ એ દેશમાં નહિ જાય.+ ૩૮ નૂનનો દીકરો યહોશુઆ, જે તારો સેવક છે,*+ તે એ દેશમાં જશે.+ તેને હિંમત આપ,*+ કેમ કે તે ઇઝરાયેલીઓને દેશનો વારસો અપાવશે.”) ૩૯ જે બાળકો વિશે તમે કહ્યું હતું કે તેઓને લૂંટી લેવામાં આવશે+ તેઓ પણ એ દેશમાં જશે. તમારા એ દીકરાઓ હમણાં સારું-નરસું જાણતા નથી પણ એ દેશ હું તેઓના કબજામાં સોંપીશ.+ ૪૦ હવે તમે લોકો પાછા ફરો અને લાલ સમુદ્રના રસ્તે વેરાન પ્રદેશમાં જાઓ.’+
૪૧ “ત્યારે તમે મને કહ્યું, ‘અમે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે. હવે અમે અમારા ઈશ્વર યહોવાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવા ઉપર જઈશું!’ તમે બધાએ યુદ્ધનાં હથિયારો સજી લીધાં અને વિચાર્યું કે પહાડ ચઢીને યુદ્ધ કરવું સહેલું હશે.+ ૪૨ પણ યહોવાએ મને કહ્યું, ‘તેઓને જણાવ: “યુદ્ધ કરવા ઉપર જશો નહિ, કેમ કે હું તમારી સાથે નથી.+ જો તમે જશો, તો તમારા દુશ્મનો સામે હારી જશો.”’ ૪૩ મેં તમને એ જણાવ્યું, પણ તમે મારું સાંભળ્યું નહિ. તમે ઘમંડી બનીને યહોવાની આજ્ઞા વિરુદ્ધ ગયા અને પહાડ ચઢવા લાગ્યા. ૪૪ એ પહાડ પર રહેતા અમોરીઓ નીકળી આવ્યા. તેઓએ મધમાખીઓની જેમ તમારો પીછો કર્યો અને તમને સેઈરમાં છેક હોર્માહ સુધી નસાડી મૂક્યા. ૪૫ તમે પાછા ફર્યા અને યહોવા આગળ વિલાપ કરવા લાગ્યા. પણ યહોવાએ તમારું સાંભળ્યું નહિ કે તમારી તરફ ધ્યાન આપ્યું નહિ. ૪૬ તમે લાંબો સમય કાદેશમાં જ રહ્યા.
૨ “યહોવાએ મને કહ્યું હતું તેમ, આપણે પાછા ફર્યા અને લાલ સમુદ્ર તરફ જતા રસ્તેથી વેરાન પ્રદેશ જવા નીકળ્યા.+ આપણે ઘણા દિવસો સુધી સેઈર પર્વતની આસપાસ મુસાફરી કરી. ૨ આખરે યહોવાએ મને કહ્યું, ૩ ‘આ પર્વતની આસપાસ તમે લાંબો સમય વિતાવ્યો છે. હવે ઉત્તર તરફ વળો. ૪ તું લોકોને આજ્ઞા કર: “હવે તમે સેઈરમાં+ રહેતા તમારા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોના+ વિસ્તારમાંથી પસાર થવાના છો. તેઓ તમારાથી ડરશે,+ પણ તમે આનું ધ્યાન રાખજો, ૫ તેઓ સાથે ઝઘડશો નહિ.* હું તેઓના દેશમાં તમને કોઈ વારસો આપીશ નહિ, હા, પગ મૂકવા જેટલી જમીન પણ આપીશ નહિ, કેમ કે મેં સેઈર પર્વત એસાવને આપ્યો છે.+ ૬ ત્યાં તમે કિંમત ચૂકવીને ખોરાક ખરીદજો, પાણી પણ વેચાતું લેજો.+ ૭ તમારા ઈશ્વર યહોવાએ તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપ્યો છે. આ વિશાળ વેરાન પ્રદેશમાં તમે ચાલીને જે મુસાફરી કરી છે, એને તે સારી રીતે જાણે છે. આ ૪૦ વર્ષો દરમિયાન યહોવા તમારા ઈશ્વર તમારી સાથે હતા અને તમને કશાની ખોટ પડી નથી.”’+ ૮ આપણે સેઈરમાં રહેતા આપણા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોના વિસ્તારમાંથી પસાર થયા.+ આપણે અરાબાહ, એલાથ અને એસ્યોન-ગેબેરના+ રસ્તેથી દૂર રહ્યા.
“પછી આપણે વળીને મોઆબના વેરાન પ્રદેશ તરફ જતા રસ્તે આગળ વધ્યા.+ ૯ એ સમયે યહોવાએ મને કહ્યું, ‘તમે મોઆબ સાથે ઝઘડશો નહિ કે યુદ્ધ કરશો નહિ. હું તેના દેશનો કોઈ પણ પ્રદેશ તમને કબજે કરવા નહિ દઉં, કેમ કે આરનો વિસ્તાર મેં લોતના વંશજોને આપ્યો છે.+ ૧૦ (અગાઉ એમીઓ+ ત્યાં રહેતા હતા. તેઓ અનાકીઓની* જેમ શક્તિશાળી, કદાવર અને સંખ્યામાં ઘણા હતા. ૧૧ અનાકીઓની+ જેમ રફાઈઓ+ પણ કદાવર લોકો તરીકે જાણીતા હતા. મોઆબના લોકો રફાઈઓને એમીઓ કહેતા હતા. ૧૨ હોરીઓ+ અગાઉ સેઈરમાં રહેતા હતા. પણ એસાવના વંશજોએ તેઓનો સંહાર કર્યો અને તેઓનો વિસ્તાર કબજે કરીને એમાં રહેવા લાગ્યા.+ એવી જ રીતે, ઇઝરાયેલ પણ એ દેશ કબજે કરશે, જે યહોવા તેને આપવાના છે.) ૧૩ હવે જાઓ અને ઝેરેદની ખીણ પાર કરો.’ એટલે આપણે ઝેરેદની ખીણ પાર કરી.+ ૧૪ આપણને કાદેશ-બાર્નેઆથી ચાલીને ઝેરેદની ખીણ પાર કરતા ૩૮ વર્ષ લાગ્યાં. યહોવાએ સમ ખાઈને કહ્યું હતું તેમ, એ સમય દરમિયાન આપણામાંથી સૈનિકોની આખી પેઢી મરણ પામી.+ ૧૫ તેઓનો નાશ ન થયો ત્યાં સુધી યહોવાનો હાથ તેઓ વિરુદ્ધ રહ્યો.+
૧૬ “લોકોમાંથી બધા સૈનિકોનું મરણ થયું પછી તરત જ+ ૧૭ યહોવાએ ફરીથી મારી સાથે વાત કરી. તેમણે કહ્યું, ૧૮ ‘આજે તમે આર, એટલે કે મોઆબની સરહદ પાર કરીને જવાના છો. ૧૯ તમે આમ્મોનીઓના વિસ્તાર નજીકથી પસાર થાઓ ત્યારે, તેઓને હેરાન કરશો નહિ કે ઉશ્કેરશો નહિ. હું તેઓના દેશમાં તમને કોઈ વારસો આપીશ નહિ, કેમ કે મેં એ વિસ્તાર લોતના વંશજોને વારસા તરીકે આપ્યો છે.+ ૨૦ એ પણ રફાઈઓનો દેશ ગણાતો હતો.+ (અગાઉ રફાઈઓ ત્યાં રહેતા હતા અને આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ કહેતા હતા. ૨૧ અનાકીઓની જેમ તેઓ શક્તિશાળી, કદાવર અને સંખ્યામાં ઘણા હતા.+ પણ યહોવાએ આમ્મોનીઓ સામે તેઓને હરાવી દીધા. આમ્મોનીઓએ તેઓને કાઢી મૂક્યા અને ત્યાં વસવા લાગ્યા. ૨૨ ઈશ્વરે એસાવના વંશજો માટે એવું જ કર્યું, જેઓ હમણાં સેઈરમાં રહે છે.+ તેમણે એસાવના વંશજો આગળથી હોરીઓનો નાશ કર્યો,+ જેથી તેઓ હોરીઓનો વિસ્તાર કબજે કરીને ત્યાં રહી શકે. આજે પણ તેઓ ત્યાં જ રહે છે. ૨૩ આવ્વીઓ છેક ગાઝા સુધીનાં ગામડાઓમાં રહેતા હતા.+ પણ કાફતોરથી* કાફતોરીઓ+ આવ્યા અને તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસી ગયા.)
૨૪ “‘હવે ઊઠો અને આર્નોનની ખીણ પાર કરીને આગળ વધો.+ જુઓ, મેં હેશ્બોનના અમોરી રાજા સીહોનને+ તમારા હાથમાં સોંપ્યો છે. તેની સાથે યુદ્ધ કરો અને તેનો દેશ કબજે કરો. ૨૫ હું આજથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓમાં તમારો એવો ડર, તમારી એવી ધાક બેસાડીશ કે તમારા વિશે સાંભળતાં જ તેઓ હચમચી જશે અને થરથર કાંપશે.’*+
૨૬ “પછી મેં કદેમોથના વેરાન પ્રદેશથી+ સંદેશવાહકો મોકલીને હેશ્બોનના રાજા સીહોનને શાંતિનો આ સંદેશો મોકલ્યો:+ ૨૭ ‘મને તમારા દેશમાંથી જવા દો. હું મુખ્ય રસ્તા ઉપર જ ચાલીશ અને જમણે કે ડાબે વળીશ નહિ.+ ૨૮ હું તમારી પાસેથી જે કંઈ ખોરાક કે પાણી લઈશ, એની કિંમત ચૂકવીશ. ફક્ત મને પગપાળા તમારા વિસ્તારમાંથી જવા દો. ૨૯ સેઈરમાં રહેતા એસાવના વંશજો અને આરમાં રહેતા મોઆબીઓ મારી સાથે એ જ રીતે વર્ત્યા હતા. હું યર્દન પાર કરીને યહોવા અમને આપવાના છે એ દેશમાં પહોંચું ત્યાં સુધી મને તમારા વિસ્તારમાંથી જવા દો.’ ૩૦ પણ હેશ્બોનના રાજા સીહોને આપણને ત્યાંથી જવા દીધા નહિ. તેનું દિલ કઠોર થઈ ગયું હતું અને તે પોતાની જિદ્દ પર અડી રહ્યો હતો. તમારા ઈશ્વર યહોવાએ તેનું દિલ હઠીલું થવા દીધું,+ જેથી તે તેને તમારા હાથમાં સોંપી દે, જેમ હમણાં તે તમારા હાથમાં છે.+
૩૧ “પછી યહોવાએ મને કહ્યું: ‘જો, મેં સીહોન અને તેનો દેશ તારા હાથમાં સોંપી દીધો છે. તું એને કબજે કરવાનું શરૂ કર.’+ ૩૨ સીહોન જ્યારે પોતાનું સૈન્ય લઈને આપણી સામે લડવા યાહાસ આવ્યો,+ ૩૩ ત્યારે યહોવા આપણા ઈશ્વરે તેને આપણા હાથમાં સોંપી દીધો. આપણે તેને, તેના દીકરાઓને અને તેના બધા લોકોને હરાવી દીધા. ૩૪ આપણે તેનાં બધાં શહેરો કબજે કર્યાં અને એનો નાશ કર્યો, સ્ત્રી-પુરુષો અને બાળકોને મારી નાખ્યાં. આપણે એકેય વ્યક્તિને જીવતી રહેવા દીધી નહિ.+ ૩૫ પણ કબજે કરેલાં શહેરોમાંથી ફક્ત ઢોરઢાંક અને લૂંટ પોતાના માટે રાખી લીધાં. ૩૬ આર્નોનની ખીણને કિનારે આવેલા અરોએરથી+ લઈને (તેમજ ખીણના શહેરથી લઈને) છેક ગિલયાદ સુધી એકેય નગર એટલું શક્તિશાળી ન હતું કે આપણી સામે ટકી શકે. આપણા ઈશ્વર યહોવાએ એ બધું આપણા હાથમાં સોંપી દીધું.+ ૩૭ પણ આપણા ઈશ્વર યહોવાએ મના કરેલા કોઈ પણ પ્રદેશમાં તમે ગયા નહિ. હા, તમે આમ્મોનીઓનો વિસ્તાર,+ એટલે કે યાબ્બોકનો+ આખો ખીણપ્રદેશ અને પહાડી વિસ્તારનાં શહેરો કે એવા બીજા કોઈ પણ પ્રદેશમાં ગયા નહિ.
૩ “પછી આપણે ફરીને બાશાનને માર્ગે ગયા. બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા પોતાના લોકો સાથે એડ્રેઈમાં+ આવ્યો. ૨ ત્યારે યહોવાએ મને કહ્યું: ‘તેનાથી ડરીશ નહિ, કેમ કે તેને, તેની પ્રજાને અને તેના દેશને હું તારા હાથમાં સોંપીશ. હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનના તેં જેવા હાલ કર્યા હતા, એવા જ હાલ તેના પણ કરજે.’ ૩ આમ, યહોવા આપણા ઈશ્વરે બાશાનના રાજા ઓગ અને તેના લોકોને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને મારી નાખ્યા, તેના લોકોમાંથી કોઈ બચ્યું નહિ. ૪ આપણે બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય, એટલે કે આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. એવું એક પણ નગર ન હતું, જેને આપણે જીત્યું ન હોય. આપણે તેનાં કુલ ૬૦ શહેરો જીતી લીધાં.+ ૫ એ બધાં શહેરો કોટવાળાં હતાં. એને ઊંચી ઊંચી દીવાલો, દરવાજા અને ભૂંગળો હતાં. ત્યાં કોટ વગરનાં પણ ઘણાં નગરો હતાં. ૬ પણ આપણે એ બધાં શહેરોનો અને નગરોનો નાશ કરી દીધો.+ જેમ આપણે હેશ્બોનના રાજા સીહોનને કર્યું હતું, તેમ આપણે ત્યાંના એકેએક શહેરનો વિનાશ કર્યો અને સ્ત્રી-પુરુષો અને બાળકોને મારી નાખ્યાં.+ ૭ પણ એ શહેરોમાંથી ઢોરઢાંક અને લૂંટ આપણે પોતાના માટે રાખી લીધાં.
૮ “એ વખતે આપણે અમોરીઓના બંને રાજાઓના હાથમાંથી તેઓનો પ્રદેશ જીતી લીધો.+ એ પ્રદેશ યર્દનના વિસ્તારમાં આર્નોનની ખીણથી છેક હેર્મોન પર્વત સુધી હતો.+ ૯ (એ પર્વતને સિદોની લોકો સિરયોન કહેતા અને અમોરી લોકો સનીર કહેતા.) ૧૦ આપણે તેઓના સપાટ વિસ્તારનાં બધાં શહેરો, આખું ગિલયાદ અને છેક સાલખાહ અને એડ્રેઈ+ સુધી આખું બાશાન જીતી લીધાં. સાલખાહ અને એડ્રેઈ શહેરો રાજા ઓગના રાજ્ય બાશાનમાં આવેલાં હતાં. ૧૧ રફાઈઓમાંથી બાકી રહેલાઓમાં બાશાનનો રાજા ઓગ છેલ્લો હતો. તેની ઠાઠડી* લોઢાની* હતી. એ સામાન્ય માપ* પ્રમાણે નવ હાથ* લાંબી અને ચાર હાથ પહોળી હતી. આજે પણ એ આમ્મોનીઓના રાબ્બાહમાં છે. ૧૨ એ સમયે આપણે આ વિસ્તાર પણ કબજે કર્યો: આર્નોનની ખીણ પાસે અરોએરથી+ લઈને ગિલયાદનો અડધો પહાડી વિસ્તાર. એનાં બધાં શહેરો મેં રૂબેનીઓ અને ગાદીઓને આપ્યાં છે.+ ૧૩ ગિલયાદનો બાકીનો ભાગ અને બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય મેં મનાશ્શાના અડધા કુળને આપ્યું છે.+ બાશાનમાં આવેલો આર્ગોબનો આખો વિસ્તાર રફાઈઓના પ્રદેશ તરીકે ઓળખાતો હતો.
૧૪ “મનાશ્શાના દીકરા યાઈરે+ ગશૂરીઓ અને માઅખાથીઓની+ સરહદ સુધી આર્ગોબનો આખો વિસ્તાર+ લઈ લીધો. તેણે પોતાના નામ પરથી બાશાનનાં એ ગામોનું નામ હાવ્વોથ-યાઈર*+ પાડ્યું. આજે પણ તે વિસ્તાર એ જ નામથી ઓળખાય છે. ૧૫ માખીરને મેં ગિલયાદ આપ્યું હતું.+ ૧૬ રૂબેનીઓ અને ગાદીઓને+ મેં આ વિસ્તાર આપ્યો: ગિલયાદથી લઈને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ (એ ખીણનો વચ્ચેનો ભાગ એની સરહદ છે); છેક યાબ્બોકની ખીણ સુધીનો પ્રદેશ, જે આમ્મોનીઓની સરહદ છે; ૧૭ તેમ જ, અરાબાહ, યર્દન અને યર્દનના કિનારા સુધીનો પ્રદેશ, એટલે કે કિન્નેરેથથી અરાબાહના સમુદ્ર સુધી. અરાબાહનો સમુદ્ર, એટલે કે ખારો સમુદ્ર* પૂર્વ તરફ પિસ્ગાહના ઢોળાવની તળેટીએ આવેલો છે.+
૧૮ “પછી મેં તમને* આ આજ્ઞા આપી: ‘તમારા ઈશ્વર યહોવાએ તમને આ દેશ કબજે કરવા આપ્યો છે. તમારા બધા શૂરવીર પુરુષો હથિયારો સજી લે અને તમારા ઇઝરાયેલી ભાઈઓની આગળ આગળ નદીને પેલે પાર જાય.+ ૧૯ ફક્ત તમારી પત્નીઓ, તમારાં બાળકો અને તમારાં ઢોરઢાંકને (હું જાણું છું કે તમારી પાસે ઘણાં ઢોરઢાંક છે) એ શહેરોમાં રહેવા દો, જે મેં તમને આપ્યાં છે. ૨૦ તમારા ઈશ્વર યહોવા યર્દનને પેલે પાર જે દેશ તમારા ભાઈઓને આપવાના છે, એનો તેઓ કબજો મેળવે અને તમારી જેમ યહોવા તેઓને પણ ઠરીઠામ કરે* ત્યાં સુધી તમે તેઓને સાથ આપજો. પછી મેં તમને વારસામાં આપેલા દેશમાં તમે પાછા ફરજો.’+
૨૧ “એ સમયે મેં યહોશુઆને આ આજ્ઞા આપી:+ ‘તેં તારી આંખોએ જોયું છે કે યહોવા આપણા ઈશ્વરે એ બે રાજાઓના કેવા હાલ કર્યા છે. તું નદી પાર કરીને જ્યાં જવાનો છે, એ બધાં રાજ્યોના પણ યહોવા એવા જ હાલ કરશે.+ ૨૨ તમે તેઓથી ગભરાતા નહિ, કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારા વતી લડે છે.’+
૨૩ “ત્યારે મેં યહોવાને આજીજી કરી, ૨૪ ‘હે વિશ્વના માલિક* યહોવા, તમે તમારા આ સેવકને તમારી મહાનતા અને તમારો શક્તિશાળી હાથ દેખાડવાનું શરૂ કર્યું છે.+ ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર એવો કયો દેવ છે, જે તમારાં જેવાં પરાક્રમી કામો કરી શકે?+ ૨૫ કૃપા કરીને મને યર્દન પાર જવા દો અને એ ઉત્તમ દેશ જોવા દો. હા, એ સુંદર પહાડી વિસ્તાર અને લબાનોન જોવા દો.’+ ૨૬ પણ તમારા લીધે યહોવા હજી મારા પર ગુસ્સે હતા+ અને તેમણે મારું સાંભળ્યું નહિ. યહોવાએ મને કહ્યું: ‘બસ, બહુ થયું! હવે આ વિશે વાત કરતો નહિ. ૨૭ તું પિસ્ગાહના શિખર પર ચઢ.+ ત્યાંથી ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ચારે તરફ નજર કર અને આખો દેશ જો, કેમ કે તું યર્દન પાર કરશે નહિ.+ ૨૮ તું યહોશુઆને આગેવાન બનાવ.+ તેને ઉત્તેજન આપ અને તેની હિંમત વધાર, કેમ કે તે આ લોકોની આગળ આગળ રહીને નદી પાર કરશે+ અને જે દેશ તું જોશે એનો વારસો તેઓને અપાવશે.’ ૨૯ આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં પડાવ નાખ્યો હતો ત્યારે એ બધું બન્યું હતું.+
૪ “હે ઇઝરાયેલીઓ, જે નિયમો અને કાયદા-કાનૂન હું તમને શીખવું છું, એ ધ્યાનથી સાંભળો અને એનું પાલન કરો, જેથી તમે જીવતા રહો+ અને જઈને એ દેશને કબજે કરો, જે તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવા તમને આપી રહ્યા છે. ૨ હું તમને જે આજ્ઞા આપું છું એમાં કંઈ પણ વધારો કે ઘટાડો કરશો નહિ.+ તમારા ઈશ્વર યહોવાની જે આજ્ઞાઓ હું તમને આપું છું એ પાળતા રહેજો.
૩ “પેઓરના બઆલના* કિસ્સામાં યહોવાએ જે કર્યું હતું, એ તમે નજરોનજર જોયું છે. તમારા ઈશ્વર યહોવાએ તમારામાંથી એ બધા માણસોનો સંહાર કર્યો, જેઓ પેઓરના બઆલની પૂજા કરતા હતા.+ ૪ પણ તમારામાંથી જેઓ તમારા ઈશ્વર યહોવાને વળગી રહ્યા, તેઓ બધા આજ સુધી જીવતા રહ્યા છો. ૫ જુઓ, યહોવા મારા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે મેં તમને નિયમો અને કાયદા-કાનૂન શીખવ્યા છે,+ જેથી તમે જે દેશને કબજે કરવાના છો એમાં એ નિયમો પ્રમાણે ચાલી શકો. ૬ તમે એ નિયમો ધ્યાનથી પાળો,+ કેમ કે એમ કરવાથી તમારી બુદ્ધિ+ અને સમજણ+ બધા લોકો આગળ દેખાઈ આવશે. તેઓ એ નિયમો વિશે સાંભળીને કહેશે, ‘આ મોટી પ્રજા સાચે જ બુદ્ધિશાળી અને સમજદાર છે.’+ ૭ એવી કઈ મોટી પ્રજા છે જેને કોઈ દેવ સાથે એવો નજીકનો સંબંધ હોય, જેવો સંબંધ આપણને આપણા ઈશ્વર યહોવા સાથે છે?+ જ્યારે જ્યારે આપણે તેમને પોકાર કરીએ છીએ, ત્યારે ત્યારે તે આપણું સાંભળે છે. ૮ જે નિયમો આજે હું તમને આપું છું, શું એના જેવા ખરા* નિયમો અને કાયદા-કાનૂન બીજી કોઈ મોટી પ્રજા પાસે છે?+
૯ “પણ સાવધ રહેજો અને ધ્યાન રાખજો, જેથી જે કંઈ તમે તમારી આંખે જોયું છે, એને તમે ભૂલી ન જાઓ અને એ તમારાં હૃદયોમાંથી નીકળી ન જાય. એ તમારા દીકરાઓને અને પૌત્રોને પણ જણાવજો.+ ૧૦ હોરેબમાં તમે તમારા ઈશ્વર યહોવા આગળ ઊભા હતા, એ દિવસે યહોવાએ મને કહ્યું હતું, ‘લોકોને મારી આગળ ભેગા કર. હું તેઓને મારો સંદેશો સંભળાવીશ,+ જેથી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખવાનું શીખે+ અને પોતાના દીકરાઓને પણ એમ કરવાનું શીખવે.’+
૧૧ “તમે પર્વતની નજીક આવ્યા અને એની તળેટી પાસે ઊભા રહ્યા. પર્વત સળગી રહ્યો હતો અને એની જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. ચારે બાજુ ઘોર અંધકાર અને ગાઢ વાદળો છવાઈ ગયાં હતાં.+ ૧૨ પછી યહોવા આગમાંથી તમારી સાથે વાત કરવા લાગ્યા.+ તમે વાણી સાંભળી, પણ કોઈ તમારી નજરે પડ્યું નહિ.+ તમે ફક્ત અવાજ સાંભળ્યો.+ ૧૩ તેમણે પોતાનો કરાર,*+ એટલે કે દસ આજ્ઞાઓ*+ તમને જણાવી અને એ પાળવાનો તમને હુકમ કર્યો. તેમણે એ આજ્ઞાઓ પથ્થરની બે પાટીઓ પર લખી.+ ૧૪ એ સમયે યહોવાએ મને હુકમ કર્યો કે હું તમને નિયમો અને કાયદા-કાનૂન શીખવું, જેથી જે દેશમાં પ્રવેશીને તમે એને કબજે કરવાના છો, એમાં એનું પાલન કરો.
૧૫ “હોરેબમાં યહોવાએ આગમાંથી તમારી સાથે વાત કરી એ દિવસે કોઈ આકાર તમારી નજરે પડ્યો ન હતો. એટલે સાવધ રહેજો કે ૧૬ તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ બનાવીને ભ્રષ્ટ ન થઈ જાઓ. તમે કોઈ પણ આકારની મૂર્તિ ન બનાવો, પુરુષની નહિ કે સ્ત્રીની નહિ,+ ૧૭ પૃથ્વીના કોઈ પ્રાણીની નહિ કે આકાશમાં ઊડતા કોઈ પક્ષીની નહિ,+ ૧૮ જમીન પર પેટે ચાલતા પ્રાણીની નહિ કે પાણીમાં રહેતી માછલીની નહિ.+ ૧૯ જ્યારે તમે આકાશ તરફ નજર ઉઠાવો અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ, એટલે કે આકાશનાં સર્વ સૈન્યો જુઓ, ત્યારે તેઓથી આકર્ષાઈને તેઓની સામે નમશો નહિ કે તેઓની પૂજા કરશો નહિ.+ તમારા ઈશ્વર યહોવાએ એ બધું આકાશ નીચેના સર્વ લોકોને આપ્યું છે. ૨૦ તમને તો યહોવા લોઢું પિગાળતી ભઠ્ઠીમાંથી, હા, ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે, જેથી તમે તેમની ખાસ સંપત્તિ* બનો,+ જેમ તમે આજે છો.
૨૧ “તમારા લીધે યહોવા મારા પર ગુસ્સે થયા હતા.+ તેમણે સમ ખાઈને કહ્યું હતું કે તે મને યર્દન નદી પાર નહિ કરવા દે અને એ ઉત્તમ દેશમાં પ્રવેશવા નહિ દે, જે યહોવા તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપવાના છે.+ ૨૨ આ જ દેશમાં મારું મરણ થશે અને હું યર્દન પાર નહિ કરું.+ પણ તમે તો નદી પાર કરશો અને એ ઉત્તમ દેશનો વારસો મેળવશો. ૨૩ ધ્યાન રાખજો કે તમારા ઈશ્વર યહોવાએ તમારી સાથે કરેલો કરાર તમે ભૂલી ન જાઓ.+ તમે પોતાના માટે કોઈ કોતરેલી મૂર્તિ કે કોઈ પણ આકારની પ્રતિમા બનાવશો નહિ, જેની યહોવા તમારા ઈશ્વરે મના કરી છે.+ ૨૪ તમારા ઈશ્વર યહોવા તો ભસ્મ કરનાર અગ્નિ છે.+ તે ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.+
૨૫ “તમને દીકરાઓ અને પૌત્રો થાય અને તમે એ દેશમાં લાંબું જીવન જીવો એ પછી, જો તમે કોઈ દુષ્ટ કામ કરશો અને કોઈ પણ પ્રકારની કોતરેલી મૂર્તિ બનાવશો+ અને તમારા ઈશ્વર યહોવાની નજરમાં દુષ્ટ કામ કરીને તેમને ગુસ્સે કરશો,+ ૨૬ તો હું આજે આકાશ અને પૃથ્વીને સાક્ષી રાખીને કહું છું કે, યર્દન પાર જે દેશને તમે કબજે કરવા જઈ રહ્યા છો એમાં તમારો જલદી જ નાશ થઈ જશે. તમે ત્યાં લાંબું નહિ જીવી શકો, તમારો પૂરેપૂરો નાશ થશે.+ ૨૭ યહોવા તમને બીજી પ્રજાઓમાં વિખેરી નાખશે.+ યહોવા તમને જે પ્રજાઓમાં ભગાડી મૂકશે, ત્યાં તમારામાંથી થોડા જ બચશે.+ ૨૮ ત્યાં તમારે લાકડાં અને પથ્થરમાંથી બનેલા દેવોને ભજવા પડશે. હા, માણસોએ બનાવેલા એવા દેવોને ભજવા પડશે,+ જેઓ જોતા નથી, સાંભળતા નથી, ખાતા નથી કે સૂંઘતા નથી.
૨૯ “પણ જો ત્યાંથી તમે યહોવા તમારા ઈશ્વર પાસે પાછા ફરશો,+ હા, પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની પાસે મદદ માંગશો, તો તે ચોક્કસ તમને મદદ કરશે.+ ૩૦ જ્યારે તમે મોટી મુસીબતમાં આવી પડશો અને ભવિષ્યમાં એ બધું તમારી સાથે બનશે, ત્યારે તમે યહોવા તમારા ઈશ્વર પાસે પાછા ફરશો અને તે તમારો પોકાર સાંભળશે.+ ૩૧ તમારા ઈશ્વર યહોવા દયાળુ ઈશ્વર છે.+ તે તમને નહિ છોડે. તે તમારો નાશ નહિ થવા દે. તે એ કરાર પણ નહિ ભૂલે, જે વિશે તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+
૩૨ “હવે જરા વીતેલા જમાનાને યાદ કરો. ઈશ્વરે ધરતી પર માણસને બનાવ્યો ત્યારથી લઈને તમારી અગાઉના સમયને યાદ કરો, આકાશના એક છેડાથી બીજા છેડા સુધી તપાસ કરો. શું આવી અદ્ભુત ઘટના પહેલાં ક્યારેય બની છે અથવા શું એ વિશે કોઈએ કદી સાંભળ્યું છે?+ ૩૩ તમે જેમ ઈશ્વરની વાણી આગમાંથી સાંભળી, તેમ શું બીજી કોઈ પ્રજાએ સાંભળી છે અને જીવતી રહી છે?+ ૩૪ તમે નજરોનજર જોયું છે કે તમારા ઈશ્વર યહોવાએ તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીને પોતાની પ્રજા બનાવવા શું નથી કર્યું! તેમણે ઇજિપ્તને આકરામાં આકરી સજા કરી,* ત્યાં નિશાનીઓ અને ચમત્કારો+ બતાવ્યાં, યુદ્ધ+ કર્યું, ભયાનક કામો કર્યાં+ અને પોતાનો શક્તિશાળી+ અને બળવાન હાથ લંબાવીને તમને બહાર કાઢી લાવ્યા. શું ઈશ્વરે ક્યારેય બીજી કોઈ પ્રજા માટે એવું કર્યું છે? ૩૫ એ બધું તમને એટલા માટે બતાવવામાં આવ્યું, જેથી તમે જાણો કે યહોવા જ સાચા ઈશ્વર* છે.+ તેમના સિવાય બીજું કોઈ નથી.+ ૩૬ તમને સુધારવા તેમણે સ્વર્ગમાંથી તમારી સાથે વાત કરી. તેમણે પૃથ્વી પર તમને પોતાની મોટી આગ બતાવી અને એ આગમાંથી તમે તેમની વાણી સાંભળી.+
૩૭ “ઈશ્વર તમારા બાપદાદાઓને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ પછી તેઓના વંશજોને તેમણે પસંદ કર્યા હતા.+ એટલે તે તમારી સાથે રહ્યા અને તમને પોતાના મહાન સામર્થ્યથી ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા. ૩૮ તમારા કરતાં મોટી અને શક્તિશાળી પ્રજાઓને તેમણે તમારી આગળથી હાંકી કાઢી, જેથી તેઓના દેશમાં લઈ જઈને તમને એનો વારસો આપે, જેમ આજે થયું છે.+ ૩૯ આજે તમે જાણી લો અને દિલમાં ઠસાવી લો કે ઉપર સ્વર્ગમાં અને નીચે પૃથ્વી પર યહોવા જ સાચા ઈશ્વર છે.+ તેમના સિવાય બીજું કોઈ નથી.+ ૪૦ હું આજે તમને ઈશ્વરનાં જે નિયમો અને આજ્ઞાઓ આપું છું, એ તમે પાળો, જેથી તમારું અને તમારા દીકરાઓનું ભલું થાય અને યહોવા તમારા ઈશ્વર તમને આપી રહ્યા છે એ દેશમાં તમે લાંબું જીવો.”+
૪૧ એ સમયે મૂસાએ યર્દનની પૂર્વ બાજુએ ત્રણ શહેરો અલગ ઠરાવ્યાં.+ ૪૨ જો કોઈ માણસ નફરતને લીધે નહિ, પણ અજાણતાં કોઈને મારી નાખે,+ તો એમાંના એક શહેરમાં તે નાસી જાય અને ત્યાં જ રહે.+ ૪૩ એ શહેરો આ છે: રૂબેનીઓ માટે સપાટ વિસ્તાર પર આવેલા વેરાન પ્રદેશનું બેસેર,+ ગાદીઓ માટે ગિલયાદમાં આવેલું રામોથ+ અને મનાશ્શીઓ+ માટે બાશાનમાં આવેલું ગોલાન.+
૪૪ હવે આ નિયમો+ મૂસાએ ઇઝરાયેલીઓને આપ્યા હતા. ૪૫ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળ્યા એ પછી મૂસાએ તેઓને આ નિયમો, કાયદા-કાનૂન અને સૂચનો* આપ્યાં હતાં.+ ૪૬ એ વખતે તેઓ યર્દનના વિસ્તારમાં બેથ-પેઓરની સામેની ખીણમાં+ હતા. હેશ્બોનમાં+ વસતા અમોરીઓના રાજા સીહોનના દેશની સરહદમાં બેથ-પેઓર આવેલું હતું. મૂસાએ અને ઇઝરાયેલીઓએ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી એ રાજાને હરાવ્યો હતો.+ ૪૭ તેઓએ તેનો દેશ અને બાશાનના રાજા ઓગનો+ દેશ કબજે કર્યો. અમોરીઓના એ બે રાજાઓ યર્દનની પૂર્વ તરફના વિસ્તારમાં વસતા હતા. ૪૮ ઇઝરાયેલીઓએ આર્નોનની ખીણને કિનારે આવેલા અરોએરથી+ લઈને સિયોન પર્વત, એટલે કે હેર્મોન+ સુધીનો વિસ્તાર ૪૯ તેમજ યર્દનની પૂર્વ તરફ અરાબાહનો આખો વિસ્તાર અને છેક અરાબાહના સમુદ્ર* સુધીનો વિસ્તાર કબજે કર્યો, જે પિસ્ગાહના ઢોળાવની તળેટીમાં આવેલો છે.+
૫ મૂસાએ બધા ઇઝરાયેલીઓને બોલાવ્યા અને કહ્યું: “હે ઇઝરાયેલીઓ, જે નિયમો અને કાયદા-કાનૂન હું આજે તમને જણાવું છું એ સાંભળો. તમે એ શીખો અને એને ધ્યાનથી પાળો. ૨ યહોવા આપણા ઈશ્વરે આપણી સાથે હોરેબમાં કરાર કર્યો હતો.+ ૩ એ કરાર યહોવાએ આપણા બાપદાદાઓ સાથે નહિ, પણ આપણી સાથે, હા, જેઓ હમણાં જીવતા છે તેઓ સાથે કર્યો હતો. ૪ યહોવાએ પર્વત પર આગમાંથી તમારી સાથે મોઢામોઢ વાત કરી હતી.+ ૫ પણ તમે આગ જોઈને ડરી ગયા હતા અને પર્વત પર ચઢ્યા ન હતા.+ એ સમયે હું તમારી અને યહોવાની વચ્ચે ઊભો હતો,+ જેથી યહોવાનો સંદેશો તમને જણાવી શકું. ઈશ્વરે કહ્યું હતું:
૬ “‘હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો છું.+ ૭ મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.+
૮ “‘તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ ન બનાવો.+ ઉપર આકાશમાંની, નીચે પૃથ્વી પરની અને પાણીમાંની કોઈ પણ વસ્તુ કે એના આકારની પ્રતિમા ન બનાવો. ૯ તમે તેઓ સામે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ.+ હું તમારો ઈશ્વર યહોવા ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.+ જેઓ મને નફરત કરે છે, તેઓનાં પાપની સજા હું તેઓના દીકરાઓ પર અને તેઓની ત્રીજી ચોથી પેઢી પર લાવું છું.+ ૧૦ પણ જેઓ મને પ્રેમ કરે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢીઓ સુધી હું અતૂટ પ્રેમ* બતાવું છું.
૧૧ “‘તમે તમારા ઈશ્વર યહોવાનું નામ નકામું ન લો.*+ જે કોઈ યહોવાનું નામ નકામું લે છે, તેને તે ચોક્કસ સજા કરશે.+
૧૨ “‘તમે સાબ્બાથનો* દિવસ પવિત્ર ગણો અને એને પાળો, જેમ યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે.+ ૧૩ છ દિવસ તમે કામ કરો,+ ૧૪ પણ સાતમા દિવસે તમે કંઈ કામ ન કરો.+ એ દિવસ તમારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે.+ તમે કે તમારાં દીકરા-દીકરીઓ કે તમારાં દાસ-દાસીઓ કે તમારા બળદો* કે તમારા ગધેડાઓ કે તમારાં પાલતુ પ્રાણીઓ કે તમારા શહેરમાં રહેતો પરદેશી કંઈ કામ ન કરે.+ આમ, તમારી જેમ તમારાં દાસ-દાસીઓ પણ આરામ કરી શકશે.+ ૧૫ ભૂલતા નહિ, તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને યહોવા તમારા ઈશ્વરે પોતાનો શક્તિશાળી અને બળવાન હાથ લંબાવીને તમને ત્યાંથી બહાર કાઢ્યા છે.+ એટલે જ યહોવા તમારા ઈશ્વરે તમને સાબ્બાથ પાળવાની આજ્ઞા કરી છે.
૧૬ “‘તમે તમારાં માતા-પિતાને માન આપો,+ જેમ યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે. એમ કરશો તો, યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એમાં તમે લાંબું જીવશો અને આબાદ થશો.*+
૧૭ “‘તમે ખૂન ન કરો.+
૧૮ “‘તમે વ્યભિચાર ન કરો.+
૧૯ “‘તમે ચોરી ન કરો.+
૨૦ “‘તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂરો.+
૨૧ “‘તમે બીજા માણસની પત્નીનો લોભ ન રાખો.+ તેના ઘરનો કે તેનાં દાસ-દાસીનો કે તેના બળદનો કે તેના ગધેડાનો કે તેની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો.’+
૨૨ “એ બધી આજ્ઞાઓ* યહોવાએ તમને* પર્વત પર આપી હતી. તેમણે આગ, વાદળ અને ઘોર અંધકારમાંથી+ મોટા અવાજે તમારી સાથે વાત કરી હતી. એ આજ્ઞાઓ ઉપરાંત તેમણે બીજું કંઈ કહ્યું નહિ. પછી તેમણે એ આજ્ઞાઓ પથ્થરની બે પાટીઓ પર લખીને મને આપી.+
૨૩ “હવે પર્વત આગથી સળગતો હતો. તમે અંધકારમાંથી અવાજ સાંભળ્યો+ કે તરત જ તમારાં કુળોના વડા અને વડીલો મારી પાસે દોડી આવ્યા. ૨૪ તમે કહ્યું: ‘જુઓ! યહોવા અમારા ઈશ્વરે અમને તેમનું ગૌરવ અને તેમની મહાનતા બતાવ્યાં છે. અમે તેમનો અવાજ આગમાંથી સાંભળ્યો છે.+ આજે અમે જોયું છે કે ઈશ્વર માણસ સાથે વાત કરી શકે છે અને તેમનો અવાજ સાંભળ્યા પછી પણ માણસ જીવતો રહી શકે છે.+ ૨૫ પણ અમે શા માટે મોતનું જોખમ વહોરી લઈએ? આ મોટી આગ તો અમને ભસ્મ કરી દેશે. જો અમે યહોવા અમારા ઈશ્વરનો અવાજ સાંભળતા રહીશું, તો અમે ચોક્કસ માર્યા જઈશું. ૨૬ એવો કયો માણસ છે, જેણે અમારી જેમ જીવતા ઈશ્વરની વાણી આગમાંથી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય? ૨૭ એટલે તમે યહોવા અમારા ઈશ્વરની નજીક જાઓ અને તેમનું સાંભળો. યહોવા અમારા ઈશ્વર અમને જે કહેવા માંગે છે, એ તમે અમને જણાવો. અમે એ સાંભળીશું અને એ પ્રમાણે જ કરીશું.’+
૨૮ “તમે મને જે કંઈ કહ્યું, એ યહોવાએ સાંભળ્યું. યહોવાએ મને કહ્યું, ‘લોકો તને જે કહી રહ્યા છે, એ મેં સાંભળ્યું છે. તેઓની વાત બરાબર છે.+ ૨૯ જો તેઓ હંમેશાં તેઓનાં દિલમાં મારો ડર* રાખશે+ અને મારા બધા નિયમો પાળશે,+ તો તેઓનું અને તેઓના દીકરાઓનું સદા ભલું થશે!+ ૩૦ જઈને તેઓને કહે: “તમારા તંબુઓમાં પાછા જાઓ.” ૩૧ પણ તું અહીં મારી સાથે રહે. હું તને સર્વ આજ્ઞાઓ, નિયમો અને કાયદા-કાનૂન આપીશ. તું તેઓને એ શીખવજે, જેથી હું તેઓને જે દેશ કબજે કરવા આપું છું, એમાં તેઓ એ પાળે.’ ૩૨ યહોવા તમારા ઈશ્વરે તમને જે આજ્ઞાઓ આપી છે, એને તમે ધ્યાનથી પાળજો.+ એનાથી ડાબે કે જમણે જશો નહિ.+ ૩૩ યહોવા તમારા ઈશ્વરે બતાવેલા માર્ગ પર જ ચાલજો.+ એમ કરશો તો, તમે જે દેશને કબજે કરવાના છો, એમાં જીવતા રહેશો, તમારી આબાદી થશે અને તમારું આયુષ્ય લાંબું થશે.+
૬ “યહોવા તમારા ઈશ્વરે આ આજ્ઞાઓ, નિયમો અને કાયદા-કાનૂન તમને શીખવવા માટે આપ્યાં છે, જેથી નદી પાર કરીને જે દેશનો કબજો તમે મેળવશો, એમાં એનું પાલન કરજો ૨ અને યહોવા તમારા ઈશ્વરનો ડર રાખજો. તેમની બધી આજ્ઞાઓ અને તેમના નિયમો તમે જીવનભર પાળજો. એ હું તમને, તમારા દીકરાઓને અને તમારા પૌત્રોને આપું છું,+ જેથી તમે લાંબું જીવો.+ ૩ હે ઇઝરાયેલ, સાંભળ અને એનું પાલન કર. એમ કરવાથી, દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં તું આબાદ થઈશ અને તારી સંખ્યા ઘણી વધશે, જેમ તારા બાપદાદાઓના ઈશ્વર યહોવાએ તને વચન આપ્યું છે.
૪ “હે ઇઝરાયેલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર એક જ યહોવા છે.+ ૫ તું પૂરા દિલથી અને પૂરા જીવથી*+ અને પૂરા બળથી*+ તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર. ૬ આજે હું તને જે આજ્ઞાઓ જણાવું છું, એને તારા દિલમાં ઠસાવી લે. ૭ એ આજ્ઞાઓ તું તારા દીકરાઓને વારંવાર શીખવ.*+ જ્યારે તું ઘરમાં બેઠો હોય, રસ્તે ચાલતો હોય, સૂતો હોય કે ઊઠે ત્યારે એ વિશે વાત કર.+ ૮ એ આજ્ઞાઓને યાદગીરી તરીકે હાથ પર બાંધ અને નિશાની* તરીકે તારા કપાળ પર* બાંધ.+ ૯ તું પોતાના ઘરની બારસાખો પર અને શહેરના દરવાજાઓ પર એ લખ.
૧૦ “તારા ઈશ્વર યહોવા તને એ દેશમાં લઈ જશે, જે વિશે તેમણે તારા બાપદાદા ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.+ ત્યાં મોટાં મોટાં અને સરસ શહેરો છે, જે તેં બાંધ્યાં નથી;+ ૧૧ સારી સારી વસ્તુઓથી ભરેલાં ઘરો છે, જે માટે તેં મહેનત કરી નથી; ટાંકાઓ* છે, જે તેં ખોદ્યા નથી; દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનનાં ઝાડ છે, જે તેં રોપ્યાં નથી. જ્યારે તું ધરાઈને તૃપ્ત થાય,+ ૧૨ ત્યારે ધ્યાન રાખજે કે તું યહોવાને ભૂલી ન જાય.+ તે તને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે. ૧૩ તું તારા ઈશ્વર યહોવાનો ડર રાખ,+ તેમની એકલાની જ ભક્તિ કર+ અને ફક્ત તેમના નામે જ સમ ખા.+ ૧૪ બીજા દેવોની પાછળ ન જા, તારી આસપાસની પ્રજાના દેવોની ભક્તિ ન કર.+ ૧૫ કેમ કે તારી વચ્ચે રહેનાર તારા ઈશ્વર યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.+ જો તું એમ નહિ કરે, તો તારી વિરુદ્ધ તારા ઈશ્વર યહોવાનો ગુસ્સો ભડકી ઊઠશે+ અને પૃથ્વીની સપાટી પરથી તે તારો વિનાશ કરી દેશે.+
૧૬ “તું તારા ઈશ્વર યહોવાની કસોટી ન કર,+ જેમ તેં માસ્સાહમાં કસોટી કરી હતી.+ ૧૭ તારા ઈશ્વર યહોવાએ તને જે આજ્ઞાઓ, નિયમો અને સૂચનો* આપ્યાં છે, એ તું ખંતથી પાળ. ૧૮ યહોવાની નજરે જે યોગ્ય અને સારું છે એ કર. એમ કરીશ તો તું આબાદ થઈશ અને જઈને એ ઉત્તમ દેશનો વારસો મેળવીશ, જે વિશે યહોવાએ તારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા+ ૧૯ અને તું તારી આગળથી બધા દુશ્મનોને હાંકી કાઢીશ, જેમ યહોવાએ વચન આપ્યું છે.+
૨૦ “ભવિષ્યમાં જ્યારે તારો દીકરો તને પૂછે, ‘આપણા ઈશ્વર યહોવાએ તમને શા માટે નિયમો, કાયદા-કાનૂન અને સૂચનો* આપ્યાં હતાં?’ ૨૧ ત્યારે તું તેને કહેજે, ‘અમે ઇજિપ્તના રાજાના* ગુલામ હતા. પણ યહોવાએ પોતાના શક્તિશાળી હાથથી અમને ઇજિપ્તમાંથી બહાર કાઢ્યા. ૨૨ અમારી નજર સામે યહોવાએ અદ્ભુત અને ભયાનક નિશાનીઓ દેખાડી, મોટા મોટા ચમત્કારો કર્યા, જેના લીધે ઇજિપ્ત,+ એના રાજા અને રાજાના આખા કુટુંબકબીલા પર ભયંકર આફતો આવી.+ ૨૩ ઈશ્વર અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા, જેથી અમારા બાપદાદાઓ આગળ તેમણે જે દેશ આપવાના સમ ખાધા હતા, એ દેશ અમને આપે.+ ૨૪ પછી યહોવાએ અમને આજ્ઞા કરી કે અમે એ બધા નિયમો પાળીએ અને યહોવા આપણા ઈશ્વરનો ડર રાખીએ, જેથી અમારું હંમેશાં ભલું થાય+ અને અમે જીવતા રહીએ,+ જેમ આજે છીએ. ૨૫ આપણા ઈશ્વર યહોવાની આજ્ઞા મુજબ* જો એ બધા નિયમો ધ્યાનથી પાળીશું, તો આપણે તેમની નજરમાં નેક* ગણાઈશું.’+
૭ “જે દેશમાં પ્રવેશીને તમે એનો કબજો લેવાના છો,+ એ દેશમાં યહોવા તમારા ઈશ્વર તમને લાવે ત્યારે, તે તમારી આગળથી આ સાત પ્રજાઓને હાંકી કાઢશે:+ હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ,+ કનાનીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ.+ એ સાત પ્રજાઓ તમારા કરતાં મોટી અને ઘણી બળવાન છે.+ ૨ યહોવા તમારા ઈશ્વર તેઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેઓને હરાવશો.+ તમે તેઓનો પૂરેપૂરો નાશ કરજો.+ તેઓ સાથે કોઈ કરાર કરશો નહિ કે તેઓને દયા બતાવશો નહિ.+ ૩ તેઓ સાથે કોઈ લગ્નવ્યવહાર રાખશો નહિ. તમારી દીકરીઓને તેઓના દીકરાઓ સાથે કે તમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવશો નહિ.+ ૪ એમ કરશો તો, તેઓ તમારા દીકરાઓને તમારા ઈશ્વરથી દૂર કરીને બીજા દેવોને ભજવા ખેંચી જશે.+ પછી યહોવાનો ગુસ્સો તમારા પર ભડકી ઊઠશે અને તે જલદી જ તમારો સંહાર કરી દેશે.+
૫ “એને બદલે તમે તેઓની વેદીઓ* તોડી નાખજો, ભક્તિ-સ્તંભો* ભાંગી નાખજો,+ ભક્તિ-થાંભલાઓ* કાપી નાખજો+ અને કોતરેલી મૂર્તિઓ બાળી નાખજો.+ ૬ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાની પવિત્ર પ્રજા છો. તમારા ઈશ્વર યહોવાએ તમને પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની પ્રજા, હા, પોતાની ખાસ સંપત્તિ* બનવા પસંદ કર્યા છે.+
૭ “એવું ન હતું કે તમે બીજી પ્રજાઓ કરતાં સંખ્યામાં વધારે હતા એટલે યહોવાએ તમને પ્રેમ બતાવ્યો અને તમને પસંદ કર્યા.+ હકીકતમાં, તમે તો નાનામાં નાની પ્રજા હતા.+ ૮ પણ યહોવા તમને પ્રેમ કરતા હતા અને તમારા બાપદાદાઓ આગળ ખાધેલા સમ નિભાવવા માંગતા હતા.+ એટલે યહોવાએ પોતાના શક્તિશાળી હાથથી તમને છોડાવ્યા. ઇજિપ્તના રાજા ફારુનના* પંજામાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા.+ ૯ તમે સારી રીતે જાણો છો કે તમારા ઈશ્વર યહોવા સાચા ઈશ્વર છે અને તે વફાદાર છે. જેઓ તેમને પ્રેમ કરે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે, તેઓની હજાર પેઢીઓ સુધી તે પોતાનો કરાર પાળે છે અને તેઓને અતૂટ પ્રેમ* બતાવે છે.+ ૧૦ પણ જેઓ તેમને નફરત કરે છે, તેઓનો તે વિનાશ કરી દેશે.+ તેમને નફરત કરનારને સજા કરવામાં તે જરાય મોડું નહિ કરે. તે ચોક્કસ બદલો લેશે. ૧૧ એટલે જે આજ્ઞાઓ, નિયમો અને કાયદા-કાનૂન હું આજે તમને ફરમાવું છું, એને તમે ધ્યાનથી પાળજો.
૧૨ “જો તમે એ કાયદા-કાનૂન હંમેશાં સાંભળશો, એના પર ધ્યાન આપશો અને એને પાળશો, તો યહોવા તમારા ઈશ્વર પોતાનો કરાર પાળશે અને તમને અતૂટ પ્રેમ બતાવશે, જેના વિશે તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા. ૧૩ તે તમને પ્રેમ કરશે, આશીર્વાદ આપશે અને તમારી સંખ્યા વધારશે. તેમણે તમારા બાપદાદાઓ આગળ જે દેશ આપવાના સમ ખાધા હતા,+ ત્યાં તે તમારા પર આશીર્વાદ વરસાવશે. તમને ઘણાં બાળકો થશે,*+ તમારાં ખેતરમાં પુષ્કળ ઊપજ થશે, તમારી પાસે અનાજ, નવો દ્રાક્ષદારૂ અને તેલ+ ભરપૂર પ્રમાણમાં હશે, તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંને પુષ્કળ બચ્ચાં થશે. ૧૪ દુનિયાની બધી પ્રજાઓમાં તમારા પર સૌથી વધારે આશીર્વાદ રહેશે.+ તમારામાં કોઈ પણ પુરુષ કે સ્ત્રી બાળક વગરની નહિ રહે, કોઈ ઢોરઢાંક બચ્ચા વગરનું નહિ રહે.+ ૧૫ યહોવા તમારી વચ્ચેથી બધી બીમારીઓ દૂર કરશે. જે ભયાનક બીમારીઓ તમે ઇજિપ્તમાં જોઈ હતી, એમાંની એક પણ તે તમારા પર આવવા નહિ દે.+ પણ તમને નફરત કરતા લોકો પર એ બીમારીઓ લાવશે. ૧૬ યહોવા તમારા ઈશ્વર જે પ્રજાઓને તમારા હાથમાં સોંપે,+ તેઓનો તમે નાશ કરી દેજો.* તમે* તેઓને દયા બતાવશો નહિ+ કે તેઓના દેવોને ભજશો નહિ,+ નહિતર એ તમારા માટે ફાંદો બની જશે.+
૧૭ “જો તમને એવો વિચાર આવે કે, ‘આ પ્રજાઓ તો અમારા કરતાં ઘણી મોટી છે, અમે તેઓને કઈ રીતે ભગાડી મૂકીશું?’+ ૧૮ તો તમે તેઓથી જરાય ડરતા નહિ.+ એ સમયે યાદ કરજો કે યહોવા તમારા ઈશ્વરે ઇજિપ્તના રાજા અને એની પ્રજાના કેવા હાલ કર્યા હતા.+ ૧૯ તમે પોતાની આંખે જોયું છે કે યહોવા તમારા ઈશ્વરે તેઓને આકરી સજા કરી,* મોટા મોટા ચમત્કારો બતાવ્યા,+ પોતાનો શક્તિશાળી અને બળવાન હાથ લંબાવીને તે તમને બહાર કાઢી લાવ્યા.+ એવી જ રીતે, યહોવા તમારા ઈશ્વર એ પ્રજાઓના પણ એવા જ હાલ કરશે, જેઓથી તમે ડરો છો.+ ૨૦ યહોવા તમારા ઈશ્વર તેઓનું મનોબળ તોડી નાખશે.* તેઓમાંથી જેઓ બચી ગયા હશે+ અને સંતાઈ રહ્યા હશે, તેઓનો પણ તમારી આગળથી નાશ કરી દેશે. ૨૧ તેઓથી તમે જરાય ગભરાશો નહિ, કેમ કે તમારા ઈશ્વર યહોવા તમારી સાથે છે.+ તે મહાન અને અદ્ભુત* ઈશ્વર છે.+
૨૨ “યહોવા તમારા ઈશ્વર એ પ્રજાઓને ધીરે ધીરે તમારી આગળથી હાંકી કાઢશે.+ તમે એક સામટો તેઓનો વિનાશ ન કરતા, નહિતર તમારો વિસ્તાર ઉજ્જડ બની જશે ને જંગલી જાનવરોની સંખ્યા વધી જશે. એનાથી તો તમે જ હેરાન થશો. ૨૩ યહોવા તમારા ઈશ્વર એ બધી પ્રજાઓને તમારા હાથમાં સોંપશે અને તેઓનો પૂરેપૂરો નાશ ન થાય ત્યાં સુધી તેઓને હરાવશે.+ ૨૪ તે તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપશે+ અને તમે આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખશો.+ જ્યાં સુધી તમે તેઓનો વિનાશ નહિ કરી દો,+ ત્યાં સુધી કોઈ તમારો સામનો કરી શકશે નહિ.+ ૨૫ તમે તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખજો.+ એ મૂર્તિઓ પરનાં સોના-ચાંદીનો લોભ રાખતા નહિ કે એને તમારા માટે લેતા નહિ,+ નહિતર એ તમારા માટે ફાંદો બની જશે. એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+ ૨૬ તમે તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ ન લાવતા જેને ઈશ્વર ધિક્કારે છે, કેમ કે એમ કરવાથી તમે પણ એ વસ્તુની જેમ વિનાશને લાયક ઠરશો. તમે એ વસ્તુને સખત નફરત કરો અને એને ધિક્કારો, કેમ કે એ વિનાશને લાયક છે.
૮ “હું તમને આજે જે આજ્ઞાઓ આપું છું એ ધ્યાનથી પાળો, જેથી તમે જીવતા રહો,+ સંખ્યામાં વધતા જાઓ અને એ દેશનો કબજો મેળવો, જે વિશે યહોવાએ તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ ૨ આ ૪૦ વર્ષો દરમિયાન યહોવા તમારા ઈશ્વરે તમને વેરાન પ્રદેશના લાંબા રસ્તે ચલાવ્યા એને ભૂલતા નહિ.+ તેમણે એવું એટલે કર્યું, જેથી તમને નમ્ર બનાવે અને પરખ કરીને જાણી શકે+ કે તમારા દિલમાં શું છે+ અને તમે તેમની આજ્ઞાઓ પાળતા રહેશો કે કેમ. ૩ તેમણે તમને નમ્ર બનાવ્યા, તમને ભૂખ્યા રહેવા દીધા+ અને પછી માન્ના* પૂરું પાડ્યું,+ જે વિશે તમે કે તમારા બાપદાદાઓ કંઈ જાણતા ન હતા. એમ કરીને તે તમને શીખવવા માંગતા હતા કે માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.+ ૪ એ ૪૦ વર્ષો દરમિયાન તમે પહેરેલાં કપડાં ઘસાઈને ફાટી ગયાં નહિ કે તમારા પગ સૂજી ગયા નહિ.+ ૫ તમારું દિલ સારી રીતે જાણે છે કે, જેમ એક પિતા પોતાના દીકરાને સુધારે છે, તેમ તમારા ઈશ્વર યહોવા તમને સુધારતા હતા.+
૬ “યહોવા તમારા ઈશ્વરના માર્ગે ચાલીને અને તેમનો ડર રાખીને તમે તેમની આજ્ઞાઓ પાળતા રહેજો. ૭ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને ઉત્તમ દેશમાં લઈ જઈ રહ્યા છે.+ ત્યાં નદી-નાળાં છે, ત્યાં ખીણપ્રદેશમાં અને પહાડી વિસ્તારમાં ઝરણાં અને ફુવારા* છે; ૮ ત્યાં ઘઉં અને જવ ઊગે છે; દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે;+ જૈતૂનનું તેલ અને મધ મળે છે.+ ૯ ત્યાં તમને ખોરાકની અછત પડશે નહિ અને કશાની ખોટ પડશે નહિ. એ દેશના પથ્થરોમાં લોઢું છે અને ત્યાંના પર્વતોમાંથી તમે તાંબું ખોદી કાઢશો.
૧૦ “જ્યારે તમે ખાઈને તૃપ્ત થાઓ, ત્યારે તમારા ઈશ્વર યહોવાની સ્તુતિ કરજો, કેમ કે તેમણે તમને એ ઉત્તમ દેશ આપ્યો છે.+ ૧૧ ધ્યાન રાખજો, જે આજ્ઞાઓ, કાયદા-કાનૂન અને નિયમો આજે હું તમને જણાવું છું, એ પાળવાનું ચૂકી ન જતા અને તમારા ઈશ્વર યહોવાને ભૂલી ન જતા. ૧૨ જ્યારે તમે ભરપેટ ખાઓ અને તૃપ્ત થાઓ, સારાં સારાં ઘરો બાંધીને એમાં રહો,+ ૧૩ તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંની વૃદ્ધિ થાય, તમારું સોનું-ચાંદી પુષ્કળ થાય અને તમારી પાસે બધું ભરપૂર પ્રમાણમાં હોય, ૧૪ ત્યારે તમારાં હૃદયને ઘમંડી બનવા દેશો નહિ.+ તમારા ઈશ્વર યહોવાને ભૂલી જશો નહિ, જે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે.+ ૧૫ તેમણે તમને વિશાળ અને ભયાનક વેરાન પ્રદેશમાં ચલાવ્યા,+ જ્યાં ઝેરી સાપ ને વીંછી હતા, જ્યાંની સૂકી ભૂમિમાં પીવા ટીપુંય પાણી ન હતું. ત્યાં તેમણે ચકમકના પથ્થરમાંથી પાણી કાઢ્યું.+ ૧૬ તેમણે વેરાન પ્રદેશમાં તમને માન્ના પૂરું પાડ્યું,+ જેના વિશે તમારા બાપદાદાઓ કંઈ જાણતા ન હતા. તમને નમ્ર બનાવવા+ અને તમારી પરખ કરવા તેમણે એમ કર્યું હતું, જેથી ભાવિમાં તમારું ભલું થાય.+ ૧૭ જો તમારા મનમાં એવો વિચાર આવે કે, ‘આજે મારી પાસે ખૂબ માલ-મિલકત છે! એ મેં મારા બળથી અને મારા પોતાના હાથે ભેગી કરી છે,’+ ૧૮ તો યાદ રાખજો કે માલ-મિલકત ભેગી કરવા યહોવા તમારા ઈશ્વર તમને બળ આપે છે,+ જેથી તમારા બાપદાદાઓ આગળ ખાધેલા સમ પ્રમાણે તે પોતાનો કરાર પૂરો કરે. એવું તેમણે આજ સુધી કર્યું છે.+
૧૯ “જો તમે તમારા ઈશ્વર યહોવાને ભૂલી જશો અને બીજા દેવોને ભજશો અને તેઓ આગળ નમશો, તો હું તમને આજે ચેતવણી આપું છું કે તમારો ચોક્કસ નાશ થશે.+ ૨૦ જો તમે તમારા ઈશ્વર યહોવાનું કહ્યું નહિ સાંભળો, તો જેમ તમારી આગળથી યહોવા બીજી પ્રજાઓનો નાશ કરે છે, તેમ તમારો પણ નાશ થઈ જશે.+
૯ “હે ઇઝરાયેલ સાંભળ, આજે તું યર્દન પાર કરી રહ્યો છે+ અને તારા કરતાં મોટી અને બળવાન પ્રજાઓનો દેશ કબજે કરવા જઈ રહ્યો છે.+ તેઓનાં શહેરો મોટાં મોટાં છે અને કોટ ગગનચુંબી છે.+ ૨ ત્યાંના લોકો, એટલે કે અનાકના* દીકરાઓ+ શક્તિશાળી અને કદાવર છે. તું તેઓ વિશે જાણે છે અને તેં સાંભળ્યું પણ છે કે, ‘અનાકના દીકરાઓ સામે કોણ ઊભું રહી શકે?’ ૩ આજે તું જાણ કે યહોવા તારા ઈશ્વર તારી આગળ રહીને યર્દન પાર કરશે.+ તે તો ભસ્મ કરનાર અગ્નિ છે+ અને તે તેઓનો નાશ કરશે. તારી નજર સામે તે તેઓને હરાવશે, જેથી તું જલદી જ તેઓને હાંકી કાઢીને* તેઓનો નાશ કરે, જેમ યહોવાએ તને વચન આપ્યું છે.+
૪ “તમારા ઈશ્વર યહોવા તમારી આગળથી તેઓને કાઢી મૂકે ત્યારે, તમે પોતાના દિલમાં કહેશો નહિ, ‘અમે તો નેક છીએ, એટલે આ દેશ કબજે કરવા યહોવા અમને અહીં લાવ્યા છે.’+ હકીકતમાં, એ પ્રજાઓની દુષ્ટતાને લીધે+ યહોવા તેઓને તમારી આગળથી હાંકી કાઢે છે. ૫ તમે નેક છો અથવા તમારું હૃદય પ્રમાણિક છે, એટલે કંઈ તમે એ દેશ કબજે કરવાના નથી. પણ એ પ્રજાઓ દુષ્ટ છે અને તમારા બાપદાદા ઇબ્રાહિમ,+ ઇસહાક+ અને યાકૂબ+ આગળ ખાધેલા સમ યહોવા પૂરા કરવા ચાહે છે, એટલે તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢે છે.+ ૬ એ ન ધારી લેતા કે તમે નેક છો એટલે તમારા ઈશ્વર યહોવા તમને આ ઉત્તમ દેશનો વારસો આપી રહ્યા છે. હકીકતમાં તો તમે હઠીલા છો.+
૭ “યાદ રાખો, ક્યારેય ભૂલતા નહિ કે વેરાન પ્રદેશમાં તમે તમારા ઈશ્વર યહોવાને કઈ રીતે ગુસ્સે કર્યા હતા.+ તમે ઇજિપ્ત છોડ્યું એ દિવસથી લઈને અહીં આવ્યા ત્યાં સુધી યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું છે.+ ૮ તમે હોરેબમાં પણ યહોવાને ગુસ્સે કર્યા હતા. યહોવા તમારા પર એટલા ક્રોધે ભરાયા હતા કે તે તમારો નાશ કરવાની તૈયારીમાં જ હતા.+ ૯ એ વખતે હું પથ્થરની પાટીઓ,+ એટલે કે યહોવાએ તમારી સાથે કરેલા કરારની પાટીઓ લેવા પર્વત પર ગયો હતો.+ એ પર્વત પર હું ૪૦ દિવસ અને ૪૦ રાત રહ્યો+ અને મેં કંઈ ખાધું કે પીધું નહિ. ૧૦ પછી યહોવાએ મને પથ્થરની બે પાટીઓ આપી, જેના પર ઈશ્વરે પોતાની આંગળીથી લખ્યું હતું. જે દિવસે તમે બધા ભેગા થયા હતા અને યહોવાએ પર્વત પર આગમાંથી તમને જે આજ્ઞાઓ આપી હતી, એ એના પર લખેલી હતી.+ ૧૧ ૪૦ દિવસ અને ૪૦ રાત પછી યહોવાએ મને પથ્થરની બે પાટીઓ, એટલે કે કરારની પાટીઓ આપી. ૧૨ યહોવાએ મને કહ્યું, ‘ઊભો થા અને જલદી જા. તારા લોકો, જેઓને તું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છે, તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે.+ મેં તેઓને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી એમાંથી તેઓ જલદી જ ભટકી ગયા છે. તેઓએ પોતાના માટે ધાતુની મૂર્તિ* બનાવી છે.’+ ૧૩ પછી યહોવાએ મને કહ્યું, ‘આ લોકો કેવા હઠીલા છે એ મેં જોયું છે!+ ૧૪ હવે તું મને રોકીશ નહિ, હું આ લોકોનો નાશ કરીને જ રહીશ અને આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખીશ. પણ હું તારામાંથી તેઓ કરતાં વધારે બળવાન અને મોટી પ્રજા ઉત્પન્ન કરીશ.’+
૧૫ “હું પર્વત પરથી નીચે ઊતર્યો ત્યારે પર્વત આગથી ભડકે બળતો હતો+ અને મારા બંને હાથમાં કરારની બે પાટીઓ હતી.+ ૧૬ મેં જોયું કે તમે તમારા ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું! તમે પોતાના માટે ધાતુનું વાછરડું* બનાવ્યું હતું. યહોવાએ તમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી, એનાથી તમે જલદી જ ભટકી ગયા હતા.+ ૧૭ તેથી મેં તમારી આંખો સામે બંને પાટીઓ લઈને નીચે ફેંકી દીધી અને એના ટુકડે-ટુકડા કરી નાખ્યા.+ ૧૮ મેં અગાઉની જેમ યહોવા આગળ જમીન સુધી માથું નમાવ્યું અને ૪૦ દિવસ અને ૪૦ રાત સુધી અનેક વાર એમ કર્યું. મેં કંઈ ખાધું નહિ કે પાણી પણ પીધું નહિ,+ કેમ કે યહોવાની નજરમાં ખરાબ હોય એવું કામ કરીને તમે પાપ કર્યું હતું અને તેમને દુઃખી કર્યા હતા. ૧૯ યહોવા તમારા પર સખત ગુસ્સે થયા+ હોવાથી હું ડરી ગયો હતો. તે તમારો નાશ કરવાની તૈયારીમાં હતા. એ સમયે પણ યહોવાએ મારું સાંભળ્યું.+
૨૦ “યહોવા હારુન પર એટલા ગુસ્સે હતા કે તેને પણ મારી નાખવાના હતા.+ ત્યારે મેં તેના માટે પણ કરગરીને પ્રાર્થના કરી. ૨૧ પછી મેં તમારા પાપને, એટલે કે જે વાછરડું તમે બનાવ્યું હતું,+ એને લીધું અને આગમાં બાળી નાખ્યું; મેં એના ભાંગીને ટુકડા કરી નાખ્યા; એનો ધૂળ જેવો બારીક ભૂકો કરીને પર્વત પરથી વહેતા ઝરણામાં નાખી દીધો.+
૨૨ “તમે તાબએરાહમાં,+ માસ્સાહમાં+ અને કિબ્રોથ-હાત્તાવાહમાં+ પણ યહોવાને ગુસ્સે કર્યા હતા. ૨૩ જ્યારે યહોવાએ તમને કાદેશ-બાર્નેઆથી+ મોકલ્યા અને કહ્યું, ‘જાઓ અને જે દેશ હું તમને આપવાનો છું એને કબજે કરો!’ ત્યારે તમે યહોવા તમારા ઈશ્વર વિરુદ્ધ ફરીથી બળવો કર્યો,+ તેમનું કહેવું માન્યું નહિ અને તેમના પર વિશ્વાસ કર્યો નહિ.+ ૨૪ જ્યારથી હું તમને ઓળખું છું, ત્યારથી તમે યહોવા વિરુદ્ધ બંડ કરતા આવ્યા છો.
૨૫ “પછી ૪૦ દિવસ અને ૪૦ રાત મેં યહોવા આગળ અનેક વાર જમીન સુધી માથું નમાવ્યું.+ મેં એમ કર્યું, કેમ કે યહોવાએ મને કહ્યું હતું કે તે તમારો નાશ કરશે. ૨૬ મેં યહોવાને આજીજી કરી, ‘હે વિશ્વના માલિક યહોવા, તમારા લોકોનો નાશ ન કરતા. એ લોકો તમારી ખાસ સંપત્તિ* છે.+ તમે મોટા પરાક્રમથી અને શક્તિશાળી હાથથી તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છો.+ ૨૭ તમારા સેવકો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને યાદ કરો.+ આ પ્રજાનાં અક્કડ વલણ, તેઓની દુષ્ટતા અને પાપ તરફ ન જુઓ.+ ૨૮ નહિતર જે દેશમાંથી તમે અમને બહાર કાઢી લાવ્યા છો, ત્યાંના લોકો કહેશે: “યહોવાએ આ લોકોને દેશ આપવાનું વચન તો આપ્યું, પણ એમાં તેઓને લઈ જઈ શકતો ન હતો; તે તેઓને ધિક્કારતો હતો, એટલે વેરાન પ્રદેશમાં મારી નાખવા તેઓને બહાર કાઢી લાવ્યો.”+ ૨૯ તેઓ તમારા લોકો છે અને તમારી ખાસ સંપત્તિ* છે,+ જેઓને તમે પોતાનો શક્તિશાળી હાથ લંબાવીને અને મોટા સામર્થ્યથી બહાર કાઢી લાવ્યા છો.’+
૧૦ “એ સમયે યહોવાએ મને કહ્યું, ‘અગાઉની જેમ પથ્થરની બીજી બે પાટીઓ બનાવ.+ તું લાકડાનો કોશ* પણ બનાવ. પછી તું મારી પાસે પર્વત પર આવ. ૨ તેં તોડી નાખી હતી એ પાટીઓ પરનું લખાણ હું તને ફરી લખી આપીશ. તું એ પાટીઓને કોશમાં મૂકજે.’ ૩ મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો અને અગાઉની જેમ જ પથ્થરની બે પાટીઓ બનાવી. હાથમાં એ પાટીઓ લઈને હું પર્વત પર ગયો.+ ૪ પહેલાંની જેમ યહોવાએ એના પર દસ આજ્ઞાઓ*+ લખી+ અને એ મને આપી. તમે બધા ભેગા થયા હતા એ દિવસે,+ યહોવાએ પર્વત પર આગમાંથી તમારી સાથે વાત કરીને જે આજ્ઞાઓ આપી હતી,+ એ જ આજ્ઞાઓ પાટીઓ પર લખીને મને આપી. ૫ હું પર્વત પરથી નીચે ઊતર્યો+ અને યહોવાની આજ્ઞા મુજબ એ પાટીઓ મેં બનાવેલા કોશમાં મૂકી. એ પાટીઓ ત્યારથી એ કોશમાં જ છે.
૬ “પછી ઇઝરાયેલીઓ બએરોથ બેની-યાઅકાનથી નીકળીને મોસેરાહ ગયા. ત્યાં હારુનનું મરણ થયું અને તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો.+ તેની જગ્યાએ તેનો દીકરો એલઆઝાર યાજક* તરીકે સેવા આપવા લાગ્યો.+ ૭ ત્યાંથી ઇઝરાયેલીઓ ગુદગોદાહ ગયા અને ગુદગોદાહથી યોટબાથાહ+ ગયા, જે પાણીનાં ઝરણાઓનો પ્રદેશ છે.
૮ “એ વખતે યહોવાએ લેવી* કુળને અલગ કર્યું,+ જેથી લેવીઓ યહોવાનો કરારકોશ* ઊંચકે,+ યહોવાની સેવા કરવા તેમની આગળ ઊભા રહે અને તેમના નામે લોકોને આશીર્વાદ આપે.+ આજે પણ તેઓ એમ કરી રહ્યા છે. ૯ એટલે જ લેવીઓને તેઓના ભાઈઓ સાથે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવ્યો નથી. યહોવા તમારા ઈશ્વરે જેમ તેઓને કહ્યું હતું, તેમ યહોવા જ તેઓનો વારસો છે.+ ૧૦ પહેલાંની જેમ હું ફરી ૪૦ દિવસ અને ૪૦ રાત પર્વત પર રહ્યો+ અને યહોવાએ આ વખતે પણ મારું સાંભળ્યું.+ યહોવાએ તમારો નાશ ન કરવાનું નક્કી કર્યું. ૧૧ પછી યહોવાએ મને કહ્યું, ‘આ લોકોની આગેવાની લે અને તેઓને આગળ વધવા તૈયાર કર, જેથી મેં તેઓના બાપદાદાઓ આગળ જે દેશ આપવાના સમ ખાધા હતા, એને તેઓ કબજે કરે.’+
૧૨ “હે ઇઝરાયેલ, યહોવા તારા ઈશ્વર તારી પાસે શું ચાહે છે?+ ફક્ત એટલું જ કે, તું યહોવા તારા ઈશ્વરનો ડર* રાખે,+ તેમના માર્ગોમાં ચાલે,+ તેમને પ્રેમ કરે, પૂરા દિલથી અને પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા કરે,+ ૧૩ યહોવાની એ આજ્ઞાઓ અને નિયમો પાળે, જે તારા ભલા માટે હું આજે તને આપું છું.+ ૧૪ જો! આકાશોનાં આકાશો,* પૃથ્વી અને એમાંનું સર્વસ્વ યહોવા તારા ઈશ્વરનું છે.+ ૧૫ તોપણ, યહોવા ફક્ત તારા બાપદાદાઓની નજીક ગયા અને તેઓને પ્રેમ બતાવ્યો. તેમણે તેઓના વંશજોને,+ હા, તમને બીજી બધી પ્રજાઓમાંથી પસંદ કર્યા અને આજે પણ તમે તેમની પસંદ કરેલી પ્રજા છો. ૧૬ હવે તમારાં હૃદયો શુદ્ધ કરો*+ અને હઠીલા બનવાનું* છોડી દો.+ ૧૭ કેમ કે તમારા ઈશ્વર યહોવા તો ઈશ્વરોના ઈશ્વર+ અને પ્રભુઓના પ્રભુ છે. તે મહાન, પરાક્રમી અને અદ્ભુત* ઈશ્વર છે. તે પક્ષપાત કરતા નથી+ અને લાંચ લેતા નથી. ૧૮ તે અનાથને* અને વિધવાને ન્યાય અપાવે છે.+ તમારી વચ્ચે રહેતા પરદેશી પર તે પ્રેમ રાખે છે+ અને તેને અન્ન-વસ્ત્ર પૂરાં પાડે છે. ૧૯ તમે પણ પરદેશીને પ્રેમ બતાવો, કેમ કે તમે પણ એક વખતે ઇજિપ્તમાં પરદેશી હતા.+
૨૦ “તમે યહોવા તમારા ઈશ્વરનો ડર* રાખો, તેમની જ સેવા કરો,+ તેમને જ વળગી રહો અને તેમના નામે જ સમ ખાઓ. ૨૧ ફક્ત તેમની જ સ્તુતિ કરો.+ તે તમારા ઈશ્વર છે, જેમણે તમારા માટે મહાન, ભયાવહ અને આશ્ચર્ય પમાડે એવાં કામો કર્યાં છે, જેને તમે નજરોનજર જોયાં છે.+ ૨૨ તમારા બાપદાદાઓ ઇજિપ્ત ગયા ત્યારે તેઓ ફક્ત ૭૦ હતા,+ પણ અત્યારે યહોવા તમારા ઈશ્વરે તમારી સંખ્યા આકાશના તારાઓની જેમ અગણિત કરી છે.+
૧૧ “તમે તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરો.+ તેમનાં સૂચનો, આજ્ઞાઓ, કાયદા-કાનૂન અને નિયમો હંમેશાં પાળો. ૨ તમે જાણો છો કે આજે હું તમારી સાથે વાત કરું છું, તમારા દીકરાઓ સાથે નહિ, કેમ કે તેઓએ યહોવા તમારા ઈશ્વરની શિસ્તને,*+ તેમની મહાનતાને,+ તેમના શક્તિશાળી+ અને બળવાન હાથને ક્યારેય જોયાં નથી કે એનો અનુભવ કર્યો નથી. ૩ ઈશ્વરે ઇજિપ્તમાં જે ચમત્કારો અને કાર્યો કર્યાં તેમજ ઇજિપ્તના રાજા ફારુન* અને તેના દેશના કેવા હાલ કર્યા, એ તમારા દીકરાઓએ જોયું નથી.+ ૪ તેઓએ એ પણ જોયું નથી કે ઈશ્વરે ઇજિપ્તના સૈન્યની, રાજાના ઘોડાઓની અને રથોની કેવી હાલત કરી હતી. તેઓ તમારો પીછો કરતા હતા ત્યારે યહોવાએ તેઓને લાલ સમુદ્રમાં ડુબાડી દીધા અને તેઓનો હંમેશ માટે નાશ કર્યો.*+ ૫ તમે આ જગ્યાએ આવી પહોંચ્યા ત્યાં સુધી ઈશ્વરે વેરાન પ્રદેશમાં તમારા માટે જે કંઈ કર્યું, એ પણ તમારા દીકરાઓએ જોયું નથી. ૬ ઈશ્વરે રૂબેન કુળના અલીઆબના દીકરાઓ દાથાન અને અબીરામના કેવા હાલ કર્યા હતા, એ પણ તેઓએ જોયું નથી. ધરતીએ પોતાનું મોં ઉઘાડ્યું હતું અને સર્વ ઇઝરાયેલીઓના દેખતાં એ બંનેને, તેઓનાં કુટુંબોને, તેઓના તંબુઓને, તેઓના લોકોને અને પ્રાણીઓને ગળી ગઈ હતી.+ ૭ પણ યહોવાએ કરેલાં મોટાં મોટાં કામો તમે નજરોનજર જોયાં છે.
૮ “હું આજે તમને જે બધી આજ્ઞાઓ આપું છું એ તમે પાળો. એમ કરશો તો, તમે બળવાન થશો, નદી પાર કરીને એ દેશ કબજે કરશો ૯ અને ત્યાં લાંબું જીવશો.+ યહોવાએ સમ ખાધા હતા કે દૂધ-મધની રેલમછેલવાળો એ દેશ+ તે તમારા બાપદાદાઓને અને તેઓના વંશજને આપશે.+
૧૦ “તમે જે દેશને કબજે કરવા જઈ રહ્યા છો, એ ઇજિપ્ત જેવો નથી, જેમાંથી તમે બહાર નીકળી આવ્યા છો. ત્યાં તમે બી વાવ્યા પછી આકરી મહેનત કરીને પાણી સિંચતા હતા,* જેમ શાકભાજીની વાડીને સિંચવામાં આવે છે. ૧૧ પણ જે દેશ તમે કબજે કરવા જઈ રહ્યા છો, એ પર્વતો અને ખીણોનો દેશ છે.+ ત્યાંની જમીન આકાશમાંથી પડતા વરસાદનું પાણી પીએ છે.+ ૧૨ એ દેશની સંભાળ તો તમારા ઈશ્વર યહોવા પોતે રાખે છે. વર્ષની શરૂઆતથી લઈને અંત સુધી તમારા ઈશ્વર યહોવાની નજર સતત એના પર રહે છે.
૧૩ “હું આજે તમને જે આજ્ઞાઓ આપું છું, એ જો તમે ધ્યાનથી પાળશો, તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરશો અને પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની ભક્તિ કરશો,+ ૧૪ તો ઠરાવેલા સમયે તે* તમારા દેશ પર વરસાદ મોકલશે. પાનખરનો વરસાદ* અને વસંતનો વરસાદ* એના સમયે પડશે અને તમે અનાજ, નવો દ્રાક્ષદારૂ અને તેલનો સંગ્રહ કરશો.+ ૧૫ તે તમારાં ઢોરઢાંક માટે મેદાનોમાં ભરપૂર ઘાસ ઉગાડશે. એ દેશમાં તમે ધરાઈને ખાશો અને તૃપ્ત થશો.+ ૧૬ સાવધ રહેજો કે તમારું દિલ લલચાઈને ભટકી ન જાય અને તમે બીજા દેવોને ભજવા અને તેઓ આગળ નમવા ન લાગો.+ ૧૭ નહિતર યહોવાનો ગુસ્સો તમારા પર ભડકી ઊઠશે. તે આકાશના દરવાજા બંધ કરી દેશે અને વરસાદ અટકી જશે.+ પછી જમીન એની પેદાશ નહિ આપે અને યહોવા તમને જે ઉત્તમ દેશ આપી રહ્યા છે, એમાંથી તમારો જલદી જ નાશ થઈ જશે.+
૧૮ “મારી આ આજ્ઞાઓ તમારાં દિલમાં અને તમારાં મનમાં સંઘરી રાખો. તમે એ આજ્ઞાઓને યાદગીરી તરીકે હાથ પર બાંધો અને નિશાની* તરીકે કપાળ પર* લગાવો.+ ૧૯ એ આજ્ઞાઓ તમે તમારા દીકરાઓને શીખવો. જ્યારે તમે ઘરમાં બેઠા હો, રસ્તે ચાલતા હો, સૂતા હો કે ઊઠો ત્યારે એ વિશે વાત કરો.+ ૨૦ તમારા ઘરની બારસાખો પર અને શહેરના દરવાજાઓ પર એ લખો, ૨૧ જેથી જે દેશ તમારા બાપદાદાઓને આપવા વિશે યહોવાએ સમ ખાધા હતા,+ એમાં તમે અને તમારા દીકરાઓ લાંબું જીવો.+ હા, જ્યાં સુધી પૃથ્વી ઉપર આકાશ રહેશે, ત્યાં સુધી તમે એ દેશમાં જીવશો.
૨૨ “જો તમે ખંતથી મારી આજ્ઞાઓ પાળશો, તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરશો,+ તેમના સર્વ માર્ગોમાં ચાલશો અને તેમને વળગી રહેશો,+ ૨૩ તો યહોવા તમારી આગળથી બધી પ્રજાઓને હાંકી કાઢશે.+ તમે તમારા કરતાં વધારે બળવાન અને મોટી પ્રજાઓનો નાશ કરશો.+ ૨૪ તમે જે જગ્યાએ પગ મૂકશો, એ તમારી થઈ જશે.+ તમારી સરહદ વેરાન પ્રદેશથી લઈને લબાનોન સુધી અને યુફ્રેટિસ નદીથી લઈને પશ્ચિમી સમુદ્ર* સુધી થશે.+ ૨૫ તમારી સામે કોઈ ટકી શકશે નહિ.+ જે જમીન પર તમે પગ મૂકશો, ત્યાંના લોકોમાં તમારા ઈશ્વર યહોવા તમારો ડર અને ધાક બેસાડશે,+ જેમ તેમણે તમને વચન આપ્યું છે.
૨૬ “જુઓ, આજે હું તમારી આગળ આશીર્વાદ અને શ્રાપ મૂકું છું.+ ૨૭ તમારા ઈશ્વર યહોવાની જે આજ્ઞાઓ આજે હું તમને જણાવું છું, એ તમે પાળશો તો આશીર્વાદ મળશે.+ ૨૮ પણ જો તમે તમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ નહિ પાળો અને આજે હું તમને ફરમાવું છું, એ માર્ગેથી ભટકી જશો અને જે દેવોને તમે જાણતા નથી તેઓની પાછળ જશો, તો તમારા પર શ્રાપ આવશે.+
૨૯ “તમે જે દેશને કબજે કરવાના છો, એમાં તમારા ઈશ્વર યહોવા તમને લઈ આવે ત્યારે, તમે ગરીઝીમ પર્વત પાસે આશીર્વાદ અને એબાલ પર્વત+ પાસે શ્રાપ આપજો. ૩૦ એ પર્વતો યર્દનની પેલે પાર પશ્ચિમ તરફ* છે, ગિલ્ગાલ સામે અરાબાહમાં રહેતા કનાનીઓના દેશમાં અને મોરેહનાં મોટાં મોટાં વૃક્ષોની નજીક છે.+ ૩૧ તમે યર્દન પાર કરીને એ દેશ કબજે કરવા જઈ રહ્યા છો, જે તમારા ઈશ્વર યહોવા તમને આપી રહ્યા છે.+ જ્યારે તમે એ દેશ કબજે કરો અને એમાં રહેવા લાગો, ૩૨ ત્યારે ધ્યાનથી એ બધા નિયમો અને કાયદા-કાનૂન પાળો, જે આજે હું તમને આપી રહ્યો છું.+
૧૨ “તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવા જે દેશ તમારા હાથમાં સોંપશે, એમાં તમે જીવનભર આ બધા નિયમો અને કાયદા-કાનૂન ધ્યાનથી પાળો. ૨ તમે હાંકી કાઢેલી પ્રજાઓ જે જગ્યાઓએ પોતાના દેવોની પૂજા કરતી હતી, એ બધાનો પૂરેપૂરો નાશ કરો.+ ભલે એ જગ્યા ઊંચા પહાડો પર કે ટેકરીઓ પર હોય અથવા મોટાં ઝાડ નીચે હોય, એનો નાશ કરો. ૩ તમે તેઓની વેદીઓ તોડી નાખો, ભક્તિ-સ્તંભો ભાંગી નાખો,+ ભક્તિ-થાંભલાઓ અગ્નિમાં બાળી નાખો અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખો.+ આમ તેઓના દેવોનું નામનિશાન એ જગ્યાએથી ભૂંસી નાખો.+
૪ “તેઓ જે રીતે પોતાના દેવોને ભજે છે, એ રીતે તમે તમારા ઈશ્વર યહોવાને ભજશો નહિ.+ ૫ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા અને પોતાનું રહેઠાણ બનાવવા તમારાં બધાં કુળોના વિસ્તારમાંથી એક જગ્યા પસંદ કરશે. તમે ત્યાં જઈને તેમની ભક્તિ કરો.+ ૬ ત્યાં તમે તમારાં અગ્નિ-અર્પણો,*+ બલિદાનો, તમારી માલ-મિલકતનો દસમો ભાગ,*+ તમારાં દાનો,+ માનતા-અર્પણો,* સ્વેચ્છા-અર્પણો*+ તેમજ ઘેટાં-બકરાં અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા* ચઢાવો.+ ૭ ત્યાં યહોવા તમારા ઈશ્વર આગળ તમે અને તમારું કુટુંબ એ અર્પણોમાંથી ખાઓ+ અને તમારી મહેનતના ફળનો આનંદ માણો,+ કેમ કે યહોવા તમારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે.
૮ “અહીં તમે જેવું કરો છો, એવું ત્યાં કરતા નહિ. અહીં તો દરેક જણ પોતાને જે ઠીક લાગે એ કરે છે, ૯ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને રહેવા માટે જે જગ્યા+ અને વારસો આપવાના છે, એમાં તમે હજુ પ્રવેશ્યા નથી. ૧૦ તમે જ્યારે યર્દન પાર કરીને+ એ દેશને કબજે કરો, જે યહોવા તમારા ઈશ્વર તમને આપવાના છે, ત્યારે તે તમારા બધા દુશ્મનોથી ચોક્કસ તમારું રક્ષણ કરશે. ત્યાં તમે સહીસલામત રહેશો.+ ૧૧ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ ત્યાં આ બધું લાવવાની હું તમને આજ્ઞા કરું છું: તમારાં અગ્નિ-અર્પણો, તમારાં બલિદાનો, તમારી માલ-મિલકતનો દસમો ભાગ,+ તમારાં દાનો અને તમારાં માનતા-અર્પણો, જે વિશે તમે યહોવા આગળ માનતા લો છો. ૧૨ યહોવા તમારા ઈશ્વર આગળ તમે તમારાં દીકરા-દીકરીઓ અને દાસ-દાસીઓ સાથે આનંદ કરો.+ તમારાં શહેરોમાં રહેતા લેવીઓ સાથે પણ આનંદ કરો, કેમ કે તેઓને તમારી વચ્ચે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવ્યો નથી.+ ૧૩ સાવધ રહેજો, તમારાં અગ્નિ-અર્પણો ગમે એ જગ્યાએ ચઢાવતા નહિ.+ ૧૪ તમારાં કુળોના વિસ્તારોમાં યહોવા પસંદ કરે એ જગ્યાએ જ તમે તમારાં અગ્નિ-અર્પણો ચઢાવો અને મારી આજ્ઞા પ્રમાણે જ બધું કરો.+
૧૫ “પણ જ્યારે તમને માંસ ખાવાનું મન થાય, ત્યારે તમારાં શહેરોમાં પ્રાણીઓ કાપીને ખાઈ શકો.+ યહોવા તમારા ઈશ્વરના આશીર્વાદથી તમારી પાસે જે પ્રાણીઓ છે, એમાંથી તમે ચાહો એટલું ખાઈ શકો. શુદ્ધ અને અશુદ્ધ માણસ એ ખાઈ શકે, જેમ સાબર કે હરણનું માંસ ખાઈ શકાય છે. ૧૬ પણ તમે લોહી ન ખાઓ,+ એને પાણીની જેમ જમીન પર રેડી દો.+ ૧૭ તમને તમારાં શહેરોમાં આ વસ્તુઓ ખાવાની છૂટ નથી: તમારા અનાજનો, નવા દ્રાક્ષદારૂનો અને તેલનો દસમો ભાગ, તમારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા,+ તમારાં માનતા-અર્પણો, સ્વેચ્છા-અર્પણો અથવા તમારાં દાનો. ૧૮ એ બધું તમે તમારા ઈશ્વર યહોવા આગળ ખાઓ. યહોવા તમારા ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ+ તમે, તમારાં દીકરા-દીકરીઓ, તમારાં દાસ-દાસીઓ અને તમારાં શહેરોમાં રહેતા લેવીઓ એ બધું ખાઓ. તમારા ઈશ્વર યહોવા આગળ તમારી મહેનતના ફળનો આનંદ માણો. ૧૯ પણ ધ્યાન રાખજો, તમે તમારા દેશમાં રહો ત્યાં સુધી લેવીઓને ભૂલતા નહિ.+
૨૦ “તમારા ઈશ્વર યહોવા તમને આપેલા વચન પ્રમાણે+ તમારી સરહદો વધારે+ અને તમને માંસ ખાવાનું મન થાય અને તમે કહો, ‘મારે માંસ ખાવું છે,’ તો તમે માંસ ખાઈ શકો છો.+ ૨૧ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ એ જગ્યા જો તમારાથી ઘણી દૂર હોય, તો મેં તમને આજ્ઞા આપી છે એ પ્રમાણે તમે ઘેટાં-બકરાં કે ઢોરઢાંકમાંથી અમુક પ્રાણીઓ કાપીને ખાઈ શકો, જે યહોવાએ તમને આપ્યાં છે. તમને જ્યારે પણ મન થાય ત્યારે તમારાં શહેરોમાં એ ખાઈ શકો. ૨૨ તમે સાબર કે હરણના માંસની જેમ એ ખાઈ શકો.+ શુદ્ધ અને અશુદ્ધ માણસ એ ખાઈ શકે. ૨૩ પણ તમે મનમાં ગાંઠ વાળજો કે તમે લોહી નહિ ખાઓ,+ કેમ કે લોહી જીવન છે.+ તમે માંસ સાથે લોહી* ન ખાઓ. ૨૪ તમે એ ન ખાઓ. તમે પાણીની જેમ એને જમીન પર રેડી દો.+ ૨૫ તમે લોહી ન ખાઓ. એમ કરવાથી તમારું અને તમારાં બાળકોનું ભલું થશે, કેમ કે તમે યહોવાની નજરમાં જે સારું છે એ કરી રહ્યા છો. ૨૬ યહોવા પસંદ કરે એ જગ્યાએ તમે જાઓ ત્યારે, ફક્ત તમારી પવિત્ર વસ્તુઓ અને તમારાં માનતા-અર્પણો લઈ જાઓ. ૨૭ ત્યાં તમે તમારા ઈશ્વર યહોવાની વેદી પર તમારાં અગ્નિ-અર્પણોનું માંસ અને લોહી ચઢાવો.+ તમારાં બીજાં અર્પણોનું લોહી તમારા ઈશ્વર યહોવાની વેદી પાસે રેડી દો,+ પણ એનું માંસ તમે ખાઈ શકો.
૨૮ “જે આજ્ઞાઓ હું તમને આપું છું, એ બધી તમે ધ્યાનથી પાળજો. એમ કરવાથી તમારું અને તમારા દીકરાઓનું હંમેશાં ભલું થશે, કેમ કે તમે યહોવા તમારા ઈશ્વરની નજરમાં જે સારું અને યોગ્ય છે એ કરી રહ્યા છો.
૨૯ “તમે જે પ્રજાઓને હાંકી કાઢશો, તેઓનો તમારા ઈશ્વર યહોવા નાશ કરી દેશે+ અને તમે તેઓના દેશમાં રહેશો. ૩૦ પણ એમ થાય ત્યારે ધ્યાન રાખજો, તમે એ પ્રજાઓને માર્ગે ચાલતા નહિ. તેઓના દેવો વિશે પૂછતા નહિ કે, ‘આ પ્રજાઓ કઈ રીતે પોતાના દેવોની પૂજા કરતી હતી? હું પણ એવું જ કરીશ.’+ ૩૧ તમે એ રીતે યહોવા તમારા ઈશ્વરની ભક્તિ ન કરો, કેમ કે એ પ્રજાઓ પોતાના દેવો માટે એવાં કામો કરે છે, જેને યહોવા ધિક્કારે છે. અરે, તેઓ તો પોતાનાં દીકરા-દીકરીઓને તેઓના દેવો આગળ આગમાં હોમી દે છે.+ ૩૨ હું જે બધી આજ્ઞાઓ તમને આપું છું, એ તમે કાળજી રાખીને પાળો.+ એમાં તમે કંઈ વધારો કે ઘટાડો ન કરો.+
૧૩ “જો તમારામાં કોઈ પ્રબોધક* કે સપનું જોઈને ભવિષ્ય ભાખનાર ઊભો થાય અને તે તમને કોઈ ચિહ્ન દેખાડે અથવા ભવિષ્ય ભાખે ૨ અને જો તેનું ચિહ્ન અથવા તેણે ભાખેલી વાત સાચી પડે અને તે કહે, ‘ચાલો, આપણે બીજા દેવો પાસે જઈએ અને તેઓની સેવા કરીએ,’ જેઓથી તમે અજાણ છો, ૩ તો એ પ્રબોધકનું કે ભવિષ્ય ભાખનારનું સાંભળશો નહિ,+ કેમ કે યહોવા તમારા ઈશ્વર એ જોવા તમારું પારખું કરી રહ્યા છે+ કે, તમે યહોવા તમારા ઈશ્વરને પૂરા દિલથી અને પૂરા જીવથી પ્રેમ કરો છો કે નહિ.+ ૪ તમે ફક્ત યહોવા તમારા ઈશ્વરની જ પાછળ ચાલો, તેમનો જ ડર રાખો, તેમની જ આજ્ઞાઓ પાળો, તેમનું જ સાંભળો, તેમની જ સેવા કરો અને તેમને જ વળગી રહો.+ ૫ પણ એ પ્રબોધકને અથવા ભવિષ્ય ભાખનારને મારી નાખો,+ કેમ કે તેણે યહોવા તમારા ઈશ્વર વિરુદ્ધ બળવો કરવા લોકોને ઉશ્કેર્યા છે, જે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે. તેણે તમને યહોવા તમારા ઈશ્વરે બતાવેલા માર્ગથી ફંટાવી દીધા છે. તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+
૬ “એવું પણ બને કે તમારો સગો ભાઈ કે દીકરો કે દીકરી કે પ્રિય પત્ની કે દિલોજાન મિત્ર તમને છૂપી રીતે લલચાવે અને કહે, ‘ચાલો, આપણે જઈએ અને બીજા દેવોને ભજીએ.’+ તે તમને એવા દેવોને ભજવા લલચાવે જેઓને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી. ૭ ભલે એ દેવો તમારી આસપાસની કે દૂરની પ્રજાના હોય અથવા દેશના કોઈ પણ છેડે વસતા લોકોના હોય, ૮ પણ તમે તેની વાત માનશો નહિ કે તેનું સાંભળશો નહિ.+ તેને દયા કે કરુણા બતાવશો નહિ. તેને બચાવવાની કોશિશ પણ કરશો નહિ. ૯ તમે તેને મારી નાખો.+ તેને મારી નાખવા તમારો હાથ સૌથી પહેલો ઊઠે અને પછી બીજા લોકોનો.+ ૧૦ તમે તેને પથ્થરે મારી નાખો,+ કેમ કે તેણે યહોવા તમારા ઈશ્વરથી તમને દૂર લઈ જવાની કોશિશ કરી છે, જે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે. ૧૧ આખું ઇઝરાયેલ એ વિશે સાંભળશે અને ગભરાશે. તમારામાંથી કોઈ એવું દુષ્ટ કામ ફરી કદી નહિ કરે.+
૧૨ “યહોવા તમારા ઈશ્વર તમને વસવા માટે જે શહેરો આપે છે, એમાંના કોઈ શહેરમાં જો તમે આવું સાંભળો કે, ૧૩ ‘અમુક નકામા માણસો શહેરના રહેવાસીઓને આવું કહીને ખોટા માર્ગે દોરી રહ્યા છે, “ચાલો, આપણે જઈએ અને બીજા દેવોને ભજીએ,” એવા દેવોને જેઓને તમે જાણતા નથી,’ ૧૪ તો તમે હકીકત જાણવા શોધખોળ કરો, પૂરેપૂરી તપાસ અને પૂછપરછ કરો.+ જો સાબિત થાય કે એવું ધિક્કારને લાયક કામ તમારામાં થયું છે, ૧૫ તો તમે એ શહેરના બધા રહેવાસીઓ અને તેઓનાં ઢોરઢાંકને તલવારે મારી નાખો.+ તમે શહેર અને એમાંના સર્વસ્વનો નાશ કરો.+ ૧૬ તમે એની લૂંટ ભેગી કરો અને શહેરના ચોકની વચ્ચોવચ મૂકો. તમે શહેરને બાળી નાખો. એની લૂંટ યહોવા તમારા ઈશ્વર આગળ અગ્નિ-અર્પણ તરીકે ગણાશે. એ શહેર કાયમ માટે પથ્થરનો ઢગલો થઈ જાય. એને ફરી કદી બાંધવામાં ન આવે. ૧૭ જે વસ્તુઓને વિનાશ માટે અલગ કરવામાં* આવી છે, એમાંથી તમે પોતાના માટે કશું ન લો,+ જેથી યહોવાનો ગુસ્સો તમારા પર ભડકી ન ઊઠે, તે તમને દયા અને કરુણા બતાવે અને તમારી વસ્તી વધારે, જેમ તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ ૧૮ યહોવા તમારા ઈશ્વરની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને જણાવું છું, એ પાળીને તેમનું કહેવું માનો.* આમ, યહોવા તમારા ઈશ્વરની નજરમાં જે સારું છે એ જ કરો.+
૧૪ “તમે તમારા ઈશ્વર યહોવાના દીકરાઓ છો. એટલે મરેલી વ્યક્તિ માટે તમે તમારાં શરીર પર કાપા ન પાડો+ અથવા પોતાની ભ્રમરો ન મૂંડાવો.*+ ૨ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાની પવિત્ર પ્રજા છો.+ યહોવાએ તમને પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની પ્રજા, હા, પોતાની ખાસ સંપત્તિ* બનવા પસંદ કર્યા છે.+
૩ “તમે એવું કંઈ પણ ન ખાઓ જેને ઈશ્વર ધિક્કારે છે.+ ૪ પણ તમે આ પ્રાણીઓ ખાઈ શકો:+ બળદ, ઘેટો, બકરો, ૫ હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરો, રાની હરણ, જંગલી ઘેટો અને પહાડી ઘેટો. ૬ તમે એવું દરેક પ્રાણી ખાઈ શકો, જેના પગની ખરી બે ભાગમાં ફાટેલી છે અને જે વાગોળે છે. ૭ પણ તમે આ પ્રાણીઓ ન ખાઓ, જે ફક્ત વાગોળે છે અથવા જેની ફક્ત ખરી ફાટેલી છે: ઊંટ, સસલું અને ખડકોમાં રહેતું સસલું, કેમ કે તેઓ વાગોળે છે, પણ તેઓની ખરી ફાટેલી નથી. તેઓ તમારા માટે અશુદ્ધ છે.+ ૮ અને ભૂંડ ન ખાઓ, કેમ કે એની ખરી ફાટેલી છે, પણ એ વાગોળતું નથી. એ તમારા માટે અશુદ્ધ છે. તમે એ બધાં પ્રાણીઓનું માંસ ન ખાઓ અથવા તેઓનાં મડદાંને ન અડકો.
૯ “પાણીમાં રહેતાં આ બધાં પ્રાણીઓ તમે ખાઈ શકો: જેને ભીંગડાં અને પર* હોય એ તમે ખાઈ શકો.+ ૧૦ તમે એવાં પ્રાણીઓ ન ખાઓ, જેઓને ભીંગડાં અને પર નથી. એ તમારા માટે અશુદ્ધ છે.
૧૧ “તમે કોઈ પણ શુદ્ધ પક્ષી ખાઈ શકો. ૧૨ પણ તમે આ પક્ષીઓ ન ખાઓ: ગરુડ, દરિયાઈ બાજ, કાળું ગીધ,+ ૧૩ લાલ સમડી, કાળી સમડી અને બીજી દરેક જાતની સમડી, ૧૪ દરેક જાતના કાગડા, ૧૫ શાહમૃગ, ઘુવડ, દરિયાઈ ધૂમડો,* દરેક જાતના શકરા, ૧૬ નાનું ઘુવડ, લાંબા કાનવાળું ઘુવડ, હંસ, ૧૭ પેણ,* ગીધ, જળકૂકડી, ૧૮ સારસ, દરેક જાતના બગલા, હુદહુદ* અને ચામાચીડિયું. ૧૯ ઝુંડમાં રહેતા પાંખવાળાં બધાં જીવજંતુઓ* તમારા માટે અશુદ્ધ છે. એ તમે ન ખાઓ. ૨૦ તમે કોઈ પણ પક્ષી કે પાંખવાળાં જીવજંતુઓ ખાઈ શકો, જે શુદ્ધ છે.
૨૧ “તમે એવા કોઈ પણ પ્રાણીનું માંસ ન ખાઓ, જે તમને મરેલું મળ્યું હોય.+ એ પ્રાણીને તમે તમારાં શહેરોમાં રહેતા પરદેશીને આપી શકો, તેઓ ભલે એ ખાતા. તમે એ પ્રાણી પરદેશીને વેચી શકો. પણ તમે એ ન ખાઓ, કેમ કે તમારા ઈશ્વર યહોવા માટે તમે પવિત્ર લોકો છો.
“તમે બકરીના બચ્ચાને એની માના દૂધમાં ન બાફો.+
૨૨ “તમે દર વર્ષે તમારી જમીનની ઊપજનો દસમો ભાગ અચૂક આપો.+ ૨૩ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, ત્યાં જઈને તમે તેમની આગળ તમારા અનાજનો, નવા દ્રાક્ષદારૂનો અને તેલનો દસમો ભાગ ખાઓ તેમજ તમારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા પ્રાણીનું માંસ ખાઓ.+ એમ કરવાથી તમે હંમેશાં તમારા ઈશ્વર યહોવાનો ડર રાખવાનું શીખશો.+
૨૪ “પણ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ એ તમારાથી ઘણી દૂર હોય અને યહોવા તમારા ઈશ્વરના આશીર્વાદથી તમારી પાસે પુષ્કળ સંપત્તિ હોવાથી એનો દસમો ભાગ ત્યાં લઈ જવો મુશ્કેલ હોય ૨૫ તો તમે એ વેચી દો. પછી એ પૈસા લઈને યહોવા તમારા ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ જાઓ. ૨૬ એ પૈસાથી તમે ચાહો એ ખરીદી શકો. તમે ઢોરઢાંક, ઘેટાં-બકરાં, દ્રાક્ષદારૂ અને બીજા શરાબ તેમજ બીજું કંઈ પણ ખરીદી શકો. પછી તમે અને તમારું કુટુંબ ત્યાં તમારા ઈશ્વર યહોવા આગળ એ ખાઓ અને આનંદ માણો.+ ૨૭ પણ તમારાં શહેરોમાં રહેતા લેવીઓને ભૂલતા નહિ,+ કેમ કે તેઓને તમારી વચ્ચે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવ્યો નથી.+
૨૮ “દર ત્રણ વર્ષને અંતે, ત્રીજા વર્ષની ઊપજનો દસમો ભાગ જુદો કાઢો અને તમારાં શહેરોમાં એને જમા કરાવો.+ ૨૯ પછી જેઓને તમારી વચ્ચે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવ્યો નથી એ લેવીઓ તેમજ તમારાં શહેરોમાં રહેતાં પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ આવીને એમાંથી લેશે અને ભરપેટ ખાશે.+ એમ કરશો તો, તમારા ઈશ્વર યહોવા તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે.+
૧૫ “દર સાતમા વર્ષે તમે છુટકારો જાહેર કરો.+ ૨ એ છુટકારામાં આનો સમાવેશ થાય છે: દરેક લેણદાર પોતાના પડોશીનું દેવું માફ કરે. તે પોતાના પડોશી અથવા ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ ન કરે, કેમ કે એ વર્ષે યહોવાના માનમાં છુટકારો જાહેર કરવામાં આવશે.+ ૩ તમે પરદેશી પાસેથી દેવું વસૂલ કરી શકો,+ પણ તમારા ભાઈનું બધું દેવું જતું કરો. ૪ જોકે તમારામાં કોઈ ગરીબ નહિ હોય, કેમ કે તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને વારસામાં આપી રહ્યા છે, એમાં યહોવા તમને ચોક્કસ આશીર્વાદ આપશે.+ ૫ શરત એટલી જ કે, તમે યહોવા તમારા ઈશ્વરની વાત ખંતથી પાળો અને આજે હું તમને જે બધી આજ્ઞાઓ આપું છું, એનું ધ્યાનથી પાલન કરો.+ ૬ તમને આપેલા વચન પ્રમાણે યહોવા તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે. તમે ઘણી પ્રજાઓને ઉછીનું* આપશો, પણ તમારે કોઈની પાસેથી ઉછીનું લેવું નહિ પડે.+ તમે ઘણી પ્રજાઓ પર રાજ કરશો, પણ તેઓ તમારા પર રાજ નહિ કરે.+
૭ “જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે, એના કોઈ પણ શહેરમાં જો તમારો કોઈ ઇઝરાયેલી ભાઈ ગરીબ થઈ જાય, તો તમે તમારાં હૃદયો કઠણ ન કરો અથવા તમારા ગરીબ ભાઈને મદદ કરવા પોતાની મુઠ્ઠી બંધ ન કરો.+ ૮ તમે ઉદાર હાથે તેને મદદ કરો.+ તેને જે જોઈએ અને જેટલું જોઈએ, એટલું ઉછીનું આપો. ૯ ધ્યાન રાખજો કે આવો દુષ્ટ વિચાર પણ તમારા મનમાં ન આવે: ‘હવે સાતમું વર્ષ, એટલે કે છુટકારાનું વર્ષ* પાસે છે’+ અને એવું વિચારીને તમારા ગરીબ ભાઈને મદદ કરવાથી અને તેને કંઈ આપવાથી તમારો હાથ પાછો ન રાખો. જો તે તમારી વિરુદ્ધ યહોવાને પોકાર કરશે, તો તમે પાપી ઠરશો.+ ૧૦ તમે કચવાતા મને નહિ, પણ ઉદાર હાથે તેને આપો.+ જો તમે એમ કરશો, તો યહોવા તમારા ઈશ્વર તમારી મહેનત પર અને તમારાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે.+ ૧૧ એ દેશમાં ગરીબો તો હંમેશાં રહેવાના.+ એટલે, હું તમને આજ્ઞા આપું છું, ‘તમે તમારા દેશમાં ગરીબને અને મુશ્કેલીમાં આવી પડેલા ભાઈને ઉદાર બની, ખુલ્લા હાથે મદદ કરો.’+
૧૨ “જો તમારા હિબ્રૂ ભાઈઓમાંથી કોઈ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને તેણે છ વર્ષ તમારી ચાકરી કરી હોય, તો સાતમા વર્ષે તમે તેને આઝાદ કરો.+ ૧૩ તેને આઝાદ કરો ત્યારે, ખાલી હાથે ન મોકલો. ૧૪ તમે તમારાં ઢોરઢાંકમાંથી, તમારાં અનાજમાંથી, તમારા તેલમાંથી અને તમારા દ્રાક્ષદારૂમાંથી તેને ઉદાર હાથે આપો. યહોવા તમારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે, એ મુજબ તમે તેને આપો. ૧૫ ભૂલતા નહિ, તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને યહોવા તમારા ઈશ્વરે તમને ત્યાંથી છોડાવ્યા હતા. એટલે જ હું તમને આવું કરવાની આજે આજ્ઞા આપું છું.
૧૬ “પણ જો તે કહે, ‘હું તમને છોડીને નહિ જાઉં,’ કેમ કે તે તમને અને તમારા કુટુંબીજનોને ખૂબ પ્રેમ કરે છે અને તમારી સાથે રહીને ખુશ છે,+ ૧૭ તો તમે તેને બારણા પાસે લઈ જાઓ અને સોયો* લઈને તેનો કાન વીંધો. પછી તે જીવનભર તમારો દાસ થશે. તમારી દાસી વિશે પણ તમે એવું જ કરો. ૧૮ દાસને આઝાદ કરો અને તે તમને છોડીને જાય ત્યારે, એમ ન વિચારો કે તમને ખોટ જશે. કારણ કે મજૂરીએ રાખેલા માણસ કરતાં અડધે ખર્ચે તેણે છ વર્ષ તમારે ત્યાં કામ કર્યું છે. એ દરમિયાન યહોવા તમારા ઈશ્વરે તમારાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપ્યો છે.
૧૯ “તમે તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંના પ્રથમ જન્મેલા નરને તમારા ઈશ્વર યહોવા માટે પવિત્ર ઠરાવો.+ તમે પ્રથમ જન્મેલા આખલા* પાસે કામ ન કરાવો અથવા પ્રથમ જન્મેલા ઘેટાં-બકરાંનું ઊન ન કાતરો. ૨૦ યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, ત્યાં યહોવા તમારા ઈશ્વર આગળ તમે અને તમારું કુટુંબ એ પ્રથમ જન્મેલા પ્રાણીનું માંસ ખાઓ.+ ૨૧ પણ જો એ પ્રાણી લંગડું, આંધળું કે બીજી કોઈ મોટી ખોડવાળું હોય, તો તમે તમારા ઈશ્વર યહોવા આગળ એનું બલિદાન ન ચઢાવો.+ ૨૨ તમે એ પ્રાણીનું માંસ તમારાં શહેરોમાં ખાઈ શકો. શુદ્ધ અને અશુદ્ધ માણસ એ ખાઈ શકે, જેમ તે સાબર કે હરણનું માંસ ખાય છે.+ ૨૩ પણ તમે એનું લોહી ન ખાઓ,+ એને પાણીની જેમ જમીન પર રેડી દો.+
૧૬ “તમે આબીબ* મહિનો યાદ રાખો અને એ મહિને યહોવા તમારા ઈશ્વર માટે પાસ્ખા* ઊજવો.+ કેમ કે તમારા ઈશ્વર યહોવા આબીબ મહિનામાં તમને ઇજિપ્તમાંથી રાતે બહાર કાઢી લાવ્યા હતા.+ ૨ યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ ત્યાં તમે તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંમાંથી+ તમારા ઈશ્વર યહોવાને પાસ્ખાનું બલિદાન ચઢાવો.+ ૩ એ પ્રાણીના માંસ સાથે ખમીરવાળું* કંઈ ન ખાઓ.+ તમે સાત દિવસ સુધી બેખમીર* રોટલી, એટલે કે દુઃખની રોટલી ખાઓ, જેમ તમે ઇજિપ્તમાંથી ઉતાવળે નીકળતા કર્યું હતું.+ આમ, એ વખતે તમે જે દુઃખ સહન કર્યું હતું અને તમને ઇજિપ્તમાંથી જે રીતે છોડાવવામાં આવ્યા એની એ યાદ અપાવશે.+ ૪ સાત દિવસ સુધી તમારા આખા વિસ્તારમાં ખમીરવાળો લોટ* રાખશો નહિ.+ પહેલા દિવસે સાંજે ચઢાવેલા બલિદાનનું માંસ પણ આખી રાત, સવાર સુધી રહેવા દેશો નહિ.+ ૫ તમારા ઈશ્વર યહોવા તમને જે શહેર આપે એમાંથી ગમે એ શહેરમાં પાસ્ખાનું બલિદાન ચઢાવવાની તમને છૂટ નથી. ૬ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, એ જગ્યાએ જ તમે પાસ્ખાનું બલિદાન ચઢાવો. તમે ઇજિપ્તમાંથી નીકળ્યા એ ઠરાવેલા સમયે, એટલે કે સાંજે સૂર્ય આથમ્યા પછી તરત જ બલિદાન ચઢાવો.+ ૭ યહોવા તમારા ઈશ્વર પસંદ કરે+ એ જગ્યાએ તમે એનું માંસ રાંધો અને ખાઓ.+ સવારે તમે પોતપોતાના તંબુએ પાછા આવી શકો. ૮ છ દિવસ સુધી તમે બેખમીર રોટલી ખાઓ અને સાતમા દિવસે તમે તમારા ઈશ્વર યહોવા માટે ખાસ સંમેલન* રાખો. એ દિવસે તમે કોઈ કામ ન કરો.+
૯ “તમે સાત અઠવાડિયાં ગણો. ઊભા પાકને પહેલી વાર લણવાનું શરૂ કરો* ત્યારથી તમે સાત અઠવાડિયાં ગણો.+ ૧૦ સાત અઠવાડિયાં પછી તમે યહોવા તમારા ઈશ્વર માટે અઠવાડિયાઓનો તહેવાર* ઊજવો.+ તમારા ઈશ્વર યહોવા તમને જે આશીર્વાદ આપે, એના પ્રમાણમાં તમે સ્વેચ્છા-અર્પણ ચઢાવો.+ ૧૧ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે ત્યાં તમે, તમારાં દીકરા-દીકરીઓ, તમારાં દાસ-દાસીઓ, તમારાં શહેરોમાં રહેતા લેવીઓ, તમારી વચ્ચે રહેતાં પરદેશીઓ અને અનાથો* તથા વિધવાઓ તમારા ઈશ્વર યહોવા આગળ આનંદ મનાવો.+ ૧૨ ભૂલતા નહિ, તમે પણ ઇજિપ્તમાં ગુલામ હતા.+ તમે એ બધા નિયમો ધ્યાનથી પાળો અને અમલમાં મૂકો.
૧૩ “જ્યારે તમે તમારી ખળીનું* અનાજ ભેગું કરો અને તમારી ઊપજમાંથી તેલ અને દ્રાક્ષદારૂનો સંગ્રહ કરો, ત્યારે તમે સાત દિવસ સુધી માંડવાનો તહેવાર* ઊજવો.+ ૧૪ તહેવાર દરમિયાન તમે, તમારાં દીકરા-દીકરીઓ, તમારાં દાસ-દાસીઓ અને તમારાં શહેરોમાં રહેતાં લેવીઓ, પરદેશીઓ, અનાથો અને વિધવાઓ આનંદ કરો.+ ૧૫ યહોવા પસંદ કરે છે એ જગ્યાએ તમે તમારા ઈશ્વર યહોવા માટે સાત દિવસ સુધી તહેવાર ઊજવો,+ કેમ કે તમારા ઈશ્વર યહોવા તમારી સર્વ ઊપજ અને તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે+ અને તમે પુષ્કળ આનંદ કરશો.+
૧૬ “યહોવા તમારા ઈશ્વરે પસંદ કરેલી જગ્યાએ વર્ષમાં ત્રણ વાર બધા પુરુષો તેમની આગળ હાજર થાય: બેખમીર રોટલીના તહેવારે,*+ અઠવાડિયાઓના તહેવારે+ અને માંડવાના તહેવારે.+ યહોવા આગળ કોઈ પણ ખાલી હાથે ન આવે. ૧૭ તમારા ઈશ્વર યહોવાએ તમને જે આશીર્વાદ આપ્યો છે, એના પ્રમાણમાં દરેક પુરુષ ભેટ લાવે.+
૧૮ “યહોવા તમારા ઈશ્વર તમને આપે છે એ બધાં શહેરોમાં તમે દરેક કુળ માટે ન્યાયાધીશો+ અને અધિકારીઓ ઠરાવો. તેઓ સચ્ચાઈથી લોકોનો ન્યાય કરે. ૧૯ તમે ન્યાય ઊંધો ન વાળો.+ તમે પક્ષપાત ન કરો.+ તમે લાંચ ન લો, કેમ કે લાંચ સમજુ માણસને આંધળો બનાવી દે છે+ અને ન્યાયી માણસને નિર્ણય બદલવા લલચાવે છે. ૨૦ તમે ન્યાય કરો, અદ્દલ ન્યાય કરો,+ જેથી યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપી રહ્યા છે, એનો તમે કબજો મેળવો અને એમાં જીવતા રહો.
૨૧ “તમે યહોવા તમારા ઈશ્વર માટે જે વેદી બનાવો છો, એની નજીક કોઈ પણ ઝાડને ભક્તિ-થાંભલા તરીકે રોપીને એની પૂજા ન કરો.+
૨૨ “તમે પોતાના માટે કોઈ ભક્તિ-સ્તંભ ઊભો ન કરો,+ કેમ કે યહોવા તમારા ઈશ્વર એને ધિક્કારે છે.
૧૭ “તમે કોઈ ખોડવાળો કે ઈજા પામેલો આખલો કે ઘેટો તમારા ઈશ્વર યહોવાને અર્પણ કરશો નહિ, કેમ કે એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+
૨ “ધારો કે, યહોવા તમારા ઈશ્વરે તમને આપેલાં શહેરોમાં કોઈ સ્ત્રી કે પુરુષ, તમારા ઈશ્વર યહોવાની નજરમાં ખરાબ હોય એવું કામ કરે છે અને તેમનો કરાર તોડે છે;+ ૩ તે સાચા માર્ગેથી ભટકી જઈને બીજા દેવોની ભક્તિ કરે છે; એ દેવોની આગળ અથવા સૂર્ય, ચંદ્ર અને તારાઓની આગળ નમે છે,+ જે કરવાની મેં આજ્ઞા આપી નથી.+ ૪ જો એ વિશે તમને ખબર મળે અથવા તમારા સાંભળવામાં આવે, તો એ વાતની પૂરેપૂરી તપાસ કરો. જો સાબિત થાય કે એવું નીચ કામ ઇઝરાયેલમાં સાચે જ થયું છે,+ ૫ તો એવું દુષ્ટ કામ કરનાર સ્ત્રી કે પુરુષને તમે શહેરના દરવાજા પાસે લાવો અને પથ્થરે મારી નાખો.+ ૬ બે કે ત્રણ સાક્ષીઓની જુબાનીને+ આધારે વ્યક્તિને મોતની સજા કરો. ફક્ત એક સાક્ષીની જુબાનીને આધારે તેને મોતની સજા કરશો નહિ.+ ૭ તેને પથ્થરે મારી નાખવા સાક્ષીઓના હાથ સૌથી પહેલા ઊઠે, પછી બીજા લોકોના. આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+
૮ “જો તમારાં શહેરોમાં ખૂન,+ કાનૂની દાવો, મારામારી અથવા તકરારને લગતો મુકદ્દમો તમારી આગળ રજૂ કરવામાં આવે અને એનો ન્યાય કરવો તમારા માટે ખૂબ મુશ્કેલ હોય, તો યહોવા તમારા ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ જાઓ.+ ૯ તમે એ મુકદ્દમો લેવી યાજકો અને એ સમયે સેવા આપતા ન્યાયાધીશ+ આગળ રજૂ કરો. તેઓ તમને ચુકાદો સંભળાવશે.+ ૧૦ યહોવાએ પસંદ કરેલી જગ્યાએ તેઓ તમને જે ચુકાદો સંભળાવે, એ પ્રમાણે જ કરો. તેઓ જે કંઈ સૂચનો આપે, એ સર્વનું કાળજીથી પાલન કરો. ૧૧ તેઓ તમને જે નિયમ બતાવે અને જે ચુકાદો આપે, એ પ્રમાણે જ કરો.+ તેઓએ આપેલા ચુકાદાથી ડાબે કે જમણે સહેજ પણ ફંટાશો નહિ.+ ૧૨ જો કોઈ માણસ ઘમંડી બનીને યહોવા તમારા ઈશ્વરની સેવા કરતા યાજકનું અથવા ન્યાયાધીશનું ન સાંભળે, તો તે માર્યો જાય.+ આમ તમે ઇઝરાયેલમાંથી દુષ્ટતા દૂર કરો.+ ૧૩ સર્વ લોકો એ વિશે સાંભળશે અને ગભરાશે. તેઓ ફરી ક્યારેય ઘમંડથી વર્તશે નહિ.+
૧૪ “યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે, ત્યાં જઈને તમે એનો કબજો મેળવો અને ત્યાં વસી જાઓ, એ પછી કદાચ તમને થાય, ‘ચાલો, આસપાસ રહેતી બીજી પ્રજાઓની જેમ, આપણે પણ પોતાના પર એક રાજા નીમીએ.’+ ૧૫ એ કિસ્સામાં યહોવા તમારા ઈશ્વર જેને પસંદ કરે, તેને જ તમારો રાજા બનાવો.+ તમે તમારા ભાઈઓમાંથી જ કોઈને રાજા તરીકે પસંદ કરો. તમારો ભાઈ ન હોય એવા પરદેશીને રાજા બનાવવાની તમને મનાઈ છે. ૧૬ પણ રાજા પોતાના માટે પુષ્કળ ઘોડા ભેગા ન કરે+ અથવા વધારે ઘોડા લાવવા લોકોને ઇજિપ્ત પાછા ન મોકલે,+ કેમ કે યહોવાએ તમને કહ્યું હતું, ‘તમે ક્યારેય ઇજિપ્ત પાછા ન જતા.’ ૧૭ રાજાએ પોતાના માટે ઘણી પત્નીઓ કરવી નહિ, નહિતર તેનું દિલ ખરા માર્ગથી ભટકી જશે.+ તેણે પોતાના માટે પુષ્કળ સોના-ચાંદીનો પણ સંગ્રહ કરવો નહિ.+ ૧૮ તે રાજગાદી પર બેસીને રાજ કરવા લાગે ત્યારે, તે લેવી યાજકો પાસેથી નિયમનું પુસ્તક લે અને પોતાના પુસ્તકમાં* એની નકલ ઉતારે.+
૧૯ “એ પુસ્તક તે પોતાની પાસે રાખે અને જીવે ત્યાં સુધી દરરોજ એમાંથી વાંચે,+ જેથી તે પોતાના ઈશ્વર યહોવાનો ડર રાખતા શીખે, એમાં આપેલા બધા નિયમો અને કાયદા-કાનૂનનું પાલન કરે અને એને અમલમાં મૂકે.+ ૨૦ જો તે એમ કરશે, તો બીજા ઇઝરાયેલી ભાઈઓ કરતાં તે પોતાને ચઢિયાતો નહિ ગણે અને ઈશ્વરની આજ્ઞાઓથી ડાબે કે જમણે ભટકી નહિ જાય. આમ, તે અને તેના દીકરાઓ ઇઝરાયેલ પર લાંબા સમય સુધી રાજ કરશે.
૧૮ “લેવી યાજકોને જ નહિ, આખા લેવી કુળને ઇઝરાયેલ સાથે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવશે નહિ. તેઓ યહોવાના વારસામાંથી, એટલે કે આગમાં ચઢાવેલાં અર્પણોમાંથી ખાશે.+ ૨ લેવીઓને પોતાના ઇઝરાયેલી ભાઈઓ વચ્ચે કોઈ વારસો મળશે નહિ. યહોવા જ તેઓનો વારસો છે, જેમ તેમણે તેઓને જણાવ્યું હતું.
૩ “જ્યારે લોકો બલિદાનમાં આખલો કે ઘેટો ચઢાવે, ત્યારે એનો ખભો, એનું જડબું અને એના પેટનો ભાગ યાજકને આપે. એ યાજકોનો હક ગણાશે. ૪ તમારા અનાજનું, નવા દ્રાક્ષદારૂનું અને તેલનું પ્રથમ ફળ* તમે યાજકને આપો. તમારાં ઘેટાં-બકરાંનું કાતરેલું પહેલું ઊન પણ યાજકને આપો.+ ૫ તમારા ઈશ્વર યહોવાએ તમારાં બધાં કુળોમાંથી લેવીઓ અને તેઓના દીકરાઓને પસંદ કર્યા છે, જેથી તેઓ હંમેશાં યહોવાના નામે સેવા કરે.+
૬ “જો ઇઝરાયેલના કોઈ શહેરમાં રહેતો લેવી પોતાનું શહેર છોડીને+ યહોવાએ પસંદ કરેલી જગ્યાએ* જવા માંગતો હોય,+ ૭ તો તે જઈ શકે છે. ત્યાં તે પોતાના ઈશ્વર યહોવાના નામે સેવા કરી શકે, જેમ તેના બધા ભાઈઓ, એટલે કે બીજા લેવીઓ યહોવાની આગળ સેવા કરે છે.+ ૮ તેને પૂર્વજોની મિલકત વેચીને જે કંઈ મળે એ ઉપરાંત બાકીના લેવીઓ સાથે ખાવા-પીવામાં પણ સરખો હિસ્સો મળશે.+
૯ “તમારા ઈશ્વર યહોવા તમને જે દેશ આપે છે એમાં તમે જાઓ ત્યારે, ત્યાં રહેતી પ્રજાઓ જેવાં ધિક્કારને લાયક કામો કરશો નહિ.+ ૧૦ તમારી વચ્ચે એવો કોઈ પણ માણસ હોવો ન જોઈએ, જે પોતાના દીકરા કે દીકરીને આગમાં બલિ ચઢાવતો હોય,*+ જોષ જોતો હોય,+ જાદુવિદ્યા કરતો હોય,+ શુકન જોતો હોય,+ જાદુટોણાં કરતો હોય,+ ૧૧ જંતરમંતરથી વશીકરણ કરતો હોય, ભવિષ્ય ભાખનારની+ કે મરેલી વ્યક્તિ સાથે વાત કરતા ભૂવાની સલાહ લેતો હોય+ અથવા મરેલી વ્યક્તિ સાથે વાત કરતો હોય.+ ૧૨ કેમ કે જે કોઈ એવાં કામો કરે છે, તેને યહોવા ધિક્કારે છે. એવાં કામોને લીધે જ તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢે છે. ૧૩ તમે તમારા ઈશ્વર યહોવાની આગળ નિર્દોષ સાબિત થાઓ.+
૧૪ “જે પ્રજાઓને તમે હાંકી કાઢો છો, તેઓ જાદુવિદ્યા કરનારાઓનું+ અને જોષ જોનારાઓનું+ સાંભળે છે. પણ યહોવા તમારા ઈશ્વરે તમને એવું કોઈ પણ કામ કરવાની છૂટ આપી નથી. ૧૫ તમારા ઈશ્વર યહોવા તમારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. તમે તેનું સાંભળો.+ ૧૬ કેમ કે જે દિવસે બધા લોકો હોરેબમાં ભેગા થયા હતા,+ એ દિવસે તમે તમારા ઈશ્વર યહોવાને વિનંતી કરી હતી. તમે કહ્યું હતું, ‘અમારા ઈશ્વર યહોવાનો અવાજ અમને સાંભળવા ન દો અને આ મોટી આગ અમને જોવા ન દો, જેથી અમે માર્યા ન જઈએ.’+ ૧૭ પછી યહોવાએ મને કહ્યું, ‘તેઓની વાત બરાબર છે. ૧૮ હું તેઓના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ.+ હું તેના મોંમાં મારા શબ્દો મૂકીશ.+ હું તેને જે કંઈ ફરમાવીશ, એ બધું તે લોકોને જણાવશે.+ ૧૯ જો એ પ્રબોધક મારા નામે સંદેશો જણાવે અને જો કોઈ તેનું ન સાંભળે, તો હું તેની પાસેથી જવાબ માંગીશ.+
૨૦ “‘જો કોઈ પ્રબોધક ઘમંડી બનીને મારા નામે એવો સંદેશો જણાવે, જે વિશે મેં તેને કહ્યું નથી અથવા બીજા દેવોના નામે સંદેશો જણાવે, તો એવા પ્રબોધકને મારી નાખો.+ ૨૧ કદાચ તમને થાય: “અમને કઈ રીતે ખબર પડશે કે એ સંદેશો યહોવા તરફથી નથી?” ૨૨ જ્યારે કોઈ પ્રબોધક યહોવાના નામે કંઈ કહે અને એ વાત પૂરી ન થાય અથવા સાચી ન પડે, તો જાણજો કે એ સંદેશો યહોવા તરફથી નથી. એ પ્રબોધક ઘમંડી બનીને બોલ્યો છે, તમે તેનાથી ડરશો નહિ.’
૧૯ “તમારા ઈશ્વર યહોવા તમને બીજી પ્રજાઓનો દેશ આપી રહ્યા છે. તમે તેઓને ત્યાંથી હાંકી કાઢશો અને તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓનો નાશ કરશે. તમે તેઓનાં શહેરોમાં અને ઘરોમાં વસવાટ કરશો.+ ૨ એ દેશ યહોવા તમારા ઈશ્વર તમારા કબજામાં સોંપે ત્યારે, તમે એમાં ત્રણ શહેરો અલગ કરજો.+ ૩ યહોવા તમારા ઈશ્વરે જે દેશ તમને સોંપ્યો છે, એનો વિસ્તાર તમે ત્રણ ભાગમાં વહેંચી દેજો. દરેક ભાગમાં એક શહેર અલગ કરજો અને ત્યાં જવા રસ્તાઓ બનાવજો, જેથી ખૂની ત્યાં નાસી જઈ શકે.
૪ “હવે જો કોઈ માણસ નફરતને લીધે નહિ, પણ અજાણતાં કોઈને મારી નાખે, તો તે માણસ એ શહેરમાં નાસી જાય અને પોતાનો જીવ બચાવે.+ ૫ જેમ કે, એક માણસ પોતાના સાથી જોડે જંગલમાં લાકડાં ભેગાં કરવા જાય છે. તે ઝાડ કાપવા પોતાની કુહાડી ઉપાડે છે. કુહાડી હાથામાંથી છટકીને તેના સાથીને વાગે છે અને તે મરી જાય છે. એ કિસ્સામાં, ખૂની પોતાનો જીવ બચાવવા એ શહેરોમાંથી કોઈ એકમાં નાસી જાય.+ ૬ જો શહેર બહુ દૂર હશે, તો લોહીનો બદલો લેનાર માણસ+ ગુસ્સામાં આવીને કદાચ ખૂનીનો પીછો કરે, તેને પકડી પાડે અને તેને મારી નાખે. પણ ખૂની મોતની સજાને લાયક ન હતો, કેમ કે તે પોતાના સાથીને ધિક્કારતો ન હતો.+ ૭ એટલે હું તમને આ આજ્ઞા આપું છું: ‘તમે ત્રણ શહેરો અલગ કરો.’
૮ “જો તમારા ઈશ્વર યહોવા તમારા બાપદાદાઓ આગળ ખાધેલા સમ પ્રમાણે તમારી સરહદ વધારે અને તમારા બાપદાદાઓને આપેલા વચન પ્રમાણે તમને આખો દેશ આપે,+ ૯ તો પેલાં ત્રણ શહેરો ઉપરાંત તમે બીજાં ત્રણ શહેરો અલગ કરજો.+ હું આજે તમને જે બધી આજ્ઞાઓ આપું છું એ જો તમે પૂરી નિષ્ઠાથી પાળશો, યહોવા તમારા ઈશ્વરને પ્રેમ કરશો અને તેમના સર્વ માર્ગોમાં ચાલશો,+ તો જ ઈશ્વર તમને એ દેશ આપશે અને એની સરહદો વધારશે. ૧૦ આમ, યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપી રહ્યા છે, એમાં કોઈ નિર્દોષ વ્યક્તિનું લોહી નહિ વહે+ અને તમારા પર લોહીનો દોષ નહિ લાગે.+
૧૧ “પણ જો કોઈ માણસ પોતાના સાથીને ધિક્કારતો હોય+ અને લાગ જોઈને તેના પર જીવલેણ હુમલો કરે અને તે મરી જાય અને ખૂની કોઈ એક શહેરમાં નાસી જાય, ૧૨ તો તેના શહેરના વડીલો તેને ત્યાંથી પાછો બોલાવે અને લોહીનો બદલો લેનાર માણસના હાથમાં તેને સોંપી દે અને તે ખૂની માર્યો જાય.+ ૧૩ તમે* ખૂની પર દયા ન કરો. તમે ઇઝરાયેલમાંથી નિર્દોષ વ્યક્તિના લોહીનો દોષ દૂર કરો,+ જેથી તમારું ભલું થાય.
૧૪ “યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એને તમે કબજે કરો ત્યારે, તમારા પડોશીએ મૂકેલી હદની નિશાની ન ખસેડો,+ જે પૂર્વજોએ નક્કી કરી હતી.
૧૫ “એક સાક્ષીની જુબાનીને આધારે કોઈ માણસને અપરાધી કે પાપી ન ઠરાવો.+ બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી* જ વાત સાબિત થવી જોઈએ.+ ૧૬ જો કોઈ માણસ બીજા માણસને નુકસાન કરવા જૂઠી સાક્ષી આપે અને તેના પર ખોટો આરોપ મૂકે,+ ૧૭ તો એ બંને માણસોને યહોવા આગળ, યાજકો આગળ અને એ સમયે સેવા આપી રહેલા ન્યાયાધીશો આગળ રજૂ કરો.+ ૧૮ ન્યાયાધીશો પૂરેપૂરી તપાસ કરે.+ જો સાબિત થાય કે સાક્ષી આપનાર માણસ જૂઠું બોલ્યો છે અને તેણે પોતાના ભાઈ પર ખોટો આરોપ મૂક્યો છે, ૧૯ તો તેને એવી જ સજા કરો, જેવી સજા તેણે પોતાના ભાઈ પર લાવવા કાવતરું ઘડ્યું હતું.+ તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+ ૨૦ બીજા ઇઝરાયેલીઓ એ વિશે સાંભળશે અને ગભરાશે. પછી તમારામાંથી કોઈ કદી એવું દુષ્ટ કામ ફરી નહિ કરે.+ ૨૧ તમે* એવા માણસને જરાય દયા ન બતાવો.+ તમે તેની પાસેથી પૂરો બદલો લો, જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.+
૨૦ “જો તમે દુશ્મનો સામે યુદ્ધ કરવા જાઓ અને જુઓ કે તેઓ પાસે તમારા કરતાં વધારે ઘોડાઓ, રથો અને સૈનિકો છે, તો તેઓથી ગભરાશો નહિ, કેમ કે ઇજિપ્તમાંથી તમને બહાર કાઢી લાવનાર તમારા ઈશ્વર યહોવા તમારી સાથે છે.+ ૨ જ્યારે તમારી સેના યુદ્ધ માટે તૈયાર હોય, ત્યારે યાજક આગળ આવે અને સૈનિકો સાથે વાત કરે.+ ૩ તે તેઓને કહે, ‘હે ઇઝરાયેલીઓ, સાંભળો, તમે તમારા દુશ્મનો સામે યુદ્ધ કરવા જઈ રહ્યા છો. તમે હિંમત હારશો નહિ. તેઓથી ડરશો નહિ કે ગભરાશો નહિ કે થરથર કાંપશો નહિ, ૪ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી સાથે છે. તે તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે લડશે અને તમને બચાવશે.’+
૫ “સેનાના અધિકારીઓ પણ સૈનિકોને પૂછે, ‘શું તમારી વચ્ચે એવો કોઈ માણસ છે, જેણે ઘર બાંધ્યું છે, પણ હજી એમાં રહેવા ગયો નથી?* એવો માણસ પોતાના ઘરે પાછો જાય. નહિતર, જો તે યુદ્ધમાં માર્યો જશે, તો બીજો માણસ તેના ઘરમાં રહેવા લાગશે. ૬ શું એવો કોઈ માણસ છે, જેણે દ્રાક્ષાવાડી રોપી છે, પણ એનાં ફળ હજી ખાધાં નથી? એવો માણસ પોતાના ઘરે પાછો જાય. નહિતર, જો તે યુદ્ધમાં માર્યો જશે, તો બીજો માણસ એનાં ફળ ખાશે. ૭ શું એવો કોઈ માણસ છે, જેની સગાઈ થઈ છે પણ હજી લગ્ન થયું નથી? એવો માણસ પોતાના ઘરે પાછો જાય.+ નહિતર, જો તે યુદ્ધમાં માર્યો જશે, તો એ સ્ત્રી સાથે બીજો માણસ લગ્ન કરશે.’ ૮ અધિકારીઓ સૈનિકોને એ પણ પૂછે, ‘શું તમારામાં એવો કોઈ છે, જેને ડર લાગે છે અને ગભરાય છે?+ તે પોતાના ઘરે પાછો જાય, નહિતર તે પોતાના ભાઈઓની હિંમત તોડી પાડશે.’+ ૯ સૈનિકો સાથે વાત પૂરી કર્યા પછી, અધિકારીઓ સેનાની ટુકડીઓને દોરવા આગેવાનો નીમે.
૧૦ “જો તમે કોઈ શહેર સામે યુદ્ધ કરવા જાઓ, તો પહેલા સુલેહ-શાંતિનો સંદેશો મોકલો અને એની શરતો જણાવો.+ ૧૧ જો એ શહેર તમારી શરતો માને અને તમારા માટે પોતાના શહેરના દરવાજા ખોલે, તો ત્યાંના બધા રહેવાસીઓ તમારા મજૂરો બને અને તમારી ચાકરી કરે.+ ૧૨ પણ જો એ શહેર સુલેહ-શાંતિની ના પાડે અને તમારી સામે યુદ્ધ કરવા ચઢી આવે, તો એ શહેરને ઘેરી લો. ૧૩ એ શહેરને તમારા ઈશ્વર યહોવા તમારા હાથમાં સોંપી દેશે. એમાં રહેતા દરેક પુરુષને તમે તલવારથી મારી નાખો. ૧૪ પણ સ્ત્રીઓ, બાળકો, ઢોરઢાંક અને એ શહેરનું બધું તમે પોતાના માટે લૂંટી લો.+ તમે તમારા દુશ્મનોની લૂંટ ખાશો, જે તમારા ઈશ્વર યહોવાએ તમને આપી છે.+
૧૫ “જે શહેરો તમારી આસપાસની પ્રજાઓનાં નથી અને તમારાથી ઘણે દૂર છે, એ બધાં શહેરોના તમે એવા જ હાલ કરો. ૧૬ પણ જે પ્રજાઓનાં શહેરો યહોવા તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે, એમાં તમે કોઈને જીવતા રહેવા ન દો.+ ૧૭ તમે હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો પૂરેપૂરો નાશ કરી દો,+ જેમ યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે. ૧૮ નહિતર તેઓએ પોતાના દેવો માટે જે ધિક્કારને લાયક કામો કર્યાં છે, એ તમને પણ શીખવશે અને તમારી પાસે તમારા ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કરાવશે.+
૧૯ “જો કોઈ શહેરને જીતી લેવા તમે એને ઘેરી લો અને ઘણા દિવસો સુધી એની સામે લડતા હો, તો ત્યાંનાં વૃક્ષોને કુહાડીથી કાપશો નહિ. તમે એનાં ફળ ખાઈ શકો, પણ એને કાપી ન નાખો.+ શું એ વૃક્ષો કંઈ માણસો છે કે તમારે એને ઘેરી લેવા પડે? ૨૦ જે વૃક્ષો વિશે તમે જાણો છો કે એ ફળ આપતાં નથી, એને તમે કાપી શકો. તમારી સામે યુદ્ધે ચઢેલા શહેરને હરાવો ત્યાં સુધી, એની સામે ઘેરો ઘાલવા એ વૃક્ષોનો ઉપયોગ કરો.
૨૧ “તમારા ઈશ્વર યહોવા તમને જે દેશનો કબજો સોંપી રહ્યા છે, ત્યાં જો કોઈ માણસની લાશ મળે અને એ ખૂન કોણે કર્યું છે એ કોઈ જાણતું ન હોય, ૨ તો તમારા વડીલો અને ન્યાયાધીશો+ ત્યાં જાય અને લાશની આસપાસનાં શહેરોનું અંતર માપે. ૩ પછી લાશની સૌથી નજીકના શહેરના વડીલો એક એવી વાછરડી લે, જેની પાસેથી હજી કામ લેવામાં આવ્યું નથી અને જે ઝૂંસરીએ* જોડાઈ નથી. ૪ શહેરના વડીલો એ વાછરડીને વહેતા પાણીની ખીણ પાસે લઈ જાય, જ્યાં ખેડાણ કે વાવેતર થયું નથી. ખીણમાં તેઓ વાછરડીનું ગળું કાપીને એને મારી નાખે.+
૫ “લેવી યાજકો ત્યાં આવશે, કેમ કે તમારા ઈશ્વર યહોવાએ પોતાની સેવા કરવા+ અને યહોવાના નામે આશીર્વાદ આપવા તેઓને પસંદ કર્યા છે.+ તેઓ જણાવશે કે લડાઈ-ઝઘડા કઈ રીતે હલ કરવાં.+ ૬ પછી લાશની સૌથી નજીકના શહેરના બધા વડીલો પોતાના હાથ એ વાછરડી પર ધૂએ,+ જેને ખીણમાં ગળું કાપીને મારી નાખવામાં આવી હતી. ૭ પછી વડીલો જાહેર કરે, ‘અમારા હાથોએ એ ખૂન કર્યું* નથી કે અમારી આંખોએ એ ખૂન થતા જોયું નથી. ૮ હે યહોવા, એ ખૂન માટે તમે ઇઝરાયેલીઓને દોષિત ન ઠરાવો, જેઓને તમે પોતે છોડાવ્યા છે.+ તમારા લોકો પર એ નિર્દોષ માણસના લોહીનો દોષ આવવા ન દો.’+ પછી એ માણસના લોહીનો દોષ તેઓ પર નહિ આવે. ૯ આ રીતે, યહોવાની નજરમાં જે ખરું છે એ કરીને તમે તમારી વચ્ચેથી નિર્દોષ માણસના લોહીનો દોષ દૂર કરો.
૧૦ “ધારો કે, તમે દુશ્મનો સામે યુદ્ધ કરવા જાઓ છો. તમારા ઈશ્વર યહોવા તમારા વતી લડીને તેઓને હરાવી દે છે અને તમે તેઓને બંદી બનાવો છો.+ ૧૧ તેઓમાંથી કોઈ સુંદર સ્ત્રી તમને ગમી જાય છે. જો તમે તેને પોતાની પત્ની બનાવવા ચાહતા હો, ૧૨ તો તેને પોતાના ઘરે લાવી શકો. પણ તે સ્ત્રી પોતાનું માથું મૂંડાવે, નખ કાપે ૧૩ અને બંદીવાન થઈ ત્યારે તેણે જે કપડાં પહેર્યાં હતાં, એ બદલી નાખે અને તમારા ઘરમાં રહે. તે પોતાનાં માતા-પિતા માટે એક મહિનો શોક પાળે.+ પછી તમે તેના પતિ થશો ને તે તમારી પત્ની થશે અને તમે તેની સાથે જાતીય સંબંધ બાંધી શકો. ૧૪ પણ જો તમે તેનાથી ખુશ ન હો, તો તે ચાહે ત્યાં તેને જવા દો.+ તમે તેને પૈસા માટે ન વેચો અથવા તેની સાથે જોરજુલમથી ન વર્તો, કેમ કે તમે બળજબરીથી તેને તમારી પત્ની બનાવી હતી.
૧૫ “ધારો કે, એક માણસને બે પત્નીઓ છે અને તે એકને બીજી કરતાં વધારે પ્રેમ કરે છે. બંને પત્નીઓથી તેને દીકરાઓ થાય છે. જે પત્નીને તે ઓછો પ્રેમ કરે છે+ તેનાથી તેને પ્રથમ દીકરો જન્મે છે. ૧૬ જ્યારે તે પોતાના દીકરાઓને વારસો વહેંચી આપે, ત્યારે અણગમતી પત્નીથી થયેલા પ્રથમ જન્મેલા દીકરાનો હક વહાલી પત્નીથી થયેલા દીકરાને ન આપે. ૧૭ અણગમતી પત્નીથી થયેલા દીકરાને તે પ્રથમ જન્મેલો દીકરો ગણે. તેને સર્વ સંપત્તિનો બમણો ભાગ આપે, કેમ કે એ દીકરો તેની શક્તિની* પહેલી નિશાની છે. પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો હક તેનો છે.+
૧૮ “જો કોઈ માણસનો દીકરો હઠીલો કે બંડખોર હોય અને તેના માતા કે પિતાનું માનતો ન હોય+ અને તેઓએ તેને સુધારવાની કોશિશ કરી હોય છતાં તે તેઓને ગણકારતો ન હોય,+ ૧૯ તો તેનાં માતા-પિતા તેને પકડીને શહેરના દરવાજે વડીલો પાસે લાવે. ૨૦ તેઓ વડીલોને કહે, ‘અમારો આ દીકરો હઠીલો અને બંડખોર છે. તે અમારું માનતો નથી. તે ખાઉધરો+ અને દારૂડિયો છે.’+ ૨૧ પછી તેના શહેરના બધા લોકો તેને પથ્થરે મારી નાખે. આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો. આખું ઇઝરાયેલ એ વિશે સાંભળશે અને ગભરાશે.+
૨૨ “જો કોઈ માણસે મરણને લાયક પાપ કર્યું હોય અને તમે તેને મારી નાખીને+ તેનું શબ થાંભલા* પર લટકાવ્યું હોય,+ ૨૩ તો તેનું શબ આખી રાત થાંભલા પર રહેવા દેવું નહિ.+ એ જ દિવસે એને દફનાવી દો, કેમ કે થાંભલા પર લટકાવેલા માણસ પર ઈશ્વરનો શ્રાપ છે.+ યહોવા તમારા ઈશ્વર તમને વારસા તરીકે જે દેશ આપે છે એને તમે ભ્રષ્ટ ન કરો.+
૨૨ “જો તમે તમારા ભાઈનો ખોવાયેલો બળદ કે ઘેટું આમતેમ ભટકતું જુઓ, તો જાણીજોઈને આંખ આડા કાન ન કરો.+ એને તમારા ભાઈ પાસે પાછું લઈ જાઓ. ૨ પણ જો તમારો ભાઈ તમારાથી ઘણે દૂર રહેતો હોય અથવા એ પ્રાણી કોનું છે એ તમે જાણતા ન હો, તો તમે એ પ્રાણીને તમારા ઘરે લઈ જાઓ અને તમારી પાસે રાખો. જ્યારે એનો માલિક એને શોધતો શોધતો તમારા ઘરે આવે, ત્યારે તમે તેને એ પ્રાણી પાછું આપી દો.+ ૩ તમારા ભાઈનું ગધેડું, વસ્ત્ર કે તેની ખોવાયેલી કોઈ પણ વસ્તુ તમને મળે તો, તમે એવું જ કરો. એને નજરઅંદાજ કરશો નહિ.
૪ “જો તમે તમારા ભાઈના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલો જુઓ, તો નજર ફેરવીને ચાલ્યા ન જાઓ. તમે એ પ્રાણીને ઊભું કરવા તમારા ભાઈને મદદ કરો.+
૫ “સ્ત્રીએ પુરુષનાં કપડાં પહેરવાં નહિ અને પુરુષે સ્ત્રીનાં કપડાં પહેરવાં નહિ. જે કોઈ એવું કરે છે, તેને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.
૬ “રસ્તે આવતાં-જતાં જો તમે કોઈ પક્ષીનો માળો ઝાડ પર કે જમીન પર જુઓ અને એની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, ને બચ્ચાં પર કે ઈંડાં પર માદા બેઠેલી હોય, તો તમે બચ્ચાં સાથે માદાને ન લો.+ ૭ તમે પોતાના માટે બચ્ચાં લઈ શકો, પણ માદાને છોડી દો, જેથી તમારું ભલું થાય અને તમે લાંબું જીવો.
૮ “જો તમે નવું ઘર બાંધો, તો એના ધાબા ફરતે પાળી બનાવો,+ જેથી કોઈ ધાબા પરથી પડી ન જાય અને લોહીનો દોષ તમારા કુટુંબને માથે ન આવે.
૯ “તમે તમારી દ્રાક્ષાવાડીમાં દ્રાક્ષની સાથે બીજાં કોઈ બી ન વાવો.+ નહિતર, વાડીમાં થતી દ્રાક્ષ અને તમે રોપેલાં બીની ઊપજ જપ્ત કરીને પવિત્ર જગ્યા* માટે આપી દેવામાં આવશે.
૧૦ “તમે બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ન કરો.+
૧૧ “તમે ઊન અને શણ એમ બે પ્રકારના રેસાથી વણેલાં કપડાં ન પહેરો.+
૧૨ “તમે તમારાં વસ્ત્રના ચારે ખૂણા પર ફૂમતાં લગાવો.+
૧૩ “જો કોઈ પુરુષ લગ્ન કરે અને પોતાની પત્ની સાથે સંબંધ બાંધે, પણ પછી તેને નફરત* કરવા લાગે ૧૪ અને તેનું ચારિત્ર ખરાબ છે એવો આરોપ મૂકે અને તેને બદનામ કરતા કહે, ‘મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યાં, પણ જ્યારે મેં તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો, ત્યારે મને તેનામાં કુંવારાપણાની કોઈ સાબિતી મળી નહિ,’ ૧૫ તો એ સ્ત્રીનાં માતા-પિતા એ સ્ત્રીના કુંવારાપણાની સાબિતી લાવીને શહેરના દરવાજે વડીલો આગળ રજૂ કરે. ૧૬ સ્ત્રીના પિતા વડીલોને કહે, ‘મેં મારી દીકરી આ પુરુષ સાથે પરણાવી, પણ હવે તે મારી દીકરીને નફરત* કરે છે. ૧૭ તેનું ચારિત્ર ખરાબ છે એવો આરોપ મૂકતા તે કહે છે, “મને તમારી દીકરીમાં કુંવારાપણાની સાબિતી મળી નથી.” પણ જુઓ, આ રહી મારી દીકરીના કુંવારાપણાની સાબિતી.’ તેઓ શહેરના વડીલો આગળ એની સાબિતી આપતું કપડું પાથરે. ૧૮ પછી શહેરના વડીલો+ એ પુરુષને પકડીને સજા* કરે.+ ૧૯ તેઓ તેને ૧૦૦ શેકેલ* ચાંદીનો દંડ કરે અને એ રકમ સ્ત્રીના પિતાને આપે, કેમ કે એ પુરુષે ઇઝરાયેલની કુંવારી યુવતીને બદનામ કરી છે.+ એ સ્ત્રી હંમેશાં તેની પત્ની રહે. પુરુષને છૂટ નથી કે પોતે જીવે ત્યાં સુધી એ સ્ત્રીને છૂટાછેડા આપે.
૨૦ “પણ જો તેનો આરોપ સાચો હોય અને સ્ત્રીના કુંવારાપણાની કોઈ સાબિતી ન હોય, ૨૧ તો તેઓ એ સ્ત્રીને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને એ સ્ત્રીના શહેરના પુરુષો તેને પથ્થરે મારી નાખે. કેમ કે તેણે પોતાના પિતાના ઘરમાં વ્યભિચાર* કરીને+ ઇઝરાયેલમાં નામોશી લાવતું કામ કર્યું છે.+ આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+
૨૨ “જો કોઈ પુરુષ બીજા કોઈ માણસની પત્ની સાથે જાતીય સંબંધ બાંધે ને પકડાઈ જાય, તો તમે એ પુરુષ અને સ્ત્રી બંનેને મારી નાખો.+ આમ તમે ઇઝરાયેલ વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.
૨૩ “જો કોઈ કુંવારી યુવતીની સગાઈ થઈ હોય અને બીજો કોઈ પુરુષ તેને શહેરમાં મળે અને તેની સાથે જાતીય સંબંધ બાંધે, ૨૪ તો તમે તેઓ બંનેને શહેરના દરવાજા આગળ લાવો અને પથ્થરે મારી નાખો. યુવતીને એટલા માટે, કેમ કે તેણે શહેરમાં હોવા છતાં બૂમો પાડી નહિ અને પુરુષને એટલા માટે, કેમ કે તેણે સાથી ભાઈની પત્નીની આબરૂ લીધી છે.+ આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.
૨૫ “પણ જો કોઈ પુરુષ સગાઈ થયેલી યુવતીને શહેરની બહાર મળે અને તેના પર બળાત્કાર કરે, તો ફક્ત તે પુરુષને મારી નાખો. ૨૬ તમે એ યુવતીને કંઈ ન કરો. તેણે એવું કોઈ પાપ કર્યું નથી, જેના માટે તેને મરણની સજા કરવામાં આવે. આ એવો જ કિસ્સો છે, જ્યારે એક માણસ બીજા માણસ પર હુમલો કરીને તેનું ખૂન કરી દે છે.+ ૨૭ સગાઈ થયેલી એ યુવતીને છોડી દેવી, કેમ કે તે પુરુષ તેને શહેર બહાર મળ્યો હતો અને એ યુવતીએ બૂમો પાડી હતી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું.
૨૮ “જો કોઈ પુરુષ એવી કુંવારી યુવતીને મળે, જેની સગાઈ થઈ નથી અને તેની સાથે બળજબરીથી જાતીય સંબંધ બાંધે અને તેઓ પકડાઈ જાય,+ ૨૯ તો તે પુરુષ યુવતીના પિતાને ૫૦ શેકેલ ચાંદી આપે અને તે યુવતી તેની પત્ની થાય.+ પુરુષને છૂટ નથી કે પોતે જીવે ત્યાં સુધી એ યુવતીને છૂટાછેડા આપે, કેમ કે તેણે એ યુવતીની આબરૂ લીધી છે.
૩૦ “કોઈ પુરુષ પોતાની સાવકી મા* સાથે જાતીય સંબંધ ન બાંધે, કેમ કે એમ કરીને તે પોતાના પિતાનું અપમાન કરે છે.*+
૨૩ “જે પુરુષનાં જાતીય અંગોને* નુકસાન પહોંચ્યું હોય કે કચડાઈ ગયાં હોય કે જેણે પોતાનું લિંગ કપાવી નાખ્યું હોય, તે યહોવાના મંડળનો ભાગ ન બને.+
૨ “વ્યભિચારથી જન્મેલો કોઈ પણ છોકરો* યહોવાના મંડળનો ભાગ ન બને.+ તેની દસમી પેઢી સુધી તેનો કોઈ પણ વંશજ યહોવાના મંડળનો ભાગ ન બને.
૩ “કોઈ આમ્મોની કે મોઆબી યહોવાના મંડળનો ભાગ ન બને.+ તેઓની દસમી પેઢી સુધી તેઓનો કોઈ પણ વંશજ યહોવાના મંડળનો ભાગ ન બને, ૪ કેમ કે તમે ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારે, રસ્તામાં તેઓ ખોરાક-પાણી લઈને તમારી મદદે આવ્યા ન હતા.+ તેઓએ તમને શ્રાપ આપવા બયોરના દીકરા બલામને પૈસા આપીને રોક્યો હતો, જેને મેસોપોટેમિયાના પથોરથી બોલાવવામાં આવ્યો હતો.+ ૫ પણ તમારા ઈશ્વર યહોવાએ બલામનું સાંભળ્યું નહિ.+ એને બદલે, તમારા ઈશ્વર યહોવાએ એ શ્રાપને તમારા માટે આશીર્વાદમાં ફેરવી દીધો,+ કેમ કે તમારા ઈશ્વર યહોવા તમને પ્રેમ કરતા હતા.+ ૬ તમે જીવો ત્યાં સુધી તેઓની શાંતિ કે આબાદી માટે કંઈ કરશો નહિ.+
૭ “તમે કોઈ અદોમીને નફરત ન કરો, કેમ કે તે તમારો ભાઈ છે.+
“તમે કોઈ ઇજિપ્તવાસીને નફરત ન કરો, કેમ કે તમે તેના દેશમાં પરદેશી હતા.+ ૮ તેઓની ત્રીજી પેઢીનાં બાળકો યહોવાના મંડળનો ભાગ બની શકે.
૯ “જ્યારે તમે દુશ્મનો સામે છાવણી નાખો, ત્યારે કોઈ પણ વસ્તુથી પોતાને અશુદ્ધ* ન કરો.+ ૧૦ જો કોઈ માણસ રાતે વીર્યના સ્રાવને લીધે અશુદ્ધ થાય,+ તો તે છાવણીની બહાર જાય અને છાવણીમાં પાછો ન આવે. ૧૧ સાંજ પડે ત્યારે તે સ્નાન કરે અને સૂર્ય આથમે પછી તે છાવણીમાં પાછો આવી શકે.+ ૧૨ તમે છાવણી બહાર એક જગ્યા* રાખો અને સંડાસ માટે ત્યાં જાઓ. ૧૩ તમારાં ઓજારોમાં પાવડો પણ રાખો. જ્યારે તમે સંડાસ માટે બહાર જાઓ, ત્યારે પાવડાથી ખાડો ખોદો અને એમાં મળ દાટી દો. ૧૪ તમને બચાવવા અને દુશ્મનોને તમારા હાથમાં સોંપવા યહોવા તમારા ઈશ્વર તમારી છાવણીમાં ચાલી રહ્યા છે.+ એટલે તમે તમારી છાવણી શુદ્ધ રાખો,+ જેથી કોઈ અશુદ્ધ વસ્તુ તેમની નજરે ન પડે અને તે તમારાથી દૂર ચાલ્યા ન જાય.
૧૫ “જો કોઈ દાસ પોતાના માલિક પાસેથી નાસીને તમારી પાસે આવે, તો એ દાસને તેના માલિક પાસે પાછો મોકલશો નહિ. ૧૬ તમારાં શહેરોમાં જે શહેર તેને પસંદ પડે, ત્યાં તે રહી શકે. તમે તેની સાથે ખરાબ વ્યવહાર કરશો નહિ.+
૧૭ “ઇઝરાયેલની કોઈ પણ દીકરી મંદિરની વેશ્યા* બને નહિ.+ ઇઝરાયેલનો કોઈ પણ દીકરો મંદિરમાં પુરુષો સાથે જાતીય સંબંધ બાંધનાર* બને નહિ.+ ૧૮ તમારી માનતા પૂરી કરવા એવી કોઈ પણ સ્ત્રી કે પુરુષની* નીચ કમાણી તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં ન લાવો, કેમ કે એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.
૧૯ “તમે તમારા ભાઈને પૈસા, ખોરાક કે બીજી કોઈ વસ્તુ ઉધાર આપો ત્યારે, તેની પાસે વ્યાજ ન માંગો.+ ૨૦ તમે પરદેશી પાસે વ્યાજ માંગી શકો,+ પણ તમારા ભાઈ પાસે ન માંગો,+ જેથી જે દેશને કબજે કરવા તમે જઈ રહ્યા છો, ત્યાં તમારાં સર્વ કામમાં યહોવા તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપે.+
૨૧ “જો તમે તમારા ઈશ્વર યહોવા આગળ કોઈ માનતા લો,+ તો એને પૂરી કરવામાં ઢીલ ન કરો.+ તમારા ઈશ્વર યહોવા ચાહે છે કે તમે એ માનતા પૂરી કરો. જો નહિ કરો, તો એ પાપ ગણાશે.+ ૨૨ પણ જો તમે કોઈ માનતા જ ન લો, તો તમને પાપનો દોષ લાગશે નહિ.+ ૨૩ તમારા મોંમાંથી જે કંઈ વચન નીકળે, એ પૂરું કરો.+ યહોવા તમારા ઈશ્વર આગળ તમે સ્વેચ્છા-અર્પણ* માટે જે માનતા લો છો, એ પૂરી કરો.+
૨૪ “જો તમે તમારા પડોશીની દ્રાક્ષાવાડીમાં જાઓ, તો ભરપેટ દ્રાક્ષ ખાઈ શકો, પણ એને ટોપલીમાં ભરી ન લાવો.+
૨૫ “જો તમે તમારા પડોશીના ખેતરમાં જાઓ, તો પાકેલાં કણસલાં હાથથી તોડી શકો, પણ એ ઊભા પાક પર દાતરડું ન ચલાવો.+
૨૪ “જો કોઈ પુરુષ લગ્ન કરે અને પત્નીના શરમજનક વર્તનને લીધે તેનાથી ખુશ ન હોય, તો તે પોતાની પત્નીને છૂટાછેડા લખી આપે+ અને એ લખાણ તેના હાથમાં આપીને તેને ઘરમાંથી કાઢી મૂકે.+ ૨ પહેલા પતિનું ઘર છોડ્યા પછી સ્ત્રી બીજા કોઈ પુરુષને પરણી શકે.+ ૩ જો બીજો પતિ પણ તેને નફરત* કરવા લાગે, તેને છૂટાછેડા લખી આપે અને એ લખાણ તેના હાથમાં આપીને ઘરમાંથી કાઢી મૂકે અથવા જો તેનો બીજો પતિ મરણ પામે, ૪ તો તેને કાઢી મૂકનાર પહેલો પતિ તેને ફરી પરણે નહિ, કેમ કે તે સ્ત્રી ભ્રષ્ટ થઈ ગઈ છે. એવા કામને યહોવા ધિક્કારે છે. તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને વારસામાં આપે છે, એમાં તમે પાપ ન લાવો.
૫ “જો કોઈ પુરુષના નવાં નવાં લગ્ન થયાં હોય, તો તે લશ્કરમાં સેવા ન આપે અથવા તેને બીજી જવાબદારીઓ સોંપવામાં ન આવે. એક વર્ષ સુધી તેને છૂટ આપવામાં આવે અને તે ઘરમાં રહે અને પોતાની પત્નીને ખુશ કરે.+
૬ “તમે ઘંટી કે ઘંટીનો ઉપલો પથ્થર ગીરવે ન લો,+ કેમ કે એ તો કોઈ માણસની આજીવિકા* ગીરવે રાખ્યા બરાબર છે.
૭ “જો કોઈ માણસ પોતાના ઇઝરાયેલી ભાઈનું અપહરણ કરે, તેના પર જુલમ ગુજારે અને તેને વેચી દે,+ તો અપહરણ કરનાર માણસને મારી નાખો.+ આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+
૮ “જો કોઈને રક્તપિત્ત* થાય, તો લેવી યાજકો જે સૂચનો આપે, એનું ખંતથી પાલન કરો.+ મેં તેઓને જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ તમે કરો. ૯ તમે ઇજિપ્તમાંથી નીકળતા હતા ત્યારે, રસ્તામાં યહોવા તમારા ઈશ્વરે મરિયમને જે કર્યું હતું એ યાદ રાખો.+
૧૦ “જો તમે તમારા પડોશીને કંઈક ઉછીનું આપો,+ તો તેણે જે વસ્તુ ગીરવે મૂકવા વચન આપ્યું છે, એને છીનવી લેવા તેના ઘરમાં ઘૂસી ન જાઓ. ૧૧ તમે બહાર ઊભા રહો, ઉછીનું લેનાર માણસ બહાર આવે અને ગીરવે મૂકવાની વસ્તુ તમને આપે. ૧૨ જો તે માણસ ખૂબ ગરીબ હોય, તો તેણે ગીરવે મૂકેલું વસ્ત્ર આખી રાત તમારી પાસે ન રાખો.+ ૧૩ સૂર્ય આથમે ત્યારે તે માણસે ગીરવે મૂકેલું વસ્ત્ર તેને પાછું આપી દો, જેથી એ વસ્ત્ર પહેરીને તે સૂઈ જાય+ અને તમને આશીર્વાદ આપે. આમ તમે તમારા ઈશ્વર યહોવાની નજરમાં નેક ગણાશો.
૧૪ “જો તમે કોઈ ગરીબ અને મુસીબતમાં હોય એવા માણસને મજૂરીએ રાખો, તો તેની સાથે છેતરપિંડી ન કરો, પછી ભલે એ તમારાં શહેરોમાં રહેતો કોઈ ઇઝરાયેલી ભાઈ હોય કે પરદેશી.+ ૧૫ તમે મજૂરને એની મજૂરી એ જ દિવસે,+ સૂર્ય આથમે એ પહેલાં ચૂકવી દો, કેમ કે એ મજૂરી તેની જરૂરિયાત છે અને એના પર તેનું જીવન નભે છે. નહિતર તે તમારી વિરુદ્ધ યહોવાને પોકાર કરશે અને તમને પાપનો દોષ લાગશે.+
૧૬ “બાળકોનાં પાપને લીધે પિતાઓને મારી ન નાખો અને પિતાઓનાં પાપને લીધે બાળકોને મારી ન નાખો.+ જે માણસ પાપ કરે, તે જ માર્યો જાય.+
૧૭ “તમે કોઈ પરદેશીનો કે અનાથનો* ન્યાય ઊંધો ન વાળો.+ તમે વિધવાનું વસ્ત્ર જપ્ત કરી એને ગીરવે ન રાખો.+ ૧૮ ભૂલતા નહિ, તમે પણ ઇજિપ્તમાં ગુલામ હતા અને યહોવા તમારા ઈશ્વરે તમને ત્યાંથી છોડાવ્યા હતા.+ એટલે જ હું તમને આવું કરવાની આજ્ઞા આપું છું.
૧૯ “જ્યારે તમે ખેતરમાં કાપણી કરો અને પૂળો ખેતરમાં ભૂલી જાઓ, ત્યારે એ પૂળો લેવા પાછા ન જાઓ. એને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો,+ જેથી તમારા ઈશ્વર યહોવા તમારાં સર્વ કામો પર તમને આશીર્વાદ આપે.+
૨૦ “જ્યારે તમે જૈતૂનનું ઝાડ ઝૂડો, ત્યારે કોઈ ડાળીને બીજી વાર ન ઝૂડો. બાકી રહી ગયેલાં ફળને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો.+
૨૧ “જ્યારે તમે દ્રાક્ષાવાડીમાંથી દ્રાક્ષો ભેગી કરો, ત્યારે બાકી રહી ગયેલી દ્રાક્ષો ભેગી કરવા પાછા ન જાઓ. એને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો. ૨૨ ભૂલતા નહિ, તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા. એટલે જ હું તમને આવું કરવાની આજ્ઞા આપું છું.
૨૫ “જો બે માણસો વચ્ચે તકરાર ઊભી થાય, તો તેઓ ન્યાયાધીશો પાસે જાય.+ ન્યાયાધીશો તેઓનો ન્યાય કરે અને નેક માણસને નિર્દોષ અને દુષ્ટ માણસને દોષિત ઠરાવે.+ ૨ જો દુષ્ટ માણસે ફટકાને લાયક ગુનો કર્યો હોય,+ તો ન્યાયાધીશ તેને ઊંધો સુવડાવે અને પોતાના દેખતાં ફટકા મરાવે. તેણે કેવો ગુનો કર્યો છે એને આધારે ફટકાની સંખ્યા નક્કી કરવામાં આવે. ૩ તેને ૪૦ ફટકા સુધી મારી શકાય, પણ એનાથી વધારે નહિ.+ જો તેને વધારે ફટકા મારવામાં આવે, તો બધાના દેખતાં તમારા ભાઈની બદનામી થશે.
૪ “અનાજ છૂટું પાડવા તમે બળદને કણસલાં પર ફેરવો ત્યારે તેના મોં પર જાળી ન બાંધો.+
૫ “જો ભાઈઓ આસપાસમાં રહેતા હોય અને તેઓમાંનો એક મરણ પામે અને તેને દીકરો ન હોય, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર બીજા કોઈ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની સાથે લગ્ન કરે અને તેના પ્રત્યે પતિના ભાઈ તરીકેની ફરજ બજાવે.*+ ૬ તેનાથી સ્ત્રીને જે પ્રથમ દીકરો જન્મે, તે મરણ પામેલા પતિનો ગણાય,*+ જેથી તેનું નામ ઇઝરાયેલમાંથી ભૂંસાઈ ન જાય.+
૭ “જો કોઈ માણસ પોતાની વિધવા ભાભી સાથે લગ્ન કરવા માંગતો ન હોય, તો એ વિધવા શહેરના દરવાજે વડીલો પાસે જાય અને તેઓને કહે, ‘મારા પતિનો ભાઈ મારા પતિનું નામ ઇઝરાયેલમાં કાયમ રાખવા રાજી નથી. તે મારા પ્રત્યે પતિના ભાઈ તરીકેની ફરજ બજાવવા તૈયાર નથી.’ ૮ તેના શહેરના વડીલો તેને બોલાવે અને તેની સાથે વાત કરે. જો તે પોતાની જીદ પર અડી રહે અને કહે, ‘મારે તેની સાથે નથી પરણવું,’ ૯ તો તે વિધવા વડીલોની સામે પોતાના પતિના ભાઈ પાસે જાય, પતિના ભાઈના પગમાંથી ચંપલ કાઢે,+ તેના મોં પર થૂંકે અને કહે, ‘જે માણસ પોતાના ભાઈનો વંશવેલો આગળ વધારવા ન માંગતો હોય તેની સાથે આવું જ કરવામાં આવે.’ ૧૦ પછી તેના કુટુંબનું નામ* ઇઝરાયેલમાં આ રીતે ઓળખાશે, ‘ચંપલ કાઢવામાં આવેલા માણસનું કુટુંબ.’
૧૧ “જો બે માણસો લડતા હોય અને એક માણસની પત્ની પોતાના પતિને બચાવવા હાથ લાંબો કરે અને મારનાર માણસનું ગુપ્ત અંગ પકડી લે, ૧૨ તો તમે એ સ્ત્રીનો હાથ કાપી નાખો. તમે* તેને દયા બતાવશો નહિ.
૧૩ “તમે તમારી થેલીમાં એક જ વજન માટે એક મોટું અને એક નાનું વજનિયું, એમ બે અલગ અલગ વજનિયાં ન રાખો.+ ૧૪ તમારા ઘરમાં એક જ માપ માટે એક મોટું અને એક નાનું એમ બે અલગ અલગ વાસણ* ન રાખો.+ ૧૫ તમારાં વજનિયાં તથા માપ ખરા અને અદ્દલ હોવાં જોઈએ, જેથી તમારા ઈશ્વર યહોવા તમને જે દેશ આપે છે, એમાં તમે લાંબું જીવો.+ ૧૬ એવી બેઈમાની કરનાર દરેક માણસને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+
૧૭ “તમે ઇજિપ્તમાંથી બહાર નીકળતા હતા ત્યારે, અમાલેકીઓએ તમારી સાથે જે કર્યું હતું એને યાદ રાખો.+ ૧૮ તમે થાકીને લોથપોથ થઈ ગયા હતા એવામાં તેઓએ આવીને લોકો પર હુમલો કર્યો. તેઓએ કમજોર અને પાછળ રહી ગયેલા લોકો પર હુમલો કર્યો. તેઓએ ઈશ્વરનો ડર રાખ્યો નહિ. ૧૯ તમારા ઈશ્વર યહોવા તમને વારસા તરીકે જે દેશ આપે, એમાં તમારા ઈશ્વર યહોવા જ્યારે આસપાસના દુશ્મનોથી તમને શાંતિ આપે,+ ત્યારે તમે આકાશ નીચેથી અમાલેકીઓનું નામનિશાન મિટાવી દેજો, જેથી તેઓને યાદ પણ કરવામાં ન આવે.+ એમ કરવાનું તમે ભૂલતા નહિ.
૨૬ “તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને વારસા તરીકે આપે છે, એમાં જ્યારે તમે પ્રવેશો, એને કબજે કરો અને એમાં વસી જાઓ, ૨ ત્યારે તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને આપે એની ફસલનો પહેલો હિસ્સો* એક ટોપલીમાં મૂકો. પછી તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, ત્યાં એ લઈ જાઓ.+ ૩ એ દિવસોમાં સેવા આપતા યાજક પાસે જઈને કહો, ‘આજે હું યહોવા મારા ઈશ્વર આગળ જાહેર કરું છું કે હું એ દેશમાં આવી ગયો છું, જે આપવાના યહોવાએ આપણા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.’+
૪ “પછી યાજક તમારા હાથમાંથી એ ટોપલી લે અને તમારા ઈશ્વર યહોવાની વેદી આગળ મૂકે. ૫ ત્યાર બાદ તમે તમારા ઈશ્વર યહોવા આગળ જાહેર કરો, ‘મારા પિતા અરામી+ હતા અને એક દેશથી બીજે દેશ રઝળતા ફર્યા.* તે ઇજિપ્ત ગયા+ અને ત્યાં પરદેશી તરીકે રહ્યા. એ સમયે તેમનું કુટુંબ ખૂબ નાનું હતું,+ પણ ત્યાં તે એક મહાન, બળવાન અને મોટી પ્રજા બન્યા.+ ૬ ઇજિપ્તના લોકોએ અમારી સાથે ખરાબ વ્યવહાર કર્યો, અમારા પર જુલમ ગુજાર્યો અને અમારી પાસે કાળી મજૂરી કરાવી.+ ૭ અમે અમારા બાપદાદાઓના ઈશ્વર યહોવાને પોકાર કર્યો. યહોવાએ અમારો પોકાર સાંભળ્યો, તેમણે અમારી મુસીબતો, સતાવણીઓ અને અમારા પર થતા જુલમ તરફ ધ્યાન આપ્યું.+ ૮ યહોવા પોતાના શક્તિશાળી અને બળવાન હાથથી+ તેમજ ભયાનક અને અદ્ભુત કામો કરીને, ચમત્કારો+ કરીને અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા. ૯ પછી તે અમને આ જગ્યાએ લઈ આવ્યા અને દૂધ-મધની રેલમછેલવાળો આ દેશ આપ્યો.+ ૧૦ હવે યહોવાએ જે જમીન મને આપી છે, એની ફસલનો પ્રથમ હિસ્સો* હું લાવ્યો છું.’+
“તમે ફસલની એ ટોપલી યહોવા તમારા ઈશ્વર આગળ મૂકો અને યહોવા તમારા ઈશ્વર આગળ જમીન સુધી માથું નમાવો. ૧૧ પછી તમારા ઈશ્વર યહોવાએ તમને અને તમારા કુટુંબને જે સારી વસ્તુઓ આપી છે એ માટે તમે, લેવીઓ અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ આનંદ કરો.+
૧૨ “ત્રીજે વર્ષે તમારી ફસલનો દસમો ભાગ* ભેગો કરો+ ત્યારે, એ દસમો ભાગ લેવીઓને, પરદેશીઓને, અનાથોને* અને વિધવાઓને આપો, જેથી તેઓ તમારાં શહેરોમાં ભરપેટ ખાઈ શકે.+ ૧૩ પછી તમારા ઈશ્વર યહોવા આગળ કહો, ‘મેં એ પવિત્ર હિસ્સો મારા ઘરમાંથી કાઢીને લેવીઓને, પરદેશીઓને, અનાથોને* અને વિધવાઓને આપ્યો છે,+ જેમ તમે મને આજ્ઞા આપી હતી. મેં તમારી એક પણ આજ્ઞા તોડી નથી કે એની અવગણના કરી નથી. ૧૪ શોક પાળતી વખતે મેં એ હિસ્સામાંથી કંઈ ખાધું નથી કે અશુદ્ધ હતો ત્યારે એને અડ્યો નથી કે મરી ગયેલાઓ માટે એમાંથી કંઈ આપ્યું નથી. મેં મારા ઈશ્વર યહોવાના કહ્યા પ્રમાણે કર્યું છે અને તમે આપેલી દરેક આજ્ઞાનું પાલન કર્યું છે. ૧૫ હવે તમારા પવિત્ર રહેઠાણમાંથી, એટલે કે સ્વર્ગમાંથી નીચે જુઓ અને અમને આપેલા દૂધ-મધની રેલમછેલવાળા દેશને+ અને તમારા ઇઝરાયેલી લોકોને આશીર્વાદ આપો,+ જેમ તમે અમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.’+
૧૬ “તમારા ઈશ્વર યહોવા આજે તમને આજ્ઞા આપી રહ્યા છે કે તમે એ નિયમો અને કાયદા-કાનૂન પાળો. તમે પૂરા દિલથી+ અને પૂરા જીવથી એનું પાલન કરો અને એને અમલમાં મૂકો. ૧૭ આજે તમે યહોવા પાસેથી સાંભળ્યું છે કે, જો તમે તેમના માર્ગોમાં ચાલશો અને તેમની આજ્ઞાઓ,+ નિયમો+ અને કાયદા-કાનૂન+ પાળશો અને તેમનું કહેવું સાંભળશો, તો તે તમારા ઈશ્વર થશે. ૧૮ આજે તમે યહોવા આગળ જાહેર કર્યું છે કે તેમણે આપેલા વચન પ્રમાણે તમે તેમના લોકો અને તેમની ખાસ સંપત્તિ* બનશો+ તેમજ તેમની બધી આજ્ઞાઓ પાળશો. ૧૯ તેમણે કહ્યું છે કે જો તમે તમારા ઈશ્વર યહોવા આગળ પોતાને પવિત્ર પ્રજા સાબિત કરશો, તો તેમણે પોતે રચેલી બીજી બધી પ્રજાઓ કરતાં તે તમને ઊંચું સ્થાન આપશે+ અને તમને પ્રશંસા, નામના અને મહિમા અપાવશે,+ જેમ તેમણે વચન આપ્યું છે.”
૨૭ મૂસા અને ઇઝરાયેલના વડીલો લોકો આગળ ઊભા થયા અને મૂસાએ લોકોને કહ્યું: “આજે હું તમને જે આજ્ઞાઓ આપું છું, એ બધી તમે પાળો. ૨ તમે યર્દન નદી પાર કરીને તમારા ઈશ્વર યહોવા આપે છે એ દેશમાં જાઓ ત્યારે, ત્યાં મોટા પથ્થરો ઊભા કરો અને એના પર લીંપણ* કરો.+ ૩ યર્દન પાર કર્યા પછી તમે એ પથ્થરો ઉપર બધા નિયમો લખો. તમારા ઈશ્વર યહોવા તમને આપે છે એ દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં તમે પ્રવેશો ત્યારે એમ કરો. એ દેશ આપવા વિશે તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવાએ તમને વચન આપ્યું હતું.+ ૪ યર્દન પાર કર્યા પછી, તમે એબાલ પર્વત+ પર એ પથ્થરો ઊભા કરો અને એના પર લીંપણ* કરો, જેમ આજે હું તમને આજ્ઞા આપું છું. ૫ ત્યાં તમે તમારા ઈશ્વર યહોવા માટે એવા પથ્થરોની એક વેદી પણ બનાવો, જેના પર લોઢાનું ઓજાર વપરાયું ન હોય.+ ૬ તમે ઘડ્યા વગરના આખા પથ્થરોથી તમારા ઈશ્વર યહોવા માટે વેદી બનાવો અને એના પર તમારા ઈશ્વર યહોવા માટે અગ્નિ-અર્પણો ચઢાવો. ૭ ત્યાં તમે શાંતિ-અર્પણો* ચઢાવો+ અને એ ખાઓ+ અને તમારા ઈશ્વર યહોવા આગળ આનંદ કરો.+ ૮ એ પથ્થરો પર સ્પષ્ટ રીતે એ બધા નિયમો લખો.”+
૯ પછી મૂસા અને લેવી યાજકોએ બધા ઇઝરાયેલીઓને કહ્યું: “હે ઇઝરાયેલીઓ, શાંત થાઓ અને ધ્યાનથી સાંભળો. આજે તમે તમારા ઈશ્વર યહોવાના લોકો બન્યા છો.+ ૧૦ તમે તમારા ઈશ્વર યહોવાનું સાંભળો અને તેમની આજ્ઞાઓ+ અને નિયમો પાળો, જે આજે હું તમને ફરમાવું છું.”
૧૧ એ દિવસે મૂસાએ લોકોને આ પ્રમાણે આજ્ઞા કરી: ૧૨ “યર્દન પાર કરો પછી લોકોને આશીર્વાદ આપવા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ અને બિન્યામીનનાં કુળો ગરીઝીમ પર્વત+ પર ઊભાં રહે. ૧૩ રૂબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન અને નફતાલીનાં કુળો શ્રાપ જાહેર કરવા એબાલ પર્વત+ પર ઊભાં રહે. ૧૪ લેવીઓ બધા ઇઝરાયેલીઓને મોટા અવાજે કહે:+
૧૫ “‘જે માણસ કોતરેલી મૂર્તિ+ અથવા ધાતુની મૂર્તિ* બનાવે+ અને એને છુપાવી રાખે, તેના પર શ્રાપ આવે. કારીગરના* હાથે ઘડાયેલી એવી મૂર્તિને યહોવા ધિક્કારે છે.’+ (અને બધા લોકો જવાબમાં કહે, ‘આમેન!’*)
૧૬ “‘જે માણસ પોતાના પિતાને કે માતાને તુચ્છ ગણે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૧૭ “‘જે માણસ પડોશીએ મૂકેલી હદની નિશાની ખસેડે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૧૮ “‘જે માણસ આંધળા માણસને રસ્તા પરથી ભટકાવી દે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૧૯ “‘જે માણસ પરદેશીનો, અનાથનો* કે વિધવાનો+ ન્યાય ઊંધો વાળે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૨૦ “‘જે માણસ પોતાની સાવકી મા* સાથે જાતીય સંબંધ બાંધે, તેના પર શ્રાપ આવે. કેમ કે તે પોતાના પિતાનું અપમાન કરે છે.’*+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૨૧ “‘જે માણસ કોઈ પ્રાણી સાથે જાતીય સંબંધ બાંધે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૨૨ “‘જે માણસ પોતાની સગી બહેન સાથે કે પોતાના પિતાની દીકરી* સાથે કે પોતાની માતાની દીકરી* સાથે જાતીય સંબંધ બાંધે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૨૩ “‘જે માણસ પોતાની સાસુ સાથે જાતીય સંબંધ બાંધે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૨૪ “‘જે માણસ ખાનગીમાં પોતાના પડોશી પર હુમલો કરીને તેને મારી નાખે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૨૫ “‘જે માણસ નિર્દોષની હત્યા કરવા* પૈસા લે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૨૬ “‘જે માણસ આ બધા નિયમો ન પાળે અને એને અમલમાં ન મૂકે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
૨૮ “જો તમે તમારા ઈશ્વર યહોવાનું સાંભળશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને આપું છું એને ધ્યાનથી પાળશો, તો તમારા ઈશ્વર યહોવા પૃથ્વીની બીજી બધી પ્રજાઓ કરતાં તમને ઊંચું સ્થાન આપશે.+ ૨ જો તમે તમારા ઈશ્વર યહોવાનું સાંભળશો, તો આ બધા આશીર્વાદો પુષ્કળ પ્રમાણમાં તમારા પર ઊતરી આવશે:+
૩ “તમે શહેરમાં હો કે સીમમાં, તમારા પર આશીર્વાદ આવશે.+
૪ “તમારાં બાળકો,*+ તમારી જમીનની પેદાશ અને તમારાં ઢોરઢાંક તેમજ ઘેટાં-બકરાંનાં બચ્ચાં પર આશીર્વાદ આવશે.+
૫ “તમારી ટોપલી+ અને લોટ બાંધવાના વાસણ+ પર આશીર્વાદ આવશે.
૬ “તમે જ્યાં પણ જશો અને જે કંઈ કરશો, એ સર્વ પર આશીર્વાદ આવશે.
૭ “તમારી સામે ચઢી આવનાર દુશ્મનોને યહોવા હરાવી દેશે.+ તેઓ એક દિશાએથી આવીને તમારા પર હુમલો કરશે, પણ તમારી સામેથી સાત દિશાઓમાં નાસી છૂટશે.+ ૮ યહોવાના હુકમથી તમારા કોઠારો અને તમારાં સર્વ કામો પર આશીર્વાદ આવશે.+ જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને આપે છે, એમાં તે તમને આશીર્વાદ આપશે. ૯ જો તમે તમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળતા રહેશો અને તેમના માર્ગોમાં ચાલતા રહેશો, તો યહોવા તમને તેમના પવિત્ર લોકો બનાવશે,+ જેમ તેમણે તમારી આગળ સમ ખાધા હતા.+ ૧૦ પૃથ્વીના સર્વ લોકો જોશે કે તમે યહોવાના નામથી ઓળખાઓ છો+ અને તેઓ તમારાથી બીશે.+
૧૧ “યહોવાએ તમને જે દેશ આપવાના તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા,+ એમાં યહોવા તમને ઘણાં બાળકો, પુષ્કળ ઢોરઢાંક અને જમીનની મબલક પેદાશ આપશે.+ ૧૨ યહોવા આકાશના અખૂટ ભંડારો ખોલી દેશે અને તમારા દેશમાં ૠતુ પ્રમાણે વરસાદ વરસાવશે.+ તે તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે. તમે ઘણી પ્રજાઓને ઉછીનું આપશો, પણ તમારે કોઈની પાસેથી ઉછીનું લેવું નહિ પડે.+ ૧૩ યહોવા તમને બીજી પ્રજાઓથી આગળ રાખશે, પાછળ નહિ.* તમારો હાથ હંમેશાં તેઓની ઉપર રહેશે,+ નીચે નહિ. શરત એટલી જ કે તમારા ઈશ્વર યહોવાની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું, એ તમે કાયમ પાળો અને અમલમાં મૂકો. ૧૪ જે બધી આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું, એનાથી ડાબે કે જમણે ફંટાઈ ન જતા+ અને બીજા દેવોને પગે પડીને તેઓની સેવા ન કરતા.+
૧૫ “પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમની જે આજ્ઞાઓ અને નિયમો હું આજે તમને આપું છું, એ ધ્યાનથી નહિ પાળો, તો આ બધા શ્રાપ તમારા પર ઊતરી આવશે:+
૧૬ “તમે શહેરમાં હો કે સીમમાં, તમારા પર શ્રાપ આવશે.+
૧૭ “તમારી ટોપલી+ અને લોટ બાંધવાના વાસણ+ પર શ્રાપ આવશે.
૧૮ “તમારાં બાળકો,+ તમારી જમીનની પેદાશ અને તમારાં ઢોરઢાંક તેમજ ઘેટાં-બકરાંનાં+ બચ્ચાં પર શ્રાપ આવશે.
૧૯ “તમે જ્યાં પણ જશો અને જે કંઈ કરશો, એ સર્વ પર શ્રાપ આવશે.
૨૦ “જો તમે ખરાબ કામો કરતા રહેશો અને ઈશ્વરને* છોડી દેશો, તો તમે જે કંઈ કામ હાથમાં લેશો એમાં યહોવા તમારા પર શ્રાપ મોકલશે, ગૂંચવણ પેદા કરશે, એને નિષ્ફળ બનાવશે અને જોતજોતામાં તમારો નાશ થઈ જશે.+ ૨૧ જે દેશનો વારસો લેવા તમે જઈ રહ્યા છો, એમાંથી તમારો પૂરેપૂરો વિનાશ ન થાય ત્યાં સુધી, યહોવા તમારા પર એવી બીમારીઓ લાવશે, જે તમારો પીછો નહિ છોડે.+ ૨૨ યહોવા તમારા પર ક્ષયરોગ,* ધગધગતો તાવ,+ સોજા, બળતરા અને તલવાર+ લાવશે. તે ગરમ લૂ અને ફૂગથી+ તમારી પેદાશનો નાશ કરશે. તમારો નાશ ન થાય ત્યાં સુધી એ આફતો તમારો પીછો નહિ છોડે. ૨૩ તમારી ઉપર આકાશ તાંબા જેવું અને નીચે પૃથ્વી લોઢા જેવી થઈ જશે.+ ૨૪ યહોવા તમારા દેશ પર આકાશમાંથી ધૂળ અને રેતીનો વરસાદ વરસાવશે અને આખરે તમારો સંહાર થઈ જશે. ૨૫ યહોવા એવું કંઈક કરશે કે તમે દુશ્મનો સામે હારી જશો.+ તમે એક દિશાએથી તેઓ પર હુમલો કરશો, પણ તમે તેઓ સામેથી સાત દિશાઓમાં નાસી છૂટશો. તમારી દશા જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો થરથર કાંપશે.+ ૨૬ તમારી લાશો આકાશનાં પક્ષીઓનો અને પૃથ્વીનાં પ્રાણીઓનો ખોરાક બનશે અને તેઓને ડરાવીને ભગાડી મૂકનાર કોઈ નહિ હોય.+
૨૭ “યહોવા તમારા પર ગૂમડાંની એવી બીમારી લાવશે, જે ઇજિપ્તમાં સામાન્ય છે. તે તમારા પર મસા, ખરજવું અને ફોલ્લીઓની બીમારી લાવશે, જેમાંથી તમે સાજા નહિ થાઓ. ૨૮ યહોવા તમને ગાંડા બનાવી દેશે, આંધળા કરી દેશે+ અને મૂંઝવણમાં નાખી દેશે.* ૨૯ જેમ આંધળો માણસ કાયમ અંધકારમાં ફાંફાં મારે છે, તેમ તમે ધોળે દહાડે ફાંફાં મારશો.+ તમે કોઈ પણ કામમાં સફળ નહિ થાઓ. તમે ડગલે ને પગલે છેતરાશો અને લૂંટાશો, પણ તમને બચાવનાર કોઈ નહિ હોય.+ ૩૦ તમે કોઈ સ્ત્રી સાથે સગાઈ કરશો, પણ બીજો કોઈ માણસ એના પર બળાત્કાર કરશે. તમે ઘર બાંધશો, પણ તમને એમાં રહેવા નહિ મળે.+ તમે દ્રાક્ષાવાડી રોપશો, પણ તમને એનું ફળ ખાવા નહિ મળે.+ ૩૧ તમારી આંખો સામે તમારો બળદ કાપવામાં આવશે, પણ તમને એનું માંસ ખાવા નહિ મળે. તમારી નજર સામે તમારો ગધેડો ચોરાઈ જશે, પણ એ તમને પાછો નહિ મળે. તમારું ઘેટું તમારા દુશ્મનો છીનવી જશે, પણ તમને મદદ કરનાર કોઈ નહિ હોય. ૩૨ તમારી નજર સામે જ બીજા લોકો તમારાં દીકરા-દીકરીઓને લઈ જશે.+ તેઓ માટે તમે આખી જિંદગી તરસતા રહેશો, પણ કંઈ જ કરી નહિ શકો. ૩૩ અજાણી પ્રજાઓ આવીને તમારી જમીનની ઊપજ અને તમારી મહેનતનું ફળ ખાઈ જશે.+ તમે હંમેશાં છેતરાતા અને કચડાતા રહેશો. ૩૪ તમારી આંખો જે દૃશ્યો જોશે એનાથી તમે ગાંડા થઈ જશો.
૩૫ “યહોવા તમારાં ઘૂંટણો અને પગોને પીડાદાયક ગૂમડાંથી ભરી દેશે. એ ગૂમડાં પગની પાનીથી લઈને માથાના તાલકા સુધી ફેલાઈ જશે અને એનો કોઈ ઇલાજ નહિ હોય. ૩૬ યહોવા તમને અને તમે પસંદ કરેલા રાજાને એ દેશમાં નસાડી મૂકશે, જેને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+ ત્યાં તમે બીજા દેવોની, લાકડા અને પથ્થરોના દેવોની સેવા કરશો.+ ૩૭ યહોવા તમને જે પ્રજાઓમાં ભગાડી મૂકશે, તેઓ તમારી હાલત જોઈને હચમચી ઊઠશે. તેઓ તમને ધિક્કારશે* અને તમારી મજાક ઉડાવશે.+
૩૮ “તમે પુષ્કળ બી વાવશો, પણ બહુ થોડું લણશો,+ કેમ કે તમારી ઊપજ તીડો ખાઈ જશે. ૩૯ તમે દ્રાક્ષાવાડીઓ રોપશો અને એની સંભાળ લેશો, પણ તમે એની દ્રાક્ષો ખાઈ નહિ શકો કે એનો દ્રાક્ષદારૂ પી નહિ શકો,+ કેમ કે એને જીવાત ખાઈ જશે. ૪૦ તમારા વિસ્તારોમાં જૈતૂનનાં વૃક્ષો હશે, પણ તમે એનું તેલ શરીરે ચોળી નહિ શકો, કેમ કે તમારાં જૈતૂનનાં ફળો ખરી પડશે. ૪૧ તમને દીકરા-દીકરીઓ થશે, પણ તેઓ તમારા નહિ રહે, કેમ કે તેઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવશે.+ ૪૨ જીવડાઓનાં ટોળેટોળાં તમારાં વૃક્ષો અને જમીનની ઊપજ ખાઈ જશે. ૪૩ તમારી વચ્ચે રહેતા પરદેશીની વધારે ને વધારે ચઢતી થશે, પણ તમારી વધારે ને વધારે પડતી થશે. ૪૪ તે તમને ઉછીનું આપશે, પણ તમે તેને ઉછીનું આપી નહિ શકો.+ તે તમારી આગળ રહેશે અને તમે તેની પાછળ રહેશો.*+
૪૫ “જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમણે આપેલી આજ્ઞાઓ અને નિયમો નહિ પાળો,+ તો એ બધા શ્રાપ+ તમારા પર આવી પડશે અને તમારો નાશ નહિ થાય+ ત્યાં સુધી એ તમારો પીછો નહિ છોડે. ૪૬ એ શ્રાપ તમારા પર અને તમારા વંશજ પર આવી પડશે અને એ કાયમ માટે નિશાની અને ચેતવણી તરીકે રહેશે,+ ૪૭ કેમ કે જ્યારે તમારી પાસે બધું ભરપૂર પ્રમાણમાં હતું, ત્યારે તમે તમારા ઈશ્વર યહોવાની સેવા ખુશીથી અને હૃદયના ઉમળકાથી કરી નહિ.+ ૪૮ યહોવા તમારી વિરુદ્ધ તમારા દુશ્મનોને મોકલશે.+ તમે ભૂખ્યા,+ તરસ્યા, નગ્ન અને તંગીમાં તેઓની ચાકરી કરશો. તમારો વિનાશ નહિ થાય ત્યાં સુધી ઈશ્વર તમારી ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકશે.
૪૯ “યહોવા દૂર દૂરથી, પૃથ્વીના છેડાથી તમારી વિરુદ્ધ એક પ્રજા ઊભી કરશે,+ જેની ભાષા તમે જાણતા નથી.+ ગરુડની જેમ એ તમારા પર ઓચિંતી તરાપ મારશે.+ ૫૦ એ પ્રજા દેખાવમાં ભયંકર હશે. એ વૃદ્ધોનો આદર નહિ કરે અને બાળકો પર દયા નહિ બતાવે.+ ૫૧ તમારો નાશ નહિ થાય ત્યાં સુધી એ પ્રજા તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારી જમીનની ઊપજ ખાઈ જશે. એ તમારા માટે અનાજ, નવો દ્રાક્ષદારૂ, તેલ, ઢોરઢાંક કે ઘેટું-બકરું, કશું જ રહેવા નહિ દે અને તમારો સંહાર કરી દેશે.+ ૫૨ એ આખા દેશ ફરતે ઘેરો ઘાલશે અને તમને તમારાં જ શહેરોમાં ગુલામ બનાવી દેશે. જે ઊંચા અને મજબૂત કોટ પર તમે ભરોસો રાખો છો, એ તૂટી નહિ જાય ત્યાં સુધી તે ઘેરો ઘાલશે. હા, યહોવા તમારા ઈશ્વરે આપેલા દેશમાં એ તમારાં બધાં શહેરો ફરતે ઘેરો ઘાલશે.+ ૫૩ એ ઘેરો એવો સખત હશે અને દુશ્મનો તમને એવા સકંજામાં લેશે કે તમારે પોતાનાં જ બાળકોનું* માંસ ખાવું પડશે.+ હા, યહોવા તમારા ઈશ્વરે તમને જે દીકરા-દીકરીઓ આપ્યાં છે, તેઓનું માંસ તમારે ખાવું પડશે.
૫૪ “અરે, તમારામાંનો સૌથી નરમ દિલનો અને લાગણીશીલ* માણસ પણ પોતાના ભાઈ પર કે વહાલી પત્ની પર કે પોતાના બાકી રહેલા દીકરાઓ પર દયા નહિ બતાવે. ૫૫ તે એકલો જ પોતાના દીકરાઓનું માંસ ખાઈ જશે અને એમાંથી કોઈને કશું નહિ આપે, કેમ કે ઘેરો એટલો સખત હશે અને દુશ્મનો તમારાં શહેરોને એવા સકંજામાં લેશે કે તેની પાસે ખાવા માટે બીજું કંઈ નહિ હોય.+ ૫૬ તમારામાંની સૌથી નરમ દિલની અને લાગણીશીલ* સ્ત્રી, જે એટલી કોમળ છે કે પોતાનો પગ સુદ્ધાં જમીન પર મૂકવાનો વિચાર કરતી નથી,+ તે પોતાના વહાલા પતિ પર કે પોતાના દીકરા પર કે પોતાની દીકરી પર દયા નહિ બતાવે. ૫૭ અરે, પોતાના નવજાત બાળક પર કે પ્રસૂતિ વખતે ગર્ભમાંથી જે કંઈ નીકળે એના પર પણ દયા નહિ રાખે. તે છૂપી રીતે એ બધું ખાઈ જશે, કેમ કે ઘેરો ખૂબ સખત હશે અને દુશ્મનોએ તમારાં શહેરોને ભારે સકંજામાં લીધાં હશે.
૫૮ “જો તમે આ પુસ્તકમાં+ લખેલા બધા નિયમો કાળજીપૂર્વક નહિ પાળો અને તમારા ઈશ્વર યહોવાના+ મહિમાવંત અને અદ્ભુત* નામથી નહિ ડરો,+ ૫૯ તો યહોવા તમારા પર અને તમારા વંશજો પર ભયાનક અને હઠીલા રોગો તેમજ પીડા આપનાર બીમારીઓ લાવશે,+ જેને તમારે વર્ષો સુધી સહન કરવાં પડશે. ૬૦ તે તમારા પર ઇજિપ્તની એ બીમારીઓ લાવશે, જેનાથી તમે ડરતા હતા અને એ બીમારીઓ તમારો પીછો નહિ છોડે. ૬૧ એટલું જ નહિ, નિયમના આ પુસ્તકમાં જે બીમારી અથવા રોગનાં નામ લખવામાં આવ્યાં નથી, તેઓને પણ યહોવા તમારા પર લાવશે અને છેવટે તમારો નાશ થઈ જશે. ૬૨ ભલે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી અગણિત છે,+ પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું કહેવું નહિ સાંભળો, તો તમારી સંખ્યા સાવ ઘટી જશે.+
૬૩ “એક સમયે તમારું ભલું કરવામાં અને તમારી આબાદી વધારવામાં યહોવાને ખુશી થતી હતી. હવે એટલી જ ખુશી યહોવાને તમારો નાશ કરવામાં અને તમારો સંહાર કરવામાં થશે. તમે જે દેશને કબજે કરવાના છો, એમાંથી તમને તગેડી મૂકવામાં આવશે.
૬૪ “યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી બધી પ્રજાઓમાં વિખેરી નાખશે.+ ત્યાં તમારે લાકડા અને પથ્થરોના દેવોની સેવા કરવી પડશે, જેઓને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+ ૬૫ એ પ્રજાઓમાં તમને શાંતિ નહિ મળે,+ તમારા પગના તળિયાને આરામ નહિ મળે. એને બદલે, યહોવા એવું કરશે કે તમારું હૃદય ચિંતાઓમાં ડૂબી જશે,+ રાહ જોઈ જોઈને તમારી આંખોનું તેજ ઘટી જશે અને તમે નિરાશામાં ગરક થઈ જશો.+ ૬૬ તમારો જીવ હંમેશાં અધ્ધર રહેશે. રાત-દિવસ તમે ભયમાં જીવશો અને સતત મોતના પડછાયા નીચે જીવશો. ૬૭ તમારા હૃદયમાં એવો ડર બેસી જશે અને તમારી આંખો એવાં દૃશ્યો જોશે કે રોજ સવારે તમે કહેશો, ‘સાંજ ક્યારે પડશે!’ અને સાંજે તમે કહેશો, ‘સવાર ક્યારે પડશે!’ ૬૮ યહોવા તમને વહાણોમાં ઇજિપ્ત પાછા લઈ જશે, જે વિશે મેં તમને કહ્યું હતું, ‘તમે એ માર્ગ ફરી જોશો નહિ.’ ઇજિપ્તમાં તમે દુશ્મનોને ત્યાં ગુલામ તરીકે વેચાઈ જવા ચાહશો, પણ તમને ખરીદનાર કોઈ નહિ હોય.”
૨૯ યહોવાએ હોરેબમાં ઇઝરાયેલીઓ સાથે એક કરાર કર્યો હતો. એ ઉપરાંત, મોઆબ દેશમાં પણ તેઓ સાથે એક કરાર કરવાની તેમણે મૂસાને આજ્ઞા આપી હતી.+ મોઆબમાં કરેલો કરાર આ પ્રમાણે છે.
૨ મૂસાએ બધા ઇઝરાયેલીઓને ભેગા કરીને કહ્યું: “યહોવાએ ઇજિપ્તમાં એના રાજા, તેના ચાકરો અને આખા દેશના જે હાલ કર્યા, એ તમે નજરોનજર જોયું છે.+ ૩ તમે પોતાની આંખે જોયું છે કે તેમણે તેઓને આકરામાં આકરી સજા કરી* અને તેમણે મોટી મોટી નિશાનીઓ બતાવી અને અદ્ભુત ચમત્કારો કર્યા.+ ૪ પણ યહોવાએ આજ સુધી તમને એવું હૃદય આપ્યું નથી જે સમજે, એવી આંખો આપી નથી જે જુએ અને એવા કાન આપ્યા નથી જે સાંભળે.+ ૫ તેમણે કહ્યું, ‘મેં તમને ૪૦ વર્ષ સુધી વેરાન પ્રદેશમાં ચલાવ્યા,+ છતાં તમે પહેરેલાં કપડાં ઘસાઈને ફાટી ગયાં નહિ કે તમારાં ચંપલ તૂટી ગયાં નહિ.+ ૬ તમારી પાસે ખાવાને રોટલી ન હતી અને પીવાને દ્રાક્ષદારૂ કે શરાબ ન હતો, તોપણ મેં તમારી સંભાળ રાખી, જેથી તમે જાણો કે હું યહોવા તમારો ઈશ્વર છું.’ ૭ જ્યારે તમે આ જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે હેશ્બોનનો રાજા સીહોન+ અને બાશાનનો રાજા ઓગ+ આપણી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યા. પણ આપણે તેઓને હરાવી દીધા.+ ૮ આપણે તેઓનો દેશ કબજે કરી લીધો અને રૂબેનીઓને, ગાદીઓને અને મનાશ્શીઓના અડધા કુળને એ વારસા તરીકે આપી દીધો.+ ૯ તમે આ કરારનો એકેએક શબ્દ પાળો અને એને અમલમાં મૂકો, જેથી તમે તમારાં સર્વ કામોમાં સફળ થાઓ.+
૧૦ “આજે તમે લોકો તમારા ઈશ્વર યહોવાની આગળ ઊભા છો, હા તમે, તમારાં કુળોના વડા, તમારા વડીલો, તમારા અધિકારીઓ, ઇઝરાયેલના બધા પુરુષો, ૧૧ તમારાં બાળકો, તમારી પત્નીઓ+ તેમજ તમારા માટે લાકડાં ભેગા કરનાર અને પાણી ભરનાર પરદેશીઓ,+ જેઓ તમારી છાવણીમાં રહે છે. ૧૨ તમે તમારા ઈશ્વર યહોવા સાથે કરારમાં જોડાઈ શકો એ માટે તમે અહીંયા છો. તમારા ઈશ્વર યહોવા આજે સમ ખાઈને આ કરાર તમારી સાથે કરી રહ્યા છે,+ ૧૩ જેથી તે તમને પોતાના લોકો બનાવે+ અને તે તમારા ઈશ્વર બને.+ એ વિશે તેમણે તમને વચન આપ્યું હતું અને તમારા બાપદાદા ઇબ્રાહિમ,+ ઇસહાક+ અને યાકૂબ+ આગળ સમ ખાધા હતા.
૧૪ “હું* સમ ખાઈને આ કરાર ફક્ત તમારી સાથે જ નહિ, ૧૫ પણ આજે જેઓ આપણી જોડે આપણા ઈશ્વર યહોવા આગળ ઊભા છે, તેઓ સાથે અને આવનાર પેઢી* સાથે પણ કરું છું. ૧૬ (કેમ કે તમે સારી રીતે જાણો છો કે આપણે ઇજિપ્તમાં કેવી હાલતમાં જીવતા હતા અને મુસાફરી દરમિયાન આપણે કેવી કેવી પ્રજાઓમાંથી પસાર થયા હતા.+ ૧૭ તમે તેઓની ધિક્કારપાત્ર વસ્તુઓ, એટલે કે, લાકડાં, પથ્થર, સોના અને ચાંદીની ધિક્કારપાત્ર મૂર્તિઓ*+ જોઈ હતી.) ૧૮ ધ્યાન રાખજો, આજે તમારી વચ્ચે એવો કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે કુળ ન હોય, જેનું હૃદય આપણા ઈશ્વર યહોવાથી ફંટાઈને આ પ્રજાઓના દેવો તરફ ફરે અને તેઓની સેવા કરવા લાગે.+ તે એવા મૂળ જેવો છે, જે વધીને ઝેરી ફળ અને કડવા છોડ* પેદા કરે છે.+
૧૯ “જો કોઈ માણસ આ સમ વિશે સાંભળ્યા પછી પણ પોતાના દિલમાં બડાઈ હાંકે અને કહે, ‘હું મન ફાવે એમ વર્તીશ, મને કંઈ નહિ થાય’ અને એમ વિચારીને તેના માર્ગમાં જે કંઈ આવે એનો* નાશ કરી નાખે, ૨૦ તો યહોવા તેને માફ નહિ કરે.+ યહોવાનો ભારે કોપ તેના પર સળગી ઊઠશે અને નિયમના પુસ્તકમાં લખેલા બધા શ્રાપ તેના પર ઊતરી આવશે.+ યહોવા તેનું નામ પૃથ્વી પરથી ભૂંસી નાખશે. ૨૧ યહોવા તેને ઇઝરાયેલનાં બીજાં બધાં કુળોથી અલગ કરશે અને નિયમના પુસ્તકમાં લખેલા કરારના બધા શ્રાપ પ્રમાણે તેના પર આફતો લાવશે.
૨૨ “તમારા દીકરાઓની આવનાર પેઢીઓ અને દૂર દેશથી આવતા પરદેશીઓ પણ જોશે કે યહોવા તમારા દેશ પર કેવી ભયાનક આફતો લાવ્યા છે. ૨૩ તેમણે ગંધક, મીઠું અને આગ વરસાવીને દેશનો નાશ કરી દીધો છે અને એને વાવણી કે કાપણીને લાયક રાખ્યો નથી, અરે ત્યાં ઘાસ પણ ઊગતું નથી. આખા દેશને સદોમ અને ગમોરાહ,+ આદમાહ અને સબોઇમ+ જેવો કરી દીધો છે, જેઓનો યહોવાએ રોષે ભરાઈને વિનાશ કર્યો હતો. ૨૪ તમારા દીકરાઓ, પરદેશીઓ અને બીજી બધી પ્રજાઓ એ જોઈને બોલી ઊઠશે, ‘યહોવાએ આ દેશની આવી હાલત કેમ કરી?+ તે કેમ આટલા કોપાયમાન થયા?’ ૨૫ પછી તેઓ કહેશે, ‘એવું એટલા માટે થયું, કેમ કે તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાનો કરાર તોડી નાખ્યો,+ જે કરાર તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા પછી તેમણે તેઓ સાથે કર્યો હતો.+ ૨૬ તેઓ અજાણ્યા દેવોની સેવા કરવા લાગ્યા અને તેઓ આગળ નમવા લાગ્યા, જેઓને ભજવાની ઈશ્વરે મના કરી હતી.+ ૨૭ યહોવાનો ગુસ્સો એ દેશ પર સળગી ઊઠ્યો અને નિયમના પુસ્તકમાં લખેલા બધા શ્રાપ એ દેશ પર લઈ આવ્યા.+ ૨૮ યહોવાએ ગુસ્સે ભરાઈને, અતિ કોપાયમાન થઈને તેઓને તેઓની જમીનમાંથી ઉખેડી નાખ્યા+ અને બીજા દેશમાં મોકલી દીધા, જ્યાં તેઓ આજે રહે છે.’+
૨૯ “રહસ્યો આપણા ઈશ્વર યહોવાના છે,+ પણ પ્રગટ થયેલી વાતો સદા માટે આપણી અને આપણા વંશજોની છે, જેથી આપણે આ બધા નિયમો પાળી શકીએ.+
૩૦ “મેં તમારી આગળ જે આશીર્વાદ અને શ્રાપ મૂક્યા છે,+ એ સર્વ તમારા પર આવી પડશે. એ સમયે તમારા ઈશ્વર યહોવાએ જે દેશોમાં તમને વિખેરી નાખ્યા હશે,+ ત્યાં તમને આ બધું યાદ આવશે.+ ૨ પછી તમે અને તમારા દીકરાઓ પૂરા દિલથી અને પૂરા જીવથી+ યહોવા તમારા ઈશ્વર પાસે પાછા ફરશો+ અને તેમની આજ્ઞાઓ પાળશો, જે આજે હું તમને ફરમાવું છું. ૩ એ વખતે તમારા ઈશ્વર યહોવા તમને ગુલામીમાંથી પાછા લાવશે,+ તમને દયા બતાવશે+ અને જે સર્વ પ્રજાઓમાં યહોવા તમારા ઈશ્વરે તમને વિખેરી નાખ્યા હશે, ત્યાંથી તમને પાછા ભેગા કરશે.+ ૪ જો તમે પૃથ્વીના છેડા સુધી વિખેરાઈ ગયા હશો, તોપણ તમારા ઈશ્વર યહોવા તમને ત્યાંથી ભેગા કરીને પાછા લાવશે.+ ૫ જે દેશને તમારા બાપદાદાઓએ કબજે કર્યો હતો, એમાં યહોવા તમારા ઈશ્વર તમને પાછા લાવશે અને તમે પણ એ દેશ કબજે કરશો. ઈશ્વર તમને આબાદ કરશે અને તમારા બાપદાદાઓ કરતાં પણ તમારી સંખ્યા વધારશે.+ ૬ તમારા ઈશ્વર યહોવા તમારાં અને તમારાં બાળકોનાં હૃદયો શુદ્ધ* કરશે,+ જેથી તમે તમારા ઈશ્વર યહોવાને પૂરા દિલથી અને પૂરા જીવથી પ્રેમ કરો અને જીવતા રહો.+ ૭ પછી તમારા ઈશ્વર યહોવા એ બધા શ્રાપ તમારા દુશ્મનો પર લાવશે, જેઓ તમને નફરત કરતા હતા અને સતાવતા હતા.+
૮ “પછી તમે ફરીથી યહોવાનું કહેવું સાંભળશો અને આજે હું તેમની જે બધી આજ્ઞાઓ ફરમાવું છું એ તમે પાળશો. ૯ તમારા ઈશ્વર યહોવા તમારા હાથનાં સર્વ કામોમાં તમને આબાદ કરશે.+ તે તમને ઘણાં બાળકો, પુષ્કળ ઢોરઢાંક અને જમીનની મબલક પેદાશ આપશે. જેમ તમારા ઈશ્વર યહોવા તમારા બાપદાદાઓ પર પ્રસન્ન હતા, તેમ તે તમારા પર ફરી પ્રસન્ન થશે અને તમારું ભલું કરશે.+ ૧૦ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાનું કહેવું સાંભળશો અને નિયમના પુસ્તકમાં લખેલી તેમની આજ્ઞાઓ અને તેમના કાયદાઓ પાળશો. તમે પૂરા દિલથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર યહોવા પાસે પાછા ફરશો.+
૧૧ “આજે હું તમને જે આજ્ઞાઓ આપું છું એ સમજવી તમારા માટે અઘરી નથી કે તમારી પહોંચની બહાર પણ નથી.*+ ૧૨ એ આજ્ઞાઓ સ્વર્ગમાં નથી કે તમે કહો, ‘કોણ અમારા માટે સ્વર્ગમાં જઈને એ લઈ આવે, જેથી અમે એ સાંભળીએ અને પાળીએ?’+ ૧૩ એ આજ્ઞાઓ સમુદ્રની પેલે પાર પણ નથી કે તમે કહો, ‘કોણ અમારા માટે સમુદ્રની પેલે પાર જઈને એ લઈ આવે, જેથી અમે એ સાંભળીએ અને પાળીએ?’ ૧૪ પણ નિયમનો એ સંદેશો તો તમારી એકદમ પાસે છે, તમારા મોંમાં અને તમારા હૃદયમાં છે,+ જેથી તમે એ પાળી શકો.+
૧૫ “જુઓ, આજે મેં તમારી આગળ પસંદગી માટે જીવન અને આશીર્વાદ* તેમજ મરણ અને શ્રાપ* મૂક્યાં છે.+ ૧૬ તમારા ઈશ્વર યહોવાની જે આજ્ઞાઓ આજે હું તમને ફરમાવું છું એનું જો તમે પાલન કરશો, તમારા ઈશ્વર યહોવા પર પ્રેમ રાખશો,+ તેમના માર્ગોમાં ચાલશો અને તેમની આજ્ઞાઓ, નિયમો અને કાયદા-કાનૂન પાળશો, તો તમે જીવતા રહેશો+ અને તમારી સંખ્યા ઘણી વધશે. જે દેશને કબજે કરવા તમે જઈ રહ્યા છો, એમાં યહોવા તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.+
૧૭ “પણ જો તમારાં હૃદયો ઈશ્વરથી દૂર થઈ જશે+ અને તમે તેમનું નહિ સાંભળો તેમજ બીજા દેવોથી આકર્ષાઈને તેઓ આગળ નમશો અને તેઓની ભક્તિ કરશો,+ ૧૮ તો આજે હું તમને કહી દઉં છું કે તમારો ચોક્કસ નાશ થશે+ અને જે દેશને કબજે કરવા તમે યર્દન પાર કરીને જાઓ છો, એમાં લાંબું નહિ જીવો. ૧૯ હું આજે આકાશ અને પૃથ્વીને સાક્ષી તરીકે રાખું છું અને તમારી આગળ પસંદગી માટે જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ મૂકું છું.+ તમે જીવન પસંદ કરો, જેથી તમે અને તમારા વંશજો+ જીવતા રહો.+ ૨૦ તમે તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરો,+ તેમનું કહેવું સાંભળો અને તેમને જ વળગી રહો,+ કેમ કે તે તમને જીવન આપે છે અને તેમનાથી જ તમે એ દેશમાં લાંબો સમય ટકી રહેશો, જે આપવાના યહોવાએ તમારા બાપદાદા ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.”+
૩૧ પછી મૂસાએ જઈને બધા ઇઝરાયેલીઓને આ પ્રમાણે કહ્યું: ૨ “જુઓ, હું ૧૨૦ વર્ષનો થયો છું.+ હવે હું તમારી આગેવાની લઈ શકતો નથી,* કેમ કે યહોવાએ મને કહ્યું છે, ‘તું આ યર્દન નદી પાર કરી શકશે નહિ.’+ ૩ તમારા ઈશ્વર યહોવા તમારી આગળ રહીને યર્દન પાર કરશે. તે તમારી સામેની પ્રજાઓનો નાશ કરશે અને તમે તેઓનો દેશ કબજે કરશો.+ યહોવાએ કહ્યું છે તેમ, યહોશુઆ તમારી આગેવાની લઈને તમને યર્દનને પેલે પાર લઈ જશે.+ ૪ યહોવાએ અમોરીઓના રાજાઓ સીહોન+ અને ઓગ+ તથા તેઓના દેશોનો જેવો નાશ કર્યો હતો, એવો જ એ પ્રજાઓનો પણ નાશ કરશે.+ ૫ યહોવા તમારા માટે એ પ્રજાઓને હરાવશે અને મેં તમને જે બધી આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ તમે તેઓ સાથે વર્તજો.+ ૬ તમે હિંમતવાન અને બળવાન થાઓ.+ તેઓથી ડરશો નહિ કે ગભરાશો નહિ,+ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી સાથે સાથે ચાલે છે. તે તમને ત્યજી દેશે નહિ કે છોડી દેશે નહિ.”+
૭ પછી મૂસાએ યહોશુઆને બોલાવ્યો અને બધા ઇઝરાયેલીઓના દેખતાં તેને કહ્યું: “હિંમતવાન અને બળવાન થા,+ કેમ કે તું જ આ લોકોને એ દેશમાં લઈ જઈશ, જે દેશ આપવાના યહોવાએ તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા. તું તેઓને એ દેશનો વારસો આપીશ.+ ૮ યહોવા તારી સાથે છે+ અને તારી આગળ આગળ ચાલે છે. તે તને ત્યજી દેશે નહિ કે છોડી દેશે નહિ. તું ડરીશ નહિ કે ગભરાઈશ નહિ.”+
૯ પછી મૂસાએ એ બધા નિયમો લખ્યા+ અને યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવી યાજકોને અને ઇઝરાયેલના બધા વડીલોને એ આપ્યા. ૧૦ મૂસાએ તેઓને આજ્ઞા આપતા કહ્યું: “દર સાતમા વર્ષે, એટલે કે છુટકારાના વર્ષના*+ ઠરાવેલા સમયે, માંડવાના તહેવાર+ દરમિયાન, ૧૧ જ્યારે બધા ઇઝરાયેલીઓ તમારા ઈશ્વર યહોવા+ આગળ તેમણે પસંદ કરેલી જગ્યાએ ભેગા થાય, ત્યારે તમે આ સર્વ નિયમો ઇઝરાયેલીઓને વાંચી સંભળાવજો.+ ૧૨ બધાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને તમારાં શહેરોમાં રહેતા પરદેશીઓને ભેગા કરજો,+ જેથી તેઓ એ સાંભળે અને શીખે, યહોવા તમારા ઈશ્વરનો ડર* રાખે અને આ બધા નિયમો કાળજીપૂર્વક પાળે. ૧૩ તમે યર્દન પાર કરીને જે દેશ કબજે કરવાના છો એમાં જીવો ત્યાં સુધી એમ કરજો.+ પછી તેઓના દીકરાઓ, જેઓ આ નિયમોથી અજાણ છે તેઓ પણ એ સાંભળશે+ અને તમારા ઈશ્વર યહોવાનો ડર રાખવાનું શીખશે.”
૧૪ પછી યહોવાએ મૂસાને કહ્યું: “જો! તારા મરણનો સમય નજીક છે.+ યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાતમંડપ* આગળ હાજર થાઓ,* જેથી હું તેને આગેવાન બનાવું.”+ તેથી મૂસા અને યહોશુઆ મુલાકાતમંડપ આગળ હાજર થયા. ૧૫ પછી યહોવા મંડપ આગળ વાદળના સ્તંભમાં પ્રગટ થયા અને વાદળનો સ્તંભ મંડપના પ્રવેશદ્વારે ઊભો રહ્યો.+
૧૬ યહોવાએ મૂસાને કહ્યું: “જો! હવે તું મરવાની અણીએ છે.* આ લોકો જે દેશમાં જઈ રહ્યા છે, એ દેશના દેવોની ભક્તિ કરીને તેઓ મને બેવફા બનશે.*+ તેઓ મને છોડી દેશે+ અને તેઓ સાથે મેં જે કરાર કર્યો છે એ તોડી નાખશે.+ ૧૭ એ સમયે તેઓ પર મારો ગુસ્સો સળગી ઊઠશે+ અને હું તેઓને તરછોડી દઈશ.+ જ્યાં સુધી તેઓનો વિનાશ નહિ થાય, ત્યાં સુધી હું મારું મોં તેઓથી ફેરવી લઈશ.+ તેઓ પર ઘણી મુશ્કેલીઓ અને આફતો આવશે.+ પછી તેઓ કહેશે, ‘ઈશ્વર આપણી મધ્યે નથી, એટલે આ આફતો આપણા પર આવી પડી છે.’+ ૧૮ બીજા દેવો તરફ ફરીને તેઓએ દુષ્ટતા કરી હોવાથી એ દિવસે હું તેઓથી મારું મોં ફેરવી લઈશ.+
૧૯ “હવે તમે આ ગીત લખી લો+ અને ઇઝરાયેલીઓને શીખવો.+ તેઓને એ ગીત મોઢે કરાવો, જેથી એ ગીત ઇઝરાયેલીઓને મારી ચેતવણીઓ યાદ અપાવે.*+ ૨૦ દૂધ-મધની રેલમછેલવાળો દેશ+ આપવા વિશે મેં તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ એ દેશમાં હું તેઓને લઈ જઈશ ત્યારે, તેઓ ધરાઈને ખાશે અને તાજા-માજા થશે.*+ પછી તેઓ બીજા દેવો તરફ ફરશે અને તેઓની સેવા કરશે. તેઓ મારું અપમાન કરશે અને મારો કરાર તોડી નાખશે.+ ૨૧ જ્યારે તેઓ પર ઘણી મુશ્કેલીઓ અને આફતો આવશે,+ ત્યારે આ ગીત તેઓને મારી ચેતવણીઓ યાદ અપાવશે* (કેમ કે તેઓના વંશજોએ એ ગીત ભૂલવાનું નથી). જે દેશ આપવાના મેં સમ ખાધા હતા એમાં હું તેઓને લઈ જાઉં એ પહેલાં જ તેઓ કેવા ઇરાદા રાખે છે+ એ હું જાણું છું.”
૨૨ તેથી એ દિવસે મૂસાએ આ ગીત લખી લીધું અને ઇઝરાયેલીઓને શીખવ્યું.
૨૩ પછી ઈશ્વરે નૂનના દીકરા યહોશુઆને આગેવાન બનાવ્યો+ અને તેને કહ્યું: “હિંમતવાન અને બળવાન થા,+ કેમ કે તું જ ઇઝરાયેલીઓને એ દેશમાં લઈ જઈશ, જે આપવાના મેં તેઓ આગળ સમ ખાધા હતા.+ હું હંમેશાં તારી સાથે રહીશ.”
૨૪ મૂસાએ એ બધી આજ્ઞાઓ નિયમના પુસ્તકમાં લખી લીધી,+ પછી તરત જ ૨૫ તેણે યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીઓને આજ્ઞા આપતા કહ્યું: ૨૬ “નિયમનું આ પુસ્તક+ લો અને એને તમારા ઈશ્વર યહોવાના કરારકોશ પાસે મૂકો.+ ત્યાં એ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે. ૨૭ હું સારી રીતે જાણું છું કે તમે લોકો બળવાખોર+ અને હઠીલા+ છો. હજી હું જીવું છું ને તમે યહોવા સામે આટલો બળવો કરો છો, તો મારા મરણ પછી તો શું નહિ કરો! ૨૮ તમારાં કુળોના બધા વડીલોને અને તમારા અધિકારીઓને મારી આગળ ભેગા કરો. હું તેઓના સાંભળતાં આ બધું જણાવીશ અને આકાશ તથા પૃથ્વીને તેઓ વિરુદ્ધ સાક્ષી તરીકે રાખીશ.+ ૨૯ કેમ કે હું સારી રીતે જાણું છું કે મારા મરણ પછી તમે ચોક્કસ દુષ્ટ કામો કરશો+ અને જે માર્ગે ચાલવાની મેં તમને આજ્ઞા કરી છે, એમાંથી ભટકી જશો. ભવિષ્યમાં તમારા પર આફતો આવી પડશે,+ કેમ કે તમે યહોવાની નજરમાં ખરાબ છે એવાં કામો કરશો અને તમારા હાથનાં કામથી તેમને ગુસ્સે કરશો.”
૩૦ પછી બધા ઇઝરાયેલીઓની* આગળ મૂસાએ આ ગીતના શબ્દો શરૂઆતથી લઈને અંત સુધી કહી સંભળાવ્યા:+
૩૨ “હે આકાશ, હું જે કહીશ એ કાને ધર,
હે પૃથ્વી, તું મારી વાણી સાંભળ.
૨ મારાં સૂચનો વરસાદની જેમ વરસશે;
મારા શબ્દો ઝાકળની જેમ ટપકશે,
ઘાસ પર પડતા ઝરમર વરસાદની જેમ
અને વનસ્પતિ પર પડતા ઝાપટાની જેમ વરસશે.
૩ હું યહોવાનું નામ જાહેર કરીશ.+
હું આપણા ઈશ્વરની મહાનતા પ્રગટ કરીશ.+
તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+
૫ પણ ઇઝરાયેલીઓએ દુષ્ટ કામો કર્યાં છે.+
તેઓ ઈશ્વરનાં બાળકો નથી, ખોટ તેઓમાં જ છે.+
તેઓ દુષ્ટ અને આડી પેઢી છે!+
શું તે તમારા પિતા નથી, જેમણે તમારું સર્જન કર્યું છે?+
શું તેમણે જ તમને બનાવ્યા નથી, તમને સ્થિર કર્યા નથી?
૭ જૂના દિવસો યાદ કરો;
વીતેલી પેઢીઓનાં વર્ષોનો વિચાર કરો.
તમારા પિતાને પૂછો, તે તમને કહેશે;+
તમારા વૃદ્ધોને પૂછો, તેઓ તમને જણાવશે.
૮ જ્યારે સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને તેઓનો વારસો આપ્યો,+
જ્યારે તેમણે આદમના દીકરાઓને* એકબીજાથી અલગ કર્યા,+
ત્યારે તેમણે ઇઝરાયેલના દીકરાઓની સંખ્યા પ્રમાણે+
લોકોને હદ ઠરાવી આપી.+
૧૦ યાકૂબ તેમને વેરાન પ્રદેશમાં મળ્યો,+
સૂમસામ રણપ્રદેશમાં મળ્યો, જ્યાં જંગલી જાનવરોની ત્રાડ ગુંજતી હતી.+
૧૧ જેમ ગરુડ પોતાનો માળો હલાવે છે
અને નીચે પડતાં બચ્ચાંની ઉપર ઊડે છે,
પોતાની પાંખો પ્રસારીને તેઓને ઝીલી લે છે
અને પાંખો પર તેઓને ઉપાડી લે છે,+
૧૨ તેમ એકલા યહોવા તેને* દોરતા રહ્યા;+
કોઈ પારકો દેવ તેમની સાથે ન હતો.+
તેમણે ખડકની બખોલમાં મળતા મધથી,
ચકમકના ખડકમાં થતા તેલથી તેનું પોષણ કર્યું.
૧૪ ગાયના માખણથી અને ઘેટાં-બકરાંના દૂધથી,
તાજાં-માજાં ઘેટાંથી,*
બાશાનના નર ઘેટાથી અને બકરાથી,
હા, ઉત્તમ ઘઉંથી તેનું પોષણ કર્યું.+
તેં સારામાં સારી દ્રાક્ષથી* બનેલો દ્રાક્ષદારૂ પીધો.
૧૫ યશુરૂન* તાજો-માજો થયો ત્યારે, તેણે બંડ પોકાર્યું અને લાત મારી.
તને ચરબીના થર જામ્યા છે, તું તગડો થયો છે, તું ફૂલી ગયો છે.+
એટલે તે પોતાને બનાવનાર ઈશ્વરને ભૂલી ગયો+
અને તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.
૧૭ તેઓ ઈશ્વરને નહિ, દુષ્ટ દૂતોને* બલિદાનો ચઢાવતા હતા,+
એવા દેવો જેઓને તેઓ ઓળખતા પણ ન હતા,
જેઓ નવા નવા ઊભા થયા હતા,
જેઓને તમારા બાપદાદાઓ પણ ઓળખતા ન હતા.
૧૯ યહોવાએ એ બધું જોયું ત્યારે તેઓનો નકાર કર્યો+
કેમ કે તેમનાં દીકરા-દીકરીઓએ તેમને ગુસ્સે કર્યા.
૨૦ એટલે તેમણે કહ્યું, ‘હું તેઓથી મારું મોં ફેરવી લઈશ;+
હું જોઈશ કે તેઓના કેવા હાલ થાય છે.
૨૧ જે ઈશ્વર નથી એના દ્વારા તેઓએ મને રોષ ચઢાવ્યો* છે;+
તેઓએ પોતાની નકામી મૂર્તિઓથી મને ગુસ્સે કર્યો છે.+
એટલે જે પ્રજા ગણાવાને લાયક નથી એના દ્વારા હું તેઓમાં ઈર્ષા જગાડીશ;+
એક મૂર્ખ પ્રજાથી હું તેઓને ગુસ્સે કરીશ.+
૨૨ મારા કોપનો અગ્નિ ભભૂકી ઊઠ્યો છે,+
એ કબરના*+ તળિયા સુધી બધું ખાખ કરી દેશે,
પૃથ્વી અને એની ઊપજને ભરખી જશે,
પહાડોના પાયાઓને સળગાવી દેશે.
૨૩ હું તેઓની આફતો વધારી દઈશ;
તેઓ પર મારાં બાણ છોડીશ.
હું તેઓ પર ખૂંખાર જાનવરો મોકલીશ,+
ધૂળમાં સરકતા ઝેરી સાપ મોકલીશ.
૨૫ બહાર તલવાર તેઓનાં બાળકો છીનવી લેશે,+
અંદર આતંક તેઓને ડરાવી મૂકશે,+
જુવાનો અને કુંવારીઓ,
શિશુઓ અને વૃદ્ધો, બધાં થરથર કાંપશે.+
૨૬ હું કહી શક્યો હોત: “હું તેઓને વિખેરી નાખીશ;
લોકોમાંથી તેઓની યાદ મિટાવી દઈશ.”
તેઓ કદાચ કહે: “અમારી તાકાતની જીત થઈ છે;+
એમાં યહોવાનો કોઈ હાથ નથી.”
૨૯ જો તેઓ સમજુ હોત+ અને આના પર ઊંડો વિચાર કર્યો હોત,+ તો કેવું સારું!
કાશ, તેઓએ પરિણામનો વિચાર કર્યો હોત.+
૩૦ એકલો માણસ કઈ રીતે ૧,૦૦૦નો પીછો કરી શકે?
બે માણસ કઈ રીતે ૧૦,૦૦૦ને ભગાડી શકે?+
સિવાય કે તેઓના ખડકે તેઓને વેચી દીધા હોય+
અને યહોવાએ તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા હોય.
૩૨ કેમ કે તેઓનો દ્રાક્ષાવેલો સદોમના દ્રાક્ષાવેલામાંથી
અને ગમોરાહના ખેતરોમાંથી છે.+
તેઓની દ્રાક્ષો ઝેરની દ્રાક્ષો છે.
તેઓની લૂમો કડવી છે.+
૩૩ તેઓનો દ્રાક્ષદારૂ સાપનું ઝેર છે,
નાગનું જીવલેણ વિષ છે.
૩૫ વેર વાળવું અને બદલો લેવો એ મારું કામ છે.+
ઠરાવેલા સમયે તેઓના પગ લપસી જશે,+
કેમ કે તેઓની બરબાદીનો દિવસ નજીક છે,
તેઓ પર જે આવી પડવાનું છે, એ જલદી જ આવી પડશે.’
૩૬ જ્યારે યહોવા જોશે કે તેમના લોકો નિર્બળ થઈ ગયા છે,
તેઓમાં ફક્ત લાચાર અને કમજોર લોકો રહી ગયા છે,
ત્યારે તે તેઓનો ન્યાય કરશે+
અને પોતાના સેવકો પર તેમને દયા આવશે.*+
૩૭ પછી તે કહેશે, ‘તેઓના દેવો ક્યાં છે?+
તેઓનો ખડક ક્યાં છે, જેમાં તેઓએ આશરો લીધો હતો?
તેઓ આવીને તમારી મદદ કરે.
તેઓ તમારો આશરો બને.
હું જ મોત આપું છું અને હું જ જીવન આપું છું.+
૪૦ કેમ કે હું સનાતન ઈશ્વર છું, હું મારા સમ* ખાઈને કહું છું,+
હું મારો હાથ ઊંચો કરીને* સમ ખાઉં છું,
૪૧ જ્યારે હું મારી ચળકતી તલવારને તેજ કરીશ,
મારા હાથને ન્યાયચુકાદો લાવવા તૈયાર કરીશ,+
ત્યારે હું મારા દુશ્મનો પર વેર વાળીશ+
અને મને નફરત કરનારાઓ પાસેથી બદલો લઈશ.
૪૨ કતલ થયેલા લોકોનું અને ગુલામોનું લોહી
હું મારાં બાણોને પિવડાવીશ.
દુશ્મન આગેવાનોનાં માથાંનું માંસ
હું મારી તલવારને ખવડાવીશ.’
૪૩ હે પ્રજાઓ, ઈશ્વરના લોકો સાથે આનંદ કરો,+
કેમ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે,+
તે પોતાના દુશ્મનો પર વેર વાળશે+
૪૪ આમ, મૂસા આવ્યો અને નૂનના દીકરા હોશીઆ*+ સાથે મળીને એ ગીતના સર્વ બોલ તેણે લોકોને સંભળાવ્યા.+ ૪૫ મૂસાએ બધા ઇઝરાયેલીઓને એ સર્વ કહી સંભળાવ્યું પછી ૪૬ તેણે કહ્યું: “આજે મેં તમને જે જે ચેતવણીઓ આપી છે એના પર તમારું મન લગાડો,+ જેથી તમે તમારા દીકરાઓને એ બધી આજ્ઞાઓ ધ્યાનથી પાળવાનું જણાવી શકો.+ ૪૭ કેમ કે એ તમારા માટે ખોખલી વાતો નહિ, પણ તમારું જીવન છે.+ જો તમે એનું પાલન કરશો, તો જ એ દેશમાં લાંબું જીવી શકશો, જેને કબજે કરવા તમે યર્દન પાર કરીને જઈ રહ્યા છો.”
૪૮ એ જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું: ૪૯ “મોઆબ દેશમાં યરીખો સામે આવેલા નબો પર્વત+ પર જા, જે અબારીમ પર્વતમાળા+ પર આવેલો છે. ત્યાંથી કનાન દેશ જો, જે હું ઇઝરાયેલીઓને વારસા તરીકે આપું છું.+ ૫૦ તું જે પર્વત પર ચઢે છે ત્યાં તારું મરણ થશે અને તને દફનાવવામાં આવશે,* જેમ હોર પર્વત પર તારા ભાઈ હારુનનું મરણ થયું હતું+ અને તેને દફનાવવામાં આવ્યો હતો.* ૫૧ કેમ કે ઝીનના વેરાન પ્રદેશમાં કાદેશના મરીબાહના પાણી+ પાસે ઇઝરાયેલીઓ વચ્ચે તમે બંને બેવફા બન્યા હતા અને ઇઝરાયેલીઓ સામે મને પવિત્ર ઠરાવ્યો ન હતો.+ ૫૨ જે દેશ હું ઇઝરાયેલીઓને આપું છું એને તું દૂરથી જોશે, પણ એમાં જઈ નહિ શકે.”+
૩૩ હવે, સાચા ઈશ્વરના માણસ મૂસાએ પોતાના મરણ પહેલાં ઇઝરાયેલીઓને આ આશીર્વાદ આપ્યો.+ ૨ તેણે કહ્યું:
“યહોવા સિનાઈથી આવ્યા,+
સેઈરથી તેઓ પર પોતાનો પ્રકાશ ફેલાવ્યો.
પારાનના પહાડી વિસ્તારથી પોતાના ગૌરવનું તેજ પ્રગટાવ્યું,+
તેમની સાથે હજારોહજાર દૂતો* હતા,+
તેમના જમણા હાથે તેમના યોદ્ધાઓ હતા.+
૩ તેમને પોતાના લોકો પર પ્રેમ હતો.+
હે ઈશ્વર, સર્વ પવિત્ર જનો તમારા હાથમાં છે.+
૭ મૂસાએ યહૂદાને આ આશીર્વાદ આપ્યો:+
“હે યહોવા, યહૂદાનો પોકાર સાંભળો,+
તેના લોકો પાસે તેને પાછો લાવો.
૮ લેવી વિશે તેણે કહ્યું:+
તેની સાથે તમે મરીબાહના પાણી પાસે ઝઘડવા લાગ્યા.+
૯ તેણે પોતાનાં માબાપ વિશે કહ્યું, ‘મેં તેઓની દરકાર કરી નથી.’
અરે, તેણે પોતાના ભાઈઓને ઓળખવાનો નકાર કરી દીધો,+
પોતાના દીકરાઓનો પણ પક્ષ ન લીધો,
કેમ કે તેણે તમારી આજ્ઞા માની
અને તમારા કરારને વળગી રહ્યો.+
તે તમને ધૂપ* ચઢાવે, જેની સુવાસથી તમે ખુશ થાઓ છો.+
તે તમારી વેદી પર પૂરેપૂરું અર્પણ ચઢાવે.+
૧૧ હે યહોવા, તેની તાકાતને આશીર્વાદ આપો,
તેના હાથનાં કામોથી પ્રસન્ન થાઓ.
તેની વિરુદ્ધ ઊભા થનાર લોકોની કમર તોડી નાખો,*
જેથી તેને નફરત કરનારા ફરી કદી તેની વિરુદ્ધ ઊભા ન થાય.”
૧૨ બિન્યામીન વિશે તેણે કહ્યું:+
૧૩ યૂસફ વિશે તેણે કહ્યું:+
“તેની જમીનને યહોવા આશીર્વાદ આપે.+
એને આકાશની ઉત્તમ વસ્તુઓ,
ઝાકળ અને જમીન નીચેના ઊંડા ઝરાનું પાણી મળે,+
૧૪ સૂર્યના તાપથી ઊગતો સોનેરી પાક
અને દર મહિને થતી ઉત્તમ પેદાશ મળે.+
એ બધા આશીર્વાદો યૂસફ પર ઊતરી આવે,
હા, જે પોતાના ભાઈઓમાંથી પસંદ કરાયેલો હતો, તેના માથા પર વરસે.+
૧૭ તેનું ગૌરવ પ્રથમ જન્મેલા આખલા જેવું છે,
તેનાં શિંગડાં* જંગલી આખલાનાં શિંગડાં જેવાં છે.
પોતાનાં શિંગડાંથી તે સર્વ લોકોને
છેક પૃથ્વીના છેડા સુધી ધકેલી દેશે.
એ શિંગડાં એફ્રાઈમના+ લાખો લોકો
અને મનાશ્શાના હજારો લોકો છે.”
૧૮ ઝબુલોન વિશે તેણે કહ્યું:+
“હે ઝબુલોન, તું બહાર જાય ત્યારે આનંદ મનાવ,
હે ઇસ્સાખાર, તું તારા તંબુઓમાં ખુશી મનાવ.+
૧૯ તેઓ સમુદ્રના અખૂટ ભંડારોમાંથી
અને રેતીમાં છુપાયેલા ખજાનામાંથી પુષ્કળ ધનદોલત ભેગી કરશે.*
એટલે તેઓ બીજા લોકોને પર્વત પર બોલાવશે
અને ત્યાં નેક દિલથી બલિદાનો ચઢાવશે.”
૨૦ ગાદ વિશે તેણે કહ્યું:+
“જે ગાદની સરહદ વધારે છે, તે સુખી થાય.+
ગાદ ત્યાં સિંહની જેમ લાગ તાકીને બેઠો છે,
તે પોતાના શિકારના હાથ, અરે, એનું માથું પણ ફાડી ખાવા તૈયાર છે.
લોકોના આગેવાનો ભેગા થશે.
યહોવા તરફથી ગાદ ન્યાય કરશે
અને ઇઝરાયેલ માટે તેમના કાયદા-કાનૂન લાગુ પાડશે.”
૨૨ દાન વિશે તેણે કહ્યું:+
“દાન સિંહનું બચ્ચું છે.+
તે બાશાનથી કૂદકો મારશે.”+
૨૩ નફતાલી વિશે તેણે કહ્યું:+
“નફતાલી યહોવાની કૃપા મેળવીને તૃપ્ત થયો છે;
તેના પર તેમના ભરપૂર આશીર્વાદો છે.
તું પશ્ચિમ અને દક્ષિણને કબજે કરી લે.”
૨૪ આશેર વિશે તેણે કહ્યું:+
“આશેરને ઘણા દીકરાઓનું સુખ મળે.
તેના ભાઈઓ તેના પર રહેમનજર રાખે,
અને તે પોતાના પગ તેલમાં બોળે.*
૨૬ યશુરૂનના+ સાચા ઈશ્વર જેવું બીજું કોઈ નથી,+
જે તને મદદ કરવા આકાશમાંથી સવારી કરીને આવે છે,
હા, જે પોતાના ગૌરવમાં વાદળો પર સવારી કરે છે.+
૨૮ ઇઝરાયેલ સલામતીમાં રહેશે,
યાકૂબનો ઝરો અલગ રહેશે,
તે અનાજના અને નવા દ્રાક્ષદારૂના દેશમાં રહેશે,+
જ્યાં આકાશમાંથી ઝાકળ ટપક્યા કરે છે.+
૨૯ હે ઇઝરાયેલ, ધન્ય છે તને!+
તારા જેવું બીજું કોણ છે?+
૩૪ પછી મૂસા મોઆબના ઉજ્જડ પ્રદેશમાંથી યરીખોની સામે આવેલા+ નબો પર્વતના+ પિસ્ગાહ શિખર+ પર ગયો. યહોવાએ તેને આખો દેશ બતાવ્યો, ગિલયાદથી લઈને દાન+ સુધીનો વિસ્તાર, ૨ નફતાલીનો આખો વિસ્તાર, એફ્રાઈમ અને મનાશ્શાનો વિસ્તાર અને દૂર પશ્ચિમી સમુદ્ર* સુધી યહૂદાનો આખો વિસ્તાર,+ ૩ નેગેબ+ અને ખજૂરીઓના શહેર યરીખોના મેદાની વિસ્તારથી છેક સોઆર+ સુધીનો પ્રદેશ+ બતાવ્યો.
૪ યહોવાએ મૂસાને કહ્યું: “આ રહ્યો એ દેશ, જે વિશે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાઈને કહ્યું હતું કે, ‘હું એ તારા વંશજને આપીશ.’+ એ દેશ મેં તને નજરોનજર જોવા દીધો છે, પણ તું નદી પાર કરીને ત્યાં જઈ નહિ શકે.”+
૫ પછી યહોવાએ કહ્યું હતું તેમ, યહોવાના સેવક મૂસાનું મોઆબ દેશમાં મરણ થયું.+ ૬ પછી તેમણે મૂસાને મોઆબ દેશની ખીણમાં બેથ-પેઓર સામે દફનાવ્યો. પણ મૂસાની કબર ક્યાં છે એ આજ સુધી કોઈ જાણતું નથી.+ ૭ મૂસાનું મરણ થયું ત્યારે તે ૧૨૦ વર્ષનો હતો.+ તેની આંખો ઝાંખી પડી ન હતી અને તેનું બળ ઘટ્યું ન હતું. ૮ ઇઝરાયેલીઓ ૩૦ દિવસ સુધી મોઆબના ઉજ્જડ પ્રદેશમાં મૂસા માટે રડ્યા.+ પછી મૂસા માટે રડવાના અને શોક પાળવાના દિવસો પૂરા થયા.
૯ નૂનનો દીકરો યહોશુઆ બુદ્ધિથી* ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના માથે પોતાનો હાથ મૂક્યો હતો.+ હવે ઇઝરાયેલીઓ યહોશુઆનું કહેવું માનવા લાગ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓએ કર્યું.+ ૧૦ પણ ઇઝરાયેલમાં મૂસા જેવો પ્રબોધક ફરી ક્યારેય ઊભો થયો નહિ,+ જેને યહોવા નજીકથી* ઓળખતા હતા.+ ૧૧ ઇજિપ્તમાં ત્યાંના રાજા અને તેના સેવકો આગળ તેમજ તેના આખા દેશ વિરુદ્ધ જે બધી નિશાનીઓ અને ચમત્કારો કરવા યહોવાએ મૂસાને મોકલ્યો હતો, એ બધું જ તેણે કર્યું હતું.+ ૧૨ એટલું જ નહિ, આખા ઇઝરાયેલના દેખતાં મૂસાએ શક્તિશાળી હાથે મોટાં મોટાં અદ્ભુત કામો કર્યાં હતાં.+
અથવા, “અરાબાહમાં.”
અથવા, “મિસરથી.”
મૂળ, “ઇઝરાયેલના દીકરાઓને.”
વધારે માહિતી ક-૪ જુઓ.
અથવા, “આશ્તારોથમાં અને એડ્રેઈમાં રહેતા બાશાનના રાજા ઓગને.”
દેખીતું છે, એ લબાનોન પર્વતમાળાને બતાવે છે.
અથવા, “ફ્રાત.”
શબ્દસૂચિ જુઓ.
રાક્ષસી કદના અને મજબૂત લોકો.
મૂળ, “પૂરેપૂરી રીતે; સંપૂર્ણ રીતે.”
મૂળ, “જે તારી સામે ઊભો છે.”
અથવા કદાચ, “ઈશ્વરે તેને હિંમત આપી છે.”
અથવા, “તેઓને ઉશ્કેરશો નહિ.”
રાક્ષસી કદના અને મજબૂત લોકો.
એટલે કે, ક્રીત.
અથવા, “અને પ્રસવપીડા જેવું દર્દ અનુભવશે.”
અથવા, “પથ્થરની પેટી; શબપેટી.”
અથવા કદાચ, “લાવાથી બનેલા કાળા પથ્થરની.”
અથવા, “મનુષ્યના હાથના માપ.”
એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અર્થ, “યાઈરનાં તંબુવાળાં ગામો.”
એટલે કે, મૃત સરોવર.
મૂસા અહીં રૂબેન, ગાદ અને મનાશ્શાના અડધા કુળ સાથે વાત કરી રહ્યો છે.
અથવા, “આરામ આપે.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “દસ શબ્દો.”
અથવા, “તેમનો વારસો.”
અથવા, “તે ઇજિપ્ત પર આફતો લાવ્યા.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “યાદ કરાવવા સૂચનો.”
એટલે કે, ખારો સમુદ્ર અથવા મૃત સરોવર.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “નિંદા ન કરો; અપમાન ન કરો; ખોટી રીતે ન લો.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “આખલા.”
અથવા, “તમારું ભલું થશે.”
મૂળ, “બધા શબ્દો.”
મૂળ, “મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “જોમથી; તારા સર્વસ્વથી.”
અથવા, “મનમાં ઠસાવ; મન પર છાપી દે.”
અથવા, “માથાની પટ્ટી.”
મૂળ, “બે આંખોની વચ્ચે.”
એટલે કે, પથ્થરમાં ખોદેલા ટાંકાઓ.
મૂળ, “યાદ કરાવવા સૂચનો.”
મૂળ, “યાદ કરાવવા સૂચનો.”
અથવા, “ફારુનના.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.
મૂળ, “યહોવા આગળ.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ખાસ પ્રજા.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “તે તમારા પેટના ફળને આશિષ આપશે.”
મૂળ, “તેઓને તમે ભરખી જજો.”
મૂળ, “તમારી આંખ.”
અથવા, “તેઓ પર આફતો લાવ્યા.”
અથવા કદાચ, “તેઓમાં આતંક ફેલાવી દેશે; તેઓને ભયભીત કરી દેશે.”
અથવા, “ભય અને માન જગાડે એવા.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઊંડા પાણીના સ્રોત.”
રાક્ષસી કદના અને મજબૂત લોકો.
અથવા, “તેઓનો વિસ્તાર કબજે કરીને.”
અથવા, “ઢાળેલી મૂર્તિ.”
અથવા, “ઢાળેલું વાછરડું.”
અથવા, “તમારો વારસો.”
અથવા, “તમારો વારસો.”
અથવા, “લાકડાની પેટી.”
મૂળ, “દસ શબ્દો.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “સૌથી ઊંચાં આકાશો.”
મૂળ, “હૃદયોની સુન્નત કરો.”
મૂળ, “ગરદન અક્કડ કરવાનું.”
અથવા, “ભય અને માન જગાડે એવા.”
અથવા, “પિતા વગરના બાળકને.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
અથવા, “અને એવો નાશ કર્યો કે આજ સુધી તેઓનું નામનિશાન રહ્યું નહિ.”
અથવા, “પોતાના પગથી સિંચાઈ કરતા હતા.” એટલે કે, તેઓ પગથી ચક્ર ફેરવીને અથવા નીક બનાવીને પાણી સિંચતા હતા.
મૂળ, “હું.” આ અને પછીની કલમોમાં એ ઈશ્વરને બતાવે છે.
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
અથવા, “માથાની પટ્ટી.”
મૂળ, “બે આંખોની વચ્ચે.”
એટલે કે, મોટો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર.
અથવા, “સૂર્ય આથમે એ તરફ.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “માનતા-અર્પણ” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “જીવન.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “જે વસ્તુઓ પર પ્રતિબંધ મૂકીને પવિત્ર ઠરાવવામાં.”
અથવા, “તેમનું સાંભળો.”
અથવા, “કપાળ ન મૂંડાવો.” મૂળ, “આંખો વચ્ચેના વાળ ન મૂંડાવો.”
અથવા, “ખાસ પ્રજા.”
અથવા, “પાંખ.”
અંગ્રેજી, સી-ગલ.
અંગ્રેજી, પેલિકન.
લક્કડખોદ જેવું કલગીવાળું પક્ષી.
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ ઝુંડમાં રહેતાં નાનાં પ્રાણીઓને રજૂ કરી શકે, જે હવામાં, સમુદ્રમાં કે જમીન પર હોય છે.
અથવા, “પિતા વગરનાં બાળકો.”
અથવા, “વસ્તુ ગીરવે રાખીને ઉછીનું.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “આર.”
શબ્દસૂચિ જુઓ.
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ખમીર વગરની.”
ખમીરવાળો થોડો જૂનો લોટ. નવો લોટ ખમીરવાળો કરવા એને જૂના લોટ સાથે બાંધવામાં આવતો.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “દાતરડું લગાડો.”
અથવા, “કાપણીનો તહેવાર.” શબ્દસૂચિમાં “કાપણીનો તહેવાર” જુઓ.
અથવા, “પિતા વગરનાં બાળકો.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “વીંટામાં.”
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, ભક્તિ માટે યહોવાએ પસંદ કરેલી જગ્યા.
મૂળ, “આગમાં ચલાવતો હોય.”
મૂળ, “તમારી આંખ.”
મૂળ, “મોંથી.”
મૂળ, “તમારી આંખ.”
અથવા, “એનું ઉદ્ઘાટન કર્યું નથી?”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “લોહી વહેવડાવ્યું.”
અથવા, “બાળક પેદા કરવાની શક્તિની.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “નકાર.”
અથવા, “નકાર.”
અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “વેશ્યાગીરી.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “પિતાની પત્ની.”
મૂળ, “પિતાનું વસ્ત્ર ઉતારે છે.”
મૂળ, “વૃષણોને.”
એટલે કે, એવો છોકરો જેનાં માતા-પિતાનાં લગ્ન થયાં ન હોય.
અથવા, “ભ્રષ્ટ.”
એટલે કે, શૌચાલય.
કદાચ એવી સ્ત્રીને રજૂ કરે છે, જે કનાની દેવી-દેવતાની ઉપાસનાના ભાગરૂપે વેશ્યા તરીકે સેવા આપતી હતી.
મંદિરમાં વ્યભિચાર માટે રાખેલા પુરુષો.
મૂળ, “કૂતરાની.”
શબ્દસૂચિમાં “માનતા-અર્પણ” જુઓ.
અથવા, “નકાર.”
અથવા, “માણસનું જીવન.”
અથવા, “કોઢ.” અહીં “રક્તપિત્ત” માટે વપરાયેલા હિબ્રૂ શબ્દના ઘણા અર્થ થઈ શકે. એમાં ચામડીના બીજા ચેપી રોગોનો તેમજ કપડાંને અને ઘરને થતા અમુક ચેપનો પણ સમાવેશ થઈ શકે. શબ્દસૂચિ જુઓ.
અથવા, “પિતા વગરના બાળકનો.”
અથવા, “પિતા વગરનાં બાળકો.”
અથવા, “પિતા વગરનાં બાળકો.”
અથવા, “પિતા વગરનાં બાળકો.”
શબ્દસૂચિમાં “દિયરવટું” જુઓ.
મૂળ, “મરણ પામેલા ભાઈનું નામ ધારણ કરે.”
અથવા, “તેના કુટુંબકબીલાનું નામ.” મૂળ, “તેનું નામ.”
મૂળ, “તમારી આંખ.”
મૂળ, “તમારા ઘરમાં એક એફાહ અને એક એફાહ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “પ્રથમ ફળ.”
અથવા કદાચ, “અને તે મરવાની અણીએ હતા.”
મૂળ, “પ્રથમ ફળ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પિતા વગરનાં બાળકોને.”
અથવા, “પિતા વગરનાં બાળકોને.”
અથવા, “ખાસ પ્રજા.”
અથવા, “ચૂનાનો લેપ.”
અથવા, “ચૂનાનો લેપ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઢાળેલી મૂર્તિ.”
અથવા, “લાકડા અને ધાતુનું કામ કરનારના.”
અથવા, “એમ થાઓ.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “પિતા વગરના બાળકનો.”
મૂળ, “પિતાની પત્ની.”
મૂળ, “પિતાનું વસ્ત્ર ઉતારે છે.”
આ સગી બહેન અથવા સાવકી બહેન હોય શકે.
આ સગી બહેન અથવા સાવકી બહેન હોય શકે.
અથવા, “નિર્દોષ લોહી વહેવડાવવા.”
મૂળ, “પેટનું ફળ.”
મૂળ, “માથું બનાવશે, પૂંછડી નહિ.”
મૂળ, “મને.”
અથવા, “ટીબીનો રોગ.”
અથવા, “મનમાં ગભરામણ પેદા કરશે.”
મૂળ, “તમે કહેવતરૂપ બનશો.”
મૂળ, “તે માથું બનશે અને તમે પૂંછડી.”
મૂળ, “પેટના ફળનું.”
અથવા, “એશઆરામમાં જીવતો.”
અથવા, “એશઆરામમાં જીવતી.”
અથવા, “ભય અને માન જગાડે એવા.”
અથવા, “તે તેઓ પર આફત લાવ્યા.”
એટલે કે, મૂસા, જેના દ્વારા યહોવાએ એ કરાર કર્યો.
મૂળ, “જેઓ આજે આપણી સાથે નથી તેઓ.”
આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “સૂકાની સાથે લીલાનો.”
મૂળ, “હૃદયોની સુન્નત.”
મૂળ, “તમારાથી ઘણે દૂર પણ નથી.”
અથવા, “સારું.”
અથવા, “નરસું.”
મૂળ, “અંદર કે બહાર આવજા કરી શકતો નથી.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પોતપોતાની જગ્યા લો.”
મૂળ, “તું તારા પિતાઓ સાથે ઊંઘી જશે.”
અથવા, “તેઓ જાણે વેશ્યાગીરી કરશે.”
મૂળ, “ઇઝરાયેલીઓ વિરુદ્ધ સાક્ષી પૂરે.”
મૂળ, “ચરબી ચઢશે.”
મૂળ, “તેઓ વિરુદ્ધ સાક્ષી પૂરશે.”
મૂળ, “ઇઝરાયેલના આખા મંડળની.”
શબ્દસૂચિ જુઓ.
અથવા કદાચ, “માણસજાતને.”
એટલે કે, યાકૂબ.
મૂળ, “ઘેટાંની ચરબીથી.”
મૂળ, “દ્રાક્ષના લોહીથી.”
અર્થ, “નેક માણસ.” ઇઝરાયેલને સન્માન આપતો ખિતાબ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઈર્ષા જગાડી.”
શબ્દસૂચિ જુઓ.
અથવા કદાચ, “સલાહને કાન ધરતી નથી.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “તેઓને લીધે પસ્તાવો થશે.”
અથવા, “ઉત્તમ બલિદાનો.”
અથવા, “પેયાર્પણોમાંથી.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “મારા જીવના સમ.”
મૂળ, “સ્વર્ગ તરફ ઊંચો કરીને.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “દેશને શુદ્ધ કરશે.”
એ યહોશુઆનું અસલી નામ હતું. હોશીઆ એ હોશાયાહનું ટૂંકું રૂપ છે, જેનો અર્થ થાય, “યાહથી બચાવાયેલો; યાહે બચાવ્યો.”
મૂળ, “તું તારા લોકો સાથે ભળી જશે.”
મૂળ, “તે પોતાના લોકો સાથે ભળી ગયો હતો.”
અથવા, “પવિત્ર જનો.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “મંડળનો.”
અર્થ, “નેક માણસ.” ઇઝરાયેલને સન્માન આપતો ખિતાબ.
અથવા, “રક્ષણ કરવા તે પોતાના હાથે લડ્યો છે.”
આ કલમમાં “તમારાં” અને “તમે” ઈશ્વરને રજૂ કરે છે.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પગ કચડી નાખો.”
આ કલમમાં “તેની,” “તે” અને “તેના” ઈશ્વરને પણ રજૂ કરી શકે.
મૂળ, “ખભાઓ વચ્ચે.”
અથવા કદાચ, “પૂર્વના પહાડોની.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “ચૂસી લેશે.”
અથવા, “તેલમાં સ્નાન કરે.”
મૂળ, “જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.”
અથવા, “કાયમ તારી નીચે છે.”
અથવા કદાચ, “તેઓનાં ઉચ્ચ સ્થાનો.”
એટલે કે, મોટો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર.
અથવા, “ડહાપણથી.”
મૂળ, “મોઢામોઢ.”